ઇતિહાસના ઉદયકાળથી જ માનવજાતિની અંદર વિવિધ પ્રકારની અસાધારણ ઘટનાઓ બનતી નોંધાઈ છે. આધુનિક વિજ્ઞાનના ઝળહળતા પ્રકાશમાં જીવતા સમાજોમાં પણ આવા બનાવોની હકીકતની સાક્ષી પૂરનારાઓનો તોટો નથી. પણ આવા પુરાવાનો મોટો ભાગ અજ્ઞાની, વહેમી અથવા ધૂર્ત માણસો પાસેથી આવવાને લીધે ભરોસો રાખવા લાયક નથી હોતો. ઘણા કિસ્સાઓમાં તો કહેવાતા ચમત્કારો એ નકલો જ હોય છે. પણ તેઓ નકલ કરે છે શેની? યોગ્ય તપાસ વિના કોઈ પણ બાબતને ઉપાડીને ફેંકી દેવી એ નિખાલસ અને વૈજ્ઞાનિક માણસનું લક્ષણ નથી. ઉપલકિયા વૈજ્ઞાનિકો, વિવિધ પ્રકારની અસાધારણ અલૌકિક ઘટનાઓનો ખુલાસો ન આપી શકતાં તે ઘટનાઓના ખુદ અસ્તિત્વનો જ અસ્વીકાર કરવાનો પ્રયાસ કરે છે. તેથી જેઓ એમ માને છે કે ઉપર આકાશમાં બેઠેલો કોઈ દેવ કે દેવતાઓ અમારી વિનંતીઓ સાંભળીને તે પૂરી કરે છે અથવા તો જેઓ એમ માને છે કે અમારી અરજીઓ સાંભળીને એ દેવતાઓ વિશ્વની ઘટનાઓનો પ્રવાહ બદલાવી નાખશે; તેમના કરતાં ઉપલકિયા વૈજ્ઞાનિકો વધારે દોષપાત્ર છે. એ માનવીઓનો બચાવ તો તેઓ અજ્ઞાની છે અથવા તો તેમની શિક્ષણ પદ્ધતિ ખામીવાળી છે કે જેથી તેઓ આવા દેવતાઓ પર આધાર ને ભરોસો રાખતાં શીખ્યાં છે કે જે ભરોસો તેમના નીચી કોટિના સ્વભાવનું અંગ બની ગયો છે તેમ કહેવાથી થઈ શકે, પણ આ ઉપલકિયા વૈજ્ઞાનિકોની પાસે તો આવો કશો જ બચાવ નથી.

હજારો વરસ થયાં આવી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે, તેમના વિશે શોધખોળો ચલાવવામાં આવી છે અને તેમાંથી સર્વ સામાન્ય તારવણી કાઢવામાં આવી છે. મનુષ્યોની ધાર્મિક ભાવનાઓના સમગ્ર ક્ષેત્રોનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે અને તેના વ્યવહારયોગ્ય પરિણામરૂપે મળ્યું છે રાજયોગ-વિજ્ઞાન. રાજયોગ, કેટલાક આધુનિક વૈજ્ઞાનિકોની અક્ષમ્ય રીત પ્રમાણે; જે હકીકતોનો ખુલાસો આપવો કઠિન થઈ પડે તેમના અસ્તિત્વનો અસ્વીકાર કરતો નથી; પરંતુ વહેમીઓને એ નરમ ભાષામાં પણ જરાય અસંદિગ્ધ નહીં તેવા શબ્દોમાં કહી દે છે કે ચમત્કારો અને પ્રાર્થનાઓની પૂર્તિઓ અને શ્રદ્ધાની શક્તિ વગેરે બધાં હકીકતો તરીકે જો કે સાચાં છે તોપણ આકાશમાં બેઠેલા કોઈ દેવ કે દેવતાઓ દ્વારા તે થાય છે એવા વહેમભર્યા ખુલાસાથી તે સમાજમાં ઊતરે તેવાં નથી બનતાં. રાજયોગ ઘોષણા કરે છે કે દરેક મનુષ્ય માનવજાતિની પાછળ રહેલ જ્ઞાન અને શક્તિના અનંત મહાસાગરે પહોંચવાની માત્ર એક નીક છે. તે એમ શીખવે છે કે ઇચ્છા અને જરૂરિયાતો માણસમાં રહેલાં છે તો તેમની પૂરણ કરવાની શક્તિ પણ માણસમાં છે; અને જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં ઇચ્છા કે જરૂરિયાત કે પ્રાર્થના ફળીભૂત થઈ છે, ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં એ પૂર્તિ આવી છે આ અખૂટ ભંડારમાંથી; અને નહીં કે કોઈ અલૌકિક દેવતામાંથી. અલૌકિક દેવતાની ભાવના મનુષ્યમાં અમુક હદે કાર્યશક્તિ કદાચ જગાવે ખરી, પણ સાથે સાથે આધ્યાત્મિક દૃષ્ટિએ તે પતન પણ લાવે છે. તે પરાધીનતા લાવે છે; તે ભય લાવે છે; તે અંધશ્રદ્ધા લાવે છે. તેનાથી મનુષ્યમાં રહેલી સ્વાભાવિક નબળાઈ પરની ઘોર શ્રદ્ધામાં ઊતરી પડાય છે. યોગી કહે છે કે અલૌકિક જેવું કંઈ જ નથી, પણ પ્રકૃતિની અંદર જ સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપો રહેલાં છે. તેમાંથી સૂક્ષ્મ સ્વરૂપો કારણરૂપ છે અને સ્થૂળ સ્વરૂપો કાર્યરૂપ છે. સ્થૂળ સ્વરૂપોને ઇંદ્રિયો વડે સહેલાઈથી અનુભવી શકાય છે; સૂક્ષ્મ સ્વરૂપોને એટલી સહેલાઈથી નહીં. રાજયોગની સાધના વધુ સૂક્ષ્મ અનુભવોની પ્રાપ્તિ તરફ લઈ જશે.

ભારતીય તત્ત્વજ્ઞાનની સઘળી આસ્તિક દર્શન પદ્ધતિઓનું ધ્યેય એક જ છે, પૂર્ણત્વની પ્રાપ્તિ દ્વારા જીવાત્માની મુક્તિ. તેની રીત છે યોગ. ‘યોગ’ શબ્દ તો ઘણી વિશાળ ભૂમિકાને આવરી લે છે, પરંતુ સાંખ્યદર્શન અને વેદાંતદર્શન બંને એક કે બીજે રૂપે યોગમાર્ગનો નિર્દેશ કરે જ છે.

આ પુસ્તકનો વિષય છે, યોગનો તે પ્રકાર કે જેને ‘રાજયોગ’ તરીકે ઓળખવામાં આવે છે. પતંજલિનાં સૂત્રો રાજયોગ પર સૌથી વધુ પ્રમાણભૂત ગણાય છે અને એ જ તેના મૂળ પુસ્તકરૂપ છે. જો કે પ્રસંગોપાત્ત કેટલાક દાર્શનિક મુદ્દાઓ પર પતંજલિથી જુદો મત ધરાવતા હોવા છતાં, એક સામાન્ય નિયમ તરીકે, બીજા દાર્શનિકો પતંજલિની સાધના પદ્ધતિને નિર્ણયાત્મક સમર્થન આપે છે. આ પુસ્તકનો પ્રથમ ભાગ આ લેખકે ન્યૂયોર્કમાં આપેલાં કેટલાંક વર્ગ વ્યાખ્યાનોનો બનેલો છે. બીજા ભાગમાં પતંજલિનાં યોગસૂત્રોનું અર્થવાહી ટીકા સાથેનું મુક્ત કહી શકાય તેવું ભાષાંતર છે. પારિભાષિક શબ્દોના ઉપયોગનો બને ત્યાં સુધી ત્યાગ કરવાનો અને વાર્તાલાપની મુક્ત અને સહેલી શૈલી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પહેલા ભાગમાં સાધના કરવા ઇચ્છતા વિદ્યાર્થીને માટે કેટલીક સાદી અને વિશિષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે; પરંતુ આવા બધા સાધકોને ખાસ ભારપૂર્વક યાદ કરાવી આપવામાં આવે છે કે થોડાક અપવાદરૂપ સાધકોને બાદ કરતાં, બીજાઓને માટે તો ગુરુના સાંનિધ્યમાં રહીને જ યોગ શીખવો સલામત છે. જો આ વાર્તાલાપથી કોઈના મનમાં યોગના વિષય પર વધારે માહિતી મેળવવાની ઇચ્છા જાગશે તો ગુરુનો અભાવ નહીં રહે.

પતંજલિની દર્શનપદ્ધતિ સાંખ્યોની પદ્ધતિ પર આધારિત છે; એ બે વચ્ચે મતભેદના મુદ્દા બહુ જ થોડા છે. બે વધુમાં વધુ મહત્ત્વના મુદ્દા આ છે; પહેલો, પતંજલિ આદિ ગુરુના રૂપમાં સગુણ ઈશ્વરનો સ્વીકાર કરે છે, જ્યારે સાંખ્ય સૃષ્ટિના એક કલ્પના તત્કાલીન અધિપતિરૂપે એક લગભગ પૂર્ણત્વને પામેલા આત્માનો સ્વીકાર કરે છે. ભેદનો બીજો મુદ્દો એ છે કે યોગીઓ માને છે કે પુરુષ એટલે કે આત્માની સાથે મન પણ સરખું જ સર્વવ્યાપી છે, જ્યારે સાંખ્યો તેમ માનતા નથી.

– ગ્રંથકર્તા

Total Views: 244
૧. કર્મ અને તેનું રહસ્ય
૧. ઉપોદ્‌ઘાત