મનને નિયમનમાં લાવી શકીએ તે પહેલાં આપણે તેનો અભ્યાસ કરવો જોઈએ.
આપણે આ અસ્થિર મનને પકડવાનું છે અને ભટકવામાંથી ખેંચીને તેને એક વિચાર પર કેન્દ્રિત કરવાનું છે. આમ વારંવાર કરવું જોઈએ. ઇચ્છાશક્તિ વડે મનને પકડીને તેને ભટકતું અટકાવીને ઈશ્વરના મહિમાના ચિંતનમાં લગાડવું જોઈએ.
મનને પકડવાનો, સૌથી સરળ માર્ગ છે પ્રથમ શાંત બેસવાનો અને થોડોક સમય તેની ઇચ્છા મુજબ તેને ભટકવા દેવાનો. ‘મારું મન ભટક્યા કરે છે, હું તેનો દ્રષ્ટા છું; મન એ હું નથી’ —એ વિચારને મક્કમ રીતે વળગી રહો. પછી મન જાણે કે તમારી જાતથી જુદી વસ્તુ હોય તે પ્રમાણે તેને વિચાર કરતું જુઓ. તમારી જાતને ઈશ્વર સાથે એક રૂપ કરો, જડ પદાર્થ કે મન સાથે કદી પણ નહિ.
કલ્પના કરો કે મન એ તમારી સમક્ષ પથરાઈ રહેલું એક શાંત સરોવર છે અને આવતાજતા વિચારો તેની સપાટી ઉપર ઉત્પન્ન થતા અને ફૂટી જતા પરપોટા માત્ર છે, વિચારોને નિયમનમાં લાવવાનો કશો પ્રયાસ કરો નહિ. ફક્ત તેમને જોયા કરો અને તરતા તરતા સરી જાય ત્યારે કલ્પનામાં તેમને અનુસરો. આ ક્રિયા વર્તુળોને ક્રમશઃ નાના બનાવશે. મનનું ક્ષેત્ર વિચારોનાં વિસ્તૃત વર્તુળો સુધી પથરાયેલું છે; અને જેમ સરોવરમાં પથરા ફેંકવામાં આવે ત્યારે ઉદ્ભવેલ તરંગોનાં વર્તુળો દૂર દૂર સુધી વિસ્તાર પામે છે; તેમ વિચારનાં આ વર્તુળો પણ વિસ્તૃત અને વધુ વિસ્તૃત થતાં જાય છે. આપણે આ પ્રક્રિયાને ઊલટી કરવા માગીએ છીએ અને એક વિરાટ વર્તુળથી આરંભ કરીને તેને વધુ ને વધુ સંકીર્ણ કરતાં કરતાં અંતે એક બિંદુએ લાવીને મનને ત્યાં સ્થિર રાખવા માગીએ છીએ. ‘હું મન નથી, હું જોઉં છું કે હું ચિંતન કરું છું; હું મારા મનને ક્રિયા કરતું જોઉં છું.’ એ વિચારને વળગી રહો. એમ કરવાથી તમારા વિચાર અને સંવેદનની સાથેની તમારી અભિન્નતાનો ખ્યાલ દિનપ્રતિદિન ઘટશે અને છેવટે તમે તમારી જાતને મનથી સાવ પૃથક્ કરી શકશો અને એ મન તમારાથી જુદી વસ્તુ છે તેમ ખરેખર જાણી શકશો.
જ્યારે આમ થાય, ત્યારે મન તમારી ઇચ્છા મુજબ નિયમનમાં રાખી શકાય તેવો ગુલામ બને છે. યોગી થવા માટે પ્રથમ ભૂમિકા છે ઇંદ્રિયોથી પર જવાની. જ્યારે મન પર વિજય મળી જાય ત્યારે માનવી સર્વોચ્ચ ભૂમિકાએ પહોંચ્યો કહેવાય.
બને તેટલું એકલા રહો. આસન સાનુકૂળ ઊંચાઈવાળું હોવું જોઈએ; પ્રથમ દર્ભનું આસન મૂકો, તેના પર રૂંવાટીવાળું મૃગચર્મ મૂકો અને તેના ઉપર એક રેશમી આચ્છાદન રાખો. આસન સાથે પીઠ ન હોય એ વધારે સારું છે; એ આસન એકસમાન અને હલેચલે નહિ એવું હોવું જોઈએ.
વિચારો માનસચિત્રો હોવાથી, આપણે નવાનું સર્જન કરવું જોઈએ નહિ. આપણે મનમાંથી સઘળા વિચારો કાઢી નાખીને તેને કોરું બનાવવું જોઈએ. વિચારને આવતાંની સાથે જ કાઢી મૂકવો. આ સિદ્ધ કરવા માટે આપણે જડ પદાર્થથી પર થઈને આપણા શરીરથી પર થવું જોઈએ. માનવીનું સમગ્ર જીવન ખરેખરી રીતે તો આ કરવાનો જ એક પ્રયાસ છે.
પ્રત્યેક અવાજને તેનો પોતાનો અર્થ હોય છે. આપણી પ્રકૃતિમાં આ બંને વસ્તુઓ જોડાયેલ છે.
આપણો સર્વોચ્ચ આદર્શ ઈશ્વર છે. તેનું ધ્યાન ધરો. જ્ઞાતાને આપણે જાણી શકીએ નહિ. પરંતુ આપણે તે છીએ.
અનિષ્ટને આપણે જોઈએ છીએ, ત્યારે જ તેનું સર્જન કરીએ છીએ. આપણે જેવા છીએ તેવું જ આપણે બહાર જોઈએ છીએ, કારણ કે જગત આપણો અરીસો છે. આ નાનું શરીર આપણે સર્જેલ એક નાનો અરીસો છે. પરંતુ સમસ્ત વિશ્વ આપણું શરીર છે; આપણે સદા આ વિચારવું જ જોઈએ. ત્યાર પછી આપણે જાણીશું કે આપણે મરી શકીએ નહિ કે બીજાને પીડા કરી શકીએ નહિ, કારણ કે તે આપણો પોતાનો જ છે. આપણે જન્મ-મૃત્યુ રહિત છીએ અને આપણામાં કેવળ પ્રેમ જ હોવો જોઈએ.
‘આ સમસ્ત વિશ્વ મારું શરીર છે; સર્વ આરોગ્ય, સર્વ સુખ મારું છે, કારણ કે આ બધું વિશ્વમાં છે’ કહો કે, ‘હું જ વિશ્વ છું.’ આખરે આપણે શીખીએ છીએ કે સર્વ પ્રવૃત્તિ આપણા થકી અરીસા પ્રતિ થાય છે.
જો કે આપણે નાના તરંગો રૂપે દેખાઈએ છીએ, છતાં સમસ્ત સાગર આપણી પાછળ છે અને આપણે તેની સાથે એકરૂપ છીએ. કોઈ પણ તરંગ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે નહિ.
યોગ્ય રીતે યોજાયેલી કલ્પના આપણો ઉત્તમ મિત્ર છે; એ તર્કથી પર જાય છે અને આપણને સર્વત્ર લઈ જનારો એ એકમાત્ર પ્રકાશ છે. પ્રેરણા અંદરથી આવે છે અને આપણે આપણી જાતને વધુ ઉચ્ચ શક્તિઓ દ્વારા પ્રેરણા આપવાની છે.

