રામ રાખે તેમ રહીએ…
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ..
આપણે તો ચિઠ્ઠીના ચાકર છૈ યે,
ઓધવજી રામ રાખે તેમ રહીએ..
કોઈ દિન પેરણ હીર ને ચીર તો, કોઈ દિન સાદા રહીએ..
ઓધવજી રામ રાખે તેમ રહીએ..
કોઈ દિન ભોજન શીરો ને પૂરી તો,
કોઈ દિન ભૂખ્યા રહીએે ..
ઓધવજી રામ રાખે તેમ રહીએ..૦
કોઈ દિન રહેવાને બાગ બગીચા તો,
કોઈ દિન જંગલ રહીએ..
ઓધવજી રામ રાખે તેમ રહીએ..૦
કોઈ દિન સૂવા ને ગાદી તકિયા તો,
કોઈ દિન ભોંય પર સૂઈયે..
ઓધવજી રામ રાખે તેમ રહીએ..૦
બાઈ મીરા કહે પ્રભુ ગિરધિરના ગુણ,
સુખ દુઃખ સૌ સહી લઈયે..
ઓધવજી રામ રાખે તેમ રહીએ…૦

મંગલ મંદિર ખોલો…
દયામય મંગલ મંદિર ખોલો
દયામય, મંગલ મંદિર ખોલો…
જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો… દયા..૧
નામ મધુર તવ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ અમીરસ ઢોળો… દયા.. ૨

પ્રેમળ જયોતિ તારો દાખવી…
પ્રેમળ જયોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ
દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ
મારો જીવન પંથ ઉજાળ…૦
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય…૦
આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ
હવે માગું તુજ આધાર…૦
ભભકભર્યા તેજથી હું લોભાયો,
ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ…૦
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર…૦
કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર…૦
રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્યગણોનાં વદન મનોહર
મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતાં ક્ષણવાર…૦

હરિને ભજતાં હજી કોઈની લાજ
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે…
હરિને ભજતાં…૦
વહાલે ઉગાર્યો પ્રહ્‌લાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે..
હરિને ભજતાં…૦
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે…
હરિને ભજતાં…૦
વહાલે મીરાં તે બાઈનાં ઝેર, હળાહળ પીધાં રે;
પાંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવનાં કામ કીધાં રે…
હરિને ભજતાં…૦
આવો હરિ ભજવાનો લ્હાવો, ભજન કોઈ કરશે રે
કર જોડી કહે છે પ્રેમળદાસ,
ભક્તોનાં દુઃખ હરશે રે…
હરિને ભજતાં…૦

એક જ દે ચિનગારી મહાનલ
એક જ દે ચિનગારી… ટેક
ચકમક લોઢું ઘસતાં ખરચી જીંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો
ન ફળી મહેનત મારી… મહાનલ…૧
ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો
સળગી આભ અટારી,
ના સળગી એક સગડી મારી
વાત વિપતની ભારી… મહાનલ…૨
ઠંડીમાં મુજ કાયા થથરે
ખૂટી ધીરજી મારી,
વિશ્વાનલ હું અધિક ન માગું
માગું એક ચિનગારી… મહાનલ…૩

વીર સાધકને
ઢંકાય છો સૂર્ય ઘટાથી મેઘલી,
ને, આભ હો સાવ વિષાદથી ભર્યું,
તો’યે ટકી રહે ઘડી, વીર હૈયા,
જય છે જ નિશ્ચિત. (૧)
ન શીત જેનાં પગલે વસંત ના;
ન ખીણ કો શૃંગ થકી વિહીન;
છાયા-પ્રભા પાછળ એકમેકની;
ધૃતિ તો ધરી રહે. (૨)
આ જિન્દગીની ફરજો છે કારમી,
અને સુખો છે ક્ષણજીવી એનાં,
ને લક્ષ્ય દેખાય જ સાવ ધૂંધળું,
તોયે, ધપ્યે જા તિમિરોની સોંસરો
એકાગ્ર તાકતે. (૩)
કલ્યાણકૃત્ કૈં તણી ન્હોય દુર્ગતિ,
આશા ભલે ને બનતી નિરાશા.
તારી પ્રજા સર્વ સમૃદ્ધિ પામશે;
ટકી રહે તો ઘડી, વીર આત્મ; ના
શુભ થાય મિથ્યા. (૪)
થોડા જ છે માનવ સુજ્ઞ – પ્રજ્ઞ;
લગામ તોયે કરમાંહી એમના;
મોડે પ્રીછે લોકસમૂહ એમને;
કરુણાથી દોર તું. (૫)
છે ભર માંહી તુજ એ આર્ષદ્રષ્ટા,
સંગાથ તારી બલના છે સ્વામી.
આશિષ સૌની તુજ પે મહાત્મ હે;
બનશે બધું શુભમ્. (૬)
(Hold on Yet a While, Brave Heart:
‘વીર સાધકને’: સ્વામીજીના સંનિષ્ઠ શિષ્ય ખેતડી, રાજસ્થાનના રાજાને ઉદ્દેશીને આ કાવ્ય લખાયું છે.)

Total Views: 243
By Published On: October 20, 2021Categories: Kavyo0 Comments on કાવ્યોTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.