રશિયામાં ઝારશાહીનો મૃત્યુઘંટ વાગી રહ્યો હતો. ક્ષિતિજ ઉપર સામ્યવાદની લાલિમા કોર કાઢી રહી હતી. બરોબર એ જ સમય દરમિયાન રશિયાની પ્રજાને રશિયન ભાષામાં હિન્દુસ્તાનના મહાન સંન્યાસી સ્વામી વિવેકાનંદનાં ચાર જ્ઞાનસભર પુસ્તકો જોવા મળ્યાં. ‘યોગ ફિલોસોફી’ શીર્ષક નીચે મૂકવામાં આવેલ આ ભાષાંતરમાં ‘કર્મયોગ’, ‘ભક્તિયોગ’, ‘જ્ઞાનયોગ’ અને ‘રાજયોગ’ નામનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. ૧૮૯૫-૯૬માં સ્વામીજીએ ન્યૂયોર્કમાં જે પ્રવચનો આપેલાં એનું ભાષાંતર રશિયાની પ્રજાને ૧૯૦૬-૧૪ વચ્ચેના ગાળામાં મળ્યું. રશિયાના ચિંતકો વિદ્વાનો અને વાચન રસિયાઓ આ પુસ્તકો વાંચી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. તેઓનાં જીવનમાં જાણે કે નવદીપ પ્રગટ્યો. તેઓની ચેતનાએ કોઈક નવો જ સંસ્પર્શ અનુભવ્યો.

રશિયાની પ્રજાને ‘યોગ ફિલોસોફી’ દ્વારા સ્વામી વિવેકાનંદનો પરિચય કરાવનાર એ વ્યક્તિ વિશે આપણે જાણીશું તો તો આશ્ચર્યની અવધિ નહીં રહે. એ રશિયન સદ્‌ગૃહસ્થનું નામ હતું વાય. કે. પોપોવ. એમનું નામ એ વખતના “Indologists” ભારતીય શાસ્ત્રની જ્ઞાતાઓની નામાવલિમાં નહોતું. તેમ છતાં એવાં તો ક્યાં પરિબળો હતાં કે જેમના વડે પોપોવનું નામ ભારત સાથે સદાને માટે જોડાઈ ગયું?

રશિયાના ચર્નીગોવ પ્રાંત, સોસનીટસા જિલ્લાના શેબલીનોવ ગામમાં એક ખાનદાન કુટુંબમાં પોપોવનો જન્મ થયેલો. કુટુંબની પ્રણાલિકા પ્રમાણે લશ્કરી શાળા-કૉલેજમાં અભ્યાસ કરી લશ્કરમાં દારૂગોળા અને તોપખાનાના તેઓ નિષ્ણાત બન્યા. ૧૮૯૪-૯૬માં આર્મ્સ એન્ડ સ્ટીલ વર્ક પ્લાંટના વડા બન્યા. ૧૯૦૫માં તો લેફ્ટેનન્ટ જનરલના હોદ્દા ઉપર પહોંચી ગયા.

૧૮૪૪માં જન્મેલ પોપોવે લશ્કરમાં તો ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી પરંતુ બાહ્યદૃષ્ટિએ ખૂબ જ કડક અને ચુસ્ત લાગતા પોપોવ પોતાની ભીતરમાં ખૂબ જ મુલાયમ અને ઋજુ હતા. એમની લશ્કરી કારકિર્દીને હિસાબે ભારતીય ફિલસૂફી પ્રત્યેનો એનો લગાવ જાણી શકાયો નહીં. ભારતની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ પ્રત્યેનો એમનો દૃષ્ટિકોણ પણ જાણવા મળ્યો નહીં.

લગભગ પચાસ વર્ષ સુધી કાળની ગોદમા વિલીન થઈ ગયેલ પોપોવ અને તેમનું જીવનકાર્ય પ્રાધ્યાપિકા ઇવલ્યુસ્ટરનીકના સંનિષ્ઠ પ્રયાસ અને સંશોધન પછી ફરી બહાર આવ્યું.

સ્વામીજી અને પોપોય :

ભારતની રાજકીય પરિસ્થિતિ વિશેના સ્વામીજીના ખ્યાલો અને રશિયાની રાજકીય પરિસ્થિતિ વિશેના પોપોવના વિચારો પાયાની દૃષ્ટિએ ખૂબ જ મળતા આવે છે. લોકશાહીમાં આ બન્ને મહાનુભાવોને અનન્ય શ્રદ્ધા: સામંતશાહીના બન્ને કટ્ટર વિરોધી. દબાયેલી, કચરાયેલી, ભીંસાયેલી પ્રજાના ઉત્કર્ષમાં બન્નેને અસાધારણ રસ. શોષક વર્ગ સામેનો બન્નેનો આક્રોશ પણ એવો જ જલદ સ્વરૂપ અને વ્યાપની દૃષ્ટિએ તફાવત હોવા છતાં બન્નેના કાર્યક્ષેત્રમાં ખૂબ જ સામ્ય જોવા મળે.

શૈક્ષણિક ક્ષેત્રે તો બન્ને જાણે હાથમાં હાથ મિલાવી ચાલે છે. પોપોવે તો પોતાનાં મકાનો શૈક્ષણિક પ્રવૃત્તિ માટે અર્પણ કરી દીધાં. શેબેલીનોવમાં શાળા માટે મોટું દાન આપ્યું અને એ જમાનામાં વ્યાવસાયિક અભ્યાસક્રમો આપ્યા. કિસાન છોકરાઓ માટે ખાસ શિષ્યવૃત્તિ ઊભી કરી અને છોકરીઓને પ્રોત્સાહન મળે એ માટે અમુક રકમ અલગ રાખવાની વ્યવસ્થા કરી.

શૈક્ષણિક પ્રવૃત્તિની સાથોસાથ વૈદ્યકીય સારવાર માટે એમણે હૉસ્પિટલની સ્થાપના કરી જેમાં જરૂરિયાતવાળા લોકોને વૈદ્યકીય સારવાર વિના મૂલ્યે તેમજ સારી રીતે મળી રહે એવી સગવડ પણ કરવામાં આવી. આનો અર્થ એ તો ન જ કરાય કે પોપોવે માનવતાની જે કોઈ પ્રવૃત્તિ કરી એમાં સ્વામીજીની જ પ્રેરણા કામ કરતી હતી! શેબેલીનોવ હૉસ્પિટલની શરૂઆત રામકૃષ્ણ મિશનની સ્થાપના પહેલાં એક વર્ષે થઈ હતી. પોપોવને પોતાના જીવનની એક આગવી ફિલસૂફી હતી અને એ પોતાના કુટુંબ પાસેથી તેમજ પોતાની ધરતીના ધાવણમાંથી પ્રાપ્ત થઈ હતી. તેમ છતાં બન્નેની આધ્યાત્મિક આત્મીયતા વિશે ક્યારેય શંકા થઈ શકે નહીં.

રશિયામાં સામંતશાહી સામે જેમ ક્રાંતિ થઈ એવી જ રીતે ભારતમાં પણ સંસ્થાનવાદ સામે આંદોલનો થયાં. રાજ્યક્રાંતિના સૂત્રધારો જેમ નજીક આવતા હતા એમ સ્વામીજી અને પોપોવ પણ રાજકીય વિચારણાની સમાન ભૂમિકાએ નજીક આવવા લાગ્યા.

પોપોવ અને ભારત :

પોપોવને ભારતીય ફિલસૂફીમાં અસાધારણ રસ જાગ્યો હતો. આ રસ ઊભો થવાનું ખાસ કારણ ક્યું? તેઓ સ્વામી વિવેકાનંદને શા માટે મળ્યા? ભારતના આ મહાન ફિલસૂફ અને દાર્શનિકનાં પુસ્તકોના અનુવાદ કરવા પાછળનું રહસ્ય શું? આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે એમના કુટુંબજીવન તરફ દૃષ્ટિપાત કરવો જરૂરી બને.

પીટર્સબર્ગમાં આવેલ મિલિટરી સર્જીકલ એકેડમીનાં પ્રાધ્યાપકની પુત્રી બોગદાનોવોસ્કી સાથે પોપોવનાં લગ્ન થયાં હતાં. બન્નેનું જીવન પ્રસન્ન દામ્પત્યજીવનનો આદર્શ નમૂનો જ જોઈ લો! બન્ને એકબીજાંને અત્યંત ચાહતાં હતાં. બન્ને એકબીજાંને પ્રેરણારૂપ બનતાં. પોપોવને ડગલે ને પગલે પ્રોત્સાહન અને પ્રેરણા એમની વહાલી પત્ની પાસેથી મળતાં હતાં. આ સ્ત્રીની પોપોવ ઉપર અસાધારણ અસર હતી. આ બન્નેએ સાથે મળીને શાળાઓ-દવાખાનાં શરૂ કર્યાં.

વિવેકાનંદ પ્રત્યેનો પોપોવનો જે ભાવ હતો એમાં પ્રેમનું સિંચન કરનાર એમની પત્ની જ હતી.

એક કરૂણ ઘટના :

પોપોવની પત્ની પ્રથમ હરોળની તેમજ પ્રથમ રશિયન સ્ત્રી રસાયણશાસ્ત્રી હતી. સંશોધન એનો પ્રિય વિષય હતો. વળી તે ખૂબ જ સારી લેખિકા હતી. એનાં લખાણોમાં પ્રગતિશીલતાનાં દર્શન થતાં, પ્રયોગશાળામાં પ્રયોગ કરતાં કરતાં એકાએક કંઈક જોરદાર વિસ્ફોટ થયો. પોપોવની પત્નીનું આ અસ્માતમાં મૃત્યુ થયું. પોપોવ ઉપર વજ્રાઘાત થયો. પોતાની પત્નીનો વિયોગ જીરવવો એમને ભારે થઈ પડ્યો. પહાડ જેવો અડગ અને મજબૂત માણસ વહાલસોઈ પત્નીના જવાથી ભાંગી પડ્યો પોપોવ વધુને વધુ અંતર્મુખી થવા લાગ્યા. જન્મ શું છે, મૃત્યુ શું છે, પુનર્જન્મ છે કે કેમ, આ બધા પ્રશ્નોને એ એક ફિલસૂફની અદાથી સમજવા કોશિશ કરવા લાગ્યા. પોતાની પત્નીની સતત હાજરી અનુભવી રહ્યા હોય એવો એમને ભાસ થયો હતો. એમની યાદગીરી તાજી રાખવા એમણે શિષ્યવૃત્તિઓ અને વૈદ્યકીય સારવાર માટે દાનનો પ્રવાહ વધુ ને વધુ ચાલુ કરી દીધો.

શેબેલિનોવમાં એમણે ઇટાલિયન શિલ્પીઓ પાસે એક ભવ્ય રાજવી સ્મારક પોતાની પત્નીના નામનું બનાવડાવ્યું. હોડીના આકારના આ સ્મારકમાં પોપોવની પત્નીને હાથમાં પુસ્તક સાથે બેસાડવામાં આવી. હોડીની મધ્યમાં એક એક ‘ક્રોસ’ મૂકવામાં આવ્યો. હાલ ‘સોસ્‌નિટસા’ મ્યુઝીયમમાં આ સ્મારકને જાળવી રાખવામાં આવ્યું છે.

જન્મપુનર્જન્મ વિશે જેમ જેમ એ ઊંડાણપૂર્વક વિચારતા ગયા તેમ તેમ ભારત જવાનો ખ્યાલ વધુ ને વધુ મજબૂત બનતો ગયો. અને છેવટે ભારતના યોગીઓ, સાધુસંતો, સંન્યાસીઓ, ઓલિયાઓ અને ફકીરોને મળવા પોપોવ ભારત આવી પહોંચ્યા. ભારતમાં આવ્યા બાદ અનેક યોગીઓને તેઓ મળ્યા. જન્મપુનર્જન્મ વિશે ચર્ચાવિચારણા થઈ. એમની અનેક ભ્રમણાઓ દૂર થઈ, એમના ખોટા ખ્યાલોનો અંત આવ્યો. પરંતુ ભારતમાં પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદ સાથે એમની મુલાકાત થઈ અને એમનામાં જબરું પરિવર્તન આવ્યું. પત્નીના મૃત્યુ બાદની અસ્વસ્થતા ઓછી થવા લાગી. શાંત ચિત્તે હવે તેઓ જીવન-મૃત્યુના કોયડાને ઉકેલવા લાગ્યા. એમના જીવનમાં એક નવું જ પરિમાણ સાકાર થવા લાગ્યું. સ્વામીજી સાથેની મુલાકાતથી એમની ભીતર જાણે કે બત્રીસે કોઠે દીવા પ્રકટ્યા.

રશિયા પાછા ફર્યા બાદ એમણે સ્વામીજીનાં પુસ્તકોનો અનુવાદ શરૂ કર્યો રશિયાની પ્રજાને સ્વામીજીનો પરિચય કરાવી પોપોવે રશિયાની પ્રજાનું કલ્યાણ કર્યું છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. એમણે સ્વામીજીને રાષ્ટ્રીય આંદોલનના આવાહક પણ કહ્યા છે. વરસો સુધી પોપોવ કાળની ગોદમાં વિલીન થઈ ગયેલા. પરંતુ એમનાં કાર્યોથી તેઓ અમર હતા. એમના ઉપરના સંશોધનો બાદ પોપોવ ફરી રશિયાની પ્રજા પાસે આળસ મરડી બેઠા થયા છે.

આશ્ખાબાદના સંશોધન વિભાગમાંથી બી. એલ. સ્મીરનોવ વિશેની પણ થોડી માહિતી મળી છે. તેઓ પણ પોપોવની માફક ભારતના ખાસ મિત્ર હતા. બન્ને દેશના એક જ ભાગમાંથી આવતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બન્નેની મુલાકાત થયેલી. પોપોવે સ્મીરનોવને વિવેકાનંદના ભાષાન્તરિત પુસ્તકો ભેટ ધરેલાં. પરિણામે સ્મીરનોવમાં પણ ખૂબ જ ઊંડો રસ જાગ્રત થયો. કલાકો સુધી બન્ને મિત્રો ભારતીય તત્ત્વજ્ઞાન વિશે ચર્ચાવિચારણા કરતા.

એક લશ્કરી અમલદાર, પ્રેમાળ પતિ, શિક્ષણમાં ઊંડો રસ ધરાવનાર, માનવતાનાં કાર્યો કરવા પાછળ પાગલ, આધ્યાત્મિકતાનાં શિખરો સર કરનાર એક અંતર્મુખી વ્યક્તિ. આવાં અનેકવિધ પાસાં ધરાવનાર પોપોવ માટે હરકોઈને ગર્વ થાય જ.

Total Views: 154

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.