આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. આ મલ્ટિમીડિયાના લાભો તેમ જ હાનિકારક તત્ત્વો તેમાં રહેલાં વરદાનો અને શાપોનો પણ સમાવેશ કરે છે. જો કે આમાંના થયેલા સંશોધનપૂર્ણ અભ્યાસો યુ.ઍસ.એ.માં પ્રવર્તતી સ્થિતિને અનુલક્ષીને કરવામાં આવ્યા છે, પરંતુ અન્ય દેશો માટે પણ હવે તે એટલા જ અર્થપૂર્ણ છે તે માન્ય રાખવું જ રહ્યું. કેમ કે, માનવપ્રકૃતિ સર્વત્ર એક જ પ્રકારની હોય છે; અને આ મલ્ટિમીડિયાનું આક્રમણ પણ હવે લગભગ સાર્વત્રિક જ ગણી શકાય તેમ છે. સ્વામી વિવેકાનંદજીએ નિર્દેશેલાં ગૂઢ તત્ત્વો, તેમના શિક્ષણમાં આવરી લેવાતાં સૂઝસમજણનાં તત્ત્વો, એકાગ્રતા, જ્ઞાન અને શીલ પ્રત્યે વારંવાર સમાંતર રીતે ધ્યાન દોરીને લેખિકાએ આપણને એક અત્યંત સુંદર, ખૂબ જ મૂલ્યવાન લેખ આપેલો છે જેમાંથી આપણે પોતે તથા આપણાં બાળકો આ મલ્ટિમીડિયાની સગવડોનો લાભ કઈ રીતે લઈ શકીએ તેમ જ તેની હાનિકારક અસરોથી કઈ રીતે બચી-બચાવી શકીએ તે માટે માર્ગદર્શન મળે છે. લેખિકા અમેરિકામાં સાન્તા બાર્બરા સ્થિત રામકૃષ્ણ મઠ અને મિશનના કૅલિફૉર્નિયા કેન્દ્ર દ્વારા સંચાલિત સારા કૉન્વૅન્ટનાં સંન્યાસિની છે. – સં.

(ગતાંકથી આગળ)

માનસશાસ્ત્રના એક પ્રૉફેસર, ગ્રીનફિલ્ડ એ વાત પર ખુબ ભાર મૂકે છે કે બાળકોને ટી.વી.જોવાની કળા અને કૌશલ્ય મળે તેવું શિક્ષણ આપવું જોઈએ તેને કારણે જ તેઓ વાસ્તવિકતાને ટી.વી.માં દર્શાવતી ‘કાલ્પનિક’ વાસ્તવિકતાથી જુદો જોઈ શકશે. બીજું ગ્રીનફિલ્ડે છ વર્ષીય બાળકોના એક વિશિષ્ટ અભ્યાસ કર્યા બાદ અભિપ્રાય આપ્યો છે કે ગમે તેમ ટી.વી. જોવાને બદલે, વિશિષ્ટ પસંદગીના ટી.વી. કાર્યક્રમ જોનાર બાળકોમાં આવેશાત્મકતા કરતાં ચિંતનપ્રધાન બૌદ્ધિક શૈલીનો વિકાસ થઈ શકે છે, અને તેમના અશાબ્દિક આઈ.ક્યૂ. (non- verbal I.Q.) માં પણ વધારો નોંધાય છે.૫૦ તેમ છતાં ગ્રીનફિલ્ડનો ખાસ ભાર એ બાબત ૫૨ જ છે કે વાંચન અને લખવાના અભ્યાસનું સ્થાન ઈલૅક્ટ્રૉનિક મીડિયાને શિક્ષણમાં કદી ન લેવા દેવું જોઈએ.

ટી.વી. જોવાના અનુભવની તુલનામાં, વાંચન એક વધુ સોપાન ક્રિયા છે. ‘જ્યારે વાંચન ચાલતું હોય, ત્યારે આલ્ફાની સ્થિતિમાં મગજ કદી મૂકાઈ શકતું નથી,’ એમ જૅરી મૅન્ડર જણાવે છે, ‘અને આથી તો જ્યારે તમે જે વાંચતા હો તેને જો તમે સમજવા ઈચ્છતા હો, તેવે સમયે તો કદી નહિ, વાચક સ્વયં વાંચન દરમ્યાન માહિતી મેળવવાની બધી પ્રક્રિયાઓના તત્ત્વો ૫૨ નિયંત્રણ રાખે છે અને એવી સ્થિતિ ઊભી કરી શકે છે જેથી ‘માહિતી’ (જ્ઞાન)નો સ્વીકાર થઈ જાય. પરંતુ આ પ્રકારની સ્થિતિ ટી.વી. જોતી વખતે કદી ઊભી થઈ શકતી નથી. ત્યાંથી મળતી મળતી માહિતી જેમ-છે-તેમ-ની સ્થિતિમાં જ સ્વીકારવી પડે છે, અને કોઈ પ્રકારની પ્રતિકાર થઈ શકતો નથી.’૫૧

તેમ છતાં એટલું નોંધવું જોઈએ કે પૅટ્રિશિયા ગ્રીનફિલ્ડનો એ દાવો પણ સાથે છે જ કે જ્યારે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોને ટી.વી.ને વિશ્લેષણાત્મક રીતે જોતાં શીખવવામાં આવ્યું, ત્યારે તેમની અભ્યાસની સમજણનો વ્યાપ પણ વધી શક્યો હતો ખરો.પર

છાપેલા અક્ષરોની જેમ રેડિયો દ્વારા પણ આલ્ફાની સ્થિતિએ પહોંચવું અશક્ય છે. કારણ એ જ છે કે તે પણ તેને સાંભળનારા વર્ગની કલ્પનાશક્તિને ઉત્તેજિત કરે તેવી સ્થિતિ સર્જે છે.

પરંતુ ટી.વી. તો ક્લ્પનાશક્તિને કુંઠિત કરી મૂકે છે, એવું કેટલાક મીડિયા અભ્યાસીઓનું તારણ છે. બાહ્ય સાધનોથી ઊભા થતા માનસિક ચિત્ર (image)ને સતત પ્રવાહિત રૂપે દૃશ્યમાન કરતા ટી.વી.ને કારણે પ્રેક્ષકની પોતાની માનસિક ચિત્ર ઊભું કરવાની કલ્પનાશક્તિ કુંઠિત બની જાય છે.

પૅટ્રિશિયા ગ્રીનફિલ્ડના કૅનેડામાં કરેલા એક અભ્યાસ મુજબ, ‘જ્યારથી તેમના ગામમાં ટી.વી. દાખલ થયું, ત્યારથી બાળકોની જેને સામાન્ય ચીજોના વૈવિધ્યપૂર્ણ ઉપયોગો વિચારવાની શક્તિ દ્વારા માપી શકાય છે, તે સર્જકશક્તિમાં નોંધપાત્ર ઘટાડો જણાયો હતો.’૫૩ જો કે ગ્રીનફિલ્ડે એ પણ ઉમેર્યું છે કે, ‘ટી.વી. મૌલિકતા ઉપર દબાણ અવશ્ય લાવે છે, છતાં તેને લીધે પ્રેક્ષકના દૃશ્યમાન પરિપ્રેક્ષ્ય અને ચિત્ર દોરવા (drawing)માં વિગતો અંગે વધુ ઝીણવટની શક્તિમાં વધારો થતો જણાય છે.’૫૪

આધ્યાત્મિક જીવનમાં કલ્પનાશક્તિની ખૂબ જ આવશ્યકતા હોય છે. સ્વામી વિવેકાનંદના એક ગુરુબંધુ કહેતા કે, ‘આજે જેને કલ્પનાશક્તિ કહીએ છીએ તે આવતી કાલની વાસ્તવિકતા હોય છે’ આમ શાથી? કારણ કે કલ્પનાશક્તિની પાંખો પર બેસીને જ મુમુક્ષુ પ્રભુપ્રાપ્તિના દર્શનના દ્વારે પહોંચી શકે છે. જ્યારે તે પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરે છે. ત્યારે તે એકાગ્રતા અને ધ્યાનની સ્થિતિમાં આવી પોતાના પસંદગીના આદર્શને નજર સમક્ષ રાખે છે, જેથી કુંડલિની જાગૃત થાય છે અને તેનું ચેતનતત્ત્વ પણ ખીલી ઊઠે છે. કલ્પના અને સાક્ષાત્કાર વચ્ચેની યોગિક કડીને સમજાવતાં સ્વામી વિવેકાનંદ કુંડલિનીની શક્તિનું વિવરણ આ રીતે કરે છે : ‘આ કુંડલિની એક એવું સ્થાન છે જેમાં બધું જ છે, દરેક પ્રકારની સંવેદનાનો ભંડાર ભરેલો છે.’ પોતાના ‘રાજયોગ’ના એક વર્ગમાં આ વાત સમજાવતાં સ્વામીજીએ સમજાવ્યું કે ‘આ કેન્દ્રિત સ્થાન, કુંડલિની અથવા કુંડાળું વળેલી શક્તિને ‘મૂલાધાર’ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે તે દરેક પ્રકારની શક્તિ અને ઊર્જા ગ્રહણ કરવાનું સ્થાન અથવા પાત્ર છે.’

‘એ સંભવ છે કે હલનચલનની અવશિષ્ટ (વધારાની અથવા બચેલી) શક્તિ પણ આ જ સ્થાનમાં ભંડારાયેલી છે. કેમ કે, ખૂબ જ ઊંડા ધ્યાન પછી, જે સ્થાને ‘મૂલાધાર’ સ્થિત છે (એટલે કે કમરના પાછલા છેડામાં સ્થિત નાડીચક્ર), તે ખૂબ જ ગરમ થઈ જાય છે.’ વળી, તેમણે આગળ જણાવ્યું,

‘હવે, જો આ શાંત અને સ્થિર કુંડાળું વળીને પડેલી ઊર્જાને કાર્યરત કરવામાં આવે અને તેને સભાનતાથી સુષુમ્ણા નાડીમાંથી પસાર કરવામાં આવે, તો તે એક પછી એક નાડીચક્રને ચલિત કરવા માંડે અને એક અદ્ભુત પ્રતિભાવ ઊભો થાય. જ્યારે એક નાના અંશમાં પણ આ ઊર્જા નાડીના મજ્જાતંતુઓમાં પ્રવેશે છે અને તે આ નાડીચક્રોને ગતિમાન કરવા લાગે છે, ત્યારે મહાન કલ્પનાશક્તિ અથવા સ્વપ્નાવસ્થાની સ્થિતિ જેવો પ્રતિભાવ ઊભો કરતી હોય છે. પણ જ્યારે ગહન આંતરિક ધ્યાનના કારણે આ ખૂબ જ મોટી માત્રામાં ભંડારાયેલ ઊર્જા સુષુમ્ણા નાડીમાંથી પસાર કરવામાં આવે, અને નાડીચક્રો પર તે પહોંચે છે ત્યારે તેનો પ્રતિભાવ ખૂબ જ અસાધારણ અને પ્રચંડ હોય છે, અને સામાન્ય સ્વપ્નશીલતા કે કલ્પનાશક્તિના આવિર્ભાવ કરતાં ઘણો વધુ શક્તિશાળી હોય છે. સામાન્ય ઈન્દ્રિયગમ્ય જ્ઞાન કરતાં તે અત્યંત વિશાળ સ્વરૂપનું અને સચોટ જ્ઞાન હોય છે.’૫૫

ધ્યાન દ્વારા કલ્પનાશક્તિ વધે છે, એકાગ્રતા અને સંવેદન પણ વધે છે. પરંતુ ટી.વી.ને દરરોજ બહુ સમય જોવાથી કલ્પનાશક્તિ ક્ષીણ થાય છે એટલું જ નહિ પણ ધ્યાન માટેના સમયને તે ઓછો કરે છે, અને માનવીય સંવેદનશીલતાને પણ કુંઠિત કરે છે. ૧૯૫૦ના દાયકાથી મોટા કૉર્પોરેટરોના માંધાતાઓએ એ બાબતને લઈને ટી.વી.ને સૂક્ષ્મ જાહેરાતનું અને બ્રેઈન વૉશિંગનું મુખ્ય સાધન ગણ્યું છે કે ટી.વી. જોનાર વર્ગમાં અવચેતન (અભાન-મગજ, subconscious) માનસમાંથી ચેતન (conscious)માં માહિતી પહોંચાડવામાં ઉપયોગી એવા માર્ગોને ટી.વી.નું દૃશ્ય-શ્રાવ્ય સતત મારણ વળોટી જાય છે.

૧૯૭૦ના દાયકામાં જાહેરાતોના ઉદ્યોગે એક એવી પદ્ધતિને વિકસાવી જેને તેમણે ‘સાયકોગ્રાફિકસ’ જેવું નામ આપ્યું છે. તે પદ્ધતિનું કાર્ય છે કે લોકોના સામાન્ય ભયો, અભરખાઓ અને પૂર્વગ્રહોનો અભ્યાસ કરવો અને તે ઉપરથી જાહેરખબરો બનાવવી. ‘તમે અમને વામણા માણસો બતાવો (એટલે કે માણસોની નબળાઈઓ જણાવો) અને અમે એના ઉપર રમત રમી શકીશું’, વિલિયમ મેયર્સના પ્રસિદ્ધ પુસ્તક ‘ધી ઈમેજ મેકર્સ’માં જૅરી ડેલા ફામિનાના મોંમાં આ શબ્દો સાંભળવા મળે છે. તેઓ કહે છે –

‘અમે દરેક લાગણી અને દરેક સમસ્યા પર ખેલ રમીએ છીએ – તેમાં કોઈ આગળ ધપવાની ઈચ્છા નથી, પણ ટોળામાંના એક હોવાની જ ઈચ્છા છે. દરેકને એક બટન હોય છે. જો પૂરતા લોકોને એક સમાન જ બટન હોય, તો તમારી પાસે એક સફળ જાહેરખબર અને એક સફળ ઉત્પાદન છે એ સમજી લેજો.’૫૬

માનસચિત્રમાં પરિવર્તન અથવા પ્રેક્ષકોની સમજશક્તિ (perception)ને બદલાવવાની મહેચ્છા વધારે છે અને ઉત્પાદનની ગુણવત્તા બદલાવવાની નથી, એ મુખ્ય આદર્શ જાહેરાતોના નિષ્ણાતો નજર સમક્ષ રાખતા હોય છે, જેથી એમના ઉત્પાદનો વિષે પ્રેક્ષકો અને વપરાશકારો થોડી ફૂણી લાગણી અનુભવે.

યોગ મનોવૈજ્ઞાનિકોની જેમ આ જાહેરાતના નિષ્ણાતો પણ માનવસ્વભાવની ખાસિયતો તથા તેની અભિલાષાઓ અંગે ઘણું ઘણું સમજે છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘આપણો મોટા ભાગનો સમય તો ઈન્દ્રિગમ્ય વસ્તુઓ અંગે વિચારવામાં જ વપરાય છે. એવી જ વસ્તુઓ જેને આપણે જોઈ હોય, કે જેને વિષે સાંભળ્યું હોય અથવા સાંભળવાનાં હોઈએ, એવી વસ્તુઓ જે આપણે ખાધી હોય, કે ખાવાનાં હોઈએ, આપણે કરેલા વસવાટનાં સ્થળો વગેરે જેવી ચીજો વિષે જ આપણે વિચારતાં હોઈએ છીએ. આપણે ઘણો ખરો સમય તેમને જ વિષે વિચારવામાં અને તેમને વિષે બોલવામાં જ વાપરીએ છીએ.’૫૭

આ બધી મહેચ્છાઓથી શક્તિશાળી ‘સંસ્કાર’ બને છે. આ સંસ્કાર વિષે એટલા સારા શબ્દો તો કદાચ કોઈ યોગીએ પણ ન વાપર્યા હોત જેટલા ઍરિક ક્લાર્કે તેમના ‘ધી વૉન્ટ મેકર્સ’નામના પુસ્તકમાં વાપર્યા છે. તેઓ સામાન્ય ટી.વી. પ્રેક્ષકની ટી.વી. પરોક્ષભાવથી જોવાની ટેવને વર્ણવતાં કહે છે, ‘આમ તો આપણે જાહેરખબરો પ્રત્યે ઘણું ધ્યાન આપતાં નથી, અને તે પ્રત્યે જાગ્રત પણ હોતા નથી. માત્ર દેખાડવામાં આવતાં દૃશ્યચિત્રોને જોઈ લઈએ છીએ અને પછી તેને મનમાં ભંડારી દઈએ છીએ, અને તે જ આપણને પછી યોગ્ય ક્ષણે કાર્યરૂપમાં પરિવર્તિત કરવા પ્રેરે છે.’ ત્યાર બાદ જનરલ ઈલૅક્ટ્રીકના કૉર્પોરેટ ઍડવર્ટાઈઝિંગના મુખ્ય અધિકારી ડૉ. હર્બર્ટ ક્ર્ગમૅનના શબ્દો ટાંકતા તેઓ જણાવે છે :

‘સામાન્ય વ્યક્તિના માનસ ઉપર જાહેરાતોનો પ્રભાવ આમ તો સામાન્ય જણાય છે, પરંતુ તે ખૂબ વિશાળ પ્રમાણમાં હોય અને લાંબા સમય માટે હોય ત્યારે તેનો સામૂહિક પ્રતિભાવ ઘણી શક્તિશાળી હોય છે. આવતી-જતી ભરતી-ઓટના પાણીની ક્ષીણકારી શક્તિની અસર જેમ રોજ-બરોજના નિરીક્ષણમાં આવતી નથી પરંતુ છેવટે, સમયાંતરે, તેની આ શક્તિનાં પરિણામો – ખડકોને પણ ઓગાળી નાખવાની શક્તિ – અવશ્ય જણાય છે.’પ૮

સ્વામી વિવેકાનંદ આ બાબતમાં સંમત થયા જ હોત. રાજયોગના એક વર્ગમાં તેમણે એક વાર આ વિષે વાત કરતાં કહ્યું હતું, ‘પૂર્વના સમજમાં પડેલી છાપ – સંસ્કાર-કેટલી અગણિત હશે, અને ચિત્તમાં કેટલી બધી ક્યાંક ભંડારી હશે, કે તે ગમે ત્યારે, લપાઈ બેઠેલા વાઘની જેમ, આપણા પર કૂદકો મારી શકે છે!’૫૯

તેઓ કહે છે, ‘તમે જ્યારે ભગવાન વિષે વિચારવા માગતા હો, તેવે જ સમયે આ ‘સંસ્કારો’ દેખા દે છે. બીજા સમયે તેઓ આટલા કાર્યરત નથી હોતા; પણ જ્યારે તમે તેને સ્હેજે વાંછતા ન હો, ત્યારે જ નક્કી એ ત્યાં ઉપસ્થિત થઈ જાય છે, તમારા મગજમાં ખૂબ જ ભીડ ઊભી કરી દે છે.’૬૦

જેને ધ્યાનમાં વિક્ષેપ કરનાર ભાવનાઓ તરીકે યોગી પિછાણે છે તે : માનવોની અભિલાષા, અભિપ્સા વગેરે ભાવનાઓના ટી.વી.ના જાહેરાતકારો માનસપટની ઉપલી સપાટીએ ખેંચી લાવે છે અને પછી તેનો ધાર્યો ઉપયોગ કરે છે. આ કેવી રીતે થાય છે? જ્યારે યોગીઓ આ જગતનાં ઝાંઝવાને દૂર હઠાવવા આવી અભિલાષાઓ અને ખેવનાઓને દૂર કરી ઉચ્ચ વાસ્તવિકતા – સત્ય – સાથે પોતાને જોડવા પ્રયત્નશીલ હોય છે, ત્યારે બીજી બાજુ, જાહેરાતકારો ચીજો – ઈન્દ્રિયગમ્ય સવલતો આપતી ચીજો-ઉપર માનવમનને લપેટી દે છે, તેને આધાર રાખતાં શીખવે છે અને તેમ કરવા માટે તે ટૅકનૉલૉજીની મદદથી પ્રપંચી અને જવાબદારીથી ભાગી છૂટવાની વૃત્તિનો ઉપયોગ કરે છે. આને લીધે માનવોને આ જગતની ચીજો જ સર્વસ્વ જણાવા લાગે છે.

આમ જુઓ તો સફળ જાહેરાતો જાણે ‘માયા’ જ છે – તે કંઈક છુપાવે છે અને કંઈક બતાવે છે. દરેક જાહેરાતકાર…જાણે છે કે કોઈનો કંઈ પણ બાબતમાં વિશ્વાસ ઊભો કરવા માટે, પ્રથમ તો તેનો એ બાબત જે કંઈ વિચાર કે અભિપ્રાય હોય તેને તોડવો પડે છે, તેની માનસપ્રક્રિયા બદલવી પડે છે. ત્યાર બાદ તેની પુનર્રચના એ રીતે કરવાની રહે છે જે તમને (જાહેરાતકારોને) જ ઉપયોગી થાય. જાહેરાતના ધંધામાં પૂર્વે રહી ચૂકેલા જૅરી મૅન્ડર સમજાવે છે :

‘તમે આ બધું કેટલીક સાદી ટૅકનિકો વડે કરી શકો છો, જેમ કે ઝડપી, બદલતાં ચિત્રો, ધ્યાનને એક ઠેકાણે કેન્દ્રિત થાય તે પહેલાં હઠાવાતાં ચિત્રો, અને બદલાતા અભિભાવો. આમ તો એમાં કંઇ ખાસ કરવાનું નથી.’૬૧

મૅન્ડર આગળ સમજાવે છે કે જાહેરાતો કઈ રીતે આપણે જેને ઈન્દ્રિયગમ્ય વાસ્તવિકતા તરીકે જાણીએ છીએ તેને પણ ડહોળી નાખે છે :

‘ટકોરાબંધ વાસ્તવિકતાના સંદર્ભમાં, જાહેરાતો તદ્દન સંશારહિત, વિસંગત, અણઘડ અને અત્યાચારી હોય છે. જ્યારે વાસ્તવ કલ્પનામાં ભેળસેળ થઈ જાય અને આ અર્ધ-વાસ્તવનો અર્થ પણ સર્વથા ભેળસેળ થઈ જાય ત્યારે જ જાહેરાતના પ્રયત્નો સફળ થઇ શકે છે. એથી ટૅકનિકલ પ્રયુક્તિઓ વાપરીને, જાહેરાતો તેના માધ્યમથી વધુ વિસ્તૃત થઈને એક પ્રકારની કૃત્રિમ અને અસામાન્ય વાસ્તવિકતાની ભ્રમજાળ ઊભી કરી શકે છે.’૬૨

આ રીતે સફળ જાહેરાતો પોતાના પ્રેક્ષકોના મનમાં ‘ફૅન્ટમ’ના રમકડાં અને ટી.વી.ની ‘માયા’થી ઊભા થતાં અન્ય મૂલ્યવાન ખજાના પાછળ ઘેલછા ઊભી કરી શકે છે.

આ માયાવી ખજાનાનો વાઘ સહુથી પ્રથમ બાળકોને પોતાનું નિશાન બનાવે છે. જાહેરાતો વિના પણ ટી.વી.માંથી આવતા સતત દૃશ્યપ્રવાહને કારણે માનવની ઇન્દ્રિયસુખની લાલસા- ખાસ કરીને બાળકોમાં – કેટલી હદે વધે છે તે અંગે જાહેરાતકારો એકદમ સભાન છે. ૧૯૫૦ના દાયકામાં થયેલ મનોવૈજ્ઞાનિક અભ્યાસમાં જણાવ્યું છે કે જે બાળકો કેવળ બી.બી.સી. (જેમાં કોઇ પણ જાહેરાતો પ્રસારિત થતી નથી) જોતાં હતાં, તેઓમાં ભૌતિક મહત્ત્વાકાંક્ષાનું પ્રમાણ એવાં બાળકો કરતાં વધારે હતું જેઓ કોઇ જ ટી.વી. કાર્યક્રમો જોતાં નહોતાં. ઉદાહરણ તરીકે, કિશોર વયના જે છોકરાઓ ટી.વી. જોતા હતા, ‘તેઓ એ વિષે બહુ સભાન હતા કે ભવિષ્યમાં તેઓ પાસે કઈ ‘ચીજ’ હશે, પણ એ કિશોરો જેમણે ટી.વી. જોયું નહોતું તેઓનું ધ્યાન એ બાબત પર કેન્દ્રિત હતું કે તેઓ ભવિષ્યમાં ક્યું ‘કામ’ કરતા હશે.’૬૩ નીલ પોસ્ટમેન, જેઓ ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં મીડિયા ઇકૉલૉજીના પ્રૉફેસર છે, કહે છે કે ટી.વી. એ વર્તમાનકાળમાં કેન્દ્રિત થતું એક માધ્યમ છે, અને તેમાં વર્તમાનકાળને અન્ય કાળોના સંબંધમાં અસંતુલિત રીતે મહત્ત્વ અપાય છે; તેથી એમ માનવું યોગ્ય જણાય છે કે (બાળકો જ નહિ, પરંતુ) પુખ્ત લોકો પણ તાત્કાલિક સંતોષપ્રાપ્તિ મેળવવાની બાલિશ ઇચ્છાને ટી.વી.ને કારણે જ સ્વીકારી રહ્યા છે, અને એટલી જ બાલિશ ઉપેક્ષા ત્યાર પછી આવતાં પરિણામો પ્રત્યે પણ સેવી રહ્યા છે.’૬૪

આપણે સહુ – બાળક હોઈએ અથવા પુખ્તવયનાં હોઈએ- આપણા ‘અહં’ સાથે આપણી ઓળખને જોડીએ છીએ તેથી જાહેરાતકારોનું કામ સરળ બને છે. આપણું શરીર, તેના માનસિક અને શારીરિક લક્ષણને આપણે ‘અહં’ ભાવમાં આરોપીએ છીએ. આપણો આ ભાવ જ્યારે વધુ વ્યાપક બનતો જાય છે અને વધુ બાહ્ય બનતો જાય છે, ત્યારે તેના વ્યાપમાં તે ઘણું બધું સમાવી લે છે અને પોતાની માલિકીની ચીજોમાં પોતાનો ‘અહં’ જુએ છે. સ્વામીજી કહે છે, ‘જો આપણે આપણી ઈન્દ્રિયો ઉપર અંકુશ રાખીએ, અને તેમણે શું અનુભવવું તેની આજ્ઞા તેને આપતાં રહીએ, અને તે આપણને આજ્ઞા આપતી રહે તેવું ન રાખીએ, જેમ અત્યારે થઈ રહ્યું છે; જો ઈન્દ્રિયો આપણી આજ્ઞાનું પાલન કરતી થઈ જાય, આપણી સેવક બનીને રહે, તો આ પ્રશ્ન તરત જ ઉકલી જાય છે. આપણે (અત્યારે) ઈન્દ્રિયો વતી બાંધેલા છીએ; તેઓ આપણી સાથે રમત રમે છે, અને આખો વખત આપણને મૂર્ખ બનાવતી રહે છે.’૬૫

સૂઝન જીઆનીનો એક જાહેરાત સંશોધનકાર છે અને તે પહેલાં શિકાગો યુનિવર્સિટીમાં મનોવૈજ્ઞાનિક સલાહકાર રહી ચૂક્યો છે. આધુનિક સમયમાં આ ‘અહં’ની પિછાણના હાનિકારક અને શાંત રીતે વિચ્છેદન કરતા પ્રભાવ અંગે તેઓ કહે છે, ‘અમેરિકામાં કુટુમ્બ અને સમાજના બંધનોનો વિચ્છેદ થવાથી એક એકાકી અને બિનવ્યક્તિલક્ષી સમાજરચના બનવા માંડી છે અને તેવી પરિસ્થિતિમાં નાગરિકો પોતાની અભિવ્યક્તિ માટે અથવા એકબીજા સાથે તાદાત્મ્ય સાધવા માટે જેનો આધાર લઈ શકે છે તે પોતાની માલિકીનાં સાધનો જ છે.’૬૬

પાશ્ચાત્ય સમાજના નાગરિકોની એકલતાની ભાવના અને ‘સ્વ’ની વિછિન્નતાનો લાભ જાહેરાતકારોએ લીધો છે. એટલું જ નહિ, બલ્કે કેટલેક અંશે તેનું સર્જન પણ તેમણે કર્યું છે. ટૅકનૉલૉજી પૂર્વેનાં માનવો ભૂમિ, પાણી, વૃક્ષો, આકાશ વગેરે કુદરતી તત્ત્વો સાથે તાદાત્મ્ય તો અનુભવી શક્તાં હતાં અને સીધો તથા ગાઢ સંબંધ પણ કેળવી શકતાં હતાં. આજે ટી.વી.એ ઘરમાં જે ઉચ્ચસ્થાન જમાવ્યું છે તેને લીધે આ કુદરતનું સાંનિધ્ય છૂટી ગયું છે. જૅરી મૅન્ડર જણાવે છે, ‘સામાન્ય વ્યક્તિ જે દિવસના પાંચ કલાક સુધી ટી.વી. જોયા કરતો હોય, તેને એક માત્ર અનુભવ છે મશીનને જોવાનો અને તેને અનુભવવાનો અને એટલે અંશે તેનો વાતાવરણ સાથેનો સંબંધ હણાઈ જાય છે.’૬૭ આ પ્રમાણે નિયમિત રીતે ટી.વી. જોતો માણસ કુદરત સાથેનો પોતાનો સંબંધ કાપી નાખે છે – તેની સુંદરતા કે તેના તાલમેળ વિષે તે કશું જાણતો નથી કે જાણી શકતો નથી અને કુદરત વિષે કોઈ સંવેદના સામાન્ય માણસને આવશ્યક રહી નથી. શું આજ જણાતી પર્યાવરણીય સમસ્યાનાં મૂળ અહીં જ જણાતો નથી?

સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસ એકાંતમાં રહેવામાં રહેલા આધ્યાત્મિક લાભો જણાવતા હતા અને એ સમયે એકાન્તમાં રહેવાનો અર્થ જંગલોમાં રહેવા જવું એવો થતો. ગુરુ માટે આ એકાન્તનો અર્થ કદી એકલતા કે એકાકીપણું નહોતો. તેઓ ઘણી વખત કહેતા, ‘એકાન્તમાં પ્રભુનો સાક્ષાત્કાર કર્યા પછી તમે જગતમાં અવશ્ય રહી શકો છો.’૬૮ પ્રભુનો સાક્ષાત્કાર કર્યા પછી આધ્યાત્મિક દૃષ્ટિએ સમગ્ર વિશ્વને જોડતી કડીઓ – શક્તિ – વિષે તમે સભાન હો છો. બ્રહ્મને તમે સંપૂર્ણ વિશ્વમાં રહેલી ચેતના, અને વિશ્વને જોડતા સત્ય તરીકે ઓળખી લો છો. એક એવી દૃષ્ટિ પ્રાપ્ત કરો છો જેમાં જુદાઈને – જુદાપણાને – કોઈ સ્થાન નથી હોતું.

આ એકાત્મભાવને – સાક્ષાત્કારમાં છૂપાયેલ આ ભાવનાને – સ્પષ્ટ કરવા શ્રીરામકૃષ્ણનો જ અનુભવ લઈએ. કાલિમંદિરના બગીચાના એક ઘાસવાળી જમીનના ટુકડા તરફ એકીટશે નિહાળી રહ્યા હતા, ત્યાં તેઓ સામાન્ય ચેતનાવસ્થાની ઉપર જતાં તેઓનું ચેતનતત્ત્વ એ ભૂમિ સાથે તાદાત્મ્ય સાધી રહ્યું. અચાનક જ એ ઘાસ ઉપરથી એક માણસ ચાલ્યો અને તે સાથે જ શ્રીરામકૃષ્ણને છાતીમાં અસહ્ય દુઃખ થયું. પછીથી તેમણે આ દુઃખને વર્ણવતાં એમ જ કહ્યું કે જાણે તેમની છાતી પર કોઇ ચાલી ન રહ્યું હોય અને કચડી ન રહ્યું હોય!૬૯

ત્રણેક વર્ષ જેટલા સમય માટે જેમણે એકાન્તવાસ સેવ્યો હતો અને ભારતપર્યટનમાં ઘણો સમય વીતાવ્યો હતો, તેવા સ્વામી વિવેકાનંદને પણ આત્મસાક્ષાત્કાર (અથવા પ્રભુસાક્ષાત્કાર) દ્વારા પોતાના લાગણી તંત્રની સર્વવ્યાપકતાનો અનુભવ થઈ ચૂક્યો હતો. તેમના ગુરુબંધુ સ્વામી તુરીયાનંદને તેમણે કહ્યું હતું, ‘હરિભાઈ, તમારા આ ધર્મની વાતોમાં આજ સુધી હું કંઈ સમજ્યો નથી,’૭૦ અને પછી ખૂબ જ ગહન લાગણીવશતા અને દુઃખથી ધ્રુજતા સ્વામીજીએ પોતાના હૃદય પર હાથ રાખ્યો અને આગળ કહ્યું કે, ‘પરંતુ એટલું નક્કી છે કે મારું હૃદય ખૂબ વિશાળ બની ગયું છે અને મને લાગણીનો અનુભવ લેવાનું આવડ્યું છે. મારું માનો, મને ખૂબ ઊંડી લાગણીઓનો અનુભવ થયા કરે છે.’ આ વાત કહેતાં તેમનો અવાજ રડમસ થઈ ગયો અને તેઓ આગળ કશું કહી ન શક્યા.

સ્વામીજીની આ વાત કહેતાં સ્વયં સ્વામી તુરીયાનંદજીને ગળે પણ ડૂમો ભરાયો હતો. તેમની આંખમાં આંસુ આવ્યાં હતાં, અને તેમણે જણાવ્યું, ‘શું તમે કલ્પી પણ શકો છો કે સ્વામીજીને આ રીતે વાત કરતા જોઈ મારા પર શું વીત્યું હશે? મને લાગ્યું કે શું આ જ શબ્દો, આ જ ભાવના ભગવાન બુદ્ધની પણ નહોતી? મને સ્પષ્ટ રીતે દેખાયું કે માનવજાતિની દુઃખમય ભાવનાઓનું પ્રતિબિંબ જ સ્વામીજીના હૃદયમાં પડતું હતું, એમનું હૃદય એક એવો ઉકળતો ચરૂ હતો જેમાં માનવોના દુઃખને દૂર કરવાની દવાઓ બની રહી હતી.૭૧

સો વર્ષ પહેલાંનો સમય આપણા સમયથી કેટલો બધો જુદો જ હતો? જૅરી મેન્ડર લખે છે, ‘આપણે તો એવા વિશ્વમાં આવી પડ્યા છીએ જેનું પુનર્ઘડતર મશીનોએ કર્યું છે, આપણે એ પ્રકારનાં પ્રાણીઓ છીએ જેનું જીવન પોતે રચેલાં મશીનોની સર્જેલી દુનિયામાં વીતે છે; આપણું વાતાવરણ આપણા જ મગજનું ઉત્પાદન છે. પોતપોતાનાં શહેરો અને તેનાં પરાઓનાં પિંજરાંઓમાં પૂરાઈને, આપણી ઓફિસોમાં ભરાઈને, કુદરતને આપણા ઉપભોગની ચીજો માટેની કાચી સામગ્રી ગણીને તેને નિયંત્રિત કરવામાં અને તેની પરિકલ્પના કરવામાં, અને હવે તો આપણી પોતાની જાતને પણ કાચી સામગ્રી ગણી પુનઃ પ્રગતિ સાધવાના રસ્તે આપણે પ્રક્રિયાનો જ એક ભાગ બની ચૂક્યા છીએ.’ વળી મૅન્ડર અનુમાન કરે છે,

‘જો આપણી પાસે એક સમગ્ર વિશ્વને આવરી લેતું ટૅકનિકલ પ્રાણી છે એમ માની લઈએ, તો કમ્પ્યુટરો તેનું નાડીતંત્ર છે. ટી.વી.નું માધ્યમ માનવમનને આ રચના સાથે જોડવા અને તાદૃશ્યતા આપવા માટે છે; (કેમ કે) ટી.વી. આ આદર્શોના વેચાણની રચના છે અને દૃશ્યશ્રાવ્ય માધ્યમથી પ્રશિક્ષિત પણ કરે છે.’૭૨

મૅન્ડરના વિચારો આપણને સ્તબ્ધ કરી દે છે. ૧૯૮૪ના (જ્યૉર્જ ઑરવેલની નવલકથા)ના સમાજથી શું આપણે બહુ દૂર છીએ જેમાં એક જ પ્રચારમાધ્યમ – ટી.વી. જેવું જ – કલ્પ્યું હતું અને જે રોજ બરોજ દરેક ઘરમાં દાખલ થઈને નાગરિકોને એક સમાન માહિતી એક સમાન સમયે પહોંચાડે છે, અને સમગ્ર માધ્યમ નિયંત્રણના શસ્ત્રથી એક પ્રકારની બહુસાંખ્યિક સંચેતનાને ઊભી કરી શકે છે? શું આપણી પ્રજા ટી.વી.ની વ્યસની બની રહી છે, જેમણે મૌલિક વિચાર કરવાનું સાવ છોડી દીધું છે? અને આપણાં બાળકોનું શું? શું તેણે બાળકોનું બચપણ આક્રમણ કરીને છીનવી લીધું છે? શું તેમની નિર્દોષતાને ટી.વી.ના મુખ્ય સમય Prime-time દરમ્યાન અપાતા પુખ્ત સંદેશાઓએ હણી નાખી છે?

‘હા!’ કેટલાક મીડિયા વિવેચકોનો મત છે, કે ખરેખર આમ જ બની રહ્યું છે. નીલ પોસ્ટમેન તેમના પુસ્તક ‘ધી ડિસઅપિયરન્સ ઑફ ચાઈલ્ડહૂડ’માં લખે છે, ‘ટી.વી.ને કારણે બાળપણ અને કિશોરાવસ્થાની વચ્ચેની ભેદરેખા ત્રણ પ્રકારે ભૂંસાઈ રહી છે, અને તેમાં મૂળ કારણ દરેકને ટી.વી. જોવાની જે સવલત છે, તે જ છે.’ ‘પ્રથમ તો એટલા માટે કે ટી.વી. જોવાનું પ્રશિક્ષણ આવશ્યક છે જેથી તેનું યથાર્થ સ્વરૂપ ઓળખાય; બીજું, તેને જોયા કરવાનું કામ બાળક ઉપર કોઈ માગણીનો બોજો અપેક્ષાઓનો ભાર લાદતું નથી; અને ત્રીજું કે તે પોતાના પ્રેક્ષકોમાં કોઈ પ્રકારે ભેદભાવ કરતું નથી.’

આ વાતનો વિસ્તાર કરતા પોસ્ટમેન લખે છે, ‘આ નવું મીડિયાનું વાતાવરણ એ રીતે પેદા થઈ રહ્યું છે જેમાં દરેકને, એક સમાન સમયે એકસરખી માહિતી મળી રહેશે. આ પૂર્વશરતો હોવાથી ઈલૅકટ્રૉનિક મીડિયા કોઈ રહસ્યને છૂપાવી શકતું નથી. અને ‘રહસ્ય’ વિના તો એવી કોઈ ચીજ ન હોઈ શકે જેને બાલ્યાવસ્થા અથવા બચપણ કહી શકાય.’

ટી.વી. ચોવીસે કલાક ચાલુ હોય છે. આને કારણે પુખ્ત કે બાળક પ્રેક્ષકોને શારીરિક રીતે જુદા પાડવાં અશક્ય છે. અને પોતાના પ્રેક્ષકોને જકડવા માટે ટી.વી. પાસે સતત માહિતીનો પ્રવાહ રહેતો જરૂરી છે. પોસ્ટમેન જણાવે છે, ‘આમ, ટી.વી. એ સંસ્કૃતિના દરેક જાતનાં રહસ્યો અને મનાઈઓને છતી કરવી પડે છે. જેથી પ્રતિભાવ રૂપે, બાળકના બચપણને લૂંટવાનું અને કિશોરોના વિસ્મયને નષ્ટ કરવાનું કામ તે કરે છે.’૭૩

કશીક નવાઈ પમાડતી વાત એ છે કે ઑરવેલે આપેલા ચિત્રના અર્થમાં અમેરિકનોએ કદી ટી.વી.થી ગભરામણ કે ભય અનુભવ્યો નથી; જો કે તેવી બીક તેમને જ્યારે બજારમાં કેટલાક દાયકાઓ પહેલાં કમ્પ્યુટર મેઈનફ્રેમ દાખલ થયું ત્યારે જરૂર લાગી હતી ખરી. પરંતુ પર્સનલ કમ્પ્યુટર (પી.સી.)ના આવ્યા પછી એ બીક જતી રહી; એટલું જ નહિ, હવે તો લગભગ ૩૭% જેટલાં અમેરિકન ઘરોની અંદર જ તે વસી રહ્યું છે, અને તેના દ્વારા નવા માહિતી સાધનો – જેવાં કે ઈન્ટરનૅટ વગેરેમાં જોડાય છે, અને કમ્પ્યુટર ટૅકનૉલૉજીનો અર્થ હવે વિકેન્દ્રીકરણ બની ગયો છે. અચાનક જ હવે ઑફિસમાં કાર્ય કરતાં સામાન્ય લોકોના હાથમાં પણ વ્યાપાર અંગેની સંપૂર્ણ માહિતી આવી શકે છે અને તેના ઉપરથી તેઓ પોતાની કંપનીની (એટલે કે જ્યાં તેઓ કામ કરે છે), બજારની સ્થિતિ અને કાર્યવાહી વગેરેના અહેવાલો પોતપોતાની રીતે તૈયાર કરની પોતાના માલિકોને સુપ્રત કરી શકે છે. (ક્રમશઃ)

ભાષાંતર

ડૉ. સુધા નિખિલ મહેતા

પાદ ટીપ:

પ૦ : પૅટ્રિશિયા માર્કસ ગ્રીનફિલ્ડ, ‘માઈન્ડ ઍન્ડ મીડિયા : ધી ઈફેક્ટ્સ ઑફ ટૅલિવિઝન, વિડિયો ગેમ્સ, ઍન્ડ કમ્પ્યુટર્સ’ પા. નં. ૨

૫૧ : જૅરી મૅન્ડર, ‘ઈન ધી ઍબસન્સ ઑફ ધી સૅક્રૅડ’, પા.૮૨

પર : પૅટ્રિશિયા માર્કસ ગ્રીનફિલ્ડ, ‘માઈન્ડ ઍન્ડ મીડિયા : ધી ઈફેકટ્સ ઑફ ટૅલિવિઝન, વિડિયો ગેમ્સ ઍન્ડ કમ્પ્યુટર્સ’ પાનું. ૭૯.

૫૩ : ઉપર મુજબ, પા. ૮૯

૫૪ : ઉપર મુજબ પા. ૮૯

૫૫ : ‘ધી કમ્પ્લીટ વર્કસ’ વૉલ્યુમ ૧, પા. ૧૬૪

૫૬ : વિલિયમ મેયર્સ, ‘ધી ઈમેજ-મેકર્સ’ (ન્યૂયૉર્ક, ધી ન્યૂયૉર્ક ટાઈમ્સ બુક કંપની, ૧૯૮૪), પાનું ૭

૫૭ : ‘ધી કમ્પ્લીટ વર્કસ’ વૉલ્યુમ ૧, પા. ૪૦૬

૫૮ : ઍરિક કલાર્ક, ‘ધી વૉન્ટ મેકર્સ’, (ન્યૂયૉર્ક, વાઈકિંગ પેન્ગ્વીંન : ૧૯૮૯), પાના. ૧૩.

૫૯ : ‘ધી કમ્પલીટ વર્કસ’ વૉલ્યુમ ૧., પા. ૨૩૩.

૬૦ : ઉપર મુજબ. પા. ૨૩૩

૬૧ : જૅરી મૅન્ડર, ‘ફૉર આર્ગ્યુમેન્ટ્સ ફૉર ધી ઍલિમિનેશન ઑફ ટૅલિવિઝન’ પા. ૧૯૭.

૬૨ : ઉપર મુજબ પા. ૩૦૭

૬૩ : પૅટ્રિશિયા માર્કસ ગ્રીનફિલ્ડ, ‘માઈન્ડ ઍન્ડ મીડિયા : ધી ઈફેકટ્સ ઑફ ટૅલિવિઝન, વિડિયો ગેમ્સ, ઍન્ડ કમ્પ્યુટર્સ’ પા. ૫૧

૬૪ : નીલ પોસ્ટમેન : ‘ધી ડિસઅપિયરન્સ ઑફ ચાઈલ્ડહૂડ’ પા. ૮૦.

૬૫.: ‘ધી કમ્પ્લીટ વર્કસ’, વૉલ્યુમ-૧, પા. ૫૧૬.

૬૬ : વિલિયમ મેયર્સ, ‘ધી ઈમેજ મેકર્સ’, પા. ૪૯

૬૭ : જરી મૅન્ડર, ‘ઈન ધી ઍબસન્સ ઑફ ધી સૅક્રૅડ’, પા. ૭૬

૬૮ : એમ., ‘ધી ગૉસ્પૅલ ઑફ શ્રીરામકૃષ્ણ’, પા. ૨૪૬

૬૯ : સ્વામી શારદાનંદ, ‘શ્રીરામકૃષ્ણ : ધી ગ્રેટ માસ્ટર’, અનુવાદક – સ્વામી જગદાનંદ, (શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ,૧૯૫૨, પા. ૨૬૧-૬૨)

૭૦ : આ સમયે સ્વામી તુરીયાનંદને જાહેર કામો કર્યા વિના અભ્યાસ તથા ધ્યાનમાં જ જીવન વીતાવવાની ઈચ્છા હતી.

૭૧ : તેમના પૌર્વાત્ય અને પાશ્ચાત્ય શિષ્યગણ, ‘ધી લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ’, વૉલ્યુમ ૧ (માયાવતી અદ્વૈત આશ્રમ, ૧૯૭૯), પા. ૩૮૮

૭૨ : જૅરી મૅન્ડર, ‘ઈન ધી ઍબસન્સ ઑફ ધી સૅક્રેડ’ પા. ૧૯૦

૭૩ : નીલ પોસ્ટમેન, ‘ધી ડિસઅપિયરન્સ ઑફ ચાઈલ્ડહૂડ,’ પા. ૮૨

Total Views: 210

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.