સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ)ની ગુરુસેવા અતુલનીય અને અનુકરણીય છે. જો સેવા નામની કોઈ વસ્તુ આ જગતમાં હોય તો તે શશી મહારાજ જ જાણતા હતા. અને જો કોઈને સેવક કહીએ તો શશી મહારાજને સર્વના અગ્રણી કહેવાય. અને જો કોઈ અહેતુકી ભક્તિ જોવા ઇચ્છે તો એમણે શશી મહારાજને જ આદર્શરૂપે જોવા પડે. શશી મહારાજમાં બધા ગુણ જ છે, દોષ કોઈ નથી. આમ છતાં પણ માણસ સાવ નિર્દોષ નથી હોતો એવી એક પ્રચલિત માન્યતા છે. શશી મહારાજ વિચાર્યા વિના, વાદવિવાદ કર્યા વિના, સ્વાર્થપક્ષ પર દૃષ્ટિ ન રાખીને એક-મને પરમહંસ દેવની સેવા કરતા હતા. જો એને આપણે દોષ ગણીએ તો શશી મહારાજમાં આ દોષ હતો. આપણે હનુમાનની દાસ્યભક્તિની કથા સાંભળી છે. શશી મહારાજ દાસ્યભક્તિની પરાકાષ્ઠા પોતાના જીવન દ્વારા બતાવી ગયા છે. આવા ભક્ત ચૂડામણિ પરમહંસ દેવના ભક્તોમાંથી બીજા કોઈને જોયા નથી. આ વાત હું અત્યુક્તિ કરીને કહેતો નથી. જે કોઈ પરમહંસ દેવની નજીક ગયા છે. તે બધાએ એક સ્વાર્થનો સંબંધ રાખ્યો હતો – કેવી રીતે મોક્ષ મળે, કેવી રીતે સાધનભજન થાય, કેવી રીતે યોગમાર્ગમાં પરિભ્રમણ કરવામાં સક્ષમ બની શકીએ. આવો કોઈ ને કોઈ એક ભાવ બધામાં જોવા મળતો. શશી મહારાજમાં આવું કંઈ જ ન હતું. તેઓ આત્મસમર્પણ કરીને નિષ્કામ ધર્મ સાથે ગુરુસેવા કરવાનું શીખ્યા હતા. તેઓ પોતાના જીવનમાં આવી સાધના કરીને કૃતાર્થ બન્યા છે અને જે કોઈ શશી મહારાજની દાસ્યભક્તિની વાત સાંભળશે તે પણ આવો જ ભક્તિલાભ મેળવશે એમાં કોઈ સંદેહ નથી. (સ્વામી રામકૃષ્ણાનંદ : સ્વામી જગદીશ્ર્વરાનંદ, મેદિનીપુર)

ભાઈ શશી, તું ધન્ય છે ! તેં જ સાચી સેવાનો બોધ આપ્યો છે – દાખલો બેસાડ્યો છે. પૃથ્વીના બધા ધર્મોનાં કર્મોનો સાર છે, ગુરુસેવા. હવે જે કાંઈ પણ જોવાનું છે તે છે શ્રીગુરુનાં ચરણકમળ. શશી, તેં એ જ કર્યું છે અને તે પણ પૂરેપૂરા પ્રાણ ભરીને તેમજ કોઈ આકાંક્ષા વિના. ક્યારેક ક્યારેક મનમાં આવું આવે છે કે જન્માંતરમાં સેવા કરવા તેં પંચતપા તપ કર્યાં હતા કે જાણે કે પોતાનું માથું કાપીને ધરી દીધું હતું. એટલે જ પ્રભુએ તારા માટે ઉત્કટ રોગને નોંતરીને સેવાગ્રહણ કરવાનું નિમિત્ત બનીને તેઓ તારી નજીક જડવત્ બનીને સૂતા હતા. ભાઈ, તેં તો માનવદેહ ધારણ કરીને આદર્શ કર્તવ્ય-કર્મ અમને સમજાવી દીધાં હતાં. એટલે જ તું પ્રભુની વિશેષ કૃપાને પાત્ર હતો. એમની કૃપાથી, દયાથી તું આજે સેવકવૃંદમાં શિરોમણિ બની ગયો છે. પ્રભુ જેમ આપણા ગુરુ છે તેમ તું એમનો અનન્ય સેવક છો. તું અદ્વિતીય છો, તારો પરિચય આપવા હું લાયક નથી.

શ્રીશ્રીમા શારદાદેવી નિકટ હતાં છતાં ગુરુ મહારાજની (શ્રીરામકૃષ્ણદેવની) સેવામાં જ તેઓ રત રહેતા હતા. શશીની દૃષ્ટિ સર્વવ્યાપી અને સકલ હતી. બીજા સંન્યાસીઓએ અને ભક્તગણે પરમહંસ દેવની સેવામાં પોતાની જાતને હોમી દીધી હતી. પરંતુ એમનામાં જપ-તપ કરવાની તીવ્ર ઇચ્છા હતી. ક્યારેક કૌપીન ધારણ કરીને, ચીપિયો લઈને, દેહ પર ભસ્મ લેપ કરીને સંન્યાસી સજ્જ થતા. ક્યારેક વળી ધૂણી ધખાવીને બેસતા, ક્યારેક ઉપવાસનું પાલન કરીને દિવસભર જપ-તપ કરતા. શશીમાં આવું કંઈ ન હતું. (સ્વામી રામકૃષ્ણાનંદ : સ્વામી જગદીશ્ર્વરાનંદ, મેદિનીપુર)

Total Views: 293

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.