શ્રીમા શારદાદેવીએ કહ્યું હતું, ‘વિપત્તિના સમયમાં યાદ રાખજો કે તમારી એક મા છે.’ તેમની આ આશાની વાણી શું આજે એકસો વર્ષ પછી પણ સાર્થક છે? આ પ્રશ્નના ઉત્તરમાં અહીં એક ભક્તની ડાયરીનાં થોડાં પાનાં પ્રસ્તુત કરવામાં આવે છે, જેથી પ્રમાણિત થાય છે કે આજે પણ શ્રીમા શારદાદેવી હાજરાહજૂર છે અને વિપત્તિના સમયમાં ભક્તોની વહારે આવે છે:

પમી ફેબ્રુઆરી, ર૦૦૭, રાત્રીના ૧૧ઃ૪૦નો સમય. શ્રીરામકૃષ્ણ કથામૃતના વાચનમાં મન નિમગ્ન હતું. અચાનક માથું પરસેવાથી રેબઝેબ થઈ ગયું. શ્રીમાની કૃપાથી અનુભવ થયો કે આ પરસેવો નથી અને યાદ આવી ગયું કે આવા સમયે Sorbitrate દવા ખાવાની હોય છે. દવાની ગોળી ખાધી, પછી એવું થયું કે બાથરૂમ જાઉં અને જવા લાગ્યો. બાથરૂમ પાસે પહોંચ્યો અને એકદમ ચક્કર આવ્યા, અને જમીન પર બેસી ગયો. તે જ વખતે આશ્રમનો ચોકીદાર આવ્યો. મારી હાલત જોઈને તે મહારાજને બોલાવવા ગયો. આ સમયગાળામાં હું બાથરૂમ જઈ આવીને પથારીમાં સૂઈ ગયો તે વખતે છાતીના ડાબા ભાગે ઉપરની બાજુમાં સામાન્ય દર્દ હતું. સ. મહારાજ અને વિ. મહારાજ આવી પહોંચ્યા. પાંચ મિનિટમાં ડૉ. કામદારજી પોતાની ગાડીમાં આવી ગયા અને મને તેમની હૉસ્પિટલમાં લઈ ગયા. ત્યાં તેમણે સ્વયં ECG કાઢ્યો, ઇંજેક્શન આપ્યું અને તેમની હૉસ્પિટલના હાર્ટના ડૉક્ટર દેશપાંડેનાં ફોન દ્વારા સલાહસૂચન લીધાં. ત્યાર પછી મને ડૉ. અજિજખાનના ક્રિસેન્ટ નર્સિંગ હોમ હાર્ટ હૉસ્પિટલના ICCU માં દાખલ કરવામાં આવ્યો. ડૉ. નઈમ અને નર્સિંગ સ્ટાફે તત્કાલ સારવાર આરંભી દીધી, સલાઈન લગાડાયું, હૃદયના ધબકારા માપવા માટેનાં યંત્રો લગાડી દેવાયાં, ECG, BP PULSE વગેરે માપીને ડૉ.નઇમ ઇત્યાદિ મારી ચારે તરફ ગોઠવાઈ ગયા. એટલામાં મારી આંખો સમક્ષ ક્ષણ વારમાં ઘનઘોર અંધારું છવાઈ ગયું. અચાનક વિદ્યુતપ્રવાહ ખોટવાઈ જતાં જેવું અંધારું છવાઈ જાય છે, તેવું થયું. બીજી જ ક્ષણે કરોડો સૂર્ય એકી સાથે ચમકવા લાગે અને જેવો પ્રકાશપુંજ થાય એવો પરમોચ્ચ આનંદ ચોતરફ વ્યાપ્ત થઈ ગયો અને હું તેમાં નિમગ્ન. કૃપાની ઝલક માત્ર થોડીક જ ક્ષણ અને સંભળાયું કે ડૉ. નઇમ કહી રહ્યા છે, ‘ઑકિસજન માસ્ક લગાવો, જલદી લગાવો.’ અને બીજી જ ક્ષણે સાંભળ્યું, ‘બસ હવે તેની જરૂર નથી.’ શ્રીમાની કૃપાથી હૃદય પુનઃ ધબકવા લાગ્યું.

પૂર્ણરૂપેણ કૃપા:

૭મી ફેબ્રુઆરી, ૨૦૦૭. સ્પંદન હાર્ટ ઇન્સ્ટિટયૂટ. ડૉ. અજિજખાનના ક્રિસેન્ટ હાર્ટ નર્સિંગ હોમમાંથી બપોર પછી પાંચ વાગ્યે એન્જિયોગ્રાફી કરાવવા માટે મને લઈ જવાયો. ત્યાં સઘળી તપાસ કર્યા બાદ એન્જિયોગ્રાફી હોલમાં લઈ ગયા. ત્યાં મને ટેબલ પર સુવાડવામાં આવ્યો અને કહ્યું કે, ‘હવે થોડીક જ વારમાં ડૉક્ટરોની ટીમ આવશે અને એન્જિયોગ્રાફી કરશે.’ મારા જમણા પગની જાંઘ પર સ્પિરીટથી ડિસઇન્ફેક્શન કરીને કહ્યું, ‘અહીં નસ ઉપર છિદ્ર કરીને, તે નસમાં કેમેરા લગાડેલ કેથેડ્રલ નાખીને હૃદય સુધી પહોંચાડીને ફોટો તેમજ તેની સંપૂર્ણ સી.ડી. તૈયાર કરાશે.’ આટલું કહીને જાંઘનો તે ભાગ બહેરો કરવા માટે ઇન્જેકશન માર્યું. મેં ગંગાજળ લઈને જપમાળાની થેલી હાથે બાંધી દીધી અને બન્ને હાથ ગરદનની પાછળ લઈ જઈને જપ કરવાનો પ્રારંભ કર્યો. એટલામાં ડૉક્ટરોની ટીમ આવી પહોંચી. ડૉક્ટરે કહ્યું કે કેથેડ્રલ નસમાં પ્રવેશશે ત્યારે થોડું કષ્ટ થશે, ઉધરસ પણ આવશે. એટલામાં મશીનરીનો ધડામ ધડામ અવાજ શરૂ થઈ ગયો. એ જ ક્ષણે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. સ્વયં જગજ્જનની, મારાં પોતાનાં મા શારદા નાની લાલ કિનારીવાળી સફેદ સાડીમાં સજ્જ થઈ મારી સમક્ષ સાક્ષાત્ પ્રગટ થયાં. મારી જમણી બાજુ ઊભાં રહીને મારા મસ્તક પર પોતાનો હાથ રાખ્યો. હું અત્યારે પણ તેમની કોમળ પાંચેય આંગળીઓ અને હથેળીનો જીવંત સ્પર્શ અનુભવી રહ્યો છું. ડૉક્ટરોનું સમગ્ર કાર્ય સમાપ્ત થયું ત્યાં સુધી શ્રીમા સાથે વાર્તાલાપ થતો રહ્યો. મને ઘણી જ લજ્જા ઊપજી, ‘હું સૂઈ રહ્યો છું અને મારાં મા ઊભાં છે.’ પરંતુ બીજી જ ક્ષણે શ્રીમાના પ્રેમ અને કૃપાથી મન શાંત અને સ્થિર થઈ ગયું. શ્રીમા તમારો જય હો…

૨૫મી ફેબ્રુઆરી, ૨૦૦૭:

એક રાંક ભક્ત ઉપર શ્રીઠાકુર, મા,

સ્વામીજીની અહેતુક કૃપા:

પ્રાતઃપ્રાર્થના પછી સર્વ શ્રદ્ધેય સંન્યાસીઓ સાથે ભેટ, તેમની ચરણ વંદના અને આશીર્વાદ લઈને શ્રીમંદિરમાં શ્રીઠાકુર-મા-સ્વામીજીને કહીને, ગંગાજળ અને ચરણામૃત સાથે લઈને ૮:૫૫ કલાકે કે.જી.દેશપાંડે મેમોરિયલ હાર્ટ સેન્ટરમાં પહોંચ્યા. સ. મહારાજ, રાજુ ભારદ્વાજ, ટી.જી. મુદલિયાર, વિજય અને ઉષાતાઈ વગેરે સાથે હતાં. બાકી બીજા બધા પોતપોતાની ગાડીમાં આવ્યા. પરમ શ્રદ્ધેય બાબા મહારાજે શ્રીશ્રીમાનો ફોટો સાથે રાખવાનું કહ્યું.

સર્જન ડૉ.પુરુષોત્તમ દેશપાંડે, ડૉ.પ્રભાકર દેશપાંડે વગેરે પાસે જરૂરી તપાસ કરાવીને બીજે માળે આવેલ હાર્ટ સેન્ટરના રૂમ નં. ૯માં દાખલ કરવામાં આવ્યો. સવારના ૯:૩૦નો સમય હતો. ૨૬મી ફેબ્રુઆરી, ૨૦૦૭ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે બાયપાસ કરવાનું નિશ્ચિત થયું. સર્જન ડૉ.નટરાજન અય્યર સમગ્ર ઑપરેશન દરમિયાન હાજર રહેશે.

સોમવાર, ૨૬-૦૨-૨૦૦૭, સવારે ૯:૩૦ વાગ્યે ઑપરેશન થિયેટરમાં લઈ ગયા. શ્રીમાની કૃપાથી હું આનંદમાં હતો. મેં બધાને કહ્યું, ‘તમે બધા ખુશીમાં રહો, બધું શ્રીમાની ઇચ્છાથી જ થશે, શ્રીમાની ઇચ્છા અને મારી ઇચ્છા- એક જ થઈ ગયાં છે. બધા આનંદમાં રહો. જય મા.’ બધાંને આનંદપૂર્વક વિદાય આપી. ઑપરેશન થિયેટરમાં ડૉક્ટરોની ટીમ હાજર છે. બધાએ મારી સાથે વાતચીત કરી. ઑપરેશન ટેબલની પાસે પહેલેથી જ એક સ્ટૂલ પર નવું આસન પાથરીને તેના પર શ્રીમાનો ફોટો મૂકવામાં આવ્યો છે એમ ડૉ. અય્યર અને ડૉ. દેશપાંડેએ જણાવ્યું. પછી મને પૂછ્યું, ‘શું તમે તૈયાર છો?’ જપ પૂરા કરીને મેં કહ્યું, ‘શ્રીમા તો સાથે છે, હું આનંદમાં છું, હું તૈયાર છું.’ આમ કહીને મેં શ્રીમાને વારંવાર પ્રણામ કર્યા. બન્ને હાથે કાળભૈરવનું રક્ષાબંધન અને શ્રીશ્રીગુરુદેવ સ્વામી ભૂતેશાનંદજીએ કૃપાપૂર્વક આપેલી જપમાળા થેલીમાં ધારણ કરેલી છે. ઑપરેશન થિયેટરમાં આવ્યા પહેલાં એક કલાક શાંતચિત્તે ધ્યાન-જપ કર્યાં હતાં એટલે શરીર-મન બન્ને પ્રસન્ન હતાં અને તેથી હું અત્યંત આનંદપૂર્ણ હતો. કોઈપણ જાતનો ડર કે આપત્તિ ચહેરા પર કે મનમાં ન હતાં. આમ મને આનંદમગ્ન જોઈને બધા ડૉક્ટરો પણ આનંદિત હતા, શ્રીમાની સ્થાપના કરાઈ હતી ને! ગીતા-ગંગા-ગજાનન-વિજય સાથે છે. હવે ડૉક્ટરોનો સંપર્ક બિલકુલ છિન્ન થઈ ગયો.

પરમ કૃપા-પ્રકૃતિં પરમાં અભયાં વરદાં

ડૉક્ટરનો સંપર્ક તૂટી ગયો, પરંતુ બીજી જ ક્ષણે સ્વયં મા જગજનની શ્રીશ્રીમા શારદાદેવી ઘુંઘટ ખેંચી ઉપસ્થિત થઈને બાજુના સ્ટૂલ પર બિરાજમાન થયાં અને બોલ્યાં, ‘બેટા, આર્ત પોકાર સાંભળીને આવવું જ પડ્યું.’ મેં પૂછ્યું, ‘મા, આ વખતે પણ એકલાં જ આવવું પડ્યું?’ શ્રીમા બોલ્યાં, ‘બેટા, શ્રીઠાકુરજીએ જ મને તારા માટે મોકલી છે.’ મેં પૂછ્યું, ‘મા, મને આ વખતે ત્રણેય સાથે આવીને તમારી સાથે લઈ જશો?’ શ્રીમા ખૂબ જોરથી હસી પડ્યાં અને કહ્યું, ‘હજુ ઠાકુરનું કાર્ય બાકી છે અને આ તારો અંતિમ જન્મ છે એટલે પાછલા જન્મોનો કર્મભોગ આ જન્મમાં ભોગવી લેવો પડશે. અરે બેટા, બધું શૂન્ય કર્યા પછી જ મુક્તિ સંભવ છે. તમે બન્ને ઠાકુરજીનાં અત્યંત નિષ્ઠાવાન, નિષ્કપટ પ્રિયભક્ત છો. તમારાં નિષ્ઠા, ભક્તિ, વિરક્તિ અને આર્તતાને લઈને ઠાકુરજીએ તમારા બન્નેનો મેળાપ કરી દીધો છે.’

હું તરત જ બોલી ઊઠ્યો, ‘મા, મારે ‘ઇચ્છામૃત્યુ’ જોઈએ.’ શ્રીમાએ કહ્યું, ‘તથાસ્તુ.’ પરંતુ બીજી જ ક્ષણે બોલ્યાં, ‘શ્રીઠાકુરનું કાર્ય સમાપ્ત થશે ત્યારે બધા જ સંયોગ જોડાઈ જશે, બધું આપોઆપ ગોઠવાઈ જશે.’ પ્રેમસ્વરૂપા શ્રીમા સ્ટૂલ પરથી ઊભાં થઈને મંદ મંદ સ્મિત કરતાં મારી જમણી બાજુએ આવીને ઊભાં રહ્યાં અને ઘણા લાંબા સમય સુધી મારા મસ્તક પર વાળમાં પોતાની પાંચેય આંગળીઓ પ્રસરાવતાં રહ્યાં. શ્રીમા દિવ્ય સ્મિત કરતાં બોલ્યાં, ‘તારાં મા, શ્રીઠાકુર, સ્વામીજી તારી સાથે છે, બેટા. પછી ભય શાનો?’ આટલું કહીને શ્રીમા ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયાં. સમગ્ર ઑપરેશનકાળ પર્યંત શ્રીમા ઉપસ્થિત હતાં, કેટલી કૃપા! કૃપાહિ કેવલમ્.

જય મા, તમારી કૃપા અગાધ છે; શ્રીઠાકુર-મા-સ્વામીજી ત્રણેય અભિન્ન છે એ અનુભૂતિ કરાવી દીધી. મા, તમારી કૃપાથી જ જીવન ધન્ય બન્યું. મા, માત્ર તમારી અનુકંપાથી જ આ બધું સંભવ થયું, તમારાં દર્શન-સ્પર્શન થયાં. જય મા!

મેં ડૉક્ટરોને કહ્યું, ‘ઊલટી થશે.’ ડૉક્ટરો વાસણ લેવા દોડ્યા ત્યાં સુધીમાં વમન થઈ ગયું. પથારી, મારાં કપડાં બધું જ ખરાબ થઈ ગયું. ડૉકટર બાજુમાં જ હતા, તેમનાં પણ કપડાં ગંદાં થયાં. પરંતુ તેઓ મને સામેથી પકડીને જ રહ્યા. શું સેવા! ધન્ય છે આવા ડૉક્ટરને જે યથાર્થ રૂપે સેવા કરી રહયા છે! રાત્રે ભોજનમાં દૂધભાતની સાથે શ્રીઠાકુરજીનો પાયસ-પ્રસાદ લીધો હતો. તે પ્રસાદને કારણે જ મારો અદ્‌ભુત બચાવ થયો.

જય હો, શ્રીઠાકુર-શ્રીમા તમારો જય હો. થોડોક સમય બંધ પડી ગયેલું હૃદય પુનઃ ચાલુ થયું, જીવન પુનઃ પ્રાપ્ત થયું જેથી કરીને તમારા ગુણગાન ગાયા કરું. માએ પ્રકાશમય કૃપા દ્વારા બધી ઇચ્છા-વાસનાથી મુક્ત કરી દીધો. મા તમારો જય હો. શ્રીઠાકુર, તમે જ સર્વસ્વ છો; ભય-વાસના સર્વસ્વનો સમૂળ નાશ કરનારાં મા, તમારો જય હો. મા, હવે કોઈ પણ જાતનો ભય રહ્યો નથી, હું અત્યાનંદમાં છું. મા તમારી ઇચ્છા પૂર્ણ થાઓ. મારાં મમતા, વાસના, ઇચ્છા, ભય બધાને નષ્ટ કરીને મારા પર કૃપા કરી. મા, તમારો જય હો.

Total Views: 272

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.