ગૃહસ્થે પોતાની સ્ત્રીને દ્રવ્ય, વસ્ત્ર, પ્રેમ, શ્રદ્ધા અને અમૃત જેવા મીઠા શબ્દોથી સદા પ્રસન્ન રાખવી. તેને કદી નાખુશ ન કરવી. જે ચારિત્ર્યવાન ગૃહસ્થ પત્નીનો પ્રેમ મેળવી શકે, તે ધર્મમાં સફળ થયો છે અને એનામાં સર્વગુણ સમાયેલા છે એમ સમજવું.

ગૃહસ્થની બાળકો તરફની ફરજ નીચે મુજબ છે. પુત્ર ચાર વરસનો થાય ત્યાં સુધી તેનું લાલન-પાલન કરવું. સોળ વરસ સુધી તેને ભણાવવો, અને વીસમે વરસે તેને કોઈ પણ કામધંધામાં લગાડવો. એ ઉંમરે પિતાએ તેને પોતાના સમાન ગણવો. પુત્રીને પણ પુત્ર સમાન ગણી ઉછેરવી; તેને ખૂબ સંભાળપૂર્વક ભણાવવી. અને પુત્રી લગ્ન કરે ત્યારે પિતાએ તેને ધન તથા ઘરેણાં આપવાં.

ગૃહસ્થનું કર્તવ્ય તેનાં ભાઈ-બહેનો પ્રત્યે પણ છે; એટલું જ નહિ, તેમનાં ગરીબ બાળકો પ્રત્યે પણ છે. બીજાં સગાંઓ અને નોકરો તરફ એનું કર્તવ્ય છે. તેવી જ રીતે ગામના લોકો તરફ, ગરીબો પ્રત્યે અને જે કોઈ મદદની આશા રાખે તે તમામ પ્રત્યે, ગૃહસ્થની ફરજ છે. પોતે સાધનસંપન્ન હોય છતાં ગૃહસ્થ પોતાનાં સગાંને અને ગરીબોને કશી મદદ ન કરે, તો તે પશુ છે, માનવી નથી.

ગૃહસ્થે ખાવા પ્રત્યે, વસ્ત્રો પ્રત્યે અને શરીરની ટાપટીપ તરફ બહુ વળગણ ન રાખવું. ગૃહસ્થનું હૃદય પવિત્ર, શરીર શુદ્ધ અને મન ચપળ તથા કાર્યરત હોવું જોઈએ.

ગૃહસ્થે દુશ્મનોનો સામનો વીરપુરુષની માફક કરવો જોઈએ. એનું એ કર્તવ્ય છે. એક ખુણામાં ભરાઈ જઈને રડવા બેસે એ ગૃહસ્થ નથી. એણે ‘અપ્રતિકાર’ના સૂત્રનો મિથ્યા પ્રલાપ ન કરવો જોઈએ. જો એ પોતાના દુશ્મનોની સામે વીર ન બને તો એ પોતાનું કર્તવ્ય ચૂક્યો ગણાય. અલબત્ત, મિત્રો અને સગાંઓ તરફ એણે સહૃદયી બનવું જોઈએ.

ગૃહસ્થે દુષ્ટને માન ન આપવું જોઈએ. જે દુષ્ટને માન આપે છે તે દુષ્ટતાને પોષે છે. માનના અધિકારી માણસને જ માન આપવું જોઈએ.

મિત્રો મેળવવા માટે જ્યાં ત્યાં ફાંફાં મારવાં એ યોગ્ય નથી. કોઈ સાથે મૈત્રી બાંધતાં પહેલાં તેનાં કાર્યો અને બીજા સાથેનો તેને વ્યવહાર બરાબર તપાસી લેવાં જોઈએ. દરેક બાબત ઉપર બુદ્ધિપૂર્વક વિચાર કર્યા બાદ મિત્રતા બાંધવી જોઈએ.

જે મળે તેની પાસે પોતાનાં કામનાં વખાણ કર્યા કરશો નહિ. જ્યાં ત્યાં પોતાની બડાઈ ન હાંકવી. પોતાની ધનસંપત્તિ વિશે બહુ વાતો ન કરવી. કોઈએ કંઈ ખાનગી વાત કરી હોય તે ઉઘાડી ન પાડવી.

માણસે પોતે ગરીબ છે એમ ન કહેવું, તેમ પૈસાદાર હોવાનો ડોળ ન કરવો. પોતાના અભિપ્રાયો વારંવાર બહાર ન પાડવા. વિચારપૂર્વક બંધાયેલ અભિપ્રાય એ પવિત્ર વસ્તુ છે; તેને આપણા હૃદયમાં સંઘરી રાખવો એ પણ કર્તવ્ય છે. આ બધી બાબતો કેવળ દુનિયાદારીનું ડહાપણ નથી, પણ દરેક ગૃહસ્થે આ પ્રમાણે વર્તવું તે સામાન્ય નીતિ છે.

(સ્વા.વિવે.ગ્રં.મા., ભાગ : ૩, પૃ.૩૫-૩૬)

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.