(‘ઉદ્‌બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. – સં.)

મારા બેલુર મઠના શરૂઆતના દિવસોની આ વાત છે. બેલુર મઠમાં વયોવૃદ્ધ હોય કે નવાગત હોય, બધા સાધુ-બ્રહ્મચારીઓ સ્વામી પ્રેમાનંદને જે ગભીર સન્માન અને શ્રદ્ધા અર્પિત કરતા એ જોઈ હું ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો. બધા તેઓને દૈવી પ્રેમ અને પવિત્રતાના મૂર્ત પ્રતીક રૂપે જ નિહાળતા. શ્રીરામકૃષ્ણે કહ્યું હતું, “એનાં અસ્થિ-મજ્જા સુધ્ધાં પવિત્ર છે.” (અર્થાત્‌ તેઓનાં દેહ અને મન બંને સંપૂર્ણ શુદ્ધ છે.) તેઓના સ્પર્શમાત્રથી લોકો પવિત્ર થઈ જતા. એક મનુષ્ય બીજા એક મનુષ્યની આટલી ગભીર રૂપે શ્રદ્ધા કરી શકે, એ વાતની આ પહેલાં મને ધારણા જ હતી નહીં.

તેઓ જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં ભક્તોનું ટોળું વળી જતું. બધી શ્રેણી અને સંપ્રદાયોના હિંદુઓનો તો સમાગમ થતો જ, પરંતુ સાથે સાથે મુસલમાનો પણ એમને ઘેરી વળતા. જેઓએ ધર્મમાં વિશ્વાસ ન મૂકવાની પ્રતિજ્ઞા લીધી હોય, કે જેઓ પોતાના શહેર-સ્થિત આશ્રમની ભાગ્યે જ મુલાકાત લેતા હોય, તેઓ પણ પ્રેમાનંદજીના આગમન-કાળે એમનાં દર્શન માટે અવશ્ય પધારતા. હું એ વિચારતાં જ વિસ્મિત થઈ જતો કે કોણે એમને આમંત્રણ આપ્યું હશે! જેમ સ્ત્રી અને પુરુષો આવતાં, તેમ જ આવતા યુવા વિદ્યાર્થીઓ. તેમાંના ઘણાએ સંન્યાસ-જીવનમાં પ્રવેશ કર્યો છે.

મને ખબર છે ત્યાં સુધી ભક્તિ માટે તેઓમાં જે વ્યાકુળતા પ્રગટિત થયેલી, તેનું મુખ્ય કારણ હતું પ્રેમાનંદજીનો સંગલાભ. તેઓ વિધિવત્‌ કોઈને શિષ્યરૂપે ગ્રહણ કરતા નહીં. દીક્ષા મેળવવા એમની પાસે આવતા ભક્તોને તેઓ શ્રીશ્રીમા અથવા સ્વામી બ્રહ્માનંદની પાસે મોકલી દેતા. એ બે પ્રતિ પ્રેમાનંદજીની એટલી શ્રદ્ધા હતી કે તેઓના શરીર રહેતાં રહેતાં પોતે ગુરુના આસને બેસી શકે એ વાત પણ મનમાં આણતા નહીં.

હું શાળામાં ભણતા એક વિદ્યાર્થીને ઓળખતો હતો. તેનો અત્યંત આગ્રહ હતો કે તે પ્રેમાનંદજી પાસે દીક્ષા ગ્રહણ કરે. કેટલાંક વરસ તો તે પ્રેમાનંદજીને ગુરુરૂપે જ માનતો હતો. એક દિવસ અમારા બધાની સામે જ એ છોકરાએ પ્રેમાનંદજી પાસે દીક્ષા મેળવવાની પ્રાર્થના કરી. અમે પણ એનો પક્ષ લઈને અનુનય-વિનય કર્યો. પરંતુ સ્વામી પ્રેમાનંદ અટલ. તેથી તેઓની અનુમતિ લઈને મેં છોકરાને જયરામવાટી મોકલવાની વ્યવસ્થા કરી. શ્રીશ્રીમા એ સમયે જયરામવાટીમાં જ હતાં.

પ્રેમાનંદજી દીક્ષા આપતા નહીં, ખરું, પરંતુ જેઓ તેમની પાસે આવતા તેઓની આધ્યાત્મિક ઉન્નતિ માટે તેઓ હંમેશાં સજાગ રહેતા. પ્રેરણા આપીને, આશીર્વાદ આપીને, સ્પર્શ કરીને, તેઓની કલ્યાણ-ભાવના કરીને—આ બધામાંથી એક કે એકાધિક ઉપાયે તેઓ ભક્તોની અંતર્નિહિત આધ્યાત્મિક સંભાવનાને જાગ્રત કરવાનો પ્રયત્ન કરતા.

એક દિવસે સવારે તેઓ ગભીર ધ્યાનમાંથી જાગ્રત થયા અને આનંદોત્ફુલ્લ વદને, ઉદ્દીપ્ત નયને મારી પાસે આવીને મારા ખભા ઉપર એક હાથ રાખી મને ઝંઝોળ્યો. મારા અંતરમનમાં એક દિવ્ય કંપન વહી ગયું. અન્ય એક સમયે તેઓએ પોતાના હાથે મને સ્પર્શ કરીને આશીર્વાદ આપ્યા હતા.

પૂજા કે ધ્યાનના સમયે તેઓનું વદન પ્રદીપ્ત થઈ ઊઠતું. છાતી રક્તાભ થઈ જતી. આ મેં પ્રત્યક્ષ નિહાળ્યું છે. બેલુર મઠના મંદિરમાં તો ખરું જ, પરંતુ તેઓની સાથે જેટલાં મંદિરોનાં દર્શન કરવાનો મોકો મળ્યો છે, બધાં જ મંદિરોમાં આમ થતું જોયું છે. એક દિવસે ઢાકામાં (આજના બાંગ્લાદેશના પાટનગરમાં) સ્વામી પ્રેમાનંદ એક ભક્તના નિવાસે બપોરના આહાર માટે નિમંત્રિત થયા હતા. સ્થાનિક આશ્રમના બધા સાધુ, ઘણા ભક્તો, તથા યજમાનના કેટલાક મિત્રો પણ આહાર માટે એકત્ર થયા હતા. આહાર પૂર્વે અમે બધા બેઠકખાનામાં બેઠા હતા. સ્વામી પ્રેમાનંદ પોતાના સ્વાભાવિક ઉત્સાહથી બધાની સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. શ્રોતાઓમાંના એક હતા સંગ્રહાલયના નિયામક. તેઓ હતા નાસ્તિક. વાત વાતમાં પ્રેમાનંદજીએ કહ્યું, “આધ્યાત્મિક સંપદ, જેમ કે ભક્તિ, જ્ઞાન, વિચારબુદ્ધિ, અનાસક્તિ, વગેરે માટે ઈશ્વરને પ્રાર્થના કરો.”

એ નાસ્તિક સજ્જન વચમાં જ બોલી ઊઠ્યા, “કેમ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ? આપણને જેની જરૂર છે, તે શું તેઓ જાણતા નથી?”

પ્રેમાનંદજીએ ઉત્તર આપ્યો, “હા, જો તમને આમ અનુભવ થતો હોય, જો તમારો દૃઢ વિશ્વાસ હોય કે ઈશ્વર તમારી આવશ્યકતાઓ સમજે છે તથા એ પૂરણ કરે છે તો તમારે પ્રાર્થનાની આવશ્યકતા નથી. પરંતુ ઘણા લોકો પોતાની સાંસારિક વાસનાઓ તથા ભૌતિક પદાર્થોની કામનાઓનું પૂરણ કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. ઈશ્વરની પાસે ક્ષણભંગુર વસ્તુઓ માગવી એના બદલે ચિરસ્થાયી વસ્તુઓની પ્રાર્થના કરવી એ શું સાચા ચતુરનું કાર્ય નથી? જેઓ રાજાઓના રાજા છે, તેઓની પાસે તુચ્છ વસ્તુઓ એક મૂરખ સિવાય બીજું કોણ માગી શકે? જો તમારે એમને પ્રાર્થના કરવી હોય તો શ્રેષ્ઠ વસ્તુઓ માટે જ પ્રાર્થના કરો.”

પ્રેમાનંદજીએ ઘણી વાર જાહેર પ્રવચનો આપ્યાં હતાં. મેં કેટલાંક સાંભળ્યાં છે. તેઓ કોઈ પૂર્વતૈયારી વિના જ પ્રવચન આપતા. તેઓના અંતરમનમાંથી હૃદયસ્પર્શી વચનો પ્રવાહિત થતાં અને શ્રોતાઓના મનને સ્પર્શી જતાં. માનવરૂપી ઈશ્વરની સેવા કરવાને તેઓ મહત્ત્વ આપતા. એક વાર પૂર્વ બંગાળના એક અંતરિયાળ ગામડામાં લોકોની સ્વાસ્થ્યોન્નતિ માટે તેઓએ એક પ્રકલ્પનો પ્રારંભ કર્યો હતો. આ પ્રકલ્પ ઉપર કાર્ય કરવું, પોતાના સ્વાસ્થ્ય માટે હાનિકર છે—એ વાત તેઓએ નજર-અંદાજ કરી દીધી હતી. બીજાની સેવામાં પોતાને પ્રવૃત્ત કરવાની વ્યાકુળતાના પરિણામે તેઓ કઠોર પરિશ્રમ કરતા. આથી તેઓનું સ્વાસ્થ્ય ભાંગી પડ્યું અને તેઓને સતત તાવ આવવા લાગ્યો. આ બીમારીમાંથી તેઓ ક્યારેય આરોગ્ય-લાભ કરી શક્યા ન હતા.

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.