સ્વતંત્ર આયર્લેન્ડના એક પાદરી કુટુંબમાં જન્મેલ માર્ગરેટ નોબલે ભારતવર્ષની નવજાગૃતિ માટે સર્વસ્વનું અર્પણ કર્યું. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આ તેજસ્વી સંતાને નવજાગરણને પ્રેરણા આપવા સમસ્ત ભારતવર્ષમાં ભ્રમણ આદર્યું. ભારતના દેશભક્ત સંત વિવેકાનંદની તેજસ્વી પ્રતિભાનાં સાચાં વારસદાર નિવેદિતાએ તેમનાં હૃદયબુદ્ધિના ઉચ્ચતમ ગુણો, અપૂર્વ બુદ્ધિપ્રતિભા, સ્વાર્પણની ભાવના, સતત ખંત અને ઉદ્યમ તેમજ મનુષ્યજાતિ માટે નિવ્યાર્જ સહાનુભૂતિના વિસ્તીર્ણ ફલક દ્વારા ભારતની નવજાગૃતિના ઉદયકાળે સમસ્ત પ્રજામાં પ્રેરણાનું અમીસિંચન કર્યું અને કળા, સાહિત્ય, વિજ્ઞાન, કેળવણી, પત્રકારત્વ તેમજ રાજકીય વિદ્યામાં વિશિષ્ટ પ્રદાન કરી જ્ઞાનના ખૂણેખૂણા પ્રજ્વલિત કર્યા. આમ ભારતવર્ષના મહાન ક્રાંતિકારીઓ તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રિમો જેવા કે રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરવિંદ, સર જે.સી. બોઝ, અવનીન્દ્રનાથ, ટિળક અને ગોખલે જેમને સ્વામી વિવેકાનંદનાં આ તેજસ્વી માનસપુત્રીએ મુક્તિમાર્ગના અગ્રેસર બનાવ્યા. તેઓ માટે નિવેદિતા પરમ આકર્ષણનું કેન્દ્ર હતાં. સ્વામી વિવેકાનંદે ભારતની સ્ત્રીઓના ઉત્કર્ષ માટે ઝંખના વ્યક્ત કરી હતી, પરંતુ એ મિશન પરિપૂર્ણ કરવાનું નિવેદિતાને ફાળે આવ્યું હતું. એક-પંખાળું પક્ષી કદી ઊડી શકે નહીં, તેવી જ રીતે ભારત પણ પોતાના નારીવર્ગને જાગૃત કર્યા વગર આબાદ થઈ શકે જ નહીં, તેથી તેમનું પ્રાથમિક કાર્ય હિંદુસ્તાનની સ્ત્રીઓમાં કેળવણીનો પ્રચાર કરવાનું હતું.

ભારતમાં સ્ત્રીશિક્ષણ માટે શાળાનો પાયો નાખવામાં પણ ખૂબ મુશ્કેલીઓ અને અસહકારનો સામનો તેમને કરવો પડ્યો. એવી હાલતમાં તે વખતનો સમાજ હતો. પરંતુ પ્રેમ અને સ્વાર્પણ દ્વારા ભારતની સ્ત્રીઓનાં દિલ જીતી લેવામાં તેમને અભૂતપૂર્વ સફળતા મળી. આમાંથી છેવટે રાષ્ટ્રિય કેળવણી માટેની યોજના ઉદ્ભવી.

સામાજિક સેવાના ક્ષેત્રે પણ તેઓ અગ્રિમ હતાં. કોલકાતા આખું પ્લેગના પંજામાં સપડાયું ત્યારે આ ઉમદા આયરીશ સન્નારી માર્ગરેટ નોબલને ગંદાં ઝૂંપડાઓ અને શેરીઓ સાફ કરતી તેમજ બીમાર બાળકોને પોતાના ખોળામાં લઈને તેમની સેવાશુશ્રૂષા અને તેમને માટે પ્રાર્થના કરતી નિહાળીએ છીએ. ખરેખર તેઓ સ્વામી વિવેકાનંદના મિશનના પરિપાકરૂપ ઉત્તમ સુફલ હતાં અને તેમણે ભારતની પ્રજાને પોતાના દેશવાસીઓની જેમ ચાહી હતી. આત્મસમર્પણમાંથી તેમને અખૂટ સંતોષ પ્રાપ્ત થયો હતો અને તેથી જ ગુરુદેવ ટાગોરે સુયોગ્ય રીતે જ તેમને ‘લોકમાતા’નું બિરુદ આપ્યું હતું. નિવેદિતાની જેમ ભારતને સમજનારાં, તેનો ભવ્ય ભૂતકાળ, સાંપ્રત અધ:પતન અને ભાવિ નવજાગરણને નિહાળનારા બહુ જૂજ વિદ્વાનો ભારતના ઇતિહાસમાં નોંધાયા છે.

કલા, શિક્ષણ, સામાજિક ક્ષેત્ર, ધર્મ, ધાર્મિક પુસ્તકો વગેરે બાબતમાં તેમનાં ભાષણો અને પુસ્તકો જેવાં કે “Religion and Dharma’, “The Web of Indian Life’, “Footfalls of Indian History’, “Shiva and Buddha’, “Kali The Mother’, “Hints on National Education in India’ વગેરે દ્વારા પશ્ચિમમાં ભારતીય સંસ્કૃતિ અને આદર્શો ફેલાવવામાં ભારત માતા પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત થાય છે. ભારતીય વારસાના ઉત્તમ અંશોને ચરિતાર્થ કરવા તેમણે આ દેશને પોતાના માદરે વતન તરીકે અપનાવ્યો.

અંતમાં તેમનાં “Aggresive Hinduism’, “The Master as I saw Him’ જેવાં પુસ્તકોમાં લખેલ અને રામકૃષ્ણ મિશનનું સભ્ય પદ છોડતાં તેમણે ઉચ્ચારેલ તેમના શબ્દો સાચા લાગે છે, ‘પ્રતિભાવંત પુરુષ (વિવેકાનંદ)ને મેં મારું જીવન સમર્પિત કર્યું હતું અને તેમનાં વહાલાં દેશવાસીઓની સેવા કરવા માટે મારી જાતને ન્યોછાવર કરી દીધી હતી.’

તેમણે ક્યારેય રાજકારણ કે ધર્મમાં પાદરીશાહી પ્રચારવેડા આદર્યા નથી. સર્વ ધર્મની એકતા તેમજ વિશ્વાત્માની શાશ્ર્વતતાની પ્રતીતિ અર્થે હિંદુધર્મ આક્રમક થાય તેમ તેઓ ઇચ્છતાં હતાં. તેમને મન ભારતવર્ષની સ્વતંત્રતા એ પરમ ધ્યેય હતું અને તદર્થે તેની એકતા અનિવાર્ય હતી.

‘ભૂતકાળમાં બલિદાનની ગાથાઓ રચાઈ હતી અને એ ફરી આવતાં યુગો લાગશે… તારી તરફ નિર્દય બન. હું તને બીજાઓ તરફ અત્યંત દયાળુ થવાનું શીખવીશ.’ તેમના વહાલા ગુરુદેવના એ ઉદ્ગારોની સાર્થકતા માટે તેમણે જીવન સમર્પ્યું.

‘તારામાં રહેલા તિમિરનો સ્વીકાર કર અને તે પ્રજ્વલિત દીવો ઘણાને જ્યોતિર્મય કરશે. નજીવી ફરજ પણ ખુશીથી બજાવ અને મહાન પદનો સ્વેચ્છાએ ત્યાગ કર.’ જેમણે આપણી નવજાગૃતિના પ્રારંભ માટે પ્રેર્યા તેવા આ મહાન સ્વાર્પણશીલ આત્માને શું આપણી આજની પ્રજા ભૂલી જશે? આપણી યુવાન પ્રજા, ખાસ તો બહેનો તેમનામાંથી પ્રેરણા લઈ અને ભૌતિક, સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિએ ભારતવર્ષનું નવઘડતર કરવામાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આશીર્વાદથી પ્રયાણ કરે એ જ અભ્યર્થના.

Total Views: 224

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.