પ્રાણાર્પણ જગત તારણ…

૧૪મી માર્ચ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવ કાશીપુરના બગીચામાં સારવાર લઈ રહ્યા છે. ભક્તો વિષાદના સાગરમાં ડૂબેલા છે. શ્રીરામકૃષ્ણદેવ ઉપરના હૉલમાં સૂતા છે. બહુ જ વેદના. નિદ્રા નથી. કેટલાક ભક્તો અવાજ કર્યા વિના ગમગીન થઈ પાસે બેઠા છે. તેમાંના એકને (માસ્ટર મહાશયકથામૃત’ના લેખક શ્રી મ’ને) શ્રીરામકૃષ્ણદેવ ઈશારો કરીને વધારે નજીક બેસવાનું કહે છે . શ્રીરામકૃષ્ણદેવની પીડા જોઈને પાષાણ પણ પીગળી જાય. તેઓ આસ્તે આસ્તે કષ્ટપૂર્વક કહે છે, ‘‘તમે સૌ ભક્તો પાછા રડવા લાગો એટલા માટે આટલી પીડા વેઠું છું. જો સૌ કહો કે (આપને) આટલી ભારે પીડા થાય છે, તો ભલે (આપનો) દેહ જાય, તો શરીર છૂટી જાય!” એ શબ્દો સાંભળી ભક્તોના હૃદય વિદીર્ણ થઈ ગયાં. જે તેમના પિતા, માતા, રક્ષણકર્તા તે આ શબ્દો બોલે છે! સૌ નિઃશબ્દ બેસી રહ્યા. કોઈક પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા, “આનું જ નામ શું Crucifixion (ક્રુસિફિક્શન), ભક્તો માટે દેહ-વિસર્જન?’’

પુરુષસૂક્તમ્માં વર્ણન આવે છે – કેવી રીતે પરમપુરુષ જગતની સૃષ્ટિ માટે બલિદાન આપે છે. પ્રાણોનું બલિદાન બે રીતે થાય – એક જ વારમાં અથવા કટકે કટકે. શ્રીરામકૃષ્ણદેવના સમસ્ત જીવનનું આમ કટકે કટકે બલિદાન થયું હતું. માનવજાતના કલ્યાણાર્થે લોહીનું એક એક ટીપું તેમણે નીચોવી દીધું, ત્યાં સુધી કે આ માનવજાતના પાપોને પોતાના પર વહોરી લેવાથી અને લોકોને દિવસ-રાત ઉપદેશ દેવાથી ગળામાં કૅન્સર થઈ ગયું. એ જીવલેણ બીમારી હોવા છતાં – ગળામાં અત્યંત કષ્ટ હોવા છતાં – જીવનની છેલ્લી ઘડી સુધી શ્રીરામકૃષ્ણદેવ જગતના કલ્યાણાર્થે બોલતા રહ્યા – કાર્ય કરતા રહ્યા. શ્રીરામકૃષ્ણદેવે પોતે એકવાર કાશીપુરના બગીચામાં કહ્યું હતું, ‘‘હું જોઉં છું કે ઈશ્વર જ બલિદાન દેનારો થયો છે. એ જ બલિદાનનું વધ્ય પશુ થયેલ છે ને એ જ બલિદાન દેવાનું શસ્ત્ર થયેલ છે!”

સ્વામી પ્રેમાનંદજીએ આ વિશે કહ્યું હતું. એક વાર હાજરાએ શ્રીરામકૃષ્ણદેવને કહ્યું, ‘નરેનને જોવા તમે આટલા વ્યાકુળ કેમ રહો છો? ભગવાનમાં તમારું મન લગાડો, આ બધા છોકરાઓનો વિચાર છોડી દો.એક નાના સરળ બાળકની જેમ શ્રીરામકૃષ્ણદેવે હાજરાની વાત માની લીધી અને દક્ષિણેશ્વરમાં પંચવટી તળે ગયા. ત્યાં જગન્માતાએ દર્શન આપી તેમને કહ્યું, ‘તું કેવો મૂર્ખ છે? શરમ નથી આવતી? તું આ જગતમાં કેવળ પોતાના સુખને માટે આવ્યો છે? ત્યારે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘મા, જો માનવના કલ્યાણ માટે મારે લાખોવાર દુઃખ સહન કરવા પડે, તો હું ખુશીથી તેમ કરીશ.’ આ વાતને માંડ છ મહિના થયા હશે ત્યાં તો તેમને કૅન્સર થઈ ગયું. તેઓ માંડ માંડ ધીમા અવાજમાં બોલી શકતા, ભૂખ્યા હોવા છતાં કાંઈ ખાઈ શકતા નહિ. બેસતી વખતે કે સૂતી વખતે કોઈ પણ અવસ્થામાં પીડામાંથી રાહત મળતી નહિ. દિવસ-રાત સમસ્ત દેહમાં ભયંકર બળતરા થતી. આટલી ભયંકર યાતના થતી હોવા છતાં કયારેય લોકો પર કૃપા વરસાવવાનું અને તેઓને ઈશ્વરના પંથે અગ્રસર કરવાનું તેમણે બંધ કર્યું નહિ. આવું લગભગ દોઢ વર્ષ ચાલ્યું. આ Crucifixion નહિ તો બીજું શું છે?’’

છેલ્લા દોઢ વર્ષ શ્રીરામકૃષ્ણદેવે પોતાના દેહમાં જે પીડા ભોગવી છે, તેનું વર્ણન અશક્ય છે. છેલ્લા છ મહિના તેમનો નિત્ય આહાર હતો જવનું પાણી. એ પણ અત્યંત કષ્ટપૂર્વક ગળાની અંદર નાખી શકતા. શ્રીરામકૃષ્ણદેવ પોતે ડૉક્ટરને ગળાની પીડાનું વર્ણન કરતી વખતે કહેતા, “કોઈક છુરી મારી રહ્યું હોય, ઘાવ થઈ જવાથી જેવી વેદના થાય એવી ભયંકર વેદના થાય છે. રાત કાઢવી મુશ્કેલ પડે છે.” શ્રીરામકૃષ્ણદેવની જે કૅમેરા દ્વારા લેવાયેલ પાંચ છબીઓ ઉપલબ્ધ છે તેમાંની બે તેમના દેહોત્સર્ગ પછીની છે. પણ આ બે છબીઓ પ્રકાશિત કરવામાં આવતી નથી. કારણ કે ભક્તો માટે એ જોવી અશક્ય છે. માત્ર હાડપીંજર દેખાય છે. રક્તનું એક એક ટીપું જગતના કલ્યાણાર્થે ખર્ચાઈ ગયું હતું.

એક વાર આ અંતિમ બિમારી વખતે પ્રખ્યાત પંડિત શશધર તર્કચુડામણિએ શ્રીરામકૃષ્ણદેવને સલાહ આપી, “મહાશય, શાસ્ત્રમાં વાચ્યું છે કે આપના જેવા મહાપુરુષ ઈચ્છા માત્રથી શરીરના રોગ મટાડી દઈ શકે. ‘મટી જાઓ’ એમ વિચાર કરીને એકવાર રોગને સ્થાને મનને એકાગ્ર કરીને થોડીવાર રાખવાથી બધું મટી જાય. આપ પણ એકવાર એ પ્રમાણે કરી જુઓ તો!” શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘‘અરે! તમે પંડિત થઈને આવી વાત શી રીતે કરો છો? જે મન સચ્ચિદાનંદને આપ્યું છે, તેને ત્યાંથી ઉઠાવીને આ ભાંગ્યાતૂટ્યા હાડમાંસના માળખા ઉપર લગાડવાની પ્રવૃત્તિ હવે શું થઈ શકે? પંડિતજી તો નિરુત્તર થઈ ગયા પણ સ્વામી વિવેકાનંદજી તથા અન્ય ભક્તોથી ચૂપ રહેવાયું નહીં. તેઓએ જીદ માંડી અને કહેવા લાગ્યા, ‘અમારાથી આપનું આ ભયંકર કષ્ટ જોવાતું નથી. અમારી ખાતર આપે આ રોગ મટાડવો જ પડશે.’ શ્રીરામકૃષ્ણદેવે જ્યારે કહ્યું, કે જગન્માતાની ઈચ્છા ૫૨ એ આધારિત છે ત્યારે સ્વામી વિવેકાનંદજીએ તેમને જગન્માતાને પ્રાર્થના કરવાનું કહ્યું. ઘણી આનાકાની પછી શ્રીરામકૃષ્ણદેવ જગન્માતાને આવી પ્રાર્થના કરવા માટે સંમત થયા. થોડા કલાક વીત્યા પછી સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવને ઉત્સુકતાથી પૂછ્યું, “ગુરુદેવ, કહ્યું તમે માને? મા શું બોલ્યાં? શ્રીરામકૃષ્ણદેવ બોલ્યા, “મેં માને ગળાનો ઘા દેખાડતાં કહ્યું, ‘આને લીધે કશું ખવાતું નથી. જરાતરા ખવાય તેવું કરી દે.એ સાંભળીને તમને લોકોને દેખાડીને મા બોલ્યાં, ‘કેમ રે, આટલાં મોઢેથી તો તું ખાય છે?’ શરમથી ભોંઠો પડી જઈને હું તો આગળ કશું યે બોલી શક્યો નહીં.”

દેહબુદ્ધિનો કેવો અભાવ! કેવી અદ્ભુત અદ્વૈતાનુભૂતિ! જો ધારત તો શું શ્રીરામકૃષ્ણદેવ પોતાની પીડા યોગવિદ્યા દ્વારા ન મટાડી શકત? અવશ્ય. પણ તેઓ તો આવ્યા જ હતા પૃથ્વી પર જગતનાં દુ:ખોને પોતાના દેહ પર ગ્રહણ કરવા. એકવાર તેમણે પોતે કહ્યું હતું, ‘‘હું તમારા સૌ માટે દુઃખ વેઠી રહ્યો છું. મેં સમસ્ત જગતનાં દુઃખોને પોતાના પર વહોરી લીધાં છે.’’

સિસ્ટર નિવેદિતાએ શ્રીરામકૃષ્ણદેવની જગતના કલ્યાણની ભાવના વિશે લખ્યું છે, ‘‘શ્રીરામકૃષ્ણદેવની આ બધી વિવિધ અનુભૂતિઓની પાછળ, એ બધીને એક મહાન જીવનરૂપે હંમેશાં એક તંતુએ બાંધનાર વસ્તુ હતી માનવજાતિની સેવા કરવાનો એમનો નિર્ણય. આગળ ઉપર સ્વામી વિવેકાનંદે એમની બાબતમાં કહેલું કે પ્રાર્થનાની વ્યથા અનુભવતાં નિરાશારૂપી અંધકારની ઘડીઓમાં તેઓ ભૂમિ ઉપર લખતા કે, ‘‘એક પણ વ્યક્તિને જો હું સહાયરૂપ થઈ શકું તો એક કૂતરાનો અવતાર લઈને ફરીથી આ ધરતી ઉપર હું પાછો આવીશ.’’

શ્રીરામકૃષ્ણદેવનું સમસ્ત જીવન દુ:ખકષ્ટોથી ભરપૂર હતું. કેવી કઠોર સાધનાઓ તેમણે કરી હતી! વિશ્વના ઈતિહાસમાં એવું વર્ણન મળતું નથી. પછી આ સાધનાના ફળનું વિતરણ કરવા માટે તેઓ કેવા વ્યાકુળ થયા હતા, કેટલો કઠોર પરિશ્રમ ઉઠાવ્યો હતો! જગન્માતાનાં દર્શન માટે તેઓ એટલા વ્યાકુળ થઈ જતા કે ગંગાના તટ પર, રેતી પર પછડાટ ખાઈને પડી જતા, વ્યાકુળ રુદનથી દિશાઓ ભરાઈ જતી. શ્વાસોચ્છ્વાસ બંધ પડી જતાં, પ્રાણ તરફડવા લાગતા, શરીર આખું ઉઝરડાઈ જતું અને લોહીલુહાણ થઈ જતું. આ અવસ્થા પછી શ્રીરામકૃષ્ણદેવને પંચવટી તળે એક દિવસે દર્શન થયાં. તેમના શરીરમાંથી પાપપુરુષ બહાર નીકળ્યો. અને બીજા એક સૌમ્યપુરુષે તેમના જ શરીરમાંથી બહાર નીકળીને તેને મારી નાખ્યો. આમ બન્યું તે પહેલાં છ મહિના સુધી તેમણે દેહની બળતરાથી બહુ પીડા ભોગવેલી. પાપપુરુષના નાશના થોડા વખત પછી ફરી તેમના શરીરની બળતરા શરૂ થઈ. બળતરા એટલી વધી ગઈ કે માથે ભીનો ટુવાલ રાખીને ત્રણચાર કલાક સુધી ગંગાના પાણીમાં શરીર ડુબાડીને બેસી રહેવા છતાં પણ તેમને શાંતિ થતી નહીં. ભૈરવી બ્રાહ્મણીએ આવીને એ ગાત્રદાહ, શ્રી ભગવાનના પૂર્ણદર્શન પામવાની ઉત્કંઠા અને વિરહવેદનામાંથી જન્મેલો છે એવું વિધાન કરીને આ ગાત્રદાહને દૂર કરવાનો ઉપાય સૂચવ્યો ત્યારે તે દૂર થયો. ફરી મધુરભાવની સાધના વખતે દેહની ભયંકર બળતરા શરૂ થઈ. છાતીની અંદર હાંલ્લી ભરીને દેવતા મૂકવાથી જેવી લાહ્ય ઊઠે અને પીડા થાય, એવી જ જાતનો અનુભવ કરીને શ્રીરામકૃષ્ણદેવ ત્યારે તરફડી ઊઠતા. ઈષ્ટકવચ ધારણ કર્યા પછી આ બળતરાનું શમન થયું.

તોતાપુરી પાસેથી અદ્વૈતજ્ઞાન મેળવ્યા બાદ શ્રીરામકૃષ્ણદેવ છ મહિના સુધી લગભગ નિરંતર નિર્વિકલ્પ સમાધિ અવસ્થામાં રહ્યા. તે દશામાં એક અજ્ઞાત સાધુએ તેમને દેહત્યાગ કરતા બચાવ્યા ત્યારે શ્રીરામકૃષ્ણદેવના વાળ ધૂળ ભરેલી ચટાઈ જેવા ઘટ્ટ થઈ ગયા હતા. માખીઓ નાક અને મોંમાં પેસતી – નીકળતી. એ સાધુ લાકડી લઈને એ અચેતન શરીરને પીટતો. સહેજ ચેતન આવતું દેખાય ત્યારે તેમને ખોરાક ગળવાની ફ૨જ પાડતો.

છ મહિના સુધી આમ સમાધિ અવસ્થામાં રહ્યા બાદ શરીરને અસાધ્ય વ્યાધિ લાગુ પડી ગઈ. છ માસ સુધી આંતરડામાં અસહ્ય શૂળ થયા કર્યું. તેઓ પોતે આ અવસ્થાનું વર્ણન કરતાં કહેતા, ‘‘ખૂબ બીમાર હતો. ઝાડા બંધ જ નહોતા થતા. કરોડો કીડીઓ મારા મગજને કોરી ખાતી હોય એવું થતું હતું. મને ત્યારે અપચો હતો અને જ્યારે દર્શન થતાં ત્યારે અપચો ખૂબ વધી જતો. પણ એ દર્શનો મારો કેડો નહોતાં મૂકતાં. ભૂતની જેમ મારી પાછળ પડ્યાં હતાં. સતત દિવ્ય આનંદમાં ડૂબેલો રહેતો અને તેથી દિવસ રાતનું કોઈ ભાન રહેતું નહીં. બીજે દિવસે સખત ઝાડા થઈ જતા અને બધો આનંદ મળ દ્વારા નીકળી જતો.’’

સાધના પછીની અવસ્થાનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું, “મનની કેવી દશામાંથી હું પસાર થયો છું! મારું મન અવિભાજ્ય પૂર્ણમાં ખોવાઈ જતું. પછી મન પાછું સાધારણ સ્તર ૫૨ નીચે ઉતરી આવતું ત્યારે ડૂબતાં માણસની જેમ મારો શ્વાસ ગૂંગળાતો. શુદ્ધ હૃદયવાળા ભક્તોને મળતાં તેઓ એટલા વ્યાકુળ થઈ જતા કે દક્ષિણેશ્વરમાં બાબુઓની કોઠી પરની અગાશીમાં ચડીને રડતાં રડતાં પોકારતા કે ‘‘અરે ક્યાં છો, ભક્તો, આવો, આ સંસારી લોકોની વાતો સાંભળીને મારા કાન બળી જાય છે.” તેમના આહ્વાનથી શુદ્ધ હૃદયવાળા સ્કૂલ-કૉલેજના અનેક વિદ્યાર્થીઓ આવ્યા અને તેમના સંસ્પર્શથી સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ વગેરે મહાન સંન્યાસીઓમાં પરિણત થયા.

શ્રીરામકૃષ્ણદેવે પતિતોનાં પાપો પોતાના ૫૨ સ્વીકારી દુ:ખ વેઠ્યા. તેઓના સંપર્કમાં આવવા માટે લોકોની નિંદા પણ સહન કરી. વળી દારુના નશામાં ગિરીશ ઘોષ વગેરે બેફામ ગાળો ભાંડતા એ પણ તેઓ સહન કરી લેતા. તેમની આસપાસના લોકોએ તેમને કેટલા સતાવ્યા હતા તેની કથા તો અજાણી છે. તેમના ભાણેજ હૃદયરામે તેમની ખૂબ સેવા કરી હતી. તેમના દેહનું રક્ષણ કર્યું હતું. પણ પાછળના સમયમાં દુઃખ પણ એટલું જ આપ્યું હતું. એકવાર તો હૃદયરામના અત્યાચારથી ત્રાસિત થઈ તેઓ પોતાના દેહને ગંગામાં વિસર્જન કરવા માટે તત્પર થઈ ગયા હતા!

માનવજાતના કલ્યાણ માટે શ્રીરામકૃષ્ણદેવે જે દુઃખો સહન કર્યાં છે, તે વર્ણનાતીત છે. એટલે જ સ્વામી વિવેકાનંદજીશ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્ની દશમી પંક્તિમાં લખે છે-

‘પ્રાણાર્પણ જગત તારણ કૃન્તન કલિડોર’

હે પ્રભુ, તમે જગતના ભલા માટે પોતાના પ્રાણોને અર્પણ કર્યા છે, તમે કલિયુગનાં બંધનો કાપી નાખો છો.

શ્રીમદ્ભાગવતમાં કલિયુગનું વર્ણન છે. આજની વિષમ પરિસ્થિતિનું આબેહૂબ વર્ણન તેમાં મળે છે. આ કલિયુગમાં પાપાચાર વધી રહ્યો છે અને લોકોનાં શારીરિક અને માનસિક દુ:ખો પણ વધી રહ્યાં છે. શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં પ્રાર્થીએ, ‘પ્રભુ, તમારો અવતાર આ કલિયુગનાં પાપનો ભાર લેવા માટે જ થયો છે, આટલાં દુ:ખો તમે વેઠ્યાં છે, જીવનના અંતિમ શ્વાસ સુધી આ કળિયુગમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ તમે ઉપદેશ્યો છે. અમને શક્તિ આપો જેથી તમારા ઉપદેશનું પાલન કરી, કળિયુગનું બંધન છેદી, દુઃખમાંથી છૂટકારો મેળવી શકીએ. સમસ્ત જગતનું દુ:ખ દૂર કરો, પ્રભુ, સમસ્ત જગતનું કલ્યાણ કરો.”

Total Views: 102

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.