(ગયા અંકમાં ટિયાના હિમશિલા પરના ઊતરાણ અને તેને થયેલ વિવિધ અનુભવોના આસ્વાદન વિશે વાંચ્યું, હવે આગળ…)

શ્રીહંસ મહારાજની સાથે

મારું દિમાગ મારા નિયંત્રણમાં ન હતું. અહીંતહીં ભાગતા મારા શરીરને પણ તે ખેંચતું હતું. પોતાના પ્રેમને ઢોળતી, પોતાના વણસેલા શેતાન બાળકથી દુ :ખી થઈને તેને મનાવવા એની પાછળ પાછળ જતી માતાની જેમ મારું શરીર મારા દિમાગ પાછળ હડબડ થતું ઘસડાતું જતું હતું. એ દિવસો વિશે વિચારું છું તો મને મારા શરીર પર દયા આવે છે. એણે પોતાના પ્રિયજન એટલે કે મારા દિમાગની નજીક રહેવા આટઆટલાં દુ :ખ સહન કર્યાં હતાં.

મારી પોતાની પાંખો ફફડાવતો જેવો હું ઊડ્યો કે મને મારા પોતાના વડલાની ઓળખ અને તેના પરની સલામતી જેવી વાતો યાદ આવવા લાગી. જેની આવતીકાલ સુખદ હોય તે ગયેલા વખત વિશે વિચારતો નથી. મારી પણ કંઈક આવી અવસ્થા હતી. નવા અનુભવો મને હવે પછીના ભાવિ અનુભવો મેળવવા પ્રેરતા હતા અને એમાં જ જૂના અનુભવો વિલીન થતા હતા.

ઘટનાઓ એટલી ઝડપથી બનતી રહી કે સમયનો મને અંદાજ ન રહ્યો. મારી સ્મૃતિમાં એના વિવરણનો ખીચડો થઈ ગયો. એ વખતે મને કેવળ આ એક જ ચેતના રહી કે મારું અટકવું કે પાછા વળવું અશક્ય હતું. અત્યાર સુધી જે કોઈ સ્થળે હું રહેવા કે રોકાવો ઇચ્છતો હતો ત્યાંથી મને સૌ પરાણે તગડી મૂકતા. વળી જે સ્થળેથી હું દૂર જવા ઇચ્છતો હતો ત્યાં મારે બળજબરીથી રોકાઈ જવું પડતું.

કોઈ બાળક ઝડપથી ચાલતી બસમાં યાત્રા કે પ્રવાસ કરતું હોય એના જેવો હું હતો. એ બાળકને બસમાં અહીંતહીં ફરવાની સ્વતંત્રતા ખરી પણ બહાર નીકળવાનું નહીં; એટલે બસમાં બેઠાં બેઠાં નવાં નવાં દૃશ્ય અત્યંત વેગ સાથે આંખ સામે આવતાં અને જતાં, એ બાળક જોતો રહે છે. અલબત્ત, મારા અનુભવોથી હું શીખતો હતો પણ હું પેલા બાળકની જેમ બંધનમાં હોય એવું અનુભવતો હતો અને મુક્ત થવા ઇચ્છતો હતો.

મારો પ્રત્યેક રોમાંચ અનોખો હતો, એનો વિચાર કરીને હું મલકાયો. જેમાંથી હું પસાર થયો એવા મારા પ્રત્યેક અનુભવે મારા વ્યક્તિત્વને મારાથી અલગ કરીને, ખંખેરીને, સાફસૂફ કરીને ફરીથી તેને મારી ભીતર મૂક્યું અને મને એક નવો પોપટ બનાવ્યો હતો. મારા શારીરિક રૂપમાં કોઈ મોટું પરિવર્તન આવ્યું ન હતું પરંતુ આંતરિકરૂપે હું હંમેશાંને માટે બદલાઈ ગયો હતો. આ બધું શ્રીહંસજીના ‘તું કંઈ સાધારણ પોપટ નથી’ આ પાંચ શબ્દોને કારણે થયું હતું. સાદગી એક જીવંત શક્તિ હોવી જ જોઈએ – પરમ પિતા પરમેશ્વર એક સીધું-સાદું પક્ષી હોવું જોઈએ, જેના શબ્દો પણ અતિ સરળ હોવા જોઈએ.

આવી રીતે મારા વિચાર શ્રીહંસજી પર કેન્દ્રિત થઈ ગયા. મને લાગ્યું કે કદાચ તેઓ મારા વિશે ખોટું કહી રહ્યા હતા. એવામાં તો મારી સાથે જે બન્યું તે બધું નિરર્થક હતું. ભલા, કયું બુદ્ધિશાળી પક્ષી એ દિમાગને બગાડી દેનારા અનુભવોમાંથી જાણી સમજીને પસાર થાય? શ્રીહંસજીને જાણવા માટે આટલી બધી મુસીબતો ઉઠાવવી યોગ્ય છે એવી મેં મારી જાતને ધીરજ બંધાવી. સલામત રહેવા અને એમને ન જાણવા કરતાં તો એમને જાણીને મુશ્કેલીમાં પડીએ એ વધારે સારું.

‘તમે મને ક્યારેક ક્યારેક યાદ કરી લો છો એ જાણીને ઘણું સારું લાગ્યું.’

આ શ્રીહંસજી હતા – એમના વિશે વિચારો અને તેઓ હાજર જ હોય. આ પહેલાં પણ મેં હંમેશાં એવું જ અનુભવ્યું હતું. તેઓ મારા દેહનો વિસરાયેલો હિસ્સો હતા અને એના પર જ્યારે ધ્યાન આપો ત્યારે જ તેઓ અચાનક સામે જ પ્રગટ થઈ જાય. ઘણા સમયથી મને એમના વિશે કંઈ ખબર કે જાણકારી ન હતી. એમાં એમનો દોષ ન હતો. મેં એમને કોસવા કરવા સિવાય એમના વિશે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું ન હતું. મને એવું લાગ્યું કે બધાની જેમ હંસજી પણ જ્યારે એમને ખ્યાલ આવી જાય કે હવે એમના પર ગાળો વરસવાની છે તો તેઓ સામે જ નહિ આવે. પણ સત્ય તો એ છે કે ગાળ દેવા કે દોષારોપણ કરવા છતાં તેઓ જ એક ભરોસાપાત્ર અને પોતાના હોય એવું લાગતું હતું. પ્રસંગોની ઘટમાળમાં બધું બદલાતું જણાતું હતું અને કેવળ તેઓ જ સ્થાયીરૂપે હતા.

કદાચિત્ એમને સાકાર રૂપ હોત તો!

એમને મારી પાસે જોઈને હું એટલો ખુશ થયો કે મારાં બધાં દુ :ખદર્દ આંખોમાંથી બે નાની નાની ધારાઓ દ્વારા વહીને દૂર થઈ ગયાં. હંસજી મહારાજ નિરાકાર હોવાથી તેઓ મને જોઈ શકતા હતા કે કેમ, એનો મને ખ્યાલ ન હતો, એટલે હું ઊડતો જ રહ્યો. કદાચ એ પાગલપણાનો સામનો કરીને પછી મારી પાસે સામાન્ય બનવાની આ જ સૌથી વધારે સારી રીત હતી.

મારા શરીર અને દિમાગને સ્થિર રાખવા હું એક વૃક્ષ પર ઊતર્યો. હું જે જે દેશોમાંથી પસાર થયો હતો તેની યાદોનો દંશ ધીમે ધીમે ઓસરતો ગયો. જેમ કોઈ ઝેરી સાપથી ભરેલી અંધારી ખાઈમાંથી કોઈ પણ જાતની હાનિ વગર નિર્વિઘ્ને બહાર નીકળી જાય તેવી શાંતિ હું અનુભવવા લાગ્યો. એ શાંતિ સાથે આનંદ, બેહદ આનંદ પણ મળ્યો.

શ્રીહંસજીએ પછી કહ્યું : ‘તું વિચારતો હશે કે તું બીજાથી ભિન્ન કેમ છો, ખરુંને? વાસ્તવમાં કોઈ સામાન્ય પક્ષી આવા અનુભવોમાં બચીને જીવતું ન આવી શકે. વળી જો કોઈ બીજું પક્ષી હોત તો આ દેશોમાંથી કોઈ એકમાં ફસાઈ ગયું હોત અને પછી મરણને શરણ થઈ ગયું હોત.

કેટલાંક પક્ષી આમાંની બેત્રણ રોમાંચક ઘટનાઓમાંથી બચી જાત અને પોતાની આ સાધારણ સિદ્ધિઓનાં ગર્વપૂર્વક બણગાં ફૂંકત. ટિયા, તું ખરેખર અસાધારણ છે. બહુ ઝડપથી એનો ખ્યાલ તને આવી જશે.’

હું જરા વધારે મુક્તપણે મલકાયો, પણ એ જ સમયે વિનમ્ર બની ગયો. સામાન્ય લોકો એ નથી જાણતા કે વ્યક્તિને ઝુકાવવાનો સૌથી સારો ઉપાય છે તેની પ્રશંસા કરવી. શાંતિભંગ કરતાં હંસરાજે પૂછ્યું, ‘ટિયા, ચાલ કહેતો ખરો, તારી આ અંતર્યાત્રાઓ કેવી રહી?’

‘આપ તો બધું જાણો છો, પછી શા માટે પૂછો છો?’ મેં નમ્રતાથી કહ્યું. આ પહેલાં ક્યારેય ન અનુભવેલી હોય એવી શાંતિ હવે હું અનુભવતો હતો. આ શાંતિ તોફાન પછીની શાંતિ જેવી હતી.

‘તું આટલો શાંત દેખાય છે?’

પહેલાંના દિવસોમાં આવી વાતોનો જવાબ કે એની પ્રતિક્રિયા કંઈક અલગ જ હોત. પણ અત્યારે એવું ન થયું. હું મલકાઈ ઊઠ્યો. અનુભવોથી જ જ્ઞાન મળે છે અને જ્ઞાન એ જ શક્તિ છે. શક્તિ જ શાંતિ આપે છે અને હું શાંત હતો.

‘ટિયા, શિખર ઉપર ચડતી વખતે તમે ઉપર જાઓ છો અને નીચે પણ ખરા, પણ આટલું જરૂરી છે – આગળ વધવું; જીવનમાં ઉપર જવાનું અને નીચે આવવાનું એ બંને નિરર્થક છે.’

બાળકબુદ્ધિની ટેવમાંથી છુટકારો મેળવવો મુશ્કેલ છે – મારામાં હજી પણ તેનો અંશ હતો અને મેં હંસજીને ચિડવવા માટે ઉપર પણ જોયું અને નીચે પણ નજર નાખી. જો કે મેં પહેલાંની જેમ એમને કોઈ મૂર્ખતાભર્યા પ્રશ્નો ન પૂછ્યા. હું જાણી ગયો હતો કે જો કોઈ પોતાની પ્રતિક્રિયાને એક પળ માટે પણ રોકી શકે તો કેટલીય દુ :ખદ ઘટનાઓ અટકાવી શકાય. જે દિવસોમાં હું કામને ઝટપટ પૂરું કરવામાં માનતો હતો, એ દિવસોમાં હું શાંતિ રાખવા શ્રીહંસજીની વાતો માની લેતો. પણ હવે તો વાત અલગ હતી. શબ્દજાળ રચવાને બદલે મેં કહ્યું, ‘શ્રીમાન, હું આ બધામાંથી બહાર નીકળવા ઇચ્છું છું. ફરી એકવાર હું સામાન્ય જીવન જીવવા ઇચ્છું છું. આ જંજાળમાંથી તમે જ મને બહાર કાઢી શકો છો.’

‘હુંમમ.’

‘હું આપનો આજ્ઞાંકિત રહ્યો છું અને હવે પછી પણ રહીશ. મારા પર આપ આ કૃપા કરો.’

‘ટિયા, તું પોતાના વડલા તરફ જ જઈ રહ્યો છે. જો તું ત્યાં પહોંચી જાય, તો તને જોવા મળશે કે તું એક જુદો જ ટિયા થઈ ગયો છે. એટલે થોડીવાર થોભી જા.’

‘અલગ ટિયા.’ એ શબ્દનો એમનો અર્થ શું હતો? એની મને ખબર ન પડી. શું મારી પાંખ લાલ થઈ જશે? શું મને સમડી જેવો અવાજ મળી જશે. એનાથી અમે બધાં ડરીએ છીએ. આ બધું ભુલભુલામણી જેવું હતું. એટલે વાતને સમજવા માટે મેં આદરપૂર્વક પૂછ્યું, ‘શ્રીમાન, શું હું બીજી જ ભાષા બોલવા માંડીશ?’

‘ભાષા એટલે તારી દૃષ્ટિએ પોપટની ભાષા હોય, તો તે નહીં બદલાય. જ્યારે પરિવર્તન આવશે ત્યારે તને એનો ખ્યાલ આવી જશે.’

‘શું એમાં આપણે ઝડપ ન લાવી શકીએ?’

શ્રીહંસજી બોલતા અટકી ગયા, આવું તો આ પહેલાં તેમણે ક્યારેય કર્યું ન હતું. એમના શબ્દો તો અરબી ઘોડાની જેમ દોડતા જોવા મળતા, લગામ ખેંચવી પણ મુશ્કેલ બની જતી. મેં એમને રસ્તામાં રોકી લીધા એનો મને આનંદ થયો.

‘ઘણું સારું, ચાલ, હવે પછી તું જે જોઈશ, સાંભળીશ અને સ્પર્શ કરીશ કે અનુભવ કરીશ એની કોઈ પ્રતિક્રિયા ન આપતો. જે થાય છે તે થવા દે. ઘટનાઓને આવવા દે, રહેવા દે અને જવા દે. પ્રતિક્રિયા એટલે તારે એમાં ભાગ લેવો. આ ભાગ લેવામાં જ હસવુંય આવે છે અને રડવુંય આવે છે; વળી ફરીથી પ્રતિક્રિયા થાય છે, એનાથી જંજાળમાં ફસાઈ જવાય છે. એનાથી અલગ રહે. આસક્તિ મારે છે અને અનાસક્તિ મુક્તિ આપે છે.’

હું તો અવાક થઈ ગયો. હંસજીની વાતમાં સાર્થકતા હતી, પણ એ ઘણી ગહન જણાતી હતી.

મેં સાહસ કરીને કહ્યું, ‘શ્રીમાન્, શું આપ મને આનાથી રોચક બીજો કોઈ રસ્તો બતાવશો ?’

‘હા છે. તું તારા પથે ઊડતો રહે, કદાચ એવુંય બને કે જેમને તેં ક્યારેય જોયા ન હોય અને જે તારી રાહ જોઈ રહ્યા હોય, એવા લાખો જીવોને ચાહવા લાગશે. પંખી, તારી યાત્રા શુભમંગલ હો!’

મારું હૃદય ખૂબ ધડકવા લાગ્યું અને મારું શરીર જોરથી કંપવા માંડ્યું. મેં ઉતાવળા થઈને કહ્યું, ‘શ્રીમાન્, જેવું આપે કહ્યું તેવું જ કરીશ.’ નવાઈની વાત તો એ હતી કે જે વૃક્ષ પર હું બેઠો હતો, તે મારા કાંપવાથી તૂટીને પડી કેમ ન ગયું!

જો હંસજી મારી સાથે કોઈ રમત કરતા હોય, તો તેઓ મહાન ખેલાડી હતા. પણ આવા ઉસ્તાદ સાથે રહેવું એ ઘણું સારું હતું. એમને કોઈ બીજાનો વિશ્વાસ મેળવવાની કળા માટે કોઈની પાસેથી કે ક્યાંયથી બોધપાઠ લેવાની જરૂર ન હતી.

કોઈનેય સીધો કરવા માટે એમનો એક શબ્દ જ પૂરતો હતો. હું અદૃશ્ય હંસજી સાથે વિશ્વાસ અને શ્રદ્ધાથી ઊડતો રહ્યો- નવા નવા દેશોમાં અને નવી નવી રોમાંચક યાત્રાઓ તરફ. (ક્રમશ 🙂

Total Views: 309

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.