સ્ત્રીઓની નિંદા કરવા તમે હંમેશાં તત્પર રહો છો, પણ કહો તો ખરા કે એમની ઉન્નતિ માટે તમે શું કર્યું છે? સ્મૃતિઓ વગેરે લખી એમને ચુસ્ત નિયમોમાં જકડીને પુરુષે સ્ત્રીને કેવળ પ્રજનન-યંત્ર જ બનાવી દીધી છે! આટલા બધા સમય સુધી સ્ત્રીઓને લાચાર અને પરાશ્રયી બનીને રહેવાની જ કેળવણી મળી છે અને તેથી જ સહેજ સરખા અનિષ્ટનો કે ભયનો પડછાયો દેખાય કે તરત જ એમની આંખમાં આંસુ આવી જાય છે. બસ સ્ત્રીઓ આથી વિશેષ કશું કરી શકતી નથી.

પોતાની નારીઓનું ઉચિત સન્માન કરીને જ બધાં રાષ્ટ્રોએ મહત્તા પ્રાપ્ત કરી છે. જે દેશે કે રાષ્ટ્રે પોતાની નારીઓની અવગણના કરી છે તે દેશ કે તે રાષ્ટ્ર કદી મહાન થઈ શક્યાં નથી ને ભવિષ્યમાં થઈ શકવાનાં પણ નથી. આપણી પ્રજાની આટલી બધી અધોગતિ થઈ છે, એનું મુખ્ય કારણ એ છે કે શક્તિની જીવંત મૂર્તિરૂપ નારીઓ માટે આપણા ચિત્તમાં માન નહોતું. મનુ કહે છે: “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા: જ્યાં નારીઓ પૂજાય છે, ત્યાં દેવો આનંદે છે. જ્યાં તેઓ પૂજાતી નથી ત્યાં બધાં કાર્યો ને પ્રયત્ન નિષ્ફળ જાય છે.” (મનુસંહિતા, ૩-૫૬) જે કુટુંબમાં કે દેશમાં સ્ત્રીઓ નગણ્ય બનીને શોકમાં રહે છે તે કુટુંબ કે દેશના ઉદ્ધારની આશા રાખવી જ નહિ.

સાચો શક્તિપૂજક કોણ છે તે તમે જાણો છો? ઈશ્વરને વિશ્વની સર્વવ્યાપી શક્તિ તરીકે ઓળખનાર અને સ્ત્રીમાં એ શક્તિના આવિષ્કારને જોનાર જ સાચો શક્તિપૂજક છે. તમે તમારી સ્ત્રીઓની સ્થિતિને કંઈક અંશે સુધારી શકો એમ છો? જો એટલું તમારાથી થઈ શકશે તો જ તમારી સ્થિતિ સુધરવાની પણ કશી આશા રહેશે, નહિ તો તમે આજે છો તેટલા જ પછાત રહેવાના છો. સ્ત્રીઓની ઉન્નતિ, સાધારણ જનસમૂહની જાગૃતિ – આ બધું પહેલાં થવું જોઈએ. પછી જ ભારતમાં જેને ખરેખર સાચું કહી શકાય એવું કંઈક થઈ શકશે. ને સ્ત્રીઓની ઉન્નતિ થશે તો તેમનાં સંતાનો પણ પોતાનાં ઉદાત્ત કાર્યોથી દેશના નામને દીપાવશે. અને ત્યારે જ સંસ્કાર, જ્ઞાન, સામર્થ્ય અને ભક્તિનો દેશમાં ઉદય થશે.

– સ્વામી વિવેકાનંદ

(‘આપણા હાથમાં ભારતનું ભાવિ’, પૃ. સં. ૭૭-૭૮)

Total Views: 300

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.