वायुरनिलममृतमथेदं भस्मान्तं शरीरम्।
ॐ क्रतो स्मर कृतं स्मर क्रतो स्मर कृतं स्मर॥१७॥
अथ, એટલા માટે, (એટલે કે હવે મારું મરણ હાથવેંતમાં જ છે ત્યારે); वायुः, મારી વ્યષ્ટિગત જીવનશક્તિ; अमृतम् अनिलम्, વૈશ્વિક — સમષ્ટિગત શાશ્વત જીવનશક્તિ (અર્થાત્, મારી વ્યષ્ટિગત જીવનશક્તિ સમષ્ટિગત શાશ્વત જીવનશક્તિ સાથે ભળી જાઓ, એમાં લય પામી જાઓ); इदम् शरीरम् भस्मान्तम्, ભલે આ સ્થૂળ શરીર રાખમાં પરિણમે, (એટલે કે અગ્નિ ભલે એને નષ્ટ — રાખરૂપ — બનાવી દે); ॐ, (ઓમ), બ્રહ્મને યાદ કરતાં કરતાં; क्रतो, હે મન; कृतम् स्मर, મારી જિંદગીનાં વરસો દરમિયાન મેં જે કંઈ કર્યું હોય, તે બધાંને યાદ કરી લે; क्रतो स्मर कृतं स्मर, એ બધાંને તું વારંવાર યાદ કરતું રહે.
હવે જ્યારે મૃત્યુ આવી રહ્યું છે ત્યારે હું પ્રાર્થના કરું છું કે મારી વ્યક્તિગત જીવનશક્તિ સમષ્ટિગત જીવનશક્તિ સાથે ભળી જાઓ. આ સ્થૂળ શરીર ભલે અગ્નિને સમર્પિત થઈ જાઓ, અને અગ્નિ ભલે એને ભસ્માવશેષ બનાવી દે. હે મન! આખા જીવન દરમિયાન મેં જે કંઈ કર્યું હોય તે બધાંને તું યાદ કરી લે. મારાં કર્મોને વારંવાર યાદ કરી લે. (૧૭)
अग्ने नय सुपथा राये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान्।
युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठां ते नमउक्तिं विधेम॥१८॥
अग्ने, હે અગ્નિ; राये, અમારાં કર્મોનું સારું પરિણામ અમે પ્રાપ્ત કરીએ તે માટે; अस्मान् सुपथा नय, જે કંઈ સારું છે, તે બધા તરફ દોરી જાઓ; देव, હે સ્વામી, દેવ; विश्वानि वयुनानि विद्वान्, તમે અમારા મનમાંથી જે કંઈ પસાર થાય છે તેને અને અમે જે કંઈ કરીએ છીએ તે બધાને જાણો છો; अस्मत्, અમારામાંથી; जुहुराणम् एनः, અમે જે કંઈ ખરાબ કર્યું હોય તે; युयोधि, દૂર કરી દો; ते, તમને; भूयिष्ठाम् नमः उक्तिम् विधेम, અમે વારંવાર નમસ્કારની વાણી અર્પીએ છીએ (નમસ્કાર કરીએ છીએ).
હે અગ્નિ, કલ્યાણકારી વસ્તુઓ અમને પ્રાપ્ત થાય, એટલા માટે કૃપા કરીને અમને સન્માર્ગ તરફ દોરી જાઓ. હે દેવ, અમે જે કંઈ વિચારીએ છીએ અને જે કંઈ કરીએ છીએ, તે બધું જ તમે જાણો છો. કૃપા કરીને અમારી અંદર રહેલાં બધાં દૂષણોને દૂર કરી દો. અમે ફરી ફરીને તમને નમસ્કાર કરીએ છીએ. (૧૮)
(ઈશ ઉપનિષદ)
Your Content Goes Here