ઈશ્વર (કહો કે સમગ્ર સંસારનું સંચાલન કરતી પરમશક્તિ) પર રહેલી અંતરની અટલ શ્રદ્ધા આ સંસારરૂપી ભવસાગરને પાર કરવા માટે નૌકા જેવું કામ કરે છે.

શ્રદ્ધા એ કોઈ મૂર્ત વસ્તુ નથી કે એ નથી ઇન્દ્રિયજન્ય કોઈ સુખ. શ્રદ્ધાને આંગળી મૂકીને બતાવી નથી શકાતી, હા.. બહુ બહુ તો મંદિરના શિખરે ફરફરતી ધજા સામે કે ઘરમંદિરમાં પ્રગટેલા દીપ સામે આંગળી ચીંધાડી શકાય.. પણ તેથી શું? શું માત્ર ફરફરાટ કે ઝળહળાટ એ જ શ્રદ્ધા? શ્રદ્ધાની આટલી જ ઓળખ શું પર્યાપ્ત ગણાય? – ના.

કેમ કે શ્રદ્ધા એ ઓળખનો નહીં, અસ્તિત્વનો મિજાજ ધરાવતી અસલ ‘ચીજ’ છે. શ્રદ્ધા અખંડમાં ઓગળતું અસ્તિત્વ છે અને અસ્તિત્વમાં ઓગળતી અખંડિતતા છે. એ પૃથક્ ન હોઈ શકે.

લય-તાલથી ઊઠતો અનાહત નાદ છે એ. હૃદયની ગુહામાં નિર્મળ ભાવથી કલકલ નાદ કરતું ઝરણું એટલે શ્રદ્ધા. નથી એણે ક્યાંય પહોંચવું કે નથી એણે કંઈક સાબિત કરવું.

બસ, હોવાના અર્થ સાથે અવિરત વહ્યા કરતો નિનાદ એ જ શ્રદ્ધા! શ્રદ્ધા એ પોપટિયા મુખપાઠથી થતો કોરો કર્મકાંડ માત્ર નથી; પરંતુ દરેક કર્મમાં રેડાતો હૃદયનો ભીનો ભાવ છે.

એમ પણ કહી શકો કે દૂધમાં ભળેલી સાકરને તમે અલગ પાડીને ઓળખાવી શકો કે… મીઠાશ એટલે આ… નહીં ને !

તો પછી જીવાતી જિંદગીમાં શ્રદ્ધાને સહારે જીવતા લોકોમાંથી પણ કંઈ જ નોખું તારવી શકાય છે જ ક્યાં? ને તો પણ – શ્રદ્ધાથી જીવનારા માણસોની માટી નિરાળી હોવાની જ.

એની ઓળખ અદ્‌ભુત તરીકે ઓળખાવાની જ – શ્રદ્ધાળુની ઇચ્છા એવી હોય કે ન પણ હોય – તેમ છતાં એને મન ઈશ્વર એટલે સમસ્ત બ્રહ્માંડનું અસ્તિત્વ.. અને એની પૂજા એટલે – ફૂલોના જેવી તાજગી, ધૂપ જેવી સુગંધ, દીવાની જ્યોત જેવો પ્રકાશ અને પ્રભુ પ્રસાદ સમી મીઠાશ.. એના નિરંતર જપની જેમ ચાલતા શ્ર્વાસોચ્છ્વાસ – એટલે હરપળનું સમર્પણ અને આ શ્રદ્ધાનું ફળ એટલે? – વાણીની મધુરતા, વિચારોની દિવ્યતા, દૃષ્ટિની વિશાળતા, હૃદયની ઉદારતા અને મનની પ્રસન્નતારૂપે માણસમાં અવતરિત થાય છે.

શ્રીઠાકુરે ‘કથામૃત’માં શ્રીમુખે ભક્તોને કહ્યું છે કે કળિયુગમાં કોઈ પણ વ્યક્તિ અંતરમનની શુદ્ધ શ્રદ્ધાથી ઈશ્વરને માટે આંસુ પાડીને અંતરનાદથી બોલાવશે તો ઈશ્વરદર્શન અવશ્ય થશે. આવી ભગવદ્કૃપા પ્રાપ્ત કરવા સારુ આપણા હૃદયમાં માના ધાવણ જેવી શુદ્ધ શ્રદ્ધા હોવી જોઈએ.

મગરના મોંમાંથી પોતાને છોડાવવા માટે અંતિમ ઉપાયરૂપે જ્યારે ગજેન્દ્ર (હાથી) તળાવમાંથી કમલદલ સૂંઢમાં લઈને ઊંચે આકાશમાં ઉછાળી શ્રીપ્રભુને પોકારે છે ત્યારે એની આંખોથી થતી આંસુની ધારમાં શ્રદ્ધા સિવાય બીજું તો શું હોય!

એકવસ્ત્રા દ્રૌપદી, છાતી ઉપરથી સરી જતી લાજને બચાવવા બંને હાથોને છાતી સરસા ભીડી દઈને, આર્તનાદથી આંખો મીંચી દે અને એ નિરુપાય.. અને.. નિ:સહાયતાની ચરમ ક્ષણે ગાલ ઉપર રેલાતી ખારી – ઉષ્ણ રેખાઓમાં ઝીલાતા શૂન્યનું પ્રતિબિંબ એ જ છે સમર્પિત શ્રદ્ધાનું મનોરમ્યરૂપ..!

સમગ્ર અસ્તિત્વનું અર્પણ એટલે શ્રદ્ધાની પ્રાપ્તિ !!

આધ્યાત્મિક યાત્રામાં શુદ્ધ ચિત્તની શ્રદ્ધા સદાય અપરાજિત છે.

શ્રીઠાકુર આપણા સૌના હૃદયગોખમાં એવી શ્રદ્ધાનો દીપ પ્રજ્વલિત રાખવાના આશિષ અર્પે એ જ પ્રાર્થના.

Total Views: 293

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.