(‘ઉદ્‌બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. – સં.)

જે સહજતાથી અમે સ્વામી પ્રેમાનંદની સાથે વાર્તાલાપ કરી શકતા હતા, એ સહજતાથી ખૂબ ઓછા મહાપુરુષોનો સત્સંગ કરવો સંભવ છે. મેં એમનાં પ્રથમ દર્શન કર્યાં હતાં ફેબ્રુઆરી, ૧૯૧૦માં, રામકૃષ્ણ સંઘના વડામથક બેલુર મઠમાં. ગંગાના કિનારેથી જૂની મઠવાડીના પહેલાં માળે ચઢતાં ચઢતાં જોયું કે ગેરુઆ વસ્ત્ર પરિહીત એક સંન્યાસી નીચે ઊતરી રહ્યા છે. મેં એમનાં ચરણોમાં પ્રણામ કરીને પ્રશ્ન કર્યો, “બાબુરામ મહારાજ ક્યાં છે?” એમણે પોતાના તરફ ઇશારો કરીને કહ્યું, “અહીં.” ત્યાર બાદ એમણે મને પૂછ્યું, “તું શું કામ એમને મળવા માગે છે?” મેં ઉત્તર આપ્યો, “રાજા મહારાજે (સ્વામી બ્રહ્માનંદ) મને તમને મળવાનું કહ્યું છે.”

ત્યારે એમણે મારા વિશે પૂછ્યું—હું ક્યાંથી આવું છું, શું કરું છું, વગેરે. આ પ્રથમ દર્શનના દિવસથી લઈને જુલાઈ, ૧૯૧૮માં એમના દેહત્યાગ સુધી વિભિન્ન સમયે એમનાં દર્શન-લાભનું સૌભાગ્ય મને મળ્યું હતું. હું અતિ આનંદ અને ઉત્સાહના પ્રેરણાસ્રોતરૂપે એમના અનુપમ વ્યક્તિત્વની સ્મૃતિ પોષણ કરતો આવ્યો છું.

રામકૃષ્ણ સંઘના અધ્યક્ષ હતા સ્વામી બ્રહ્માનંદ અને બેલુર મઠનો કાર્યભાળ સંભાળતા સ્વામી પ્રેમાનંદ. પ્રેમાનંદજીનું અન્ય નામ હતું બાબુરામ મહારાજ. મહારાજજી પોતાના ઓરડામાં વધુ સમય રહેતા નહીં. દિવસ દરમિયાન તેઓ હરતા-ફરતા બેલુર મઠનું નિરીક્ષણ કરતા. એમની કર્મપદ્ધતિ અનુસાર તેઓ કાર્યરત યુવા સંન્યાસીઓ પર નજર રાખતા, એમને યથોચિત માર્ગદર્શન આપતા, ફૂલ અને ફળના બગીચાની કાળજી રાખતા, ગૌશાળાની વ્યવસ્થા જોતા, તથા અતિથિઓ સાથે વાર્તાલાપ કરતા. ઘણા અપરિચિત આગંતુકો તો પહેલેથી જણાવ્યા વગર જ આવીને ઉપસ્થિત થતા. પરંતુ તેઓ પણ પરિચિત મહેમાનો જેવો જ આવકાર મેળવતા.

બાબુરામ મહારાજ એમની સાથે ઘરેલું વ્યવહાર કરતા અને ખૂબ આગ્રહપૂર્વક શ્રીરામકૃષ્ણ તથા અન્ય ખ્યાતનામ વ્યક્તિઓના જીવનમાં પ્રતિફલિત આધ્યાત્મિક ઉપલબ્ધિ સંબંધે વાર્તાલાપ કરતા. આગંતુકો ધ્યાનપૂર્વક સાંભળતા. ઈશ્વર અને ધર્મપ્રસંગ સિવાયની બીજી કોઈ વાત બાબુરામ મહારાજ કરતા નહીં, જેમ શ્રીરામકૃષ્ણ કહેતા—સાધુનું વિશેષ લક્ષણ છે કે એ નિરર્થક વાતો નહિ કરે, માત્ર ઈશ્વરપ્રસંગ જ કરશે. મહારાજના જીવનમાં આ વાત સ્પષ્ટરૂપે જોવા મળતી.

તેઓની જીવન-જરૂરીયાત હતી અત્યંત અલ્પ. એક ધોતી, એક ચાદર, અને એક જોડી ચંપલ—આ જ હતું તેઓનું સર્વસ્વ. ક્યારેક જ તેઓ સિલાઈ કરેલો ઝભ્ભો પહેરતા. મને યાદ છે કે, જો વધુ પડતી ઠંડી હોય તો તેઓ કાંતેલા ઊનનો ઝભ્ભો પહેરતા. તેમની પાસે નહિવત્‌ સરસામાન રહેતો. જ્યારે તેઓ મુસાફરી કરતા ત્યારે તેમના સેવકને પેટી ભરીને સામાન વહન કરવાની જરૂર રહેતી નહીં, એક પોટલીમાં જ એમનું બધુ આવી જતું. તેઓના બધા કાર્યમાં ત્યાગનો ભાવ પ્રકાશતો. તેઓ પોતાના માટે કોઈ પણ મોંઘી કે વિલાસિતાવાળી વસ્તુઓ વાપરતા નહીં.

મહારાજ સ્વભાવના ખૂબ સ્નેહ-પરાયણ હતા. યુવા સંન્યાસીઓ અને મઠમાં નવા પ્રવેશેલા બ્રહ્મચારીઓને તેઓ માતૃભાવે ઉપદેશ અને માર્ગદર્શન આપતા. તેઓની જરૂરીયાતો ઉપર હંમેશાં નજર રાખતા. નિશ્ચિત સમયે ધ્‍યાનાભ્યાસની પ્રેરણા આપવાની સાથે સાથે જ તેઓ દેવ-સેવાથી લઈને શાકભાજી કેવી રીતે સમારવા વગેરે કર્તવ્યકર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કેવી રીતે કરવું એ પણ શીખવતા. કાર્ય ગમે તેટલું નજીવું હોય, ભલેને કચરો વાળવાનો હોય કે મેદાનમાંથી નકામું ઘાસફૂસ વાઢવાનું હોય, બધું જ દેવપૂજાની જેમ નિષ્ઠાપૂર્વક, મનોયોગ આપીને, ભૂલ કર્યા વગર કરવાનું કહેતા. એ વખતે તો ખડિયામાં શાહી રહેતી અને એમાં બોળીને કલમથી લખાતું. જો ખડિયામાં શાહી ઢાળવાની હોય તો એક ટીપું પણ બહાર પડવું ન જોઈએ.

એક દિવસે હું સૂપડામાં અનાજ ઝાટકતો હતો. પ્રેમાનંદજીએ આવીને કહ્યું, “ફોતરાની સાથે અનાજના દાણાઓ પણ નીકળી જાય છે.” તેઓ કશી પણ વસ્તુને વેડફવાનું પસંદ કરતા નહીં. સાથે જ તેઓ નાપસંદ કરતા કોઈ પણ કાર્યને ભૂલપૂર્વક કરવાનું. તેઓ અમારા મનમાં દૃઢતાપૂર્વક અંકિત કરી દેવા માગતા હતા કે, લોકનજરની સામે બહુ સારું કાર્ય કરવાથી નહીં, પરંતુ લોકનજરથી દૂર સાધારણ કર્તવ્ય-કર્મ યોગ્યરૂપે કરવાથી જ ચરિત્રની સાચી પરખ થાય છે.

ગૃહસ્થ ભક્તો પ્રતિ પણ તેઓ સમભાવે સ્નેહ-પરાયણ હતા. ભક્તોની આધ્‍યાત્મિક ઉન્નતિ માટે તો તેઓ પ્રયાસ કરતા જ, પરંતુ સાથે સાથે ભક્તોની સુખ-સુવિધા પ્રતિ પણ સભાન રહેતા. કોઈ બીમાર થવાથી જ તેના સ્વાસ્થ્ય વિશે નિયમિત સમાચાર લેતા રહેતા. સમયાંતરે પ્રેમાનંદજી બેલુર મઠના બગીચામાં ઊગેલાં ફળ અને શાકભાજી પણ ભક્તોને મોકલાવતા રહેતા. ભક્તોને ભોજન કરાવવાનો મોકો મળતાં જ તેઓ રાજી-રાજી થઈ જતા.

જે ભક્તો બપોરના સમયે બેલુર મઠમાં આવતા તેઓ બધાની ભોજનની વ્યવસ્થા થતી. જે લોકો કટાણે આવતા, અર્થાત્‌ બધાનું ભોજન થઈ ગયા પછી આવતા, તેમાંના ઘણા ખરા અપરિચિત લોકો જ રહેતા. આહાર તો બધો સમાપ્ત થઈ ગયો છે, માટે એ લોકોને ભોજન કરાવવા માટે ક્યારેક ક્યારેક નવેસરથી જ રાંધવું પડતું. ભોજન બાદ કર્મચારીઓ રસોડાની સાફસફાઈ કરીને સૂવા ચાલ્યા જતા. માટે પ્રેમાનંદજી મહારાજ પોતે જ રસોડામાં જતા અને રાંધતા.

Total Views: 85

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.