બીજાની શારીરિક જરૂરિયાત પૂરી પાડવા તેને એ બાબતની મદદ કરવી તે સારું છે. પણ એથી વધારે સહાય કરવાની રીત તો જરૂરિયાત અને પ્રમાણ બંને બાબતમાં વધારે આગળ જવું તે છે. દાખલા તરીકે એક કલાક માટે કોઈનું દુઃખ દૂર થાય તો તેને એટલા પૂરતી સહાય કરી ગણાય અને કોઈનું દુઃખ એક વરસ માટે દૂર થાય તેવી મદદ કરીએ તો એથી વિશેષ મદદ કરી ગણાય; પણ કોઈનું દુઃખ હંમેશને માટે દૂર કરી શકાય તો? તો એ સહાય ઉત્તમ ગણાય.

આધ્યાત્મિક જ્ઞાન વડે જ આપણાં સર્વ દુઃખ હંમેશને માટે દૂર થઈ શકે છે. બીજી બધી વસ્તુથી આપણી જરૂરિયાત ફક્ત થોડા સમય પૂરતી દૂર થાય છે, જ્યારે આધ્યાત્મિક જ્ઞાન આપણને કાયમી સંતોષ આપે છે. તેથી માણસને આધ્યાત્મિક મદદ કરવી તે સંપૂર્ણ અને ઉત્તમ સહાય કરી ગણાય. જે કોઈ આવું ઊંચું આધ્યાત્મિક જ્ઞાન આપે છે તે માનવજાતનો મોટામાં મોટો શુભેચ્છક છે. માણસની આધ્યાત્મિક ભૂખ ભાંગનાર પુરુષો સાચે જ ઘણા મહાન હતા. જીવનની બધી પ્રવૃત્તિમાં આધ્યાત્મિકતા પાયો છે. આધ્યાત્મિક રીતે દૃઢ અને સંગીન માણસ જો ઇચ્છે તો બીજી સર્વ બાબતોમાં પણ દૃઢ રહેવાનો જ. માણસમાં જ્યાં સુધી આધ્યાત્મિક શક્તિ ન આવે ત્યાં સુધી શારીરિક જરૂરિયાતો સુધ્ધાં પૂરી સંતોષી શકાય નહીં. આધ્યાત્મિક સહાય પછી બૌદ્ધિક મદદ આવે છે અને અન્ન અને વસ્ત્રની મદદ કરતાં જ્ઞાનની સહાય એ વધુ ઊંચી છે; માણસને જીવતદાન આપવા કરતાં પણ એ વિશેષ છે કારણ કે માણસનું ખરું જીવન જ્ઞાનમાં સમાયેલું છે. અજ્ઞાન એ મૃત્યુ છે, જ્ઞાન એ જીવન છે. જો જીવન અંધકારમય હોય, અજ્ઞાન અને દુઃખમાં ફાંફાં મારતું હોય તો એ જીવનનું કશું મૂલ્ય નથી. બૌદ્ધિક સહાય પછી માણસને શારીરિક સહાયનું સ્થાન છે. તેથી બીજાને સહાય કરવાનો પ્રશ્ન વિચારતી વખતે, શારીરિક સહાય એ એક જ સહાય આપણે આપી શકીએ એવો ભ્રમ ટાળવા આપણે હંમેશાં પ્રયાસ કરવો જોઈએ. મદદની એ છેલ્લી ભૂમિકા છે એટલું જ નહીં પણ એનું મૂલ્ય ઓછામાં ઓછું છે, કેમ કે શારીરિક સહાયથી કાયમનો સંતોષ પ્રાપ્ત થતો નથી. હું ભૂખ્યો થાઉં ત્યારે જે પીડા થાય છે તે ખાવાથી સંતોષાય છે, પણ ભૂખ ફરી લાગે છે; મારું દુઃખ તો જ દૂર થાય જો મારી સર્વ જરૂરિયાતો પૂરેપૂરી રીતે સંતોષાય. એમ થાય તો ભૂખ મને સતાવશે નહીં; કોઈ દુઃખ, કોઈ શોક હલાવશે નહિ; તેથી જે સહાયથી આપણે આધ્યાત્મિક રીતે શક્તિશાળી થઈએ તે સહાય સૌથી વિશેષ ઉચ્ચ; એથી ઊતરતી સહાય બૌદ્ધિક સહાય છે અને છેલ્લે શારીરિક સહાય આવે છે.

જગતનાં દુઃખ માત્ર શારીરિક મદદથી દૂર થઈ શકતાં નથી, માણસનો સ્વભાવ જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી આ શારીરિક જરૂરિયાતો હંમેશાં પેદા થવાની અને દુઃખની પીડા રહેવાની. ગમે એટલી શારીરિક સહાય કરવામાં આવે તોપણ એ પૂરેપૂરી મટવાની નહીં. માનવજાતને પવિત્ર બનાવવી એ એકમાત્ર ઉપાય છે. અજ્ઞાન એ સર્વ અનિષ્ટનું અને આપણે જોઈએ છીએ તે સર્વ દુઃખોનું મૂળ છે. માનવીને જ્ઞાનનો પ્રકાશ, પવિત્રતા, આધ્યાત્મિક શક્તિ અને સાચી કેળવણી મળે તો જ જગતની પીડા શમશે. આપણે ગરીબો માટે દરેક ઘરને આશ્રયસ્થાન બનાવીએ અને ઠેકાણે ઠેકાણે હૉસ્પિટલો ઊભી કરીએ તોપણ માણસનું જીવન પરિવર્તન ન પામે, તેને સારી ટેવો ન પડે, ત્યાં સુધી દુઃખ દૂર કેમ થાય?

ભગવદ્‌ગીતામાં આપણે સતત કાર્ય કરવાનું વાંચીએ છીએ. દરેક કાર્ય સ્વાભાવિક રીતે શુભ અને અશુભથી મિશ્રિત હોય છે. ક્યાંક કશુંક શુભ ન કરે અથવા અશુભ ન કરે એવું પણ એકેય કાર્ય આપણાથી થતું નથી. દરેક કાર્યમાં શુભ અને અશુભનું અનિવાર્ય રીતે મિશ્રણ હોય છે, તે છતાં સતત રીતે કામ કરવાનો આપણને આદેશ કરવામાં આવે છે. શુભ અને અશુભ બંને કાર્યનાં પરિણામો આવવાનાં, એટલે કે શુભ કાર્યની આપણા પર શુભ અસર થવાની, અશુભ કાર્યની અશુભ. પણ શુભ અને અશુભ એ બન્ને આત્માનાં બંધનો છે. આ બંધન પેદા કરતાં કાર્ય વિશે ગીતામાં આ પ્રમાણેનું નિરાકરણ આપ્યું છેઃ ‘જે કાર્ય કરીએ તે સાથે જો આપણે આસક્ત ન થઈએ તો આત્મા ઉપર તે કોઈ પ્રકારનું બંધન ઉપજાવી શકે નહીં.’ કાર્યથી આમ અનાસક્ત રહેવું એટલે શું તે સમજવાનો પ્રયાસ હવે આપણે કરીએ.

ગીતાનો આ એક મધ્યવર્તી વિચાર છેઃ સતત રીતે કાર્ય કરો પણ તેનાથી અનાસક્ત રહો. સંસ્કાર એટલે જન્મસિદ્ધ વૃત્તિ કે વલણ એવો અર્થ લગભગ ઘટાવી શકાય. આપણે સરોવરની ઉપમા વાપરીએ. મન, એ સરોવર જેવું છે; મનમાં ઉદ્‌ભવતાં દરેક મોજાં કે તરંગ શાંત થાય ત્યારે તદ્દન શમતાં નથી. પણ ભવિષ્યમાં પાછાં ઉદ્‌ભવવાની શક્યતાની નિશાની મૂકતાં જાય છે. મોજાં કે તરંગ ફરી ઉદ્‌ભવવાની શક્યતાવાળી આ નિશાની-જેને આપણે સંસ્કાર કહીએ છીએ, તે આપણાં દરેક કાર્ય, દરેક હલચલ, દરેક વિચાર, ચિત્ત પર આવી અસરો મૂકી જાય છે; અને ઘણી વાર આવી અસરો દેખાય એવી હોતી નથી તેમ છતાં અજ્ઞાત રીતે નીચેથી કાર્ય કરે એટલી શક્તિશાળી હોય છે. દરેક ક્ષણે આપણે શું છીએ, તે મન પર પડતી આવી અસરોના સરવાળાથી નિશ્ચિત થાય છે. આ ક્ષણે હું જે છું તે મારા પૂર્વ જીવનની સર્વ અસરોનો સરવાળો છે. જેને ચારિત્ર્ય કહીએ છીએ તેનો ખરો અર્થ આ છે; દરેક માણસનું ચારિત્ર્ય આ અસરોના સરવાળાથી નિશ્ચિત થાય છે. જો શુભ અસરો પ્રબળ નીવડે તો માનવનું ચારિત્ર્ય શુભ થાય છે, જો અશુભ અસરો પ્રબળ નીવડે તો અશુભ થાય છે. જો માનવ સતત રીતે ખરાબ શબ્દો સાંભળે, ખરાબ વિચારો કરે, ખરાબ કાર્ય કરે, તો એનું મન અશુભ અસરોથી ભરાઈ જવાનું; અને અજ્ઞાત રીતે આ સર્વ એના વિચારોને અને કાર્યને અસર કરવાનાં. હકીકતે જોઈએ તો, આ અશુભ અસરો હંમેશાં કાર્ય કરતી જ હોય છે અને એનું પરિણામ અશુભમાં જ આવે; અને એવી અસરોવાળો માણસ ખરાબ જ થાય; એનાથી બીજું કંઈ થવાય જ નહીં. એનામાં રહેલી આ અસરોનો સરવાળો અશુભ કાર્ય કરવા માટે એનામાં પ્રબળ પ્રેરક શક્તિ પૂરી પાડે. એની અસરોના હાથમાં એ યંત્ર જેવો બનવાનો અને આ અસરો એને અશુભ કાર્ય કરવા પ્રેરવાની. એ જ રીતે જો માણસ સારા વિચારો કરે અને સારાં કાર્યો કરે, તો એનો સરવાળો શુભ હોવાનો અને આ અસરો એની ઇચ્છા હોય કે ન હોય તોપણ એને શુભ કાર્ય કરવા પ્રેરવાની. જે માણસ આટલાં બધાં સારાં કાર્ય કરે, આટલા બધા સારા વિચારો સેવે, એનામાં, એની અજાણમાં પણ, શુભ કરવાની અદમ્ય વૃત્તિ રહેવાની. અશુભ કરવાની એની ઇચ્છા હોય તોપણ, એની વૃત્તિઓના સરવાળાવાળું એનું મન એને એમ કરવા નહીં દે; આ વૃત્તિઓ એને અશુભની ઇચ્છામાંથી પાછો વાળશે, કેમ કે એ શુભ વૃત્તિઓની સંપૂર્ણ અસર તળે આવેલો છે. આવું જ્યાં હોય ત્યાં માનવનું શુભ ચારિત્ર્ય ઘડાયું છે એમ કહેવાય.

જેવી રીતે કાચબો પોતાના પગ અને માથું ઢાલમાં ખેંચી લે અને તમે એના કટકે કટકા કરી નાખો તોપણ એ તેમાંથી બહાર આવે નહીં, તેવી રીતે પોતાના હેતુઓ અને ઇન્દ્રિયો ઉપર જેને અંકુશ છે તેવા માનવનું ચિત્ત ચલિત થશે નહીં. પોતાનાં આંતરિક બળોને એ અંકુશમાં રાખી શકશે અને કોઈ વસ્તુ તેને એના એ અંકુશમાંથી એની ઇચ્છા વિરુદ્ધ બહાર લાવવા સમર્થ નહીં બને. શુભ વિચારના આવા સતત પરાવર્તથી, શુભ કરવાની વૃત્તિ પ્રબળ બને છે અને પરિણામે ઇન્દ્રિયોને અંકુશમાં રાખવાનું શક્ય બને છે. આ રીતે જ ચારિત્ર્ય ઘડાય છે અને ત્યારે જ માનવ સત્યને પામે છે. આવો માણસ હંમેશાં સલામત છે, એ કશું અશુભ કરી જ ન શકે. તમે ગમે તેવી સોબતમાં એને મૂકો, કશો ભય નથી. આ શુભ વૃત્તિથીયે વિશેષ ઊંચી એક ભૂમિકા છે; તે ભૂમિકા મુક્તિ મેળવવાની અભિલાષા વિશેની છે. સર્વ યોગનું લક્ષ્ય આત્માની મુક્તિ પામવાનું છે તે તમારે ધ્યાનમાં રાખવાનું છે અને દરેક યોગ સમાન રીતે એ લક્ષ્યે જ લઈ જાય છે. બુદ્ધે જે ધ્યાનથી મેળવ્યું અથવા ખ્રિસ્તે જે પ્રાર્થનાથી મેળવ્યું, તે માનવ એકલા કાર્યમાત્રથી પણ મેળવે છે. બુદ્ધ કર્તવ્યપરાયણ જ્ઞાની હતા. ખ્રિસ્ત ભક્ત હતા, પણ બન્નેએ એક જ લક્ષ્ય સિદ્ધ કર્યું. મુશ્કેલી આ છે. મુક્તિ એટલે સાવ સ્વાતંત્ર્ય-શુભના બંધનમાંથી સ્વાતંત્ર્ય, તેમ જ અશુભના બંધનમાંથી પણ સ્વાતંત્ર્ય. સોનાની સાંકળ હોય કે લોઢાની, પણ એ સાંકળ તો છે જ. મારી આંગળીમાં કાંટો વાગ્યો છે અને એ કાંટો કાઢવા માટે હું બીજા કાંટાનો ઉપયોગ કરું; અને જ્યારે કાંટો નીકળી જાય ત્યારે એ બન્ને કાંટાને ફેંકી દઉં. પછી બીજો કાંટો રાખવાની મારે જરૂર નથી, કેમ કે બન્ને આખરે તો કાંટા જ છે. એમ અશુભ અસરોનો પ્રતિકાર શુભ અસરો વડે કરવાનો છે અને મનમાં પડેલી અશુભ અસરો, જ્યાં સુધી સર્વ અશુભ સાવ દૂર થાય, શમી જાય અથવા મનમાં એક ખૂણામાં અંકુશમાં દબાય ત્યાં સુધી એને શુભ અસરોનાં નવાં નવાં આંદોલનો વડે દૂર કરવાની છે; પણ પછી આગળ વિચારીએ તો આ શુભ અસરોને પણ જીતવાની છે. આ રીતે જે ‘આસક્ત’ છે તે ‘અનાસક્ત’ થાય છે. કાર્ય કરો, પણ કાર્યની અથવા વિચારની મન પર ગાઢ અસર પડવા ન દો. તરંગો ભલે આવે અને જાય, શરીર અને મન દ્વારા પ્રબળ કાર્ય ભલે થાય, પણ આત્મા પર એની ગાઢ અસર પડવા ન દો.

આ કેવી રીતે સિદ્ધ થાય? જેનાથી આપણે આસક્ત થઈએ તેવા કોઈ પણ કાર્યની અસર રહે છે તે આપણે જાણીએ છીએ. દિવસ દરમિયાન હું સેંકડો માણસને મળું અને એમાં જેને હું ચાહું છું એવા એકને પણ મળું; પછી રાત્રે સૂઈ જાઉં અને બધાના ચહેરા મારા મન આગળ લાવવા પ્રયાસ કરું, ત્યારે જેને હું કદાચ એક જ મિનિટ મળ્યો છું અને જેને હું ચાહું છું તેવા એકનું જ મુખ મારા મન આગળ ખડું થશે અને બીજા બધાના ચહેરા અદૃશ્ય થશે. બીજા કોઈના ચહેરા કરતાં આ ખાસ પ્રકારના ચહેરાએ મારા મન પર વિશેષ અસર કરી, કારણ કે હું તેનામાં આસક્ત છું. શારીરિક રીતે અસરો સરખી જ થઈ; મેં જોયેલા દરેકનું મુખ મારી આંખની કીકીમાં આવી વસ્યું અને મારા મગજે એ ચિત્ર ઝડપ્યું. તેમ છતાં મારા મન પર એ દરેકની એકસરખી અસર ન થઈ. ઘણા ખરા જોયેલા આ ચહેરા મેં કદાચ પહેલી વાર જોયા હશે અને એમના વિશે મને કદી વિચારેય નહીં આવ્યો હોય. પણ પેલું એક મુખ જે કેવળ મેં ઝાંખું ઝાંખું જ જોયું હતું, તેણે મારા અંતરમાં પરંપરા ઊભી કરી. કદાચ એની મૂર્તિ મારા મનમાં વરસોથી વસી હશે, કદાચ એના વિશેની સેંકડો વાતોની મને ખબર હશે અને એના આ એક નવા દર્શનથી મારા મનમાં સૂતેલી સેંકડો સ્મૃતિઓ કદાચ જાગ્રત થઈ હશે અને આ એક અસરની સેંકડો વખત પુનરાવૃત્તિ થવાથી પેલા બીજા જુદા જુદા મુખની સામટી અસર કરતાં મારા મન પર ખાસ અસર કરી હશે.

તેથી ‘અનાસક્ત’ બનો; કાર્ય ભલે કરો; મગજનું તંત્ર ભલે કાર્યશીલ બને, સતત કાર્ય ભલે થાય, પણ એકેય તરંગને તમારા મનને જીતવા ન દો. આ જગતમાં તમે અજાણ્યા હો, પ્રવાસી હો, એવી રીતે કાર્ય કરો; સતત રીતે કાર્ય કરો, પણ તમે બંધાઓ નહીં; બંધન ભયંકર છે. આ જગત એ આપણું નિવાસસ્થાન નથી. જે અનેક ભૂમિકાઓમાંથી પસાર થવાનું છે તેમાંની એ તો એક ભૂમિકા છે. સાંખ્યનો પેલો મહાન ઉપદેશ યાદ રાખોઃ ‘સમગ્ર પ્રકૃતિ આત્મા માટે છે, આત્મા પ્રકૃતિ માટે નથી.’ આત્માના શિક્ષણ માટે જ માત્ર પ્રકૃતિનું અસ્તિત્વ છે, એના અસ્તિત્વનો બીજો કોઈ અર્થ નથી. આત્માને જ્ઞાન હોવું આવશ્યક છે અને જ્ઞાન વડે જ મુક્તિ મેળવી શકાય છે. માટે પ્રકૃતિનું અસ્તિત્વ છે. આટલું આપણે જો હંમેશાં યાદ રાખીએ તો પ્રવૃત્તિ સાથે કદી આસક્ત ન થઈએ. આપણે જાણીએ કે પ્રકૃતિ તો એક પુસ્તક છે જેમાંથી આપણે વાંચવાનું છે અને જ્યારે એમાંથી જરૂરી જ્ઞાન આપણને મળી જાય, ત્યારે એ પુસ્તક નકામું બને છે. પણ આમ યાદ રાખવાને બદલે આપણે પ્રકૃતિ સાથે એકરૂપ બનીએ છીએ; આપણે એમ માનીએ છીએ કે આત્મા પ્રકૃતિ માટે છે, જીવ દેહ માટે છે અને પેલી સામાન્ય કહેવતની પેઠે આપણે માનીએ છીએ કે માણસ ‘ખાવા માટે જીવે છે,’ નહીં કે ‘જીવવા માટે ખાય છે.’ સતત રીતે આવી ભૂલ આપણે કરીએ છીએ. પ્રકૃતિ એટલે આપણે એવું જ માનીએ છીએ અને તેની સાથે આસક્ત થઈએ છીએ; અને જેવું આ ‘આસક્તિ’ તત્ત્વ આવ્યું કે તેની ગાઢ અસર આત્મા પર થવાની; પરિણામે આપણે બંધનમાં પડવાના અને મુક્તની જેમ કાર્ય કરવાને બદલે ગુલામની મનોવૃત્તિથી કાર્ય કરવા પ્રેરાવાના.

આ સર્વ શિક્ષાનું સારતત્ત્વ એ છે કે તમે સ્વામીની જેમ કાર્ય કરો, ગુલામની જેમ નહીં. સતત કાર્ય કર્યે જાઓ પણ ગુલામનું કાર્ય ન કરો. દરેક જણ કાંઈક કરે જ છે તે તમે ક્યાં નથી જોતા? કોઈ પણ સાવ આરામમાં રહી ન શકે; માનવજાતના નવાણું ટકા ગુલામની પેઠે કામ કરે છે; અને આ કામનું પરિણામ દુઃખ છે. આ સર્વ સ્વાર્થવૃત્તિથી કરાયેલું કામ છે. સ્વતંત્રતાથી કાર્ય કરો! પ્રેમ દ્વારા કાર્ય કરો! ‘પ્રેમ’ શબ્દ સમજવો બહુ મુશ્કેલ છે; જ્યાં સુધી સ્વતંત્રતા ન આવે ત્યાં સુધી પ્રેમ ન જ આવે. ગુલામમાં શુદ્ધ પ્રેમ ન જ સંભવે. ગુલામને ખરીદો અને તેને સાંકળે બાંધો અને તમારે માટે એની પાસે કામ કરાવો; એ વેઠિયાની પેઠે કામ કરશે, પણ એનામાં તમારે માટે પ્રેમ નહીં હોય. એ રીતે ગુલામની જેમ જો જગતની વસ્તુઓ માટે આપણે કામ કરીએ તો આપણામાં પ્રેમ ન જ સંભવે. આ દૃષ્ટિએ આપણું કામ સાચું નથી. સગાં અને મિત્રો માટે કરેલાં કામો પણ સાચાં નથી અને આપણા પોતાને માટે કરેલાં કામો પણ સાચાં નથી. સ્વાર્થવૃત્તિથી કરેલું કાર્ય ગુલામના કાર્ય જેવું છે; અને એની કસોટી નીચે પ્રમાણે છે. પ્રેમથી કરેલા દરેક કાર્યને પરિણામે સુખ થાય છે; પ્રેમથી કરેલું એવું એકેય કાર્ય નથી જેનું પરિણામ સુખ અને શાંતિમાં ન આવે. સાચું અસ્તિત્વ, સાચું જ્ઞાન અને સાચો પ્રેમ, આ ત્રણે એકબીજા સાથે સનાતન રીતે સંકળાયેલાં છે, જ્યાં આમાંનું એક હોય ત્યાં બીજાં પણ હોવાં જોઈએ. આના ત્રણ પ્રકાર છેઃ સત્, ચિત્ અને આનંદ. જ્યારે આ સત્ સાપેક્ષ બને છે ત્યારે આપણે તેને જગત તરીકે ઓળખીએ છીએ; ચિત્ એ રીતે જરા બદલાઈને જગતમાંની વસ્તુઓ વિશેનું જ્ઞાન બને છે; અને આનંદ માનવહૃદયને જ્ઞાત એવા શુદ્ધ પ્રેમનો પાયો બને છે. તેથી શુદ્ધ પ્રેમનો પ્રત્યાઘાત પ્રેમી કે પ્રેમિકાને પીડા કરવામાં ન પરિણમે. દાખલા તરીકે એક પુરુષ છે, તે એક સ્ત્રીને ચાહે છે; એ પેલી સ્ત્રીને પોતાથી જરાયે અળગી કરવા માગતો નથી. એ એની દરેક હિલચાલને અતિશય અદેખાઈથી જુએ છે; એ એની પાસે બેસે એમ ઇચ્છે છે, એની પાસે ઊભી રહે એમ ઇચ્છે છે અને તેની આજ્ઞા પ્રમાણે ખાય, પીએ અને હરેફરે એમ ઇચ્છે છે. આ પુરુષ પેલી સ્ત્રીનો ગુલામ છે; અને પેલી સ્ત્રીને પોતાની ગુલામ બનાવવા માગે છે. એ પ્રેમ નથી, એ ગુલામનો માંદલો અનુરાગ છે જેને એ પ્રેમ તરીકે ઓળખવા ચાહે છે. પણ એ પ્રેમ નથી કેમ કે એ દુઃખદાયક છે. જો પેલી સ્ત્રી પુરુષ કહે તેમ ન કરે તો પુરુષને દુઃખ થાય છે. પ્રેમ હોય ત્યાં દુઃખ ન હોય, પ્રેમનું પરિણામ સુખમાં જ આવે. જો પ્રેમથી દુઃખ નીપજતું હોય તો એ પ્રેમ નથી; પણ કોઈ ભળતી વાતને જ પ્રેમ તરીકે માનવાની આપણે ભૂલ કરીએ છીએ. જ્યારે તમે તમારા પતિને, તમારી પત્નીને, તમારાં બાળકોને, સમગ્ર જગતને, વિશ્વને, દુઃખદાયક અસરો ન થાય એવી રીતે, ઈર્ષ્યા ન ઉદ્‌ભવે એવી રીતે, સ્વાર્થી વિચાર ન આવે એવી રીતે, પ્રેમ કરવામાં સફળ નીવડો ત્યારે તમે ‘અનાસક્ત’ હોવાની યોગ્ય ભૂમિકામાં આવો છો.

શ્રીકૃષ્ણ કહે છે, ‘અર્જુન! મારી સામે જો. હું એક ક્ષણ કાર્ય કરવાનું જો છોડી દઉં તો સમસ્ત વિશ્વનો વિનાશ થાય. કાર્ય કરવાથી મને કશો લાભ થવાનો નથી; હું તો પરમેશ્વર છું, તે છતાં હું કાર્ય શા માટે કરું છું? હું કાર્ય કરું છું કેમ કે જગત પર મને પ્રેમ છે.’ ઈશ્વર અનાસક્ત છે કેમ કે એને જગત પર પ્રેમ છે. એ શુદ્ધ પ્રેમ આપણને અનાસક્ત બનાવે છે. જ્યાં આસક્તિ છે, જ્યાં જગતની વસ્તુઓ સાથેનું વળગણ છે, ત્યાં એ પદાર્થના જુદા જુદા પ્રકારનાં રજકણોનું અરસપરસ ભૌતિક આકર્ષણ છે એમ સમજવું. એ એવું કાંઈક છે જે બે વસ્તુને હંમેશાં પાસે લાવવા આકર્ષે છે અને જો પાસે ન અવાય તો પીડા કરે છે; પણ ખરો પ્રેમ શારીરિક આસક્તિ ઉપર આધાર રાખતો નથી. આવા ખરા પ્રેમીઓ એક બીજાથી હજારો માઈલ દૂર હોય, તોપણ એમનો પ્રેમ એક સરખો જ રહેવાનો. એ પ્રેમ મૃત્યુ પામતો નથી; અને કદી પીડાજનક પ્રત્યાઘાત પેદા કરતો નથી.

આવી અનાસક્તિ પ્રાપ્ત કરવી એ તો સમગ્ર જીવનનું કાર્ય છે. પણ એક વાર આપણે અનાસક્ત સ્થિતિએ પહોંચ્યા એટલે પ્રેમનું લક્ષ્ય આપણે સિદ્ધ કર્યું અને મુક્ત બન્યા. તે કાળે પ્રકૃતિનાં બંધન આપણા પરથી સરી જાય છે અને આપણે એને એના ખરા સ્વરૂપમાં જોઈએ છીએ; પછી પ્રકૃતિ આપણને બાંધવા માટે નવી સાંકળો ઘડતી નથી; આપણે સાવ મુક્ત બન્યા છીએ અને કાર્યનાં પરિણામો ગણતરીમાં લેતા નથી; પરિણામ ગમે તે આવે તેની પછી કોણ પરવા કરે છે?

બાળકોને તમે જે કાંઈ આપો તેના બદલામાં તમે એમની પાસેથી કાંઈ માગો છો? બાળકો માટે કામ કરવું એ તમારું કર્તવ્ય છે અને એમાં એ વાતનો છેડો આવી જાય છે. કોઈ વિશિષ્ટ વ્યક્તિ માટે, શહેર માટે કે રાજ્ય માટે તમે જે કંઈ કરો ત્યારે તમારાં બાળકો અંગે જેવી વૃત્તિ રાખો એવી વૃત્તિ તમે ધારણ કરો, બદલામાં કશાની આશા ન રાખો. જો તમે દાતાની વૃત્તિ હંમેશાં રાખી શકો, જો તમે જગતને બધું મૂલ્ય વગર, કોઈ બદલાની આશા રાખ્યા વગર આપો તો તમારાં કાર્યથી તમારામાં આસક્તિ જન્મશે નહીં. જ્યાં બદલાની આશા છે ત્યાં જ આસક્તિ છે.

જો ગુલામની જેમ કાર્ય કરવાથી પરિણામ સ્વાર્થવૃત્તિ અને આસક્તિમાં આવે, તો આપણા મનના માલિક તરીકે કાર્ય કરવાથી અનાસક્તિનું સુખ પ્રાપ્ત થાય છે. ઘણી વાર આપણે સત્ય અને ન્યાયની વાત કરીએ છીએ, પણ આપણને ખબર નથી કે જગતમાં સત્ય અને ન્યાય એ માત્ર બાળકની વાતો છે. માનવીનું વર્તન બે વૃત્તિઓથી પ્રેરાય છે; સામર્થ્ય અને દયા. શક્તિનો ઉપયોગ એ અનિવાર્ય રીતે સ્વાર્થની ક્રિયા બને છે. દરેક સ્ત્રી કે પુરુષ પોતાને પક્ષે જે કાંઈ શક્તિ કે અનુકૂળતા હોય તેનો પૂરેપૂરો બદલો ઉઠાવવા પ્રયત્ન કરે છે. દયા એ તો સ્વર્ગ સમાન છે; શુભ થવા માટે આપણે બધાએ દયાળુ થવું જોઈએ. સત્ય અને ન્યાય પણ દયાને આધારે રહેવાં જોઈએ. આપણે જે કાંઈ કાર્ય કરીએ તેમાં બદલાની આશા રાખવાથી આપણી આધ્યાત્મિક પ્રગતિ રૂંધાય છે એટલું જ નહિ, એના પરિણામે દુઃખ આવે છે. દયા અને સ્વાર્થવિહીન દાનનો વિચાર અમલમાં મૂકવાનો બીજો એક માર્ગ છે. ઈશ્વરને વ્યક્તિરૂપે માનતા હો તો કર્મને તેની ‘ઉપાસના’ રૂપે ગણો. આમાં આપણા સર્વ કાર્યનાં ફળ ઈશ્વરને અર્પણ કરીએ છીએ અને ઈશ્વરની ઉપાસના આ રીતે આપણે કરતા હોવાથી, જે કાંઈ કાર્ય કરીએ તેના બદલામાં માનવજાત પાસે કાંઈ પામવાની ઇચ્છા રાખવાનો આપણને હક નથી. ઈશ્વર પોતે સતત કાર્ય કર્યા કરે છે, છતાં એ હંમેશાં અનાસક્ત હોય છે. જેવી રીતે જળ કમળપત્રને ભીંજવી શકતું નથી, તેવી રીતે નિઃસ્વાર્થ માનવને કાર્ય તેના ફળ સાથે જોડી દઈ શકતું નથી. નિઃસ્વાર્થ અને અનાસક્ત માનવ ગીચોગીચ અને પાપથી ભરેલા શહેરની વચ્ચે રહે તોપણ પાપનો એને સ્પર્શ થતો નથી.

સંપૂર્ણ સ્વાર્થત્યાગના આ વિચારનો ખ્યાલ નીચેની વાતમાંથી આવશે. કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંચ પાંડવોએ મહાયજ્ઞ કર્યો અને ગરીબોને મોટાં દાન કર્યાં. યજ્ઞની મહત્તા અને સંપન્નતા જોઈ સર્વ લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને જગતમાં આવો યજ્ઞ અગાઉ કોઈ વખત થયો ન હતો એમ કહ્યું. પણ યજ્ઞ પૂરો થયા પછી ત્યાં એક નાનો નોળિયો આવ્યો. આ નોળિયાનું અર્ધું શરીર સોનેરી હતું અને બાકીનું અર્ધું શરીર ભૂખરું હતું. યજ્ઞની ભૂમિ ઉપર આ નોળિયો આળોટતાં આળોટતાં બોલ્યોઃ ‘આ યજ્ઞ ખોટો છે.’ પાસે ઊભેલા લોકોએ નવાઈ પામી પૂછ્યુંઃ ‘શું! યજ્ઞ ખોટો છે? આટલું ધન ગરીબોને છૂટે હાથે વહેંચ્યું. ગરીબો બધા પૈસાદાર અને ન્યાલ થઈ ગયા એ તને ખબર નથી? કોઈ દિવસ કોઈએ ન કર્યો હોય તેવો સરસ આ યજ્ઞ તો હતો!’

આ સાંભળી નોળિયાએ એક વાર્તા કહીઃ એક નાનું ગામ હતું. આ ગામમાં એક બ્રાહ્મણ તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતો હતો. એ સૌ ગરીબ હતાં.

વિદ્યાર્થીઓને ભણાવવા અને કથાવાર્તામાંથી તેમને જે કાંઈ મળતું તેના પર તેઓ ગુજરાન કરતાં. એ ગામમાં એક વખત ત્રણ વર્ષનો દુકાળ આવ્યો અને ગરીબ બ્રાહ્મણ ખૂબ દુઃખી થયો. દિવસો સુધી ભૂખે મર્યા પછી એક દિવસ સવારે બ્રાહ્મણ થોડો જવનો લોટ ઘેર લાવ્યો. આ એને નસીબજોગે મળ્યો હતો. લોટના એણે ચાર ભાગ પાડ્યા—એકેક ભાગ કુટુંબના એકેક જણ માટે એ રીતે એણે ચાર ભાગ પાડ્યા. એમાંથી એમણે ખાવાનું બનાવ્યું અને જમવા બેસતાં હતાં ત્યાં કોઈએ બારણું ખખડાવ્યું. બ્રાહ્મણે બારણું ઉઘાડ્યું. બારણે અતિથિ ઊભો હતો. ભારતમાં અતિથિ પવિત્ર મનાય છે, દેવતા સમાન મનાય છે અને દેવતા તરીકે તેનું સન્માન થાય છે. આથી પેલા ગરીબ બ્રાહ્મણે કહ્યુંઃ ‘પધારો, આપનું હું સ્વાગત કરું છું.’ અતિથિ સામે પોતાનો ભાગ એણે ધરી દીધો. અતિથિ ખૂબ ભૂખ્યો હતો. એક જ કોળિયે તે બધું આરોગી ગયો અને બોલ્યોઃ ‘અરે ભાઈ! તમે તો મને મારી નાખ્યો; હું દસ દિવસનો ભૂખ્યો છું; આટલાથી ઊલટી મારી ભૂખ ઊઘડી.’ આ સાંભળી બ્રાહ્મણની પત્નીએ કહ્યુંઃ ‘મારો ભાગ એમને આપો.’ પણ પતિએ કહ્યુંઃ ‘ના, એમ નહીં.’ પણ પત્નીએ પોતાનો આગ્રહ ચાલુ રાખતાં કહ્યુંઃ ‘આ ગરીબ માણસ આપણે ત્યાં આવ્યો અને ગૃહસ્થ તરીકે તેને ખવડાવવું એ આપણું કર્તવ્ય છે. પત્ની તરીકે મારો ધર્મ છે કે ખોરાકનો મારો ભાગ મારે તેમને આપવો, કેમ કે ખોરાકનો તમારો ભાગ તમે એને આપી દીધો છે અને તમારી પાસે આપવાને કશું છે નહીં.’ આમ કહી બ્રાહ્મણપત્નીએ પોતાનો ભાગ અતિથિને આપ્યો. અતિથિ એ પણ આરોગી ગયો. હજુ એનો ભૂખનો અગ્નિ શમ્યો ન હતો એટલે બ્રાહ્મણપુત્રે કહ્યુંઃ ‘મારો ભાગ પણ સ્વીકારો; પિતાનું કર્તવ્ય પૂર્ણ કરવામાં સહાય કરવી એ પુત્રનો ધર્મ છે.’ પુત્રનો ભાગ પણ અતિથિ આરોગી ગયો અને છતાં એની ભૂખ શમી નહીં. તેથી બ્રાહ્મણપુત્રની પત્નીએ પોતાનો ભાગ પણ પેલા અતિથિને આપ્યો. બસ, તૃપ્ત થઈને અતિથિએ ત્યાંથી વિદાય લીધી અને એમને આશીર્વાદ આપ્યા. તે રાત્રે પેલાં ચારેય જણાં ભૂખથી મૃત્યુ પામ્યાં. પેલા લોટના બહુ થોડા કણ જમીન પર વેરાયેલા હતા; હું એના પર આળોટ્યો ત્યારે તમે જુઓ છો એ મારું અર્ધું શરીર સોનેરી થઈ ગયું. તે દિવસથી આજ સુધી હું જગતભરમાં પ્રવાસ કરી રહ્યો છું. એના જેવો કોઈ બીજો યજ્ઞ મને મળે એવી આશાથી હું પ્રવાસ કરી રહ્યો છું, પણ અત્યાર સુધી એવો કોઈ યજ્ઞ મને મળ્યો નથી, કોઈ યજ્ઞસ્થળે મારું આ બીજું અર્ધું અંગ સોનેરી થયું નથી. તેથી હું કહું છું કે, ‘આ યજ્ઞ ખોટો છે.’

દાનનો આ મહાન વિચાર ભારતમાંથી અદૃશ્ય થતો જાય છે; મહાન માનવીઓની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે. જ્યારે પહેલ વહેલો અંગ્રેજી ભાષાનો હું અભ્યાસ કરતો ત્યારે અંગ્રેજી વાર્તાના પુસ્તકમાં એક કર્તવ્યપરાયણ બાળકની વાત મારા વાંચવામાં આવી. આ બાળક મજૂરી કરતો હતો અને મજૂરીમાંથી જે કાંઈ મળતું તેમાંથી થોડું તેની વૃદ્ધ માતાને આપતો. આ બાબતની પ્રશંસા ત્રણ ચાર પાનાં ભરીને કરવામાં આવી હતી. એ શું બતાવે છે? એમાં કઈ મોટી વાત હતી? કોઈ હિંદુ બાળક એ વાર્તાનો સાર ન સમજી શકે. આજે જ્યારે મને ‘દરેક વ્યક્તિ પોતા માટે જીવે છે’ એ પશ્ચિમી વિચાર સંભળાય છે ત્યારે, એ વાર્તાનો સાર મને સમજાય છે. પશ્ચિમમાં દરેક માણસ પોતાને માટે જ બધો પૈસો વાપરે છે, પછી માતાપિતા, પત્ની અને બાળકનું ગમે તે થાઓ! કોઈ જગ્યાએ ગૃહસ્થનો આદર્શ આવો કદી ન હોવો જોઈએ.

કર્મયોગ એટલે શું એ હવે તમને સમજાયું હશે. મૃત્યુ દ્વાર ખખડાવતું હોય ત્યારે પણ કોઈ પ્રશ્ન પૂછ્યા વગર હરકોઈને સહાય કરવી એટલે કર્મયોગ. લાખો વાર ભલે છેતરાઓ, પ્રશ્ન પૂછો નહીં અને તમે શું કરી રહ્યા છો તેનો વિચાર ન કરો. ગરીબોને આપેલી સહાયની બડાશ ન મારો. એમની કૃતજ્ઞતાની આશા ન રાખો. ઊલટું એમણે દાનનો અમલ કરવાનો પ્રસંગ આપ્યો તે માટે તમે એમના કૃતજ્ઞ બનો. આથી તમને સ્પષ્ટ થશે કે આદર્શ સંન્યાસી થવું તેના કરતાં આદર્શ ગૃહસ્થ થવું એ વધારે મુશ્કેલ કાર્ય છે; ખરા સંન્યાસીના જીવન જેવું જ કર્તવ્ય-પરાયણ ગૃહસ્થ જીવન પણ કઠિન છે; કદાચ વિશેષ કઠિન ન હોય તોપણ તેના જેવું કઠિન તો છે જ.

Total Views: 214
૧. ‘દરેક પોતપોતાને સ્થાને મહાન છે’
૩. અનાસક્તિ એટલે સંપૂર્ણ સ્વાર્થત્યાગ