‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો એપ્રિલ-૯૭નો અંક મળ્યો. આ અંકમાં ચક્રવર્તી રાજગોપાલાચાર્યનો ‘પ્રાર્થના’ લેખ, સ્વામી બુધાનંદનો ‘જીવનમાં શાંતિ મેળવવાનાં વ્યવહારુ સૂચનો’નો લેખ, સ્વામી અશોકાનંદજીનો ‘Spiritual Practice’માંથી લેવામાં આવેલો ‘ગૃહસ્થધર્મ અને આધ્યાત્મિક સાધના’ નો લેખ ખૂબ જ હૃદયગમ્ય રહ્યા. આ ઉપરાંત સ્વામીશ્રી વિવેકાનંદે પોતાની અભયવાણીમાં જણાવેલ ‘સાચું સુખ’ સાંસારિક ક્ષેત્રે અસરકારક લેખ રહ્યો.

ગોરધનભાઇ સી. પટેલ, અમદાવાદ.

શ્રીરામકૃષ્ણ જ્યોત જે ઘરમાં હોય તે ઘરમાં કદી અંધારું જ ન રહે. સદા માટે રોશની હી રોશની. શક્તિ એ જ જીવન; નિર્બળતા એ જ મોત. સ્વામી વિવેકાનંદજીનું આ સુવાક્ય બહુ જ અસરકારક છે. હું જ્યાં લોકો કામ ન કરતા હોય ત્યાં આ સુવાક્યનો ઉપયોગ કરું છું તેમ જ મને ક્યારેક આળસ થાય ત્યારે આ સુવાક્યની યાદ આવ્યેથી બળ મળે છે.

સુભાષ રામાણી, રાજકોટ

શ્રીરામકૃષ્ણ જ્યોતમાં આ વખતના અંકમાં (માર્ચ) સંપાદકીય નો લેખ ખૂબ જ સરસ છે. આપના તમામ અંક ખૂબ જ ઉપયોગી હોય છે, અને સારામાં સારી માહિતી પણ મળી રહે છે.

ભરત આર. ભટ્ટ, જૂનાગઢ

એપ્રિલ ‘૯૭ના અંકમાં હરેશભાઇ ધોળકિયાએ ‘ક્રાઇસિસ મૅનેજમૅન્ટ – ભારતીય અભિગમ’ લેખ દ્વારા ‘કટોકટી’ના ઉકેલ સંદર્ભે સરસ – જ્ઞાનમય પાથેય સંપડાવ્યું છે. કવિ ‘ઉશનસ્’ દ્વારા પણ શ્રીરામકૃષ્ણદેવના પ્રેરણાદાયી ઉપદેશામૃત વિષે ઉપયોગી વાંચન સામગ્રી પ્રાપ્ત થઈ ‘પુસ્તક સમીક્ષા’ કાવ્ય – આસ્વાદ તથા રતુભાઇ દેસાઇ રચિત પ્રાર્થના કાવ્ય પણ પ્રેરક જણાયા.

બાબુલાલ ગોર, ભુજ

શ્રીરામકૃષ્ણ જ્યોત બધાં જ સામયિકો કરતાં નોખી જ ભાત પાડે છે. શ્રી હરેશ ધોળકિયા દ્વારા લખાયેલ ‘Crisis Management – ભારતીય અભિગમ’ Management વિશેની ભારતીય સમજ તૈત્તિરીય ઉપનિષદ જેવા મહત્ત્વપૂર્ણ અને લગભગ લુપ્ત થયેલી ઓળખાણ ધરાવતા સમૃદ્ધ શાસ્ત્રમાંથી આપીને ખૂબ જ સરળ રીતે એક સર્વથા સુંદર સમજ આપે છે કે મૅનૅજમૅન્ટ એ કંઇ શીખવા, અવલોકન કરવા, આલોચના કરવા જેવી કે કેળવવા જેવી નહીં પણ સ્વ-ફરજ સાથે જ સંકળાયેલી બાબત છે.

ભાવિન એચ. દેસાઇ, વડોદરા

એપ્રિલ-‘૯૭નો ‘રામકૃષ્ણ જ્યોત’નો અંક મળ્યો. સુંદર મુખપૃષ્ઠ સાથે ઓપતા જ્યોતના તમામ અંક આગવી ભાત પાડે છે. શાળાઓની વાર્ષિક પરીક્ષાઓનું વાતાવરણ છે ત્યારે ટ્રસ્ટીઓને, સંચાલકોને કે જિલ્લાની શિક્ષણ સમિતિઓને સૂચન છે કે દરેક કક્ષામાં પ્રથમ-દ્વિતીય મેળવનાર વિદ્યાર્થીના નામે ‘રામકૃષ્ણ જ્યોત’નું વાર્ષિક લવાજમ ભરી – અમૂલ્ય પુરસ્કાર પ્રદાન કરે.

ભાસ્કરભાઇ ન. સ્વાદિયા, જામનગર

શ્રી હરેશ ધોળકિયાએ ‘ક્રાઇસીસ મૅનૅજમેન્ટ’ લેખ તેમજ સ્વામી અશોકાનંદના ‘ગૃહસ્થ ધર્મ અને આધ્યાત્મિક સાધના’ અંતર્ગત ભાષાંતરિત લેખની પ્રસ્તુતિ ઉત્તમ છે. સીધી જ લખેલ કૃતિ વાંચતા હોઇએ તેવી અનુભૂતિ થાય છે, મૂળ લેખક સ્વામી અશોકાનંદ અને ભાષાંતર કરનાર યશસ્વીભાઇ મહેતા અભિનંદનના અધિકારી છે. પુસ્તક સમીક્ષા માટે સંપાદકની, પસંદગી કાયમ ઉત્તમ હોય છે. આ વખતે ડૉ. પ્રફુલ્લભાઇ વૈદ્યના વિશ્વ આહારની સમીક્ષા આધ્યાત્મિક અને આરોગ્ય બન્ને ક્ષેત્રે ઉપયોગી છે. સમીક્ષક અને લેખક બન્નેનો પરિશ્રમ અનુમોદનીય અને અભિનંદનીય છે.

જ્યોતિ દોશી, જામનગર

અંકમાંથી મને મહાવીરનો વીરધર્મ, ઊઠો, જાગો, પ્રાર્થન, ભક્ત કવિ મીરાંબાઇ અને સમાચાર દર્શન એ લેખો ખૂબ જ ગમ્યા. સમાચાર દર્શનમાં બાપુના (રામકૃષ્ણ) જન્મદિવસની શોભાયાત્રાનો ફોટો જોયો અને વાંચ્યો. એ ઉત્સવ માણવાનું તો નસીબમાં નથી પણ વાંચીને ખૂબ જ આનંદ થયો. અંકની પાછળ જે વાર્તાઓ હોય છે તે મને ખૂબ જ વાંચવી ગમે હું પણ વાંચું અને નાના ભાઇ-બહેનને પણ વંચાવું.

અરુણા ભીખાભાઇ હરપાળ, ધોરાજી

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ જો કેવળ રામકૃષ્ણ – વિવેકાનંદમાંથી અને શ્રીરામકૃષ્ણ શિષ્યો/ભક્તોની વાતોથી જ ઉભરાતું રહેશે તો ભવિષ્યમાં તેનું પોત સામ્પ્રદાયિકતાના કોઈ વિશિષ્ટ ઢાંચામાં ઢળી જશે એવી ભીતિ કોઈ પણ સમજદાર વાચકને થાય એ સંભવ છે.

નટવર રાવલ, અમદાવાદ

મારા સ્વભાવ ને પ્રકૃતિ અનુસાર મને ‘દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટેનાં વ્યવહારુ સૂચનો’ શીર્ષકથી વં.પૂ. સ્વામી બુધાનંદનો લેખ ખૂબ ગમ્યો. ભાષાંતર કરનાર શ્રીગણપત હ. વ્યાસે, સાદી સરળ ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવાનો ભેખ લીધો છે. એ બદલ શ્રી ગણપતભાઇને ધન્યવાદ અને વં. પૂ. સ્વામી બુધાનંદને સા. દડવંત પ્રણામ.

કણબી ગોપાલ, મેંગ્લોર

Total Views: 365

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.