પ્રેમ કટારી આરંપાર,
નિક્સી મેરે નાથકી,

ઔરકી હોય તો ઓખધ કીજે,
આ તો હરિકે હાથકી.-

ચોધારીનો ઘાવ ન સૂઝે, જો જોયેં કોણ જાતકી,
આંખ મીંચી ઉઘાડી જોયું, વા૨ નો લાગી વાતકી.

– પ્રેમ.

સઈ, જોયું મેં શામળા સામું, નીરખી કળા નાથકી,
વ્રેહને બાણેં પ્રીત્યેં વીંધ્યા, ઘાવેડી બહુ ઘાતકી.

– પ્રેમ.

ઓખધ બૂટી પ્રેમની સોઈ, જો પીવે એક પાતકી,
રાતદિવસ રંગમાં ખેલે, રમતું ઈ રઘુનાથકી.

-પ્રેમ.

દાસી જીવણ ભીમ પ્રતાપે, મટી ગઈ કુળ જાતકી,
ચિતડાં હર્યાં શામળે વા’લે, ધરણીધરે ઘાતકી.

– પ્રેમ કટારી આરંપાર
નિક્સી મેરે નાથકી.

– દાસી જીવણ

આપણે ત્યાં કબીરની નિરંજની ઉપાસનાનો આંબો ભાણસાહેબે વાવ્યો. એક પછી એક રવિ-ખીમ-મોરા૨ જેવા સદ્ગુરુઓના સિંચને આંબો ઘટાટોપ જામ્યો. પણ આશ્ચર્ય તો એ કે આ મહાવૃક્ષની ટગલી ડાળે ફળ આવ્યું તો એ મધુર ભક્તિનું. દાસી જીવણરૂપે જાણે રાધિકાનું હૃદય ઝૂલવા લાગ્યું. બીજી રીતે કહીએ તો ભાણસાહેબે ‘શૂન્ય મહલ’નો દીવો પેટાવ્યો, રવિસાહેબે નિર્ગુણ સેજ બિછાવી અને છેવટે આ નિર્ગુણ સેજ પર જીવતા-જાગતા મોહનવરને પધરાવ્યા દાસી જીવણે. એક ભજનમાં તેણે ગાયું છે:

‘સામળા કારણ સેજ બિછાવું,
વ્રજ થકી બોલાવું,

મેરમજી મારે મંદિર પધારે,
પ્રેમ થકી પધરાવું,

મારા નાથનાં નેણાં ઉપરે
હું તો ઘડીએ ધોળી જાઉં.’

ભજનના કેટલાક પ્રકારોમાં આરાધ, પ્યાલો, ચેતવણી, ચાબખો વગેરેની જેમ કટારી પણ એક પ્રકાર છે. આપણા ઘણા ભજનિક સંતોએ કટારી ગાઈ છે. એમાં આ ભજન જીવણસાહેબની કટારી છે. એક બીજી પણ વેધક કટારી તેમણે ગાઈ છે:

‘કલેજા કટારી રે,
રૂદિયા કટારી રે,
માડી, મુંને માવે લૈને મારી.’

પરમ પ્રિયતમના વિરહ કે એની બાંકી ચિતવનને મરમી સંતોએ કલેજું વીંધતી કટારી તરીકે આલેખેલ છે. મીરાંનું એક પદ છે:

આલી સાંવરે કી દૃષ્ટિ માનો,
પ્રેમકી કટારી હૈ,
લાગત બેહાલ ભઈ,
તનકી સુધબુધ ગઈ.
તન-મન સબ વ્યાપૌ પ્રેમ,
માનો મતવારી હૈ.”

સૂફી સંતોએ તો સનમનું ખંજર, તેના કાતિલ જખમો ને જફાને બહુ મીઠી જબાને જીવતાં રાખેલ છે. મીરાં સાંવરાની નજરની ચોટ ખાય છે તો નજર ચોરાવીને ચાલી જતી સનમનો પ્રહાર સૂફી જિગર પર ઓછો નથી પડતો:

‘ન મુડ કરકે બેદર્દ કાતિલને દેખા,
તડપતે રહે નીમજાં કૈસે કૈસે!’

ખ્રિસ્તી સંતોમાં પણ ‘ડિવાઈન ડાર્ટ’ – દિવ્ય તીરનો મારો ઓછો નથી થયો. પણ આ સંતોને મન પ્રિયતમના પ્રહારમાં જ સાચી મજા ને મુક્તિ રહેલાં છે. ભેદની દીવાલ ભાંગી ગયા વિના અમૃતનો ખજાનો મળતો નથી. અને માનવઆત્મા જ્યારે પરમાત્મા સાથે પૂર્ણ અદ્વૈત સાધે છે ત્યારે જ તેની પ્રેમની યાત્રા પૂરી થાય છે. ‘લવર ટ્રાન્સ્ફૉર્મ્ડ ઈન લવ્ડ, લવ્ઝ જર્ની ડન’ – ‘પ્રેમી પ્રિયતમના સ્વરૂપમાં ભળી ગયો અને પ્રેમની યાત્રા પૂરી થઈ.’ ખ્રિસ્તી મરમી સંત જ્હૉન ઑફ ધ ક્રૉસનું આ કથન સર્વત્ર સાચું છે. આવા સંપૂર્ણ સાયુજ્ય માટે જ પ્રભુ માનવી પ્રાણને તપાવે છે, તલસાવે છે ને તાતાં તીરથી વીંધે છે.

-ત્યારે આ વિરહ-વ્યથા, આ વેદના, આ પ્રેમકટારીનો પ્રહા૨ એ તો પ્રિયતમનું વરદાન છે. એ વિના માનવહૃદયની પરિશુદ્ધિ થતી નથી અને પરિશુદ્ધિ વિના પરમની પ્રાપ્તિ થતી નથી. આ સનાતન અને સર્વદેશીય અનુભવને ટાગોરે એક સુંદર કાવ્યમાં ગૂંથી લીધેલ છે. પ્રિયતમની પાસેથી ફૂલમાળાની ભેટ ચાહતા પ્રેમીને મળે છે, તલવાર! અને એ તલવા૨ જ એનાં સ્વાર્પણ અને આખરી વિજયનું પ્રતીક બની રહે છે.

દાસી જીવણે પણ સોરઠી બોલીનાં મરમ અને મધુરપથી આ ઘાતકી ઘાવેડીની કૃપા ઉમંગભેર ગાઈ છે. દાસી જીવણ કહે છે:

મારા પ્રભુની પ્રેમકટારી તો હૈયાની આરપાર નીકળી ગઈ છે. બીજા કોઈનો ઘા હોય તો ઈલાજ થઈ શકે આ તો હરિએ હાથે જ હુલાવી દીધી છે. ત્યાં કોની કારી ફાવે?

અને આ કટારી છે ચોધારી. માનવીના ચારે ચાર પુરુષાર્થને ભેદી નાખનારી. એનો ઘા નજરે દેખાતો નથી. આ તે કઈ જાતની કટાર છે, એનું પારખું પડતું નથી. આંખ મીંચીને ઉઘાડતાં પલકવારમાં તો એના પ્રહારે પ્રાણ પરવશ થઈને ઢળી પડે છે.

અને સહિયર! તને શું કહું? શ્યામની સાથે નજર મળતાં જ એની અપરંપાર કળાની મને ઝાંખી થઈ ગઈ. આ મૃત્યુની વેદનામાં મને અમૃતનો ઈશારો મળી ગયો. મારા સ્વતંત્ર અસ્તિત્વનો અંશ પણ રહેવા નથી દેવો, એટલે તો એની પ્રીતે વિરહના બાણથી મને વીંધી નાખી. એ ઘાવેડીમાં દયાનો છાંટો ન દીઠો. ભારે ઘાતકી છે શામળિયો!

પણ સાચું કહું બહેન! આ મારી પંડની પીડાનું ઔષધ તો પાછું એક માત્ર એના પ્રેમમાં છે! જો આ પ્રેમની જડીબુટ્ટીનાં પાંદડાંનું એક ટીપું જ કોઈ પામે ને’ તો એના જીવતરમાં રંગ રહી જાય અને રાત દિવસ આનંદમંગલ વરતાય. અને આ ખરા ખેલાડીની લીલામાં એનો પ્રાણ લહેરથી રમતો થઈ જાય.

દાસી જીવણ કહે છે કે ગુરુ ભીમને પ્રતાપે મારા નાત-જાત-કુળ-ગોતર-તમામનાં બંધનો તૂટી પડ્યાં. એ ધરણીધરને ઘાતકી- આખી દુનિયાને માથે લેતા અને માથાના ફરેલ શામળિયાએ મારું ચિત્ત હરી લીધું. (ઘાતકી એટલે ગામઠી બોલીમાં વકરેલ એવો અર્થ થાય છે) હવે કોઈ મરજાદામાં પૂરાઈને મરવાનું મારે ન રહ્યું. હરિના હાથની પ્રેમકટારીથી આરપાર વીંધાઈને જીવવાની જડીબુટ્ટી મને હાથ લાધી ગઈ!

– મકરંદ દવે

Total Views: 104

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.