આજે પણ પ્રાસંગિક સંગીતના ક્ષેત્રમાં જેટલી ગીત-શૈલીઓ પ્રચલિત છે તેમાં ધ્રુવગાનને સર્વાધિક પ્રાચીન ગીત-શૈલી માનવામાં આવે છે. પરંતુ ધ્રુવાઓનું સ્વરૂપ શું હતું? તેનો પ્રયોગ કેવી રીતે કરવો તે વિશે અધિકાંશ વિદ્વાનો મૌન છે. ધ્રુવજ્ઞાન તથા તેની ટેક્નિક્સનું સર્વપ્રથમ વિશ્લેષણ નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં ઈસા પૂર્વે થયેલું. (બીજી અને ત્રીજી સદીમાં) આ ગ્રંથના ૩૨મા અધ્યાયમાં ધ્રુવગાન અને તેના પાંચેય પ્રકારોનું વિવેચન છે. તેનાથી સંકેત મળે છે કે આ શૈલી તત્કાલીન નાટકોનું વિશેષ અંગ હશે. વિદ્વાનોનું માનવું છે કે ધ્રુવગાન મહર્ષિ ભરત પૂર્વેથી પ્રચલિત છે. જો કે તે સમયે આજના જેવાં સંસાધનોનો અભાવ હતો. તેથી ધ્રુવગાન તથા ધ્રુવગીતોની પૂર્ણ વ્યાખ્યા આપણને પ્રાપ્ત નથી થતી. આપણી પાસે એક માત્ર આલંબન છે નાટ્યશાસ્ત્ર તથા લગભગ ૧૦મી સદીમાં લખાયેલી આચાર્ય અભિનવ ગુપ્તની ટીકા (નાટ્યશાસ્ત્ર પર લખાયેલી) ‘અભિનવ ભારતી’. ત્યાર પછી લેખકોએ પોત-પોતાના મતાનુસાર ધ્રુવગાનની વ્યાખ્યા કરી છે. પરંતુ એ સ્પષ્ટ છે કે આ ગીત-શૈલી દ્વારા આસાનીથી વૈદિક સંગીત અને સંસ્કૃતિ સુધી પહોંચી શકાય છે.

નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચનાનો ઉદ્દેશ એ હતો કે ભરત વૈદિક ગૂઢ વાતો અને રહસ્યોને સમસ્ત જનસાધારણ સુધી પહોંચાડવા માગતા હતા અને આ કારણે જ આ ગ્રંથની રચના સમયે તેમણે ચારેય વેદોની આવશ્યક સામગ્રી લીધી. જેમ નાટ્યશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે ‘જગ્રાહ પાઠ્યમૃગ્વેદાત્ સામભ્યો ગીતમેવ ચ યર્જુવેદાત્ અભિનયમ્ રસાનાર્થણાદપિ’ અર્થાત્ ઋગ્વેદમાંથી પાઠ, સામવેદમાંથી ગીત, યર્જુવેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ આદિ લઈને એમણે નાટ્યશાસ્ત્રની રચના કરી. અત : ધ્રુવગાન એ એવી સીડી છે જેના પર આગળ ચાલતાં આપણે આધુનિક સંગીત અને પાર્શ્વગાયન સહિત (Back Ground Music) શ્રૃક-પણિકા અને ગાથાની સાથે વૈદિક સંગીતને સંબદ્ધ કરી શકીએ છીએ. ધ્રુવાઓમાં સ્વર તથા વર્ણાેનું ઉપયુક્ત ચયન, અલંકારોનું યોગ્ય સંયોજન, શારીરિક ભાવભંગિમા તથા ગીતના ઉત્કર્ષ સાથે ધ્રુવાઓની રચના થાય છે જેનાથી નાટકીય પાત્રોની ગતિ, ચેષ્ટા આદિને પૂર્ણ અભિવ્યક્તિ મળે છે. અભિપ્રાય એવો છે કે નાટ્યપ્રયોગ અને શાસ્ત્રીય સંગીતમાં આ ગીતશૈલી એક આવશ્યક અંગ છે. ડૉ. વી. રાઘવનના મત પ્રમાણે ભરતનું નાટ્યશાસ્ત્ર અરસ્તુના નાટ્ય સંબંધી ગ્રંથની અપેક્ષાએ સાંગોપાંગ છે. આ વિશ્વકોશ છે તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સંગીતની અમૂલ્ય નિધિ છે, જેના વિશેની જાણકારી સંગીત પ્રેમીઓ માટે ઉપયોગી છે.

મહર્ષિ ભરતે ઉલ્લેખ કર્યો છે કે તે એક એવો ક્રીડનીયક અથવા ખેલની રચના કરવા ઇચ્છતા હતા કે જે શ્રાવ્ય અને દૃશ્ય પણ હોય તથા ક્રીડનીયકમિચ્છાએકદૃશ્યે શ્રવ્યં યદ્ ભવેત્ —। એવો ક્રીડનીયક હોય કે જે બધા વર્ણાે માટે રુચીકર તથા ભેદભાવરહિત હોય. નાટ્યનાં અભિન્ન અંગ ગીત-સંગીત અને નૃત્ય છે. આ કારણે જ ગ્રંથમાં તત્કાલીન જેટલી પણ ટેક્નિક્સનો પ્રયોગ થઈ શકે તેનો નાટ્યમાં ઉપયોગ થયો. ભરત પછી જેટલાં નાટકોની રચના થઈ તેમાં ભરત-પદ્ધતિની સમસ્ત ટેક્નિક્સનો પ્રયોગ થયો અને આજે પણ થાય છે. સંગીત વિના નાટકો આદિ મૂક અભિનય માત્ર છે, જે આકર્ષણનું કેન્દ્ર બની શકતાં નથી. તેનો એક ઉલ્લેખ છે : ‘વાદ્યે ચ ગીતે ચ હી સુપ્રયુક્તે નાટ્યપ્રયોગે’ કારણ કે ‘શય્યા હી નાટકસ્ય વદંતિ વાદ્યં’ અર્થાત્ ગીત અને વાદ્યોનો સમુચિત પ્રયોગ જ નાટકના ઉત્કર્ષનું કારણ છે. એટલા માટે કહ્યું છે કે ગીત અને વાદ્ય જ નાટકની શય્યા છે. ડૉ. મુકેશ ગર્ગના મત અનુસાર (સંગીત સંપાદક) ભરતે નાટકમાં ગીતોને મનોરંજનનું સશક્ત ઉપકરણ માન્યંુ છે. નાટક અથવા અભિનય સાથે ગીત-સંગીત તથા નૃત્યનો સંયોગ લિખિતરૂપમાં નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં પ્રાપ્ત થાય છે.

તે યુગમાં નાટક સાથે ગાયન-વાદન અને નૃત્ય- નાટ્ય ઘનિષ્ઠ રીતે સંબદ્ધ હતું. ભાસ-કાલિદાસ-શુદ્રક જેવી મહાન વિભૂતિઓએ નાટકો ભલે સંસ્કૃતમાં લખ્યાં હોય પણ તેમાંથી વચ્ચે વચ્ચે નીકળતા સાંગીતિક ધ્વનિઓને કારણે આજે તે પ્રસિદ્ધ છે.

મહર્ષિ ભરતે ‘પંચવિદ્યા ધ્રુવગાન’નો ઉલ્લેખ કર્યો છે અર્થાત્ પ્રાવેશિકી ધ્રુવા, જેમાં પાત્ર મંચ પર પ્રવેશ કરે છે. આક્ષોપકી ધ્રુવા-આક્ષેપનો અર્થ થાય છે ક્રમમાં પરિવર્તન, પ્રાસાદિકી ધ્રુવા-જેમાં પાત્ર કોઈ આકસ્મિક દુર્ઘટના પછી તુરંત પ્રગટ થાય છે. (ધ્રુવગાનના રૂપે), અન્તરા ધ્રુવા-વચ્ચે અર્થાત્ બે રસોની મધ્યમાં પોતાના ભાવોને પ્રગટ કરવા, નૈષ્ક્રમિણી ધ્રુવા-જેમાં પાત્ર મંચ પરથી બહાર નીકળે છે. આ રીતે પાંચ પ્રકારની ધ્રુવાઓનું વિવરણ કરીને નાટ્ય રચનાકારે ધ્રુવગાનની વિશેષતા પૂર્ણત : સમજાવી છે.

ભરતનાં નાટકો મંગલાચરણ, રંગમંચ, રંગપીઠ, રંગશીર્ષ, નેપથ્ય ગૃહ તથા યવનિકા આદિથી યુક્ત રહેતાં, જે આજે પણ ઘણે અંશે પ્રયોગમાં છે. તત્પશ્ચાત્ કલાકાર રંગમંચ ઉપર પ્રવેશ કરે છે. તેના હાવ-ભાવ તથા અંતરતમની ભાવનાઓ માટે વૃંદ-વાદન દ્વારા સૂર અને લય આપવામાં આવતાં. તેમને તે સમયે ‘કુલપ’ નામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગાયક-વાદક અને પાત્ર મળીને નાટકને સજીવ કરે છે, તે જ નાટકનો ઉત્કર્ષ અને વિકાસ છે. દક્ષિણી સંગીત પદ્ધતિમાં આજે પણ ધ્રુવગાનના રૂપમાં દુરૂનો પ્રયોગ કરવામાં આવે છે.

નાટ્યશાસ્ત્રકારના મતાનુસાર કોઈપણ કલા, શિલ્પ, વિદ્યા, સંગીત-સાહિત્ય, સંસ્કૃતિ અને યોગ એવાં નથી જે નાટ્ય અંતર્ગત જોવા મળતાં ન હોય. ધ્રુવગાન નેપથ્ય અથવા પડદા પાછળનું સંગીત છે. મુઘલકાળ પછી આ કળામાં રૂકાવટ જરૂર આવી પરંતુ ત્યાર બાદ સંગીતપ્રેમી અને શોધાર્થીઓએ તેના માટે ઉત્કંઠા જરૂર દર્શાવી છે.

ધ્રુવાગાન માત્ર નાટકોનું જ વિશેષ અંગ નથી અપિતુ સમસ્ત ગીત-શૈલીઓનો મૂળ સ્ત્રોત છે. આચાર્ય બૃહસ્પતિએ પોતાના ગ્રંથ ‘ધ્રુવપદ અને તેનો વિકાસ’માં ઉલ્લેખ કર્યોે છે કે ‘ધ્રુવાગીતિનો આધાર પદસમૂહ છે. ભાષા-વર્ણ-અલંકાર-છંદ-તાલ-સંકેત અને લય તેનાં અનિવાર્ય તત્ત્વ છે.

Total Views: 327

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.