(શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને ભક્તોના આગ્રહનું માન રાખી કોલકાતા આવતાં ત્યારે ઉદ્‌બોધન ભવનમાં રહેતાં. મા જ્યારે કોલકાતા આવતાં ત્યારે સંન્યાસી સંતાનો માને સાક્ષાત્‌ જગજ્જનનીની જેમ સન્માનપૂર્વક રાખતા. પરંતુ જયરામવાટીમાં મા જાણે કે આપણા પોતાના મા. તેઓ ગ્રામ્ય પરિવેશમાં સરળ આડંબરહીન જીવન ગાળતાં અને પોતાના હાથે ભક્ત-સંતાનોની કાળજી રાખતાં અને સહજે એમની સાથે વાર્તાલાપ કરતાં. આ દિવસોની કેટલીક પવિત્ર યાદો ‘શ્રીશ્રીમાયેર પદપ્રાંતે’ (ભાગ-1) પુસ્તકમાંથી અહીં આલેખાયેલ છે. -સં.)

જયરામવાટીમાં માની પાસે યાત્રાના શ્રમથી થાકેલ એક ભક્ત દંપતી આવ્યું છે. સાથે ચાર શિશુસંતાન, એમાંય વળી એકને મેલેરીયાનો તાવ. એમણે આવીને જોયું તો મા પરાળના બનેલ એક નાનકડા ઘરમાં રહે છે. ઘર પણ વળી લોકોથી ભરપૂર. ભક્ત દંપતી ક્યાં રહેશે, ક્યાં બેસશે કોને ખબર? મા પણ જાણે ક્યાં છે? માને ખબર મળ્‍યા. એમણે ભક્ત દંપતીને અંદર બોલાવ્યું. મા પોતે આગળ આવી પરમ સ્નેહે સંતાનસહ કન્યાને પોતાના ઘરના વરંડામાં લાવ્યાં. માના મુખથી આદરપૂર્ણ “મા આવ” એવો આવકાર સાંભળી કન્યાનો વિપત્તિ અને વિષાદગ્રસ્ત ભાવ દૂર થઈ ગયો, હૃદય ભરાઈ ઊઠ્યું, અને ચહેરો બન્યો પ્રફુલ્લ. માની સ્નેહછાયામાં ઘડીભરમાં સમસ્ત દૃશ્ય પરિવર્તિત થઈ ગયું. શિશુઓના સુવાની, પોતાને બેસવાની અને સુવાની વ્યવસ્થા થઈ તત્ક્ષણાત્‌. માએ પોતાના ઘરના દરવાજાની પાસે એક ચટાઈ પાથરી દીધી. માત્ર એેટલું જ નહીં, શિશુ માટે દૂધ અને દવા પણ આવી ગયાં. માના ઘરમાં દીકરી માટે શું કોઈ અભાવ રહે, કે કોઈ સંકોચ રહે? થોડી ક્ષણોમાં જ જોવા મળ્‍યું કે મા ઘરની અન્ય સ્ત્રીઓ સાથે બહેનની જેમ ભક્ત-કન્યા ઘડો કાંખમાં રાખીને સ્નાન કરી પાણી લાવવા બાંડુજ્યે-તળાવમાં જાય છે.

છેવટે ભક્ત દંપતી વિદાય લે છે. મા મુખ્ય દરવાજા પાસે અશ્રુપૂર્ણ લોચને જ્યાં સુધી જોઈ શકાય ત્યાં સુધી તેઓને એક દૃષ્ટિથી નિહાળી રહ્યાં છે. તેઓ દૃષ્ટિની અગોચર થઈ ગયા બાદ મા પાછા આવી નલીનીદીદીના ઘરના વરંડામાં પગ લાંબા કરી ખોળામાં હાથ રાખી ખૂબ વિમર્ષભાવે બેસી પડ્યાં. અચાનક જોવા મળ્યું કે ભક્ત દંપતીનો એક ગમછો રહી ગયો છે. મા જોઈ અફસોસ કરવા લાગ્યાં. સેવક સંતાન (લેખક પોતે) ત્યારે એ ગમછો હાથમાં લઈ દોડીને એમને આપવા માટે ગયો. તેઓ ત્યારે વધુ દૂર ગયા ન હતાં. ગમછો જોઈ તેઓ શરમાઈ ગયાં અને સંતાનની પાસે કૃતજ્ઞતા પ્રગટ કરી ગમછો લઈ ફરીથી સહર્ષે પથે ચાલવાનું શરૂ કર્યું. સંતાને પાછા આવી માને ખબર આપ્યા, માનું મન પણ પ્રસન્ન થયું.

મા હજુ પણ શોકાચ્છન્ન હૃદયે પૂર્વોક્ત સ્થાને બેઠાં છેે. સંતાન બહારના ઘરમાં વિશ્રામ કરવા જવાનો હતો, એકાએક માના શોકાર્ત કંઠે રોવાનો અવાજ સંભળાયો: “આહાહા… દીકરી મારી, કાલે એ સ્નાન કરી સાડી પહેરી શકશે નહીં! જ્યારે સાડી શોધવા જશે ત્યારે યાદ આવશે કે માના ઘેર ભૂલી આવી છે.”

સંતાન વ્યગ્ર બની દોડી માની પાસે ગયો. ભક્ત મહિલાએ સ્નાનાન્તે ભીની સાડી પુણ્યપુકુરના કિનારે સુકવવા રાખી હતી, એ યાદ ન રહ્યું, અને જવાના સમયે ભૂલીને છોડી ગઈ હતી. માએ અત્યાર સુધી જે શોકોચ્છ્વાસ હૃદયમાં ધરબીને રાખ્યો હતો, એ અત્યારે સ્ફોટ થઈ બહાર આવ્યો અને રોતાં રોતાં અફસોસ કરવા લાગ્યાં.

એક નિઃસંતાન બહેન કઠોર સ્વરમાં બોલ્યાં: “બાયડી કેટલી બાજુ સંભાળે, આટલાં તો જે છોકરા-છૈયાં!” એના કર્કશ સ્વર અને કઠોર વાણીએ માનો શોક વધારી મૂક્યો. અશ્રુવિસર્જન કરતાં કરતાં મા ભગ્નસ્વરે કહેવા લાગ્યાં: “ભૂલ તો થવાની જ છે ને—મન શું (માનું ઘર) છોડીને જવાની અભિલાષા કરે? એક રાત પણ સાથે રહી શકી નહીં, પ્રાણ ભરીને બે વાતો પણ કરી શકી નહીં.” સંતાને સાડીની સામે જોતાં જ નલીનીદીદી (માની ભત્રીજી) મોટાઈભર્યા સ્વરે બોલ્યાં: “હમણાં જ તો તું દોડીને આવ્યો, હવે ફરીથી એમને શોધવા જવાની જરૂર નથી, એ લોકો તો અત્યાર સુધીમાં ક્યાંયના ક્યાંય નીકળી ગયા હશે!” પણ માનો શોક જોઈને સંતાન સ્થિર રહી શક્યો નહીં. સાડી હાથમાં લઈ માને બોલ્યો: “વધુ દૂર નહીં ગયા હોય, હમણાં જ આપી આવું છું.” મા પ્રસન્ન થયાં અને સ્નેહાસક્ત સ્વરે બોલ્યાં: “બેટા! તડકો પડે છે, છત્રી લઈને જજે.”

ત્યાં સુધીમાં ભક્ત-દંપતી ઘણું દૂર નીકળી ગયું હતું. સંતાનને દોડીને આવતો જોઈને તેઓ ખૂબ વિસ્મિત થયા. જ્યારે સાડી જોઈ ત્યારે ભક્ત મહિલાને યાદ આવ્યું કે સાડી તડકામાં સુકવવા રાખી હતી એ લેવાની ભૂલી ગઈ હતી. ભક્તો લજ્જા અને વિનય પ્રકાશ કરવા લાગ્યા અને અફસોસ કરી બોલ્યા, આટલું કષ્ટ કરી સાડી લાવવાની જરૂર ન હતી. સંતાને જ્યારે માનાં દુઃખ અને ઉદ્વેગની વાત કરી ત્યારે પ્રથમે તેઓનું મન વિસ્મિત અને સ્તંભિત થયું અને પછી માતૃસ્નેહે દેહ પુલકિત થયો અને હૃદય વિગલીત થઈ ગયું.

આ તો સાવકી માતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ નથી. આટલા અલ્પ સમયમાં આટલો ગભીર સંબંધ બાંધવો શક્ય નથી. ક્ષણભરનું મિલન પરંતુ જે સ્નેહનો સ્પર્શ એમને મળ્યો એ તો રહ્યો ચિરસ્થાયી. આ જાણે દીર્ઘકાળ પથ ભટકેલા, ‘મા’થી વિખુટાં પડેલાં સંતાનનું માની સાથે પુનઃમિલન.

માની પાસે સારા-નરસા બધા પ્રકારનાં સંતાનો આવતાં. સફળ દિકરાની પ્રશંસા સાંભળી મા ખુશ થતાં, બીજાની પાસે ઉત્ફુલ્લ થઈ કહેતાં: “મારો દીકરો.” નરસા દીકરાની નિન્દા પણ માને સાંભળવી પડતી, મા કષ્ટ પામતાં પરંતુ બધાં સંતાનો પ્રત્યે માનો સ્નેહ-પ્રેમ બધી અવસ્થામાં સમાન જ રહેતો. માના તેમના પ્રતિ વર્તનમાં પણ કોઈ ભેદભાવ રહેતો નહીં.

આ સંદર્ભમાં નવાસન શહેરના નિવાસી એક સંતાન પ્રતિ માના અપાર સ્નેહની વાત યાદ આવે છે. માનો દીક્ષિત આ યુવક હતો કુલીન શિક્ષિત અને ગુણવાન. એણે સદાચારનું ઉલ્લંઘન કર્યું. મા પ્રતિ તેની ભક્તિ સમાન જ હતી પહેલાંની જેમ જ નિયમિત આવ-જા કરતો. પરંતુ બીજા ભક્તોને આ ગમતું નહીં. તેઓએ એ યુવકનું આવવાનું બંધ કરાવી દેવા માને કહ્યું. માએ દીકરા માટે ખૂબ દુઃખ પ્રકાશ કર્યું તો ખરું છતાં બોલ્યાંઃ “બેટા, હું મા થઈને એને ‘ન આવતો’ એમ કહી શકીશ નહીં.” દીકરાનું આવવા-જવાનું રોકાયું નહીં. માનો સ્નેહાદર પણ જરાય ઓછો ન થયો. પરંતુ દીકરાના મનમાં ધીરે ધીરે પશ્ચાતાપ પ્રગટ થયો. એણે પોતે જે ભૂલ કરી હતી તે સમજી શક્યો.

નવ-દશ વર્ષનો બાળક ગોવિંદ જયરામવાટીમાં માના ઘરની ગાયોની સંભાળ રાખતો. એક વાર તેને ખૂબ જ ખૂજલી થઈ. એક દિવસ રાત્રે દર્દની તીવ્રતા ખૂબ જ વધી જવાથી એ અધીર બની રડવા લાગ્યો. દીકરાના રુદનને કારણે માને રાતે ઊંઘ ન આવી. બીજે દિવસે સવારે જોવા મળ્‍યું કે માએ ગોવિંદને પોતાના ઘરની અંદર બોલાવી લીધો છે અને તેઓ પોતાના હાથે લીમડાના પાન અને હળદર વાટે છે. વાટીને થોડું થોડું એના હાથમાં આપે છે. કેવી રીતે લગાવવું તે દેખાડે છે, અને ગોવિંદ એ રીતે લગાવે છે. માના સ્નેહ આદરથી એનું મન એક અનિર્વચનીય આનંદથી પ્રફુલ્લ થઈ ગયું છે. બન્નેના ચહેરા અને વાતચીત સાંભળી કોણ સમજી શકે કે એ તેમનો પોતાનો દીકરો નથી?

માના ઘરે કુલી-મજૂર, ગાડીવાળા, પાલખી ઉપાડનારા, ફેરિયા, માછીમાર જે કોઈ આવે તે બધા જ માના દીકરા-દીકરીઓ. બધા જ ભક્તોની જેમ સ્નેહ-આદર મેળવતા. માની એ સકરુણ સ્નેહદૃષ્ટિ આ લોકમાં અને પરલોકમાં કોઈ ભૂલી શકશે નહીં. જો કોઈ સમયે ભૂલી પણ જાય તો પણ દુઃખકષ્ટ પડવાની સાથે મનમાં તરી ઊઠશે એ સ્નેહકોમળ કૃપાદૃષ્ટિ.

એક વાર એક નિચલા વર્ગની મજૂર બહેન કોઈ ભક્તનો સામાન ઉઠાવીને બપોરના સમયે માની પાસે આવી. માએ એને સ્નાન, ભોજન અને વિશ્રામ કરીને જવાનું કહ્યું. વિશ્રામ પછી દિવસ ઢળી ગયો છે એ જોઈને માએ રાત્રે પણ તેને રોકાઈ જવાનું કહ્યું. માના ઘરના વરંડામાં દરવાજાની પાસે તેની સુવાની વ્યવસ્થા થઈ. બહેનની ઉંમર વધુ હતી અને એ મલેરિયાની રોગી હતી. ઘણે દૂરથી ચાલીને આવી હતી. આટલું લાંબુ ચાલવાથી થાકી ગઈ હતી. રાત્રે એણે બેહોશીમાં પથારી બગાડી મૂકી. મા હંમેશના અભ્યાસ મુજબ વહેલી સવારે ઊઠ્યાં છે. દરવાજો ખોલીને જોયું તો આ પરિસ્થિતિ. શું ઉપાય!

બીજા લોકોને ઊઠીને ખબર પડતાં જ માની આ દુઃખિની દીકરીના મેણાટોણાનો અંત આવશે નહીં, એમ માની માનું મન વ્યાકુળ થયું. બહેન એ વખતે પણ ઊંઘના ઘેનમાં હતી. માએ ધીરે ધીરે તેને જગાડી. મીઠી વાતથી આશ્વસ્ત કરી, ચોરી છૂપી નાસ્તા માટે પાલવમાં ગોળ, મમરા આપીને કહ્યુંઃ “મા, તું સવારે-સવારે નીકળી જઈશ તો તને તડકો નહીં લાગે.” બહેને સંતુષ્ટ ચિત્તે પ્રણામ કરીને વિદાય લીધી. માએ પોતાના હાથે બધી સફાઈ કરી, છાણમાટીથી વરંડો લીપ્યો, અને ચટાઈ સારી રીતે ધોઈને તળાવના કિનારે સુકવવા મૂકી દીધી. કોઈને કશી ખબર પડી નહીં. પછી એક ભક્ત મહિલાએ વરંડામાં કોણે લીપ્યું એ વિષયે શોધખોળ કરતાં આખી ઘટના જાણવા મળી હતી.

Total Views: 472

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.