‘કોવિડ-૧૯ મહામારી દરમ્યાન માનસિક શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરવી’ – આવા સુંદર વિષય ઉપર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવા બદલ હાર્દિક અભિનંદન. આ પરિસંવાદની પૂર્વતૈયારી રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી રાશન, દવાઓ તથા હકારાત્મક વિચારોનું સિંચન કરતા સ્વામી વિવેકાનંદના પુસ્તક ‘શકિતદાયી વિચાર’નું વિતરણ કરાયેલ છે, તે પણ હું જાણું છું. તારીખ ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૧ દરમ્યાન યોજાયેલ આ પરિસંવાદનું આયોજન એ હેતુસર કરવામાં આવ્યું છે કે જેથી આ મહામારીને પરિણામે લોકો જે ભય, ચિંતા, તણાવ અને અસલામતીની ભાવનાઓ અનુભવે છે તેમાંથી બહાર આવી શકે. આથી, હું ‘હકારાત્મક વિચારો દ્વારા મનની શાંતિ’ આ વસ્તુવિષય ઉપર મારા કેટલાક વિચારો રજૂ કરીશ.

કોરોના મહામારીના આ કઠિન સમયમાં અમારા એક વરિષ્ઠ સંન્યાસીએ આ મુજબ પ્રાર્થના કરવાનું સૂચવેલ છે, ‘હે ઈશ્વર, આ સાથે અમે અમારી પીડા તમને નિવેદિત કરીએ છીએ. શરીર, મન, રોગ , ગરીબી, ભય વગેરેથી પીડિત એવા અમારા સૌ ઉપર તમારી અસીમ કરુણાથી વર્ષોની આ સઘળી પીડાઓનો અંત કરો અને સાથે સાથે, આગામી દિવસોમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કરવા માટે સામર્થ્ય અને હિંમત આપો. હે ઈશ્વર, તમારાં નાદાન સંતાનો આમાંથી રાહત મેળવવા તમારી પાસે યાચના કરે છે. અત્યાર સુધી મંદિરો, આશ્રમો જેવાં પવિત્ર સ્થળોની મુલાકાતથી અને સંતો-મહંતોનાં દર્શન, સત્સંગ પામીને અમે જે આધ્યાત્મિક પ્રેરણા મેળવતા, સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયક ઉપદેશોનું શ્રવણ કરતા એ સઘળું આ મહામારીના સમયમાં મેળવી શકતા નથી. આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે અમારી અંદર રહેલી શ્રદ્ધાને ફરીથી નવપલ્લવિત કરો, જેથી શકિત અને હિંમતનો પુનઃ સંચાર થાય અને આ રોગ તથા રોગજન્ય પરિસ્થિતિ સામે ઝઝૂમવાની શક્તિ મળે, શારીરિક અને માનસિક સ્તરે અમે તેનો સામનો કરી શકીએ. હે શ્રીરામકૃષ્ણદેવ, તમે તો સમન્વય અને શાંતિના પયગંબર છો, અમારા ઉપર દયા કરી અમને અખૂટ શ્રદ્ધાથી પરિપૂર્ણ કરો. શું એ સર્વવિદિત નથી કે ઈશ્વર દરેકની હૃદયપૂર્વકની પ્રાર્થના સાંભળે છે, તેઓ આપણાં માતા- પિતા છે અને મુશ્કેલીઓમાંથી ઉગારવા જરૂર મદદ કરશે? હે ઈશ્વર, તમારા ઉપદેશોને જીવનમાં ઉતારી શકીએ એ માટે અમારામાં ઉત્સાહનો સંચાર કરો જેથી આ વિકટ પરિસ્થિતિમાં શારીરિક અને માનસિક સ્તરે અનુભવાતી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ. આ કપરા સંજોગોમાં અમારી ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય તેવી તક પૂરી પાડી આવનારા સમયમાં અમારું જીવન સામાન્ય સહજ બને અને જીવનમાં સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક સંતુલન બની રહે એવી કૃપા કરો. હે ઈશ્વર, તમે વારંવાર કહેલું છે કે આધ્યાત્મિક જીવન યાપન કરવામાં શાશ્વત આનંદ રહેલો છે. આધ્યાત્મિક પ્રગતિને પોષે એવી રીતે વ્યવહારુ જીવન જીવવું જોઈએ. તમે પ્રબોધેલ સર્વાંગી વિકાસ સાધવા માટે અમને તમારી કરુણાભરી મદદની જરૂર છે.’

આધ્યાત્મિક પ્રગતિ એટલે શું? વેદાંત કહે છે, ‘જ્યારે આધ્યાત્મિક સાધક પોતાના આત્માને પ્રકાશિત સર્જનહાર તરીકે જાણે છે અને હિરણ્યગર્ભ-બ્રહ્માના પણ જન્મદાતા તરીકે સમજી લે છે, તે સ્વામીને એ રીતે પિછાણી લે છે, ત્યારે પુણ્ય અને પાપને પણ તરી જાય છે, તે વિશુદ્ધ થઈ જાય છે અને એની સાથે ઐક્યની ઊંડી લાગણી અનુભવે છે.’ (મુંડક ઉપનિષદ- ૩.૧.૩) ગીતા(૫.૨૫)માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘જેના બધા પાપરૂપ મેલ નષ્ટ થયેલા છે, બધા સંશયો છેદાયેલા છે, તેવા જિતેન્દ્રિય અને સર્વ પ્રાણીઓના કલ્યાણમાં તત્પર એવા ઋષિઓ બ્રહ્મનિર્વાણ પામે છે.’ ઈશ્વર જેવા બનવાનો આ આદર્શ છે, જેને પામવા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવવું જરૂરી છે, જેથી તે ફકત આદર્શ બનીને જ ન રહી જાય. આધ્યાત્મિક સાધના ફકત એક વ્યવહાર બની રહેવાને બદલે સમગ્ર જીવનનું રૂપાંતરણ કરનારી બનવી જોઈએ.

ઘણા વિચારકો એવું માને છે કે કોરોના મહામારીના આ વિકટ સમયમાં અનુભવાયેલી આપત્તિ અને આફતો આવવા છતાં ઘણું સારું પણ બન્યું છે, જે છેલ્લા દોઢ વર્ષમાં મહામારીની પહેલાંના તથા પછીના સમયસંજોગોને સરખાવવાથી સ્પષ્ટ બને છે. જેમ કે

૧) શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં લીધા વગર આપણે સવારે ૯ થી રાત્રિના ૮ સુધી સતત કામ કરતા હતા, પૈસો કમાવો એ જ જાણે જીવનનું લક્ષ્ય હતું. પરિણામે, ચાલીસ વર્ષે જ જાણે સાઠ વર્ષના વ્યકિત અનુભવે તેવી નબળાઈ અને રોગિષ્ઠ અવસ્થાનો અનુભવ કરતાં કરતાં આપણે હવે સમજયા છીએ કે આ બિલકુલ યોગ્ય નહોતું, રોજ-બ-રોજના જીવનમાં આરામ અને મનોરંજન તેમજ હળવાશને પણ સ્થાન હોવું જોઈએ.

૨) આપણી કારકિર્દીનું પુનઃ મૂલ્યાંકન કરવાથી સમજાય છે કે સફળતા મેળવવાના હેતુસર, ફકત આપણા સ્વાર્થને જ અનુલક્ષીને આપણે કામ કરતા હતા. આગળ વધવાની મહેચ્છામાં અને આર્થિક ફાયદો મેળવવા ન્યાયને કોરાણે મૂકી દીધો હતો. હવે આપણને ખ્યાલ આવ્યો છે કે આપણી આજુબાજુના લોકોને સુખી કર્યા વગર વ્યકિતગત રીતે આપણે સુખ પામી શકીએ નહીં. એટલે કે જીવનનો સંઘર્ષ પણ ન્યાયપૂર્ણ હોવો જોઈએ, પૈસા કમાવા સિવાય પણ સમયનો હેતુપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આ તકે મને એક વ્યકિત યાદ આવે છે જેની પાસે તિરુપતિના મંદિરે દર્શન કરવા જવાનો સમય નહોતો. તેના મિત્રના સતત આગ્રહની સામે તેનો એક જ જવાબ હતો, ‘સમય નથી.’ અચાનક એક દિવસે તેણે પોતાના મિત્ર પાસે તિરુપતિ જવા માટેની વિગતો માગી. મિત્રે આશ્ચર્યચકિત થઈને પૂછયું, ‘આજે તારી પાસે તિરુપતિ જવાનો સમય કયાંથી આવ્યો?’ જવાબ હતો, ‘ડૉક્ટરોએ મને કેન્સરની શરૂઆતનું નિદાન કર્યું છે, આથી મારે તિરુપતિ બાલાજીની તાત્કાલિક જરૂરિયાત છે.’

૩) આધુનિક જીવનની સરખામણીમાં, આપણાથી એક પેઢી આગળના લોકો ઘરમાં વધારે સમય ગાળતા હતા. પરિણામે પોતાનાથી નાના અને મોટા લોકો સાથે રહેવાનો સામાજિક અને સાંસ્કૃતિક ફાયદો મળતો હતો. પરંતુ આ રૂઢિમાં બદલાવ આવ્યો અને લોકો ઘરની બહાર વધુ સમય ગાળવા લાગ્યા. હવે તેઓ સમજ્યા છે કે જીવન જીવવાની પોતાની રીત યોગ્ય નહોતી.

૪) અત્યંત બહિર્મુખતાને કારણે મિત્રો, સગાં- સંબંધીઓ સાથેનો આપણો સંબંધ ‘કેમ છો?’ કહેવા પૂરતો ઔપચારિક હતો, જેથી તેમને લાગતું કે આપણે તેમને ચાહતા નથી. સ્વાભાવિકપણે તેઓ આપણાથી દૂર જતા રહેતા. હવે આપણે સમજ્યા છીએ કે મિત્રો, સગાં-સંબંધીઓ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રાખી, પોતાપણું અનુભવવામાં કેટલો આનંદ સમાયેલો છે!

૫) આ મહામારીએ આધુનિક માનવને સૌથી મહત્ત્વની શીખ આપી હોય તો એ છે કે પૈસાથી મળતું સુખ ક્ષણજીવી, સીમિત છે. પૈસો ક્યારેય મિત્રોનો પ્રેમ, શાંતિપૂર્ણ જીવન, સારી તંદુરસ્તી અને આધ્યાત્મિક વલણ સાથેનું આત્યંતિક, દીર્ઘકાલીન સુખ આપી શકે નહીં, ઊલટાનું તે આપણી પાસેથી આ બધું છીનવી લે છે, તેનો બરાબર અનુભવ આપણને થઈ ગયો છે.

૬) ટી.વી. જોવામાં કે મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહીને આપણે મિત્રો અને સંબંધીઓ સાથે હળવા- મળવાના આનંદને ગુમાવી દેતા હતા, કેટલું હાસ્યાસ્પદ? આવું કરવા બદલ હવે આપણે શરમ અનુભવીએ છીએ.

૭) આસપાસના લોકોનું અનુકરણ કરી, જીંદગીની આંધળી દોડમાં સામેલ થઈ આપણે પણ માનવા લાગ્યા હતા કે, અત્યંત વ્યસ્ત જીવન જ યુવાની અને તંદુરસ્તીને જાળવી રાખે છે. હવે ખ્યાલ આવ્યો છે કે પ્રવૃત્તિઓને મર્યાદિત રાખવાથી સમસ્યાઓને ઊંડાણથી સમજીને વિચારવાની શકિત મળે છે, જેથી તેમનું નિરાકરણ સહેલાઈથી થઈ શકે છે.

૮) ખાન-પાનની બિનઆરોગ્યપ્રદ રીતો અપનાવવાથી આપણે કોરોના જેવા રોગથી ગ્રસ્ત થઈ ગયા. ફાસ્ટ ફૂડ અને ઠંડાં પીણાં આપણો આદર્શ હતો. હવે સમજયા છીએ કે તાજાં શાકભાજી, ફળ-ફળાદિ, પોષણક્ષમ અનાજ લેવાથી આજીવન તંદુરસ્તી મેળવી શકાય છે. સારામાં સારી હોટલના ભોજન કરતાં ઘરનું ભોજન જ ઉત્તમ છે તેવું આપણે હવે સમજ્યા છીએ. આપણાં શાસ્ત્રોમાં કહેલ છે, ‘આહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિ:’ શુદ્ધ સાત્ત્વિક ખોરાકથી મનની શુદ્ધિ થાય છે. બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં પિરસાતું ફાસ્ટ ફૂડ બિલકુલ શુદ્ધ, સ્વચ્છ હોતું નથી. અમેરિકાથી પ્રસિદ્ધ થતા સામયિક ‘Global Vedanta’માં પ્રસિદ્ધ થયેલ એક રમૂજી કાર્ટૂન કંઈક આવું ચિત્ર રજૂ કરે છે. એક શિષ્ય ગુરુજી પાસે જઈને કહે છે, ‘એક અઠવાડિયા સુધી ધ્યાન કર્યા પછી પણ મને ઈશ્વરનાં દર્શન થયાં નથી. ગુરુજી મને માર્ગદર્શન આપો.’ ગુરુ ઉત્તર આપે છે, ‘સૌ પહેલાં ફાસ્ટ ફૂડ લેવાનું બંધ કર.’ હવે આપણે એ જાગૃતિ કેળવવી પડશે કે સ્વસ્થ શરીર અને મન પ્રાપ્ત કરવા માટે આપણે ખાન-પાનની આદતો પ્રત્યે અત્યંત સજાગ બનવું જોઈશે, નહીં તો કોરોના જેવી પરિસ્થિતિમાં સપડાતાં વાર લાગશે નહીં.

૯) હવે, આપણી ઇતર પ્રવૃત્તિઓ વિષે વધુ- આપણી બહિર્મુખી વૃત્તિઓ ‘ખાધું, પીધું, મજા કરી’ની આસપાસ ઘૂમતી હતી. અને તેને કારણે જ આ ભયાનક રોગમાં આપણે ઝડપાઈ ગયા. હવે આ બંધ થતાં સમય કેમ પસાર કરવો એ મોટો પ્રશ્ન થઈ ગયો! તે પહેલાંના સમયમાં ઘરની અંદર રમવામાં આવતી રમતો, જેવી કે કેરમ, ચેસ, ટેબલ ટેનિસ, ગંજીફાની નિર્દોષ રમતો, ગોલોકધામ જેવા નકશાઓ વગેરેમાં સર્જનાત્મકતાનો સમન્વય હતો. બેડમિંગ્ટન, વોલીબોલ, ખો-ખો જેવી મેદાનમાં રમાતી રમતોમાંથી આપણે આનંદ મેળવતા. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવવા લોકડાઉનની પરિસ્થિતિની ફરિયાદ કરવાને બદલે આવી રમત રમવાનું શરૂ કરવું જોઈએ. સદ્‌નસીબે, હાલમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ ઓનલાઈન કાર્યક્રમો જેવા કે સત્સંગ, ભજનો, સ્તોત્રોનું ગાયન -પઠન, નૈતિક અને આધ્યાત્મિક વીડીયોનું પ્રસારણ વગેરે દ્વારા ઘરમાં રહેલા લોકોને વ્યસ્ત રાખે છે, જેથી હાલની પરિસ્થિતિમાં ખાલીપણું- રિક્તતા ન અનુભવાય.

૧૦) હજુ સુધી આપણને આપણા પડોશીઓની જરૂરિયાત સમજાઈ નહોતી. હવે સમજ્યા છીએ કે, તેમના આરોગ્ય અને કલ્યાણમાં જ આપણું આરોગ્ય અને કલ્યાણ સમાયેલું છે. સમાજથી વિમુખ થઈને, અત્યંત સ્વાર્થપરાયણ થઈને જીવવાને બદલે સહકારથી, સહયોગથી કેવી રીતે જીવનયાપન કરવું તે માટેનો આ ઉપયોગી બોધપાઠ છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનું આવું વલણ ખૂબ સામાન્ય છે, જેમ કે સામાજિક કે આર્થિક મોભાને લક્ષ્યમાં લીધા વગર, ગામની દરેક વ્યકિત એકબીજાને સારી રીતે પિછાણે છે, આવું જ વલણ શહેરોમાં પણ અપનાવવું જોઈશે. બે પેઢીઓ પહેલાં, આશરે સાઠ વર્ષો પહેલાં, અમે બાળકો માતા-પિતાની પાસેથી વાર્તાઓ સાંભળતા, અને તેમની સાથે રમતો પણ રમતા. આજે આપણાં બાળકો આવો આનંદ મેળવી શકે છે ખરાં? આપણે તો તેમને ટી.વી, મોબાઇલ જોવાની સગવડ આપીએ છીએ, જે ખરેખર તેમના માટે જરૂરી નથી એવું બધું શીખવે છે. આજે બાળકો માટે ઓનલાઈન મિટીંગ, કાર્યશાળાઓ વગેરે ઉપલબ્ધ છે, આપણા બાળકોના શારીરિક, માનસિક આરોગ્ય અને વિકાસ માટે તેમનો ઉપયોગ આપણે કરી શકીએ.

૧૧) શહેરના આરોગ્ય અને સાર્વજનિક સ્વચ્છતા સાથે સંકળાયેલા લોકોની કિંમત હવે આપણને રામજાઈ છે. તેમના પ્રત્યેનો સહાનુભૂતિપૂર્વકનો વ્યવહાર આ મહામારીના અંત પછી પણ ચાલુ રહેવો જોઈએ, કારણ કે રાષ્ટ્રીય તંદુરસ્તીમાં તેમનો મહત્ત્વનો ફાળો છે. ઘરની બહાર કચરો ફેંકવો, ખુલ્લી જગ્યામાં થૂંકવું, ધૂમ્રપાન અને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે વૃક્ષોનું નિકંદન જે પર્યાવરણને નુકસાનકારક છે તેવી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઈએ, જેથી વ્યકિતગત અને સામાજિક આરોગ્યની જાળવણી થાય.

૧૨) આપણે એ તથ્યને બરાબર આત્મસાત્ કરેલ નહોતું કે આપણે પ્રકૃતિનું અભિન્ન અંગ હોવાથી તેની સાથે તાલમેલ જાળવવો અત્યંત જરૂરી છે. આ મહામારીએ આપણને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવ્યા છે કે પ્રકૃતિ-પર્યાવરણને હાનિ પહોંચાડતી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઈએ.

૧૩) જરૂરિયાતોને પૂરી કરવા આપણે અમેરિકા, યુરોપ જેવા દેશોનું અનુકરણ કરતા આવ્યા છીએ. હવે એ સમજ્યા છીએ કે આપણે અમૂલ્ય પરંપરાગત રૂઢિઓને સમજવી પડશે, જેમ કે સામાન્ય શરદી માટે એન્ટિબાયોટીકનો ઉપયોગ કરવાને બદલે થોડી હળદર કે મરી વધુ અસરકારક છે. ઘરમાં પ્રવેશતાં જ હાથપગ ધોવા એ જૂનવાણી મનાતું હતું, હવે સમજયા છીએ કે આવી સ્વચ્છતાના અભાવમાં જ કોવિડનો ચેપ જરૂર લાગી શકે. એકબીજાનું અભિવાદન કરવા માટે હાથ મિલાવવાની પાશ્ચાત્ય ઢબને વધુ મહત્ત્વ આપી, એકબીજાના શરીરનો સ્પર્શ ન થાય તેવી પરંપરાગત ‘નમસ્તે’ની મુદ્રાને અવગણતા એવા આપણે હવે ખૂબ સ્પષ્ટપણે સમજ્યા છીએ કે આ વિચારધારા ખોટી હતી.

૧૪) ટી.વી., ફિલ્મોનું મહત્ત્વ ફકત મનોરંજન પૂરતું સીમિત હતું. હવે એ ભાન થયું છે કે, પ્રામાણિકતા, સાદાઈ, નમ્રતા, ધીરજ, નિઃસ્વાર્થતા, શ્રદ્ધા અને પ્રાર્થના જેવાં અત્યંત જરૂરી મૂલ્યોને સમજવા અને જીવનમાં અપનાવવા માટે આવાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. લોકડાઉનના સમયમાં લાખો લોકોએ રામાયણ, મહાભારત જેવી સીરીયલોને જોઈને વખાણી, કારણ? તેમાં જીવનનાં સનાતન મૂલ્યો અસરકારક રીતે ઉજાગર થયેલાં છે. આમ, દૃશ્ય-શ્રાવ્ય માધ્યમના ઉપયોગથી જ આપણે મૂલ્યલક્ષી મનોરંજનનો વ્યાપ જરૂર વધારી શકીએ.

૧૫) છેલ્લે ખૂબ મહત્ત્વનો મુદ્દોઃ આ જગત તથા સમગ્ર સૃષ્ટિમાં આપણી દરેક પ્રવૃત્તિની પાછળ ઈશ્વરની સત્તા તથા ઇચ્છા વિષે આપણે ક્યારેય વિચાર્યું નહોતું. અનેક સંતો-મહાત્માઓનાં જીવન મારફતે વ્યકત થતી આ બૌદ્ધિક, આધ્યાત્મિક સત્તા જેને આપણે ઈશ્વર કહીએ છીએ તેને સ્વીકારવી જ રહી. આ સત્તાને અવગણવી એ તો એના જેવું છે કે ઑપરેશન કરતી વખતે સેપ્ટિક માટે જવાબદાર સૂક્ષ્મ જીવોની અવગણના કરવી; આ તથ્યની જાણ થઈ એ પછી સર્જરી કરતી વખતે સમગ્ર ઑપરેશન થિયેટરને જંતુમુકત બનાવવાનું શરૂ થયું અને પછી જ તમામ ઑપરેશન સફળ થવા લાગ્યાં. જીવનના દરેક ક્રિયા-કલાપોમાં આ જ હકીકત લાગુ પડે છે. આપણી ગણતરીમાં જો ઈશ્વર હશે તો જ બધાં કામ સફળ થશે.

આપણને હવે ભાન થયું છે કે જો એક કોરોના વાયરસમાં સમગ્ર વિશ્વને હચમચાવાની શકિત છે, તો એનાથી અનેકગણી શકિત ધરાવતો ઈશ્વર કેટલો શકિતશાળી હશે? પ્રગતિની હોડમાં આગળ રહેતા દેશોનો સત્તા અને શકિતનો ગર્વ ધૂળમાં મળી ગયો છે અને ધીરે ધીરે એ સમજાવા લાગ્યું છે કે એકમાત્ર ઈશ્વર જ સર્વશકિતમાન છે. ધર્મસ્થાનોની જરૂરિયાતનો બોધ આપણને હવે થવા લાગ્યો છે. ધ્યાન, મનન, ચિંતન કરવા માટે અને શ્રદ્ધા, વિશ્વાસ તથા શકિતને આત્મસાત્ કરવા માટે આપણે ધર્મસ્થાનોનું મહત્ત્વ સ્વીકારવાનું શરૂ કર્યું છે. આ તકે સ્વામી વિવેકાનંદના શબ્દોનું સ્મરણ થાય છે કે અધ્યાત્મને વરેલા એવા આપણે સૌએ વિવિધ ધર્મસ્થાનોમાં જઈ, ધર્મના ઉપાસકો સાથે સાયુજ્ય સાધીને એક ઈશ્વર અને એક ઈશ્વરીય સત્તાને આધાર બનાવી સમગ્ર માનવજાતમાં અદ્‌ભુત સંવાદિતા સ્થાપવી જોઈએ. આધ્યાત્મિકતાને આધાર બનાવીને સ્થપાયેલ સંવાદિતા ઉપર માનવીય સંસ્કૃતિની શાંતિ તેમજ સુખચેનનું ભવિષ્ય અવલંબે છે. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ તથા અન્ય આધ્યાત્મિક વિભૂતિઓના જીવન અને કવન દ્વારા આપણે અખૂટ શકિત અને વિધેયાત્મક વિચારો મેળવી શકીશું.

આગળ ચર્ચા થયા મુજબ કોરોના મહામારીના ફાયદાઓ તારવીએ અને ભોગવેલ યાતનામાંથી મુકિત મેળવીએ. આપણી સમક્ષ રહેલા ઉજ્જવળ ભવિષ્ય તરફ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ આપણને દોરી જાય અને માર્ગદર્શન આપે તેવી પ્રાર્થના.

સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી વાક્યથી હું સમાપન કરીશ, ‘મારી માતૃભૂમિની સદીઓથી અવિરત ચાલતી વણથંભી કૂચ સામે હું નતમસ્તકે ઊભો છું, અને તેના માટે નિશ્ચિત થયેલ નિયતિને પરિપૂર્ણ કરવા માટે તેને અગ્રેસર થતી જોઈ રહયો છું. આ નિયતિ કઈ? એ છે ‘બર્બર માનવ’ માંથી ‘ઈશ્વર માનવ’નું નવજાગરણ.’

Total Views: 233

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.