તબીબી વિજ્ઞાનના પાયામાં મૂળભૂત રીતે આઠ સિદ્ધાંતો રહેલા છે. જે વિજ્ઞાનમાં આ આઠેય સિદ્ધાંતોનું મૂળભૂત સ્થિતિમાં નિરૂપણ કરેલું હોય તેને જ તબીબી વિજ્ઞાન હોવાનો દરજ્જો મળે છે. આ આઠ સિદ્ધાંતો નીચે જણાવ્યા અનુસાર છે.

Life Style – Health and Hygiene સ્વસ્થવૃત્ત ચતુષ્ક
Diet અન્નપાન ચતુષ્ક
Clinical Management નિર્દેશ ચતુષ્ક
Pathology રોગ ચતુષ્ક
Prognosis સંગ્રહ દ્વય
Planning of Treatment યોજના ચતુષ્ક
Selection of Drug-Medicine ઔષધ ચતુષ્ક
Drug Delivery to the Pathological Sites કલ્પના ચતુષ્ક

 

આ આઠેય સિદ્ધાંતો ચરક સંહિતા-સૂત્રસ્થાનની મૂળભૂત સ્થિતિનું ક્રમિક નિરૂપણ છે, જે ચતુષ્કનો વ્યવહારુ ક્રમ દર્શાવે છે.

સ્વસ્થવૃત્ત અને અન્નપાન ચતુષ્ક સ્વસ્થ અને આતુર (રોગી) બંને માટે નિરૂપિત કરેલ છે, જયારે બાકીના બધા ચતુષ્ક આતુરાવસ્થામાંથી સ્વસ્થાવસ્થા તરફનું પ્રયાણ દર્શાવે છે. આપણે શ્લોક (સૂત્ર) સ્થાનના આઠેય ચતુષ્કનો ટૂંકમાં પરિચય કરવાનો પ્રયાસ કરીશું.

શ્લોક (સૂત્ર) સ્થાન

શ્લોક જીવમાત્રની સહજ સ્થિતિનું જ્ઞાન સ્વરૂપ છે. આતુરાવસ્થામાં શરીરની સહજ માવજત કરવામાં આવે તો શરીર પોતે સ્વબળે રોગને મટાડવા સમર્થ બને. આ જ આયુર્વેદનો મૂળભૂત સિદ્ધાંત છે.

અગ્નિને અનુસરીને કરવામાં આવતી ચિકિત્સા જ મૂળ ચિકિત્સા-કાય ચિકિત્સા છે. ચરક સંહિતા અગ્નિને અનુસરીને કરવામાં આવતી ચિકિત્સાનો મૂળ ઉદ્ગમ સ્ત્રોત છે. તેમજ સૂત્રસ્થાન તેમાં નિરૂપાયેલા ૮ ચતુષ્કોની મદદથી અગ્નિને અનુસરી કરવામાં આવતી ચિકિત્સાના મૂળભૂત સિદ્ધાંતોનું સંકલન કરે છે.

સૌ પ્રથમ સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ કઈ રીતે રહી શકે તે માટેનું વિજ્ઞાન જાણીએ.

૧. સ્વસ્થવૃત્ત ચતુષ્ક

આ ચતુષ્કના ૪ અધ્યાય સ્વાસ્થ્યની જાળવણી અને માવજત કેવી રીતે કરવી તે દર્શાવે છે. તેની અંતર્ગતનો પહેલો અધ્યાય માત્રાપૂર્વક આહારનું સેવન કરવું તેમજ માત્રાપૂર્વક લીધેલો આહાર યોગ્યસ્થિતિમાં પચે તે માટે કરવી પડતી તમામ ક્રિયાઓનો સંગ્રહ છે. બીજો અધ્યાય “તસ્યાશીતિય’ વ્યવસ્થાપનનો છે. ઋતુ અનુસાર વાતાવરણમાં થતા ફેરફારોના શરીર પર પડતા પ્રભાવો અને આ ફેરફારો સાથે શરીર આહાર-વિહારના માધ્યમથી સાહજીક રીતે અનુકૂલન સાધી શકે તેનું વર્ણન કરેલ છે. ત્રીજા “ન વેગાન્ધારણીય’ અધ્યાયમાં માનવશરીરમાં સતત ચયાપચયની પ્રક્રિયાઓના પરિણામ સ્વરૂપ મળો ઉત્પન્ન થતા હોય છે, તેનું વર્ણન જોવા મળે છે. આ મળો નિયત સમય સુધી શરીરને ધારણ કરી પોતાનું કાર્ય સમાપન થતાં સહજતાથી શરીરમાંથી બહાર નીકળે છે.

આ પ્રક્રિયાના તરંગને વેગ કહેવાય છે, જે બે પ્રકારના હોય છે : ધારણીય વેગો અને અધારણીય વેગો. ધારણીય વેગો એ મનના આવેગો છે – ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, દ્વેષ વગેરે કે જેને ધારણ કરી રાખવાના હોય છે. જયારે અધારણીય વેગો એ શરીરના આવેગો છે – મળમૂત્ર, ભૂખ, તરસ, ઊંઘ, બગાસું, છીંક, ઊલટી વગેરે કે જેનો આવેગ રોકવાનો નથી હોતો – એટલે કે અધારણીય વેગ.

ધારણીય વેગોને ધારણ કરવાથી મન બળવાન બને છે, સત્ત્વ પ્રબુદ્ધ થાય છે, “સ્વ’માં સ્થિત થવાય છે.

અધારણીય વેગોને નિષ્કાષિત કરવાથી શરીર બળવાન બને છે; ઉત્તમ વર્ણ, સુખ અને આયુષ્ય પ્રાપ્ત કરે છે. ધારણીય તેમજ અધારણીય વેગોની શરીર અને મન ઉપરની પારસ્પરિક અસરનું નિવારણ વ્યાયામ છે. વ્યાયામનું સતત સેવન કરવાથી અધારણીય વેગોનું નિયતકાલે નિષ્કાશન તેમજ ધારણીય વેગોનું સમયસર ધારણ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે.

ચોથો “ઇન્દ્રિયોપક્રમણીય’ અધ્યાય. આ અધ્યાયમાં બાહ્ય વિષયો પરત્વે સંયમ કેળવી, ઇન્દ્રિયોને અંત :કરણમાં સ્થિર કરી, અગ્નિને જાણી, વૃત્તિ વિચારોની ઉત્તમોત્તમ સ્થિતિ કરી, વિચારોના સામર્થ્યથી જીવવાની વાત છે. આ માટે સંપૂર્ણ સદવૃત્તનું વર્ણન કરવામાં આવ્યું છે, જેથી આરોગ્ય અને ઇન્દ્રિયજય પ્રાપ્ત થાય છે. આથી બધાએ સર્વકાળે બધું જ સદવૃત્ત કરવું જોઈએ.

૨. અન્નપાન ચતુષ્ક

જીવમાત્રના અન્ય જીવ સાથેના પારસ્પરિક સંબંધ – ઋણાનુબંધનું માધ્યમ અન્ન છે. अन्नं वृत्तिकरणां श्रेष्ठम्। અન્ન જીવમાત્રમાં વૃત્તિઓની ઉત્પત્તિનું મૂળ કારણ છે. વિચાર એ વૃત્તિનો બંધારણીય એકમ છે, અન્નમય કોશ અને આનંદમય કોશનો અન્યોન્ય આશ્રિત સંબધ સમજાવે છે. એટલે જ તો કહેવાયું છે કે આહારશુદ્ધિ એટલે સત્ત્વશુદ્ધિ. આ સંપૂર્ણ અન્નપાનનું વિજ્ઞાન અહીં ૪ અધ્યાયોમાં કહેવાયેલું છે. જે જન્મેલો છે તે પુરુષ કેવી રીતે બન્યો તેમજ તેના રોગનું કારણ શું?

આ જીજ્ઞાસાના નિવારણ રૂપે છે. તેમજ આ પુરુષના જીવનયાપન માટે ઉત્તમ તેમજ અધમ ભાવોનું વર્ણન પ્રથમ અધ્યાય યજ્જપુરુષીયમાં કરવામાં આવેલ છે. આહારમાં રહેલ પ્રાણને શરીરમાં ધારણ કરી રાખવાવાળું અન્ન છે અને અન્નને ધાતુઓ સુધી વહન કરવાની ક્ષમતા ધરાવતું પાન છે. શરીરમાં રહેલી ઉત્પત્તિ, સ્થિતિ અને લયની નિરંતર સ્થિતિ એ અનુવર્તન છે તેનું વાહક અન્ન હોવાથી ચિકિત્સામાં તેનું મહત્ત્વ સ્વાભાવિક છે. શરીરની ઉત્પત્તિ, સ્થિતિ અને લય અન્ન આધારિત છે.

આથી જ ‘प्राणाः प्राणभृतामन्नमन्नं लोकोऽभिधावति ।’ આખું જગત અન્નના માધ્યમથી જ ચાલતું રહેલ છે અને બધું જ અન્નમાં પ્રતિષ્ઠિત છે એવું શાસ્ત્રમાં લખ્યું છે. અન્નપાનના ૧૨ વર્ગાે આપેલા છે, જેમાં આપેલ વર્ણન ખૂબ જ વિસ્તૃત છે. દરેક અન્નપાન અગ્નિની સાપેક્ષ સ્થિતિમાં કેવા ગુણોને ધારણ કરે તે બતાવેલ છે, જેમાં ગુરુ-લાઘવનો સિદ્ધાંત મુખ્ય છે.

૩. નિર્દેશ ચતુષ્ક

આ ચતુષ્કના ૪ અધ્યાય ચિકિત્સાના લક્ષ્યાંકની સિદ્ધિ કરાવનારા છે. આમ અહીં ચિક્ત્સિક, રોગી, ઔષધ અને પરિચારકથી કેવી રીતે, કયા

કયા ગુણોથી રોગી સાજો થાય છે તે બતાવવામાં આવ્યું છે. તદુપરાંત આવેલ રોગીની સાધ્ય-અસાધ્યતાનો વિચાર કરીને ચિકિત્સા કરવાનું જણાવે છે. અસાધ્યતાનો ઉપચાર કરવાથી વૈદ્યને અપયશ પ્રાપ્ત થાય છે. આવેલ રોગીમાં કરવાની પરીક્ષાઓ બતાવી પ્રાણ એષણા, ધન એષણા, પરલોક એષણા તેમજ આહાર, નિદ્રા, બ્રહ્મચર્ય વગેરે ૮ ત્રિકનો ઉલ્લેખ છે જે ચિકિત્સા કરતી વખતે મુખ્ય ધ્યાનમાં રાખવાના હોય છે. બાહ્યજગતમાં રહેલા અગ્નિ- સોમ- વાયુ અને શરીરમાં તેના કર્મોનો ઉલ્લેખ કર્યો છે, જેની વિકૃતિ કોઈ પણ pathology નું મુખ્ય કારણ છે.

૪. રોગ ચતુષ્ક

આ ૪ અધ્યાયોમાં કોઈપણ રોગની pathology (રોગ થવાની પ્રક્રિયા)ના મૂળભૂત સિદ્ધાંતો આપેલા છે, જેને જાણવાથી કોઈપણ રોગની ચિકિત્સામાં નિસંદેહ પ્રવૃત્તિ થાય છે; આથી તેને ત્રિબોધ્ય સંગ્રહ કહેવામાં આવે છે. તેમાં ૩ નો સમાવેશ થાય છે- પ્રકૃતિ, અધિષ્ઠાન અને સમુત્થાન. રોગ થવાના મૂળભૂત ઘટકોના નિર્માણની પ્રક્રિયા અને તે મૂળભૂત ઘટકો દ્વારા શરીરમાં સ્થાન પામવાની ક્રિયા તેમજ રોગોત્પત્તિની પ્રક્રિયાનું તેમાં વર્ણન છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં શરીરનાં મૂળભૂત ૨૪ તત્ત્વો જે અગ્નિની સાપેક્ષ સ્થિતિમાં ધાતુ સંજ્ઞાને પ્રાપ્ત થાય છે તેનું વિભંજન થવું એટલે કે અગ્નિથી નિરપેક્ષ સ્થિતિને પામવું તે ધાતુ વિભંજનની ક્રિયાને જ રોગ કહેવામાં આવે છે.

૫. સંગ્રહ દ્વય

કોઈપણ રોગની સાધ્ય-અસાધ્યતાનો વિચાર એ જે તે રોગ દ્વારા શરીરની પ્રાકૃત ધાતુ પર કેટલો પ્રભાવ પડેલો છે તેના દ્વારા થઈ શકે છે. જો અધિષ્ઠાન -શરીર ચિકિત્સામાં કરવામાં આવતા ઉપાયો સામે પ્રતિક્રિયા આપતું હોય તો સાધ્ય અને પ્રતિક્રિયા ન આપતું હોય તો અસાધ્ય રોગ કહેવાય. આ માટેના આધારભૂત સિદ્ધાંત એ સંગ્રહ દ્વયમાં દર્શાવેલ છે. તેમાં શરીરમાં રહેલી ૨૪ ધાતુઓ (આત્મા, અહંકાર, બુદ્ધિ, મન, પાંચ તન્માત્રા, પાંચ મહાભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિય. પાંચ કર્મેન્દ્રિય)માં કેટલી વિકૃતિ થઈ છે તેનું આકલન વૈદ્ય કરી શકે છે. પ્રાણાભિસર વૈદ્યએ આયુર્વેદની આગવી વિશેષતા છે. શરીરમાં આવતા પ્રાણ (ઊર્જાના સ્ત્રોત)નું શરીરમાં અભિસરણ જાણતો વૈદ્ય એ જ ખરો વૈદ્ય છે.

૬. યોજના ચતુષ્ક

અહીં ચિકિત્સાના ઉપાયોનું વ્યવસ્થાપન છે. ચિકિત્સાના ઉપાયો અગ્નિ સાથે જોડાય તો જ પરિણામને પામી શકે. અગ્નિનાં આવરણોને દૂર કરવાના આધારભૂત સિદ્ધાંતો અહીં વર્ણવેલા છે. તેથી અગ્નિનું આવરણ દૂર થઈને એ ઉપાય અગ્નિ સાથે જોડાય છે અને શરીરની સમવાયતાના (Homeostasis) માધ્યમથી સંમૂર્ચ્છના (Pathology)ને મળતા મળોને દૂર કરવાનું કામ અગ્નિ દ્વારા થઈ શકે છે. આમ, રોગ આગળ વધતો અટકી જાય છે. આ માટેના ઉપક્રમો આપેલા છે. ઔષધો આ પ્રક્રિયાનાં સાધન છે, કર્તા નથી; એ મૂળ સમજણ છે. ઔષધ ગમે તેટલું ઉત્તમ કેમ ના હોય ઉપક્રમને ન અનુસરે તો પરિણામ મળતું નથી. પરેજી ઔષધને કામ કરવાનું વાતાવરણ આપે છે.

૭. ઔષધ ચતુષ્ક

ક્યા પ્રકારની સંમૂર્ચ્છના (Pathology)માં કેવાં ઔષધીય કર્મની (Pharmacological Action) જરૂર છે તે નક્કી કરવાનો અને તે પ્રમાણેનું ઔષધ ચયન કરવાનો આધારભૂત સિદ્ધાંત છે. પ્રથમ અધ્યાય “દીર્ઘજીવિતીયમ્’ એ પૂર્વાધ્યાયા ચરક સંહિતાના મૂળ ધ્યેયને ઇંગિત કરે છે. “જીવિત’એ અગ્નિની સાપેક્ષ સ્થિતિ અને “દીર્ઘ’એ નિરંતર (સાતત્યતા)ની સંજ્ઞા છે. એટલે કે નિરંતર અગ્નિની સાપેક્ષ સ્થિતિ જાળવી રાખવી તે આયુર્વેદનું મૂળ ધ્યેય છે. આયુર્વેદ શાસ્ત્ર અગ્નિની આસપાસ રચાયેલું છે, આ પ્રતિજ્ઞા તેનો જ નિર્દેશ કરે છે. આ લક્ષ્યાંકની સિદ્ધિ માટે જ અન્ય ચતુષ્કો તેમજ સ્થાનોની રચના કરવામાં આવી છે. પ્રકૃતિ તરફની ગતિના માધ્યમથી સ્વસ્થ રહેવાનો સંકલ્પ એ દુનિયાનું સર્વોત્તમ ઔષધ છે જે વિજ્ઞાન સ્વરૂપ છે.

૮. કલ્પના ચતુષ્ક

ઔષધચયન બાદ તેને સંમૂર્ચ્છના સુધી પહોંચાડવા કયા રૂપમાં, કેવી રીતે આપવું તેનો વિચાર કરીને, થતી ક્રિયાઓ માટેના આ ૪ અધ્યાયો છે, જે Route of Drug Administration સમજાવે છે. તેમાં શોધનપ્રક્રિયા, વમન તેમજ વિરેચનનો ઉલ્લેખ છે. ચિકિત્સાપ્રાભૃતીય અધ્યાયમાં સ્વભાવોપરમવાદનો સિદ્ધાંત Quantum Mechanics- Atomic Theory નો પાયો છે. તે દર્શાવે છે કે કોઈપણ મળદ્રવ્ય એકવાર શરીરમાં ઉત્પન્ન થાય તો તેનો નાશ ન કરી શકાય અને બીજી ક્રિયા પણ ન કરી શકાય. તેનો સંલગ્ન ધાતુ પરનો વિષમ પ્રભાવ દૂર કરી, ફરી તેને પ્રાકૃતતામાં જોડી દેવાથી પુન : સમવાયતા પ્રાપ્ત થાય છે, જેના દ્વારા વિષમતા દૂર થાય છે. તેમાં કેન્દ્રસ્થાને અગ્નિ છે. આયુર્વેદનો અગ્નિ કાયાગ્નિ છે, તે અહીં સ્પષ્ટપણે બતાવવામાં આવેલ છે.

આમ, આ આઠેય સિદ્ધાંતો દ્વારા સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની જાળવણી કરવી, આતુર વ્યક્તિના રોગને દૂર કરવો અને આ રીતે શરીરમાં અગ્નિની સાપેક્ષતા જાળવવી એ આયુર્વેદનો મૂળ હેતુ છે. મૂળગામી તેમજ શુદ્ધ આયુર્વેદ “દવાવાદ’થી પર છે.

Total Views: 342

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.