(સ્વામી ગૌતમાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન સહાધ્યક્ષ છે. મૂળ અંગ્રેજીમાં ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૧૯૯૭ના અંકમાં છપાયેલ આ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

લોકકલ્યાણ માટે શરૂ કરવામાં આવેલ કોઈપણ આંદોલન શરૂ થયાના થોડા વખત પછી તાકતવર બને છે, પછીના થોડા સમય સુધી પ્રગતિ કરતું રહે છે અને કેટલાક દાયકાઓ પછી ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે. ઇતિહાસ બતાવે છે કે આ ‘સમય’ કેટલાંક વર્ષોનો, કેટલાક દાયકાઓનો કે વધુમાં વધુ કેટલીક સદીઓનો હોઈ શકે છે.

પરંતુ જ્યારે બુદ્ધ કે ઈશુ જેવા કોઈ ધર્મપ્રણેતા કોઈ નવીન વિચારધારા શરૂ કરે છે ત્યારે તે સદીઓ સુધી અવિરતપણે નિરંતર પ્રગતિ કરતી રહે છે. આજના આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણ પણ એવા જ એક પયગંબર હતા. તેમના આંદોલનની બાબતે આપણે આ મુદ્દો યાદ રાખવાનો છે. આ યુગપ્રવર્તક દ્વારા શરૂ કરાયેલ સેવાઓ જ તેના સદીઓ સુધીના વિકાસ માટેનું જન્મજાત સામર્થ્ય ધરાવે છે.

રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યો

ભારતીય સમાજ હંમેશાં સર્વસ્વનો ત્યાગ કરનાર સાધુ-સંન્યાસીઓનાં પદચિહ્નોને અનુસર્યો છે. વૈદિક કાળમાં જનસમૂહ ઋષિઓને અનુસરતો અને આમ, લોકો પ્રાર્થના અને નિઃસ્વાર્થ સેવા કરવામાં નિમગ્ન રહેતા. ત્યાર પછી બુદ્ધ આવ્યા, લોકોએ મઠનું સામૂહિક જીવન જીવવાનું શરૂ કરી અહિંસા-ધર્મનો અભ્યાસ શરૂ કર્યો. આ રાષ્ટ્રીય પ્રાણને અનુસરીને સ્વામી વિવેકાનંદે સ્વ-કલ્યાણ અને માનવસેવાના બેવડા આદર્શને પણ નવા સ્થાપિત સંઘના સંન્યાસીઓને અનુસરવાનું કહ્યું.

સ્વામીજીની અપેક્ષા મુજબ સમાજના લોકોએ પણ વિવિધ માનવસેવાની પ્રવૃત્તિઓ માટે મિશનના સંન્યાસીઓના બતાવેલા માર્ગનું અનુસરણ કર્યું. ભારતમાં સંન્યાસીની અન્ય પરંપરાઓ પણ શાળાઓ, હોસ્પિટલો શરૂ કરીને અને વિવિધ માનવતાવાદી કાર્યો કરીને સ્વામી વિવેકાનંદના પગલે ચાલી રહી છે. આમ, સ્વામીજીના કારણે જ માનવસેવા આધુનિક યુગમાં જીવનની સંહિતા (યુગધર્મ) બની ગઈ છે.

અહીં આપણે રામકૃષ્ણ સંઘના સંદર્ભમાં ઉપયોગમાં લેવાતા ‘મિશન’ શબ્દના અર્થમાં રહેલા તફાવતો નોંધવા જોઈએ.

(અ) રામકૃષ્ણ મિશન કોઈ ધર્માંતરણ નથી કરતું. (બ) તે બધા ધર્મો વચ્ચે સંવાદિતાને પ્રોત્સાહન આપે છે. (ક) તે પોતાને તમામ રાજકારણથી દૂર રાખે છે. (ડ) તે પોતાને રાજકારણ સાથે કોઈ સંબંધ ન હોય તેવી સંપૂર્ણ આધ્યાત્મિક અને માનવતાવાદી સેવાકીય પ્રવૃત્તિઓ સુધી સીમિત રાખે છે. (ઇ) તે બિનસાંપ્રદાયિક છે એટલે કે તે તેના સંઘમાં સભ્યોને પ્રવેશ આપવામાં અથવા સેવાઓ પ્રદાન કરવામાં ધર્મ, જાતિ, વંશ, સંપ્રદાય અથવા લિંગભેદને ધ્યાનમાં લેતું નથી.

પશ્ચિમમાં સેવાકાર્યો

રામકૃષ્ણ મિશને તેની સેવાનો વ્યાપ માત્ર ભારત દેશ પૂરતો મર્યાદિત નથી રાખ્યો. સ્વામીજીએ સંઘના સભ્યો સમક્ષ પોતાના પ્રથમ વક્તવ્યમાં જ કહ્યું હતું કે ભારતે વેદાંતના ઉપદેશકોને પશ્ચિમમાં મોકલવા જોઈએ જેથી પશ્ચિમના દેશો પણ (અ) ધાર્મિક સંવાદિતા (બ) માનવમાં રહેલી દિવ્યતા (ક) સૃષ્ટિનું નિર્માણ અને ધ્વંસ જેવા સંકોચન અને વિકાસના અંતહીન ચક્ર જેવા વેદાંતના આદર્શો બાબતે માહિતગાર થાય અને તેનો લાભ ઉઠાવી શકે. સ્વામી વિવેકાનંદે પોતાના જીવનકાળ દરમિયાન સ્વામી અભેદાનંદજી, સ્વામી સારદાનંદજી, સ્વામી તુરીયાનંદજી (અને પછીથી સ્વામી ત્રિગુણાતીતાનંદજી) વગેરે જેવા શ્રીરામકૃષ્ણના કેટલાક સાક્ષાત્‌ શિષ્યોને આ માટે પશ્ચિમના દેશોમાં મોકલ્યા હતા. 

ન્યુયોર્કમાં રામકૃષ્ણ સંઘનું પ્રથમ કેન્દ્ર ૧૮૯૪માં સ્વામીજીએ ખુદ શરૂ કર્યું. પછી ૧૧ યુ.એસ.એ.માં; ૧૦ બાંગ્લાદેશમાં; આર્જેન્ટીના, કેનેડા, ફીજી, ફ્રાન્સ, જાપાન, મોરિશિયસ, નેધરલેન્ડ, રશિયા, સિંગાપુર, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ અને યુ.કે.—દરેક દેશમાં એકેક—એમ કુલ ૩૩ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં. અન્ય રીતે વિકસિત દેશોમાં જે અતિ આવશ્યક છે તે આધ્યાત્મિક આદર્શોના ઉપદેશ માટે રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા ઉપદેશકોને મોકલવામાં આવ્યા. આ ઉપદેશ વિશ્વના લોકોને પરસ્પરને સમજવામાં મદદરૂપ થાય છે અને આપણા દેશના નજીકના સંપર્કમાં પણ લાવે છે. આ બાબતે આપણે સરળતાથી આગાહી કરી શકીએ કે આ વિચારોનું આદાનપ્રદાન નજીકના ભવિષ્યમાં વિશ્વમાં એક મહાન પરિવર્તન આણશે. એક પશ્ચિમી વ્યક્તિએ તેની પ્રશંસા આમ કરી:

‘પશ્ચિમનાં કાર્યોમાં અન્ય અગત્યનું પરિબળ હતું પૂર્વ અને પશ્ચિમની ધાર્મિક પરંપરાઓનું એકીકરણ. મોટા ભાગના પશ્ચિમીઓ યહૂદી – ખ્રિસ્તી પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાથી ઘણાં બધાં કેન્દ્રો સમાન હિતના મુદ્દાઓ ચર્ચવા નિયમિત રીતે મળતી આંતરધર્મીય પરિષદ સાથે સંકળાયેલાં છે. પશ્ચિમીઓને રામકૃષ્ણ-વેદાંત પ્રત્યે તેની સાર્વત્રિક વૈશ્વિકતા —અંધવિશ્વાસ દ્વારા ઉત્પન્ન થતી કટ્ટરતાના અવરોધ વિના, જે સહેલાઈથી તમામ ધર્મોને સાચા તરીકે સ્વીકારે છે તેવી એક પ્રેરણાદાયક વ્યાપકતા—એક જબરદસ્ત ખેંચાણનું કારણ છે. પશ્ચિમીઓ એ કારણે પણ અભિભૂત થાય છે કે આ વેદાંત ફિલસૂફીને આધુનિક વિજ્ઞાન સાથે કોઈ વિરોધ નથી.’

શૈક્ષણિક સેવા

ભારતની આઝાદી પહેલાં રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ સંખ્યાકીય રીતે ઓછી હતી પરંતુ સ્વનિર્ભર હતી. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ ઉપદિષ્ટ વેદાંતના પ્રચાર સાથે મૂલ્યલક્ષી રાષ્ટ્રીય શિક્ષણ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીના ફેલાવાથી તેણે મુખ્ય સ્થાન પ્રાપ્ત કર્યું. ૧૯૪૭માં મળેલી આઝાદી પછી વિકાસની ગતિ ઝડપી બની. આના સંદર્ભમાં આપણે નોંધવું જોઈએ કે ૧૯૯૫-૯૬માં ૧૧ સ્નાતક કોલેજો, ૩૩૭ શાળાઓ અને ૩ અનાથાશ્રમ સહિત ૨૬૧૭ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત થઈ અને તેના દ્વારા ૧,૬૯,૦૦૦ વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા જેમાં ૫૮,૦૦૦ કન્યાઓ હતી. સ્વામી વિવેકાનંદે સંવાદિતાના નમૂના તરીકે વિવિધ રાષ્ટ્રવાદીઓને, પૂર્વ-પશ્ચિમની પ્રાચીન સંસ્કૃતિને, અને અર્વાચીન વિજ્ઞાનને પ્રેરણા આપી. તમામ રાષ્ટ્રીયતામૂલક પરિબળો માર્ગદર્શન માટે રામકૃષ્ણ મિશન તરફ નજર માંડતાં. હકીકતે ૧૯૪૭માં દેશ આઝાદ થવાની જાહેરાત પછી તરત જ રામકૃષ્ણ મિશને રાષ્ટ્રીય શિક્ષણ બાબતે એક યોજના રજૂ કરી હતી.

આદિવાસી વિસ્તારમાં સેવાકાર્યો

શરૂઆતથી જ સ્વામી વિવેકાનંદે ઉપેક્ષિત લોકોના ઉત્થાનને પ્રાથમિકતા આપી હતી. તેમણે આપેલા ઉપદેશો માંહેના એક સુપ્રસિદ્ધ ઉપદેશમાં તેમણે કહ્યું હતું, ‘તમારી જગ્યાએ નૂતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી-માછીમારોની, ચમારોની અને ઝાડુવાળાઓની ઝૂંપડીઓમાંથી તેને જાગવા દો; મોદીની દુકાનમાંથી, ધાણીદાળિયા વેચનારાની ભઠ્ઠીમાંથી તેને કૂદવા દો; કારખાનામાંથી અને બજારોમાંથી તેને બહાર નીકળવા દો; ઝાડી અને જંગલો, ટેકરીઓ અને પર્વતોમાંથી તેને બહાર આવવા દો.’

તેઓ કદાચ આ દેશના ઉપેક્ષિત લોકો વિશે વિચારનાર પ્રથમ વ્યક્તિ હતા. આ દેશની ઉપેક્ષિત જનતાને ‘સત્તાના વાસ્તવિક સ્રોત’ તરીકે વિચારનારા તેઓ કદાચ પ્રથમ વ્યક્તિ હતા અને તે જાણીતું છે કે ભારતીય સંદર્ભમાં ‘સમાજવાદી’ શબ્દનો ઉપયોગ કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. તેમણે કહ્યું, ‘હું સમાજવાદી છું, એટલા માટે નથી કે હું તેને શ્રેષ્ઠ ફિલસૂફી માનું છું, પરંતુ રોટલી ન હોય તેના કરતાં રોટલીનો ટુકડો હોવો એ વધુ સારું છે.’

સ્વામીજીના આ આદેશનું અનુસરણ કરીને રામકૃષ્ણ મિશન મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, આસામ તેમજ મધ્ય પ્રદેશ, કેરળ, કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યું છે. આ પ્રવૃત્તિઓનો મુખ્ય આશય પછાત આદિવાસીઓને નવીનતમ વિજ્ઞાન અને ટેકનોલોજી, કળા અને માનવતા, તેમની પરંપરાગત સંસ્કૃતિનો વિકાસ તેમજ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદે આપેલ ઉપદેશો થકી વેદાંતનાં સત્યોનું શિક્ષણ આપવાનો છે. રામકૃષ્ણ મિશનની સંસ્થાઓમાં અભ્યાસ કરનારા આદિવાસીઓ પર આની અસર ખાસ નોંધી શકાય છે: તેઓ સરળતાથી રાષ્ટ્રીય મુખ્યપ્રવાહ સાથે સમન્વિત થઈ જાય છે, અને સશસ્ત્ર દળો અને નાગરિક સેવાઓમાં રાજીખુશીથી જોડાય છે. 

રાહત, પુનર્વસન અને તબીબી સેવાઓ

મિશનના રાહતકાર્યથી તેને ઘણા પ્રશંસકો અને મિત્રો મળ્યા છે.  પૂર, દુકાળ, આગ, ભૂકંપ, શરણાર્થીઓની હિજરત અને કોમી તોફાનો જેવી કુદરતી અને માનવસર્જિત અનેક આફતો માટે રાહતકાર્યો કરવામાં આવ્યાં છે. ૧૯૯૫-૯૬ દરમ્યાન ૩,૧૫,૦૦૦ લોકો માટે રૂ. ૧,૬૨,૦૦,૦૦૦ ના ખર્ચે મિશને ૩૨ રાહતકાર્યો અને પુનર્વસનનાં કાર્યો કર્યાં હતાં. હકીકતે મિશન આવી આફતના સમયે તુરંત મદદ માટે દોડી જનાર ભારતની આધ્યાત્મિક સંસ્થાઓની સૂચિમાં સૌથી મોખરે છે. 

તબીબી સેવાક્ષેત્રે પણ મિશનનાં સારાં એવાં કેન્દ્રો કાર્યરત છે. ૧૯૯૫-૯૬માં મિશન પાસે ૭૫,૩૦૦ દર્દીઓ માટેની ૧૪ જેટલી અસ્પતાલો, ૧૨૩ દવાખાનાઓ (ઓ.પી.ડી. અને હરતાં-ફરતાં) –જેમાં કુલ ૫૮,૨૦,૦૦૦ દર્દીઓએ સારવાર લીધી અને ૧૦૪ વરિષ્ઠ નાગરિકો માટે ૩ વૃદ્ધાશ્રમો છે. 

નવીન આધ્યાત્મિક અભ્યાસ

રામકૃષ્ણ મિશનની સેવાઓ એ સ્વામી વિવેકાનંદ દ્વારા ખૂબ જ કુશળતાપૂર્વક ઘડવામાં આવેલ એક નવીન આધ્યાત્મિક સાધના છે. આ અંગે થોડું ચિંતન કરવાથી માલૂમ પડશે કે મિશનની સેવાઓ આર્થિક અને સામાજિક વિકાસ લાવી શકે, તેમજ સબળ ચારિત્ર્યના નિર્માણ માટે જે પાયાનો પથ્થર છે તેવી આધ્યાત્મિક અને સામાજિક પ્રગતિ માટે મદદરૂપ થઈ શકે.

બૌદ્ધ ધર્મમાં બુદ્ધના સ્થાનની જેમ આ યુગપ્રવર્તક યોજનામાં શ્રીરામકૃષ્ણ પણ ઉચ્ચતમ સ્થાન પર બિરાજે છે. વૈદિક ધર્મ અંગેનું શ્રીરામકૃષ્ણનું અર્થઘટન ધર્મને નવું સ્વરૂપ આપે છે. મિશનના સાધુઓ અને ગૃહસ્થ ભક્તો દ્વારા સંઘ રચાયેલો છે. આમ, જેમ બુદ્ધના આગમન પછી જોવા મળેલી અને જેણે લગભગ ૨૦૦૦ વર્ષો સુધી સમગ્ર પૂર્વ ગોળાર્ધને પ્રભાવિત કરી હતી એવી આપણા માટે એક નવી ધાર્મિક ઉથલપાથલની શરૂઆત છે. સ્વામી વિવેકાનંદે ભવિષ્યવાણી કરી હતી કે આ વખતે ભારત પહેલાં કરતાં પણ વધુ મહાન પ્રગતિ કરશે. આ એટલા માટે કે બૌદ્ધધર્મમાં જે કંઈ નકારાત્મક વલણો હતાં તેને દૂર કરી એક નવીન વેદાંત અને તેના પ્રભાવથી હિંદુ ધર્મ સહિત અન્ય બધા ધર્મો માટે માનવજાત માટે સેવાકાર્યો નિર્ધારિત થયાં છે. આ નવીન ધર્મના ઉપદેશકો માત્ર સંન્યાસીઓ જ નહિ હોય પરંતુ પુરુષ અને મહિલા ગૃહસ્થો પણ હશે.  

શ્રીમા શારદાદેવીનાં નામ સાથે જોડાયેલ શારદા મઠની સ્થાપના સ્વામી વિવેકાનંદની પ્રેરણા થકી જ કરવામાં આવી તે સહજે સમજી શકાય છે. આ રામકૃષ્ણ મિશનની સેવાઓની એક અનન્ય સિદ્ધિ છે. આપણે જોઈએ છીએ કે સાધ્વીઓ અને ગૃહિણીઓ ખભે-ખભા મિલાવીને ભારત અને વિદેશમાં ઘણી બધી મહિલાઓ અને બાળકોની સારી સુવિધા માટે કામ કરે છે. મહિલાઓની, મહિલાઓ માટેની અને મહિલાઓ દ્વારા સંચાલિત એક એવી તદ્દન સ્વતંત્ર આધ્યાત્મિક સંસ્થા ‘શારદા મઠ’ કે જ્યાં સાધ્વી જ સર્વોચ્ચ આધ્યાત્મિક પદ શોભાવે છે, અને સમગ્ર વિશ્વમાં મહિલા-શક્તિ અને અભૂતપૂર્વ પ્રગતિ માટે અપાર સંભાવનાઓ દર્શાવે છે.

રામકૃષ્ણ મિશને શ્રીમા શારદાદેવીની જન્મશતાબ્દી વર્ષે ૧૯૫૩માં ‘શારદા મઠ’ની રચના માટે મદદ કરી. શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ સાથે ગાઢ રીતે જોડાયેલી આ ભવ્ય આધ્યાત્મિક સંસ્થામાં સર્વોચ્ચ આધ્યાત્મિક પદ ધારણ કરવાની સ્વતંત્રતા શારદા મઠ દ્વારા વિશ્વની ઘણી સ્ત્રીઓને પ્રથમ વખત મળી છે. અન્ય આધ્યાત્મિક સંસ્થાઓમાં આ કારણે સહાનુભૂતિપૂર્વકની પ્રતિક્રિયા શરૂ થઈ છે. ખ્રિસ્તી સાધ્વીઓ ચર્ચના સંચાલનમાં મુખ્ય ભૂમિકા માટે માગ કરવા લાગી છે. તેઓ લૈંગિક પૂર્વગ્રહને ટાળવા માટે બાઇબલના નવા અર્થઘટનની માગ કરી રહી છે, તેમ વર્તમાનપત્રોમાં નોંધવામાં આવ્યું છે. બૌદ્ધ મઠ અને ઇસ્લામની મહિલાઓ પણ આ બાબતે પાછળ રહી શકે નહીં. 

આમ, રામકૃષ્ણ મિશનની વિવિધ સેવાઓ સમગ્ર વિશ્વમાં સર્વાંગી—એટલે કે શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક—પુરુષો અને સ્ત્રીઓ બંનેની પ્રગતિને પ્રોત્સાહિત કરે છે. આ સ્વામી વિવેકાનંદના નીચેના શબ્દોની સત્યતાની પુષ્ટિ કરે છે. આ (મિશન) કેન્દ્રમાંથી ઉત્સર્જિત થતી નિત્ય વિસ્તૃત થતી જતી અસરો જોઈને અનુમાન કરાય છે કે “શ્રીરામકૃષ્ણના આ ઉપદેશોના પરિણામે, સમગ્ર વિશ્વ તેના વિવાદો અને મતભેદોને ભૂલી જશે અને ધાર્મિક અને અન્ય બાબતોમાં ભાઈચારાના બંધનમાં એક થઈ જશે.”

સમાપનમાં સ્વામીજીએ અંગ્રેજ ભાઈઓ અને બહેનોના એક સમૂહ સમક્ષ રામકૃષ્ણ મિશનની ભવ્ય સંભાવનાઓને વ્યક્ત કરતાં કહ્યું હતું: ‘ભરતીનો જુવાળ ઉત્પન્ન કરવો જોઈએ, સમાજને ઉલટપુલટ કરવો જોઈએ. વિશ્વને નવી સંસ્કૃતિ આપવી પડશે. ત્યારે દુનિયા સમજશે કે એ શક્તિ (શ્રીરામકૃષ્ણ) શું છે અને હું શા માટે આવ્યો છું.’

Total Views: 471

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.