અમારા શિલોંગના આશ્રમની નજીકના પાડોશમાં મુખર્જી કુટુંબ રહેતું હતું. એક સાંજે આશ્રમના સંન્યાસીઓ ભોજન લેતા હતા, ત્યારે એકાએક ભોજનખંડના બારણે મુખર્જી પૂર્વસૂચના વિના દેખાયા. આશ્રમના અધ્યક્ષ સ્વામી સૌમ્યાનંદજીએ પૂછ્યું, ‘ભાઈ મુખર્જી, શું થયું છે? અત્યારે સાંજે તમે શા માટે અહીં આવ્યા છો ?’ મુખર્જીએ જવાબ આપ્યો, ‘મહારાજ, કસમયે આવવા માટે માફી માગું છું. પણ મારાં પત્ની અને મારી વચ્ચે એક દલીલ થઈ એટલે આવ્યો છું. અમારા ઘરથી તમારો ભોજનખંડ થોડાક ફૂટ દૂર છે. દરરોજ તમે બપોરનું ભોજન અને રાતે વાળુ કરો છો, ત્યારે તમારા ભોજનખંડમાંથી હાસ્યનાં મોતી અમને સાંભળવા મળે છે. મારાં પત્નીનું કહેવું છે કે સંન્યાસીઓ ઘણું સારું ખાતા હશે. તેમને દરરોજ સારી સારી વાનગી મળતી હશે. અને એટલે જ તેઓ ખુશ છે.’

પરંતુ મેં પત્નીને કહ્યું, ‘અરે, આશ્રમ તો ગરીબ છે. સારી સારી વાનગીઓ કેવી રીતે ખાઈ શકે? એટલે હું તમારી થાળીમાં પીરસેલી વાનગીઓ જોવા આવ્યો છું.’ સ્વામી સૌમ્યાનંદે કહ્યું, ‘ભાઈ, તું અમારી સાથે બેસ અને આ ભોજન માણ. પછી તું શું ખાય છે એનો પ્રત્યક્ષ અનુભવ તને થશે !’

પરંતુ મુખર્જી ત્યાં બેઠા નહીં અને એમની સાથે જમ્યા પણ નહીં. તેઓ તો સંન્યાસીઓ શું ખાય છે એ બધું ઊભા ઊભા જોતા રહ્યા. અમારા ભોજનમાં તો ભાત, દાળ અને સાદાં શાકભાજી હતાં. આ પૂરતું હતું. ભારતમાં સામાન્ય મધ્યમ વર્ગના લોકોની દૃષ્ટિએ અમારું આ ભોજન સાવ સાદું ગણાય અને અમે દરરોજ આવું જ ભોજન લઈએ છીએ. હસતાં હસતાં શ્રીમુખર્જી ઘરે ગયા અને ત્યાર પછીથી તેઓ વારંવાર અમારા માટે તેમનાં પત્નીએ રાંધેલ કેટલીક વધારે સ્વાદિષ્ટ વાનગીઓ અને મીઠાઈ લઈને આવતા. આને લીધે અમારા સાદા અને એક સરખા ભોજનમાં વિવિધતા આવી.

જે લોકો ભારતમાં સંન્યાસી જીવનથી ટેવાયેલા નથી, તેમને તો સંન્યાસીઓ સાવ શુષ્ક અને વ્યંગવિનોદ વિહોણા લાગે છે. આવો ખોટો ખ્યાલ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓને લાગુ પડતો નથી. એક વખત શ્રીરામકૃષ્ણે શ્રીમા (જગદંબા)ને કહ્યું, ‘હે મા, મને શુષ્ક હૃદયવાળો અને વ્યંગવિનોદ વિહોણો સંન્યાસી ન બનાવતાં. સુયોગ્ય સંયમ સાથે હું વ્યંગવિનોદને માણી શકું એવું કરજો.’ સામાન્ય રીતે વ્યંગવિનોદ બીજાને હાનિ પહોંચાડવા કે એમની ઠઠ્ઠામશ્કરી કરવા વપરાય છે.

રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના વ્યંગવિનોદ નિર્દાેષ અને નિર્મળ હોય છે. જ્યારે સંન્યાસીઓ ભોજનખંડમાં મળે છે ત્યારે આવી વ્યંગવિનોદની વાતો થાય છે અને બધાને નિર્દાેષ આનંદ માણવા મળે છે.

સામાન્ય રીતે સંન્યાસીઓ બીજાના હાવભાવની હાસ્યાત્મક રીતે નકલ કરીને રજૂ કરતા હોય છે. શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યોમાંના એક અને ઘણાં વર્ષો સુધી સંઘના પરમાધ્યક્ષ રહેલા સ્વામી શિવાનંદજીને મિમિક્રી બહુ ગમતી. ક્યારેક તો તેઓ કોઈ જુનિયર સંન્યાસી પાસે આવી મિમિક્રી કરાવતા અને માણતા. શ્રીરામકૃષ્ણ પોતે પણ કોઈની આબેહૂબ નકલ કરી શકતા. કથામૃતમાં આપણને એક સ્થળે આવું વાંચવા મળે છે : શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં નાની ખાટ પર બેઠા હતા અને નિર્મળ મનના ભક્તોનો સંગાથ માણી રહ્યા હતા. એવામાં એકાએક એમણે બંગાળના પ્રોફેશનલ સ્ત્રી ગાયકોની નકલ કરવાનું શરૂ કર્યું અને એમની આ હાસ્યમય અને અદ્‌ભુત નકલને જોઈને ભક્તો તો ખડખડાટ હસી પડ્યા.

ઈશ્વરની અનુભૂતિ કરનારા મહાન આત્માઓ હંમેશાં ઈશ્વર સાથે જ સ્વાભાવિક રીતે જોડાયેલા રહે છે. એમને માટે ભૌતિક કક્ષાએ પોતાના મનને નીચે લાવવાનું ઘણું મુશ્કેલ બની જતું હોય છે. પરંતુ આધ્યાત્મિકતાના અભાવથી દુ :ખી થતા ભક્તો પ્રત્યેના દયાભાવને કારણે તેઓ ક્યારેક ક્યારેક પોતાના મનને ભૌતિક કક્ષાએ લાવે છે. શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક ચેતનાવાળા સંન્યાસી શિષ્યો આવું કરી શકતા. જો કે પોતે માછલી પકડવામાં પૂરા નિષ્ણાત ન હતા, છતાં સ્વામી બ્રહ્માનંદ ક્યારેક રમતરમતમાં અને હસતાં હસતાં માછલીઓ પકડવા માટે પોતાના મનને ભૌતિક કક્ષાએ લાવી શકતા. સ્વામી અખંડાનંદજી પોતાના જુનિયર સંન્યાસીઓ સાથે હુકમબાજી રમવા પોતાના મનને નીચે લાવી શકતા. હાસ્ય નિપજાવતી કેટલીક બાબતો કેટલાક સંન્યાસીઓ કરતા. એ વખતે સ્વામી શિવસ્વરૂપાનંદ બેલુર મઠમાં જુનિયર સંન્યાસી હતા. એમની સ્વામી અખંડાનંદ સાથેની રમૂજભરી ઘટના આવી છે :

બેલુર મઠમાં સામાન્ય રીતે બપોરનું કે સાંજનું ભોજન બે બેચમાં લેવાતું. મોટા ભાગના સંન્યાસીઓ પહેલા બેચમાં જમી લેતા અને જે સંન્યાસીઓ પીરસવાનું કામ કરતા તેઓ બીજા બેચમાં બેસતા. સારગાછી આશ્રમમાંથી બેલુર મઠની મુલાકાતે સ્વામી અખંડાનંદ આવ્યા, ત્યારે એક આવી ઘટના બની હતી :

એક સાંજે એમણે ચાર-પાંચ જુનિયર સંન્યાસીઓને બીજા બેચમાં પોતાની સાથે ભોજન લેવા કહ્યું. સ્વામી શિવસ્વરૂપાનંદ એમાંના એક હતા. જ્યારે ભોજનખંડમાં સંન્યાસીઓ આવ્યા, ત્યારે સ્વામી અખંડાનંદે ઘોષણા કરી કે તેમણે એ સાંજે ઇંગ્લેન્ડના પાંચમા જ્યોર્જના જન્મદિવસ નિમિત્તે વિશેષ ભોજન આપવાનો નિર્ણય કર્યો છે. દરરોજની જેમ દાળ, ભાત અને શાકભાજી પીરસવાની થાળીઓ સિવાય બે ત્રણ વધારાની થાળીઓ હતી.

ભોજન પૂરું થયું પછી સ્વામી અખંડાનંદે સ્વામી શિવસ્વરૂપાનંદને કહ્યું, ‘બોલો, પંચમ જ્યોર્જનો જય !’ પરંતુ એક યુવાન સંન્યાસીએ સ્વામી અખંડાનંદજીની આ આજ્ઞાનું પાલન કરવાને બદલે કહ્યું, ‘બોલો, શ્રીરામકૃષ્ણનો જય !’ અને પછી ત્યાંથી તેઓ ખડખડાટ હસતાં હસતાં ઊભા થયા.

રામકૃષ્ણ સંઘમાં ઉપુદા (મોટાભાઈ)ના નામે જાણીતા સ્વામી યોગીશ્વરાનંદ હતા. તેઓ સ્વામી બ્રહ્માનંદજીના શિષ્ય હતા અને પોતાના સંન્યાસીજીવનનો મોટો ભાગ બેલુર મઠમાં જ વિતાવ્યો હતો. બેલુર મઠના વ્યવસ્થાપક સ્વામી અભયાનંદે સ્વામી યોગીશ્વરાનંદ પર એક વ્યવહારુ વ્યંગવિનોદ કર્યો. ચોમાસુ હતું અને એ સમયે બેલુર મઠની લોન પર હજારો નાનાં મોટાં દેડકાં કૂદતાં રહેતાં. બેલુર મઠ ગંગાતટ પર છે અને આ દેડકાં નદીમાંથી કૂદતાં કૂદતાં અહીં આવે છે.

સ્વામી અભયાનંદે એક ખાલી વાસણ હાથમાં લીધું. એક વખત એમાં રસગુલ્લાં જેવી મીઠાઈઓ હતી. તેમણે આ વાસણ નાનાં દેડકાઓથી ભરી દેવા કોઈકને કહ્યું. પછી એ વાસણ જ્યારે સ્વામી યોગીશ્વરાનંદ બહાર ટહેલવા ગયા, ત્યારે તેમની પથારીમાં મૂકી દીધું. જેવા તેઓ પાછા ફર્યા કે તરત સ્વામી અભયાનંદે સ્વામી યોગીશ્વરાનંદને કહ્યું, ‘તમારા ઓરડામાં જાઓ. અમે તમારા માટે તમારી પથારીમાં કંઈક રાખી મૂક્યું છે!’ સ્વામી યોગીશ્વરાનંદ ઓરડામાં ગયા અને પોતાની પથારીમાં રસગુલ્લાંનું વાસણ જોઈને રાજી રાજી થઈ ગયા. પણ જેવું વાસણનું ઢાંકણ ખોલ્યું કે તેમના આશ્ચર્ય સાથે પેલાં દેડકાઓ એમના તરફ કૂદતાં આવવા લાગ્યાં.

એક બીજો પ્રસંગ છે. વારાણસીના આરોગ્ય ધામમાં રાજેન મહારાજ નામના એક સંન્યાસી હતા. તેમને માથે ટાલ હતી. એમને પજવવા ઇન્દ્રેશ્વર નામના એક સંન્યાસીએ કોઈને ખબર ન પડે એ રીતે રાજન મહારાજ માટે હેરડાઈની એક બોટલનો ઓર્ડર આપ્યો. કંપનીએ રકમ ચૂકવીને છોડાવાય એવું પાર્સલ મોકલ્યું.

આ પાર્સલ જ્યારે આવ્યું ત્યારે એ પાર્સલમાં શું છે એ જાણ્યા વિના જ ખજાનચીએ પૈસા ચૂકવી દીધા અને રાજેન મહારાજને એ રકમ ચૂકવવા કહ્યું. આ પાર્સલ જોઈને તેમની નવાઈનો પાર ન રહ્યો. આવો કોઈ ઓર્ડર એમણે આપ્યો જ ન હતો, છતાંય ખજાનચીને એ રકમ આપવી પડી. સામાન્ય રીતે સંઘના સંન્યાસીઓને કોઈ એલાઉન્સ અપાતું નથી. ક્યારેક ક્યારેક કેટલાક ભક્તો એમને પ્રણામી રૂપે પૈસા આપી જતા હોય છે. રાજેન મહારાજને પણ પ્રણામી રૂપે આટલી રકમ મળી હતી અને એ બધી રકમ ખજાનચીને આપી દીધી.

રાજેન મહારાજે જેવું પાર્સલ ખોલ્યું કે તરત જ એમને ખ્યાલ આવ્યો કે હું કોઈકની ઠઠ્ઠામશ્કરીનો ભોગ બન્યો છું. માથે એકેય વાળ ન હોવા છતાં રાજેન મહારાજ માટે વાળને કાળા કરવાની આ બોટલનો ઓર્ડર આપવાનો નવો કિમિયો જ્યારે બધાની જાણમાં આવ્યો, ત્યારે સૌ ખડખડાટ હસી પડ્યા.

બીજી રમૂજી ઘટના એ જ રાજેન મહારાજ વિશે કહીશ. વારાણસીના આરોગ્યધામ કેન્દ્રમાં જ એ ઘટના ઘટી હતી. ૭૦ વર્ષ પહેલાં બેલુર મઠનું જીવન ઘણું કઠિન અને તપોમય હતું. ફંડના અભાવે સંન્યાસીઓને સાદામાં સાદું ભોજન મળતું. એ દિવસોમાં બેલુર મઠની આજુબાજુનો વિસ્તાર મચ્છરોથી ઊભરાતો. એ વખતે પીવાના પાણીનો સ્રોત ગંગાનું પ્રદૂષિત અને ગંદુ પાણી હતું. પરિણામે સંન્યાસીઓને વારંવાર ઝાડા, અતિસાર કે મેલેરિયા થઈ જતા. માંદા સંન્યાસીઓની સારવાર માટે એવી કોઈ મોટી સુવિધાઓ પણ ન હતી.

રામકૃષ્ણ સંઘની એક સર્વસ્વીકૃત નીતિ હતી અને અત્યારે પણ છે કે બધાં કેન્દ્રોએ આર્થિક રીતે સ્વયં સંચાલિત થવું જોઈએ. પરિણામે કેટલાંક કેન્દ્રો પ્રમાણમાં આર્થિક રીતે સદ્ધર છે અને કેટલાંક અસમૃદ્ધ છે. વારાણસી હોસ્પિટલ કેન્દ્રનું જીવનધોરણ બેલુર મઠ કરતાં વધારે સારું હતું. એ હોસ્પિટલ ધરાવતું હતું એટલે સાધુઓને દાક્તરી સારવાર સરળતાથી મળી રહેતી. રાજેન મહારાજ આ કેન્દ્રમાં ઘણાં વર્ષો રહ્યા. એમને પવિત્ર વારાણસી ખૂબ ગમતું. વારાણસી પ્રત્યેના પ્રેમને કારણે એમણે બેલુર મઠમાં થતી પોતાની બદલીને પણ રોકી હતી. આ બધું એમના તપોમય જીવનને કારણે થયું. તે ક્યારેય વારાણસી છોડશે નહીં તેવું વારંવાર ઉચ્ચાર કર્યું હતું. અને આ વારાણસીમાં એમના કેટલાક સંન્યાસી બંધુઓને એમની ઠઠ્ઠામશ્કરી કરવાનો વિચાર આવ્યો. તેઓ સંસ્થામાં કામ કરતા પોતાના કેટલાક ભક્તોને વિશ્વાસમાં લેતા. સંન્યાસીઓએ પોસ્ટ ઓફિસમાંથી તારનું ફોર્મ મેળવીનેે તેમાં બેલુર મઠના ખોટા સમાચાર પ્રિન્ટ કર્યા. અને આ ખોટો તાર વારાણસી આરોગ્યધામ કેન્દ્રના અધ્યક્ષને ઉદ્દેશીને હતો. તેમાં આવા સમાચાર હતા. ‘રાજેનને તાત્કાલિક બેલુર મઠ મોકલો.’ એક નોકરે પોસ્ટમેનનો ગણવેશ પહેરીને આ તાર અધ્યક્ષ સ્વામી અસીમાનંદને આપ્યો.

આ તાર મળતાં જ સ્વામી અસીમાનંદે રાજેન મહારાજને તાત્કાલિક બોલાવ્યા અને તેમને કહ્યું કે તેમણે હમણાં જ બેલુર મઠ જવાનું છે. રાજેન મહારાજ તો ભયચકિત થઈ ગયા અને આંખમાં આંસુ સાથે સ્વામી અસીમાનંદને કહ્યું, ‘હું જ શા માટે ? મેં એવું શું ખોટું કર્યું છે ? સત્તાવાહકો શા માટે મારી બેલુર મઠમાં બદલી કરી રહ્યા છે.’ એમની આવી અત્યંત બેચેન પરિસ્થિતિ જોઈને જેમણે આ ષડયંત્ર ગોઠવ્યું હતું એવા સંન્યાસી બંધુઓને હવે સમજાયું કે આ મશ્કરી-મજાકની અસર ઘણી થઈ ગઈ છે. તેઓ સ્વામી અસીમાનંદ પાસે આવ્યા અને તેમણે જે કર્યું હતું તે નિખાલસતાથી જણાવ્યું.

સ્વામી અસીમાનંદજીને આ ઘટના ઘણી રમૂજભરી લાગી. તેમણે રાજેન મહારાજને બોલાવ્યા અને કહ્યું કે તેમણે બેલુર મઠ જવાનું નથી. આ માહિતી મળતાં જ રાજેન મહારાજ ચિંતામાંથી મુક્ત થયા અને એમના મુખ પર હાસ્ય તરવરી ઊઠ્યું.

 

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.