શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધાઓ તેમજ પારિતોષિક વિતરણ સમારંભ

આશ્રમ દ્વારા રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ માટે તા. ૧૦ થી ૨૭ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન ફેન્સી ડ્રેસ, સમૂહ ગાન, વક્તૃત્વ, શીઘ્રચિત્ર, હિન્દી-ગુજરાતી-અંગ્રેજી-સંસ્કૃત પઠન સ્પર્ધાઓ યોજાઈ હતી; જેમાં રાજકોટ તથા આસપાસના વિસ્તારની ૮૧ શાળાઓના કુલ ૯૭૬૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

વિવિધ જૂથની બધી સ્પર્ધા થઈને કુલ ૯૪૫ વિદ્યાર્થીઓએ ટોચના પાંચ ક્રમાંક પ્રાપ્ત કર્યા, જેમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ૧૮૯ વિદ્યાર્થીઓને તા. ૨૬ જાન્યુઆરીના રોજ આયોજિત પારિતોષિક વિતરણ સમારંભમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર શ્રી આનંદભાઈ પટેલ; શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ; તથા રામકૃષ્ણ મઠ, અમદાવાદના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદ મહારાજના વરદ હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર અને અન્ય ભેટ આપવામાં આવ્યાં હતાં.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા નિમિત્તે રાજકોટ આશ્રમમાં ત્રિ-દિવસીય અનુષ્ઠાન

આશ્રમ શ્રીમંદિરમાં તા. ૨૦, ૨૧ અને ૨૨ જાન્યુઆરીના રોજ સંધ્યા આરતી પછી રામજીનાં ભજનો થયાં હતાં. ૨૧ અને ૨૨ના રોજ સાંજે રામ-નામ સંકીર્તન, તેમજ ૨૨ના રોજ સવારે સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો. પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસે આશ્રમ પરિસરમાં દીપ-પ્રાકટ્ય કરવામાં આવ્યું તથા સુંદર સજાવટ કરવામાં આવી.

પ્રજાસત્તાક દિનની ઉજવણી

તા. ૨૬ જાન્યુઆરીના રોજ આશ્રમ પ્રાંગણમાં આશ્રમના વરિષ્ઠ સંન્યાસી સ્વામી નંદીકેશાનંદજી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. આ ઉપરાંત આશ્રમના વિવેક હૉલમાં વ્યક્તિત્વ વિકાસ પ્રકલ્પ, શિશુ વિકાસ પ્રકલ્પ અને મા શારદા બાલ સંસ્કાર શિબિરના ૪૦ વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, સમૂહ ભજન-ગાન, સમૂહ દેશભક્તિ ગીત, એકપાત્રીય અભિનય અને નાટ્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી.

સ્વામી વિવેકાનંદની ૧૬૨મી જન્મતિથિની ઉજવણી

૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ સ્વામીજીની ૧૬૨મી જન્મતિથિની ઉજવણી નિમિત્તે શ્રીમંદિરમાં વિશેષ પૂજા, હવન, ભજન થયાં હતાં. આરતી બાદ ૧૫૦૦ થી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામીજીના જીવન અને સંદેશ પર પ્રવચન આપ્યું હતું. સાંજે શિવ-નામ-સંકીર્તન તથા ભજન કરવામાં આવ્યાં.

નારાયણ સેવાનું આયોજન

૪ ફેબ્રુઆરીના રોજ આશ્રમ પ્રાંગણમાં શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે ‘નારાયણ સેવા’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ૧૨૫૦ જેટલાં અનાથો, વૃદ્ધો, અંધજનો તેમજ દિવ્યાંગ બાળકોને આશ્રમ દર્શન કરાવ્યા બાદ ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યો તેમજ પાદુકા-વિતરણ કરવામાં આવ્યું.

શ્રીશ્રીસરસ્વતી-પૂજાની ઉજવણી

૧૪મી ફેબ્રુઆરી, ૨૦૨૪, વસંત પંચમીના દિવસે સરસ્વતી-પૂજાનું આયોજન થયું હતું, જેમાં વિશેષ પૂજા, હવન અને ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૧૪૦૦ જેટલા ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાંજે મા-નામ-સંકીર્તનનું આયોજન થયું હતું.

રામકૃષ્ણ મિશન, પોરબંદર

યુવા દિન નિમિત્તે આશ્રમના પ્રાંગણમાં આવેલ સ્વામીજીની પ્રતિમાને આશ્રમના સંન્યાસીઓ દ્વારા પુષ્પહાર અર્પણ કરાયા. પુરસ્કાર વિતરણ સમારોહમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પોરબંદરના એડિશનલ કલેક્ટર સુશ્રી રેખાબા સરવૈયા તેમજ એસ.બી.આઈના ચીફ મેનેજર શ્રી સુમિતકુમારના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા.

૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કેન્દ્રના પ્રાંગણમાં નિઃશુલ્ક નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ૧૦૨ દર્દીઓની નિઃશુલ્ક સારવાર તથા ૫૭ જરૂરિયાતWમંદ દર્દીઓનાં ડૉ. કે. એ. ગરેજાની ઓજસ આઇ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યાં.

રામકૃષ્ણ મઠ, અમદાવાદ

રાષ્ટ્રિય યુવા દિવસની ૪૦મી વર્ષગાંઠ નિમિત્તે રામકૃષ્ણ મઠ, અમદાવાદ અને ભારતમાતા મંદિર, પ્રાથમિક શિક્ષક સંઘ, સાણંદ અને સ્વામી વિવેકાનંદ સમિતિ, બોપલના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું, જેમાં ૧૧૯ શૈક્ષણિક સંકુલોના ૪૪,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૧૦૬૮ શિક્ષકોએ ભાગ લીધો હતો. વિજેતાઓને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા.

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.