ઈ.સ.૧૯૧૭ ની ૨જી જાન્યુઆરીનો દિવસ હતો. બેલુર મઠમાં પૂજ્ય બાબુરામ મહારાજે સ્વામી ધીરાનંદને કહ્યું, ‘કૃષ્ણલાલ, ધીરેનને મા પાસે લઈ જાઓ અને બલિ દઈ લઈ આવો.’ મારે પિતા ન હતા, મારાં માતા પણ ઘણા સમય પહેલાં જ મૃત્યુ પામ્યાં હતાં, મન અત્યંત ઉદાસ હતું. એક જ ચિંતા રહેતી કે કયાં જાઉં, કેમ કરી મારી ગુમાવેેલી માને મેળવું? માતાવિહોણા બાળકની મર્મવેદના કોણ સમજી શકે?

‘બલિ’ જ તો હતી. અમે પૂર્વ બંગાળના છીએ, વતન બારિસાલ. તેથી બલિ સાથે અમારા લોકોનો સારી રીતે પરિચય છે. ત્યાં તો સરસ્વતી પૂજામાં પણ અમે લોકો બકરાનો બલિ આપીએ છીએ.

‘ઉદ્‌બોધન’ ભવનની સીડીઓ ચઢીને હું ઉપર પહોંચ્યો. પૂજનીય શરત્ મહારાજ બેઠા બેઠા ડેસ્ક પર કંઈક લખી રહ્યા હતા. જેવો હું સીડી પાસે પહોંચ્યો કે તરત જ તેઓ બૂમ પાડીને બોલ્યા ‘કોણ જાય છે? માની તબિયત બરાબર નથી, જતા નહીં.’ પણ હું તેમના આદેશને અવગણીને સીડીઓ ચઢું છું, એ જોઈને તેઓ ઊભા થઈ મારી સામે આવીને બોલ્યા, ‘માની તબિયત બરાબર નથી, ઉપર ન જાઓ.’ પણ એ સમયે મારા મનમાં એવી જીદ હતી કે હું તેમને ધક્કો મારીને મા પાસે ચાલ્યો ગયો. મા ઉદ્‌બોધનના પૂજાઘરમાં પૂજા કરવા બેઠાં હતાં. મારા તરફ જોઈને જ સમજી ગયાં કે હું દીક્ષાર્થી છું. થોડું હસીને તેઓ બોલ્યાં, ‘કાલે આવજે.’

બીજે દિવસે, ૩ જાન્યુઆરીએ હું સ્નાન કરીને પહોંચી ગયો. માએ મને પોતાની ડાબી બાજુના આસન પર બેસવા કહ્યું. બંગાળની મહિલાઓ જેવી રીતે દાઢીને સ્પર્શીને નવ-વધૂનું સ્વાગત વગેરે કરે છે, તેવી જ રીતે માએ મારી દાઢીને સ્પર્શીને પોતાનો હાથ ચૂમી લીધો અને મારા પર ગંગાજળ છાંટ્યું. હું મંત્રમુગ્ધ જેવો બની માની પૂજા જોવા લાગ્યો. સામે ભોગનો થાળ અને ફળ-ફૂલ રાખેલાં હતાં.

થોડો વખત ધ્યાન કર્યા પછી પ્રસન્ન દૃષ્ટિથી મારી સામે જોતાં માએ કહ્યું, ‘તમે લોકો શાક્ત છો કે વૈષ્ણવ?’ મેં કહ્યું- ‘મારી છ વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થયું અને ચૌદ વર્ષની ઉંમરે પિતાનું. એટલે આ બધું તો હું જાણતો નથી, મા! પણ માના મૃત્યુ સમયે પિતાજીએ તેમના માથા પાસે મહાકાળીની મૂર્તિ રાખી દીધી હતી.’ મા સમજી ગયાં. મારી હડપચી પર હાથ રાખી તેમણે કાનમાં મહામંત્ર આપ્યો.

શ્રીમાનો આ દિવ્ય મહામંત્ર સાંભળી મારા પગથી માથા સુધી એક વિદ્યુત પ્રવાહ પસાર થઈ ગયો. તે આનંદમય બોધ કેવળ અનુભૂતિની વસ્તુ છે, વર્ણનની નહીં. તેના પછી માએ હાથ પર ગણતરી કરીને જપ કરતાં શિખવાડ્યું. મારાથી ભૂલ થતી હતી, પણ હું માને કંઈ ન કહેતાં કેવળ તેમની સામે જોતો રહ્યો. તેમણે પોતે ફરીથી કરી બતાવ્યું. મારાથી ફરી વાર ભૂલ થઈ અને કરુણામયી માએ ફરી વાર કરીને બતાવ્યું.

દીક્ષા થયા પછી તેમણે ગુરુદક્ષિણા માટે હાથ લંબાવ્યો. મારા ખિસ્સામાં કંઈ નથી જાણીને મા ભોગની થાળીમાંથી એક ફળ લઈ મારા હાથમાં રાખતાં બોલ્યાં, ‘બોલ, હું મારાં ઇહલોક અને પરલોકનાં બધાંય પાપ-પુણ્ય તમને અર્પું છું.’ મેં કહ્યું, ‘મા, દીકરાઓએ તો પોતાની માને સારી વસ્તુઓ આપવાની હોય. હું તમને પાપ-તાપ નહીં આપી શકું.’ મા હસીને બોલ્યાં, ‘તો રહેવા દે બેટા, તારે કંઈ નહીં કરવું પડે. માત્ર સાંજ- સવાર જપ કરજે. જપાત્ સિદ્ધિ જપાત્ સિદ્ધિ.’ મેં માને કહ્યું, ‘હું હાથે ગણતરી કરીને જપ નથી કરી શકતો’ માએ કૃષ્ણલાલ મહારાજને બોલાવીને એક રુદ્રાક્ષની માળા લાવવાનું કહ્યું. એ માળા આજે પણ મારી સંપત્તિ બનીને રહેલી છે .

ઈ.સ.૧૯૬૦માં મેં નોકરીમાંથી નિવૃત્તિ લીધી. જીવનમાં માની ખૂબ કૃપા મળી. તેમની કૃપાથી જીવનનું ઘણું બધંુ ખાલીપણું ભરાઈ ગયું છે, પણ તેમને ગુરુદક્ષિણા ન આપી શક્યો તેનું દૂઃખ હજી પણ ગયું નથી. મારા જીવનનું લક્ષ્ય છે કે હું મારા જીવનરૂપી પાત્રમાં ભરીને માને ગુરુદક્ષિણા આપું. પણ હજી સુધી લક્ષ્યેે પહોંચ્યો નથી. જાણતો નથી કે આ જીવનમાં થઈ શકશે કે નહીં.

કામારપુકુરમાં જુગીના શિવમંદિરની સામે ઊભા રહી ગૈરીસન સાહેબે મને પૂછ્યું હતું, ‘તમે માને જોયાં છે? તેમના કોઈક ચમત્કાર પણ જોયા છે? તેમના વિષે કોઈક અલૌકિક ઘટના કહો.’

જવાબમાં મેં તેમને કહ્યું, ‘તમે પોતે જ એક ચમત્કાર છો- માની કરુણાનો એક મહાન દાખલો છો. અમે લોકો તો કલકત્તાથી બહુ થોડા સમયમાં અને થોડાક પૈસા ખર્ચીને અહીંયાં આવ્યા છીએ. તમે તો કેલિફોર્નિયાથી કામારપુકુર સુધી આવી પહોંચ્યા છો. શું આ જ માના ચમત્કારનું એક મોટું ઉદાહરણ નથી?’

પૂજનીય શરત્ મહારાજ માના દ્વારપાળ હતા. તેઓ કહ્યા કરતા, ‘તોર રંગ દેખે રંગમયી આવાક્ હોયે છી,’ અર્થાત્ હે રંગમયી ! તારો ખેલ જોઈ હું અત્યંત અવાક થઈ ગયો છું.

અમે લોકો પણ એમની લીલા જોઈને અવાક છીએ. રામકૃષ્ણ મિશનના એક વિદેશી સંન્યાસીને મેં પૂછ્યું હતું, ‘મહારાજ, તમે જયરામવાટી કેમ આવ્યા છો?’ તેઓ હસતાં હસતાં બોલ્યા,‘ મારી બેટરી ચાર્જ કરવા આવ્યો છું.’

માએ સ્વયં પણ કહ્યું છે, ‘જયરામવાટી શિવપુરી છે, અહીંયાં ત્રણ રાત નિવાસ કરવાથી દેહ શુદ્ધ થઈ જાય છે.’ મને જો કોઈ પૂછે કે, અમરનાથ અને ક્ષીરભવાની જશો? તો હું કહું છું, ‘બધાં તીર્થાેમાં મુખ્ય છે જયરામવાટી. થઈ શકે તો એનાં દર્શન કરો, ધન્ય બની જશો.’

સ્વામી વિવેકનંદના ભાઈ મહિમબાબુએ

(શ્રી મહેન્દ્રનાથ દત્ત) મને કહ્યું હતું, ‘બધાંની વાત કહેવી, પણ મા વિષે વાત કરવામાં ખૂબ સાવધાની રાખવી. કૃપા મળી છે, તેને જ વળગી રહો. કંઈક કહેવાના પ્રયાસમાં તેમને નાનાં કરી બેસશો.’ તેથી માની વાતો કહેતાં ભય લાગે છે કે કયાંક તેમને નાનાં ન કરી બેસું.

Total Views: 368

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.