શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સદસ્ય અને રામકૃષ્ણ મઠ, મદ્રાસના અધ્યક્ષ છે. સ્વામી વિવેકાનંદજીના વિચારો પર આધારિત તેમનો આ લેખ મુલ્યલક્ષી શિક્ષણ આપવા માટે માર્ગદર્શક નીવડશે. – સં.

આજકાલ આપણા શિક્ષણમાં જીવન-મૂલ્યો વિષે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. આપણા રાષ્ટ્રીય જીવનમાં લગભગ બધાં જ ક્ષેત્રોમાં અરાજકતા જોવા મળે છે, તેને કારણે આ વિવાદ ખડો થયો છે. સકારણ એવું માનવામાં આવે છે કે આપણે ત્યાં જે શિક્ષણ આપવામાં આવે છે, તેમાં આ મૂલ્યોનો અભાવ છે, તેથી આ અરાજકતા મુખ્યત્વે ઊભી થઈ છે. એ તો જાણીતી વાત છે કે આ શિક્ષણનો ઢાંચો ૧૮૩૬માં મૅકૉલેએ ઘડેલો. ભારતીય માનસને મુક્તિ અપાવવા કરતાં, એને ગુલામ બનાવી રાખવાનો એનો આશય હતો. આનાથી ભારતના લોકો અંગ્રેજ રાજને વફાદાર બની રહે અને પોતાનાં વૈદિક સંસ્કૃતિ, શિક્ષણ તથા સંસ્કૃત ભાષાથી વિમુખ બની રહે એ નેમ સાધવાની હતી. આયોજન કરવામાં આવ્યું હતું, તે રીતે આ પ્રકારના શિક્ષણથી ધીમે ધીમે આપણા બૌદ્ધિકો આપણા પ્રાચીન વારસા અને આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય પરંપરાઓનો ખજાનો ધરાવતી સંસ્કૃત ભાષાથી વિમુખ બની ગયા. આને લીધે આપણે આપણી નૈસર્ગિક શિક્ષણ પ્રથા ગુમાવી બેઠા. એ પ્રથામાં શ્રવણ, પરિવર્તન અને સ્મરણશક્તિ મોટો ભાગ ભજવતાં હતાં અને ગુરુસેવાના સુઆયોજિત જીવન દ્વારા વિચારો આત્મસાત્ કરવામાં આવતા હતા અને તેમના માર્ગદર્શન તળે ચિંતન અને મનન કરવામાં આવતાં હતાં.

આ રીતે એ શિક્ષણપ્રથામાં જે શિક્ષિત થતા હતા તે લોકો માત્ર જ્ઞાની જ નહીં, ચારિત્ર્યશીલ પણ બનતા હતા. જ્ઞાન તેમના જીવનનો એક ભાગ બની રહેતું હતું; તેમના વિચારો, ભાવનાઓ તથા કાર્યો પર તેનો પ્રભાવ પડતો હતો. આપણી સંસ્કૃતિના સંદેશવાહક – દેશભક્ત સ્વામી વિવેકાનંદજીનું વિધાન છે: ‘આપણા મગજમાં તોફાન ઊભું કરે એવી માહિતીનો જથ્થો એ કાંઈ શિક્ષણ નથી, પણ જે વિચારો આત્મસાત્ કરવામાં આવે છે, તે સાચું શિક્ષણ છે.’ તેમણે એમ પણ વિધાન કરેલું છે કે શિક્ષણે આપણને ચારિત્ર્ય બક્ષવું જોઈએ. આ ચારિત્ર્ય દ્વારા બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત અથવા રામકૃષ્ણ પરમહંસ જેવા પ્રેમ, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા, અભય, કરુણા અને સેવાભાવનાથી ભરપૂર શ્રેષ્ઠ માનવો જેવું આપણું જીવન ખીલી ઊઠવું જોઈએ. સ્વામીજીને મન સહજવૃત્તિઓમાંથી બૌદ્ધિકતા અને આંતરિક ચેતનાની જાગૃતિ દ્વારા વિદ્યાર્થીના જીવનનું પરિવર્તન એ જ શિક્ષણનો અર્થ હતો. આ રીતે તેઓ આપણા શિક્ષણમાં વૈદિક જીવનમૂલ્યોનો અર્ક આવે એવી હિમાયત કરી રહ્યા હતા.

શિક્ષણમાં જીવન-મૂલ્યો શું છે?

શિક્ષણમાં આ વૈદિક મૂલ્યો એ શું છે? સંસ્કૃત ભાષામાં જીવનમૂલ્યોનો અર્થ થાય છે ધર્મ અથવા સદાચાર. જેના વિના સૃષ્ટિનું અસ્તિત્વ જ જોખમાઈ જાય એવા સિદ્ધાંતો – જીવનમૂલ્યોને ટકાવી રાખતું માળખું એટલે ધર્મ. એવી ‘ધર્મ’ની વ્યાખ્યા આપવામાં આવી છે. (धारणात् धर्म इत्याहः। धर्मो धारयते  प्रजाः।) શંકરાચાર્યે ધર્મની વ્યાખ્યા આપી છે ‘મનુષ્યને મનુષ્ય તરીકે ટકાવી રાખે અને આ જગતમાં તેમ જ આધ્યાત્મિક જગતમાં સુખ માણવામાં સહાયરૂપ બની રહે એવાં જીવનમૂલ્યો.’

આ રીતે ભારતમાં શિક્ષણનો અર્થ થતો હતો. મગજમાં જડ બુદ્ધિપૂર્વક ગોખેલી માહિતીનો ભરાવો નહીં, પણ ભણેલા સિદ્ધાંતોનો પોતાના જીવનમાં વિનિયોગ કરવો એટલે શિક્ષણ. આનું લક્ષ્ય હતું વ્યક્તિગત, સામાજિક, બિનસાંપ્રદાયિક અને આધ્યાત્મિક કક્ષાએ જીવનને વધારે સારું બનાવવાનું શિક્ષણ જીવનપરિવર્તનનું સાધન હતું. આ વિદ્યા જ સાચી મુક્તિ અપાવી શકે (सा विद्या या विमुक्तये।)

જ્ઞાનપિપાસા

શિક્ષણને વિદ્યા એવું નામ આપવામાં આવ્યું હતું. એનો અર્થ છે જ્ઞાનની પ્રાપ્તિ, નિશાળે જવાની ઉંમર થાય, તે પછી દરેક બાળકને માટે તે ફરજિયાત ગણવામાં આવતી હતી. સમાજનો પરિવેશ આ પ્રકારની જ્ઞાનપિપાસાને જન્મ આપતો હતો. છાન્દોગ્ય ઉપનિષદમાં સત્યકામની જાણીતી વાત આવે છે. શાળાએ જવાની ઉંમરનો તે છોકરો પોતાની માતાને કહે છે: ‘મા, મારે ગુરુજી પાસે ભણવા જવું છે. તેથી મને મારા બાપદાદા વિષે માહિતી આપો (જો ગુરુજી મને પૂછે તો મારે કહેવા થાય).’ તત્કાલીન પ્રથામાં જ્ઞાની ગુરુના અંતેવાસી બની રહેવાનું હતું અને તે જે કોઈ વિષય ભણાવી શકે તે ભણવાનું હતું. આ પદ્ધતિને ગુરુકુળ પદ્ધતિ કહેવામાં આવતી હતી.

બે પ્રકારનું જ્ઞાન

વિદ્યાર્થીએ ક્યા ક્યા વિષયો ભણવાના હતા? મુંડક ઉપનિષદમાં ગુરુ વિષયો આ રીતે ગણાવે છે: ચારેય વેદો, ધ્વનિશાસ્ત્ર, બાંધકામનું શાસ્ત્ર, વ્યાકરણ, વ્યુત્પત્તિશાસ્ત્ર, કાવ્ય અને ખગોળવિદ્યા. આને અપરા વિદ્યા અથવા નિમ્ન કક્ષાનું જ્ઞાન કહે છે. આનાથી સાવ અલગ પરા વિદ્યા (ઉચ્ચ પ્રકારનું જ્ઞાન) છે. તેના દ્વારા પોતાના અવિનાશી આત્માનો માણસે સાક્ષાત્કાર કરવાનો હોય છે.

આ રીતે શિક્ષણની વૈદિક પદ્ધતિ બે કક્ષાનું જ્ઞાન પ્રદાન કરતી હતી. એકમાં ઇન્દ્રિયોના વિષયોને લગતું જ્ઞાન હતું; અર્થાત્ બધી જાણીતી વિદ્યાઓ, માનવવિદ્યાઓ, કલાઓ અને તે સમયની હસ્તકલાઓ. બીજું બ્રહ્મ વિષેનું જ્ઞાન હતું. બ્રહ્મ એ સર્વ સૃષ્ટિમાં સ્થૂળરૂપે રહેલું દિવ્ય તત્ત્વ છે. આ સ્થૂળ તત્ત્વ એ જડ વસ્તુ નથી, પણ અનન્ત અમર શુદ્ધ ચૈતન્ય છે. બ્રહ્મમાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થયેલી છે, બ્રહ્મમાં જ એ રહે છે અને પ્રલય સમયે બ્રહ્મમાં જ લીન થઈ જાય છે. (यतो वा इमानि भूतानि जायन्ते, येन जातानि जीवन्ति, यत् प्रयन्त्यभिसंविशन्ति । तैतरिय उपनिषद  ३.१.१) વળી આ બ્રહ્મ જ મનુષ્યનો અને બધાં ભૂતોનો આત્મા છે. પરા વિદ્યા ઉચ્ચકક્ષાનું જ્ઞાન – મેળવતી વખતે દરેક વિદ્યાર્થીએ આ શીખવાનું હોય છે. જ્યાં સુધી આ બન્ને કક્ષાનું જ્ઞાન મળી ન રહે ત્યાં સુધી શિક્ષણ પૂરું થયું છે, એમ માનવામાં આવતું ન હતું. વિદ્યાર્થી માત્ર શાસ્ત્રો, કલાઓ, બાંધકામશાસ્ત્ર, કે તાંત્રિકવિદ્યા જાણી લે તે પૂરતું ન હતું. એ સાચું છે કે આ વિદ્યાઓ તેને પદાર્થો તેમજ કુદરતનાં પરિબળો પર પ્રભુત્વ આપતી હતી. પરંતુ નિયંત્રણ પદ્ધતિ વિનાના પ્રભુત્વનો ઉપયોગ સલામત રીતે કરી શકાતો નથી. પોતાના જ્ઞાનનો ઉપયોગી હેતુ માટે માણસ પાસે વિનિયોગ કરાવી શકાય અને કદી અન્યથા નહીં, એવી નિયંત્રણ પદ્ધતિ માણસમાં કઈ છે? માણસ પરા વિદ્યા – ઉચ્ચપ્રકારના શિક્ષણ- દ્વારા જે ચારિત્ર્ય અને સંસ્કાર મેળવે છે તે. આ ઉચ્ચ પ્રકારની વિદ્યા શીખવે છે કે બધાં જીવોમાં એક વૈશ્વિક આત્મા વ્યાપીને રહેલો છે, વ્યક્તિનો આત્મા આ વૈશ્વિક આત્માનો અંશ છે અને તેથી વ્યક્તિનો આત્મા અને સમષ્ટિનો (કે સમાજનો) આત્મા બે જુદાં તત્ત્વો નથી; પણ એક સમગ્ર તત્ત્વ છે. આથી ફેફસાંને જેમ શ્વાસોચ્છ્વાસ કુદરતી હોય છે, તેમ સાચા જ્ઞાનીને બંધુપ્રેમ સહજ રીતે સ્ફુરે છે; કેમકે તેને લાગે છે કે બધાં જીવો અને પોતે વૈશ્વિક આત્મામાં એક જ છે. આપણે જાણીએ છીએ કે શરીર દ્વારા બધા અવયવો એકબીજા સાથે જોડાયેલા છે અને એક અવયવને ઇજા થાય તો બીજા અવયવોને પણ ઈજા થશે જ. આ રીતે પ્રેમ, કરુણા અને માનવસેવાનો પ્રવાહ સાચા સુશિક્ષિત માણસના ચારિત્ર્યમાં કુદરતી રીતે જ વહ્યા કરે છે. તેની સમજદારી આ પ્રકારે જ ઘડાયેલી હોય છે. સારા શિક્ષક પાસેથી તેણે આ જીવનમૂલ્યોને આત્મસાત્ કરેલાં હોય છે.

શિક્ષણ દ્વારા જીવન-મૂલ્યો

આ રીતે પરા વિદ્યાને આપણે અધ્યાત્મ વિદ્યા કહી શકીએ. (એ પરા વિદ્યા) માણસે વિજ્ઞાન અને તંત્ર વિદ્યાના જ્ઞાનથી શક્તિઓ હાંસલ કરી હોય તેમને માનવજાતના કલ્યાણની દિશામાં વાળવા માટેની કાબૂ ધરાવતી અને નિયંત્રણ કરતી શક્તિ બની રહે છે. આવો સમજુ માણસ કદી વિનાશ માટે અણુબોંબનો ઉપયોગ નહીં કરે અથવા સંપત્તિનો ઉપયોગ અન્યને ગુલામ બનાવવામાં નહીં કરે કે નિર્દોષ પ્રજાજનોનો કચ્ચરઘાણ કાઢી નાખવા માટે સૈન્યનો ઉપયોગ નહીં કરે. પરા અને અપરા વિદ્યાનો સુમેળ સાધીને આપવામાં આવેલા સંપૂર્ણ શિક્ષણ પાસેથી ઉપલબ્ધ થયેલી આ જીવન મૂલ્ય-પદ્ધતિ છે.

એકાગ્રતા

અભ્યાસના વિવિધ વિષયો પર પ્રભુત્વ મેળવવાની બાબતમાં મનની એકાગ્રતા કેવી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તે આપણે જાણીએ છીએ. જેમ જેમ મનની એકાગ્રતા વધતી જાય છે, તેમ તેમ નિરીક્ષણમાં ઊંડાણ આવતું જાય છે, વધારે મોટા પ્રમાણમાં જ્ઞાનની પ્રાપ્તિ થતી જાય છે અને એની સાધના ઝડપથી કરી શકાય છે. આથી શિક્ષણમાં મનની એકાગ્રતાને જીવન-મૂલ્ય તરીકે ભારપૂર્વક રજૂ કરવામાં આવે છે. ધનુર્વિદ્યાના રાજા મહાભારતના અર્જુનને દૂરના વૃક્ષ પરના પક્ષીની આંખનો વધ કરવાનું કહેવામાં આવે છે. જ્યારે તે પક્ષીની આંખ સિવાય અન્ય કોઈ વસ્તુને જોતો નથી, ત્યારે જ સફળતાપૂર્વક નિશાન પાડી શકે છે. મનની સાચી એકાગ્રતા નિરીક્ષણ હેઠળના વિષય સિવાયના ઇન્દ્રિયોના અન્ય વિષયોને દૂર હડસેલી મુકે છે. સ્વામી વિવેકાનંદના જીવનમાંથી મનની એકાગ્રતાના ઘણા બધા દાખલા મળી આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે સ્વામીજી વિદ્યુતની ઝડપે વાંચતા અને એક જ વાર વાંચીને અનેક ગ્રંથોનો અભ્યાસ કરવાની તેમની શક્તિ અદ્‌ભુત હતી.

બ્રહ્મચર્ય

ધ્યાનની એકાગ્રતા માત્ર વિશુદ્ધ મનમાં ઉદ્ભવી શકે છે. મનની વિશુદ્ધિનો અર્થ છે મનનું વાસના અને અહીંતહીં ભટકવાની ટેવમાંથી મુક્ત હોવું. વાસનાઓ બે પ્રકારની હોય છેઃ સ્થૂળ અને સૂક્ષ્મ, સ્થૂળ પ્રકારની વાસનાઓનો સંબંધ ઇન્દ્રિયોના વિષયોના ઉપયોગ સાથે હોય છે અને સૂક્ષ્મ વાસનાઓ નામના, સત્તા અને પદ સાથે સંબંધ ધરાવતી હોય છે. સ્થૂળ પ્રકારની વાસનાઓમાં અગ્રણી છે જાતીય ઉપભોગોની વાસના. આથી વિષયવાસના પર નિયંત્રણ રાખવું એટલે બીજી બધી વાસનાઓ પર નિયંત્રણ રાખવું. આથી વિદ્યાર્થી જાતીય બાબતોમાં કેટલું પાવિત્ર્ય જાળવી શકે છે, તેના પર તેના મનની વિશુદ્ધિનો ઘણો બધો આધાર રહે છે. ભારતીય શિક્ષણપદ્ધતિ વિષયવાસનાના ઊર્ધ્વીકરણ માટે જુદી જુદી રીતો સૂચવે છે. વિજાતીય સભ્યો પ્રત્યે માનના યોગ્ય અભિગમો અપનાવવાની અને પૂજ્યતાનો ભાવ કેળવવાની સૂચનાઓનો તેમાં સમાવેશ થઈ જાય છે. પોતાની અંદર અને બીજાઓમાં રહેલી દિવ્ય ચેતના પર ધ્યાન ધરવાથી ‘હું પોતે સ્થૂળ શરીર છું’ એ ખોટી ભાવનાનું સ્થાન ‘હુંઆત્મા છું’ એ ભાવના લઈ લે છે, અને આત્મા તો સ્ત્રી કે પુરુષ એવી જાતિ અને સ્વરૂપથી પર હોય છે. જો વિદ્યાર્થી પોતાની ફરજો બજાવવામાં, ઊંડા અભ્યાસમાં અને ધ્યાનમાં વ્યસ્ત રહે, તો મોટે ભાગે આ પ્રક્રિયા તેને બ્રહ્મચર્યમાં સ્થિર રહેવાની બાબતમાં સહાયરૂપ બની રહે છે. બ્રહ્મચર્ય જ્ઞાનને ગ્રહણ કરવાની અને ધારણ કરવાની શક્તિમાં વૃદ્ધિ કરે છે. વિદ્યાર્થી ગુરુ પાસેથી જે કાંઈ સાંભળે છે, તેને યાદ રાખી શકે છે. આ રીતે એકાગ્રતા અને વિચારોને આત્મસાત્ કરવાં એ શિક્ષણનાં મુખ્ય લક્ષણો છે.

સત્યપ્રિયતા

હવે બીજું મહામૂલ્ય આવે છે અને તેના પર ખૂબ ભાર દેવામાં આવ્યો છે, તે છે સત્યપ્રિયતા – સાચાબોલા હોવું. તૈત્તિરીય ઉપનિષદમાં આપણે વાંચીએ છીએ કે શિક્ષણ પૂરું કરીને બહાર જતા શિષ્યને ગુરુ શીખ આપે છે: ‘સાચું બોલો, ધર્મનું આચરણ કરો, અધ્યયનની બાબતમાં પ્રમાદ ન કરો, જ્ઞાનપ્રસારના કાર્યમાં ગુરુજીને તમારી સમૃદ્ધિ દ્વારા મદદરૂપ થાઓ અને ગૃહસ્થ બનીને સારી સંતતિ ઉત્પન્ન કરો. વળી દાન આપો….આપો…આપો. સત્યપ્રિયતાનો અર્થ છે વિચાર, વાણી અને કાર્યમાં સીધાપણું – નિષ્કપટ થવું. એનો અર્થ થાય છે ઉમદા અને માત્ર સુસંબદ્ધ વિચારો જ સેવવા અને જ્યારે જરૂર ઊભી થાય ત્યારે તેમને નિશ્ચિત શબ્દોમાં રજૂ કરવા અને પોતાના વિચારો સાથે સુસંવાદી હોય તેવાં કાર્યો કરવાં. આ રીતે સત્યપ્રિય માણસની વાણીની પાછળ તેનું સમગ્ર વ્યક્તિત્વ પીઠબળ પૂરું પાડતું રહે છે. તેથી તે પરિણામદાયક બન્યા વિના રહી શકે જ નહીં. યોગસૂત્ર કહે છે કે સત્યપ્રિયતા સિદ્ધિમાં જ પરિણમતી હોય છે. (सत्यप्रतिष्ठायां क्रियाफ़लांश्रयत्वम् २.३६) સાચું કહીએ તો સર્વોચ્ચ જ્ઞાનનો સાક્ષાત્કાર કરવામાં સત્યપ્રિયતા સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ કહે છે, ‘જે માણસ હંમેશ સત્ય બોલે છે, તે જાણે કે ભગવાનના ખોળામાં બેઠો છે.’ સાચાબોલા માણસની વાણી પોતાનો પ્રભાવ પાડ્યા વિના રહેતી નથી; કહેવાનો ભાવાર્થ એ છે કે તે સાંભળનારાના હૃદય ઉપર પોતાના સદાશયની છાપ પાડી શકે છે, તેના વ્યથિત મનને આશીર્વાદ દ્વારા મદદરૂપ બની રહે છે અને બોલનારને પોતાને ભયમુક્ત બનાવી દે છે. આવા સત્યપ્રિય માણસ સમક્ષ વધારે સત્યો પોતાની મેળે પ્રકટ થાય છે. આમ શિક્ષણમાં સત્યપ્રિયતા એ મોટું જીવન-મૂલ્ય છે.

સત્યપ્રિયતા પ્રામાણિકતા, નિયમિતતા, સ્વચ્છતા, વ્યવસ્થિતતા, સાદગી વગેરેની જનની છે. સત્યપ્રિયતા કપટ, લુચ્ચાઈ અને દંભનો પ્રતિકારક રક્ષક છે. સાધકને તે ઘણાં ખોટાં પગલાં ભરતો અટકાવી દે છે. જ્ઞાનનો દેખાવ ધારણ કરવા કરતાં નક્કર જ્ઞાન મેળવવામાં એ તેને મદદરૂપ બની રહે છે. પોતાની નિષ્ફળતાઓનો સ્વીકાર કરવાની આંતરિક વૃત્તિને તે જન્મ આપે છે અને એ રીતે તેને સુધરવાની તક મળી રહે છે. સાચો સાધક એટલો નમ્ર હશે કે જ્યારે પોતે ખોટું કર્યું હોય ત્યારે તે ક્ષમા માગી લે. આ મહા ગુણ ગુરુના પ્રેમ અને આશીર્વાદને આકર્ષી શકે છે.

તપસ્યા

આપણે શિક્ષણપ્રાપ્તિમાં તપસ્યાને પણ મહત્ત્વનું સ્થાન આપીએ છીએ. તૈત્તિરીય ઉપનિષદ કહે છે: ‘તપ દ્વારા બ્રહ્મને જાણી લો.’ અગાઉ આપણે જોયું એ રીતે સત્યપ્રિયતા પોતે જ મહાન તપસ્યા છે. મહાનારાયણ ઉપનિષદ કહે છે : ‘સત્ય તપ છે. ખરેખર એમ જ છે,’ શ્રીરામકૃષ્ણદેવ પણ કહે છે : ‘કલિયુગ (આધુનિક યુગ) માટે સત્યપ્રિયતા એ જ તપશ્ચર્યા છે’

તપસ્યા એટલે શું અને તેનો હેતુ શો છે? તપ એટલે તપસ્યાનો શબ્દશઃ અર્થ છે ‘બળવું’ અથવા ‘ગરમીથી પીગળવું.’ વિદ્યાર્થીએ મનને સુસ્તી, કામવાસના, અહીંતહીં ધસડી જતા વિચારો, નકલી તરંગો અને ભ્રમમૂલક કલ્પનાઓથી મુક્ત કરવાનું હોય છે. જ્યારે આ પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે પિગાળેલી ધાતુની જેમ મન ગુરુ દ્વારા ઈચ્છિત આકારને ધારણ કરે છે. તે ગુરુના શબ્દોના સાચા આશયને આત્મસાત્ કરી શકે છે. વિદ્યાર્થી ગુરુના ઉપદેશને ગ્રહણ કરવા તત્પર બની રહે છે. વિદ્યાર્થીનું મન જાણે કે ગુરુજીના પ્રબુદ્ધ મનનો આકાર ધારણ કરી લે છે. શ્રીરામકૃષ્ણદેવ બંગાળીમાં એક ગીત ગાતા રહેતા, ‘મા, હું તમને મારા મનના ઢાંચામાં ઢાળી દઈશ અને પછી તેમાંથી તમારી મૂર્તિ બહાર કાઢીશ.’

શરીરને ખડતલ અને કાર્યદક્ષ બનવાની તાલીમ આપવી, વહેલા સૂઈ જવું અને વહેલા ઊઠી જવું, આ રીતે ઊંઘ પર કાબુ મેળવવો, પહેરવેશ અને પથારીપાથરણમાં સાદગી આચરવી, ખાવાપીવાની બાબતમાં સંયમ રાખવો, માંદા હોઈએ ત્યારે કે આપણાં કુકર્મોની સજા સહન કરવાની વેળા આવે ત્યારે શાન્તિથી સહન કરી લેવું – આ બધાંને શિક્ષણના એક આવશ્યક ભાગ તરીકે આચરવામાં આવશે ત્યારે તે જ તપસ્યા બની રહેશે અને સાધકને કાર્યદક્ષ અને ખડતલ બનવામાં મદદરૂપ બની રહેશે.

વ્યાયામ માટે રુચિ

ઉમદા સાહિત્યના વાચન માટેની રુચિ કેળવવાથી, ભક્તિ સંગીત ગાવાથી, સુરુચિપૂર્ણ કલાસ્વરૂપોનો જન્મ આપવાથી, તંદુરસ્ત અને મહેનત કરાવે તેવાં કુસ્તી, રમતગમત, લાંબા પ્રવાસો, તરણ, દોડ અને તેવા બીજા વ્યાયામો વગેરે દ્વારા હીન ભાવનાઓનું ઊર્ધ્વીકરણ સાધી શકાય છે. કિશોરાવસ્થાથી જ શરીરને તાલીમ આપવાનો શોખ કેળવવો જોઈએ.

વિશુદ્ધ પ્રેમ

પ્રેમરૂપી જીવન-મૂલ્યનું આકર્ષણ પ્રત્યેક યુવાનને હોય છે, પણ લગભગ બધા કામવાસનાને ભ્રમથી પ્રેમ માની બેસે છે. કામવાસના તો સ્વાર્થપૂર્ણ, ઈર્ષ્યાળુ અને દુઃખપરિણામી હોય છે. શિક્ષણ આપનારા મહાનુભાવોએ યુવાનોને ગરીબોની, પીડિતોની અને જરૂરિયાતવાળા લોકોની સેવામાં લગાડવા જોઈએ. જો આમ થશે તો જ યુવાનોને નિઃસ્વાર્થ પ્રેમ શું છે તેના સ્વાદની ખબર પડશે. આ અનુભવ દ્વારા વિદ્યાર્થીને શિક્ષણ આપવું જરૂરી બની રહે છે કે કૃતજ્ઞતા માટેની કોઈ પણ અપેક્ષા કે ઉપકાર માટે આભારની લાગણીનો આગ્રહ ન રાખવો જોઈએ. પૈસા કે કૃપા સામે પ્રેમનો વિનિમય કરી ન શકાય. પ્રેમમાં કામવાસના, અદેખાઈ, હરીફાઈ કે નિયંત્રણને કોઈ સ્થાન ન હોવું જોઈએ. પ્રેમ એટલે તો સ્વાતંત્ર્ય અને આનંદ જ. બધા યુવાનો વચ્ચેના પ્રેમસંબંધો પિતા, માતા, બહેન, ભાઈ કે બાળકની સાથે હોય તેવા વિશુદ્ધ કક્ષાના હોવા જોઈએ.

સંગીત માટે પ્રેમ

માણસની હીન ભાવનાઓનું સહેલાઈથી ઊર્ધ્વીકરણ કરી શકે તેવું આ બીજું જીવન-મૂલ્ય છે. શિક્ષણમાં આ વિષય અનિવાર્ય હોવો જોઈએ. આ લેખના લેખકને કૉલેજના એક વિદ્યાર્થીના કિસ્સાની માહિતી છે. તે વિદ્યાર્થી પાસે ગીતોનું એક પુસ્તક હતું. પોતે શાળામાં વિદ્યાર્થી હતો ત્યારે અમારી શાળામાં તે ગાતાં શીખી ગયો હતો. એક વખત પોતાના કૉલેજ હૉસ્ટેલજીવન દરમ્યાન તે ખૂબ હતાશ થઈ ગયો, કેમકે તેને ઘરથી ખૂબ દૂરના વિસ્તારમાં રહેવું પડતું હતું. પણ પેલા પુસ્તકમાંનાં કેટલાંક ગીતો ગણગણવાને લીધે તે હતાશામાંથી મુક્ત થઈ ગયો, જાણે કે પોતે કોઈ માનસચિકિત્સક પાસે સારવાર લીધી હોય! આ રીતે સંગીત વિદ્યાર્થીનો ખાનગી માનસચિકિત્સક બની શકે. એ સાધક સાથે ચોવીસેય કલાક અને આખી જિંદગી જોડાયેલ રહે છે.

પ્રાર્થના

બીજું સોનેરી જીવનમૂલ્ય છે પ્રાર્થના. વેદના ઋષિઓએ ઋગ્વેદનાં અને સામવેદનાં સૂક્તોમાં પ્રાર્થનાઓ જ કરી છે. જયદેવ, કબીર, સૂરદાસ, મીરાંબાઈ, નાનક, ચૈતન્ય, શ્રીરામકૃષ્ણ અને તેમના સમુદાયના સંદેશવાહક મહાસંતો પ્રાર્થના દ્વારા દિવ્યાનંદની અનુભૂતિ કરતા હતા. જીવનને ઊર્ધ્વગામી બનાવતું પ્રાર્થનાઓનું સાહિત્ય જુવાન માણસોને પણ તત્ત્વજ્ઞાનના સત્યોનો બોધ કરાવી શકે છે. ઘણી વાર કહેવામાં આવે છે, તેમ પ્રાર્થના એ કાંઈ યાચના નથી, પણ એ તો ભગવાન પાસેથી આપણો પૈતૃક વારસો માગવાની અને તેની યાદ આપવાની પ્રક્રિયા છે. અને ભગવાન તો આપણા પ્રિય પિતા અને માતા બન્ને છે.

વેદોમાં એક મહાન વૈશ્વિક પ્રાર્થના આવે છે. બધા સાધકોએ નાતજાત, સ્ત્રીપુરુષ આદિ લિંગો, જ્ઞાતિ કે વર્ણના ભેદભાવો વિના પુનઃ પુનઃ યાદ કરવા જેવી છે. તે ગાયત્રી મંત્ર છે : ‘અમે દેવ સવિતાના દૈવી તેજનું ધ્યાન ધરીએ છીએ. તે ભૂઃ ભુવઃ સ્વઃ ત્રણેય લોકમાં વ્યાપીને રહેલું છે. તે અમારી બુદ્ધિને તેજસ્વી બનાવો’ (ઓમ ભૂર્ભુવઃ સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ। ધિયો યો નઃ પ્રચોદયાત્ ।) જ્યારે નિયમિત રીતે આવી પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે વ્યક્તિગત બુદ્ધિમત્તા વૈશ્વિક બુદ્ધિમત્તાને આત્મસાત્ કરી લે છે. નિયમિત સમયાંતરે ગાવાનો મહાવરો કરવો એટલે ઓછામાં ઓછું સવાર અને સાંજના સમયે ગાન કરવું અને સાથે સાથે તેના અર્થ વિષે પણ વિચાર કરતા જવો. એ જ ભારતીય શિક્ષણપદ્ધતિ પ્રત્યેક સાધકને તેની અંદર રહેલી સુષુપ્ત સમજશક્તિને પ્રબુદ્ધ કરવા માટે શીખવે છે. છેલ્લાં દશ વરસ દરમ્યાન આપણા દેશના લોકોમાં આ મંત્ર માટે એકાએક રસ ઉત્પન્ન થયો છે, અસંખ્ય શાળાઓ, કૉલેજો અને જાહેર પ્રાર્થનાનાં સ્થળોએ આ મંત્રનું નિયમિત ગાન શરૂ કર્યું છે અને તેને લીધે ઉજ્જવળ ભવિષ્યની આગાહી કરી શકાય છે.

શ્રદ્ધા

શિક્ષણપ્રણાલીમાં શ્રદ્ધા એ બીજું જીવનમૂલ્ય છે. તેના પર બહુ ભાર દઈને કહેવું જરૂરી નથી. વિદ્યાર્થીની બાબતમાં શ્રદ્ધા એટલે પોતાના ગુરુમાં શ્રદ્ધા એટલો જ અર્થ નથી; કોઈ પણ ભોગે જ્ઞાન પ્રાપ્ત કરવાની દુર્દમ્ય તૈયારી એવો પણ અર્થ છે જ. શ્રદ્ધા એટલે આત્મવિશ્વાસ. પોતાના વ્યક્તિગત જીવાત્મા પાછળ રહેલી, કદી નિષ્ફળ ન જનારી વૈશ્વિક શક્તિમાં પણ વિશ્વાસ એવો યે એનો અર્થ છે. આ આત્મવિશ્વાસ (કે શ્રદ્ધા) નિષ્ફળતાનો પ્રતિકાર સ્મિત વડે ફરી શકે છે અને નવી આશા વડે આગળ ધપવાની કોશિશોમાં તાજગી બક્ષે છે. શ્રદ્ધાવાન મનુષ્ય સાધનસામગ્રીવાળો હોય છે. તેને માટે કોઈ વિઘ્ન દૂર ન કરી શકાય તેવું હોતું નથી. શ્રદ્ધા એટલે કોઈ પણ પ્રકારની જવાબદારી દક્ષતાપૂર્વક અને ત્યાગની ભાવના સાથે કરવાની ક્ષમતા-શ્રદ્ધા-જાણે કે પારસમણિ છે. તે ગમે તે વિઘ્નનું સફળતાના પ્રાથમિક સોપાનમાં પરિવર્તન કરી દે છે.

એક માત્ર લક્ષ્ય – શાણપણ

માત્ર જ્ઞાન જ નહીં; પણ શાણપણને સમગ્ર શિક્ષણનું લક્ષ્ય માનવામાં આવે છે. શાણપણ એટલે શું કાયમી છે અને શું નહીં, તે જાણવાની અને અનિત્ય વસ્તુનો ત્યાગ કરવાની ક્ષમતા, સાધકના જીવનના શરૂઆતના તબક્કાઓમાં સાધક પોતે જે પરિવેશમાં આવી પડ્યો હોય તેનાં આદર્શ ચરિત્રોનું અનુકરણ કરવાથી આ શક્ય બને છે. દા.ત. ભારતીય સંદર્ભમાં રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત, નાનક, ચૈતન્ય, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ આ પ્રકારનું શાણપણ વિકસાવવામાં સહાયરૂપ બની શકે. વિદ્યાર્થી-જીવન દરમ્યાન બધા ધર્મના સંસ્થાપકો તરફ કેળવવામાં આવેલો આદર આ દેશની સામાજિક અને ધાર્મિક કોમો વચ્ચેની ખાઈને ટુંકાવી શકે. શાણપણરૂપી વૃક્ષનું મીઠું ફળ ધાર્મિક સુસંવાદિતા છે. મને એક અનુભવ યાદ આવે છે.

અરુણાચલ પ્રદેશ રાજ્યમાં અમારા છાત્રાલયમાં ઘણા વખતથી આદિવાસી કિશોરો એક સરખા કદની અને યજ્ઞવેદી પર સુશોભિત કરેલી હોય તેવી કેટલાક પયગંબરોની તસવીરો સામે ઊભા રહીને હંમેશની પ્રાર્થના કરે છે. એ તસવીરો છે શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ, ઈસુ, બુદ્ધ, નાનક અને જરથુસ્તની. અમારું નિરીક્ષણ એવું છે કે અમારી શાળામાં થોડાંક વરસ પસાર કર્યા પછી વિદ્યાર્થીઓને અનુભૂતિ થાય છે અને તેઓ કહે છેઃ ‘અમે રામકૃષ્ણ મિશનના છીએ, તેથી બધા ધર્મો અમારા છે.’ આવા ઉદાર અભિગમ માટે તેઓને ધાર્મિક સુસંવાદિતાનું કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી. આપણા દેશના બધા વિદ્યાર્થીઓમાં આ ઉદાર અભિગમનું મહાન જીવન-મૂલ્ય મનમાં ઉતારવું જરૂરી છે. આનું લક્ષ્ય છે દેશના સામાજિક અને ધાર્મિક ઢાંચાને મજબૂત બનાવવાનું.

ઉપસંહાર

ધર્મ એટલે ચારિત્ર્યનો વિકાસ એવો અર્થ આપણો વિદ્યાર્થીઓને સમજાવવાની જરૂર છે. અને આ ચારિત્ર્યના સદ્‌ગુણો છે – આત્મસંયમ, નિઃસ્વાર્થ સેવા, દરરોજની પ્રાર્થના, બધા લોકો પ્રત્યે પ્રેમ રાખવો અને તેમને જરૂરત સમયે સહાયરૂપ થવું. પ્રત્યેક ધર્મનું આ સાચું હાર્દ છે. ‘ધાર્મિક ઉપદેશનું સામાન્ય પુસ્તક’ તૈયાર કરવા માટે બધા ધર્મના વડાઓએ ભેગા થવું જોઈએ. આ પુસ્તકમાં કોઈ પણ ધર્મનો વિરોધ ન થાય તે રીતે ઉપર્યુક્ત જીવનમૂલ્યો કેળવવામાં મદદરૂપ થઈ શકે તેવા ઉપદેશો એકત્ર કરવા જોઈએ. બધાં ધાર્મિક જૂથો વચ્ચે ભાઈચારાપૂર્ણ પ્રેમ લાભકારક રીતે સાધી શકાય એ આ જમાનાની જરૂરિયાત છે. આપણે જેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓના હૃદયમાં સાચો ધર્મ ઉતારી શકીશું તેટલા પ્રમાણમાં આપણા દેશમાં દેખાતા સડાને દૂર કરવામાં ચોક્કસ સફળ થઈશું. ૧૮૩૬માં મૅકૉલે આ દેશને હિન્દુ હોવા છતાં સંસ્કારે હિન્દુ ન હોય તેવો બનાવવા માગતો હતો; વિચિત્ર યોગાનુયોગ એ થયો કે તે જ વર્ષમાં શ્રીરામકૃષ્ણનો જન્મ થયો અને તેમણે મૅકૉલેની પદ્ધતિ સામે બળવો પોકાર્યો. પુસ્તકિયા ભણતરને મહત્ત્વ આપવાનો તેમણે ઇન્કાર કર્યો. તેમની ઇચ્છા પ્રાચીન વૈદિક શિક્ષણપ્રથાને અપનાવવાની હતી. તેમાં શ્રવણ, ગાન, સ્મરણ, ધ્યાન કેન્દ્રિત કરવું, સેવા કરવી અને આત્મત્યાગ કરવો એ મુખ્ય અંગો હતાં. તેઓ આધ્યાત્મિકતાના સુંદરમાં સુંદર પુષ્પરૂપે ખીલી ઊઠ્યા. મહાભારતના શ્રીકૃષ્ણના મહાન અવતાર પછી આ સૌથી મોટો અવતાર તેમનો થયો છે. જગત પર શ્રીરામકૃષ્ણના પ્રભાવને મૅક્સમૂલર, રોમાં રોલાં જેવા મહાન વિદ્વાનોએ તથા ડૉ. આર્નોલ્ડ ટૉયન્બી જેવા ઇતિહાસકારોએ માન્ય રાખ્યો છે. ભારતની આધ્યાત્મિક શિક્ષણ પદ્ધતિને અનુસરીને સ્વામી વિવેકાનંદ તથા ગાંધીજી આપણા રાષ્ટ્રના સૌથી મોટા નેતાઓ તરીકે ઊભરી આવ્યા હતા. તેની વિરુદ્ધ જોઈએ તો આપણા રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પછી જે ત્રણ પેઢીઓએ મૅકૉલેપદ્ધતિનું શિક્ષણ લીધું છે, તેનો આંકડાકીય રીતે અભ્યાસ કરી શકાય. આથી આપણે જોઈ શકીશું કે એક પછી બીજી પેઢી પોતાની પુરોગામી પેઢી કરતાં નૈતિક બાબતો તથા દેશપ્રેમની બાબતમાં પ્રમાણમાં નીચે અને વધારે નીચે જતી ગઈ છે! એ કાળમાં લોકોને શિક્ષણ (જે શિક્ષણ આજનો દિવસ સુધી ઊતરી આવ્યું છે) આપવાના સંદર્ભમાં ભગિની નિવેદિતાએ લખ્યું છે : ‘કોઈ પણ પ્રકારના ઉચ્ચતર જીવન સામે દરવાજા બંધ કરી દેવા એ કોઈ પણ ખૂન કરતાં મોટું પાપ છે; કેમ કે તેનો અર્થ થાય કે આધ્યાત્મિક મૃત્યુ માટેની, આંતરિક બંધન માટેની જવાબદારી અને પરિણામે અવર્ણનીય વિનાશ!’

શિક્ષણપ્રથામાં વણી લેવામાં આવેલાં આ જીવનમૂલ્યો જ આપણને ભગિનીએ કહેલા આ અવર્ણનીય વિનાશમાંથી ઉગારી શકે.

ભાષાંતર : શ્રી ચંદુભાઈ ઠકરાલ

(રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ નવે. ડિસે. ’૯૫માંથી સાભાર.)

* * * * * *

કેળવણી એ કોઈ માહિતીનો ઢગલો નથી કે જે તમારા મસ્તકમાં ભરાઇને, વણપચ્યો રહીને જીવનભર ગરબડ મચાવ્યા કરે. જીવનનું ઘડતર કરે, મનુષ્યને સાચો મનુષ્ય બનાવે, તેના ચારિત્ર્યનું નિર્માણ કરે એવા વિચારોને આપણે આત્મસાત્ ક૨વા જોઈએ. જો તમે માત્ર પાંચ જ વિચારોને આત્મસાત કરો અને એમને તમારા જીવન તથા ચારિત્ર્યનું કેન્દ્ર બનાવો તો ખાતરી રાખજો કે આખુંયે પુસ્તકાલય ગોખી રાખનાર મનુષ્યનાં કરતાં તમે વધુ કેળવણી પ્રાપ્ત કરી છે.

– સ્વામી વિવેકાનંદ

Total Views: 460

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.