ગયા માસના સંપાદકીયમાં આપણે સ્વામીજીની રાષ્ટ્રવાદની સંકલ્પનાની ચર્ચા કરી હતી. આપણા દેશને સ્વાતંત્ર મળ્યું ત્યારથી રાષ્ટ્રઘડતરની સમસ્યા અને એની સંકલ્પના ભારતના મહાન વિચારકો અને શાસકોના મનમાં જાગી હતી અને એણે એક જાતનું માનસિક આંદોલન પણ ઊભું કર્યું હતું. આપણા રાષ્ટ્રને પ્રગતિશીલ સુસમૃદ્ધ અને વધુ સારું રાષ્ટ્ર બનાવવા માટે અહીંતહીં વેરવિખેર પડેલી શક્તિઓને, બળોને અને ઊર્જાના સ્રોતોને એકઠાં કરવા માટેની એક સર્વગ્રાહી યોજના ઘડવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. વધુમાં આપણી રાષ્ટ્રિય જન્મજાત ઊણપો ઉપરાંત પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિના અભાવાત્મક અભિગમને કારણે જન્મેલા સંઘર્ષણે છેલ્લા થોડા દાયકાઓમાં આપણા રાષ્ટ્રઘડતરના કાર્યમાં ઘણી અડચણો, ઘણા અવરોધો અને ઘણી સમસ્યાઓ ઊભી કરી દીધી છે. એ હકીકતનો આપણે ઇન્કાર ન કરી શકીએ કે આપણા દેશને આર્થિક, સામાજિક અને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે પ્રગતિશીલ રાષ્ટ્ર બનાવવા માટે પશ્ચિમની કેટલીયે બાબતોને આપણે સ્વીકારવી પડશે. સ્વામી વિવેકાનંદે ભારતની પોતાની સાચી પ્રગતિશીલતાના આગેકદમની પરિપૂર્તિ માટેના મિશનમાં જે કંઈ નુકશાનકારી છે એવી બાબતોને, એવાં તત્ત્વોની ગાળણી-ચાળણી કરવાની ઉગ્ર ચેતવણી આપી છે.

સ્વામીજીએ પોતાની આગવી સૂક્ષ્મદૃષ્ટિએ આપણા ભૂતકાળના ભવ્ય ઇતિહાસની સમીક્ષા કરતાં સ્પષ્ટપણે બતાવ્યું છે કે વિશ્વના બીજા દેશોની સંસ્કૃતિ અને સભ્યતા જે માર્ગે ચાલી એ માર્ગ પોતાની પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના મહાન વારસાને ધ્યાનમાં લેતા ભારતના રાષ્ટ્રઘડતર માટે હિતાવહ નથી. રાજકારણને જ આધારશીલા બનાવીને આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવનરીતિનીતિઓને એ જ ઢાંચામાં ઢાળીને પશ્ચિમનાં વિવિધ રાષ્ટ્રોએ પોતપોતાનું રાષ્ટ્રઘડતર કર્યું છે. પશ્ચિમના રાષ્ટ્રોની નીતિઓ સામાન્ય રીતે પોતપોતાના રાજકીય હિતને કેન્દ્રમાં રાખીને ઘડાઈ છે. દુર્ભાગ્યવશ કેટલાંક કહેવાતાં એશિયાના વિકસિત રાષ્ટ્રો જેવાંકે જાપાન, કોરિયા, વગેરેએ પશ્ચિમના લોકોની આ નીતિનું આંધળું અનુકરણ કર્યું. પોતપોતાના દેશની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના વારસાને ભોગે જ આ અનુકરણ થયું હોય તેવું હવે સ્પષ્ટપણે જણાય છે. શું ભારત પણ આ જ માર્ગે ચાલવાનું છે? આજે જ્યારે આપણું રાષ્ટ્ર સામાજિક અને આર્થિક રીતે કહેવાતા વિકસિત રાષ્ટ્રોની હરોળમાં આવવા આગે કદમ માંડી રહ્યું છે ત્યારે ભારતના આ મહાન આદર્શનેતા સ્વામી વિવેકાનંદના આદર્શો અને વિચારોનું ચિંતન-મનન કરી લઈએ એ આવશ્યક છે.

એમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવનો વૈશ્વિક સંદેશ, ભારતમાં પરિવ્રાજક રૂપે એમને થયેલા વિવિધ અનુભવો, પશ્ચિમની સંસ્થાઓનું એમનું અધ્યયન, તેમની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ વિશેની આગવી આંતરદૃષ્ટિ, ભારતના ઇતિહાસ વિશેનું એમનું વેધક મંતવ્ય અને દૃષ્ટિબિંદુ, પશ્ચિમ અને પૂર્વનો તુલનાત્મક અભ્યાસ આ બધાં તત્ત્વોએ સ્વામીજીને ભારતના આત્માને સમજવા-જાણવાની આગવી દૃષ્ટિ આપી હતી. ભારતના સાર્વત્રિક ઉત્થાન માટે ઉપર્યુક્ત દૃષ્ટિને આધારશીલા બનાવીને એક કાર્યયોજના પણ એમણે આપણી સમક્ષ રાખી છે. પશ્ચિમના દેશોમાં વેદાંતનો સંદેશ આપીને પોતાના ઐતિહાસિક વિજય પછી જ્યારે સ્વામીજી ભારતમાં પાછા ફર્યા ત્યારે આપણી પ્રજા સમક્ષ ભારતના ઉત્થાન માટેની, એક રાષ્ટ્ર રૂપે ઉત્થાન માટેની કોઈ નક્કર કાર્યયોજના ન હતી. આધ્યાત્મિકતાને આધારરૂપે લઈને એક ભારત, સંયુક્ત ભારતના આદર્શના પ્રથમ જન્મદાતા સ્વામી વિવેકાનંદ હતા. આ માટે એમણે એક આદર્શ અને સુનિશ્ચિત કાર્યક્રમ પણ પોતાના દેશબાંધવો સમક્ષ મૂક્યો હતો. 

એમના દ્વિવિધ કાર્યક્રમમાં એમણે ભારતની પ્રજાની આધ્યાત્મિક વારસાના દેશ-વિદેશમાં પ્રસાર-પ્રચારને આપેલ મહત્ત્વ એ પ્રથમ વાત છે. બીજી વાત છે ભારતની નારીઓ અને ઉપેક્ષિત જનસાધારણ સમાજના ઉત્થાનની. ભારતના ગરીબ પણ મહેનતકશ જનસમાજમાં ભારતનું નખશીખ પુનરુત્થાન કરે અને નવજીવન બક્ષે એવી વિરાટશક્તિ એમણે નિહાળી હતી. શક્તિસમૃદ્ધ આધ્યાત્મિકતા એ એમને મન આ પુનરુત્થાન અને સાચા રાષ્ટ્રવાદની આધારશીલાનું સાધન હતું. પશ્ચિમ અને પૂર્વનાં રાષ્ટ્રોના ઉત્થાનના ઇતિહાસનું તુલનાત્મક વિવેચન કરતાં એમણે જોયું કે આપણા રાષ્ટ્રના વ્યક્તિગત અને સામુહિક કે રાષ્ટ્રિય જીવનનાં સર્વક્ષેત્રે ધર્મ અને આધ્યાત્મિકતાનો જબરો પ્રભાવ રહ્યો છે. પ્રખર રાજકીય કે લશ્કરી તાકાત અને પ્રભાવ ધરાવતા સિકંદર, જુલિયસ સિઝર, નેપોલિયન જેવા સમ્રાટો કે રાજનેતાઓ પશ્ચિમની પોતપોતાની પ્રજાના રાષ્ટ્રવાદના પ્રણેતા હતા. પરંતુ ભારતના પ્રાચીન ઇતિહાસથી માંડીને આજ સુધીના ઇતિહાસમાં ડોકિયું કરતાં આપણને જાણવા મળે છે કે રામ, કૃષ્ણ, બુદ્ધ, ચૈતન્ય, મહાવીર અને આજના આધુનિક યુગના શ્રીરામકૃષ્ણદેવ જેવી આધ્યાત્મિક વિભૂતિઓએ આધ્યાત્મિકતાના ધર્મ-આંદોલનો સર્જ્યાં હતાં તેના પ્રભાવે પછીથી ઊભાં થયેલાં સામાજિક, આર્થિક, રાજકીય મહાપરિવર્તનોએ આપણી પ્રજાને એક રાષ્ટ્ર તરીકે ઘડી. મરાઠા યુગ, રાજપુત યુગ અને શીખ ચળવળ દરમિયાન પણ ભારતના સમાજ અને રાજશાસનને આ જીવંત ધર્મ અને આધ્યાત્મિક સંસ્કૃતિએ પ્રેરણાના પીયૂષ પાઈ પાઈને એક સ્પષ્ટ આકાર આપ્યો છે. જેવી રીતે પાશ્ચાત્ય દેશોમાં સત્તા કેન્દ્રો અને રાજશાસનશક્તિએ પ્રજાના જીવનને રાષ્ટ્રિયતાના રંગે રંગી દીધી તેવી જ રીતે ભારતમાં આ કાર્ય આધ્યાત્મિકતાનાં શક્તિકેન્દ્રોએ કર્યું છે. ભારતના લોકોને સૈકાઓથી પ્રાણદાન કરતી રહેલી આ ઉદાત્ત આધ્યાત્મિકતાને બદલે જો આપણે પશ્ચિમનું આંધળું અનુકરણ કરીને એમના રાજકીય પથે ચાલીશું તો આપણે આપણું પ્રાણતત્ત્વ કે અસ્તિત્ત્વ જ ગુમાવી દઈશું. 

૧૯મી સદીની ભારતની સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક ચળવળોમાં બે મુખ્ય ઊણપો સ્વામીજીએ જોઈ હતી. એક આપણા સમાજસુધારકોએ અને ક્રાંતિકારોએ પશ્ચિમના ક્રાંતિકારી આંદોલનમાંથી પ્રેરણા મેળવી હતી. અને તેથી જ એ ચળવળો કે સુધારણા આપણા રાષ્ટ્રિય ચારિત્ર્યને બંધબેસતાં ન બન્યા. બીજું આ બધાં આંદોલનો માત્ર સમાજના ભણેલાગણેલા લોકો સુધી પહોંચ્યા. સામાન્ય જનસમૂહ કે જે આ રાષ્ટ્રની કરોડરજ્જુ સમો રહ્યો છે, તેને તો આની સાથે કોઈ પણ જાતનો સંબંધ જ ન હતો. એટલા માટે જ સ્વામીજીએ ભારત માટેની પોતાની કાર્યયોજનામાં આ સામાન્ય જનસમૂહને સૌથી વધુ અગ્રભાગ આપ્યો છે અને એની ઉન્નતિ તરફ એમણે આગવી દૃષ્ટિ રાખી છે. તેમણે પોતાનાં એક શિષ્યાને પોતાના હૃદયની ઊંડી સહાનુભૂતિ અને લાગણી સાથે એક વાર કહ્યું હતું: ‘ ‘નારી જગત’ અને ‘સામાન્ય જનસમૂહ’ આ બંને શબ્દોને ક્યારેય ભૂલશો નહિ.’ ભારતમાં આપેલાં પોતાના ભાષણો પૈકી એકમાં તેમણે સ્પષ્ટપણે એ વાતનો નિર્દેશ કર્યો હતો કે જ્યાં સુધી ઉપેક્ષિત આમજનતાના અંગે અંગે સ્પર્શે તેવી અને એ બધાંને સાથે લઈને સમૂળીક્રાંતિ નહિ થાય ત્યાં સુધી બધી સુધારણા કે કહેવાતી સમાજિક, રાજકીય ક્રાંતિઓ નિષ્ફળ નીવડવાની જ. આ સમૂળીક્રાંતિના અભાવે, એક અલ્પસંખ્યક નિરંકુશ જુલમશાહીના હાથમાંથી સત્તા બીજી નિરંકુશ અત્યાચારી શાસકોના હાથમાં સ્થળાંતરિત થશે અને આવી જ પરંપરાઓ સર્જાતી રહેશે. એટલા જ માટે રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરતાં પહેલાં આ સામાન્ય જનસમૂહના લોકોમાં શિક્ષણ અને આધ્યાત્મિકતાનો સુપેરે પ્રચાર-પ્રસાર થાય એમ સ્વામી વિવેકાનંદ ઇચ્છતા હતા. સ્વામીજીની આ વાતની અવગણનાનાં માઠાં પરિણામો આજે આપણું રાષ્ટ્ર ભોગવી રહ્યું છે.

ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનું બીજું અગત્યનું પાસું એટલે સમગ્ર ભારતનું આર્યકરણ – સુસંસ્કૃતીકરણ. આપણી વૈદિક પ્રજાના આ મહાન આદર્શના મહત્ત્વનું સૌ પ્રથમ તાર્કિક સ્પષ્ટીકરણ કરનાર હતા સ્વામી વિવેકાનંદ. વેદકાલિન આ ઉદાત્ત પ્રજાએ વિવિધ દેશોમાંથી આવેલા અને ભારતના મૂળ વતનીના આદર્શો અને વિચારોને તેમજ સંસ્કૃતિને સાથે જોડીને એક મહાન રાષ્ટ્ર, ભારતનું સર્જન કર્યું હતું. જેની સૌથી વધુ ટીકા થઈ રહી છે એવી વર્ણાશ્રમ વ્યવસ્થા, જેમાં સરળતાથી પરિવર્તન કરી શકાય તેવી વર્ણ વ્યવસ્થાએ ઉપર્યુક્ત હેતુને પરિપૂર્ણ સહાયરૂપ બની છે. આવું પરિપૂર્તિનું કાર્ય સદીઓ સુધી ચાલ્યું અને જ્યારે એમાં સ્વાર્થપરતા પ્રવેશી ગઈ ત્યારે આ વર્ણવ્યવસ્થાનો સાચો ધ્યેય અને સાચો આદર્શ મરી પરવાર્યો. સામાન્ય જનસમૂહના આરક્ષણ, તેમના પ્રત્યેનાં તેમનાં ફરજ-ઋણને ભૂલીને સમાજના ઉચ્ચવર્ગના બ્રાહ્મણો, પુરોહિતો અને ક્ષત્રિયો પોતપોતાના માટે વધુ ને વધુ વિશેષ અધિકારો પ્રાપ્ત કરવા લાગ્યા. સમાજના નીચલા વર્ગના અને સાધારણ જનસમૂહના ઉત્થાનનું સાધન બનવાને બદલે આ વર્ણ વ્યવસ્થા જ્યારે ગરીબ અને મહેનતકશ લોકોનું શોષણ કરનારી અને ઉચ્ચવર્ણના લોકોને વધુ ને વધુ વિશેષાધિકારો આપનારી પદ્ધતિ બની ગઈ ત્યારે ભગવાન બુદ્ધનું અવતરણ થયું. તેમણે વેદાંતના સ્વરૂપના ધર્મનું સામાન્ય જનસમૂહને ઉદ્‌બોધન કર્યું. ભગવાન બુદ્ધે જ્ઞાતિના, વર્ણના ભેદો તોડી નાખીને નીચલા વર્ગના સાધકોને પોતાના નવા ધર્મ-આંદોલનમાં જોડી દીધા. ભારતના ઇતિહાસમાં ભગવાન બુદ્ધથી માંડીને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સુધીના યુગનાયકોએ ધર્મના સંદેશની સાથે મુક્તિ, સર્વ-સમાનતા અને ભ્રાતૃભાવનો સંદેશ આ સામાન્ય જનસમૂહમાં ફેલાવ્યો. નિમ્નવર્ણના લોકો, પદદલિત લોકો અને જનસામાન્ય લોકો મહાન ભારતનું ઘડતર કરવામાં સિંહફાળો આપશે એવી સ્વામી વિવેકાનંદને ખાતરી હતી. સાથે ને સાથે આપણા આ ઉપર્યુક્ત વિકાસપથની આડે રહેલી મોટી મુસીબતોથી પણ તેઓ પૂરેપૂરા વાકેફ હતા. જાણે કે ભાવિને નજરે જોતા હોય તેમ આપણા ભાવિ પથમાં આવનારી મહાન સમસ્યાઓને પોતાના અંતરચક્ષુઓ સમક્ષ જોતા તેઓ આશ્ચર્ય સાથે બોલી ઊઠ્યા: ‘આપણે શૂદ્રોની સમસ્યાઓને ઉકેલવી પડશે, પણ, આહ! કેટલી ધાંધલધમાલ અને તોફાનઘમસાણ વચ્ચે.’ પશ્ચિમનાં રાષ્ટ્રો, રશિયા અને ચીનમાં કેટલાય આંદોલનો અને ક્રાંતિઓ દ્વારા સામાન્ય જનસમાજમાં નવજાગરણ થયું છે. રેનેસાં, ફ્રાંસની ક્રાંતિ, રશિયામાં માર્ક્સવાદની ક્રાંતિ જેવાં જનઆંદોલનોએ પોતપોતાની આગવી રીતે સામાન્ય જનસમૂહના સશક્તીકરણના પ્રયાસો કર્યા છે. પોતપોતાનાં રાષ્ટ્રિય આદર્શો અને સંસ્કૃતિને અવગણીને કેટલાંક બીજાં રાષ્ટ્રોએ પણ આનું આંધળું અનુકરણ કર્યું અને એનાં ઘણાં માઠાં પરિણામો પણ જે તે પ્રજાએ ભોગવવાં પડ્યાં.

સ્વામી વિવેકાનંદે આ સ્પષ્ટપણે અનુભવ્યું હતું કે ભારતમાં પણ આવી સામુહિક જાગૃતિ અનિવાર્ય છે. પરંતુ તેમણે એ સાથે ભારતીય લોકોને વિદેશી જન આંદોલનનું આંધળુકિયું અનુકરણ ન કરવાની ચેતવણી આપી હતી. આપણા રાષ્ટ્રિય આદર્શો સાથે સુમેળ સાધતું જન આંદોલન જ આપણા માટે કલ્યાણકારી નીવડશે. આવા સર્વગ્રાહી અને સર્વ કલ્યાણકારી જનઆંદોલનની એક આદર્શ રૂપરેખા આપણી સમક્ષ એમણે મૂકી હતી. તેમણે ભાવિ ભારતનું સ્વપ્ન આ શબ્દમાં રજૂ કર્યું હતું : ‘હળ હાંકતા ખેડૂતની ઝૂંપડીમાંથી, માછીમારોની, ચમારોની અને ઝાડૂવાળાઓની ઝૂંપડીમાંથી તેનું – નવભારતનું ઉત્થાન થવા દો; મોદીની દુકાનમાંથી, ધાણીદાળિયા વેંચનારાઓની ભઠ્ઠીમાંથી તેને બહાર આવવા દો. તેને કારખાના, વ્યાપાર બજારોમાંથી બહાર આવવા દો. ઝાડી અને જંગલો, ટેકરીઓ અને પર્વતોમાંથી તેને બહાર આવવા દો.’ આ વિશે તેમણે વધુમાં કહ્યું હતું: ‘મારું સ્વપ્ન કે મારો આદર્શ એ છે કે સમગ્ર દેશના અને વિશ્વના ઉમદા આદર્શવિચારોને નાનામાં નાના, ગરીબમાં ગરીબનાં ઘરના બારણાં સુધી લઈ જવા. પછી એ વિશેનો એમને પોતાની મેળે વિચાર કરવા દો અને એ ઉમદા વિચારોને કાર્યાન્વિત કરવા દો.’

આધ્યાત્મિકતાના પાયા પર રચાયેલ ભારતની સામાજિક સંરચનાના કેટલાંક વિશિષ્ટ પાસાં છે. આપણે આ સિદ્ધાંતોનું સાંગોપાંગ અધ્યયન કરવું આવશ્યક છે કે જેથી આ પ્રાચીન સિદ્ધાંતો કે આદર્શો આપણી આજની જીવાતી આધુનિક જિંદગીમાં પણ કાર્યાન્વિત થઈ શકે. ઋગ્વેદમાં જેનું વર્ણન આવે છે એવી બે નદીઓ સરસ્વતી અને દૃશદવતી નદીના વચ્ચેના પટમાં આ પ્રાચીન આર્યોની સમાજ વ્યવસ્થાની સંરચના થઈ હતી. વેદોમાંથી આપણને માત્ર આટલું જ જાણવા મળે છે કે સમગ્ર ભારતમાં અને તેમાંય ખાસ કરીને ભારતના ઉત્તરભાગોમાં વિભિન્ન સંસ્કૃતિવાળી જાતિઓ વસતી હતી. આ જાતિઓ વચ્ચે ક્યારેક ક્યારેક પોતપોતાના વિરોધાભાસી સંઘર્ષો પણ થતા. આ સંઘર્ષમાંથી ધીમે ધીમે એક એવી પ્રજા ઊભરી કે જેમાં આધ્યાત્મિક અને આંતરમુખી દૃષ્ટિ વધુ માત્રામાં વિકસી હતી. સદીઓ સુધીના માનવપ્રકૃતિનાં ઊંડાણભર્યાં અભ્યાસ અને સંશોધનથી અલૌકિક દર્શનના માધ્યમથી અનેક શાશ્વત સત્યો શોધીને આપણી સમક્ષ મૂક્યા છે. આ અલૌકિક સત્યોની ભૂમિકા પર આર્યોએ વર્ણાશ્રમાચાર નામે જાણીતું આધ્યાત્મિક દૃષ્ટિયુક્ત સામાજિક માળખું રચ્યું હતું. આ ઊંડી આધ્યાત્મિક દૃષ્ટિ અને ચડિયાતી નૈતિક તાકાતને કારણે આ પ્રજા ‘આર્ય’ એટલે કે ‘સુસંસ્કૃત પ્રજા’ તરીકે સુખ્યાત બની. અને આનાથી અલગ તરી આવતી, સંસ્કૃતિની દૃષ્ટિએ નિમ્ન ગણાતી આપણા દેશની અને વિદેશની કેટલીક જાતિઓ ‘અનાર્ય’ એવા નામે ઓળખાવા લાગી. આ ઉચ્ચસત્યોના અભ્યાસ, સંરક્ષણ અને પ્રચાર-પ્રસાર માટે આર્યોએ વર્ણાશ્રમાચારની આગવી સમાજવ્યવસ્થા રચી. જે અનાર્ય જાતિઓ આર્યજાતિના સંપર્કમાં આવી તેમને આ વર્ણાશ્રમાચાર દ્વારા આર્યત્ત્વના રંગે રંગવાનો ભગીરથ પ્રયત્ન કર્યો.

આજે પણ જેનું અસ્તિત્વ છે એવી પ્રાચીન આર્ય સમાજ વ્યવસ્થામાં બે વિશિષ્ટ લક્ષણો સ્વામીજીએ જોયાં હતાં. પહેલું વિશિષ્ટ લક્ષણ એ છે કે વિશ્વના બીજા રાષ્ટ્રોએ ક્ષત્રિયો કે લશ્કરી છાવણીના વર્ગને સૌથી વધુ માનસન્માન આપ્યાં છે; જ્યારે ભારત કે આર્ય સમાજે બ્રાહ્મણો કે આધ્યાત્મિક રીતે સુસંસ્કૃત બનેલા વર્ગને સર્વોચ્ચ સન્માન આપ્યું છે. બીજું લક્ષણ એ છે કે બીજા રાષ્ટ્રોમાં સામાજિક વિકાસનું મુખ્ય અંગ વ્યક્તિ રહી છે જ્યારે ભારતના સમાજવિકાસનું એકમ સમાજ છે અને વ્યક્તિ સમાજનું એક અંગ છે. આનો અર્થ એ થયો કે જો ભારતમાં કોઈપણ વ્યક્તિએ વિકાસ સાધવો હોય તો તેને પોતાના આખા વર્ણને કે જાતિને આ વિકાસની પ્રક્રિયામાં સામેલ કરવી પડે. જ્યારે પશ્ચિમમાં કોઈપણ વ્યક્તિએ વિકાસ કરવા માટે બીજાને સ્પર્ધામાં હરાવવો પડે છે અને પરિણામે બળવાનનું એકહથ્થુ શાસન રહે છે. જ્યારે ભારતમાં દરેકેદરેક શાસન કે શાસક એ નિર્બળનું રક્ષણ કરવા સર્જાયો છે. આપણો સમાજ પોતાની વર્ણવ્યવસ્થા દ્વારા જોઈને બરાબર સમજીને અને એનું યોગ્ય અનુશીલન કરીને દરેક વ્યક્તિ સામે એક ઉમદા આદર્શ રજૂ કરે તો કોઈપણ એક વ્યક્તિએ પોતાની જાતનો ઉત્સર્ગ કરીને સમગ્ર સમૂહને, સમાજને ઉન્નત કરવાનો રહે છે.

સ્વામીજીએ કહ્યું છે : ‘ભારતમાં દરેકે દરેક વ્યક્તિને નિમ્નકક્ષાની જ્ઞાતિજાતિમાંથી ઉચ્ચતર કે ઉચ્ચતમ જ્ઞાતિ સુધી ઉન્નત થવાની તક છે. પરમાર્થવૃત્તિની આ જન્મભૂમિમાં કોઈપણ એક વ્યક્તિએ પોતાના આખા સમૂહને સાથે લઈ જવાનો હોય છે.’

સ્વામીજીની વર્ણવ્યવસ્થા પરના વિચારો વિશે આગલા સંપાદકીયમાં ચર્ચા કરીશું.

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.