(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

(ગયા અંકમાં ગધ્ધાપચ્ચીશી અને છાયા-પકડ વિશે વાંચ્યું, હવે આગળ…)

વિદ્વજ્જન

મારા માટે અદૃશ્ય હંસજીની ઉપસ્થિતિ કોઈ પણ બીજી ઉપસ્થિતિ કરતાં વધારે ગંભીર અને ગહન બની ગઈ. એમની સાથે કરેલી યાત્રાઓનો રંગ જ કંઈક જુદો હતો. વાયદા પ્રમાણે મારી આસપાસ ઘટનારી ઘટનાઓનો હું મૂક દર્શક બન્યો હતો. જાણકારી મેળવવા માટે કેટલીય વાર હું હંસજીને પ્રશ્ન પૂછી લેતો. મને એ ખબર નથી કે બીજા પણ એમના એ અદૃશ્ય અવાજને સાંભળી શકતા હતા કે નહીં, લગભગ તો નહીં જ. જો કોઈ મને પાતળી હવામાં વાતો કરતો જોઈ લે, તો તેને મારા પાગલ હોવા પર સંદેહ ન રહેતો. હંસજીએ મને કહ્યું, ‘આવો, મારી સાથે આ ખંડમાં આવો. કેવળ સાંભળો અને જુઓ. કંઈ બોલતો નહીં, સમજ્યો?’

મેં જવાબ આપ્યો, ‘ઠીક છે.’

અમે એક શાનદાર હોલમાં હતા. એના મધ્યમાં એક મેજ પર ઘણા પ્રકારનાં ભોજન હતાં. ફળોનાં શોખીન પક્ષી હોવાને કારણે મારું મન એ સુરુચિપૂર્ણ ભોજનમાં ન હતું. પણ કંઈક એવું હતું કે જે મારું ધ્યાન પોતાની તરફ ખેંચતું હતું. મેં અનુભવ્યું કે ભોજનના એ ઢગલામાં કંઈક અજીબ અને ભેદક વાત છે. ટેબલની આસપાસ સાત અજબ જેવાં લાગતાં પ્રાણીઓ બેઠાં હતાં. એમના ચહેરા કાગડાને મળતા આવતા હતા અને કાગડાની જેમ તેઓ પણ ચતુર અને ચાલબાજ લાગતા હતા. એમની આંખોમાં સમજદારી ઝલકતી હતી. પરંતુ એમના હાવભાવમાં સમજદારીની સાથે આવનારી સાદગી ગાયબ હતી.

હું મારો પોતાનો પરિચય આ સાતને કરાવી શકું એવો કોઈ ઉપાય ન હતો. પણ મનમાં ને મનમાં મેં જન-એક, જન-બે, જન-ત્રણ એમ બોલાવવાનું વિચાર્યું. આ બધા ‘જન’ના અલગ અલગ રંગના ડગલા એ એમની ઓળખાણ હતી. કેટલાકે વિશેષ દેખાવા માટે વિગ પહેરી હતી. એકે માથું મુંડાવ્યું હતું. અને બાકીનાએ હસવું આવે એવા ટોપાં પહેર્યાં હતાં. તેઓ જે કોઈ પણ વસ્તુની રાહ જોઈ રહ્યા હતા તે ખરેખર મહત્ત્વની અને ગંભીર હશે. તેઓ પોતાની સામે વણસ્પર્શ્યા ભોજન ઢગલા તરફ તાકીને જોઈ રહ્યા હતા.

જન-એકે કહ્યું : ‘પ્રભુનો જય હો! ‘હાથમાં દિમાગ!’ હંમેશાંની જેમ આપણે પોતપોતાની સફળતાની વાતનું વર્ણન કરવા ભોજન માટે એકઠા થયા છીએ. નિયમ એ જ છે – આપણામાંથી સૌથી વધારે ઉપલબ્ધિવાળો આપણો અધ્યક્ષ થશે, પ્રાર્થના કરશે અને ભોજનના શ્રીગણેશ કરશે. એટલા માટે પહેલાં આપણામાંથી દરેક એ બતાવશે કે એણે પોતે કઈ સફળતા મેળવી છે અને પછી આપણે બધા એ નિર્ણય કરીશું કે આપણામાંથી કોની સફળતા મોટી છે? આપણે ઈશ્વરના વિનમ્ર સેવક છીએ અને આજે જે છીએ તે ઈશ્વરની કૃપાથી જ છીએ. આ વાત ચોક્કસ છે કે આપણામાંથી કોઈ પણ ‘જન’ પોતાની આત્મપ્રશંસા કરવા ઇચ્છતો નથી. પણ આ દુનિયાના ભલા માટે આપણે બોલવું તો પડશે.’

‘પાખંડી,’ એમ મેં રાડ પાડીને કહેવા ઇચ્છયું. પણ મને હંસજીની ચેતવણી યાદ આવી ગઈ અને હું ચૂપ રહ્યો. વણકહેલી વાતોથી મારું પેટ ફૂલતું જતું હતું.

જન-બીજાએ કહેવાનું શરૂ કર્યું : ‘મને મળેલી સિદ્ધિઓએ મને વિનમ્ર બનાવી દીધો છે. એટલે મને બોલવામાં જરાક ખચકાટ થાય છે. પણ મારે નિયમો પ્રમાણે બોલવું તો પડશે. આપણી ગઈ સભા અસહમતિમાં પૂરી થઈ હતી. મને એ દર્શાવતાં આનંદ થાય છે કે મેં ગણિતનાં બધાં સમીકરણોનું મૂળ સમીકરણ શોધી લીધું છે. પક્ષીના પડવાની ગતિથી શરૂ કરીને ભગવાનની દરેક ઇચ્છાની આ ગણના કરીને પહેલેથી જ બતાવી શકું છું. ત્યાં સુધી કે તમારી છીંકો વિશે પણ હું વાત કરી શકું છું.’

બીજા અન્ય જનો એકી સાથે બોલી ઊઠ્યા, ‘વાહ, વાહ!’ થોડી વધારે જાણકારી મેળવવા માટે મારી પાંખો ફફડવા લાગી. હું એમને એ પૂછવા ઇચ્છતો હતો કે હું વડના ઝાડ પર પાછો ક્યારે પહોંચીશ? પણ મેં મારી જાતને રોકી રાખી.

પછી ત્રીજા જને કહ્યું : ‘આપણે આ મહાનુભાવને પોતાની ઉપલબ્ધિઓ માટે ધન્યવાદ દેવા જોઈએ. હું પોતે એમને નમન કરું છું. જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી હું પોતે મારી જાત પર ગર્વ કરવા ઇચ્છતો નથી. પણ હું એ બતાવી દેવા ઇચ્છું છું કે મેં આ બ્રહ્માંડની નાનામાં નાની વિગતો કેવી રીતે, શા માટે અને ક્યારે બની તેની માહિતી મેળવી લીધી છે.’ ‘વાહ, વાહ!’ બધા મોટે અવાજે બોલી ઊઠ્યા. મને નવાઈ તો એ વાતની લાગી કે આ તંગ ચાંચમાંથી આટલો મોટો અવાજ કેવી રીતે નીકળી શક્યો?

પછી જન-ચોથાએ જન-ત્રીજાને ધન્યવાદ આપતાં કહ્યું, ‘મહોદયજી, હું આપને ધન્યવાદ પાઠવું છું પણ કોઈ પણ જાતના અહંકાર વિના હું એ કહેવા ઇચ્છું છું કે મેં રસાયણમાંના એક રસાયણને શોધી કાઢ્યું છે. આ રસાયણ જીવનને નિપજાવી શકે છે અને તેને સમાપ્ત પણ કરી શકે છે. મારી આ બંને શોધ આપ બંનેની ઉપલબ્ધિઓ કરતાં ચડિયાતી છે. બ્રહ્માંડને ચલાવવા કોઈ આંધળો કાયદો નથી અને એ ઈશ્વરની ઇચ્છાશક્તિથી પણ ચાલતું નથી. આદિ અને અંત માટે ઈશ્વરની જરૂર નથી. એ તો સ્વતંત્ર શક્તિ, સ્વાધીન ઇચ્છા અને સાક્ષાત્ સ્વતંત્રતા છે.’

મારું માથું ફરવા લાગ્યું. બીજો જન તરત જ ઊભો થઈ ગયો, ‘શ્રીમાન્ અધ્યક્ષ, જો આ વક્તા પોતાની સીમામાં રહે અને બીજાની સીમામાં ન પહોંચે તો હું રાજી છું. જે સાંસારિક પદાર્થમાં રુચિ રાખે છે તેણે ઈશ્વર વિશે કંઈ ન કહેવું જોઈએ. અને જો કોઈ વ્યક્તિ પોતાના રસાયણનો ઉપયોગ કોઈ ચીજની ઉત્પત્તિ અને તેના વિનાશ માટે એકીસાથે કરે તો પરિણામ શું આવશે? જો એવું થાય તો એને જીવિત-મૃત્યુ કહી શકાય કે મૃતજીવન!’

‘પાઆઆઆગલ!’ હું પૂરેપૂરી ખીજ સાથે મોટેથી બોલી ઊઠ્યો. મારી આ ચીસ આખા હોલમાં ગુંજી ઊઠી અને બધાની આંખો મારા તરફ ફરી. મને ઊંઘમાં સ્વપ્ન અનુભવનાર માત્ર એક પોપટ જાણીને તેઓ વળી પાછા વાર્તાલાપમાં મંડી પડ્યા. શ્રીમાન હંસજીનો કોઈ અવાજ આવતો ન હતો. મને ખ્યાલ ન હતો કે તેઓ ત્યાં જ હતા. કદાચ અદૃશ્ય હાસ્ય વેરતા હતા. મારાથી ભૂલ થઈ ગઈ એટલે હું ફરીથી વચ્ચે બોલ્યો નહીં.

વિદ્વાનોના મેળ વગરના સ્વર ધમાકેદાર શોરબકોરમાં ફેરવાતા જતા હતા. એમની શબ્દશક્તિ એમની વાક્શક્તિ સાથે પૂરેપૂરી મેળ ખાતી હતી. મારઝૂડ જેવું થઈ ગયું અને વાદવિવાદની જગ્યાએ હવે બકવાસ અને વિતંડાવાદ શરૂ થઈ ગયાં. અધ્યક્ષે હથોડી પછાડી અને બધા ચૂપ થઈ ગયા.

જન-એક કહ્યું : ‘આપ ‘હાથમાં દિમાગ’ એ વિષય પરના આપ બધાના વિચાર સાંભળીને મને સારું લાગ્યું. કોઈ બીજી વાત પર સહમત ન થવા છતાં પણ ચાલો આપણે અસહમતિ પર સહમત થઈએ. અને આવું આપણા માટે સદા થતું આવ્યું છે. બીજા દિવસોની જેમ આજે પણ આ ભોજન વણસ્પર્શ્યું રહી જશે. જો આપ ઇચ્છો તો એક પ્યાલો પાણી પી શકો છો અને પછી સભા વિસર્જિત થશે.’

અમે સભાખંડમાંથી બહાર આવ્યા. મેં હંસજીને ગંભીરતાથી પૂછ્યું, ‘શ્રીમાન, આપણા અહીં આવવાનો હેતુ શો હતો?’ હંસજીએ મજાકથી આશ્ચર્ય સાથે કહ્યું, ‘શું તને એ બધામાંથી કોઈનામાં પણ તારો ચહેરો ન દેખાયો?’

મેં એમની વાત પર ધ્યાન ન આપતાં પૂછ્યું, ‘શ્રીમાન, શું પોતાને વિશેષજ્ઞ સમજનારા આ લોકો ખરેખર આટલા મૂર્ખ હોય છે? કે તેઓ ઊંચે આવવા માટે આવા દંભ-દેખાવ કરે છે?’ હંસજી, ‘ટિયા, એ લોકો બીજું કરેય શું? સાધારણ લોકો પોતાની જાતને અસાધારણ દેખાડવા માટે આવું જ કરે છે – પોતાને અસાધારણ સમજવા અને લોકોને એવું દેખાડવામાં જ એમને રોમાંચ આવે છે અને આ રોમાંચ જ એમના જીવનની ગાડીને ઠેલ્યે રાખે છે.’

ટિયા, ‘પરંતુ શ્રીમાન…, આ તો ઘણું વધારે થઈ ગયું ખરું ને? શું આપ આ અભાગિયાઓને બચાવવા માટે કંઈ ન કરી શકો? તેઓ બધા માથું ફેરવી નાખનારા સપનામાં બૂરી રીતે જકડાઈ ગયા છે!’

હંસજી, ‘ટિયા, હું તો બધાને માટે છું. કેટલાક મને પોતાની પાસે રહેવા દેતા નથી. કેટલાક મને દૂર ભગાડી દે છે. કેટલાક મારા પ્રયત્નોને જોયા ન જોયા કરે છે અને વળી એમાંથી પણ કેટલાક એટલા ખરાબ છે કે જે પાછા ફરીને મારો નાશ કરી દેવા ઇચ્છે છે.’

એમની વાતો મારી સમજમાં બરાબર ન આવી. (ક્રમશ 🙂

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.