ભારતમાતાની સ્વતંત્રતા માટે જે થોડીક નારીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એમાં કનકલતા બરુઆ પણ ખરી. પૂર્વાંચલના આસામ પ્રદેશની વતની, આ છોકરી શહાદતને વરી ત્યારે ફક્ત 14 વર્ષની હતી.

1942માં ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન શરૂ કર્યું. તેમણે દેશની જનતાને ‘કરો યા મરો’નો નારો આપ્યો. સમગ્ર દેશમાં આ આંદોલને જોર પકડી લીધું હતું – કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ.

આસામ પ્રદેશની આ વાત છે. 20 સપ્ટેમ્બર, 1942નો દિવસ. માધ્યમિક શાળામાં ભણતી કનકલતા બરુઆના નેતૃત્વમાં 500 લોકોનું એક સરઘસ ગોહપોન શહેરમાં નીકળ્યું. તેમનો હેતુ થાણા પર કબજો મેળવવાનો અને થાણાના પોલીસને સરકારી નોકરી છોડી દેવા સમજાવવાનો હતો.

સરઘસ થાણા પાસે પહોંચ્યું કે થાણેદાર રેવતીમોહન શેમે એમને પાછાં જતાં રહેવા કહ્યું. પરંતુ કનકલતાએ તેમને કહ્યું, ‘તમે લોકો વિદેશી સરકારની નોકરી છોડી દો. થાણા પર અમને અધિકાર લઈ લેવા દો, કારણ કે આ રાષ્ટ્રિય ઇમારત છે, ઇંગ્લેન્ડની સરકારની માલિકીની નથી.’

આ સાંભળી થાણેદાર રેવતીમોહનનો પિત્તો ગયો. એણે કનકલતાને ચેતવણી આપતાં કહ્યું, ‘તમે લોકો અહીંથી જતા રહો, નહીંતર તમને ગોળીઓથી વીંધી નાખવામાં આવશે.’

કનકલતાએ જરા પણ ગભરાયા વગર કહ્યું, ‘થાણું જનતાની સંપત્તિ છે અને અમે એના પર અધિકાર જમાવવા આવ્યા છીએ. તમે જનતાના સાચા સેવક હો તો અમારો માર્ગ ન રોકો.’

પોલીસે છેલ્લી ચેતવણી આપતાં કહ્યું, ‘હવે એક ડગલું પણ આગળ વધ્યાં છો તો આ બંદૂકની ગોળી છૂટતાં સહેજ પણ વાર નહીં લાગે.’

‘તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ,’ એમ કહેતાં કનકલતા આગળ વધી. એની પાસે કોઈ હથિયાર નહોતું. હા, હાથમાં તિરંગો ઝંડો જરૂર હતો.

ત્યાં તો એક પોલીસની બંદૂકમાંથી ગોળી છૂટીને કનકલતાની છાતીમાં પેસી ગઈ. એ ત્યાં જ ઢળી પડી. થોડીવાર તરફડિયાં મારીને એણે શ્વાસ છોડી દીધો. પરંતુ એ શ્વાસ છોડે તે પહેલાં એના એક સાથીદાર મુકુન્દ કાબલાએ એના હાથમાં ધ્વજ પકડી લીધો. નિર્દય પોલીસે એના પર પણ ગોળી છોડી. એ પણ મોતને શરણ થયો. ત્યાર પછી ત્રીજી વ્યક્તિએ ઝંડો પકડ્યો, એના પર પણ ગોળીબાર થયો. આમ એક પછી એક 60 દેશભક્તો શહીદ થયા, 6 ઘાયલ થયા.

આટલી મોટી સંખ્યામાં લોકોએ શહાદત વહોરી હોવા છતાં ઈતિહાસમાં જોઈએ તેવી તેમની નોંધ લેવાઈ નથી. આવડા મોટા દેશમાં કનકલતા કે મુકુન્દ કાબલાના નામનું ક્યાંય સ્મારક છે ખરું?

Total Views: 338

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.