૧૯૧૦માં જ્યારે શ્રીમા કોલકાતા આવ્યાં ત્યારે તેમની તબિયત બરાબર ન રહી. બલરામ બોઝનાં પત્ની કૃષ્ણભાવિનીએ તેમને ઓરિસ્સામાં કોઠારમાં હવાફેર કરવા ઘણી વિનંતી કરી. કોઠારમાં તેમની મોટી જાગીર હતી. શ્રીમા સહમત થયાં અને ૧૦, ડિસેમ્બર ૧૯૧૦ના રોજ કોલકાતાથી કોઠાર ગયાં. ભદ્રક સ્ટેશને સ્વામી પ્રેમાનંદના ભાઈ તુલસીરામ ગાડીઓ લઈને આવ્યા હતા. ત્યાં થોડો વિરામ કરીને ૧૮ માઈલ દૂર આવેલા કોઠાર ગયાં. થોડા દિવસ પછી સ્વામી અચલાનંદ પણ આવ્યા. ત્યાં બે મહિના રહ્યાં. અહીં શ્રીમાની ઉપસ્થિતિમાં ધામધૂમથી સરસ્વતી પૂજાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. પૂજાને દિવસે રામકૃષ્ણ બોઝ, તેમનાં પત્ની, વિરેન્દ્રકુમાર મઝૂમદાર, સુરેન્દ્રકાંત સરકાર તથા યમનકુમાર મિત્ર નામના શિલોંગથી આવેલ ત્રણ ભક્તોને શ્રીમાએ દીક્ષા આપી. અહીંના પોસ્ટ માસ્ટર દેવેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે ખ્રિસ્તીધર્મ સ્વીકાર્યો હતો પણ આ પૂજા મહોત્સવને દિવસે ગાયત્રીમંત્ર લઈને જનોઈ પહેરીને શ્રદ્ધાથી શ્રીમાને પ્રણામ કર્યા. શ્રીમાએ પણ એમને પ્રણામ કર્યા અને એમણે શ્રીમા પાસેથી દીક્ષા લીધી.

આ અગાઉ એક ભક્તે દક્ષિણભારતના રામેશ્વરની યાત્રાએ જવાનું સૂચન કર્યું ત્યારે આનંદથી સહમત થઈને શ્રીમાએ કહ્યું: ‘હા, રામેશ્વર જઈશ; મારા સસરાએ પણ એ સ્થળની યાત્રા કરી હતી.’ આ પ્રમાણે તેમના યાત્રાસંઘમાં ગોલાપ મા, રાધૂ, પગલી મામી, રામકૃષ્ણ બોઝનાં માતુશ્રી અને કાકી, કેદારબાબુનાં મા, સ્વામી આત્માનંદ, બ્ર. કૃષ્ણલાલ, આશુતોષ મહારાજ, રામલાલ દાદા, ગદાધર રસોઈયો અને એક સેવિકા સાથે કુલ ૧૩ સભ્યો હતાં. આ સંઘ ૮ ફેબ્રઆરી, ૧૯૧૧, બુધવારે બપોરે બે વાગ્યે કોઠારથી મદ્રાસ મેઈલમાં નીકળ્યો અને સાંજે ભદ્રક પહોંચ્યો. બીજે દિવસે સવારે ચિલ્કા સરોવરની આજુબાજુના વિસ્તારમાંથી ગાડી આગળ વધી રહી હતી. ખુલ્લાં ખેતરો, આસમાની આકાશ, વિશાળ સરોવર, નાની નાની ટેકરીઓ, ઘાસિયાં મેદાનો અને હરિયાળાં વૃક્ષોનું દૃશ્ય અનુપમ હતું. શ્રીમા એક નાની બાળકીની જેમ આ દૃશ્યોનો આનંદ માણતાં હતાં. શ્રીમાના આ હર્ષોલ્લાસે એમના સહસાથીઓનું ધોળા બગલાઓની હારમાળા પ્રત્યે ધ્યાન દોર્યું. ‘નીલકંઠ’ પક્ષીઓને જોઈને તેમણે હાથ જોડીને પ્રણામ કર્યા. વચ્ચે બહેરામપુરમાં ટૂંકું રોકાણ કરીને મદ્રાસ મેઈલ દ્વારા શુક્રવારે મદ્રાસ જવા ઉપડ્યા.

રામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય અને રામકૃષ્ણ મઠ મદ્રાસના અધ્યક્ષ સ્વામી રામકૃષ્ણાનંદજીએ આ સમગ્ર યાત્રાની જવાબદારી પોતાને શિરે લઈ લીધી. મધુપ્રમેહ અને ક્ષયરોગથી પીડાતા સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજે અત્યંત નાદુરસ્ત અવસ્થામાં પણ તેમણે શ્રીમાના ભવ્ય સ્વાગતની ભક્તજનો અને બીજા સંન્યાસીઓની સહાયથી પૂર્વ તૈયારીઓ કરી હતી. શ્રીમાની આ યાત્રામુલાકાતથી દક્ષિણભારતના અસંખ્ય ભાવિકજનોને ઘણો લાભ મળશે એવી એમને પૂરેપૂરી ખાતરી હતી. એમની દૃષ્ટિએ શ્રીમા અને શ્રીઠાકુર બંને એક હતાં; શ્રીમાની સેવા કરવી એ શ્રીઠાકુરની સેવા કરવા જેવું જ હતું. આવી ભાવના સાથે તેઓ શ્રીઠાકુર જે વાસણોનો ઉપયોગ કરતા તે વાસણો શ્રીમાના ઉપયોગ માટે લાવ્યા હતા. શ્રીમાને ભોજન, પ્રવાસ, આરામ, વગેરે બાબતોમાં કોઈ પણ જાતની અસુવિધા ન ભોગવવી પડે એ માટે શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદજી) બધું જ કરી છૂટ્યા હતા. શ્રીમાની બધી ઇચ્છાઓ પરિપૂર્ણ કરવા તે ગમે તેવી મુસીબતો વેઠવા તૈયાર હતા. શ્રીમાને પ્રસન્ન રાખવા એ જ એનું અંતિમ ધ્યેય હતું. તેઓશ્રી અને અન્ય ભક્તજનો સાક્ષાત્‌ વિશ્વજનનીના આગમનની અપેક્ષામાં ઉત્કંઠા અને હર્ષોલ્લાસ સાથે રાહ જોતા હતા. 

૧૧ ફેબ્રુઆરી, ૧૯૧૧ને શનિવારે મદ્રાસ સ્ટેશને ગાડી આવી પહોંચી. અને શ્રીમાએ પોતાના પાવનચરણો મદ્રાસની ભૂમિ પર મૂક્યાં. ભક્તજનોના ‘જય જય’ના મધુર ધ્વનિથી આખું સ્ટેશન ગૂંજી ઊઠ્યું. શ્રીમા અને અન્યને લઈ જવા માટે ત્રણ મોટરકારની વ્યવસ્થા થઈ હતી. શ્રીમા માટે મોટરકારની આ પહેલી યાત્રા હતી. હાલના મદ્રાસ મઠની સામેના સુંદરવિલાસ નામના બે માળના મકાનમાં તેમના ઉતારાની વ્યવસ્થા થઈ હતી. શ્રીમા અને એમના સાથીદારો આ મકાનમાં રહ્યાં. ત્યાં જ ભોજન વગેરેની વ્યવસ્થા થતી. શ્રીમાની સૂચના પ્રમાણે શશી મહારાજ તેમનું બપોરનું અને રાતનું ભોજન અહીં જ લેતા. 

શ્રીકપાલેશ્વર શિવમંદિર, ચેન્નઈનાં દર્શને શ્રીમા ગયાં હતાં. કોલકાતા આવીને શ્રીમાએ પોતાની ચેન્નઈ યાત્રા વિશે શિષ્યોને આમ કહ્યું હતું: ‘ત્યાં મને ઘણા લોકો મળવા આવતાં. એ પ્રદેશની સ્ત્રીઓ સુશિક્ષિત છે. તેમણે મને ભાષણ આપવા કહ્યું. મેં તેમને કહ્યું કે ભાષણ કેમ આપવું એ હું જાણતી નથી. જો ગૌરદાસી (ગૌરી મા) આવ્યાં હોત તો તે આવું કરી શકત.’ અહીંનાં સુખ્યાત મંદિરો અને બીજાં સ્થળો પણ જોયાં. ઘણા ભક્તોને મંત્રદીક્ષા પણ આપી. દીક્ષિતો શ્રીમાની ભાષા સમજતાં ન હતાં અને શ્રીમા દીક્ષિતોની ભાષા જાણતાં ન હતાં; પણ રહસ્યમય રીતે તેઓ બધા શ્રીમાના મંત્રદીક્ષાનાં સૂચનોને બરાબર સમજી ગયાં. ચેન્નઈના સુપ્રસિદ્ધ પાર્થસારથિ મંદિરનાં દર્શને પણ ગયાં હતાં.

શ્રીમા શારદાના મદ્રાસમાંના એક માસના રોકાણ દરમિયાન ૨ માર્ચ, ૧૯૧૧, ગુરુવારે શ્રીરામકૃષ્ણદેવનો જન્મતિથિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ ઘટના અહીંના ઉત્સવોની એક વિલક્ષણ ઘટના ગણી શકાય. આ દિવસે પૂજા, હવન, ભજન, સંગીત, વૈદિક મંત્રોચ્ચાર, શાસ્ત્રવાંચનનું આયોજન કરવામાં આવ્યું હતું. અસંખ્ય ભાવિકજનોએ આ મહોત્સવમાં હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. શ્રીમાની ઉપસ્થિતિથી આ મહોત્સવ એક ભવ્ય મહોત્સવ બની ગયો. એ પછી ૫ માર્ચ, રવિવારે એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે હજારો દરિદ્ર નારાયણોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. 

શ્રીમાની રામેશ્વરયાત્રા અનેકવાર મુલત્વી રહી પણ ૧૧ માર્ચ, ૧૯૧૧ના રોજ અહીંથી શ્રીમા સાથે યાત્રા સંઘ રામેશ્વર જવા નીકળ્યો. રસ્તામાં મદુરાઈના સુખ્યાત મીનાક્ષી માતાના મંદિર અને તેનાં લીલાસહધર્મી સુંદરેશ્વરનાં દર્શને ગયાં. મદુરાઈ વૈગલ નદીના કિનારે આવેલું છે. અહીં મીનાક્ષીદેવી અને સુંદરેશ્વર (શિવ)નું મંદિર આવેલું છે. આ મંદિર સમગ્ર વિશ્વમાં પોતાની શિલ્પકલા માટે સુખ્યાત છે. તેના ઊંચા અનેક માળવાળા ગોપુરમ્‌ એમની ઊંચાઈ, ભવ્યતા અને શિલ્પસ્થાપત્ય માટે જાણીતા છે. આ મંદિરમાં પૌરાણિક ઘટના પ્રસંગોના ચિત્રણો યાત્રાળુઓને મંત્રમુગ્ધ બનાવી દે છે. દેવીઓની મૂર્તિઓ સજીવ લાગે છે. આ બધાં દૃશ્યો જોઈને શ્રીમાના મુખમાંથી આ ઉદ્‌ગાર સરી પડ્યા: ‘ભગવાનની લીલા કેટલી અદ્‌ભુત છે!’

મદુરાઈના રાત્રીરોકાણ પછી યાત્રા સંઘ બીજે દિવસે સવારે રેલગાડી દ્વારા નીકળ્યો અને ‘મંડપમ્‌’ બપોર પછી પહોંચ્યો. તેઓ લોંચમાં પંબનની ખાડી પાર કરીને બંદરે પહોંચ્યાં. એમ કહેવાય છે કે ત્રેતાયુગમાં શ્રીરામચંદ્રે આ ખાડી પરનો સેતુ બાંધ્યો હતો. ઓટ વખતે મોટ મોટા પથ્થરો રેતીમાં જોઈ શકાય છે. આ જોઈને શ્રીમાના મોંમાંથી આ ઉદ્‌ગારો સરી પડ્યા: ‘જો બેટા, આજે પણ પ્રાચીન યુગના અવશેષો એમ ને એમ રહ્યા છે.’ ત્યાંથી ગાડીમાં બેસીને રામેશ્વર પહોંચ્યા. ત્યાંના પુજારી ગંગારામ પીતાંબરે એક ભાડાના મકાનમાં ઉતારાની વ્યવસ્થા કરી હતી. બીજે દિવસે સાગર સ્નાન કરીને સવારમાં શ્રીમા મંદિરમાં ગયાં. રામેશ્વરનું મંદિર વિશાળ છે. કલાદૃષ્ટિએ એ એક અદ્‌ભુત મંદિર છે. તેનું ગોપુરમ્‌ ૧૦૦ ફૂટ ઊંચો છે. ગોપુરમ્‌માંથી પસાર થતાં યાત્રાળુ બલિપીઠ, યૂપસ્તંભ અને વિશાળકાય નંદી જોઈ શકે છે. અહીંના મુખ્ય દેવતા શિવની પૂજા શ્રીરામચંદ્રે કરી હતી એટલે જ એનું નામ રામેશ્વર પડ્યું. અહીં શક્તિનું નામ પર્વતવર્ધિની છે.

રામનદના મહારાજ ભાષ્કર સેતુપતિ સ્વામી વિવેકાનંદના દીક્ષિત ભક્તશિષ્ય હતા. એમના પુત્ર રાજેશ્વર સેતુપતિના રાજ્યમાં રામેશ્વર હતું. તેઓ પોતાના સ્થાનિક અધિકારીઓને શ્રીમાની ‘મારા ગુરુના ગુરુ, સર્વોચ્ચ ગુરુ’ એમ કહીને ઓળખાણ આપતા. એમની બધી સુખ-સુવિધાની વ્યવસ્થા મહારાજાએ પોતે કરી હતી. શ્રીમા દરરોજ રામેશ્વરના શિવમંદિરમાં શિવજીની પૂજા કરતાં. સંધ્યાઆરતીમાં પણ શ્રીમા ઉપસ્થિત રહેતાં. વિશેષ વ્યવસ્થાને લીધે શ્રીમા મંદિરના અત્યંત પવિત્ર એવા ગર્ભમંદિરમાં પણ જતાં અને ત્યાં એક વખત ૧૦૮ સુવર્ણ બિલીપત્રથી શિવજીની પૂજા કરી. બિલીપત્રની વ્યવસ્થા સ્વામી રામકૃષ્ણાનંદજીએ કરી હતી. એક વખત શિવજીની પૂજા કરવા જતાં શ્રીમા એકાએક બોલી ઊઠ્યાં: ‘આ તો આજેય અહીં મૂકીને ગઈ હતી તેવું જ છે.’ જ્યારે ભક્તોએ એનો અર્થ જાણવા માટે ઈંતેજારી કરી ત્યારે તેમણે કહ્યું: ‘આ બધું મનમાં ન લેતા. મારું મન શૂન્યભાવમાં આવી ગયું હતું અને આ શબ્દો તો ભૂલથી ઉચ્ચારેલ ઉદ્‌ગારો જેવા છે.’ આ ઘટના પછી આ જ વાત એમણે કેદારબાબુને એમના એક પ્રશ્નના ઉત્તરમાં કોલકાતામાં કહી હતી. શ્રીમા જયરામવાટી પાછા ફર્યાં ત્યારે અક્ષયકુમાર સેનના ભાઈએ પૂછ્યું: ‘રામેશ્વરમાં બધું પહેલાંની જેમ જ હજુ સુધી જળવાઈ રહેલું છે ખરું?’ આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીમાએ કહ્યું: ‘ના બેટા, બરાબર પહેલાં જેવું બધું તો કેમ હોઈ શકે? એ બધાંમાં પરિવર્તન થતાં રહે છે, માત્ર શિવલિંગ જેવું હતું તેવું જ છે.’ શ્રીરામનાં લીલાસહધર્મિણી સીતાએ આ રામેશ્વર શિવલિંગની સ્થાપના કરી હતી. જાણે કે સીતા સાથેની પોતાની સામ્યતા સિદ્ધ કરતાં હોય એમ ત્રણ ત્રણ વાર શ્રીમાએ આ વાત પુન: પુન: કહી હતી. ‘જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ આજે રામકૃષ્ણ છે’ એવું શ્રીઠાકુરનું કથન શું આની સાથે મેળ ખાતું નથી લાગતું?

મહારાજાના આદેશથી મંદિરના ખજાનચીઓએ તેનો ખજાનો ખૂલો મૂકી દીધો અને તેમણે શ્રીમાને એમાંથી કોઈ કિંમતી વસ્તુ સ્વીકારીને એમને કૃતાર્થ કરવા વિનંતી કરી. શ્રીમાએ કહ્યું: ‘મારે શેની જરૂર છે? શશીએ બધું ગોઠવી આપ્યું છે.’ એ બધાને અપમાન જેવું લાગશે એમ માનીને શ્રીમાએ ફરીથી કહ્યું: ‘વારુ, જો રાધૂને કંઈ જરૂર હોય તો તે સ્વીકારી શકે છે. મેં રાધૂને પણ જે ગમે તે લેવાની સૂચના આપી. અમૂલ્ય હીરા, માણેક, રત્નો જોઈને મારું હૈયું થડકવા લાગ્યું. મેં ઠાકુરને પ્રાર્થના કરી : ‘હે પ્રભુ, એવું કરજો કે જેથી રાધૂના મનમાં લોભવૃત્તિ ન જાગે.’ રાધૂએ પણ તરત જ જવાબ આપતાં કહ્યું: ‘મારે આ બધાને શું કરવાં છે? મારે એની જરૂર નથી. મારી પેન્સિલ ખોવાઈ ગઈ છે, મને એક પેન્સિલ ખરીદી દો.’ આ શબ્દો સાંભળીને મેં નિરાંત અને શાંતિનો શ્વાસ લીધો.’ ૧૩ થી ૧૬ માર્ચ સુધી યાત્રાસંઘ રામેશ્વર રોકાયો. રામેશ્વરથી તેઓ મદુરાઈ આવ્યા અને રાત્રીરોકાણ કર્યું. મદુરાઈમાં શશી મહારાજે વક્તવ્ય આપ્યું. અહીંના મંદિરોમાં દર્શન કરીને યાત્રાસંઘ ગાડી દ્વારા મદ્રાસ જવા ઉપડ્યો. ૧૮ માર્ચ શનિવારે સવારે ૭.૩૦ વાગ્યે મદ્રાસ પહોંચ્યો.

મદ્રાસ પછીનું યાત્રા સ્થાન બેંગલોર હતું. રામેશ્વર તો એક ભવ્ય અને પ્રાચીન યાત્રાસ્થાન છે અને શ્રીમાની ચરણરજથી એ વધુ પાવનતીર્થ બન્યું. પણ શ્રીમાના બેંગલોરમાં થયેલા પદાર્પણથી એ પણ એક પવિત્ર યાત્રાસ્થાન બની ગયું. બેંગલોરમાં ફેલાયેલા પ્લેગને કારણે ત્યાં જવાની બેલૂર મઠના સંચાલકો અને બીજા ભક્તોએ ન આવવાની સલાહ આપી હતી. શ્રીમાના મંત્રદીક્ષિત સંન્યાસી શિષ્ય સ્વામી વિશુદ્ધાનંદ અને બીજા ભક્તો એમને મળવા મદ્રાસ ગયા હતા. એમનાં દર્શન કરીને શ્રીમા નહિ આવી શકે એવા સમાચાર બેંગલોર મઠના અધ્યક્ષ તુલસી મહારાજ (સ્વામી નિર્મલાનંદ)ને કહ્યા. આ વાત સાંભળીને તુલસી મહારાજ મદ્રાસ દોડી ગયા અને ત્યાં શશી મહારાજ અને શ્રીમાને વિનંતી કરી કે બેંગલોરના અસંખ્ય ભક્તો આપનાં દર્શનની અપેક્ષા રાખીને બેઠા છે. અને આપણા આશ્રમના વિસ્તારમાં પ્લેગની કોઈ અસર નથી.

મદ્રાસથી તુલસી મહારાજ, શશી મહારાજ, શ્રીમા  અને એમના યાત્રાસંઘ સાથે ૨૫ માર્ચ ૧૯૧૧ના રોજ વહેલી સવારે બેંગલોર સ્ટેશન પહોંચ્યાં. શ્રીમાનું સ્વાગત કરવા ઉત્સુક અસંખ્ય ભક્તજનોએ પ્રણામ કર્યા. રસ્તાની બંને બાજુએ ઊભા રહીને ભક્તજનોએ શ્રીમાની મોટરકાર પર પુષ્પવૃષ્ટિ કરી. મોટર ગાડી બુલ ટેમ્પલ રોડ પર આવેલ રામકૃષ્ણ મિશન-આશ્રમ પહોંચી ત્યારે ત્યાં પણ અસંખ્ય ભાવિકો ઉપસ્થિત હતા. (ફોટો) બેંગલોરમાં લોકોએ કરેલા અભિવાદન વિશે શ્રીમાએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા: ‘બેંગલોરમાં કેટલો લોકસમુહ ઉમટી પડ્યો! જેવી હું ગાડીમાંથી ઊતરી કે ચારે બાજુથી પુષ્પવૃષ્ટિ થઈ. આખો રસ્તો પુષ્પોથી છવાઈ ગયો. શ્રીઠાકુરના અંતિમ દિવસોમાં આવો જ લોકસમુદાય એમનાં દર્શનાર્થે ઊમટી પડતો.’ શ્રીમાને મળવા મૈસૂરના દિવાનથી માંડીને સામાન્યમાં સામાન્ય જનસમુદાયના લોકો પોતાનાં સુખદુ:ખની રામકહાણી લઈને ઉમટી પડતાં. તેઓ શાંતિથી એમને નીરખતાં બેસી રહેતાં. થોડીવાર પછી નિરવશાંતિ વચ્ચે પોતાના એમની નજીક બેઠેલા એક યુવાન સંન્યાસીને શ્રીમાએ કહ્યું: ‘અરેરે! હું એમની ભાષાયે જાણતી નથી! જો હું તેમને થોડા શબ્દો કહી શકત તો તેમને મનની શાંતિ અનુભવવા મળત.’ જેવો આ શબ્દોનો અંગ્રેજી અનુવાદ ભક્તજનોને સંભળાવવામાં આવ્યો ત્યારે ભક્તજનો બોલી ઊઠ્યાં: ‘ના ના, એવું નથી. આ તો ઘણું મજાનું છે. અમારાં હૃદય આનંદથી ભરાઈ ગયાં છે. અહીં વાણીની જરૂર નથી.’ અહીં શ્રીમાએ ઘણા ભાવિકજનોને મંત્રદીક્ષા આપી હતી. અત્યંત દરિદ્ર અને હરિજન કુટુંબના આદિમુલમ નામના છોકરાને પોતે જ સામેથી બોલાવી, તેને માથે તેલ લગાડી, વાળ ઓળીને, સારા કપડાં પહેરાવીને ઘણાના મોટા વિરોધ વચ્ચે તેને મંત્રદીક્ષા આપી.

સ્વામી વિશુદ્ધાનંદજી બેંગલોરની શ્રીમાની યાત્રા વિશેના એક અદ્‌ભુત પ્રસંગની વાત આ શબ્દોમાં કરે છે: ‘એક દિવસ શ્રીમાને અમે ગવીપુરમ્‌ના ગુફામંદિરમાં લઈ ગયા. જ્યારે અમે આશ્રમે પાછા ફર્યા ત્યારે લોકસમુદાય ઉમટી પડ્યો હતો. અમે શ્રીમાને કહ્યું: ‘જુઓ મા, કેટ કેટલા લોકો આપનાં દર્શને આવ્યાં છે? શ્રીમાના પગમાં વાની પીડા થતી હતી, પગ ઢસડીને તેઓ ચાલતાં હતાં. એમને જોઈને શ્રદ્ધાળુ ભક્તજનોએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. શ્રીમા તરત જ ભાવલીન બની ગયાં અને ‘વરાભય’ આપતાં હોય તેવી મુદ્રામાં ઊભાં રહ્યાં. તેમને બાહ્યભાન ન હતું. મને એવી બીક લાગતી હતી કે તેઓ પડી ન જાય. તે દિવસે શ્રીમાએ લોકોનાં હૃદય શાશ્વત આનંદથી ભરી દીધાં. જ્યારે શ્રીમા બાહ્યભાનમાં આવ્યાં ત્યારે ભક્તજનો આનંદભાવ અનુભવતાં અનુભવતાં જવા લાગ્યાં. એમાંના એકે કહ્યું: ‘તે દેવી જગદંબા જ છે, આપણાં સાચાં મા!’ આ પ્રસંગ શ્રીઠાકુરના કલ્પતરુ દિનની યાદ અપાવે છે.

શ્રીમાના દિવ્ય સ્વરૂપના પ્રગટીકરણનો એક બીજો ઘટનાપ્રસંગ પણ અહીં ઉલ્લેખ કરવા યોગ્ય છે. બેંગલોર આશ્રમમાં શ્રીમા રહેતાં હતાં તેની પાછળના ભાગમાં એક નાની ટેકરી હતી. એક દિવસ આ ટેકરી પર પોતાના બે ત્રણ સંગાથીઓ સાથે બેસીને સૂર્યાસ્તના દર્શનમાં ડૂબી ગયાં હતાં. આ વાત સાંભળીને શશી મહારાજ આશ્ચર્ય સાથે કહેવા લાગ્યા: ‘ખરેખર શ્રીમા પર્વતવાસિની બન્યાં છે!’ સ્થૂળકાય શશી મહારાજ હાંફતાં હાંફતાં શ્રીમા પાસે પહોંચ્યાં. એમનાં ચરણકમળમાં પોતાનું મસ્તક નમાવીને એમણે ચંડીનો આ શ્લોક ઉચ્ચાર્યો:

સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાથસાધિકે ।
શરણ્યે ત્ર્યંબકે ગૌરિ નારાયણિ નમોઽસ્તુ તે ॥
શરણાગતદીનાર્તપરિત્રાણપરાયણે ।
સર્વસ્યાર્તિહરે દેવિ નારાયણિ નમોઽસ્તુ તે ॥

આ મંત્રોચ્ચાર પછી શશી મહારાજ ભાવમય અવસ્થામાં ‘કૃપા, કૃપા!’ એ શબ્દો બોલ્યા અને શ્રીમાએ પણ એમના મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અત્યારે આ સ્થળે શ્રીમાનો સ્મૃતિમંડપ છે. ભક્તો ભાવથી અહીં ચરણધૂલિ લેવા આવે છે. ૨૫ થી ૨૭ ત્રણ દિવસ બેંગલોરમાં રહીને શ્રીમા મદ્રાસ પાછા ફર્યાં ને ત્યાંના જિલ્લા સેશન્સ જજ એચ.એ. પાર્થસારથિ આયંગરને ત્યાં એક દિવસ ઊતર્યાં. ત્યાં એમણે ગોદાવરીમાં સ્નાન કર્યું. ત્યાંથી નીકળી તેઓ પુરી ગયાં ને શશીનિકેતનમાં ઊતર્યાં. આખરે યાત્રા સમાપ્ત કરી તેઓ એપ્રિલ, ૧૯૧૧માં કોલકાતા પાછા ફર્યાં. આ તીર્થયાત્રા પૂરી કરી શ્રીમા પહેલીવાર બેલૂર મઠ ગયાં ત્યારે ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ લાંબી યાત્રા પછી શ્રીમાનું શરીર સ્વસ્થ અને મન પ્રફુલ્લ હતા; એ જોઈ ભક્તોને પણ બહુ આનંદ થયો.

એ વર્ષે દુર્ગાપૂજા પૂરી થતાં શ્રીમા કાશીની યાત્રાએ નીકળ્યાં અને ૫ નવેમ્બરે કાશી પહોંચ્યાં. બપોરે અદ્વૈત આશ્રમમાં થોડો વિશ્રામ લઈ તેઓ બાગબજારના વતની દત્તોએ બંધાવેલા ‘લક્ષ્મીનિવાસ’ નામના મકાનમાં રહેવા ગયાં. આ મકાનમાં તેઓ લગભગ અઢી માસ રહ્યાં. ઘરનો પહોળો વરંડો જોઈ માતાજી પ્રશંસાપૂર્વક બોલ્યાં: ‘ભાગ્યશાળી હોય તેનું જ આવું મકાન હોય. જગ્યા સાંકડી હોય તો મન પણ સાંકડું થઈ જાય ને જગ્યા વિશાળ હોય તો દિલ પણ ઉદાર બને.’

બીજે દિવસે સવારે પાલખીમાં બેસી શ્રીમા વિશ્વનાથને અન્નપૂર્ણાનાં દર્શન કરવા ગયાં. શ્યામાપુજાને પછીને દિવસે ૯ નવેમ્બરે તેઓ રામકૃષ્ણ મિશન, સેવાશ્રમમાં પધાર્યાં. તે વખતે સ્વામી બ્રહ્માનંદ, શિવાનંદ, તુરીયાનંદ, શુભાનંદ, ડો. કાંજીલાલ વગેરે ત્યાં હાજર હતા. કેદારબાબાએ (સ્વામી અચલાનંદે) માતાજીની પાલખીની સાથે સાથે ચાલીને હોસ્પિટલના તમામ વિભાગનાં મકાનો બતાવ્યાં. સઘળું જોયા બાદ તેઓ સેવાશ્રમનાં મકાનો, બગીચાઓ ને વ્યવસ્થાની પ્રશંસા કરી બોલ્યાં: ‘અહીં ઠાકુર સ્વયં વિરાજે છે ને મા લક્ષ્મીનો ભંડાર પૂર્ણ છે.’ પછી એમણે પૂછ્યું કે આ યોજના પહેલાં કોણે ઘડી ને કેવી રીતે એને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું? યોજનાની વાત સાંભળી એમણે કહ્યું: ‘જગ્યા એટલી બધી સુંદર છે કે મને કાશીમાં જ રહી જવાની ઇચ્છા થાય છે.’ શ્રીમા પાછા ફર્યાં પછી તરત જ એક ભક્તે આવીને ત્યાંના અધ્યક્ષને કહ્યું: ‘સેવાશ્રમને માટે માતાજીએ દશ રૂપિયા મોકલાવ્યા છે.’ તેઓએ આપેલ એ દશ રૂપિયાની નોટ આજે પણ અમૂલ્ય ધનની માફક સેવાશ્રમમાં સચવાઈ રહી છે.

૧૪ ડિસેમ્બરે શ્રીમા કાશીનાં બીજાં દેવદેવીઓનાં દર્શન કરવા નીકળ્યાં. બીજે એક દિવસે વૈદ્યનાથનું મંદિર જોઈ તેઓ તિલભાંડેશ્વરના મંદિરમાં આવ્યાં ને દર્શન કરી બોલ્યાં: ‘આ તો સ્વયંભૂ લિંગ છે.’ પછી સાંજ પડતાં પહેલાં કેદારનાથના મંદિરમાં જઈ થોડો વખત ગંગાદર્શન કરી આરતી જોઈને બોલ્યાં: ‘આ કેદાર ને તે કેદાર (હિમાલય) એક છે. બંને વચ્ચે સંબંધ છે. આનાં દર્શનથી તેનાં દર્શન થાય. જાગ્રત દેવતા છે.’

એક દિવસ શ્રીમા સારનાથ જોવા ગયાં હતાં. મિસ મેક્લાઉડે શ્રીમા માટે હોટેલથી એક વિક્ટોરિયા ગાડીની ગોઠવણ કરી હતી. શ્રીમા જ્યારે બૌદ્ધયુગનાં સ્મૃતિચિહ્‌નો જોતાં હતાં, ત્યારે ત્યાં થોડાક અંગ્રેજો પણ પ્રાચીન યુગના આ કીર્તિસ્તંભો વિસ્મિત થઈને જોઈ રહ્યાં હતાં. એ જોઈને શ્રીમા બોલ્યાં: ‘જેમણે આ બનાવેલું છે તે જ લોકો ફરીને આ જન્મમાં જોવા આવ્યાં છે ને અજાયબ થઈને કહે છે કે આ બધું કેવું આશ્ચર્ય બનાવી ગયા છે.’

આ વખતે શ્રીમા કાશીમાં બે સાધુઓનાં દર્શન કરવા ગયાં હતાં. એક નાનકપંથના સાધુ ને બીજા ચમેલીપુરી, ગંગાતીરે રહેતા પહેલા સાધુનાં દર્શન કરીને શ્રીમાએ દક્ષિણા આપીને પ્રણામ કર્યા હતા. ખૂબ જ વૃદ્ધ ચમેલીપુરીને જોઈ ગોલાપ માએ પૂછ્યું: ‘ખાવા કોઈ આપે છે?’ જવાબમાં ખૂબ શ્રદ્ધાપૂર્વક પુરીજી બોલ્યા: ‘એક દુર્ગા માઈ દેતી હૈ, ઔર કૌન દેગા?’ જવાબ સાંભળી શ્રીમા ખૂબ રાજી થયાં ને ઘેર આવી બોલ્યાં: ‘આહા, એ વૃદ્ધનું મુખ મને યાદ આવે છે, જાણે નાનો બાળક!’ બીજે દિવસે તેમને માટે તેઓએ નારંગી, મીઠાઈ, એક કામળો વગેરે મોકલી આપ્યાં. બીજા એક દિવસે સાધુઓનાં દર્શન કરવાની વાત નીકળતાં શ્રીમા બોલ્યાં: ‘ફરીને સાધુ શું જોઈએ? સાધુ તો તે દિવસે જોયા. એવા બીજા સાધુ ક્યાં છે?’ કાશીની આ ત્રીજી યાત્રામાં અગાઉ કરતાં વધુ રોકાયાં, ‘કાશીખંડ’ પૂરો સાંભળ્યો અને દેવદેવીઓનાં દર્શન કર્યાં. સને ૧૯૧૩ની ૧૬મી જાન્યુઆરીએ શ્રીમાએ કાશી છોડ્યું ને બીજે દિવસે કોલકાતા પહોંચ્યાં. શ્રીમાની પુણ્યરજથી પાવન બનેલાં તીર્થોનું એક વિહંગાવલોકન આપણે બે લેખમાં જોયું.

Total Views: 115

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.