શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

વિશેષ પ્રવચન

૧૭ માર્ચના રોજ ‘રામકૃષ્ણ ભાવધારા અનુસાર દૈનંદિન જીવનમાં આધ્યાત્મિક સાધના’ વિષય પર રામકૃષ્ણ મિશન, સિંગાપોરના અધ્યક્ષનું વિશેષ પ્રવચન આયોજિત કરાયું હતું.

શ્રીચૈતન્ય મહાપ્રભુ જયંતી નિમિત્તે શોભાયાત્રા

તા. ૨૫ માર્ચના રોજ શ્રીચૈતન્ય મહાપ્રભુની જન્મતિથિ નિમિત્તે ભજન-કીર્તન અને આશ્રમ પ્રાંગણમાં શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સાંજે શ્યામનામ સંકીર્તન તથા સંધ્યા આરતી પછી શ્રીચૈતન્ય મહાપ્રભુના જીવન અને સંદેશ વિષય અંગે પ્રવચન રાખવામાં આવ્યું હતું.

ધ્યાન-શિબિર

તા. ૩૧ માર્ચના રોજ આયોજિત ધ્યાન-શિબિરનો પ્રારંભ સ્વામી શંકરેશાનંદજી દ્વારા વૈદિક-પાઠથી કરાયો. શિબિરાર્થીઓએ ગીતાપાઠ-ધ્યાનયોગ કર્યો. આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ધ્યાનાવશ્યક પરિવેશનું માર્ગદર્શન આપ્યું તથા ધ્યાનનું પ્રેક્ટિકલ સેશન કરાવવામાં આવ્યું અને શિબિરાર્થીઓના આધ્યાત્મિક જીવન અંગેના પ્રશ્નોનું નિરાકરણ કર્યું. સ્વામી મેધજાનંદજી, સ્વામી પ્રણવાર્થાનંદજી તથા સ્વામી કૃષ્ણસખાનંદજી દ્વારા અનુક્રમે ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રદત્ત ધ્યાન અંગેના માર્ગદર્શન અંગે ચર્ચા કરાઈ. શિબિરનું સમાપન સ્વામી દર્પહાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ શરણમ્’ દ્વારા કર્યું. ભોજન-પ્રસાદ બાદ લગભગ ૫૦૦ શિબિરાર્થીઓને પુસ્તકોનો સેટ ભેટ અપાયો.

રાજકોટ આશ્રમના મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાની વર્ષગાંઠ

૬ એપ્રિલ, ૧૯૭૯ના દિવસે વર્તમાન મંદિરની તત્કાલીન સંઘાધ્યક્ષ પૂજ્ય સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના વરદ હસ્તે પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ હતી. વર્ષગાંઠ નિમિત્તે ૬ એપ્રિલે આયોજિત કાર્યક્રમમાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવના ફોટો-વીડિયો બતાવાયાં. આશ્રમ અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા તે સમયનાં સંસ્મરણો યાદ કરવામાં આવ્યાં.

વાર્ષિક મહોત્સવની ઉજવણી

આશ્રમ દ્વારા ૮ થી ૧૩ એપ્રિલ દરમિયાન વાર્ષિક મહોત્સવની ઉજવણી કરાઈ. ઉજવણીનો મંગલ પ્રારંભ સુવિખ્યાત આખ્યાનકાર શ્રી ધાર્મિકલાલ પંડ્યાના આખ્યાનથી થયો. શ્રી ધાર્મિકલાલ પંડ્યા લોકપ્રિય આખ્યાનકાર છે અને કવિ પ્રેમાનંદ દ્વારા શરૂ કરવામાં આવેલ અનોખી માણભટ્ટ કલા ધરાવે છે. તેમણે ૮, ૯ અને ૧૦ સુધી ભક્તોને કથારસપાન કરાવ્યું. ૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલ દરમિયાન લોકપ્રિય કથાકાર અને રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી મહારાજે ‘રામચરિતમાનસ’ વિષયક કથા પ્રસ્તુત કરી.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સંઘાધ્યક્ષ પૂજ્ય સ્વામી સ્મરણાનંદજી મહારાજની મહાસમાધિ

૨૬ માર્ચના રોજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સંઘાધ્યક્ષ પૂજ્ય સ્વામી સ્મરણાનંદજી મહારાજ મહાસમાધિમાં લીન થયેલ છે. આ નિમિત્તે પૂજ્ય મહારાજશ્રીની મહાસમાધિના ૧૩મા દિવસે એટલે કે ૭ એપ્રિલના રોજ રાજકોટ આશ્રમમાં સવારે વૈદિક-પાઠ, ષોડશોપચાર પૂજા, હોમ તથા વિવિધ ભજનોનું આયોજન કરાયું. સાંજે પૂજ્ય મહારાજશ્રીની સ્મૃતિમાં આયોજિત સભામાં સ્વામી નિખિલેશ્વરાનંદજી તથા સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી ગોપાલાનંદજી દ્વારા પૂજ્ય મહારાજશ્રીનાં સંસ્મરણો યાદ કરવામાં આવ્યાં. આ નિમિત્તે પૂજ્ય મહારાજશ્રીનાં ફોટો તથા વીડિયોનું પણ નિદર્શન કરવામાં આવ્યું.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ સ્વામી સુહિતાનંદજી રાજકોટની મુલાકાતે

‘સ્વામી આત્મસ્થાનંદ ભવન’નું ઉદ્‌ઘાટન

સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે ૧૭ એપ્રિલના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શ્રીરામકૃષ્ણ આશ્રમના પ્રાંગણમાં નવનિર્મિત ‘સ્વામી આત્મસ્થાનંદ ભવન’નું ઉદ્‌ઘાટન થયું. ત્યાર બાદ ‘વિવેક’માં સ્વામી વિવેકાનંદની છબીઓ, ગુજરાતમાં વિવેકાનંદ, ભારતીય સંસ્કૃતિ, ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ જેવા છ અલગ-અલગ વિષય પરના પ્રદર્શનનું પણ ઉદ્‌ઘાટન કર્યું.

વિવેકમાં ચિત્રોનાં પ્રદર્શનોનું ઉદ્‌ઘાટન

રામનવમીની ઉજવણી

૧૭ એપ્રિલે રામનવમી નિમિત્તે શ્રીમંદિરમાં સંધ્‍યા આરતી પૂર્વે શ્રીરામનામ સંકીર્તનનું આયોજન થયું હતું.

જાહેરસભા

રામનવમીના દિવસે યોજાયેલ જાહેર સભા

નવપ્રકાશિત પુસ્તકોનું વિમોચન

૧૭ એપ્રિલે આયોજિત જાહેરસભામાં આશીર્વાદાત્મક પ્રવચનમાં પૂજ્ય સ્વામી સુહિતાનંદજીએ જણાવ્યું, “મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ વર્તમાન સમયમાં પ્રાસંગિક છે. તેઓ સત્યપાલન જેવા અનેક ગુણોના ઘનમૂર્તિ હતા. તેમણે આપણને આદર્શ જીવન પ્રસ્તુત કર્યું, જે વર્તમાન સમયમાં વિશેષપણે અનુકરણીય છે.” વળી તેમના વરદ હસ્તે ‘મા શારદાની સ્નેહછાયામાં’ તથા ‘આધ્યાત્મિક સંપદ: સ્વામી તુરીયાનંદના પત્રો’ એ બે પુસ્તકોનું વિમોચન કરાયું હતું, જેનો પરિચય પ્રકાશન વિભાગના વડા સ્વામી કૃષ્ણસખાનંદજીએ રજૂ કર્યો. ત્યાર બાદ સ્વામી નિખિલેશ્વરાનંદે જણાવ્યું, “જૂના મંદિરની ગરિમા જાળવવા કાર્યાલયને ‘સ્વામી આત્મસ્થાનંદ ભવન’માં સ્થળાંતરિત કરાયું છે. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ૧૯૬૬થી ૧૯૭૫ દરમિયાન આ આશ્રમના અધ્યક્ષ રહી ચૂક્યા છે, જેઓ પછીથી સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનન ૧૫મા પરમાધ્યક્ષ હતા. ગુજરાતમાં તેઓએ મોટા પાયે અનેક સેવાકીય કાર્યો હાથ ધર્યાં હતાં. તેઓેએ ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસારમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેઓશ્રીએ જ આશ્રમના વર્તમાન મંદિરને બનાવવાની પહેલ કરી હતી. ‘સ્વામી આત્મસ્થાનંદ ભવન’ના નિર્માણમાં રૂ. ૧.૫ કરોડનો ખર્ચ થયો છે.”

આ જાહેરસભામાં ગુજરાતનાં વિવિધ કેન્દ્રોના અધ્યક્ષશ્રી દ્વારા પૂજ્ય મહારાજશ્રીનું પુષ્પમાલ્યથી સન્માન કરવામાં આવ્યું હતું. સ્વામી દર્પહાનંદજી મહારાજે ‘સ્વામી આત્મસ્થાનંદ ભવન’ની પૂર્વભૂમિકા રજૂ કરી હતી. ભવન-નિર્માણમાં યોગદાનકર્તાઓનું સન્માન કરાયું હતું.

મંત્ર-દીક્ષા

૧૯ એપ્રિલના રોજ પૂજ્ય સ્વામી સુહિતાનંદજી દ્વારા અગાઉથી નોંધાયેલ જિજ્ઞાસુઓને મંત્ર-દીક્ષા આપવામાં આવી હતી.

રામકૃષ્ણ મિશન, પોરબંદર

૧૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ કેન્દ્રના પ્રાંગણમાં નિઃશુલ્ક નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ૮૭ દર્દીઓની નિઃશુલ્ક સારવાર તથા ૬૦ જરૂરિયાતમંદ દર્દીઓનાં ડૉ. કે. એ. ગરેજાની ઓજસ આઇ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યાં.

Total Views: 21

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.