દક્ષિણેશ્વરની ઓસરીમાં બેસીને શ્રીઠાકુર પોતાના શ્રીમુખેથી ભક્તો અને જિજ્ઞાસુઓને જે કંઈ વાતો કરતા તે ખરેખર અદ્‌ભુત હતી. શ્રીઠાકુરની આવી અવર્ણનીય વાતો નોંધવાની ખેવના રાખનાર શ્રીઠાકુરના ભક્ત શ્રીમ. (માસ્ટર મહાશય) ની આ સુટેવથી આપણને શ્રીઠાકુરની અમૃતવાણીની પ્રસાદી રૂપે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ જેવો અમૂલ્ય ગ્રંથ મળ્યો છે.

પોતાના ઓરડાની લાકડાની પાટ પર બેસીને શ્રીઠાકુર વેદ ઉપનિષદ વગેરેમાં આપણા પ્રાચીન ઋષિમુનિઓએ ઉપદેશેલી ગહનગંભીર વાતો સરળતમ અને તરત ગળે ઉતરી જાય તેવી ભાષામાં ભક્તો સમક્ષ મૂકતા.

આવે વખતે કોઈ વિચારશીલ માણસને આશ્ચર્ય ઉપજતું હશે કે કોલેજ કે યુનિવર્સિટીની ડિગ્રી ન હોવા છતાં આ માણસ આવી ગહન વાતોને કેવી રીતે સમજી શક્યા હશે ! અરે, એ બધું સમજવું તો ઠીક પણ સામાન્ય ભક્તો સમક્ષ એકદમ જડબેસલાક ઉદાહરણો અને વાર્તાની જેમ વણીને તેઓ ભક્તોને ગળે કેવી સહજશૈલીથી ઉતારી રહ્યા છે ! જાણે કે દૂધસાકર અને ઘીનો લસલસતો શીરો !

સંસારની જવાબદારીઓથી ઘેરાયેલા એક ગૃહસ્થ ભક્તે શ્રીઠાકુરને પોતાની વ્યથા વર્ણવતા કહ્યું કે આ સંસારની જવાબદારીઓ અને કામમાં અમે એટલા તો અટવાયેલા રહીએ છીએ કે ઈશ્વરનાં ધ્યાન, સ્મરણ, ભજન કરવાં એ અમને સ્વપ્ન જેવી વાત લાગે છે. આ સંસારની બેડીઓ તો મૃત્યુના દેવથી જ તૂટી શકે. અમે ઈશ્વરને ચાહીએ છીએ છતાંય સંસાર છોડીને એમને ભજવાનો સમય કેમ કરીને કાઢી શકીએ ?

શ્રીઠાકુરે ભક્તની વાત સાંભળીને હસતાં હસતાં કહ્યું કે અરે ભાઈ, હરિને ભજવા સારુ સંસાર છોડવાનું તો ખુદ હરિએ પણ ક્યાં કહ્યું છે ? આ મનુષ્યદેહ ધારણ કર્યો એટલે સંસારની માયાની બધી બેડીઓમાં બંધાવા જેટલાં પોતપોતાનાં કર્મોનું ભાથંુ હોય તો જ આપણે સૌ આ સંસારમાં આવ્યા. ઋણાનુંબંધ ચૂકવવા સારુ કોઈનો દીકરો તો કોઈનો પિતા કે પતિ થઈને સાંસારિક ભૂમિકાઓ ભજવવી જ રહી. પરંતુ હું એમ કહું કે સંસારમાં રહીને પણ હરિને ભજી શકાય. સંસારી માણસને ફણસને ચીરવા જેવું કાર્ય કરવાનું આવે જ છે. એ વખતે બન્ને હાથે જો તેલ લગાડીને પછી ફણસ ચીરે તો એ ચીકણું ચીડ હાથ બગાડે નહીં. એવી જ રીતે હરિના નામનું તેલ લગાવીને સંસારરૂપી ફણસ ચીરો, વચ્ચે વચ્ચે એકાંતમાં જઈને હરિને ભજો તો ભક્તિ થાય. જેમ ફળિયાની ચોપાડમાં ખાંડણિયામાં ચોખા છડતી મા વચ્ચે વચ્ચે ઘરમાં જઈને પોતાના બાળકને હીંચોળીને જરાક જોઈ આવે છે કે બધું બરાબર તો છે ને ? એ જ રીતે સાવધાન રહીને કાર્ય કરતાં કરતાં ઈશ્વરને ભજી શકાય.

માથા પર પાણીનું બેડું લઈને ચાલી આવતી પનીહારી એની સહેલી સાથે હાથ હલાવતાં હલાવતાં વાતો કરતી ચાલી આવે છે, પણ એનું બધું જ ધ્યાન તો પોતાના માથા પર રહેલા બેડાંનું સંતોલન જાળવી રાખવામાં હોય છે. એવી જ રીતે સંસારમાં રહીને કોઈપણ કામ ભલે કરો, પણ મન તો સતત હરિમાં પરોવાયેલું રાખો, તો પછી સંસાર આકરો નહીં લાગે અને સહેજે સહેજે હરિનામ જપાશે.

જેમ કોઈ સ્ત્રી કોઈ શેઠને ત્યાં કામ કરે છે. કામ કરતાં કરતાં એમનાં બાળકોને સાચવે છે, રડતાંને છાનાં રાખે છે અને ઘરનાં બધાંની સારસંભાળ લે છે, પણ એનું મન તો ઘરે રાખેલાં પોતાનાં બાળકોમાં જ રહે છે, એનું જ ચિંતવન કરે છે. તેવી જ રીતે જો આપણે સંસારમાં રહેતાં રહેતાં હરિમાં મન રાખીએ, એમાં સતત પરોવેલું રાખીએ તો હરિ દૂર ન રહે, એ તો આપણી સમક્ષ રહેવાના જ.

ભગવદ્ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે કે જે સદૈવ પ્રભુને ભજે અને હરિમાં ચિત્ત રાખે એનું ધ્યાન ખુદ હરિ પોતે રાખશે. ‘યોગક્ષેમમ્ વહામિ અહં’ આવો કોલ ભગવાને પોતે જ માણસ જાતને આપ્યો છે, એ એમનું વચન છે. આપણે તો માત્ર અંતરની ઊંડી શ્રદ્ધા સાથે આતુરતાથી હરિસ્મરણ કે હરિનામજપ કરવાનાં છે. અને એ પણ હૃદયની સાચી લગનથી. ગજેન્દ્ર મોક્ષની વાત તો સૌ કોઈ જાણે છે. હાથીનો મદ હાથીને મહાત કરી ગયો, પણ પ્રભુની ભક્તિપૂર્વકની પ્રાર્થનાથી એ મદ ગળી ગયો અને પ્રભુએ એની લાજ રાખી. નરસિંહ, મીરાં, કબીર આ બધાં સંતો હરિનું શરણું લઈને ભવપાર થઈ ગયાં. એમ આપણે સંસારી ભક્તોએ પણ ભવપાર થવું હોય તો સંસારસાગર રૂપી પાણી આત્માની નાવડીને ડૂબાડી ન દે એ માટે આપણે સાવધાનપણે જોવું જોઈએ. એટલે જ સદા હરિનું નામ ભજો, એમનું જ સતત સ્મરણ રાખો તો પ્રભુ તમને તારશે જ.

ભક્ત કવિ બ્રહ્માનંદજી એ એક પદ લખ્યું….

जो भजे हरि को सदा, सोही परम पद पावेगा।
देह के माला, तिलक और छाप,

नहीं किस काम के,
प्रेम भक्ति बिना नहीं नाथ के मन भावे।

दिल के दर्पण को सफा कर,
दूर कर अभिमान को,

ख़ाक को गुरु के कदम की,
तो प्रभु मिल जायेगा।

छो’ड दुनिए के मX?Xजे सब,
बैठ कर एकांत में,

ध्यान धर हरि का, चरण का,
फिर जनम नही आयेगा।

द्रिड भरोसा मन मे करके,
जो जपे हरि नाम को,

कहता है ब्रह्मानंद,
बीच समाएगा।

जो भजे हरि को सदा, सोही परम पद पावेगा।

Total Views: 363

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.