(ડૉ. મોતીભાઈ પટેલ મહિલા બી.એડ્. કૉલેજ, મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરના આચાર્ય છે.)

એક તરફ વીસમી સદીની સંધ્યા નજીક છે તો બીજી તરફ એકવીસમી સદીનો ઉષઃકાળ પણ નજીક છે. આજનાં બાળકોએ એકવીસમી સદીમાં પોતાનું જીવન વિતાવવાનું છે. આ સદીની દુનિયા આ બાળકો માટે કેવી હશે? એ સદીમાં કઈ રીતે એણે જીવન વીતાવવાનું હશે? એણે કઈ સમસ્યાઓનો સામનો કરવાનો હશે? એ સદીની દુનિયા સાથે શી રીતે અનુકૂલન સાધવાનું રહેશે? આ બધા પ્રશ્નોનો વિચાર કરી આપણા વર્તમાન શિક્ષણનું આયોજન કરવાની જરૂરિયાત આજે સૌથી વિશેષ છે.

વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસને કારણે દેશ દેશ વચ્ચેનાં ભૌતિક અંતરો ઘટ્યાં છે. વિશ્વ એક નાનકડું કુટુંબ બનતું જાય છે. વિજ્ઞાને આંતરરાષ્ટ્રીય ભાષાનું સ્થાન લીધું છે. રાષ્ટ્રીય સીમાઓ ઓળંગાતી ચાલી છે. નવો વિશ્વસમાજ રચવા માટે, સૌને ધરતીના નાગરિક બનાવવા માટેની મથામણ વધતી જાય છે. અવકાશ માનવીને આમંત્રણ આપી રહ્યું છે વસવાટ માટે. વિજ્ઞાને વિશ્વમાં વિધાયક અને વિનાશક બંને પ્રકારની અસરો ઊભી કરી છે. વિજ્ઞાનની શોધોને પરિણામે સુખ સગવડોનું પ્રમાણ વધ્યું છે પરંતુ માનવતાવાદી વિચારસરણીમાં ઓટ આવી છે. આ પરિસ્થિતિમાં શિક્ષણનું આંતરરાષ્ટ્રીય પરિમાણ વિસ્તૃત થયું છે. સાચી કેળવણી તે જ જે વ્યક્તિને વિશ્વવ્યાપી બનાવે. એક તરફ વિજ્ઞાને માનવજીવનના દીર્ઘકાલીન અસ્તિત્વ માટે મોટી આશા પેદા કરી છે, તો બીજી તરફ આપણા કમનસીબ યુગની મહાન કરુણા પણ આપી છે. દૈવી શક્તિ ધરાવતાં યંત્રો-શસ્ત્રો જે માનવ-પ્રતિભાના ચમત્કારોનું ફળ છે, તે જ શોષણ, મૃત્યુ અને વિશ્વ વિનાશ માટે વપરાય એવી દહેશત વધતી જાય છે. શસ્ત્રોથી સજ્જ નાનકડું રાષ્ટ્ર સમગ્ર વિશ્વને ડરાવી શકે છે! (ઈરાકનું તાજું દૃષ્ટાંત આપણી સમક્ષ છે જ) વિશ્વમાં ચારે બાજુ, અશાંતિ વ્યાપ્ત છે.

વિશ્વના કોઈ એક ખૂણામાં બનતા બનાવોની અસર હવે એ રાષ્ટ્ર પૂરતી રહી નથી. સમગ્ર વિશ્વમાં એની અસર થાય જ છે. ઈરાક કુવૈતના યુદ્ધ વખતે આપણે એ અસર ચાખી છે. વળી બીજા વિશ્વ યુદ્ધની વિપરીત અસરો આજે ય વિશ્વ ભોગવી રહ્યું છે. હિરોશિમા અને નાગાસાકી ઉપર ક્રૂર રીતે ઝીંકાયેલ અણુબૉમ્બે એક કિલોમીટરના વિસ્તારમાં સર્વનાશ અને દસ કિલોમીટરના વિસ્તારમાં વિનાશ વેરેલો. અમે એકતાલીસ વર્ષ પછી હિરોશિમાના પીસપાર્ક ઉપર એ જોયો ત્યારે દિલમાંથી એક અરેરાટી નીકળી ગઈ. કહેવાય છે કે બે લાખ માણસો તો બૉમ્બ પડતાં જ મૃત્યુ પામ્યાં હતાં. બે લાખ ત્યાર પછી રિબાઈને મર્યા. આમ એ સંહારમાં માત્ર હિરોશિમામાં ચાર લાખ નિર્દોષ માનવીઓનો ક્રૂર સંહાર આપણા વિજ્ઞાનની શોધે કર્યો! તે વખતની હિરોશિમાની વસતિ જ માત્ર સાડાચાર લાખની હતી! વિચાર કરો કે, કેવડી મોટી હોનારત હતી. હવે વિશ્વમાં કદીએ ફરી હિરોશિમા નાગાસાકી જેવા સંહાર ન થાય એ જ વિશ્વના હિતમાં છે.

ઓગણીસો પિસ્તાલીસની છઠ્ઠી ઑગસ્ટે હિરોશિમા ઉપર ઝીંકાયેલા ‘લીટલબોય’ અને નવમી ઑગસ્ટે નાગાસાકી પર ઝીંકાયેલ ‘ફેટમેન’ બૉમ્બ કરતાંયે વધુ ભયાનક બૉમ્બ આજે અમેરિકા-રશિયા પાસે છે. અત્યારના બૉમ્બની વિનાશક શક્તિ પચાસગણી વધી ગઈ છે. એટલે તો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો કેટલી ભયંકરતા હોય તેનો ખ્યાલ વિશ્વને આવી ગયો છે. આઈન્સ્ટાઈને ઠીક જ કહ્યું છે કે: ‘ત્રીજું વિશ્વયુદ્ધ અણુબૉમ્બથી લડાશે, તો ચોથું વિશ્વયુદ્ધ કુહાડીઓથી લડાશે. કારણ કે, તે વખતે હાલનું કશું જ નહીં હોય. વળી, અણુબૉમ્બના જનક લીઓ ઝાર્લોડ તો કહે છે ‘બૉમ્બ બનાવીને હું ડહાપણના ખરીદદારોની શોધમાં જીવનભર પસ્તાયો છું.’ અમેરિકાના લૉસ અલામૉસ (ન્યુ મૅકિસકો) અણુકેન્દ્રથી જાપાનના હિરોશિમા નગર ઉપર અણુબૉમ્બ ફેંકવા માટેનો આદેશ આપીને બી-૨૯ વિમાન રવાના કરવામાં આવ્યું ત્યારે; એ અણુબૉમ્મ પ્રયોગ વિભાગના વડા ભૌતિક વિજ્ઞાની ‘કૅનૅથ બ્રેઈન બ્રીજે’, લૉસ અલામૉસના પ્રોજેક્ટ ડિરેક્ટર ‘રોબર્ટ ઓપેનહેમરને’ સંબોધીને કહ્યું હતું: “આજથી આપણે બધા જ કૂતરાનાં સંતાનો કહેવડાવવાને લાયક થયા છીએ.” આવા શબ્દો વાપરતાં એ વિજ્ઞાનીના દિલમાં અણુબૉમ્બના ઉપયોગ સામે કેવો રોષ હશે? આવા ભયંકર માનવ-સંહાર પછી હવે સમગ્ર વિશ્વમાં વિશ્વશાંતિ માટેનું શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સમજ માટેનું શિક્ષણ – અભ્યાસક્રમનો એક ભાગ બની જવું જોઈએ.

વધુ પડતી આત્યંતિક કટ્ટર રાષ્ટ્રીયતા, ખરો ખોટો તોયે મારો દેશ, મહાસત્તાઓનું વર્ચસ્વ આ બધાં જોખમોએ ઈતિહાસને ખુલ્લો પાડ્યો છે, ઈતિહાસમાં ધર્મના નામે સૌથી વધુ લોહી રેડાયું છે, તેનો સાક્ષી કયાં નથી? આવાં ધિક્કાર, સાઠમારી, સ્પર્ધા, આક્રમણો અને મોટા યુદ્ધો પણ લોકોના મનમાં રહેલ ગેરસમજ અને ખોટા સંકુચિત ખ્યાલોમાંથી જ શરૂ થાય છે. એથી તો આજે આક્રમક સ્વાર્થ અને મહત્ત્વાકાંક્ષાઓ, સંકુચિત દૃષ્ટિકોણ, રાષ્ટ્રીયતાનો અતિરેક, ધાર્મિક મતાંધતા…એ વિશ્વના મહાન દુશ્મનો બની દુઃખ માટેનાં કારણો બન્યાં છે. તેથી તો યુનેસ્કોના આમુખમાં કહ્યું છે: ‘યુદ્ધો માનવીઓના મનમાં જ આરંભાય છે ત્યારે શાન્તિ માટેની ઈમારત પણ માનવીઓના મનમાં જ રચાતી હોવી જોઈએ.’ એટલે યુદ્ધો સામેના રક્ષણના કિલ્લા પણ માનવીના મનમાં જ બાંધવા રહ્યા. તેથી જ સ્તો માનવતા, ન્યાય, સ્વતંત્રતા, શાંતિનું શિક્ષણ, સંસ્કૃતિનું વિસ્તરણ દરેક મનુષ્ય માટે અનિવાર્ય છે. દરેક રાષ્ટ્રે પોતાની પવિત્ર ફરજ સમજીને મનુષ્યના ગૌરવ માટે મથવું જોઈએ. તેથી તો ઉમાશંકર જોશીએ લખ્યું છે:

‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી:

પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!’

વળી, કવિએ વિશ્વ એક કુટુંબ છે તેનો સંદેશ આપતાં લખ્યું છે:

‘માનવી પ્રકૃતિ, સૌને ‘વસુધૈવ કુટુમ્બકમ્!’

ને એ જશે શબ્દ અનંત વીંધી,

જ્યાં ઘૂમતી કોટિક સૂર્યમાલા,

જ્યાં શાંતિના રાસ ચગે રસાળા,

‘યત્ર વિશ્વં ભવત્યેકનીડમ્!’

આમ વિશ્વ એક માળો છે, વિશ્વના સૌ મનુષ્યો એક કુટુંબના જ સભ્યો છે, એવી ખેવના આજે અત્યંત જરૂરી છે.

આંતરરાષ્ટ્રીય સમજ એટલે શું?

આંતરરાષ્ટ્રીય સમજમાં ખાસ કરીને વિશ્વના વિવિધ ભાગોના લોકોના જીવનનું, તેમના રિવાજો અને પરંપરાઓનું, સાહિત્ય અને સંસ્કૃતિનું અને માનવ સભ્યતામાં તેમના ફાળાનું તથા તે બધાથી ઉપર વિશાળ ભિન્નતાઓ વચ્ચે રહેલ સામાન્ય માનવતાની ઓળખનું વિશાળ જ્ઞાન અભિપ્રેત છે. એમાં વિશ્વની જાતિઓ વચ્ચે રહેલ સરખાપણું તેમ જ વિરોધપણું અને ભૌગોલિક તથા અન્ય પરિબળો સાથેનો તેમનો સંબંધ, વિશ્વને રાષ્ટ્રોનો પરસ્પરાવલંબી સમાજ બનાવતાં સાંસ્કૃતિક અને આર્થિક પરિબળોની કદર સમાવિષ્ટ છે. એમાં માનવ જ્યાં હોય ત્યાં એની યોગ્યતા અને ગૌરવ માટે આદર તથા વિવિધ રાષ્ટ્રો અને સમાજોએ માનવજાતના કલ્યાણ અને સંસ્કૃતિ તથા વિશ્વની શાંતિ અને આબાદીમાં આપેલા ફાળાની કદર અભિપ્રેત છે. તેમાં માનવજાતના જીવનના સર્વગ્રાહી દૃષ્ટિકોણનાં મૂલ્યો અને ફિલસૂફીનો, વિશ્વના વિવિધ લોકોનાં ધ્યેયો ને પ્રેરણાઓનો વિકાસ અભિપ્રેત છે. બીજા શબ્દોમાં કહીએ તો તે એક વિશાળ દૃષ્ટિકોણ દર્શાવે છે, જે બધા માણસોને પૂર્વગ્રહ અને પક્ષપાત વગર જોવામાં, તેમને સમજવામાં અને રાષ્ટ્રીયતાથી નિરપેક્ષ રીતે માનવસભ્યતા અને સંસ્કૃતિમાં તેમના ફાળાની કદર કરવામાં મદદ કરે છે. જેમ કોઈ વ્યક્તિ પોતાની જાતને પોતાના કુટુમ્બ, સમાજ કે રાષ્ટ્ર સાથે એકરૂપ કરે છે; તેમ આંતરરાષ્ટ્રીય સમજ સમગ્ર વિશ્વ કે માનવતા સાથેની એકરૂપતાને પ્રાધાન્ય આપે છે.

ટૂંકમાં કહીએ તો રાષ્ટ્રીયતા કે સંસ્કૃતિના ભેદભાવ વિચાર્યા વિના કોઈ પણ વ્યક્તિને આત્મલક્ષી રીતે નિહાળવી અને તે રીતે એનું મૂલ્ય આંકવું અને તેની કદર કરવી તેનું નામ આંતરરાષ્ટ્રીય સમજ.

વિશ્વમાનવ ડૉ. રાધાકૃષ્ણન પણ કહે છે: ‘આપણે જર્મન, અમૅરિકન કે રશિયન હોઈએ, પરંતુ મૂળભૂત રીતે આપણે માનવી છીએ. આ પાયાની વાત આપણે કદી ન ભૂલીએ. ચાલો, આપણે એક વિશ્વસમાજમાં જીવતાં શીખીએ.’ આવો વિશ્વસમાજ રચવો હોય તો આપણા દરેક નાગરિકમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસવી જોઈએ. આ કાર્ય શિક્ષણ દ્વારા જ શક્ય છે.

શિક્ષણનું ઉત્તરદાયિત્વ

વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ-સંદર્ભનો શિક્ષણ અને શિક્ષકે પડકાર ઝીલવો જ રહ્યો. આ પરિસ્થિતિ શિક્ષણ માટે આહ્વાનરૂપ….પડકારરૂપ પણ છે. વર્તમાન સમય સમજ, ડહાપણ, ઉદારતા અને સહિષ્ણુતા ઝંખે છે. એટલે જ શિક્ષણ દ્વારા માનવજાતની સુધારણા માટે મક્કમ અને સુયોજિત પ્રયત્નો કરવા પડશે. નવાં મૂલ્યો પ્રસ્થાપિત કરવાં પડશે. મનુષ્યત્વને ખેડવાનું કાર્ય શિક્ષણ જ કરી શકે. સ્વાતંત્ર્ય, સમતા, બંધુતાનાં ધ્યેયોને કાર્યાન્વિત કરવા માટે શિક્ષણે મથવું પડશે. યુદ્ધ ઉપર શાંતિના સંસ્કારો વિજય મેળવે એ માટે શિક્ષણે મથવું પડશે. શિક્ષણ જ વ્યક્તિને એક બીજા સાથે જીવતાં શીખવે છે. એકબીજા વિશેના આપણામાં રહેલા અજ્ઞાનને દૂર કરવા શિક્ષણે પ્રયાસો કરવા પડશે.

શિક્ષણે વ્યક્તિને વિશ્વવ્યાપી બનાવવા સતત મથવું પડશે, વિશ્વ વિશાળ બને એટલું પર્યાપ્ત નથી. માનવીનું મન, માનવીનું હૃદય પણ વિશાળ બનવું જોઈએ. એ શિક્ષણ દ્વારા જ શક્ય છે. માનવમાં પરસ્પર સહકારની ભાવનાનો વિકાસ થાય, માનવી સંપૂર્ણ બની વિશ્વશાંતિનો દૂત થાય, માનવ હૃદયમાં પડેલાં ઉમદા તત્ત્વો બહાર લાવતો થાય. દરેક વ્યક્તિ પ્રત્યે આદર રાખતો થાય, લોકશાહી મૂલ્યોનાં જતન માટે કટિબદ્ધ થાય, જ્ઞાનના વિસ્ફોટને ઝીલવા તત્પર થાય અને ભાવિના પડકારો ઝીલવા તૈયાર થાય તે માટે શિક્ષણે જ પ્રયાસો કરવા પડશે.

આપણે બધા જ જાણીએ છીએ કે, શિક્ષણ બાળકના કુમળા મગજને ઘડવા માટેનું એક સાધન છે, વિશાળ દૃષ્ટિકોણ સાથેના લોકશાહી નાગરિક ઘડતર માટે પહેલો અને અગત્યનો સિદ્ધાંત: વ્યક્તિને ખરા-ખોટા, સત્ય-અસત્ય, હકીકત-કલ્પના, પ્રચાર-વાસ્તવિકતા વચ્ચે ભેદ પાડવામાં અને તેનું મહત્ત્વ નકકી કરવામાં મદદ કરે તેવી સ્પષ્ટ અને સ્વતંત્ર વિચારણાના વિકાસ પર ભાર મૂકવો તે છે.

બાળકોને વાતાવરણ, સંજોગો, જીવનપદ્ધતિ, સંસ્કૃતિ, ઈતિહાસ, વિશ્વઘટનાઓ, વિશ્વ સંઘર્ષો અને શાંતિ માટેના પ્રયાસોથી પરિચિત કરવાં પડશે. યુદ્ધની નિરર્થકતા અને વિનાશકતા રજૂ કરીને તેની સામે વિશ્વશાંતિની આવશ્યકતા સમજાવવી પડશે. શિક્ષણ વિશ્વાસ અને શ્રદ્ધા, સહકાર, અને સહાનુભૂતિ, ભાઈચારાની લાગણી અને પડોશીપણું, અને તે બધાથી ઉપર ભ્રાતૃભાવની ભાવના વિકસાવવામાં મદદ કરે છે.

શસ્ત્રો પાછળની દોટનો ખ્યાલ પણ વિદ્યાર્થીઓને આપવો જોઈએ. વળી શસ્ત્રો પાછળનો ખર્ચ બચાવવામાં આવે તો તેમાંથી બચેલ પૈસો ને શક્તિ વિશ્વની મુખ્ય સમસ્યાઓ: ભૂખ, ગરીબાઈ, પ્રદૂષણ અને નિરક્ષરતા અટકાવવામાં થઈ શકે. સંયુકત રાષ્ટ્રોના મધ્યસ્થ નિઃશસ્ત્રીકરણ કેન્દ્રે આપેલી માહિતી મુજબ વિશ્વમાં માથાદીઠ ૧૫૦ ડોલર જેટલી અતિ ભારે રકમ શસ્ત્રસરંજામ પાછળ ખર્ચાઈ રહી છે. છેલ્લા ૩૦ વર્ષથી વિશ્વના કુલ ઉત્પાદનના ૮થી ૧૦ટકા જેટલી રકમ શસ્ત્રસંરજામ પાછળ ખર્ચાઈ જાય છે. એ રકમ એટલી બધી થવા જાય છે કે, તેનાથી:

* ૫૭૦૦ લાખ અર્ધભૂખ્યાં માનવીઓનાં ઉદર ભરી શકાય.

* ૧૦,૦૦૦ લાખ નિરક્ષરોને ભણાવી શકાય.

* ૧૫,૦૦૦ લાખ લોકોને પૂરતી તબીબી સહાય આપી શકાય.

* ૨,૫૦૦ લાખ બાળકો માટે શાળાઓ પૂરી પાડી શકાય.

એટલે વિશ્વમાં નિઃશસ્ત્રીકરણની માગ વધુને વધુ જલદ બની રહી છે.

શિક્ષકે વિષયનું ઔપચારિક શિક્ષણ આપતી વખતે વૈશ્વિક દૃષ્ટિકોણ રાખી જ્યાં તક મળે ત્યાં આંતરરાષ્ટ્રીય સમજ વિક્સાવવાની એક પણ તક જતી કરવી જોઈએ નહીં. તે ઉપરાંત સમાચારપત્રો, સામયિકોના વાચન, રેડિયો વાર્તાલાપના શ્રવણ, પત્રમૈત્રી, પ્રદર્શન, વાર્તાલાપો, આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણી, વિશ્વના મહાન પુરુષોની જન્મજયંતી – પુણ્યતિથિઓની ઉજવણી, વિવિધ રાષ્ટ્રોના રાષ્ટ્રધ્વજ – રાષ્ટ્રગીતો જાણીને… પણ આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવી શકાય. આખરે શિક્ષકનું વ્યક્તિત્વ વૈશ્વિક સમાજને પોષક હોય તો જ આ શક્ય બને.

Total Views: 114
By Published On: April 22, 2022Categories: Motibhai Patel Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram