શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબીલીટેશન સેન્ટર દ્વારા તા. ૧૪-૪-૨૦૧૬, દુર્ગાષ્ટમીના દિવસે આશ્રમના વિવેક હોલમાં ‘માતૃવંદના’ નામનો એક અનોખો અનુકરણનીય સુંદર કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. સ્વામી વિવેકાનંદના એક સૌથી અગત્યના સંદેશ ‘શિવજ્ઞાને જીવસેવા – માનવસેવા એ જ પ્રભુસેવા’ને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમ વિશે વિગતે જાણીએ. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા છેલ્લાં દસથી વધારે વર્ષથી ચાલતા સેરેબ્રલ પાલ્સી રિહેબીલીટેશન સેન્ટરમાં ૩૦૦થી પણ વધુ બાળકોને તેમનાં માતપિતામાંથી મુખ્યત્વે માતાઓ જ થેરાપીમાં લાવે છે.

આ વિશેષ બાળકો જેને આપણે દિવ્યાંગ તરીકે ઓળખીએ છીએ. તેઓ એક એવી સ્થિતિનો ભોગ બનેલ છે કે જે વધતી નથી, ઘટતી નથી કે મટતી નથી. આવાં બાળકોને પુનર્વસનનું કામ ભગીરથ છે. આ કાર્ય માટે ઈશ્વરે માતાની પસંદગી કરી છે, કારણ કે ઈશ્વરને માતા પર ચોક્કસ વધારે વિશ્વાસ છે કે તે પોતાના બાળકની ઈશ્વરની જેમ સેવા સારવાર કરશે.

સ્વામીજીના સંદેશને અક્ષરશ : જીવી બતાવનાર આ ગુણવાન માતાઓનું સન્માન ન કરીએ તો આપણે નગુણા જ કહેવાઈએ. આ કેન્દ્રવર્તી વિચાર સાથે કાર્યક્રમનો શુભારંભ થયો. આ કાર્યક્રમની મહત્તાની વિશેષતા વિશે સિનિયર કાઉન્સેલર ડૉ. દક્ષાબહેને રજૂઆત કરી હતી. કેન્દ્રના થેરાપીસ્ટે માતામાં રહેલ સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગાના ગુણોને એક સુંદર નૃત્ય દ્વારા શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત કર્યા હતા. ત્યાર પછી કાર્યક્રમના મુખ્યવક્તા કે જેની જિહ્વા પર સરસ્વતીનો વાસ છે તેવી જૂનાગઢની નાનકડી રાધા મહેતાએ જણાવ્યું હતું કે આ મહાન આભાને તમારી પાસે મોકલી ઈશ્વરે તમારા પર કેટલો વિશ્વાસ મૂક્યો છે – તમને ખાસ વંદનીય માતાનો દરજ્જો આપ્યો છે. ભાવસભર વાણીમાં રાધા મહેતાએ દરેકના અંતરમનને ઢંઢોળીને તેમને આ પડકારભર્યા કાર્ય માટે વધુ સજ્જ કર્યા.

ત્યાર પછી ‘એક માતા ધારે તો શું કરી શકે’ એ વિશે પાવર પોઇંટના સ્લાઈડ શો દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત માતાઓને પ્રોત્સાહિત કરી. કાર્યક્રમની હાર્દ સમાન રજુઆત એટલે કે માતાપિતા દ્વારા બનાવાયેલ, આર્થિક રીતે મુશ્કેલ રૂપ ન બને તેવા ઘરેલુ વસ્તુઓની આગવી સૂઝબૂઝ દ્વારા ઉપયોગ કરી તેનેે રોગોપચાર માટે કઈ રીતે વપરાશમાં લઈ શકાય તે અંગેનો સ્લાઈડ શો આ વિભાગના પ્રમુખ ડૉ. નિવૃત્તિ વ્યાસે રજુ કર્યો હતો.

ત્યાર બાદ આશ્રમ દ્વારા આ વિભાગના ડેપ્યુટી ડૉ. દર્શિતા શાહના હસ્તે પસંદ કરેલ ૧૮ માતાઓનું પ્રસાદીરૂપે સાડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે આશ્રમના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજીએ આશ્રમની ફિઝિયોથેરાપીસ્ટ બહેનો દ્વારા સમર્પિત ભાવથી રજૂ કરેલ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો.

‘સર્વ મંગલ માંગલ્યે..’ શ્લોક અને શ્રીમા શારદાની વંદનાના શક્તિ આપતા સહગાન પછી એકી અવાજે ગાન કરીને સૌએ વિદાય લીધી.

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.