૧૮મી મે, ૨૦૨૦ના રોજ બપોરે ચાર વાગ્યે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. છેલ્લા પંદર દિવસથી લાગ્યા કરતું હતું કે મને કોરોના થવાનો છે. મનમાં જયારે જયારે આ વિચાર આવતો ત્યારે એમ થતું કે કોરોના થશે તો હું શું કરીશ. કેટલાય લોકો ઠીક થઈ રહ્યા છે અને હું પણ ઠીક થઈ જઈશ. આવું વિચારીને બધું ઠાકુરજીના ભરોસે છોડી દઈ મારાં કામમાં વ્યસ્ત થઈ જતી હતી.

પરંતુ વાસ્તવમાં જયારે મને કોરોના થયો છે તેવી ખબર પડી ત્યારે મનમાં ઘણાય વિચાર આવવા લાગ્યા. સૌથી વધુ વિચાર તો હૉસ્પિટલની લાપરવાહી અને ત્યાંની અસુવિધાઓ અંગેના હતા. મારી પ્રકૃતિ મોટે ભાગે અત્યંત સારી છે. મને રક્તચાપ, હૃદયરોગ જેવી કોઈ બિમારી નથી એટલા માટે ઘરમાં જ દવા લઈને આઇસોલેટ થવાનો વિકલ્પ હતો. છતાંય મેં હૉસ્પિટલમાં દાખલ થવાનું પસંદ કર્યું કેમ કે મારા ઘેર રહેવાથી ઘરના બાકીના સભ્યોના સ્વાસ્થ્ય પર સંક્રમણ થવાનો ડર હતો.

કેટલોક વિચારવિમર્શ કર્યા પછી મને સેવન હિલ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હૉસ્પિટલના કોરોના વોર્ડની સ્થિતિ અત્યંત ખરાબ હતી. રાતનો સમય હતો. એટલે પ્રકાશ ઓછો હતો. એક-બે દર્દી સિવાય બાકીના બીજા બધા પાંસઠથી વધુ વયના હતા. કોઈ દર્દી ઉધરસ ખાતો હતો, કોઈ મોટેથી શ્વાસ લેતો હતો, કોઈ નસકોરાં બોલાવી રહ્યો હતો. કષ્ટને કારણે કોઈ કોઈના મુખેથી કફ ટપકી રહ્યો હતો. જે લોકો જાગતા હતા તેમના ચહેરા પર ચિંતા છવાયેલી હતી. આમ એકંદરે સર્વત્ર ઉદાસીનતા છવાયેલી હતી. સમગ્ર વાતાવરણ ચૈતન્યહીન લાગી રહ્યું હતું, વાતાવરણમાં જાણે કે કોઈ વિચિત્ર દુર્ગંધ વ્યાપ્ત છે!
થોડા સમય પછી મેં સાથે લાવેલ પુસ્તક Reminiscences of Swami Vivekananda વાંચવાનો પ્રયાસ કર્યો પરંતુ એમાં મારું મન ચોંટ્યું નહીં. એવું જણાવા લાગ્યું કે આ વિચિત્ર વાતાવરણને કારણે મારી સ્વસ્થ પ્રકૃતિ પણ બગડી જશે. પરંતુ મેં પ્રભુ મહારાજ પાસેથી દીક્ષા લીધી છે તેથી મારા ઇષ્ટ સાધ્ય પહેલાં મારું મૃત્યુ નહીં થાય એવો વિશ્વાસ હતો. ફરી પાછો મનમાં વિચાર આવવા લાગ્યો કે તો પછી મારે આ કષ્ટ કેમ ભોગવવું પડે છે? અને કોરોનાનો જ રોગ કેમ? બીજો કોઈ રોગ હોત તો વિશેષ કક્ષમાં દાખલ થઈને સાથે સગાં-સંબંધી પણ સાથે રહી શકત. પરંતુ આ વિચિત્ર પરિસ્થિતિમાં કેવી રીતે સૂઈ શકીશ? હું મારી જાતને અત્યંત અસહાય અનુભવવા લાગી અને શ્રીમા શારદાદેવી સમક્ષ રુદન કરવા લાગી, ‘મને આવી વિપત્તિમાં લાવી મૂકી છે તેનો કોઈ વાંધો નથી પરંતુ મને એવી બુદ્ધિ આપો કે મારા મનનું સમાધાન થઈ જાય અને તેને હું જીવનપર્યંત સ્મૃતિમાં જાળવી શકું. સાંભળ્યું છે કે ઘણા લોકોને તમે દર્શન દીધાં છે, જ્યારે તેઓ સંકટમાં હતા. મા, જ્યારે તમારું સ્વાસ્થ્ય સારું ન હતું ત્યારે તમને પણ શ્રીકાલીમાએ દર્શન આપ્યાં છે. પરંતુ તે લોકો તો અત્યંત ભક્તિમાન હતા અને ઘણાં જપ-તપ કરતા હતા. હું તો એવું બધું કરી શકતી નથી. તો પછી મા, એવું વિચારી શકું કે માત્ર સુયોગ્ય લોકોને જ તમે દર્શન આપો છો? પરંતુ મને અસહાય, અજ્ઞાની, અયોગ્ય જાણવા છતાં પણ તમારે કૃપા કરવી જોઈએ.’ ત્યાર પછી મને થોડોક તાવ આવ્યો, શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. થોડી વાર બાદ મેં સૂવાનો પ્રયાસ કર્યો. થોડી વાર ઊઠતી, પાછી સૂઈ જતી-આ થોડો વખત ચાલ્યું. પછી કદાચ દવાની અસરને કારણે ઊંઘ આવી.
સવારે ૩.૩૦ વાગ્યે મારી આંખો ખૂલી. જાગતાંવેંત જ મને પ્રસન્નતાનો અનુભવ થયો. શારીરિક કષ્ટ પણ ઓછું થઈ ગયું. અન્ય દિવસોએ જ્યારે જાગતી ત્યારે ફરી પાછું સૂઈ જવાનું મન થતું હતું કારણ કે ત્યારે ઊંઘ પૂરી થતી ન હતી. બીજા દિવસે કાર્યાલયમાં મોડા સુધી કામ કરતી વખતે થાકનો અનુભવ થતો. પરંતુ આજે તો એવો કોઈ જ પ્રશ્ર ન હતો. આજે સમયનું કોઈ બંધન ન હતું. તેથી અત્યંત પ્રસન્નતાપૂર્વક મેં જપ કરવાનો પ્રારંભ કર્યો. મનમાં પ્રસન્નતાની લહેર ઊઠી રહી હતી. કોઈ શુભ કે અશુભ વિચાર આવતા ન હતા, માત્ર પ્રસન્નતા!
થોડી જ વારમાં મેં પલંગ સાથે એક હળવો આંચકો અનુભવ્યો. પરોઢ થયું હશે. મેં આંખો ખોલીને જોયું તો બાજુમાં થોડેક દૂર સુંદર ગૌરવર્ણનાં મધ્યમ વયનાં મહિલા બેઠાં છે. તેમણે લાલ રંગની અત્યંત સુંદર સાડી પહેરી છે. મેં તેમની સમક્ષ જોયું કે તરત જ તેઓ હસીને બોલ્યાં, ‘જુઓ, તમને સાંભળવામાં અસુવિધા છે ને, એટલા માટે હું આવી પહોંચી છું. હવે ડૉક્ટર, નર્સ બધાં તમને જે કંઈ કહેશે તે હું સ્પષ્ટતાથી સમજાવીશ અને તમારે પણ જે કહેવું હશે તે હું તેઓને જણાવીશ. તમે જરાય ચિંતા કરશો નહીં.’ હું પુનઃ જપ કરવા લાગી. તેમના દિવ્ય શબ્દો મારા મનમાં વારંવાર ગુંજવા લાગ્યા. મારા શરીરમાં વારંવાર આનંદની લહેર ઊઠી રહી હતી. કોણ જાણે આ અનુભૂતિ કેટલો સમય ચાલતી રહી! સવારના ૬ વાગ્યે નર્સે આવીને જગાડી. તરત જ બાજુમાં જોયું તો ત્યાં કોઈ હતું નહીં. એક ક્ષણમાં જ મને ખ્યાલ આવી ગયો કે નિઃસંશય તે શ્રીમા જ હતાં. વોર્ડમાં દર્દી અને કર્મચારી સિવાય બીજા કોઈને અંદર પ્રવેશ કરવાની મનાઈ હતી. મોટા ભાગના દર્દીઓ હૉસ્પિટલ દ્વારા અપાયેલ ગણવેશ પહેરેલ હતા. બાકીના કર્મચારી PPE કિટ પહેરીને જ વોર્ડમાં પ્રવેશ કરતા હતા. તો પછી માસ્ક પહેર્યા સિવાય, સાડી પહેરીને મારી પાસે કોણ આવી શકે?
પછી વિચાર કરતાં મને સંપૂર્ણ ખાતરી થઈ કે તે મહિલા શ્રીમા જ હતાં કેમ કે હજુય મારા મનમાં વારંવાર આનંદની લહેર ઊઠી રહી હતી. આજુબાજુ રહેલ બધા દર્દી કે જેમના તરફ મને ઘૃણા ઊપજી રહી હતી તેમના પ્રત્યે મને આજે કરુણા અનુભવાતી હતી. હૉસ્પિટલનું વાતાવરણ ચૈતન્યમય સુગંધિત લાગી રહ્યું હતું. મનમાં રહેલી ભયની ભાવના પણ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ હતી. જો કોઈ મારી તરફ જોઈને હસતું તો હું પણ હસતી. આમ આજુબાજુના વાતાવરણમાં મને ચૈતન્ય ભાસવા લાગ્યું. મારો આનંદ વધતો જતો હતો. આ આનંદ કોઈ અલગ જ પ્રકારનો હતો જેની કોઈ સીમા ન હતી.
થોડી વાર પછી આ આનંદની અવસ્થામાં જ હું સૂઈ ગઈ. બે કલાક બાદ જાગ્રત થઈ ત્યારે હૃદયમાં એ જ આનંદ હતો. મને જણાયું કે શ્રીમા મને દેખાઈ નથી રહ્યાં પણ તે મારી પાસે જ છે, એટલા માટે મનમાં વારંવાર પ્રસન્નતાની લહેર ઊઠી રહી છે. પાંચ દિવસ પછી મારો કોરોના રિપોર્ટ ફરીથી પોઝિટિવ આવ્યો. પરંતુ મારા મનમાં બિલકુલ ભય કે આશંકા ન હતાં. ફરી દશ દિવસ પછી મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને હું ઘેર આવી ગઈ.
ક્યારેક ભગવાન આપત્તિમાં મૂકે છે – કંઈક સારું કરવા ને આપવા માટે. અત્યારે જ્યારે પણ કોરોના શબ્દ સાંભળું છું, વાંચું છું કે તરત જ શ્રીમા યાદ આવે છે. સારું થયું કે મને કોરોના થયો, માનાં દર્શન થયાં, દર્શનથી આનંદ પ્રાપ્ત થયો. ખરેખર હું કેટલી ભાગ્યશાળી છું!!!

Total Views: 346

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.