જ્યારે મારી તે વખતે વિદેશયાત્રા નક્કી થયી હતી ત્યારે મને શંકા હતી. પૂજ્યપાદ મહારાજ વૃદ્ધ થઈ રહ્યા હતા, તેમનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હતું, મને ડર હતો કે ગમે ત્યારે કંઈક થઈ શકે છે. હું તેમની પાસે ગયો અને કહ્યું, “મહારાજ, હું તમારા વિશે અસ્વસ્થતા અનુભવું છું. તમે કોઈ પણ દિવસે મારાથી છટકી જશો અને હું દૂર પડ્યો હોઈશ.” તેમણે સાંભળ્યું અને કહ્યું, “ના, તમે ચિંતા કરશો નહીં. હું એટલો જલદી મૃત્યુ પામીશ નહીં. તમે વિદેશ જાઓ, તમે પાછા આવો ત્યાં સુધી હું ચોક્કસપણે રહીશ.” તેમની પાસેથી આ સાંભળ્યા પછી, હું માનસિક શાંતિ સાથે વિદેશના પ્રવાસે ગયો. ત્યાંથી હું દર ત્રણ દિવસે તેને ફોન કરતો. પાછા ફરવા માટે ૧૨-૧૩ દિવસ બાકી હતા. મેં એક દિવસ તેમને ફોન કર્યો. પછી તેમણે પૂછ્યું, “તમે ક્યારે આવો છો?” મેં કહ્યું, “હું ચોથી ઑગસ્ટે પાછો આવીશ.” સાંભળીને તેમણે કહ્યું, “અરે બાબા, ચોથી ઑગસ્ટ! હજુ આટલો સમય!” આ સાંભળીને મેં કહ્યું, “તો મહારાજ, બે-ત્રણ દિવસમાં આશ્રમમાં પાછો આવી જઉં?” તે સાંભળીને તેમણે કહ્યું, “ના બાપુ, એવું ના કરશો. તમે યાત્રા પૂરી કરો. હું ત્યાં સુધી રહીશ.” હું યાત્રા પૂરી કરીને ચોથી ઑગસ્ટે બેલુર મઠ પાછો ફર્યો. પાંચમીએ સવારે હું પૂજ્યપાદ મહારાજને મળ્યો. તેમણે મને હંમેશની જેમ સ્નેહ બતાવ્યો. મેં તેમને તેમના મોઢામાં ફોક્સ-લોજેન્સ આપી, તેમણે પણ મારા હાથમાં કેટલીક ફોક્સ-લોજેન્સ આપી. હું થાકી ગયો હતો, એટલે મેં વિચાર્યું કે બપોરે આવીને બધું વિગતવાર વાત કરીશ તેથી હું મારા ઓરડમાં પાછો ફર્યો. હું ઓરડામાં આરામ કરી રહ્યો હતો, અને તેઓ અચાનક સાંજે પાંચ વાગ્યે પીયરલેસ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા! બધાએ વિચાર્યું કે હું ઊંઘી રહ્યો છું, તેથી મને જગાડવો તે યોગ્ય રહેશે નહીં. બધું સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગયો. મેં મનોમન વિચાર્યું—શું થયું? મને યાદ આવ્યું, સવારે જ્યારે હું તેને મળ્યો હતો, ત્યારે તેઓ મારી સામે વારંવાર કરુણાપૂર્વક જોઈ રહ્યા હતા. મને સમજાતું નહોતું કે તેઓ આવું કેમ કરે છે! મેં પૂછ્યું, “કંઈક કહેશો?” તેમણે કહ્યું, “ના.” બીજે દિવસે જ્યારે હું હોસ્પિટલમાં તેમની મુલાકાત લેવા ગયો, ત્યારે તે જ થયું—કહેવા માટે કંઈ જ નહોતું, માત્ર જોઈ રહ્યા! હું તેમના પર મારો હાથ ફેરવવા લાગ્યો, તેઓ મૃદુતાપૂર્વક હસ્યા, બસ એટલું જ. હું તેમના વર્તનથી ચિંતિત હતો. જ્યારે તેમનું ઑપરેશન કરવાનું નક્કી થયું ત્યારે ડૉ.બિમલેન્દુ મુખર્જી તેમના આશીર્વાદ લેવા ગયા, પણ મહારાજે આશીર્વાદ આપ્યા નહીં. ઘણી આજીજી કરવા પર મહારાજે સહજતાથી કહ્યું, “બહુ મોડું થઈ ગયું છે (it’s too late).” આ સાંભળીને બધા ચોંકી ગયા. તેમનું સંભવિત પ્રસ્થાન તેમણે જાણી લીધું હતું. “તમે પાછા આવો ત્યાં સુધી હું ચોક્કસ રહીશ” એવું મને કહ્યું, પછી મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે આવું ખરેખર થશે.

મેં અગાઉ કહ્યું તેમ, તેઓ પ્રેમના પ્રતીક હતા. ભગવાન પ્રેમનું સ્વરૂપ છે. જેઓ પણ સંઘના પ્રમુખની ગાદી પર બેસે છે, તે શ્રીરામકૃષ્ણના પ્રતિનિધિ છે. તેઓ  કરુણાથી સભર હોય છે. દયાળુ શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા—લોકોનું રક્ષણ કરવા માટે, તેમને માર્ગદર્શન આપવા તથા તેઓનો ઉદ્ધાર કરવા.

 એટલા માટે જે કોઈ સંઘના અધ્યક્ષ સ્થાને બેસે છે, તેઓ  શ્રીરામકૃષ્ણનું ધ્યાન કરતાં કરતાં તેમની (શ્રીરામકૃષ્ણની) સત્તાને પ્રાપ્ત કરે છે. તેમનામાં શ્રીરામકૃષ્ણની અભિવ્યક્તિ જોવા મળે છે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ઠાકુર શ્રીરામકૃષ્ણની મૂર્તિ તરીકે બિરાજમાન હતા. તેઓ છે, તેઓ રહેશે.

[22મી ઓગસ્ટ 1998ના રોજ બેલુર મઠ ખાતે આયોજિત સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સ્મારક સભામાં સંબોધન. ]

Total Views: 85

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.