યોગના વિષયમાં આધારો

શ્વેતાશ્વતર ઉપનિષદ

અધ્યાય બીજો

अग्निर्यत्राभिमथ्यते वायुर्यत्राधिरुध्यते।
सोमो यत्रातिरिच्यते तत्र सञ्जायते मनः॥6॥

૬. જ્યાં અગ્નિનું મંથન થાય છે, જ્યાં વાયુનો નિરોધ થાય છે, જ્યાં સોમરસ છલકાઈ જાય છે, ત્યાં (સિદ્ધ) મન ઉત્પન્ન થાય છે.

त्रिरुन्नतं स्थाप्य समं शरीरं हृदीन्द्रियाणि मनसा सन्निवेश्य।
ब्रह्मोडुपेन प्रतरेत विद्वान् स्रोतांसि सर्वाणि भयावहानि॥8॥

૮. છાતી, ગળું અને માથું ટટ્ટાર રહે તેવી રીતે શરીરને સીધી (આસનની) સ્થિતિમાં રાખીને, ઇંદ્રિયોનો મનમાં લય કરીને, બ્રહ્મ (ૐકાર) રૂપી તરાપા વડે વિદ્વાન પુરુષે સઘળા જોખમકારક પ્રવાહોને તરી જવા.

प्राणान् प्रपीड्येह संयुक्तचेष्टः क्षीणे प्राणे नासिकयोच्छ्वसीत।
दुष्टाश्वयुक्तमिव वाहमेनं विद्वान् मनो धारयेताप्रमत्त॥9॥

૯. યોગીએ પોતાની સર્વ ક્રિયાઓને નિયમમાં રાખીને, પ્રાણનો નિરોધ કરીને, જ્યારે પ્રાણની ગતિ અતિશય ધીમી થઈ જાય ત્યારે તેને નસકોરાં દ્વારા બહાર કાઢવો. જેમ સારથિ પોતાના તોફાની ઘોડાને કાબૂમાં રાખે છે તેમ સાવધાન યોગીએ પોતાના મનને કાબૂમાં રાખવું.

समे शुचौ शर्करावह्निवालुका-विवर्जिते शब्दजलाश्रयादिभिः।
मनोनुकूले न तु चक्षुपीडने गुहानिवाताश्रयणे प्रयोजयेत्॥10॥

૧૦. જ્યાં કાંકરા કે અગ્નિ, રેતી ન હોય, જે મંજુલ શબ્દ અને જળાશય વગેરેથી મનને પ્રસન્ન કરે તેવું હોય અને આંખને અણગમતું ન હોય, તથા જ્યાં પવન ફૂંકાતો ન હોય, એવા સમતળ અને પવિત્ર, ગુહા જેવા સ્થાનમાં યોગનો અભ્યાસ કરવો.

नीहारधूमार्कानिलानलानां खद्योतविद्युत्स्फटिकशशीनाम्।
एतानि रूपाणि पुरःसराणि ब्रह्मण्यभिव्यक्तिकराणि योगे॥11॥

૧૧. ધુમ્મસ, ધુમાડો, તડકો, પવન, અગ્નિ, આગિયાના ચમકારા, વીજળી, સ્ફટિક, ચંદ્ર જેવા ભાસો સામે આવીને યોગસાધનામાં ક્રમે ક્રમે બ્રહ્મનું ભાન કરાવે છે.

पृथ्व्यप्तेजोऽनिलखे समुत्थिते पञ्चात्मके योगगुणे प्रवृत्ते।
न तस्य रोगो न जरा न मृत्युः प्राप्तस्य योगाग्निमयं शरीरम्॥12॥

૧૨. જ્યારે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચભૂતોમાંથી યોગમાર્ગમાંની અનુભૂતિઓ આવવી શરૂ થાય, ત્યારે તેવા યોગાગ્નિમય શરીર પ્રાપ્ત થયેલાને રોગ, વૃદ્ધાવસ્થા કે મૃત્યુ આવતાં નથી.

लघुत्वमारोग्यमलोलुपत्वं वर्णप्रसादः स्वरसौष्ठवं च।
गन्धः शुभो मूत्रपुरीषमल्पं योगप्रवृत्तिं प्रथमां वदन्ति॥ १३॥

૧૩. શરીરનું હળવાપણું, આરોગ્ય, અલોલુપતા, સુંદર વર્ણ, અવાજમાં મીઠાશ, શરીરની સુગંધ, મળમૂત્રની અલ્પતા, આ બધાં યોગમાં પ્રવૃત્તિ થયાનાં પ્રથમ ચિહ્નો છે.

यथैव बिम्बं मृदयोपलिप्तं तेजोमयं भ्राजते तत् सुधान्तम्।
तद्वाऽऽत्मतत्त्वं प्रसमीक्ष्य देही एकः कृतार्थो भवते वीतशोकः॥14॥

૧૪. જેવી રીતે માટીથી ખરડાયેલું સોનારૂપાનું ચકતું જ્યારે સાફ થાય ત્યારે પૂરેપૂરું ચકચકિત દેખાય, તેવી રીતે જીવાત્મા આત્મતત્ત્વનું દર્શન કરીને એક સ્વરૂપ, કૃતાર્થ અને શોકરહિત થાય છે.

શ્રી શંકરાચાર્યે ટાંકેલા મહર્ષિ યાજ્ઞવલ્ક્યના શ્લોકો

आसनानि समभ्यस्य वाञ्छितानि यथाविधि।
प्राणायामं ततो गार्गि जितासनगतोऽभ्यसेत्॥
मृद्वासने कुशान् सम्यगास्तीर्याजिनमेव च।
लम्बोदरं च सम्पूज्य फलमोदकभक्षणैः॥
तदासने सुखासीनः सव्ये न्यस्येतरं करम्।
समग्रीवशिराः सम्यक् संवृतास्यः सुनिश्चलः॥
प्राङ्मुखोदङ्मुखो वाऽपि नासाग्रन्यस्तलोचनः।
अतिभुक्तमभुक्तं वा वर्जयित्वा प्रयत्नतः॥
नाडीसंशोधनं कुर्यादुक्तमार्गेण यत्नतः।
वृथा क्लेषो भवेत्तस्य तच्छोधनमकुर्वतः॥
नासाग्रे शशभृद्बीजं चन्द्रातपवितानितम्।
सप्तमस्य तु वर्गस्य चतुर्थं बिन्दुसंयुतम्॥
विश्वमध्यस्थमालोक्य नासाग्रे चक्षुषी उभे।
इडया पूरयेद्वायुं बाह्यं द्वादशमात्रकैः॥
ततोऽग्निं पूर्ववद्ध्यायेत् स्फुरज्ज्वालावलीयुतम्।
रुषष्ठं बिन्दुसंयुक्तं शिखिमण्डलसंस्थितम्॥
ध्यायेद्विरेचयेद्वायुं मन्दं पिङ्गलया पुनः।
पुनः पिङ्गलयापूर्य घ्राणं दक्षिणतः सुधीः॥
तद्वद्विरेचयेद्वायुमिडया तु शनैः शनैः।
त्रिचतुर्वत्सरं चापि त्रिचतुर्मासमेव वा॥
गुरुणोक्तप्रकारेण रहस्येवं समभ्यसेत्।
प्रातर्मध्यान्दिने सायं स्नात्वा षट्कृत्व आचरेत्॥
सन्ध्यादिकर्म कृत्वैव मध्यरात्रेऽपि नित्यशः।
नाडीशुद्धिमवाप्नोति तच्चिह्नं द्श्यते पृथक्॥
शरीरलधुता दीप्तिर्जठराग्निविवर्धनम्।
नादाभिव्यक्तिरित्येतल्लिङ्गं तच्छुद्धिसूचनम्॥
प्राणायामं ततः कुर्याद्रेचकपूरककुम्भकैः।
प्राणापानसमायोगः प्राणायामः प्रकीर्तितः॥
* * *
पूरयेत् षोडशैर्मात्रैरापादतलमस्तकम्।
मात्रैर्द्वात्रिंशकैः पश्चाद्रेचयेत् सुसमाहितः॥
सम्पूर्णकुम्भवद्वायोर्निश्चलं मूर्घ्नि देशतः।
कुम्भकं धारणं गार्गि चतुःषष्ठ्या तु मात्रया॥
ॠषयस्तु वदन्त्यन्ये प्राणायामपरायणाः।
पवित्रीभूताः पूतान्त्राः प्रभञ्जनजये रताः॥
तत्रादौ कुम्भकं कृत्वा चतुःषष्ठ्या तु मात्रया।
रेचयेत् षोडशैर्मात्रैर्नासेनैकेन सुन्दरि।
ततश्च पूरयेद्वायुं शनैः षोडशमात्रया॥
प्राणायामैर्दहेद्दोषान् धारणाभिश्च किल्बिषान्।
प्रत्याहाराच्च संसर्गान्ध्यानेनानीश्वरान् गुणान्॥

‘ઇચ્છા પ્રમાણે આસનોનો યથાવિધિ અભ્યાસ કર્યા પછી, હે ગાર્ગી, જે વ્યક્તિએ આસન સિદ્ધ કર્યું છે તેણે પ્રાણાયામનો અભ્યાસ કરવો.

‘સુખકર જગા પર દર્ભાસન બિછાવવું, તેના પર મૃગચર્મ પાથરવું, ફળ અને લાડુથી ગણપતિની પૂજા કરવી, આસન પર સ્વસ્થ થઈને બેસવું, ડાબા હાથની હથેળીમાં જમણી હથેળી મૂકવી, ડોક અને માથું સીધાં રાખવાં, મોઢું બંધ કરવું, શરીરને સ્થિર રાખીને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું કરીને બેસવું તથા દૃષ્ટિને નાકની અણી પર સ્થિર કરવી અને અતિભોજન કે ઉપવાસનો કાળજીપૂર્વક ત્યાગ કરીને અગાઉ કહેલી રીતે યત્નપૂર્વક નાડીશુદ્ધિ કરવી. નાડીશુદ્ધિ ન કરનારની સાધનાનો શ્રમ વ્યર્થ જાય છે. પિંગલા અને ઇડા (જમણા અને ડાબા નસકોરાં)ના સંયોગ સ્થળમાં ‘હં’ બીજનું ચિંતન કરીને, ઇડા દ્વારા બાર માત્રા (સેકન્ડ)માં બહારથી હવા ભરવી. ત્યાં અગ્નિનું ચિંતન કરીને ‘રં’ બીજનું ધ્યાન કરવું. એ ધ્યાન કરતી વખતે પિંગલા (જમણા નસકોરા) દ્વારા વાયુને બહાર કાઢવો. વળી ફરીથી પિંગલા દ્વારા પૂરક કરીને તેને અગાઉની રીત પ્રમાણે ધીરે ધીરે ઇડા તરફ બહાર કાઢવો. ગુરુના ઉપદેશ પ્રમાણે આનો અભ્યાસ ત્રણ ચાર માસ કે ત્રણ ચાર વરસ સુધી કરવો. જ્યાં સુધી નાડી શુદ્ધ ન થાય ત્યાં સુધી ઉષાકાળે, મધ્યાહ્ને, સાંજે અને મધરાતે એકાંતમાં આ અભ્યાસ કરવો. શરીરનું હળવાપણું, સુંદર વર્ણ, જઠરાગ્નિ પ્રદીપ્ત થવો, અમુક પ્રકારના નાદનું શ્રવણ વગેરે નાડીશુદ્ધિનાં ચિહ્નો છે. ત્યાર પછી પૂરક, કુંભક, રેચક ક્રિયાઓ રૂપી પ્રાણાયામ કરવો. પ્રાણને અપાન સાથે જોડવો તેનું નામ પ્રાણાયામ.

‘સોળ માત્રામાં માથાથી પગ સુધી શરીરને ભરવું તે પૂરક, બત્રીસ માત્રામાં રેચક અને ચોસઠ માત્રાનો કુંભક કરવો.

‘બીજા એક પ્રકારનો પ્રાણાયામ છે. તેમાં ચોસઠ માત્રાનો કુંભક પ્રથમ કરવાનો હોય છે, પછી સોળ માત્રાનો રેચક અને ત્યાર પછી સોળ માત્રાનો પૂરક કરવાનો હોય છે.

‘પ્રાણાયામ વડે શરીરના સર્વ દોષો બળી જાય છે; ધારણાથી મનની મલિનતા દૂર થાય છે; પ્રત્યાહારથી સંસર્ગદોષો નાશ પામે છે અને ધ્યાન દ્વારા આત્માની ઈશ્વરત્વ પ્રાપ્તિમાં જે કંઈ આવરણરૂપ છે તેનો નાશ થાય છે.’

સાંખ્ય દર્શન : અધ્યાય ત્રીજામાંથી

भावनोपचयात् शुद्धस्य सर्वं प्रकृतिवत्॥29॥

૨૯. ધ્યાનની વૃદ્ધિ દ્વારા શુદ્ધ (પુરુષ)ની પાસે પ્રકૃતિની પેઠે સર્વ શક્તિઓ આવે છે.

रागोपहतिर्ध्यानम्॥30॥

૩૦. આસક્તિનો નાશ એ ધ્યાન (કહેવાય).

वृत्तिनिरोधात्तत्सिद्धिः॥31॥

૩૧. વૃત્તિઓના નિરોધથી ધ્યાન સિદ્ધ થાય છે.

धारणाऽऽसनस्वकर्मणा तत्सिद्धिः॥32॥

૩૨. ધારણા, આસન અને પોતાનાં કર્તવ્ય કર્મ કરવાથી ધ્યાન સિદ્ધ થાય છે.

निरोधश्छर्दिवि धारणाभ्याम्॥33॥

૩૩. શ્વાસોચ્છ્વાસનાં ત્યાગ અને ધારણા દ્વારા પ્રાણનો નિરોધ થાય છે.

स्थिरसुखमासनम्॥34॥

૩૪. જે સ્થિતિમાં સહેલાઈથી સ્થિર થઈને બેસી શકાય તે આસન.

वैराग्यादभ्यासाच्च॥36।

૩૬. વૈરાગ્ય અને અભ્યાસથી પણ ધ્યાન સિદ્ધ થાય છે.

तत्त्वाभ्यासान्नेति नेतीति त्यागाद्विवेकसिद्धिः॥74॥

૭૪. પ્રકૃતિનાં તત્ત્વોના અભ્યાસથી અને ‘નેતિ નેતિ’ કરીને સર્વ વસ્તુનો ત્યાગ કરવાથી વિવેક આવે છે.

અધ્યાય ચોથો

आवृत्तिरसकृदुपदेशात्॥3॥

૩. ઉપદેશનું પુનરાવર્તન જરૂરી છે.

श्येनवत् सुखदुःखी त्यागवियोगाभ्याम्॥5॥

૫. જેમ બાજ પાસેથી તેનો શિકાર લઈ લેવામાં આવે તો દુઃખી થાય છે, પણ તે પોતાની મેળે જ શિકાર છોડી દે તો સુખી થાય છે, (એટલે કે જે સ્વેચ્છાથી સર્વ ત્યાગે છે તે સુખી થાય છે) તેમ (જે માણસ પોતાની ઇચ્છાથી સર્વ વસ્તુનો ત્યાગ કરે છે તે સુખી થાય છે.)

अहिनिर्ल्वयनीवत्॥6॥

૬. જેમ સર્પ પોતાની કાંચળીનો ત્યાગ કરીને સુખી થાય છે તેમ.

असाधनानुचिन्तनं बन्धाय भरतवत्॥8॥

૮. જે મુક્તિનું સાધન નથી તેનું ચિંતન કરવું નહિ. ભરતની જેમ તે બંધનરૂપ થાય છે.

बहुभिर्योगे विरोधो रागादिभिः कुमारीशङ्खवत्॥9॥

૯. કુમારિકાએ પહેરેલી શંખની બંગડીઓની જેમ ઘણી વસ્તુઓના સંબંધથી આસક્તિ ક્રોધ વગેરે ઉત્પન્ન થાય છે.

द्वाभ्यामपि तथैव॥10॥

૧૦. બે વસ્તુની બાબતમાં પણ તેમ જ સમજવું.

निराशः सुखी पिङ्गलावत्॥11॥

૧૧. આશાનો ત્યાગ કરનારો પિંગલાની પેઠે સુખી થાય છે.

बहुशास्त्रगुरूपासनेऽपि सारादानं षट्पदवत्॥13॥

૧૩. ઘણાં શાસ્ત્રો અને ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવવું. પણ તે બધાંમાંથી ભમરાની જેમ માત્ર સાર લેવો.

इषुकारवन्नैकचित्तस्य समाधिहानिः॥14॥

૧૪. બાણ બનાવનારની પેઠે જેનું મન એકાગ્ર થયેલું છે તેથી સમાધિમાં અડચણ ઊભી થતી નથી.

कृतनियमलङ्घनादानर्थक्यं लोकवत्॥15॥

૧૫. સંસારની સર્વ બાબતોમાં છે તેમ, નક્કી કરેલા નિયમોનું ઉલ્લંઘન કરવાથી ધ્યેયપ્રાપ્તિ થઈ શકતી નથી.

प्रणतिब्रह्मचर्योपसर्पणानि कृत्वा सिद्धिर्बहुकालात्तद्वत्॥19॥

૧૯. નમ્રતા, બ્રહ્મચર્ય અને ગુરુસેવાથી (ઇંદ્રની પેઠે) સિદ્ધિ લાંબે કાળે પ્રાપ્ત થાય છે.

न कालनियमो वामदेववत्॥20॥

૨૦. વામદેવની જેમ, સમયની કશી મર્યાદા નથી.

लब्धातिशययोगाद्वा तद्वत्॥24॥

૨૪. અથવા જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેની સાથેના સંપર્કથી (યોગ સિદ્ધ થાય છે.)

न भोगात् रागशान्तिर्मुनिवत्॥27॥

૨૭. ભોગ દ્વારા આસક્તિની નિવૃત્તિ થતી નથી, (સૌભરી) મુનિની પેઠે.

અધ્યાય પાંચમો

योगसिद्धयोऽप्यौषधादिसिद्धिवन्नापलापनीयाः॥128॥

૧૨૮. જેમ ઔષધિઓ દ્વારા મેળવેલી આરોગ્ય પ્રાપ્તિને નકારી શકાય નહિ, તેમ યોગની સિદ્ધિઓ પણ નકારી શકાય નહિ.

અધ્યાય છઠ્ઠો

स्थिरसुखमासनमिति न नियमः॥24॥

૨૪. સ્થિર અને સુખકર હોય તે જ આસન; બીજો કોઈ નિયમ નથી.

વ્યાસસૂત્રો

અધ્યાય ચોથોઃ વલ્લી પહેલી

आसीनः सम्भवात्॥7॥

૭. ઉપાસના બેસીને જ કરી શકાય.

ध्यानाच्च॥8॥

૮. ધ્યાનને માટે પણ (તે જ નિયમ).

अचलत्वञ्चापेक्षय॥9॥

૯, કારણ કે ધ્યાનસ્થ પુરુષને નિશ્ચળ પૃથ્વીની સાથે સરખાવવામાં આવે છે.

स्मरन्ति च॥10॥

૧૦. સ્મૃતિઓ પણ તેમ કહે છે.

यत्रैकाग्रता तत्राविशेषात्॥11॥

૧૧. જ્યાં મન એકાગ્ર થાય ત્યાં ઉપાસના કરવી; સ્થળનો કોઈ નિયમ નથી.

આ કેટલાંક અવતરણો યોગ વિશે ભારતીય તત્ત્વજ્ઞાનની બીજી પદ્ધતિઓમાં શું કહેવાયું છે તેનો ખ્યાલ આપે છે.

Total Views: 164
૧૩. કૈવલ્યપાદ
‘રાજયોગના છ પાઠો’