જાન્યુઆરી મહિનાની ૧લી તારીખ એ ખ્રિસ્તી નવા વર્ષનો દિવસ છે. એ દિવસ નવી આશાઓ અને નવા દૃઢ સંકલ્પોનો દિવસ છે. ગયા વર્ષનાં લાભાલાભ, સફળતા-નિષ્ફળતા, આનંદ-શોકને વિસારે પાડીને આપણે નવા વર્ષને નવી આશાઓ રૂપે જોઈએ છીએ. ‘આપણી બધી ઇચ્છાઓ આ નવા વર્ષમાં પરિપૂર્ણ થાઓ !’ એવો પ્રતિઘોષ આપણા મનમાં પડે છે.

શ્રીરામકૃષ્ણદેવના ભક્તો આ દિવસને ‘કલ્પતરુ દિન’ રૂપે ઊજવે છે. તે ૧લી જાન્યુઆરી ૧૮૮૬નો પાવનકારી દિવસ હતો. શ્રીરામકૃષ્ણ ગળાના કેન્સરથી પીડાતા હતા. તેમનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે બગડતું જતું હતું. સારી સારવાર મળવામાં મદદરૂપ થાય અને માંદગીમાંથી ઝડપથી બહાર આવે એ માટે ભક્તજનો તેમને કોલકાતાની ઉત્તરે આવેલ કાશીપુરના ઉદ્યાનગૃહમાં લાવ્યા હતા. કેટલાક યુવાન શિષ્યો તેમની સેવાચાકરી માટે ઉદ્યાનગૃહમાં જ રહેતા. પોતાનાં દૈનંદિન કાર્યો અને રોકાણોમાંથી મુક્ત થયા પછી યથાવકાશે થોડા ગૃહસ્થ ભક્તો પણ આવતા. એ દિવસે શ્રીરામકૃષ્ણદેવને ઘણું સારું હતું અને તેઓ બગીચામાં ટહેલતા હતા. તે રજાનો દિવસ હતો અને થોડા ગૃહસ્થ ભક્તો ઉદ્યાનગૃહમાં તે દિવસે એકઠા થયા હતા. બપોર પછીના ૩ વાગ્યાનો સમય હતો, ભક્તવૃંદ બગીચામાં ટહેલતું હતું. શ્રીરામકૃષ્ણદેવને બગીચામાં ટહેલતા જોઈને તેમણે ઘણો આનંદ અનુભવ્યો. પછી એમણે પોતાના એક અનુયાયી ગિરીશ ઘોષને એક પ્રશ્ન પૂછ્યો, ‘ગિરીશ, આ તમે જે સહુને આટલી વાતો (મારા અવતારત્વ સંબંધે) કહેતા ફરો છો, તે તમે (મારા વિશે) શું જોયું છે અને શું સમજ્યા છો ?’

એ સાંભળીને રજમાત્ર થડક્યા વગર ગિરીશ એમનાં ચરણોમાં જમીન પર ઘૂંટણ ટેકવીને બેસી ગયા અને મોં ઊંચું કરીને હાથ જોડીને ગદ્ગદ સ્વરે બોલી ઊઠ્યા, ‘વ્યાસ-વાલ્મીકિ જેમનો પાર પામી નથી શક્યા, એમને વિશે હું તે વળી વધારે શું કહી શકું ?’ ભક્તિભાવથી બોલાયેલા આ શબ્દો સાંભળીને શ્રીરામકૃષ્ણ ભાવાવસ્થામાં આવી ગયા અને કહ્યું, ‘તમને બધાને વધુ શું કહું ? આશીર્વાદ દઉં છું કે તમને સહુને ચૈતન્ય હો.’ પછી શ્રીરામકૃષ્ણ સમાધિમાં સરી પડ્યા અને ત્યાં એકઠા થયેલા ભક્તોને સ્પર્શ કરવા લાગ્યા. આવી રીતે તેમને પણ ભાવાવસ્થામાં લાવી દીધા.

ત્યાં ઉપસ્થિત ગૃહસ્થ ભક્તોમાંના શ્રીરામચંદ્ર દત્તે કહ્યું કે એ વખતે શ્રીરામકૃષ્ણદેવ આપણાં હિન્દુ શાસ્ત્રપુરાણોમાં ઉલ્લેખાયેલ ‘કલ્પતરુ’ બની ગયા. કલ્પતરુ એટલે ઇચ્છાપૂર્તિ કરતું વૃક્ષ. પછીથી શ્રીરામચંદ્ર દત્ત આ ગૂઢ આધ્યાત્મિક ઘટનાને દર વર્ષે આ જ દિવસે ‘કલ્પતરુ’ દિવસ તરીકે ઊજવવા લાગ્યા.

એ વાત ખરેખર નોંધવી રસપ્રદ છે કે આ પ્રસંગે શ્રીરામકૃષ્ણદેવના કોઈ સંન્યાસી શિષ્ય ત્યાં ઉપસ્થિત ન હતા. કારણ કે મોટાભાગના શિષ્યોએ આખી રાત ધ્યાનમાં વિતાવી હોવાથી અને શ્રીઠાકુરની સચેત રહીને સેવા કરી હોવાને લીધે સૂતા હતા. બીજા કેટલાક શ્રીઠાકુરનો ઓરડો અને પથારી સાફસૂફ કરતા હતા.

શ્રીરામકૃષ્ણદેવના એક સંન્યાસી શિષ્ય શરત્ચંદ્ર ચક્રવર્તી જેઓ પાછળથી સ્વામી શારદાનંદના નામે જાણીતા થયા. તેમણે આ ઉદ્યાનગૃહના શ્રીરામકૃષ્ણદેવના રહેવાના ઓરડાની અગાશી ઉપરથી આ પ્રસંગ જોયો હતો. સ્વામી શારદાનંદે પછીથી એ વિશે ટીકા કરતા કહ્યું હતું કે એ ‘કલ્પતરુ દિન’ નામ ખોટી રીતે અપાયું હતું. એનું કારણ એ છે કે પુરાણશાસ્ત્રોનું આ કલ્પતરુ વૃક્ષ કોઈપણ વ્યક્તિને સારું પણ આપે છે અને ખરાબ પણ આપે છે, એટલે કે એ ગમે તે આપે છે. પણ અહીં શ્રીરામકૃષ્ણદેવે આધ્યાત્મિક રીતે કલ્યાણકારી થાય એવું આપ્યું છે. આ પ્રસંગને સ્વામી શારદાનંદ આ રીતે જુએ છે, ‘આત્મપ્રકાશે અભયપ્રદાન – આત્મપ્રકાશ દ્વારા બધા ભક્તોને અભયપ્રાપ્તિનો આશીર્વાદ.’

આ વર્ષે એટલે કે ૨૦૧૬માં આ દિવસ બે રીતે પવિત્ર દિવસ છે. એક તો કલ્પતરુ દિન રૂપે અને બીજુ શ્રીશ્રીમાના જન્મતિથિ ઉત્સવ રૂપે. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની આ ત્રિમૂર્તિમાં શ્રદ્ધા ધરાવતા ભક્તજનો શ્રીરામકૃષ્ણ અને શ્રીશ્રીમા શારદાદેવીને અભિન્ન ગણે છે. શ્રીશ્રીમાના દિવ્યજીવનમાં એક સૂક્ષ્મ નજર કરીએ તો તેઓે હંમેશાં પોતે પ્રગટ થઈને ભક્તજનોને અભય વરદાન આપે છે. એટલે જ શ્રીશ્રીમાને પણ આપણે ‘કલ્પતરુ’ કહી શકીએ !

શ્રીશ્રીમા – ‘કલ્પતરુવૃક્ષ’

દેવીસૂક્તના પાંચમાં શ્લોકમાં કહ્યું છે, ‘યં કામયે તમુગ્રં કૃણોમિ – જો મને કોઈ પસંદ આવે તો એને હું મહાનતમ બનાવું છું.’ જ્યારે જગદંબા દિવ્ય, અનંત, સર્વોત્કૃષ્ટ સત્ય સમ બ્રહ્મશક્તિ નામરૂપ ધારણ કરે છે ત્યારે તેઓ સર્વફળ આપનારાં, બધી અમીકૃપા કરનારાં અને બધી ઇચ્છાઓની પૂર્તિ કરનારાં બને છે. શ્રીરામકૃષ્ણદેવના અનુયાયી રૂપે આપણા માટે શ્રીશ્રીમા શારદાદેવી બ્રહ્મશક્તિના પ્રગટીકરણનું મૂર્તિમંત રૂપ છે.

શ્રીરામકૃષ્ણદેવ કથામૃતમાં કહે છે, ‘ઈશ્વરની કૃપા મેળવવા માટે આદ્યાશક્તિ દિવ્યમાતાને રીઝવવા જોઈએ. ઈશ્વર પોતે જ મહામાયા છે અને તેઓ આ જગતને પોતાની માયાજાળમાં ભરમાવે છે. સાથે ને સાથે તેઓ જ ઉત્પત્તિ, સ્થિતિ અને લયની જાદુગરી રચે છે. આ માયાશક્તિએ જ આપણી આંખ સામે અજ્ઞાનનો પડદો નાખી દીધો છે. આપણે ભીતરના ગર્ભગૃહમાં ત્યારે જ પ્રવેશી શકીએ જ્યારે તેઓ આપણને બારણામાંથી પસાર થવા દે.’ સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે શક્તિની પૂજા વિના કોઈ શુભ-કલ્યાણ સાધી શકાતું નથી. એક વખત સ્વામી બ્રહ્માનંદજીને કોઈ ભક્તે પૂછ્યું કે કોઈપણ શુભકાર્ય કરતાં પહેલાં શક્તિની પૂજા શા માટે થાય છે? તેમણે ઉત્તર આપ્યો કે જગદંબા પાસે બધાં દ્વાર બંધ કરવાની ચાવી છે. બધાં દ્વારનાં તાળાં ખોલીને કૃપાપૂર્વક તેેને ઉઘાડે તો જ તે તેમાં પ્રવેશી શકે. આમ, શ્રીશ્રીમા શારદાદેવી ખરેખર કલ્પવૃક્ષ છે, સર્વકર્મફલદાયિની છે.

ચાર પુરુષાર્થ-ચતુર્વર્ગફળનો વિચાર

ભારતવર્ષના સનાતન ધર્મની હિન્દુ જીવન પ્રણાલીની આધારશીલા આ ચાર પુરુષાર્થ રચે છે. તે પોતાના માનવજીવનમાં ઇચ્છતા ચાર ધ્યેયની વાત કરે છે. આ ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. પોતાના જીવનને સુખી અને પરિપૂર્ણ બનાવવા માટે આ ચારેય પુરુષાર્થ કે જીવન ધ્યેય દરેક માનવ માટે આવશ્યક છે. જો કે એક બાજુએ ત્યાગ અને મોક્ષ અને બીજી બાજુ કામ અને અર્થની સક્રિય ઝંખના વચ્ચે સહજ ઘર્ષણ રહે છે, એની વારંવાર ચર્ચા થઈ છે અને તેને સ્વીકારવામાં પણ આવ્યું છે. આને કારણે પ્રવૃત્તિ અને નિવૃત્તિની સંકલ્પના ઉદ્ભવી અર્થ, કામ પ્રવૃત્તિ છે જ્યારે ધર્મ, મોક્ષ નિવૃત્તિ છે. હિન્દુ ધર્મમાં આ બન્નેનું મહત્ત્વ છે. અર્થ કામની પ્રવૃત્તિને અભ્યુદય કહે છે અને મોક્ષ એટલે કે નિવૃત્તિને નિ :શ્રેયસ કહે છે.

આ બન્ને વચ્ચેના એટલે કે પ્રવૃત્તિપૂર્ણ જીવન અને ત્યાગમય જીવન વચ્ચેના ઘર્ષણને દૂર કરવા એક રચનાત્મક સૂચન શાસ્ત્રોએ કર્યું છે અને તે છે નિષ્કામ કર્મભાવ રાખવો, એટલે કે ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું. પ્રવૃત્તિને આ ભાવમાં રાખવી જોઈએ કારણ કે એ ધર્મ છે, એટલે કે તે શુભ, ગુણનિષ્ઠ અને સાચી ફરજ તેમજ નૈતિક પ્રવૃત્તિ છે. સાથે ને સાથે ધર્મકામના વિનાની ભૌતિક ફળકામની ઝંખના એમાં હોતી નથી. ગીતામાં કામનાવિહોણી અને ધર્મભાવના દ્વારા પ્રેરિત ભાવ કે વિચારને નિષ્કામ કર્મ કહ્યો છે. ઈશોપનિષદમાં પણ કહ્યું છે, ‘તેન ત્યકતેન ભુંજીથા : – ત્યાગીને ભોગવી જાણો.’

આ વિચારનું શ્રીશ્રીમા શારદાદેવીનાં

જીવન અને સંદેશમાં થતું પ્રગટીકરણ

શ્રીશ્રીમા શારદાદેવીનાં જીવન અને સંદેશ હિન્દુ ધર્મના સનાતન સિદ્ધાંત ત્રિવર્ગ (ધર્મ, અર્થ, કામ)થી પરમવર્ગ એટલે કે મોક્ષનું પ્રગટીકરણ છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે માનવજીવનનું ધ્યેય ઈશ્વરનો સાક્ષાત્કાર છે. શ્રીશ્રીમા શારદાદેવીએ આ સત્યને પોતાના જીવન દ્વારા ચરિતાર્થ કર્યું હતું. કુટુંબ કે સમાજમાં રહીને તેમણે ફળની કામના રાખ્યા વિના પોતાની ફરજો નિષ્ઠાથી બજાવી. એમના એક સેવિકાએ બરાબર કહ્યું છે, ‘ અમે આવી સમર્પણ ભાવના ક્યારેય જોઈ નથી અને આવી નિરાસક્તિ પણ કયારેય જોઈ-જાણી નથી.’

શ્રીશ્રીમાના દિવ્ય સ્વરૂપનો પ્રાદુર્ભાવ

સ્વામી શારદાનંદ ‘કલ્પતરુ’ શબ્દને આ રીતે જુએ છે, ‘આત્મપ્રકાશે અભયપ્રદાન – આત્મપ્રકાશ દ્વારા બધા ભક્તોને અભયપ્રાપ્તિનો આશીર્વાદ.’

સ્વામી ગંભીરાનંદજીએ લખેલ શ્રીશ્રીમાની જીવનકથામાં આવો ઉલ્લેખ છે, ‘આપણે શ્રીશારદામણિ દેવીને ‘મા’ કે ‘ગુરુ’ કે ‘દેવી’ રૂપે જાણીએ છીએ. પણ થોડો ગહન વિચાર કરીએ તો આપણને ખાતરી થશે કે આ ત્રણેય પાસાં એમના જીવનમાં વણાયેલાં છે, એટલે કે એમના જીવનમાં આ ત્રણેયનો સઘન અને દુર્લભ સમન્વય થયો છે. જ્યારે તેઓ માતૃસ્વરૂપે આપણી સમક્ષ પ્રગટ થાય છે ત્યારે બધાં અજ્ઞાનને દૂર કરી દેનાર, સાચા જ્ઞાનને આપણામાં સંક્રમિત કરનારી તેમની ભીતરની શક્તિની એક ઝાંખી થાય છે. જ્યારે આપણે એક ગુરુરૂપે તેમનો સંપર્ક સાધીએ છીએ ત્યારે તેઓ એક માતારૂપે આપણને પોતાના ઉત્સંગની દિવ્ય ઉષ્મા પણ આપે છે. જ્યારે આપણે શ્રીશ્રીમાને તેમનામાં રહેલા ગુરુરૂપે જાણીએ છીએ ત્યારે તેમનેે પોતાના દિવ્યતેજોજ્જવલરૂપમાં જોઈએ છીએ.’

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી શારદાનંદજીએ શ્રીશ્રીમાની નિકટ રહીને તેમની દાયકાઓ સુધી સેવા કરી છે. આમ છતાં પણ કોઈ તેમને શ્રીશ્રીમા વિશે પૂછતું ત્યારે તેઓ એક ગીત ગાઈને તેનો જવાબ આપતા. આ ગીતનો ભાવાર્થ આ છે, ‘દીર્ઘકાળ સુધી રહ્યો તમ સમીપે મા, છાયની જેમ ફરતો રહ્યો તમારી પાછળ પાછળ! છતાંય તમને ન સમજી જાણી શક્યો મા, એ હાર હું સ્વીકારું છું.’ એટલે જ જ્યાં સુધી શ્રીશ્રીમા પોતે પોતાની જાતને પ્રકટ ન કરે ત્યાં સુધી એમને ઓળખવાં કઠિન છે.

એક વખત એક ભક્તને શ્રીશ્રીમાએ કહ્યું, ‘હું તને સ્પષ્ટ વાત કરું છું, જ્યાં સુધી હું અહીં છું (જીવું છું) ત્યાં સુધી મને તેમાંનો એકેય સમજી-જાણી શકશે નહીં; ત્યાર પછી તેઓ બધી બાબત જાણશે.’

એક ભક્તે બીજા પાસેથી સાંભળ્યું હતું, ‘શ્રીશ્રીમા મહાકાલી જ છે, મહાશક્તિ છે, દેવી છે.’ આ ભક્તને એ વિશે શ્રીશ્રીમા પાસેથી ખાતરી મેળવવાની ઇચ્છા થઈ, કારણ કે ગીતામાં આવા એકરારનો ઉલ્લેખ છે. એટલે એ ભક્તે શ્રીશ્રીમાને કહ્યું, ‘તમારા વિશે મેં જે સાંભળ્યું, એમાં મને શ્રદ્ધા છે. છતાં પણ તમે પોતે મને એવું કહો તો મારા મનમાં ઊભી થતી કોઈ પણ જાતની શંકાથી હું મુક્ત થાઉં. તમારા વિશેની એ વાત સાચી છે કે કેમ એ તમારી વાણીમાં જ જાણવા ઇચ્છું છું.’ શ્રીશ્રીમાએ કહ્યું, ‘હા, એ વાત એમ જ છે.’

જયરામવાટીના પોતાના છેલ્લા નિવાસ દરમ્યાન રસોયણ તરીકે તેમની સેવા કરતી એક મહિલા રાતના નવ વાગ્યે શ્રીશ્રીમા પાસે આવી અને કહ્યું કે તે કૂતરાને અડી ગઈ છે. હિન્દુ રિવાજ પ્રમાણે કૂતરાને અડવું એ દોષ ગણાય છે. હવે તેણીએ શિયાળાની ઠંડી રાતે સ્નાન કરવું પડે તેમ હતું. પણ શ્રીશ્રીમાએ કહ્યું, ‘આટલી મોડી રાતે સ્નાન ન કરતી. તારા હાથપગ ધોઈ લે અને કપડાં બદલાવી નાખ.’ પેલી સ્ત્રીએ તેનો વિરોધ કરતાં કહ્યું, ‘આટલું જ કરવું પૂરતું કેવી રીતે ગણાય?’ આ સાંભળીને શ્રીમાએ કહ્યું, ‘તો પછી ગંગાજળ લેજે.’ આમ છતાં પણ આ રસોયણ બાઈને આ બધું પવિત્ર થવા માટે ન જચ્યું! પછી પવિત્રતા સ્વરૂપિણી શ્રીશ્રીમાએ કહ્યું, ‘તો પછી મારો જ સ્પર્શ કરી લે.’

શ્રીઠાકુરના દેહાવસાન પછી ઘણા સમય બાદ શ્રીશ્રીમા કામારપુકુરથી જયરામવાટી આવતાં હતાં. તેનો યુવાન ભત્રીજો શિવરામ હાથમાં કપડાંની પોટલી લઈને માની પાછળ પાછળ આવતો હતો. જ્યારે તેઓ જયરામવાટી નજીક આવેલા એક ખેતર પહોંચ્યા ત્યારે શિવરામના મનમાં એક વિચાર આવ્યો અને તે સ્થિર ઊભો રહ્યો. શિવરામના આવા વર્તનનો માને ખ્યાલ ન આવ્યો અને તેઓ થોડા આગળ નીકળી ગયાં. પછી એના પગલાનો અવાજ ન સંભળાતાં તેમણે પાછળ જોયું તો શિવરામ સ્થિર ઊભો હતો. શ્રીમાએ નવાઈ પામીને કહ્યું, ‘ભાઈ શિવુ, તને શું થયું છે? આગળ ચાલવા માંડને!’ આ સાંભળીને શિવરામે કહ્યું, ‘તમે મને એક વાત કહો, તો જ હું એક ડગલું આગળ ભરીશ.’ શ્રીશ્રીમાએ પૂછ્યું, ‘એ શું છે?’ એટલે શિવરામે પૂછી નાખ્યું, ‘તમો કોણ છો એ મને કહેશો?’ શ્રીશ્રીમાએ કહ્યું, ‘હું કોણ હઈશ, હું તો તારી ફઈ છું.’ સૂર્ય આથમતો હતો એટલે ચિંતાના સૂરે શ્રીશ્રીમાએ કહ્યું, ‘પેલું જો! હું કોણ હોઈ શકું, બેટા? હું સ્ત્રી છું, હું તારી ફઈ છું.’ ‘સારું, ભલે ગમે તે કહો પણ….’ એમ શિવરામે આગળ કહ્યું. શિવરામને એ જ પરિસ્થિતિમાં સ્થિર ઊભો રહેલો જોઈને અંતે શ્રીશ્રીમાએ કહ્યું, ‘લોકો કહે છે કે હું કાલી છું.’ આ વાતની પૂરેપૂરી ખાતરી કરવા શિવરામે પૂછ્યું, ‘કાલી ? ખરેખર એમ જ છે ?’ એ સાંભળીને શ્રીશ્રીમાએ કહ્યું, ‘હા.’

શ્રીશ્રીમાને કેવી રીતે ઓળખવા

શ્રીશ્રીમા આદ્યાશક્તિ છે, સર્વોત્કૃષ્ટ બ્રહ્મનું પ્રગટ રૂપ છે અને તેઓ પોતે જ દિવ્યતા છે. આપણી સીમિત બુદ્ધિથી એમને જાણવાનો પ્રયત્ન કરવો એે મીઠાની પૂતળીના ગહન સાગરનું ઊંડાણ માપવા જેવું છે. તેઓ પરમાત્મા છે. શ્રીશ્રીચંડીમાં કહ્યું છે, ‘યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમ : – જે દેવી બધાં પ્રાણીઓમાં માતૃરૂપે વસે છે તેમને પ્રણામ હજો.’ જેમ દરેક જીવાત્મામાં પરમાત્મા રહે છે તેમ શ્રીશ્રીમા સર્વમાં રહેલાં છે. એમને જાણવા માટે આપણે આપણા દિવ્ય સ્વરૂપ, આપણા સાચા સ્વરૂપને જાણવું પડે. જ્યારે એક વખત આપણે અખંડ સચ્ચિદાનંદ રૂપ એવા આપણા સ્વરૂપને જાણીએ ત્યારે આપણે અસત્યમાંથી સત્ય તરફ, અંધારામાંથી અજવાળા તરફ અને મૃત્યુમાંથી અમૃત તરફ જઈ શકીએ છીએ. ત્યારે જ આપણે ઉપનિષદોએ કહેલી ‘અભી :’ની અવસ્થાએ પહોંચીએ છીએ. ગીતાના અધ્યાય ૬ના શ્લોક ૨૨માં પણ કહ્યું છે : ‘યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તત :’ – ‘જ્યારે આત્મલાભને પામીને યોગી બીજા કોઈ લાભને વધારે માનતો નથી અને જેમાં સ્થિત એવો તે ભારે દુ :ખથી પણ વિચલિત કરી શકાતો નથી.’ આ આત્મલાભ એટલે નિર્ભયતાની અવસ્થા. એ જ આપણા જીવનમાં કલ્પતરુના ઉદય સમુ બની રહેશે.

Total Views: 282

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.