બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. બૉસ્ટન અને પ્રોવિડન્સ વેદાંત સોસાયટીની સ્થાપના કર્યા બાદ તેઓ અમેરિકાના સુવિખ્યાત વિદ્વાનોના સંપર્કમાં આવ્યા હતા. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં તેમનું પ્રદાન અનન્ય છે. તેમના અનેક સુપ્રસિદ્ધ પુસ્તકોમાંના એક – રામકૃષ્ણ વેદાંત સોસાયટી બૉસ્ટન દ્વારા પ્રકાશિત ‘Hindu Psychology & Its Meaning for the West’નો અનુવાદ ડૉ. ભાવનાબહેન ત્રિવેદીએ કર્યો છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત દ્વારા પ્રકાશિત આ પુસ્તકના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

(ગતાંકથી આગળ)

ધ્યાન

જ્યારે એકાગ્રતા ખૂબ જ ઊંડી હોય અને મન કોઇ પણ પ્રકારના સ્ખલન વગર પોતાના વિચારના વિષયને બરાબર કેન્દ્રિત કરી રહ્યું હોય, ત્યારે તેને ધ્યાન કહે છે. હિંદુ મનોવૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ધ્યાન એ સુંદર વિચાર, કાવ્યમય ઉડ્ડયન કે સુખદ અનુભવોની કલ્પના નથી. બલકે ધ્યાન એ એકાગ્રતાનું ઊંડાણ છે, જેમાં મન જરાય થોભ્યા કે અટક્યા વગ૨ વિષય તરફ સતત પ્રવાહિત થઈને તૈલધારાવત્ વહે છે. તે એક જ વિષય પ્રત્યે વહેતા અનેક વિચારોનો અનુક્રમ નથી. મન જરાય સ્ખલિત કે વિચલિત થવું જોઈએ નહીં. આથી બીજા બધા જ વિચારોથી મુક્ત થઈને મન જ્યારે એકાગ્રતાના વિષય પર પૂરેપૂરું કેન્દ્રિત થયેલું હોય, ત્યારે જ માણસ ખરેખર ધ્યાન કરે છે એમ કહી શકાય.

મનના જુદા જુદા પ્રકાર અનુસાર એકાગ્રતાના અભ્યાસની પદ્ધતિઓ પણ જુદી જુદી હોય છે. કેટલાક માનસશાસ્ત્રીઓ મનને થોડાક સમય પૂરતું તદ્દન ખાલી કરી નાખવાના અભ્યાસની હિમાયત કરે છે. તેઓ વિદ્યાર્થીને એવી સલાહ આપે છે કે મનમાં જે વિચારો ઊઠતા હોય, તેનું નિયંત્રણ કરીને અથવા તો તેને દૂર કરીને મનને શૂન્ય બનાવો. અભ્યાસના આ પ્રકારમાં પ્રારંભમાં એક ભયસ્થાન રહેલું છે. જો વ્યક્તિનું મન જોઈએ તેટલું મજબૂત ન હોય, તો વ્યક્તિ એક નિષેધક, નિષ્ક્રિય અવસ્થામાં સરી પડે એવો સંભવ છે. એટલું જ નહીં, પણ તમામ નિયંત્રણો અને નિયમનો દૂર થતાં જ અવમાનસના ઈરણો ફરીથી સક્રિય બની જાય, એ પણ સંભવિત છે. કેટલાક આધુનિક જૂથોના કહેવા મુજબ મનને શૂન્યાવકાશમાં રાખતાં તેને ઈશ્વરનું માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે છે. જો કે આવા અનુભવોને સાચા માની તેમની ઉપર આધાર રાખવો એ જોખમભર્યું છે, મોટા ભાગના તાત્કાલિક શરૂઆત કરનાર લેખકો પૈકી નબળા માણસોનાં મન સુગ્રથિત હોતાં નથી. એથી શક્ય છે, કે આવા પ્રકારનાં મન ભૂતકાળના અનુભવોમાંથી તેમના અવમાનસમાં બચેલા અનુભવોના કેટલાક પરપોટાઓને ખોટી રીતે ઈશ્વરીય અવાજ કે સંકેત તરીકે પણ સ્વીકારવા પ્રેરાય છે. આ ખોટું ‘માર્ગદર્શન’ કે (માર્ગદર્શનનો ભ્રમ) આપણને આશ્વસ્ત કરીને એક પ્રકારનો આત્મસંતોષ આપે, એમ પણ બની શકે, છતાં મનને સુગ્રથિત અને શક્તિશાળી કરીને ઉચ્ચતર આધ્યાત્મિક ઉન્નતિ કરવામાં તે મદદરૂપ નીવડતું નથી. યોગ્ય માર્ગદર્શકની સહાય વિના એકાગ્રતાના અભ્યાસની પ્રાથમિક અવસ્થામાં કોઈ આ પદ્ધતિ અપનાવે નહીં, એવી હું હિમાયત કરું છું. આવું દેખીતી રીતે જણાતું માર્ગદર્શન પોતે છેતરામણું પણ હોઈ શકે અને લાંબે ગાળે કદાચ અત્યંત નિરાશાજનક પણ નીવડે એમ બની શકે. પછીથી થયેલા બુદ્ધિસ્ટ દાર્શનિકો, ધર્મગુરુઓ અને મનોવૈજ્ઞાનિકો ધ્યાનના આ પ્રકારની મર્યાદા સમજી ગયા હતા. પરિણામે તેમણે બુદ્ધના સગુણ પાસાંને એકાગ્રતા, ધ્યાન, ઉપાસના, સ્તુતિ અને પ્રેમનો વિષય બનાવ્યો. તેમણે પ્રતીકો અને રૂપોનો ઉપયોગ શરૂ કર્યો તથા પ્રતીકશાસ્ત્રનું વિજ્ઞાન વિકસાવ્યું. આમ છતાં હું એ સ્વીકારું છું, કે કેટલાક અતિ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા ધરાવતા બૌદ્ધિકો દરેક યુગમાં થાય છે, જેઓ શરૂઆતથી જ આ પદ્ધતિ અપનાવી શકે અને મહાન સફળતા પણ હાંસલ કરી શકે.

આમ છતાં મોટે ભાગે લોકોએ ધ્યાનના વિષય તરીકે ઈશ્વરનું સગુણ પાસું જ અપનાવવું જોઈએ. વ્યક્તિની પ્રકૃતિ અને તેના પરિવેશ મુજબ તેણે પોતાને માટે ધ્યાનના વિષય તરીકે અમુક પાસાંની પસંદગી કરવી જોઈએ. જો ચુસ્ત ખ્રિસ્તી એકાગ્રતાનો અભ્યાસ કરવા ઈચ્છતો હોય, તો પોતાનું મન એકાગ્ર કરવા માટે તેને ઇશુ કે મૅડોનાને પ્રતીક તરીકે રાખવાં જોઈએ. હિંદુ પરિવેશમાંથી આવનાર વ્યક્તિને તમામ હિંદુઓ જેનાથી પરિચિત છે, એવામાંથી કોઈ પણ અવતારને પસંદ કરવા દેવો જોઈએ. યહૂદી પરંપરામાંથી આવનારને એ પરંપરા અને પરિવેશને અનુરૂપ ઉચિત પ્રતીક મનને એકાગ્ર કરવા માટે પસંદ કરવા દેવું જોઈએ. કેટલાક લોકો એકાગ્રતા કેળવવા માટે ઈશ્વરનું કોઈ સગુણ પાસું સ્વીકારી શકતા નથી. કેટલીક વાર દાર્શનિક દૃષ્ટિથી જોતાં તેઓ ઈશ્વરને રૂપ ધરાવતા વ્યક્તિ તરીકે સ્વીકારતાં મુશ્કેલી અનુભવે છે. દુનિયાભરમાં બધે જ એવા કેટલાક લોકો જોવા મળે છે, જેઓ અનંત કે નિર્ગુણને શરીર કે રૂપ ધરાવતું ગણવામાં એક પ્રકારની નાનપ અનુભવતા હોઈ તેને વાંધાજનક પણ ગણે છે. બૌદ્ધિક કે તાર્કિક દૃષ્ટિએ ઈશ્વરના કોઈ શારીરિક કે સ્થૂળ પાસાંનો સ્વીકાર હું વાંધાજનક ગણતો નથી. અનંત કે નિર્ગુણની વિભાવના ગુણરહિત તથા દેશ કાળના સંબંધોથી પર હોઈ શકે, પરંતુ ઈશ્વરનું શારીરિક પાસું તે ઇશ્વર અંગેની માનવમનની સર્વોચ્ચ સમજણ સૂચવે છે. અર્થાત્ માનવમન જ્યારે ઈશ્વરને સમજવાનો પ્રયાસ કરે છે, ત્યારે અનિવાર્યપણે તે પોતાના અનુભવોના સંદર્ભમાં જ વિચારે છે. વર્તમાનમાં આપણાં મન એવી સ્થિતિમાં છે કે આપણે નામ, રૂપ, ગુણો અને દેશ-કાળના સંબંધ વિનાની કોઈ પણ વસ્તુની કલ્પના કરી શકતા નથી. આપણે એવી વસ્તુઓ વિષે વિચારવાને ટેવાયેલા છીએ, કે જે અમુક નામ, રૂપ અને ગુણો ધરાવતી હોય તથા દેશ-કાળમાં જેનું અસ્તિત્વ હોય. જે વસ્તુનું મનથી આકલન જ કરી શકાય નહીં, તેવી વસ્તુમાં અત્યંત ચંચળ એવા મનને લગાડવું અને તેમાં સ્થિર કરવું અશક્ય છે. આ મુદ્દો વિદ્યુત્‌પ્રવાહના દૃષ્ટાંતથી સમજીએ, બાળકને અથવા સાધારણ માણસને વિદ્યુત્‌પ્રવાહનું સ્વરૂપ સમજાવવું હોય તો પ્રકાશ, ગરમી કે ગતિ જેવા વિદ્યુત્‌પ્રવાહના પ્રગટ રૂપોની મદદ દ્વારા જ સમજાવી શકાય. જ્યારે માણસ વિદ્યુત્‌પ્રવાહની શક્તિને લૅમ્પ, સ્ટવ કે એંજિનના પ્રગટ રૂપમાં કાર્ય કરતી જુએ છે, ત્યારે તે વિદ્યુત્‌પ્રવાહને સમજવા લાગે છે. કોઈ અમૂર્ત વિદ્યુત્‌પ્રવાહ તેની સમજમાં આવી શકતો નથી. આથી જો માણસે તેના ઉપર પોતાનું મન એકાગ્ર કરવું હોય, તો તેણે તેના પ્રગટ રૂપો જેવાં કે પ્રકાશ, ગરમી કે ગતિનો જ વિચાર કરવો જોઈએ. એ જ પ્રમાણે, જો ઈશ્વર ઉપર મન એકાગ્ર કરવું હોય તો તેનાં પ્રગટ રૂપો – જેવાં કે ઈશ્વરનો અવતાર કે સાકાર અને સગુણ પ્રતીક ઉપર જ મન કેન્દ્રિત કરવું જોઈએ.

પ્રતીક

કોઈ પ્રતીકને મનની એકાગ્રતાનો વિષય બનાવવા માટે તેની યોગ્ય સમજણ મેળવી લેવા વ્યક્તિએ વિશેષ પ્રયત્ન કરવો ઘટે. પ્રતીક ઈશ્વરના સાર્વત્રિક ગુણોનો જ નિર્દેશ કરતું હોવું જોઈએ. અન્યથા તે આપણને ઈચ્છિત પરિણામ – આધ્યાત્મિક સાક્ષાત્કાર – આપી શકશે નહીં. આમ છતાં તે કદાચ વ્યક્તિને એકાગ્રતાની શક્તિ આપે અને તે દ્વારા ગૂઢ કે માનસિક શક્તિઓ તથા અન્ય અસાધારણ બાબતો જણાવી શકે એમ બને.

જો આપણા આવેગોને ઈશ્વર તરફ વાળવા હોય, તો ઈશ્વર કે અવતારના પ્રગટ અને શારીરિક પાસાં ઉપર મન કેન્દ્રિત કરવું સગવડભર્યું છે. માણસ જેને ચાહતો હોય, તેના વિષે વિચારવું તેને માટે સરળ અને સ્વાભાવિક બની જાય છે. માને પોતાના બાળક વિષે વિચારવા પ્રયાસ કરવો પડતો નથી. પોતાના મિત્ર વિષે વિચારવા માટે વ્યક્તિએ પોતાની જાતને કેળવવી પડતી નથી, કારણ કે પોતાના મિત્ર સાથે એક લાગણીના તંતુથી તે જોડાયેલો હોય છે, આથી પતંજલિ તથા અન્ય હિંદુ મનોવૈજ્ઞાનિકો અને મહાન ખ્રિસ્તી, બૌદ્ઘ તથા યહૂદી રહસ્યવાદીઓ ઈશ્વરના પ્રગટ સગુણ પાસાં પ્રત્યે પ્રેમ કેળવવાની હિમાયત કરે છે.

ઈશ્વરને તેના સગુણ અને નિરાકાર રૂપ સાથે નહીં લેતાં તેના ગુણો અને વિશેષણો સાથે પણ લઈ શકાય. ભારત તથા પશ્ચિમમાં એવા કેટલાય લોકો વસે છે, જેઓ ઈશ્વરના વ્યક્તિગત અંગત પાસાંને પસંદ કરે છે. અને છતાં તેઓને ઈશ્વરના શારીરિક રૂપ વિશે વિચારવાની જરૂર જણાતી નથી. તેમના માનવા મુજબ ઈશ્વર રૂપ ધર્યા વગર જ ‘ચેતના’ અને ‘પ્રેમ’ જેવા ગુણો તથા વિશેષણો ધરાવે છે. આપણે અમેરિકા અને યુરોપના વ્યક્તિત્વવાદી દાર્શનિક સંપ્રદાયોનો અત્રે ખાસ ઉલ્લેખ કરી શકીએ. આ સંપ્રદાયના હિમાયતીઓ પૈકી સ્વ. પ્રૉફે. બૉને, પ્રૉફે બ્રાઈટમૅન અને પ્રૉફે. હૉકિંગનો અત્રે ઉલ્લેખ કરી શકાય. જો કે ગુણો અને વિશેષણોના તેમના અર્થઘટનમાં તેઓ એકમેકથી જુદા પડે છે. પ્રૉફે. બ્રાઈટમૅન અનુસાર : ‘ઈશ્વર ચૈતન્યસ્વરૂપ અને સર્જનશીલ છે. છતાં અન્ય લોકોની મુક્ત પસંદગીઓ તથા તેની પોતાની સ્વરૂપગત મર્યાદાઓથી તે મર્યાદિત થયેલો છે.’૨૧

અત્રે એ સ્પષ્ટ કરવું જોઈએ કે હિંદુ મત મુજબ નિરાકાર ઈશ્વરનો અર્થ નહીં કે તે ચેતન નથી. હિંદુ નિરાકારવાદીઓ કે અદ્વૈતવાદીઓ મુજબ ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર છે. અવાઙ્‌મનસગોચર, મનના પ્રત્યયોથી પર, સચ્ચિદાનંદ છે. તે સ્વયં વિશુદ્ધ ચૈતન્ય અને સ્વ-પ્રકાશ સ્વરૂપ છે. ‘यत् वै तत् सुखम् रसो वै सः रसं ह्येवाऽयं लब्ध्वानन्दी भवति ।’ ‘જે સ્વયંસર્જિત છે, તે સાથે જ આનંદસ્વરૂપ છે. આ આનંદ પ્રાપ્ત કરનાર માણસ ધન્યતા અનુભવે છે.’૨૨ પરિમિત મન કે જે વ્યાવહારિક ચેતનાનું આકલન કરે છે, તે ચેતનાથી પર છે. તે મન અને વાણીથી પર છે. ‘अवाङमनसगोचरम्’ ‘ત્યાં અહંકાર, વાણી કે મન પહોંચવા સમર્થ નથી.’૨૩ ‘આ આત્મનો કદી મન કે વાણીથી સ્પર્શ શક્ય નથી.’૨૪ શ્રી શંકરાચાર્ય અને અન્ય અદ્વૈતીઓ સમજાવે છે કે તે વિશુદ્ધ અસ્તિત્વ (સત્), ચૈતન્ય સ્વરૂપ (ચિત્) અને આનંદ સ્વરૂપ છે. માનવીય અભિવ્યક્તિ અને અર્થઘટનોથી તે પર છે. શ્રીરામકૃષ્ણ કહે છેઃ ‘નિરપેક્ષ અને નિર્ગુણને સાપેક્ષ અને સાકારની પરિભાષામાં વર્ણવી શકાય નહીં, અનંતની અભિવ્યક્તિ સાન્તની પરિભાષાથી થઈ શકે નહીં’૨૫ સ્વામી વિવેકાનંદ કહે છે : ‘સગુણ ઈશ્વર એ માનવીય બુદ્ધિએ કાઢેલો સગુણનો સર્વોચ્ચ નિષ્કર્ષ છે.’૨૬ ઈશ્વર પ્રત્યેના ત્રણ પ્રકારના જુદા જુદા અભિગમો અને ત્રણ પ્રકારનાં અર્થઘટનોને શ્રીરામકૃષ્ણ એક સત્તાના ત્રણ જુદા જુદા પાસાં રૂપે સાંકળે છે :

(૧) શરીર અને ગુણો દ્વારા પ્રગટ રૂપ

(૨) સ્વયં અપ્રગટ અને છતાં ગુણો અને પર્યાયોયુક્ત (અમેરિકાના વ્યક્તિત્વવાદીઓ, કેટલાક હિંદુઓ, મુસલમાનો તથા અન્ય કેટલાકના માનવા મુજબ)

(૩) અપ્રગટ તથા સ્વયં ગુણ – પર્યાયોથી૨૭ પર. ભક્તો તથા સત્યશોધકો તેમની અધ્યાત્મસાધનાની ઉત્તરોત્તર વિકસતી જતી અવસ્થામાં સત્તાના આ પાસાંઓની અનુભૂતિ કરી શકે.

એ યાદ રાખવું જરૂરી છે કે એકાગ્રતા અને ધ્યાન દ્વારા કેળવાયેલી શક્તિ અને તેને પરિણામે સાધેલો આધ્યાત્મિક વિકાસ ઈષ્ટની પસંદગી ઉપર ઘણો આધાર રાખે છે. ઉચ્ચ સિદ્ધિ ધરાવતા ગુરુ પોતાના શિષ્યની આંતરિક મનોવૃત્તિઓ તથા તેની આધ્યાત્મિક જરૂરિયાતોને પારખી લઈને તેને ધ્યાનના વિષયની પસંદગી કરવામાં મદદ કરે છે. એક જ પરંપરા અને સમાન પશ્ચાદ્ભૂમિકામાં ઊછરેલા હોવા છતાં બે માણસોનાં મન સમાન હોતાં નથી, એટલું જ નહીં પણ ઈશ્વર તરફ પણ બે મનનો એકસરખો પ્રેમાળ સંબંધ અને મનોવલણ શક્ય હોતાં નથી. આ દૃષ્ટિએ હિંદુ મનોવૈજ્ઞાનિકો તથા આધ્યાત્મિક નેતાઓ પોતપોતાના ઈષ્ટની વ્યક્તિગત પસંદગી ઉપર ખૂબ જ ભાર મૂકે છે. એવું જોવામાં આવ્યું છે કે એક જ કુટુંબના જુદા જુદા સભ્યો ઈશ્વરના જુદાં જુદાં પાસાં તરફ જુદા જુદા પ્રકારનો પ્રેમ-ભક્તિનો સંબંધ ધરાવતા હોવા છતાં તેઓ એકબીજા સાથે સંવાદિતાથી રહે છે. આથી જ હિંદુ મનોવૈજ્ઞાનિકો ભારપૂર્વક જણાવે છે કે ધ્યાનના વિષય અંગે દરેકને વ્યક્તિગત માર્ગદર્શન મળવું જોઈએ. ઈશ્વર સાથેના સંબંધ અંગે તેના વિષે ચિંતન કરીને વ્યક્તિએ તેને માટે આકર્ષણ પેદા કરવું પડે છે. બાહ્ય અને આંતરપૂજા તથા મહાત્માઓના જીવનપ્રસંગોના સ્મરણ દ્વારા ઈશ્વરચિંતન પ્રેરિત કરી શકાય.

ધ્યાનાભ્યાસ

ધ્યાનાભ્યાસ માટે ઈશ્વરનામસ્મરણ કે જપ પણ મદદરૂપ છે. હિંદુઓએ મંત્રવિદ્યા અને ઉપાસનાનું વિજ્ઞાન વિકસાવ્યું છે. માત્ર મંત્રની પ્રક્રિયા વિષે જ એક સ્વતંત્ર પુસ્તક લખી શકાય તેમ છે. વિશેષ નામ વડે ઈશ્વરનાં જુદાં જુદાં પાસાં ૨જૂ કરવામાં આવે છે. આ પાસાં, નામ તથા રૂપ એકમેકથી છૂટાં પાડી ન શકાય, તેવાં છે, ‘ઈશ્વરને પ્રગટ કરતું પ્રતીક છે ૐ.’ ‘ૐનું પુનરુચ્ચારણ કરવું અને તેના અર્થ પર ધ્યાન કરવું – એ જ માર્ગ છે.’૨૮ ભક્ત જ્યારે ઈશ્વરના નામનો જપ કરે છે, ત્યારે એ નામ દ્વારા વ્યક્ત થતું ઈશ્વરનું પાસું ભક્તના જીવનનું પ્રધાન તત્ત્વ બની જાય છે. પોતાના સંસ્કારોને અનુરૂપ એવા ઈશ્વરના નામનું તે જેટલું વધારે પુનરુચ્ચારણ કરે છે, તેટલી તે ઈશ્વરની સન્નિધિ વધારે અનુભવે છે. આ નામસ્મરણ ચોક્કસપણે ભગવાન અને ભક્ત વચ્ચે એક પ્રેમભર્યો સંબંધ સ્થાપિત કરે છે. એવું પણ જોવામાં આવે છે કે ઘણા ભક્તોએ પ્રભુના નામસ્મરણથી માનસિક વિકાસ અને સુગ્રથનની ઉચ્ચતર અવસ્થાઓ તેમ જ આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત કર્યો છે. ઈશ્વરના અમુક પાસાં સાથે સંકળાયેલું અમુક નામ પસંદ કરવા માટે આધ્યાત્મિક માર્ગદર્શન જોઈએ, એ હકીકતનું અહીં પુનરુચ્ચારણ કરવું અસ્થાને નહીં ગણાય.

ઈશ્વર સાથે ઉચ્ચતર આવેગાત્મક સંબંધ સ્થાપવા માટે આ પ્રક્રિયા ખૂબ જ અસરકારક બને છે. એક વાર આ સંબંધ સ્થપાઈ ગયા બાદ એકાગ્રતા અને ધ્યાન સ્વાભાવિક અને આનંદયુક્ત બની જાય છે. પછી, વ્યક્તિએ વસ્તુલક્ષી, ભૌતિક જગતમાંથી મનને ઉપરામ કરવા માટે સંઘર્ષ કરવો પડતો નથી, મન ઈશ્વર ભણી સહજતાથી વહેવા લાગે છે. સ્વામી બ્રહ્માનંદજી કહે છે :

ખાતાં, બેસતાં કે સૂતાં ઈશ્વરને યાદ કરો. આ રીતે અભ્યાસ કરતાં તમે જોઈ શકશો, કે ધ્યાન કરવા બેસતાંની સાથે જ તમારું મન સહજતાથી ઈશ્વરમાં તન્મય થઈ જશે. પોતાના ધ્યાનના વિષયની સાથે મન તલ્લીન થતાં જ અંદરથી જાણે કે આનંદની સરવાણી ફૂટશે.૨૯

બધા જ ધાર્મિક નેતાઓ અને મહાન ભગવદ્ભક્તો આત્મા અને ઈશ્વર વચ્ચેના અવિભાજ્ય સંબંધને સ્વીકારે છે. આમ છતાં આપણું મન જગતના વસ્તુલક્ષી અનુભવોમાં તથા વિવિધ રુચિઓ અને અનેક પ્રકારના સંઘર્ષોમાં એટલું તો ગૂંથાયેલું અને વ્યસ્ત હોય છે કે મોટા ભાગના લોકોને માટે ઈશ્વરનું આકર્ષણ અનુભવવાનું સરળ અને સ્વાભાવિક બની શકતું નથી. આ દૃષ્ટિએ ઉપર દર્શાવેલ અભ્યાસ મનને શાંત કરવામાં, આવેગોને સુગ્રથિત કરવામાં અને અંતે વ્યક્તિને ધ્યાનમાં સુસ્થિર કરવામાં ખૂબ જ મદદરૂપ નીવડે છે.

સગુણ ઈશ્વર વિષે ચિંતન કરવામાં જરાય રુચિ નહીં ધરાવનાર વ્યક્તિને કેળવવા માટે પણ પદ્ધતિઓ હોય છે. મહાન વૈજ્ઞાનિક માનસ ધરાવનાર કે બુદ્ધિજીવી ચિંતકો મન એકાગ્ર કરવા માટે કોઈક વ્યક્તિત્વને સ્વીકારવા કે અપનાવવામાં મુશ્કેલી અનુભવે છે. સર આર્થર કીથ કહે છે :

‘જેમ અત્યારે હું અનુભવું છું, તેમ ત્યારે મેં અનુભવ્યું કે ‘ઈશ્વર’ એ ભયજનક શબ્દ છે જે ખૂબ જ સહેલાઈથી માનવરૂપ ધારણ કરી લે છે. મારા સાથી મિત્રો તેમની પસંદગીમાં વધારે સુખી છે. તેઓ એક ‘અમર હાર્દ’, ‘સર્વવ્યાપ્ત આધ્યાત્મિક શક્તિ’, ‘એક મહાન, પ્રથમ કારણ’ વગેરે વિશે વાત કરે છે.. . વિશ્વને ઈશ્વરનું દૃશ્યમાન વસ્ત્ર કહેવામાં કવિ કદાચ ન્યાયસંમત હોઈ શકે, પણ આવા ઈશ્વર કે સર્જકને વિજ્ઞાન તો તદ્દન જુદી જ સંજ્ઞાથી વર્ણવે છે.’૩૦

એવા ઘણા લોકો છે, જેઓ ઈશ્વરના વ્યક્તિગત પાસાંને (સાકાર કે નિરાકાર) સ્વીકારવામાં અથવા તો ‘જે દુ:ખી છે, તેવા ઈશ્વરને’ સ્વીકારતાં મુશ્કેલી અનુભવે છે, એવું સર આર્થરનું મંતવ્ય છે. તેમને મન જો કે નિર્ગુણ તત્ત્વ માનવમનના પ્રત્યોથી પર હોવા છતાં ઈશ્વરનું નિર્ગુણ પાસું તેમને સ્વીકારવું પડે છે. આ કારણસર જ સ્વામી વિવેકાનંદે નિર્ગુણને માટે પ્રતીકનો ઉપયોગ ભારપૂર્વક સૂચવ્યો છે.૩૧

જેને કોઈ જ ગુણો કે પર્યાયો, નામ કે રૂપ ના હોય, એવા વિષયના ધ્યાનને માટે કમભાગ્યે આપણું મન અનુકૂળ હોતું નથી. આવા લોકો માટે ઈશ્વરના દૃશ્યમાન પાસાંને બુદ્ધિથી સ્વીકારવું અઘરું પડે છે છતાં નામ અને રૂપની મર્યાદાઓ તથા દેશ-કાળના સંબંધથી પર જવા તેમનું મન ઘડાયેલું નહીં હોવાથી તેઓ અસંતુષ્ટ રહી જાય છે. તેમના વિકાસની વર્તમાન સ્થિતિમાં અમર્યાદિત, નિર્ગુણ તત્ત્વ તેમના ચિંતન અને ધ્યાનનો વિષય બની શકતું નથી. એકાગ્રતાનો અભ્યાસ કરતી વખતે પણ આપણે ચિંતન કેળવી રહ્યા હોઈએ છીએ. આથી જ નિર્ગુણના સાર્વત્રિક ગુણોને વ્યક્ત કરતાં પ્રકાશ કે નાદ જેવા પ્રતીકોનો ઉપયોગ હિંદુ મનોવૈજ્ઞાનિકો ભારપૂર્વક સૂચવે છે. શ્રીરામકૃષ્ણ કહે છે : ‘નિર્ગુણના સાક્ષાત્કારની ચાવી ઉપનિષદના સગુણ બ્રહ્મ કે ભક્તોના સગુણ ઈશ્વર (Personal God) પાસે છે.’૩૨ વ્યક્તિને ઈશ્વરના સગુણ પાસાંનું ધ્યાન કરવાનો અભ્યાસ હોય, તો તે દેશ-કાળ તથા કાર્યકારણની મર્યાદાઓ ઓળંગીને તેના નિર્ગુણ પાસાં સુધી જઈ શકે છે. પરંતુ સામાન્ય કક્ષાના માણસને માટે એકાગ્રતા અને ધ્યાનાભ્યાસની શરૂઆતમાં નિર્ગુણ તત્ત્વ ઉપર મન કેન્દ્રિત કરવું અશક્ય હોય છે. ઘણા લોકો બૌદ્ધિક રીતે સારા એવા વિકસિત હોવા છતાં આવેગાત્મક દૃષ્ટિએ કમભાગ્યે ઓછા વિકસેલા હોય છે. આથી તેમના ચિંતનમાં તેમ જ ધ્યાનાભ્યાસમાં સારો એવો ગૂંચવાડો હોય છે. કેટલીક વાર તો આવા લોકો ધ્યાનથી અસંતુષ્ટ રહેતા પણ જોવા મળે છે, કારણ કે નથી તેઓ સગુણ ઈશ્વરને આદર્શ તરીકે સ્વીકારી શકતા કે નથી તેઓ નિર્ગુણ સુધી પહોંચી શકતા. આમ તેઓ ઉભયતોભ્રષ્ટ જેવા વરતાય છે. તેમને માટે આ સમસ્યાનું સમાધાન એ જ છે કે તેમના ધ્યાનનું ચરમ બિંદુ નિર્ગુણ બ્રહ્મ હોવા છતાં ય તેમના વિકાસની વર્તમાન ભૂમિકાને અનુરૂપ સગુણ ઈશ્વરના દૃશ્યમાન પાસાંનો ધ્યાનાભ્યાસના પ્રતીક તરીકે સ્વીકાર કરવો, દરમિયાન તેમની આંતર ચેતનાનો વિકાસ થતાં તેઓ પોતે જ અનુભવશે કે હવે મનની મર્યાદાઓ વીંધીને પોતે નિર્ગુણ પર્યંત ગતિ કરી શકે છે.

કેટલાક લોકો બહારથી આપાતતઃ બૌદ્ધિક જણાતા હોવા છતાં અંદરથી ખૂબ જ લાગણીશીલ કે સંવેદનશીલ હોય છે. આવા લોકોને નિર્ગુણ નિરાકારનું ધ્યાન મદદરૂપ નીવડતું નથી. બુદ્ધિ કે તર્કથી આવા લોકોને ગળે એ બાબત ઉતારવી જોઈએ કે કેટલાંક મનોવૈજ્ઞાનિક કારણોસર અને તેમના આવેગોની સુગ્રથિતતાને માટે તેમણે પોતાના મનને ઈશ્વરના સગુણ પાસાં તરફ વાળવું જોઈએ. આ પદ્ધતિથી જ્યારે તેઓ આવેગોનું સંતુલન પ્રાપ્ત કરે છે, ત્યારે આવેગજનિત સંઘર્ષો તેમના મનમાંથી અદૃશ્ય થઈ જાય છે. મનમાંથી હતાશાનો ભાવ દૂર થઈ જાય છે. પરિણામે તેઓ અત્યંત આંતરિક સંતોષ અનુભવે છે. એવી વ્યક્તિ ધીરે ધીરે નિર્ગુણ પર ધ્યાન કરવા માટે યોગ્ય બની જાય છે. વિશ્વનો ધાર્મિક ઇતિહાસ આપણને એવા લોકોનો પુરાવો આપે છે કે જેમણે ઈશ્વરના સગુણ પાસાં ઉપર એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસની સાથે પોતાની આધ્યાત્મિક સાધનાનો પ્રારંભ કર્યો અને ચેતનાનો ઉત્તરોત્તર વિકાસ થતાં તેઓ કાળક્રમે નિર્ગુણ સુધી પહોંચ્યા. સ્વામી બ્રહ્માનંદજી કહે છે : દ્વૈતથી શરૂઆત કરવી શ્રેષ્ઠ છે. આ રસ્તે થોડાક આગળ વધતાં જ તમે જોઈ શકશો, કે તે સહજતાથી જ તમને અદ્વૈત ભણી દોરી જાય છે. ઈશ્વરને પોતાની બહાર જોવો, એ સાચો રસ્તો છે. પછીથી તો તમે ઈશ્વરને તમારી પોતાની અંદર પણ જોઈ શકશો. ધ્યાનનું આ સર્વોચ્ચ સ્વરૂપ છે.૩૩

પ્રત્યેકનું માનસિક બંધારણ અને જન્મજાત વૃત્તિઓ જુદા જુદા હોય છે અને તેથી જ આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ એકાગ્રતા અને ધ્યાનાભ્યાસની પદ્ધતિની વિગતો પણ દરેકને માટે જુદી જુદી જ રહેવાની. આ કારણસર જ સ્વામી બ્રહ્માનંદ પોતાના ‘સ્પિરિચ્યુઅલ ટિચિંગ’માં વ્યક્તિગત નિદર્શન – કે જેને હિંદુ પરિભાષામાં દીક્ષા કહેવામાં આવે છે તેની અનિવાર્યતા ઉપર ભાર મૂકે છે. ઉચ્ચતર મનોવિજ્ઞાન અને આધ્યાત્મિક માર્ગદર્શનને લગતાં તમામ ભારતીય પુસ્તકો આ મુદ્દા ઉપર ભાર મૂકે છે. સ્વામી બ્રહ્માનંદજી કહે છે : દીક્ષા અનિવાર્ય છે, કારણ કે તે એકાગ્રતાને માટે મદદરૂપ છે. તમે દીક્ષિત હો, ત્યારે ક્યા વિષય પર મન એકાગ્ર કરવું; તે તમને બતાવવામાં આવ્યું હોય છે. તમે તમારા મનને એક વિષય પરથી બીજા વિપય પર ભમતું રહેવા દઈ શકો નહીં. જો તમે દીક્ષિત ન હો, તો મનને એકાગ્ર કરવા માટે તમારી પાસે કોઈ જ ચોક્કસ વિષય નથી… જેનું પરિણામ છે, નિરાશાજનક ચંચળતા. સાધક કે જિજ્ઞાસુને માટે તે અત્યંત હાનિકર્તા છે. જ્યાં! આ અવસ્થા વટાવીને મન શાંત ન થાય, ત્યાં સુધી આધ્યાત્મિક સાક્ષાત્કાર કેવળ એક દૂરનો પ્રોજેક્ટ જ બની રહે છે.૩૪

જો કે ચોક્કસ માર્ગદર્શન આપી શકે એવી માર્ગદર્શક વ્યક્તિ મળે ત્યાં સુધી વ્યક્તિગત રીતે એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરી શકાય. આમ કરવા માટે કેટલાક સામાન્ય વિચારો ભૂમિકા રૂપે અત્રે હું આપું છું.

એકાગ્રતા અને ધ્યાન

એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરવા માટે શ્રેષ્ઠ સમય છે સંધિકાળ – બ્રાહ્મમુહૂર્ત તથા ગોધૂલિ સમય, વ્યસ્ત જીવનચર્યા ધરાવતા પશ્ચિમના ઘણા લોકો માટે આ સમય વ્યાવહારિક દૃષ્ટિએ કદાચ પ્રતિકૂળ હોય એમ બને. આવા લોકોને માટે ઊંઘમાંથી ઊઠીને તરત જ ધ્યાનાભ્યાસ કરવો વધુ અનુકૂળ પડશે. કારણ કે તે વખતે મન સામાન્ય રીતે શાંત હોય છે. સંધ્યાકાળે અથવા સૂવા જતાં પહેલાં પણ વ્યક્તિ ધ્યાન કરી શકે. મધ્યાહ્ન સમય પણ ધ્યાનાભ્યાસ માટે સારો સમય ગણવામાં આવ્યો છે.

ધ્યાનમાં બેસનાર વ્યક્તિએ ધ્યાનમાં બેસતા પહેલાં તાજગીભર્યા હોવું જરૂરી છે. દૈનિક અભ્યાસ માટે એકાન્ત સ્થાન અને એક ચોક્કસ બેઠક પસંદ કરી દેવી જોઈએ. ધ્યાનાભ્યાસની નિયમિતતા એ ધ્યાન માટે અત્યંત મહત્ત્વની છે. રોજ નિયમિત રીતે અમુક ચોક્કસ સમયે ધ્યાન કરવાથી મનને ખાસ કરીને તે સમયે શાંત થવાની ટેવ પડે છે. શરૂઆતમાં દસ મિનિટ ધ્યાન માટે ફાળવવી. ધીમે ધીમે વ્યક્તિ ધ્યાનનો સમયગાળો ઉત્તરોત્તર નિયમિત રીતે વધારતો રહી શકે. એ યાદ રાખવું જરૂરી છે કે જિજ્ઞાસુ અભ્યાસી સાધકે ઉત્સાહના અતિરેકમાં આવી જઈને ધ્યાનાભ્યાસનો સમયાવધિ એકાએક ગમે તે સમયે અને અનિયમિત રીતે વધારવો જોઈએ નહીં. શરૂઆતમાં વધુ પડતો ઉત્સાહ દર્શાવનાર અતિ ઉત્સાહી લોકો ઘણી વાર પ્રતિકૂળ પ્રતિક્રિયા પેદા થતાં જ ધ્યાન અને એકાગ્રતાનો અભ્યાસ સદંતર છોડી દે છે. ધ્યાનાભ્યાસ માટે સમય અને સમયાવધિ વિષયક અનિયમિતતા માનસિક જીવનની સુગ્રથિતતાને માટે હાનિકર્તા નીવડે છે.

સાધકે આખું શરીર હળવું કે તનાવમુક્ત રાખીને ટટ્ટાર બેસવું જોઇએ, જેમાં શરીરનો ઉપલો ભાગ અને કરોડરજ્જૂ સીધા રહી શકે. સાંધા, સ્નાયુઓ અને અવયવોને માટે પદ્માસન પરિશ્રમ ભરેલું હોઇ પદ્માસનવાળીને જ બેસવું અનિવાર્ય નથી. માત્ર સુખાસન મહત્ત્વનું છે. છતાં મન વિક્ષિપ્ત અને અસ્વસ્થ થઇ જાય એટલી હદ સુધી વ્યક્તિએ પોતાની જાતને અગવડમાં મૂકવી જોઇએ નહીં. એ હંમેશાં યાદ રાખવું જોઇએ કે ધ્યાન પ્રારંભિક અવસ્થામાં મન સાથે સંકળાયેલું હોય છે. આસન અને પ્રાણાયામ મનને શાંત ક૨વા માટે મદદરૂપ નીવડે એ માટે છે.

શરીર હળવું, કે તનાવમુક્ત થયા બાદ, યોગ્ય આસનમાં બેઠા પછી ઈશ્વરનું અમુક પાસું કે પ્રતીક લઈને, અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે, મનને તેની ઉપર જ એકાગ્ર કરવું, રૂપ કે પ્રતીકને વ્યક્તિએ પોતાની અંદર જોવા પ્રયાસ કરવો, એ સાચું છે, કે કેટલાક લોકોને ચિત્ત એકાગ્ર કરવાના વિષયની કલ્પના પોતાની બહાર ક૨વાનું વધારે અનુકૂળ પડે છે. પરંતુ આદર્શ પોતાની અંદર છે, એમ વિચારીને મનને એકાગ્ર કરવું વધારે ઉચિત છે. અંદરના આદર્શની સભાનતા જેમ કેળવાતી જાય, તેમ વ્યક્તિ તેને બહાર અને અન્ય લોકોમાં પણ જોવા માટેની સભાનતા કેળવી લે છે.

વિષયોનો વસ્તુલક્ષી અનુભવ કરવા માટે આપણે સામાન્ય રીતે ટેવાયેલા હોવાથી શરૂઆતમાં આદર્શની કલ્પના આપણી અંદર કરવી જરાક અઘરી જણાય છે. ઈશ્વરના એ પાસાં કે પ્રતીકનું ચિત્ર સાધકના રૂમમાં હોય, તે સાધકને મદદરૂપ નીવડે છે. આદર્શ કે પ્રતીકનું માનસ ચિત્રણ વ્યક્તિમાં તેની માનસિક છાપ પેદા કરે છે. આ છાપ વ્યક્તિને વધારે ને વધારે માનસિક ચિત્રણ કરવા માટે પ્રેરે છે.

એકાગ્રતાના અભ્યાસ માટે આ અત્યંત મદદરૂપ છે, કારણ કે આદર્શના જાગ્રત અને અજાગ્રત વિચારરૂપને તે પેદા કરે છે. ઈશ્વરનું નામ અને તેમાંયે ખાસ કરીને તેનું એ પાસું, કે જે ઈશ્વરના નામનો જપ કરવા માટે જરૂરી એકાગ્રતા કેળવવા માટે પણ અત્યંત મહત્ત્વનું છે. આમ કરવાથી આદર્શ વિષેના સમાન અને અભાન વિચારરૂપો પેદા થાય છે. ઈશ્વરના નામનો જપ કરવા માટે જરૂરી એકાગ્રતા માટે પણ તે ઉપયોગી નીવડે છે. ખાસ કરીને વ્યક્તિ જે પાસાં પર ધ્યાન કરતી હોય, એ પાસાં માટે સ્વામી બ્રહ્માનંદજી કહે છે :

‘જ્યારે તમે ધ્યાન કરવા બેસો ત્યારે સર્વ પ્રથમ આનંદદાયક દિવ્યસ્વરૂપનું ચિંતન કરો. આમ કરવાથી મજ્જાતંતુઓ તનાવમુક્ત બની હળવા અને શાંત બની જશે. અન્યથા ધ્યાન રસહીન અને કંટાળાજનક અભ્યાસ બની જશે. તમે પસંદ કરેલા આદર્શના સ્મિતભર્યા આનંદમય સ્વરૂપનું ચિંતન કરો.’૩પ

સાધકને જ્યારે પોતાના આદર્શનું મનોચિત્રણ કરવું અઘરું લાગે અથવા તો ઈશ્વરની સન્નિધિ કે હાજરી તે અનુભવી ન શકે ત્યારે તેણે નિરાશ કે હતાશ થવાની જરૂર નથી. એટલી ચેતવણી હું નોંધ રૂપે અભ્યાસી સાધકને આપવા અત્રે પ્રેરાઉ છું. કેટલીક વાર વ્યક્તિ એમ વિચારે છે, કે એકાગ્રતા કેળવવા માટે પોતે પસંદ કરેલા પ્રતીક કરતાં કદાચ બીજું પ્રતીક તેને માટે વધારે ઉપયોગી સિદ્ધ થઈ શક્યું હોત. આમ છતાં જ્યાં સુધી એક પ્રતીક કે વિષયમાં વ્યક્તિ પૂરેપૂરી સ્થિર ન થઈ હોય અને પ્રતીકના પરિવર્તનને માટે તૈયાર થઈ ન હોય, ત્યાં સુધી તેણે પ્રતીક બદલવું જોઈએ નહીં. આમ કરવાથી વ્યક્તિ અનિવાર્યપણે સંકુચિત બની જતી નથી. તેણે એ યાદ રાખવું જોઈએ કે માત્ર અમુક પાસું વ્યક્તિના ઉચ્ચતર વિકાસને માટે અનુકૂળ છે. છતાં અન્ય વિષયો અને પ્રતીકો પણ એ જ ઈશ્વર કે નિરપેક્ષ તત્ત્વની અભિવ્યક્તિઓ છે.

વિચારરૂપો બદલવા પડતાં હોવાથી, મનોવૈજ્ઞાનિક અભ્યાસના પ્રારંભિક દિવસોમાં વ્યક્તિને નિયમિત, નિત્ય અભ્યાસની અસર અનુભવતાં સહેજે છ માસ કે વર્ષ નીકળી જાય છે. એ ધ્યાનમાં આવ્યું છે કે ભૂતકાળના અનુભવોના ઘણા અવશેષો અવમાનસમાં સંઘરાઈ રહે છે અને અવકાશ મળતાં જ તે સપાટી ઉપર આવે છે અને મનને ક્ષુબ્ધ કરી દે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે વ્યક્તિ જ્યારે ધ્યાન કરવાની કોશિશમાં હોય છે, ત્યારે અન્યના માનસની સૂક્ષ્મ છાપો, બાહ્ય અસરો અને નિષેધક વિચારો ઘણી વાર વ્યક્તિને પ્રભાવિત કરી દે છે. આમાંના કોઈ પણ પ્રભાવથી વ્યક્તિએ હતાશ કે નિરાશ થવાની જરૂર નથી, તેમ જ પોતે પ્રગતિ કરી રહ્યો છે કે કેમ, એ અંગે તેણે વિચારવાની પણ જરૂર નથી. એણે તો માત્ર પોતાના અભ્યાસને એકધારો થોડાક સમય સુધી ચાલુ જ રાખવો જોઈએ. ત્યારે તે માનસિક અને શારીરિક તનાવમુક્તતા અને આરામમાં તથા ધ્યાનની ગુણવત્તામાં જ પોતે ધ્યાનની અસર અનુભવી શકે છે. એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરનાર વ્યક્તિમાં ઉચ્ચતર નૈતિક અને આધ્યાત્મિક ગુણો ધીમે ધીમે પ્રગટ થાય છે. સાધકોને સલાહ આપતાં સ્વામી બ્રહ્માનંદજી કહે છે :

‘રોજ થોડુંક ધ્યાન કરો. ક્યારેય ધ્યાન કરવું ચૂકશો નહીં. મન પેલા ચંચળ છોકરા જેવું હોઈ તેનું સ્વરૂપ ભાગી જવાનું હોય છે. જેવું તે બહાર ભાગવા જાય, કે તેને ખેંચીને પાછું વાળો અને ઈશ્વર પર તેને કેન્દ્રિત કરો. જો બે કે ત્રણ વર્ષ તમે આ સંઘર્ષ ચાલુ રાખીને નિભાવી શકો તો તમારી અંદર અવર્ણનીય આનંદનો તમે અનુભવ કરશો.’૩૬

સંદર્ભ:

૨૧. ઍડગર ઍસ બ્રાઈટમૅન, ધ પ્રૉબ્લેમ ઑફ ગૉડ (ન્યૂયૉર્ક : ધ એબિઝન પ્રેસ, ૧૯૩૦), પાનું ૧૧૩. ઈશ્વરની વિભાવના માટેની સવિસ્તર માહિતી અંગે જુઓ : ધ પ્રૉબ્લેમ ઑફ ગૉડ, પ્રકરણ ૬, અને એ ફિલૉસૉફી ઑફ રિલિજિયન (ન્યૂયૉર્ક : પ્રૅન્ટીસ હલ, આઈ.ઍન.સી; ૧૯૪૦), પ્રકરણ ૫-૧૦.

૨૨. તૈત્તિરીય ઉપનિ. ખંડ. ૭ બ્રહ્માનન્દવલ્લી.

૨૩. કેન. ઉપનિ. ૧ : ૩

૨૪. કઠ ઉપનિ. ૬ : ૧૨

૨૫. ગૉસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ (૫મી આવૃત્તિ, મયલાપોર), મદ્રાસ : શ્રીરામકૃષ્ણ મઠ, ૧૯૩૦) I ૯૨.

૨૬. વર્કસ, I ૩૭૬

૨૭. ગૉસ્પેલ, I ૯૮

૨૮. યોગસૂત્રો, પતંજલિ. I ૨૭.૨૮, અને વર્કસ, I ૨૧૭-૨૦.

૨૯. ધ ઈટર્નલ કંપેનિયન (હૉલીવૂડ : વેદાન્ત સોસાયટી ઑફ સધર્ન કૅલિફોર્નિયા, ૧૯૪૪) પૃ. ૧૪૩-૧૪૪.

૩૦. કિલફટન રૂડીમૅન. આઈ બિલીવ (ન્યૂયૉર્ક : સિમૉન ઍન્ડ શૂસ્ટર, (૧૯૩૯), પૃ. ૩૭૯

૩૧. વર્કસ III, ૫૯

૩૨. ગૉસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ, I, ૧૦૫.

૩૩. સ્પિરિચ્યુઅલ ટિચિંગ્સ ઑફ સ્વામી બ્રહ્માનંદ, પૃ. ૧૫૪

૩૪. એજન, પૃ. ૧૦૨

૩૫. ધ ઈટર્નલ કંપેનિયન, પૃ. ૧૨૭

૩૬. સ્પિરિચ્યુઅલ ટિચિંગ્સ ઑફ સ્વામી બ્રહ્માનંદ, પૃ. ૧૦૦.

Total Views: 14
By Published On: April 30, 2022Categories: Akhilananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram