પ્રથમ મુલાકાત :

જ્યારે સ્વામી વિવેકાનંદ 1895ના નવેમ્બરમાં ઇંગ્લેન્ડના બૌદ્ધિક પરિવારમાં વ્યાખ્યાન માટે ગયા ત્યારે ઇસાબેલ માર્ગેસનના ઘેર માર્ગરેટ (ભગિની નિવેદિતા)ની સ્વામી વિવેકાનંદ સાથે પહેલી મુલાકાત થઈ. જ્યાં આ શિક્ષિત અને સંસ્કારી માર્ગરેટને નિમંત્રિત કરવામાં આવી હતી, તે નવેમ્બર 1895નો રવિવારનો દિવસ અને બપોરનો સમય હતો. ખૂબ જ ઠંડી હતી. 15 થી 16 વ્યક્તિઓ સ્વામીજીની ચારે તરફ અર્ધ વર્તુળાકારમાં બેઠી હતી. મધ્યભાગમાં ભગવા રંગનો ડગલો ધારણ કરી સ્વામીજી એ પ્રબુદ્ધ લોકોની સમક્ષ બેઠા હતા. સ્વામીજીએ કમરબંધ લપેટ્યો હતો. તેઓ વારંવાર ‘શિવ, શિવ, શિવ’ શબ્દનું ઉચ્ચ સ્વરે ઉચ્ચારણ કરતા હતા.

સ્વામીજીની આંખોમાં મૃદુતા, ભવ્યતા અને સ્વાભિમાનના ભાવ જોઈને માર્ગરેટને રાફેલના ‘સિસ્ટાઈન મેડોના’ નામના ચિત્રમાં રહેલા બાળકની યાદ આવી ગઈ. તેઓ સંસ્કૃતના શ્ર્લોક મધુર અવાજમાં લય સાથે ગાઈ રહ્યા હતા. સ્વામીજી ત્યાં સાંજના મોડે સુધી બેઠા હતા. એક હિંદુ યોગી પોતાના પશ્ચિમી શ્રોતાઓ અને સ્નેહીજનો વચ્ચે બેસી તેઓને પોતાના દેશના હિંદુ ધર્મનાં મૂળભૂત તત્ત્વો બતાવી રહ્યા હતા. લંડનના એ પાશ્ર્ચાત્ય રંગમાં સજાયેલી બેઠકમાં જાણે કે ભારતના કોઈ ગામના વૃક્ષ નીચે બેઠેલા સાધુની આસપાસ ઉપસ્થિત લોકોનો સમૂહ પરમાર્થની વાતો તલ્લીનતાથી સાંભળી રહ્યો હતો. સાંધ્યવેળા રાત્રીના અંધકારમાં પરિવર્તિત થઈ રહી હતી. સ્વામીજીએ કહ્યું કે પોતે અહીં એટલા માટે આવ્યા છે કે આ દેશોની વચ્ચે વિચારોનું, જીવન કલ્પનાઓનું આદાન-પ્રદાન થઈ શકે. સ્વામીજીએ ત્યાં ઉપસ્થિત લોકોને ઈશ્વર વિશે અને આધ્યાત્મિક ઉન્નતિના ત્રણ માર્ગ બતાવ્યા – કર્મ, જ્ઞાન અને ભક્તિ. તેઓએ અદ્વૈતવાદ, એકેશ્ર્વરવાદ, એકત્વવાદ, બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મની ચર્ચા કરી.

સ્વામીજીનો વાર્તાલાપ બધાને પ્રભાવક લાગ્યો. આટલું જ્ઞાન શ્રોતાઓના હૃદયને જીતવા માટે પૂરતું હતું. પરંતુ કેટલાક આમંત્રિત બૌદ્ધિક શ્રોતાઓ સ્વામીજીના વિચારોને એકદમ માનવા તૈયાર ન હતા. તેઓ વધારે તો આધુનિક આંદોલનમાં રુચિ ધરાવતા હતા. તેઓની એ માન્યતા હતી કે ધર્મ અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ મનોવિજ્ઞાનમાં સમાયેલું છે. આ બધા અતિથિ શ્રોતાઓ અત્યંત ઉચ્ચ શ્રેણીની બુદ્ધિમત્તા ધરાવતા હતા પણ આ લોકો સત્યના આ અનોખા તથા સાહસિક વિચારોને અંતર્ભૂત કરવાની ઇચ્છા રાખતા ન હતા. ખ્રિસ્તી ધર્મ સંબંધિત અંધવિશ્વાસો તથા દુરાભિમાનથી પ્રેરિત આ શ્રોતાઓએ તેઓના કેટલાક નિશ્ર્ચિત મત ઘણા જ વિરોધાભાસ સાથે સ્વામીજીની સામે રાખ્યા. વિવેકાનંદના અભિનવ તત્ત્વજ્ઞાનને ન સમજી શકવાને કારણે કેટલાક યુરોપિયન શ્રોતાઓ સ્વામીજીના વિચારોમાં કોઈ નવીનતા નથી એમ શ્રીમતી માર્ગેસનને કહી એક પછી એક બહાર નીકળી ગયા.

આ બધા વચ્ચે માર્ગરેટના મન પર કંઈક જુદી જ પ્રતિક્રિયા થઈ. આવનારાં સપ્તાહોમાં જ્યારે માર્ગરેટે સ્વામીજીનાં કાર્યોનું અવલોકન કર્યું તો તેની સમક્ષ સ્વામીજીના વિચારો સ્પષ્ટ થવા લાગ્યા. ત્યારે તેને એ પ્રતીતિ થઈ કે કોઈ નવી વિચારધારા તથા અનોખા સાંસ્કૃતિક સંદેશને આ રીતે તિરસ્કૃત કરવો તે તેમના પ્રતિ માત્ર અન્યાય જ નહીં પરંતુ આ દેશના અનુદાર દૃષ્ટિકોણનો પરિચાયક પણ છે. સત્યના ઉપાસકોનો દૃષ્ટિકોણ ઉદાર હોવો જરૂરી છે. છતાં જાતતપાસ વિના કોઈ પણ નિર્ણય લેવો તેમને યોગ્ય લાગ્યો નહીં. તેમને સત્યનો પ્રત્યક્ષ અનુભવ મળી ગયો હતો તથા કેટલાક સિદ્ધ પુરુષોની મહાનતાથી તે પ્રભાવિત પણ થયાં હતાં. દાખલા તરીકે, જ્યારે સ્વામીજી અવતાર બાબત બોલી રહ્યા હતા ત્યારે તેઓએ ભગવદ્ ગીતાના એક શ્ર્લોકનું અવતરણ ટાંકતાં કહ્યું હતું –

જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે તથા અધર્મની બોલબાલા વધે છે ત્યારે ત્યારે સજ્જનોના રક્ષણ માટે, દુષ્ટોના નાશ કરવા હું જન્મ લઉં છું.

માર્ગરેટ ગીતાના આ વિચારથી બહુ જ પ્રભાવિત થયાં હતાં. હવે તેમને સમજમાં આવ્યું કે શા માટે સ્વામીજીએ કહ્યું હતું કે બધા ધર્મ સત્ય છે, કોઈ પણ ઈશ્વરીય અવતારની કે પુનર્જન્મની નિંદા કરવી ન જોઈએ. માર્ગરેટ આ પૂર્ણ સ્વરૂપે સમજી શક્યાં નહીં કે શા માટે સ્વામીજીએ ખૂબ દૃઢતાપૂર્વક કહ્યું હતું –

‘આત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન તથા માનવતાની સેવા જ કેવળ જીવનનું લક્ષ્ય નથી. વાસ્તવિક ઈશ્વર નિર્ગુણ છે પણ પંચેન્દ્રિયના ધૂંધળા આવરણ પાછળ ઈશ્વરને જોવા જાય તો તે સગુણ છે,’ આ વિચારસૌંદર્યથી તે માત્ર પ્રભાવિત જ ન થયાં પણ આ સત્ય તેમના હૃદયને ગાઢ રીતે સ્પર્શી ગયું. ‘ઈશ્વર તો પૂર્ણ સ્વરૂપે વ્યક્તિભાવ રહિત છે, પણ બુદ્ધિના ધુમ્મસમાં ઈશ્વરને જોતાં તે વ્યક્તિસ્વરૂપ બની જાય છે. ટૂંકમાં બુદ્ધિ અને પોતાની ચેતના જાગૃત કરી, ઈશ્વરને શોધો, જોઈશું તો એ એકદમ આપણા જેવો, આપણી એકદમ નજીક દેખાશે. તે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ નથી,’ આ કલ્પના તેઓને વધારે વિચાર કરવા જેવી લાગી. ધર્મને કેવળ વિશ્વાસ માની શકાય નહીં. ધર્મને આપણે સ્પષ્ટ સ્વરૂપે જાણવો પડશે.

ધર્મ વિષયક આ વિચાર માર્ગરેટને સન્માનજનક લાગ્યા. પરંતુ આ બધાથી ઉપર માર્ગરેટને જે બાબતે સૌથી વધુ પ્રભાવિત કરી તે હતું વક્તાનું ભવ્ય, તેજસ્વી, અલૌકિક વ્યક્તિત્વ. સ્વામીજી જે દૃઢ આત્મવિશ્વાસથી બોલી રહ્યા હતા, તે આત્મવિશ્વાસ કેવળ તેઓમાં જ પેદા થતો હોય છે જેઓએ ધર્મને પ્રત્યક્ષ સ્વરૂપે જાણ્યો હોય. તેઓના પ્રત્યેક શબ્દ પાછળ અનુભવનિર્મિત જીવંત શ્રદ્ધા હતી. આ વાતનો કોઈ ઇનકાર જ કરી શકતું ન હતું અને આ વિશ્વાસનો કોઈ નાસ્તિક વ્યક્તિ પણ નકાર કરી શકતું ન હતું.

સ્વામીજીના આ વિચારોનું તેમણે વારંવાર મનન કર્યું તો ધીમે ધીમે તેમનું માનસિક હઠીલાપણું ઓછું થવા લાગ્યું અને સ્વામીજીના વિચારોને વધુ સારી રીતે સમજવાનો નિર્ણય કર્યો. સ્વામીજીનાં બીજાં બે ભાષણમાં માર્ગરેટ ઉપસ્થિત રહ્યાં, જે 18 તથા 23 નવેમ્બર, 1895ના રોજ થયાં હતાં. આ ભાષણ તેમણે બહુ જ તન્મયતાથી સાંભળ્યાં. પરંતુ હજુ પણ તેમની સ્થિતિ એક નાસ્તિક જેવી જ હતી, સ્વામીજીના વિચારો પ્રતિ હજુ પણ સંદેહ હતો. તેમને પૂર્ણ સંતોષની તુષ્ટિ મળી નહોતી. પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન ‘પરંતુ’ અને ‘શા માટે’ એવા શબ્દો હંમેશાં રહેતા. સાચી વાત તો એ હતી કે સ્વામીજીના વિચારો યથાતથા સ્વીકારવા ઇચ્છુક નહોતાં. તેમને ભય હતો કે સ્વામીજીના વિચારો યથાતથા માની લેવાથી આગળ ઉપર અમાન્ય કરવા કે એ વિચારોથી આગળ વધવાનું મુશ્કેલ થઈ જશે. હવે તે દરેક વખતે કોઈ ને કોઈ પ્રશ્ન ઉપસ્થિત કરી દેતાં ત્યારે સ્વામીજીએ બહુ જ મૃદુતાથી માર્ગરેટને કહેતા, ‘મેં પણ મારા ગુરુના વિચારો જાણવા, સમજવા છ વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો. અનેકવાર મેં વાદવિવાદ કર્યો હતો, ત્યારે મને પોતાની સાધનાનો માર્ગ અને દરેક સોપાન પર જ્ઞાન મળ્યું હતું.’

હવે તે સમય આવ્યો જ્યારે માર્ગરેટે સ્વામીજીને ‘ગુરુ’ કહીને સંબોધન કર્યું. તે સમય હતો લંડનથી સ્વામીજીનો પાછા ફરવાનો. આ પ્રસંગનું વર્ણન કરતાં માર્ગરેટ લખે છે :

‘મેં આ વ્યક્તિના ઈશ્વરીય અંશોને, અસામાન્ય નેતૃત્વના ગુણને ઓળખી લીધા છે. મારી ઇચ્છા છે કે હું તેમના સમાજ વિષયક પ્રેમના દાસત્વનો સ્વીકાર કરી લઉં. હું ચાહું છું કે એ જે સમાજને આટલો પ્રેમ કરે છે તે સમાજની સેવા માટે હું મારી જાતને સમર્પિત કરી દઉં. આ એ જ વ્યક્તિત્વ છે જેને હું શત શત પ્રણામ કરું છું. આ એ જ ચારિત્ર્ય છે જેમણે મને વિનમ્ર બનાવી છે. મેં જોયું કે તેમની પાસે વિશ્વને દેવા માટે ધર્મ સંબંધિત વિચારોની એક સુવ્યવસ્થિત શૃંખલા છે.. જેનું મનન કર્યા બાદ કોઈ પણ એ દાવો નથી કરી શકતું કે સત્ય ક્યાંક અન્યત્ર છે. જ્યારે તેઓ પોતાના ધર્મનાં તત્ત્વો વિશે બતાવે છે અને જે ક્ષણે તેઓને એવું લાગે છે કે કોઈ વિચારધારા સત્યથી વિસંગત છે તો તુરત તેને દૂર હટાવી દે છે અને તેઓની આ મહાનતાને કારણે હું તેઓની શિષ્યા બની છું. તેઓની વિચારધારાને માન્યતા દેવા તથા તેના વિસ્તાર માટે મેં તેઓનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. મેં તેઓના ઉપદેશોનો, જ્ઞાનનો બહુ જ ધ્યાનપૂર્વક સૂક્ષ્મ અભ્યાસ કર્યો, એ ત્યાં સુધી કે હું પૂર્ણ સહમત ન થાઉં. મેં ત્યાં સુધી તેઓના દ્વારા બતાવાયેલાં ધર્મતત્ત્વોનો પૂર્ણત: નિર્દોષરૂપથી સ્વીકાર નથી કર્યો, જ્યાં સુધી મેં આત્માનુભવ દ્વારા તે તત્ત્વોની સત્યતાને પ્રમાણિત ન કરી. જો કે હું તેઓના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ હતી, છતાં મારા મનની બધી જ શંકાના સમાધાન બાદ જ મારી તેઓના પર શ્રદ્ધા દૃઢ થઈ શકી. તેઓના સંપર્કમાં આવ્યા બાદ મારી સમક્ષ હવે કોઈ પણ અસામાન્ય બુદ્ધિમાન વ્યક્તિ અને સ્વામીજી વચ્ચેનું અંતર સ્પષ્ટ થઈ ચૂક્યું હતું.’

જ્યારે સ્વામીજી શરદ ઋતુમાં અમેરિકા તરફ જવા રવાના થયા ત્યારે માર્ગરેટ તેઓના ત્રણ ગુણનું વારંવાર મનન કરતાં રહ્યાં –

(1) વિશાળ દૃષ્ટિ (2) વિચારોની મહાનતા, નૂતનતા, બુદ્ધિનિષ્ઠા અને ગાઢ નિસ્બત (3) સચ્ચાઈ અને શુદ્ધતા.

બીજી મુલાકાત :

સ્વામીજીએ 15 એપ્રિલ, 1896ના દિવસે લંડન જવા માટે ન્યૂયોર્ક છોડ્યું. તેઓના મિત્રો અને સહયોગી તેમને ફરી મળ્યા. સ્વામીજી પણ બહુ જ ખુશ હતા કારણ કે સ્વામી સારદાનંદ અહીં આવી પહોંચ્યા હતા. બે વર્ષની વિયોગ અવધિ બાદ બંને ગુરુભાઈઓ પણ સ્ટર્ડીના નિવાસસ્થાન, જે સેન્ટ જ્યોર્જ રોડ પર હતું ત્યાં મળ્યા. સ્વામીજીએ મે મહિનાની શરૂઆતમાં જ્ઞાનયોગનું શિક્ષણ આપવાનું શરૂ કરી દીધું. તેઓ મે મહિનાના અંત સુધીમાં જ્ઞાનયોગ પર ત્રણ ભાષણ આપી ચૂક્યા હતા. તેઓના આ ભાષણનું પ્રયોજન ‘રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેઈન્ટર્સ ઈન વોટર કલર’માં થયું હતું. આ વ્યાખ્યાનોને ઘણી જ લોકપ્રિયતા મળી. હવે તેઓનાં વ્યાખ્યાનોની એક શ્રેણીનું આયોજન પ્રિન્સેસ હોલમાં રાખવામાં આવ્યું, જે રવિવારે બપોરે હતું. આ વ્યાખ્યાનોની શ્રેણી જૂન અને મધ્ય જુલાઈ સુધી ચાલી.

આ સાર્વજનિક વ્યાખ્યાનોની સાથે સાથે સ્વામીજીએ એક સપ્તાહમાં પાંચ વર્ગો નિરંતર લેવાનું શરૂ કર્યું. શુક્રવારે પ્રશ્નોત્તરીનો વર્ગ લેવાતો. આ બધાં જ ભાષણોમાંથી સુશ્રી એની બેસન્ટના સભાગૃહમાં થયેલા ‘ભક્તિ’ વિષય પરનું ભાષણ, નોટિંગ હિલ ગેટ પર શ્રીમતી હંટના ઘર પર કરેલું ભાષણ ઉપરાંત અન્ય એક “Education’ વિષય પર સીસેમ ક્લબમાં થયેલું ભાષણ વિશેષરૂપમાં ચિરસ્મરણીય હતાં….

માર્ગરેટ તથા તેમના સાથીઓ, એ લોકોમાં હતા જેઓએ એક પણ દિવસ ચૂક્યા વિના સ્વામીજીનાં ભાષણોમાં હાજરી આપી હતી. ખુલ્લા અને ઉદાર વિચારના ધનિક લોકો સ્વામીજીના વેદાન્તિક ઉપદેશોની સત્યતાનો સ્વીકાર કરવા પૂર્ણ રીતે તૈયાર હતા. માર્ગરેટે સ્વામીજીના ઉપદેશોનો પોતાના મન પરનો પ્રભાવ બહુ જ સુંદર રીતે એક લેખમાં સંકલિત કરેલ, જે સપ્ટેમ્બર, 1897માં ‘બ્રહ્મવાદિન્’માં પ્રકાશિત થયેલ –

‘આ સંદેશ કોઈ વિશેષ તત્ત્વરૂપે સર્વવ્યાપ્ત અને જગજાહેર છે. આ પહેલાં આવું ઉચ્ચારણ કોઈએ કરેલ નથી. આ વિચાર આપણને ધીમે ધીમે ઈશ્વરીય અને માનવીય એકાત્મકતાની ભાવના તરફ લઈ જાય છે. ભૂતકાળમાં ક્યારેય નિર્ભયતાનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો. આપણામાંથી દરેક આ મહાન સંસ્કૃતિના પ્રવેશદ્વારમાં જવા ઉત્સુક છે.’

આ પ્રવાસ દરમિયાન સ્વામીજીએ હિંદુઓનો માયાસિદ્ધાંત પર ભાષણ આપ્યાં હતાં. આ ભાષણોમાં તેમની મહાન બૌદ્ધિક ક્ષમતાનું દર્શન થાય છે. માયા ભ્રમ છે તે કહેવાને બદલે ‘આપણે કોણ છીએ?’, ‘આપણે આપણી આસપાસ શું જોઈએ છીએ?’, ‘શું અનુભવ કરીએ છીએ?’ આ બધાનું સરળ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું. ‘આ માયાનું બંધન તોડવું એ જ સ્વતંત્રતા છે.’ ‘આત્મા પ્રકૃતિ માટે નથી પણ આ પ્રકૃતિ જ આપણા આત્મા માટે છે,’ આવાં દૃઢવચનથી સ્વામીજીએ શ્રોતાઓનાં આંતરમનને આંદોલિત કરી દીધાં.

એક દિવસ પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન સ્વામીજી એકાએક ઊભા થઈ જોરદાર ગર્જના સાથે બોલી ઊઠ્યા કે શું આ વિરાટ સંસારમાં 20 સ્ત્રીપુરુષો પણ નથી જેઓ શહેરના મુખ્ય માર્ગ પર આવી એટલું બોલવાની હિંમત કરે કે તેઓમાં ઈશ્વરીય અંશ મોજૂદ છે. બોલો, તમારામાંથી કોણ ઊભા થઈ આ વાતનો સ્વીકાર કરશે? શું આ સ્વીકાર કરવામાં ડરવું જોઈએ? જો આ સત્ય છે કે ઈશ્વર આપણામાં મોજૂદ છે, તો આ સત્ય સ્વીકારવામાં આનાકાની શેની? તો આ જીવન જીવવાનો લાભ શો?

આ શબ્દોએ માર્ગરેટના હૃદયને આંદોલિત કરી નાખ્યું અને સ્વામીજીને સાથ આપવા તત્પર થઈ ગયાં. પરંતુ અનુસરણ કેમ કરવું તે દ્વિધા વચ્ચે તેમણે સ્વામીજીને એક પત્ર લખ્યો. તેનો જવાબ સ્વામીજીએ 7 જૂન, 1896ના રોજ માર્ગરેટને આપ્યો, જેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે.

મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં તેને કેવી રીતે વ્યક્ત કરવી, તેનો ઉપદેશ આપવો.

જે એક વિચાર હું સૂર્યપ્રકાશ જેટલો સ્પષ્ટ જોઉં છું તે એ છે કે દુ:ખ ‘અજ્ઞાન’થી આવે છે, બીજા કશાથી જ નહીં. દુનિયાને પ્રકાશ કોણ આપશે ? ભૂતકાળમાં આત્મભોગ તે ‘કાયદો’ હતો; અને અફસોસ કે યુગો સુધી તે રહેવાનો જ. ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ દુનિયાના વીર અને શ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે. અનંત પ્રેમ અને અમાપ દયાવાળા સેંકડો બુદ્ધોની (દુનિયા માટે) જરૂર છે.

જગતના ધર્મો નિર્જીવ અને હાંસી જેવા થઈ ગયા છે. દુનિયા ચારિત્ર્ય માગે છે. જેમનું જીવન એક નિ:સ્વાર્થ જ્વલંત પ્રેમરૂપ છે, તેવા પુરુષોની દુનિયાને જરૂર છે. એવા પ્રેમનો શબ્દ વજ્ર જેવી અસર કરશે.

તમારામાં વહેમ નથી, એની મને ખાતરી છે; દુનિયા હલાવનારનું તમારામાં ઘડતર છે; અને બીજાઓ પણ આવશે, નીકળશે. વીરતાભર્યાં વચનો અને એથીય વધુ વીરતાભર્યાં કાર્યોની જ આપણે જરૂર છે. જાગો, ઓ મહાનુભાવો ! જાગો, દુનિયા દુ:ખમાં બળી રહી છે; તમારાથી સૂઈ રહેવાય કે ? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલો દેવ જવાબ ના આપે, ત્યાં સુધી પોકાર પાડ્યા જ કરો. જીવનમાં બીજું વધારે છે શું ? એથી વિશેષ મહાન કામ છે ક્યું ? જેમ જેમ હું આગળ વધું છું, તેમ તેમ વિગતો મને સૂઝતી આવે છે. હું કદી (અગાઉથી) યોજના કરતો નથી. યોજનાઓ પોતે વિકસે છે અને પોતાની મેળે કાર્ય કરતી થાય છે. હું તો એટલું જ કહું છું : જાગો, બસ જાગો !

માર્ગરેટને સ્વામીજીનો આ પત્ર મળ્યો. આ પત્ર વાંચી માર્ગરેટને લાગ્યું કે આમાં કાર્ય માટે કોઈ માર્ગદર્શન થયું નથી. આ પત્ર વાંચીને એ વાત જરૂર સમજમાં આવી કે સ્વામીજીએ તેમને સેવાનો અવસર પ્રદાન કરવાનું નિવેદન ગંભીરતાથી કરેલ છે, છતાં વધુ પ્રત્યક્ષ તથા સ્પષ્ટ સંકેતની પ્રતીક્ષા કરવી રહી. એક દિવસ વાર્તાલાપ દરમિયાન સ્વામીજીએ તેમની તરફ જોઈને કહ્યું, ‘હું મારા દેશમાં સ્ત્રીઓની પ્રગતિ માટે કાર્યક્રમની રૂપરેખા બનાવી રહ્યો છું. વિચારું છું કે આ કાર્યક્રમમાં તું મને સારી મદદ કરી શકીશ.’

તે જાણતાં હતાં કે આ એ જ કર્તવ્યની પુકાર છે, જે તેને સાંભળવી હતી, તેમના જીવનમાં મહાન પરિવર્તન લાવવાની હતી. વર્ષોથી તે આ જ પ્રકાશની પ્રતીક્ષામાં હતાં. 1910માં માર્ગરેટનું પુસ્તક ‘ઝવય ઠયબ જ્ઞર ઈંક્ષમશફક્ષ કશરય’ પ્રકાશિત થયું ત્યારે તેમણે પોતાના એક મિત્રને લખ્યું હતું,

‘જો કલ્પના કરીએ કે જો સ્વામીજી લંડન ન આવ્યા હોત તો! આ અવાજને નિશ્ર્ચિત જાણી લઈશ તેમાં શંકા નથી. સૌભાગ્યવશ હું આપણા જીવન વિશે થોડું જાણું છું તે કારણે એક દારુણ વેદનામાં પડી જતાં બચી ગઈ. જ્યારે હું પુસ્તક તરફ જોઉં છું ત્યારે મારા મોંમાંથી અનાયાસ આ શબ્દો નીકળી પડે છે, ‘જો તેઓ ન આવ્યા હોત તો!’ હું મારી ભીતર એ ઉત્તેજક અવાજ સાંભળતી રહેતી. ઘણીવાર હું કલમ લઈને કલાકો સુધી મૌન બેસી રહેતી. હવે મારી કલમ અબાધિત ગતિથી ચાલી રહી છે. એ તો નિશ્ર્ચિત છે કે જેવી હું મારા કાર્યક્ષેત્રને યોગ્ય બનીશ કે તરત જ મારા સંસારને મારા હોવાની પ્રતીતિ થશે, એવો મને વિશ્વાસ છે. મારું કાર્યક્ષેત્ર પૂર્ણ તૈયારી સાથે મારી પ્રતીક્ષા કરી રહ્યું છે.’

ઉનાળા દરમિયાન સ્વામીજી તેમના મિત્રો સાથે સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મનીના કેટલાક ભાગની મુલાકાત લઈ સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડ પાછા ફર્યા. હવે સ્વામીજી ભારત જવા માટે અધીર હતા. શ્રી સેવિયર્સ અને શ્રી ગુડવિન પણ સાથે આવવા તૈયાર હતા. કુ. મૂલર અને તેની એક સખી કુ. બેલે બાદમાં ભારત આવવાનો નિશ્ર્ચય કર્યો. માર્ગરેટ પણ ભારત આવવા માટે પૂર્ણરૂપે તૈયાર હતાં. પણ તેમણે હજુ સુધી આ બાબતમાં સ્વામીજીને કંઈ કહ્યું ન હતું. એક સાંજે જ્યારે કુ. મૂલરે સ્વામીજી સમક્ષ માર્ગરેટની ઇચ્છા વ્યક્ત કરી કે માર્ગરેટ સ્વામીજી સાથે ભારત જઈને સ્વામીજીના કાર્યમાં મદદ કરવા ઇચ્છુક છે ત્યારે સ્વામીજીને ઘણું જ આશ્ચર્ય થયું. સ્વામીજીએ બહુ જ શાંતિથી કહ્યું, ‘જ્યાં સુધી મારો સવાલ છે, જનકલ્યાણના જે કાર્યની જવાબદારી મેં લીધી છે તે કાર્ય કરવા જો જરૂર પડે તો લોકો માટે 200 વાર જન્મ લેવા હું તૈયાર છું.’ 16 ડિસેમ્બર, 1896 સ્વામીજીની ભારત પાછા ફરવાની તારીખ નક્કી થઈ. રવિવાર 13 ડિસેમ્બરના રોજ ‘રોયલ સોસાયટી ઓફ પેઈન્ટર્સ ઈન વોટર કલર’માં એક ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાષણ કરનારાં સ્ત્રીપુરુષો અતિ ભાવુક હતાં. કેટલાકનાં સજલનેત્રોને કારણે ભગવા વસ્ત્રોમાં સુસજ્જ સ્વામીજીની ધૂંધળી આકૃતિ પાછળ જાણે રંગોનું આલોકિત આકાશ સર્જાયેલું હતું. ‘આપણે ફરી અવશ્ય મળીશું, અલવિદા’ કહીને સ્વામીજીએ આગળની યાત્રાનું પ્રસ્થાન કર્યું…

માર્ગરેટ પૂર્ણ સંકલ્પ સાથે 28 જાન્યુઆરી, 1898ના રોજ કોલકાતા આવે છે. 25 માર્ચ, 1898ના રોજ સ્વામી વિવેકાનંદ માર્ગરેટ નોબલને ‘ભગિની નિવેદિતા’ નામ આપે છે. આ મહાન વિદુષી સન્નારી પૂર્ણ સ્વરૂપે ભારતીય સંસ્કૃતિ અને તેના આત્માને ઓળખી દીક્ષિત થઈને શિક્ષણ અને સેવામાં સમર્પિત થાય છે… તેથી જ સ્વામીજી તેમને “Dedicated to God’ કહે છે.

Total Views: 326

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.