જીવનના તાણાવાણામાં તણાવ વણાઈને રહે છે. જ્યારે જીવનમાં કોઈ પણ બદલાવ આવવાનો હોય, જેમ કે નવી સ્કૂલ, કૉલેજ કે નોકરીની શરૂઆત હોય તો મનમાં એક અકથિત ટેન્શન પેદા થાય છે. આ તો સ્વાભાવિક તણાવ છે.

એ કંઈક અંશે જરૂરી અને સકારાત્મક છે. જેમ સંગીતના સાજમાં તાલને ઝણકારવા તેને જરૂરી તાણ આપવામાં આવે છે એટલે એમાંથી મધુર રણકાર ગુંજે છે, એ જ રીતે જીવનનાં કાર્યોને પણ સારી રીતે પાર પાડવા જરૂરી માનસિક તણાવ ઇચ્છનીય છે. ચાલો, આપણે અહીં આ લેખમાં એનાથી વિરુદ્ધ અકુદરતી, અસ્વાભાવિક, હાનિકારક, નકારાત્મક તણાવનું વિસ્તૃત વિશ્લેષણ કરીએ.

તણાવનું કારણ અંતર્ગત હોય કે બાહ્ય હોય, પણ એની વિપરીત અસર તો તન અને મન બન્ને પર થાય છે. તન માંદું હોય તો મન મૂંઝાઈને એને વધુ હેરાન કરે છે અને જો મન મૂંઝાતું હોય તો તન પર એની અસર અચૂક જોવા મળે છે. જો કોઈ મોટી દુર્ઘટના અચાનક ઘટે તો તેને કારણે તીવ્ર માનસિક ધક્કો પહોંચે છે અને જો મન લાંબા સમયથી વ્યથિત રહેતું હોય તો શરીરની બધી ક્રિયાઓમાં- હૃદયના ધબકારા વધી જવા, બ્લડ પ્રેશર વધી જવું, પાચનશક્તિ મંદ પડવી, ઝાડા કે કબજિયાત થવો, હોજરીમાં ચાંદું પડવું, માથાનો દુઃખાવો થવો, રાતની ઊંઘ ઊડી જવી, ડાયાબિટીસ જેવી બહુ અસરો જોવા મળે છે. આમ તન અને મન બન્ને એકબીજાની માંદગી વધારવામાં સહયોગી બને છે.

તણાવનાં કારણો:

કુદરતનું શોષણ – એક આશ્ચર્ય છે કે જેમ જીવનમાં ભૌતિક સમૃદ્ધિ વધી રહી છે અને શારીરિક શ્રમ ઘટાડવાની સગવડ વધી રહી છે તેમ માણસના મનની બેચેની વધી રહી છે. એના મનની શાંતિ અદૃશ્ય થઈ ગઈ છે. અશાંત મનને સુખ કેવી રીતે હોય? જેમ માણસ બેફામ બની કુદરતને વધુ ને વધુ લૂંટી રહ્યો છે એમ કુદરત પણ માણસને પાઠ ભણાવવા પોતાનું વિકૃત સ્વરૂપ અવારનવાર દેખાડે છે. ઈ.સ. ૨૦૨૦-૨૦૨૧માં કોરોનાની વિશ્વવ્યાપી મહામારી કુદરતે માનવજાતને મારેલી એક લપડાક છે. એક નાની એવી ઝીણી સોયની અણિ જેટલી સૂક્ષ્મ જગ્યા પર બે હજાર જેટલાને સમાવી શકાય એવા લીલીપુટીયન કોરોના વાયરસે માનવજાતને હંફાવી દીધી છે.

વર્તમાન સમયમાં માણસ અભિમાન સેવે છે કે એ પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી જીવ છે. પોતે કુદરતને પોતાના કબજામાં રાખે છે, એનો માલિક હોય એવો ઘમંડ સેવે છે પણ અત્યારે તો એ લાચાર બની એના ઘૂંટણે આવી ગયો છે. કુદરતના એક સૂક્ષ્મ જીવે એનો ઘમંડ ચકનાચૂર કરી નાખ્યો છે.

માણસ જે રીતે વસ્તુનો વપરાશ અને દુરુપયોગ કરી રહ્યો છે, એ ધરતીમાતા માટે એક બોજારૂપ બની ગયો છે. ધરતી પાસે ફરી ફરીને નવી વસ્તુઓ ઉપજાવવાની શક્તિ સીમિત છે અને વપરાયેલ વસ્તુઓનું પાચન કરવાની શક્તિ પણ સીમિત છે. માનવજાત જંગલોને સાફ કરીને એ જમીનનો ખેતી અને ઘરેલું પ્રાણીઓના ઉછેર માટે ઉપયોગ કરે છે. પૃથ્વી પરનાં ૮૦% વનોનો નાશ થયો છે. મીઠા પાણીનો પુરવઠો ૭૦% ઘટી ગયો છે. ૧૦ લાખ પ્રાણી, વનસ્પતિ અને જંતુઓની જાતિઓ નાશ પામી છે. જીવજગતની વિશેષતા ઘટી છે. આની અવળી અસર આબોહવા પર પડી છે. આબોહવામાં થયેલ વિષમ પરિણામ માટે માણસની પ્રવૃત્તિઓ જવાબદાર છે. હાલના અતિ પ્રદૂષિત વાતાવરણને કારણે આબોહવા બદલાવાથી જીવજંતુઓથી થતા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા બે દાયકામાં વાયરસને કારણે થયેલ રોગો આનાં ઉદાહરણ છે અને કોવિડ-૧૯ સૂક્ષ્મ વાયરસે તો એનો જ્વલંત ધડો બેસાડ્યો છે.

છેલ્લાં બે વર્ષમાં જંગલોમાં લાગેલી ભીષણ આગ અને કોરોના મહામારીએ માણસને ધક્કો આપ્યો છે. સરકાર અને ઉદ્યોગપતિઓને ચેતવ્યા છે. છેલ્લાં ૨૦૦ વર્ષમાં માણસે ખૂબ પ્રગતિ કરી છે એમ માનવામાં આવે છે પણ દુનિયાની ૯૧% વસ્તી પ્રદૂષિત હવામાં રહે છે.

ઔદ્યોગિક પ્રવૃત્તિને લીધે ફેલાયેલ પ્રદૂષણોને અટકાવવામાં નહીં આવે તો ચેપી રોગો મનુષ્યને ખુવાર કરી નાખશે. અત્યારે પ્રદૂષણ ૧૬% મૃત્યુ માટે જવાબદાર છે, જેમાંથી ૮% મૃત્યુ માટે હવાનું પ્રદૂષણ જવાબદાર છે, જે ટીબી, મલેરિયા અને એઈડ્સથી થતાં મૃત્યુ કરતાં ત્રણ ગણું વધારે છે.

માનવજાતે એની જીવનશૈલીમાં જીવન જીવવા માટેની મૂળ જરૂરિયાતની વસ્તુઓ (Need) અને ભોગવિલાસ માટેની વસ્તુઓ (Want) વચ્ચે એક રેખા દોરવી જરૂરી છે. પૃથ્વી પાસે સંપૂર્ણ જીવજગત માટેની જીવન જરૂરિયાત પૂરી પાડવાની ક્ષમતા છે. પરંતુ માણસ જે રીતે કુદરતનો ઉપયોગ કરી એની દુર્દશા કરે છે એને પહોંચી વળવાની ક્ષમતા નથી. જ્યાં સુધી માણસ ઉપભોગનો ત્યાગ કરી માત્ર ખપ પૂરતી કુદરત પાસે માગ નહીં કરે ત્યાં સુધી એને જીવનમાં ઊણપ જ લાગશે અને એ વધુ ને વધુ ઉપભોગ માટે દોડશે.

મહાન તત્ત્વચિંતક ટોલ્સટોયની એક બહુ પ્રચલિત વાર્તા છે. એક માણસને ઇનામ આપવામાં આવ્યું કે તું સવારથી સાંજ સુધી જેટલું દોડી શકશે એટલી જમીન તારી માલિકીની થશે. વધુ જમીન મેળવી લેવાની લાલચમાં એ એટલું દોડ્યો કે સાંજ પડતાં એ લોથપોથ થઈને પડી ગયો અને એણે આખરી શ્વાસ લીધો. બાકી બધાને ખબર પડી કે ખરેખરા આરામ માટે માત્ર ૬ ફૂટ જગ્યાની જ જરૂર પડે છે.

આધુનિક શિક્ષણપ્રથા:

આજની શિક્ષણપ્રથા પણ સતત માનસિક તણાવ ઉમેરે છે. મન અને શરીર બન્નેને નબળાં પાડે છે. અત્યારે શિક્ષણનો ઉદ્દેશ જ બદલાઈ ગયો છે. લોર્ડ મૅકોલેએ આપણી મૂળ શિક્ષણપ્રથાને જડમૂળથી ઉખેડી નાખી છે એની અસર વધુ ને વધુ દેખાઈ રહી છે. હજી તો બે વર્ષનું બાળક માંડ માંડ પા પા પગલી માંડતું થયું હોય ત્યાં તો એને પોપટની જેમ રટતું કરી દેવામાં આવે છે. બધી શાળાઓ અને કૉલેજમાં ચારિત્ર્ય ઘડનાર ગુણોને નેવે મૂકીને હરિફાઈનો દોર શરૂ કરવામાં આવે છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ખરું શિક્ષણ તો ચારિત્ર્યને ઘડે છે. પરંતુ આજના શિક્ષણે તો બધાં ક્ષેત્રોમાં સૌને એકબીજા સાથે ટક્કર લેતા કરી દીધા છે.

અધૂરામાં પૂરું આ ઓછું હોય એમ શાળા અને કૉલેજમાં મનપસંદ અભ્યાસક્રમ મળવો એટલો મુશ્કેલ બનાવ્યો છે કે મા-બાપ પણ આ હરિફાઈમાં પોતા પર અને સંતાનો પર તણાવ ઉમેરે છે અને વિદ્યાર્થીઓ સહાધ્યાયીઓ તરફ મિત્રતા ન કેળવતાં હરીફ તરીકે જુએ છે. અમારી કૉલેજમાં મેં જોયું છે કે બીજાને પાછા પાડવા માટે છૂપી રીતે ક્લાસ ગોઠવવામાં આવે છે. સહાધ્યાયી પર માનસિક રીતે પ્રહાર કરવામાં આવે છે.

આખા ભણતર દરમિયાન ક્યાંય પણ સુંદર જીવન જીવવા માટે જરૂરી ગુણોને કંઈ પણ મહત્ત્વ આપવામાં આવતું નથી. આમાં સૌથી વધુ હાનિ પરીક્ષાની પદ્ધતિ પહોંચાડે છે. તટસ્થતાની આડ હેઠળ Multiple choice questionની પદ્ધતિ અપનાવવામાં આવી છે. આને લીધે માત્ર ગોખાણિયા જ્ઞાનને મહત્ત્વ અપાય છે. વિદ્યાર્થીની જુદું જાણવાની, પ્રશ્ન કરવાની, સમજવાની વૃત્તિઓને રૂંધી નાખવામાં આવે છે. આની બહુ અવળી અસર થઈ છે. વિદ્યાર્થી પોતે, મા-બાપ, શિક્ષકો અને સમાજ વ્યક્તિનું મૂલ્યાંકન આવી પદ્ધતિની પરીક્ષામાં મળેલ ગુણાંક પરથી કરે છે.

ખરેખર! પહેલાં આપણી જે ગુરુકુળની પદ્ધતિ હતી એ અદ્‌ભુત હતી. તેમાં ગુરુ દરેક વિદ્યાર્થીની મૌલિકતા પર ધ્યાન આપી તેને ખીલવતા હતા. તેને બદલે અત્યારે આપણે પ્રોક્રુસ્ટેસની જેમ બધાને એક જ માપે માપીએ છીએ.

કદાચ જ્યોર્જ ઓવેલ અને આલ્ડસ હક્સલેએ ભવિષ્યમાં નિપજનાર રોબોટિક સમાજનો જે ચિતાર આપ્યો છે તે તરફ આપણે તણાઈ રહ્યા છીએ. જયાં સુધી સાક્ષરતા અને અધ્યયન વચ્ચેનો તફાવત નહીં સમજીએ ત્યાં સુધી વિષયની સમજ, વ્યક્તિના શાણપણ ઘડવા પર અને જીવન જીવવાની કળા પર મહત્ત્વ નહીં અપાય. માટે જ અત્યારે દરેક વ્યક્તિ અનેક ડિગ્રીઓ મેળવ્યા પછી અને ઉચ્ચ પદવી પર બેઠા પછી પણ જીવનમાં અંદરથી ખાલીપણું અનુભવે છે.

પ્રસાર માધ્યમો:

આપણાં સામાજિક પ્રસારણ માધ્યમોએ પણ રોજિંદા જીવનમાં પ્રત્યેક માનસ પર બહુ જ ઊંડી અને અધૂરાપણાની અસર કરી છે. પ્રસારણ માધ્યમો તટસ્થ અને નિષ્પક્ષ રહીને સમાજમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવા માટે ઘડાયાં હતાં. પરંતુ અત્યારે તો પ્રસારણ માધ્યમો પોતે જ સંદેશા બની ગયાં છે.

પ્રસારણ માધ્યમોના વિકાસ અને પ્રસાર જેટલા વધ્યા છે એટલી જ માનવની વિવેકપૂર્ણ વિચારક્ષમતા ધરાવવાની અધોગતિ થઈ છે. એમાં પણ જાહેરખબરના ઝેરે તો બધાંનાં મતિભ્રમ કરી દીધાં છે. ખેલકૂદ જગતની અને સિનેમા કલાકારોની બધી નામાંકિત વ્યક્તિઓ જાહેરખબર દ્વારા લોકોમાં વસ્તુઓ માટે તૃષ્ણા પેદા કરે છે. જેમ બીનજરૂરી વસ્તુઓનું વેચાણ વધે એમ ધરતીમાતાની ખુવારી થાય છે. પાણીની પરબને બદલે અત્યારે પાણીનો વ્યાપાર થાય છે અને કોરોનાકાળમાં તો ઑક્સિજનનું પણ કાળાબજાર થયું.

પ્રસારણ માધ્યમો એક ભ્રમ પેદા કરનાર જોખમ છે. ગટેનબર્ગ કે જેમણે છાપવાનું મશીન શોધ્યું એ વ્યથિત થઈને મૃત્યુ પામ્યા. તેમને આશા હતી કે એમની શોધથી દુનિયાભરમાં જ્ઞાન ફેલાશે પણ એમણે જોયું કે એમની શોધે તો અફવાઓ અને ભ્રમણાઓ મોટે ભાગે ફેલાવી, વિશ્વયુદ્ધને નોતર્યાં.

પ્રસારણ માધ્યમોનો મોટો ગુનો એ છે કે તેઓ મનોરંજનના નામે સમાજને એવાં બંધનમાં સપડાવે છે કે લોકો એના વ્યસની થઈ જાય છે. સતત અદ્‌ભુત નૃત્ય કરતી, કલેજાને ઠંડક પહોંચાડનાર નિખરતી કુદરત – સૂર્ય, ચંદ્ર, તારા, હરિયાળી ધરતી, પક્ષીઓ, પ્રાણીઓ, બાગબગીચામાં હસતાં ફૂલો અને લચકતાં ફળો પર કોઈની નજર પડતી નથી. પ્રસારણ માધ્યમો કૃત્રિમ મનોરંજન દ્વારા મનને વધુ ને વધુ ઉત્તેજિત કરી રહ્યાં છે.

આજની જીવનશૈલી અને એનાં મૂલ્યો:

આજની જીવનશૈલી અને સમાજનાં મૂલ્યો કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને ઈર્ષ્યાને પોષી રહ્યાં છે. જે વધુ પૈસાદાર વ્યક્તિ હોય એને વધુ સન્માન મળે છે. એ સફળ ગણાય છે. પૈસા કમાવા માટે નૈતિક મૂલ્યોને બાજુએ મૂકીને પૈસા પાછળ આંધળી દોટ મૂકે છે. સમયની સામે હરિફાઈમાં ઊતરે છે. જેમ થોડા સમયમાં દોડાદોડ કરીને વધુ પૈસો, માન, પ્રતિષ્ઠા, પદ જે કંઈ છીનવીને પોતાનાં કરી શકાય એમ કરતાં અચકાતો નથી.

રાજનીતિ ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, ન્યાય ક્ષેત્રે અને અન્ય સર્વ ક્ષેત્રમાં ‘જેની લાઠી એની ભેંસ’ની નીતિ વર્તાય છે. જ્યારે જીવનનો ઉદ્દેશ જ તણાવ પેદા કરનાર માર્ગ તરફ પ્રેરાય છે ત્યારે કુટુંબ, સગાંસંબંધીઓ, મિત્રો, અન્ય સર્વે સામાન્ય માનવીની કિંમત સમજાતી નથી. આજે ‘હું, મારું અને મારા માટે’નો પશ્ચિમી માનસવૃત્તિના સિદ્ધાંતને સફળતાની ચાવી તરીકે માનવામાં આવે છે એટલે જ માણસે અત્યારે પોતાના માણસોની હૂંફ ગુમાવી છે. માણસ એક સામાજિક પ્રાણી છે પણ અન્ય માણસોથી દૂર જઈ રહ્યો છે. સમાજમાં મોટા દેખાવા માટે માણસ શું નથી કરતો?

ફેસબૂક પર પોતાના મિત્રોનું વર્તુળ મોટું બનાવતો જાય છે. પોતે કેવાં મોંઘાં, બ્રાન્ડેડ કપડાં પહેરે છે, બહુ જ મોંઘી હોટલમાં જમવા જાય છે, કેવી મોંઘીદાટ કાર, ઘર વગેરે એની પાસે છે એ દેખાડે છે. એના વોટ્સએપ પર મશગૂલ રહે છે. સ્માર્ટ ફોને તો બધા પાસેથી ધીરજ અને સંતોષ છીનવી લીધાં છે. એક બટન દબાવતાં તમને જે જોઈએ તે સ્માર્ટ ફોન પ્રોફેસર ગુગલની મદદથી તમારી આગળ રજૂ કરી દે છે એટલે પોતાના મનનું ધાર્યું તરત જ થવું જોઈએ એવી ગ્રંથિ દૃઢ થતી જાય છે. પરિણામે ધીરજ તો કેળવાતી નથી અને એનાથી પણ વધુ હાનિકારક ક્ષતિ પેદા થાય છે જેના કારણે અણધારેલ, અનિચ્છનીય ઘટના બને તો એનો સામનો કરવાની હિંમત રહેતી નથી. અને મનમાં બહુ જ તણાવ પેદા કરે છે.

એટલે જ હવે એમ સૂચવવામાં આવ્યું છે કે અત્યાર સુધી બધા બુદ્ધિઆંક-Intelligent Quotient, ભાવનાત્મક બુદ્ધિઆંક-Emotional Quotient, સામાજિક બુદ્ધિઆંક-Social Quotient, આધ્યાત્મિક બુદ્ધિઆંક-Spiritual Quotient, ને જ મહત્ત્વ આપતા આવ્યા છીએ. હવે એની સાથે પ્રતિકૂળતા યોગ્ય બુદ્ધિ- Adversity Quotient ને પણ મહત્ત્વ આપવાની જરૂર છે. જ્યાં સુધી જીવનમાં આ કેળવણી નહીં થઈ હોય ત્યાં સુધી ‘શું થઈ ગયું’, ‘શું થઈ રહ્યું છે’ અને ‘શું થશે?’ એ અજંપો તો માનસને ગ્રસીને રહેશે.

તબીબી ક્ષેત્ર:

આગળ જણાવ્યા સિવાય એક મહત્ત્વનું કારણ છે શરીર અને મનના સ્વાસ્થનો ઉપચાર કરનાર તબીબીક્ષેત્ર. પ્રખ્યાત ડૉક્ટર અને લેખક એલેક્સ કમ્ફર્ટનું પુસ્તક છે ‘Anxiety Makers.’ તેઓએ ડૉક્ટરોને અજંપો પેદા કરાવનારનું બિરુદ આપ્યું છે.

માણસને મૃત્યુનો ભય તો હંમેશાં સતાવતો જ હોય છે. હવે તો એમાં તબીબી ક્ષેત્રના ઔદ્યોગિકીકરણે પગપેસારો કર્યો છે. તબીબી ક્ષેત્રમાં વિજ્ઞાન ઓછું રહ્યું છે. ડૉક્ટરોમાં રોગમાંથી ઉગારવાની પોતાની સીમિત શક્તિનો સ્વીકાર કરવાની નિખાલસતા રહી નથી. માટે જ રોગો માટે દવા અને તબીબી સાધનો બનાવતી કંપનીઓના દબાણ હેઠળ સંખ્યા આધારિત અધકચરી જાણ આપી લોકોમાં ગભરાટ અને અજંપો ફેલાવવામાં આવે છે. અમેરિકન મેડિકલ એસોશીએશને આવક વધારવા શું કરવું જોઈએ એને માટે આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ લીધી. તેમનો સૂઝાવે હતો કે તમે જનમાનસમાં રોગ બદલ Fear(ભય), Uncertainty (અચોક્કસતા) અને Doubt(શંકા) પેદા કરો. ડૉ. કોઠારી અને લેખકે આમાં Nervousness(ગભરામણી) ઉમેરીને શબ્દ બનાવ્યો- FUND – પૈસા કમાવાનો કીમિયો.

તબીબી ક્ષેત્ર- ડૉક્ટરો રોગોને થતા અટકાવવાનાં જે પગલાં સૂચવે છે એનાથી ઘણી હાનિ પહોંચે છે. સલાહ આપવામાં આવે છે કે વજન, બ્લડ પ્રેશર, લોહીમાં સાકરની માત્રા, કોલેસ્ટ્રોલની માત્રા યોગ્ય-પ્રમાણસર રહેવી જોઈએ. જો એમાં વધારો થશે તો રોગ થશે અને આયુષ્ય ઘટશે.

વળી કયું બ્લડ પ્રેશર નોર્મલ કહેવાય એ આંકડા છાસવારે બદલે છે. જેમ એ આંકડો નીચો કરવામાં આવે એમ વધુ સાજા-સમા લોકો દર્દીમાં ફેરવાઈ જાય છે. હકીકતમાં તો બ્લડ પ્રેશર વ્યક્તિવિશેષ-વ્યક્તિગત રીતે નોર્મલ હોય છે. એને સરેરાશના આંકડા પરથી નક્કી ન કરાય. સરળ રીતે સમજાવવું હોય તો વ્યક્તિની ઊંચાઈનો દાખલો લો. દરેક વ્યક્તિની ઊંચાઈ વ્યક્તિવિશેષ રહે છે. બધાની ઊંચાઈ દર્શાવતો ગ્રાફ બનાવીએ તો એક ઘંટાકાર થાય. ઘંટાકારના બે છેડા પર આવેલ વ્યક્તિઓને બાદ કરતાં અન્ય સર્વ વ્યક્તિઓની ઊંચાઈ નોર્મલ કહેવાશે. આ જ પ્રમાણે આપણે જાણીએ છીએ કે બ્લડ પ્રેશરનો આંકડો વ્યક્તિવિશેષ રહે છે.

પણ તબીબી ક્ષેત્ર તો બધાને એક દાંડીએ હાંકવા સરેરાશનો આશરો લે છે અને દવા બનાવનાર કંપનીઓના દબાણ હેઠળ ધોરણ નીચું કરવામાં આવે છે. ડાયાબિટિસમાં પણ આ જ બનાવટ ચાલુ છે. કોલેસ્ટ્રોલનું કયું ધોરણ સ્વાસ્થ્યસૂચક નોર્મલ છે એમાં સૌથી વધુ છેડછાડ કરવામાં આવી છે. એ કહેવાની જરૂર નથી કે જે ડૉક્ટરો આ ધોરણ નીચું કરવા માટે જવાબદાર હોય છે એ બધા સમિતિના સભ્યો એક યા બીજી રીતે એ દવા બનાવનાર કંપનીઓ દ્વારા પોષાતા હોય છે.

ડૉક્ટરો સતત આગ્રહ રાખતા હોય છે કે ખોરાકમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધવું ન જોઈએ. ઘી અને અન્ય ચરબીયુક્ત આહાર ન લેવો જોઈએ, નહીંતર ડાયાબિટિસ થશે, હૃદયરોગનો હુમલો આવવાની શકયતા વધી જશે. ડૉક્ટરો સાથે પ્રસારણ માધ્યમો અને સરકાર પણ અજંપો પેદા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

બધા ઉંમર સહજ થતા રોગો તબીબીશાસ્ત્રની આધુનિક ટેકનોલોજીને આધીન નથી, તેઓ એનાથી પર છે અને તદ્દન સ્વતંત્ર છે એ હકીકત જણાવવામાં આવતી નથી. માટે જ દરેક ડૉક્ટર સાથે રોગની તપાસ અને ઇલાજના મત બદલાતા રહે છે. કોઈપણ ઇલાજ કરો કે ન કરો, પરિણામ બધી વાર સરખું જ રહે છે.

ડૉક્ટરો રોગ વિશે બહુ જ ઓછું જાણે છે અને સમજે છે. તેઓ રોગમાં શત્રુનું ભૂત જુએ છે અને રોગીમાં તેનો હાઉ પેદા કરે છે. તેઓ રોજબરોજની જીવનશૈલીને કોઈ ગંભીર રોગ સાથે જોડી દે છે. આથી સામાન્ય માનવીના મગજમાં પોતાના દૈનિક વ્યવહાર અને રોજિંદા આચરણ સાથે ભય પેદા કરવા માટે ડૉક્ટરો જવાબદાર છે. લોકો વિચારશૂન્ય બની જાય છે. ભય, સંશય અને અજંપાથી પીડાય છે.

તણાવનું નિવારણ:

તણાવ, ચિંતા, શ્રમ, નિરાશા, હતાશા એવા જુદા જુદા રૂપે દેખાતી માનસિક અસ્વસ્થતા માટે જુદા જુદા શબ્દો વપરાય છે. આ હકીકતમાં પર્યાયવાચક શબ્દો છે. માનસિક તણાવનું ગમે તે કારણ હોય પણ બદલાતા સંજોગોમાં પેદા થયેલ પ્રતિકૂળતાને વ્યક્તિ કેવો પ્રતિસાદ આપે છે તેના પર એ આધાર રાખે છે. આમ અંતે તો માનસિક તણાવ વ્યક્તિ આધારિત છે. મિલ્ટને Paradise Lost માં કહ્યું છે કે માણસનું મન સ્વર્ગને નરક બનાવી શકે છે અને નરકને સ્વર્ગ બનાવી શકે છે. આપણાં તો બધાં શાસ્ત્રોમાં બહુ જ ભારપૂર્વક કહ્યું છે કે વ્યક્તિનું મન જ તેને બાંધે છે કે મુક્તિ આપે છે. વ્યક્તિ પોતાના મનને કેવી રીતે વાળે છે, એમાં કેવા સંસ્કાર ઘડે છે એ એનો સૌથી મહત્ત્વનો પુરુષાર્થ છે. મનથી હારો તો જીવનમાં હારી જવાય અને મનથી જીતો તો જીવનમાં જીતી જવાય. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે પ્રતિકૂળ સંજોગોનો સામનો કરો. એનાથી ડરીને ભાગી ન જાઓ.

મનની સમજ:

માણસનું મન એક અદ્‌ભુત રચના છે. મનને કારણે જ માણસ અન્ય જીવજગતથી જુદો તરી આવે છે. મન એક નિત્ય પ્રવાહિત રહેતો વિચારોનો પ્રવાહ છે. રોજના ૬૦-૭૦૦૦૦ વિચારોનો ઊભરો આવે છે. આ વિચાર વળી સુસંગત નથી હોતા. વાંદરાઓ જેમ એક ડાળથી બીજી ડાળ પર કૂદકા માર્યા કરે છે એમ મનના વિચારો પણ આમતેમ કૂદતા રહે છે. ઇન્દ્રિયો દ્વારા વિષયો તરફ દોડે છે. અવચેતન મન (Subconscious)માં દબાયેલ લાગણીઓ, ઇચ્છાઓ, વાસનાઓ અને સંસ્કારોનો ઊભરો આવે છે. જેમ પાળેલો કૂતરો પટ્ટાથી બંધાયેલ હોવા છતાં એના માલિકને એની પાછળ દોડાવે છે એમ મન પણ વ્યક્તિને આમથી તેમ ખેંચી જાય છે.

મનની એકાગ્રતા કેળવવા ટેવ પાડવાની જરૂર છે. હાલના યુગમાં તો સ્માર્ટ ફોન અને અન્ય સોશ્યલ મિડિયાઓ તો મનને કોઈ પણ પળ સ્થિર થવા દેતા નથી. સ્માર્ટ ફોન વ્યક્તિ વાપરતી નથી પણ સ્માર્ટ ફોન વ્યક્તિને વાપરે છે. આમાં વળી મફત વસ્તુ મળવાની જાહેર ખબરો લોકોને એટલા લલચાવે છે કે લોકો એ વસ્તુઓ પાછળ ગાંડા બનીને દોટ મૂકે છે અને પોતે જ વેચાઈ જાય છે.

સકારાત્મક વલણ અને નૈતિક વ્યવહાર:

અત્યારનાં પ્રચલિત ભરમાવતાં ભૌતિક અને સામાજિક મૂલ્યો, કેળવણીની અધોગતિ, નૈતિક મૂલ્યોનું પતન, સત્તા અને પૈસા પાછળની આંધળી દોટે માણસને પોતાની આંતરિક પ્રસન્નતાથી, મનની સ્વસ્થતાથી અને આનંદથી વિમુખ કર્યો છે. મનોચિકિત્સક પાસે એને પાછું મેળવવાનો ઉપાય નથી. તેઓ તો દવા આપે. જો મગજ ઉત્તેજિત હોય તો તેને ઢીલું કરે અને ઢીલું હોય તો ઉત્તેજિત કરે. તેઓ મનની સહજ સુખરૂપ શાંત અવસ્થાને લાવી શકતા નથી.

સૌ પ્રથમ મનની શાંતિની શોધમાં નીકળેલ વ્યક્તિએ જીવનમાં સકારાત્મક અભિગમ અપનાવવો ઘટે. આત્મનિરીક્ષણ કરતાં સમજાય છે કે પોતે જેટલી વાર નકારાત્મક વલણ અપનાવે છે, જેમ કે ‘બધા લોકો જુઠ્ઠા છે, મારે જ બધું સહન કરવું પડે છે, બધા મારી પાછળ પડ્યા છે’ ત્યારે પોતાનો અજંપો વધ્યો છે. ભૂતકાળમાં બનેલા બનાવોને કારણે ‘રાત ગઈ બાત ગઈ’ એમ ભૂલી જવાને બદલે એને વાગોળતા રહેવાથી દુઃખ છેડો મૂકતું નથી.

અત્યારે જે પરિસ્થિતિ છે એ કેટલી કષ્ટદાયક છે એનો વારંવાર વિચાર કરતાં અજંપો વધે છે. એને બદલે જગત, સંસાર, ઘટના સર્વ ક્ષણભંગુર છે, કંઈ જ કાયમી નથી એ સમજ પર ભાર મૂકતાં મનને ખાતરી મળશે કે આ પરિસ્થિતિ કાયમ નહીં રહે. જે આવે છે એ જાય છે. ભવિષ્યનો ભય તો સૌથી વધારે વ્યાકુળતા પેદા કરે છે પણ જો ભયનાં કારણો પર નજર નાખીએ તો ખ્યાલ આવશે કે ૮૦% ભય પોતાના મને ઉપજાવેલ કાલ્પનિક હોય છે. એના કરતાં આવનાર મુશ્કેલીઓ પર ક્ષમતા કેળવવા પર જોર મૂકવું વધુ સહાયક બને છે.

મનને કેળવવા શરીર તંદુરસ્ત રાખવાની જરૂર છે. નિયમિત પૌષ્ટિક આહાર લેવો, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, એસિડથી ભારોભાર ભરેલાં ઠંડાં પીણાંથી દૂર રહેવું અને નિયમિત વ્યાયામ કરવાથી શરીરના સકારાત્મક અંતઃસ્ત્રાવો ઝરે છે. શરીરની સ્ફૂર્તિ મનને ઘડવામાં મદદ કરે છે.

જીવનનો વ્યવહાર નૈતિક મૂલ્યોને આધારે કરવો. ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ નરસિંહ મહેતાનું એ ભજન બહુ સુંદર રીતે નૈતિક મૂલ્યો દર્શાવે છે. અરે! આપણી અંદર બેઠેલો ભગવાન હંમેશાં આપણું માર્ગદર્શન કરે છે કે શું કરવું ઉચિત અને કલ્યાણકારી છે. જીવનમાં એક સાદો સિદ્ધાંત અપનાવી શકાય કે જે વ્યવહારની હું મારે માટે બીજા પાસેથી અપેક્ષા રાખું છું એ જ વ્યવહાર મારે તેમની સાથે કરવો.

‘સંતોષી નર સદા સુખી’, ‘નવ્વાણું રૂપિયાનો ધક્કો’, ‘સુખી માણસનું પહેરણ’ એવાં સુભાષિત અને આખ્યાયિકાઓ બહુ પ્રચલિત છે. એટલે સમાજ પાસેથી વાહવાહ મેળવવા, કહેવાતી સફળતાનું શિખર સર કરવા માટે ભાગદોડ બંધ કરી શ્રમ સાથે વિશ્રામ પણ એટલો જ જરૂરી છે એમ સમજીને આચરણ કરવું. ‘અહીં અને અત્યારે’ ‘Here and Now’ જે છે એ જ યોગ્ય છે એ રીતની પૂર્ણતાની માનસિક લાગણી કેળવવી. બુદ્ધ ભગવાને કહ્યું છે એમ માનસિક સતર્કતા રાખીને યોગ્ય વ્યવહાર કરવો. દરેક વ્યક્તિને ભગવાને અજોડ ઘડી છે.

વ્યક્તિની પાસે પોતાની જે શક્તિ અને સમૃદ્ધિ છે એને યોગ્ય રીતે વિકસાવવા. બીજાની નકલ કરવાથી જીવનનો આનંદ અને તૃપ્તિ મળતાં નથી.

પાતંજલિ યોગમાં કહ્યું છે એ પ્રમાણે બધા સાથે મૈત્રીભાવ રાખવો. જે દુઃખી હોય તેના પ્રત્યે કરુણા રાખવી. બીજાના હર્ષમાં જોડાવું અને જેનું વલણ નકારાત્મક હોય તેની ઉપેક્ષા કરવી.

વાંચન અને વર્તણૂક, ખાવું, પીવું, નિદ્રા, વ્યાયામ બધું જ નિત્ય સકારાત્મક અને સપ્રમાણ રાખવું જેથી મનનું વલણ ઉત્તમ આદર્શ તરફ પ્રેરાય.

આધ્યાત્મિક પંથ:

કોરોના કાળે માનસિક હતાશા ફેલાવી છે. આના સંબંધમાં કરવામાં આવેલ એક વૈજ્ઞાનિક અભ્યાસે નિચોડ આપ્યો છે કે સૌથી વધુ શબ્દની શોધ ગુગલ પર God- ભગવાન શબ્દ માટે થઈ હતી અને વધુ ને વધુ લોકો ઈશ્વર તરફ વળ્યા છે તેમજ પ્રાર્થના કરતા થઈ ગયા છે. હકીકતમાં તો આધ્યાત્મિક પંથ જ એક સાચો માર્ગ છે જે માનસિક તણાવને જડમૂળથી ઉખેડીને માણસને પોતાના સાચા સ્વરૂપનું દર્શન કરાવે છે. આપણા અંતઃકરણને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ જેવા રિપુઓથી છોડાવી, જન્મજન્માંતરની વાસનાઓનો ક્ષય કરી, મનને શાંત કરી આપણાં શાસ્ત્રો(ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર)માં દર્શાવેલ આધ્યાત્મિક માર્ગને અનુસરવો રહ્યો. સ્વામી વિવેકાનંદે શિવજ્ઞાનથી જીવસેવાનો ઉત્તમ માર્ગ બતાવ્યો છે. સ્વામી વિવેકાનંદે કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને રાજયોગનો સુમેળ સાધ્યો છે. એનું અનુસરણ કરતાં પોતાના સ્વરૂપ અંગેનો ભ્રમ દૂર થશે અને સમગ્ર માનવજાતને સાચું જ્ઞાન લાધશે.

એ પંથ અનુસરતાં સમજાશે કે સર્વ કંઈ એક જ ચૈતન્ય, બ્રહ્મ છે. તે નિરાકાર, અનંત, સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સદ્ ચિત્ આનંદ સ્વરૂપ છે. એને આધારે જ આ જગતની લીલા ચાલી રહી છે. સર્વસચરાચર જગત, માણસ, પશુપંખી, જીવજંતુ, ઝાડપાન, ફળફૂલ બધાંનો આધાર બ્રહ્મ છે. આપણા સર્વમાં બેઠેલો અંતર્યામી પરમાત્મા છે. આત્મા અને પરમાત્મા એક જ છે. જયારે આ પ્રમાણે આત્મસ્વરૂપનું અપરોક્ષ જ્ઞાન થાય ત્યારે સર્વ કામના પરિપૂર્ણ થાય છે. ‘ધન્યો અહમ્, ધન્યો અહમ્‌’ની ભાવના થાય છે. પંચમહાભૂત, દેવતાઓ, ઋષિઓ, વનસ્પતિ, પ્રાણી તથા માનવજગત તરફ આત્મીયતાની ભાવના જન્મે છે. તેને સૌ તરફ અને પોતાના પૂર્વજો તરફ અહોભાવ, સદ્ભાવ, આદર અને આભારની લાગણી જન્મે છે. આથી સર્વ પ્રાપ્ત કરવા યોગ્યની પ્રાપ્તિ થાય છે. નિરતિશય તૃપ્તિની અનુભૂતિ થયા પછી પ્રારબ્ધવશાત્ જીવનમાં જે કંઈ ઊતારચઢાવ આવે તે સમયે એ તેને ઈશ્વરના પ્રસાદ સમ દેખાય છે. જન્મ, જીવન, રોગ અને મૃત્યુ – બધું જ નિત્ય બદલાતા જગતના ધર્મ બની જાય છે અને પોતે ઈશ્વર સાથેની એકતાનો અનુભવ કરી નિરંજન રવરૂપે રહે છે.

સ્વસ્વરૂપના અનુભવ માટે ચીંધેલા માર્ગમાં ચાલવું એ કઠોપનિષદ કથા પ્રમાણે ખાંડાની ધાર પર ચાલવા જેવું કઠિન છે. પરંતુ સાથે સાથે ખાતરી આપે છે કે એ મુશ્કેલીઓનો સામનો ગમે તે ભોગ આપીને કરવો યથાર્થ છે. મનની મહત્તા અને ક્ષમતા સમજો. તમારું વિશુદ્ધ અંતઃકરણ સાકાર જગતમાં સદ્ ચિત્ આનંદ સ્વરૂપી બ્રહ્મનું પ્રતિબિંબ પાડશે. તમારી જાતને ઓળખો. જન્મ, જીવન, રોગ, મૃત્યુ, પૂર્વજન્મ, ઉત્તરજન્મ, સર્વ સમયે, સર્વ કૃતિમાં તમે નિત્ય છો, પૂર્ણ છો, સદ્ ચિત્ આનંદ સ્વરૂપ છો. તમે બ્રહ્મ છો.

અંતમાં અધ્યાત્મ માર્ગમાં પહેલું પગલું માંડવા ડૉક્ટર મનુ કોઠારી અને આ લેખકે ‘જીવન મરણ’ પુસ્તકમાં નિમ્નલિખિત એક સહજ માર્ગ સૂચવ્યો છે.

The BEST Omnibus-ઉત્કૃષ્ટ સાર્વજનિક વાહન. આનંદ મેળવવા માટે જગતમાં દોડાદોડી ન કરો. તમે પોતે જ આનંદ-સ્વરૂપ છો.

Total Views: 778

One Comment

  1. Kantilal H Patel February 24, 2023 at 10:22 am - Reply

    Very informative🙏
    Very appreciative🙏

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.