પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદથી ચર્ચાઓમાં ભાગ લેવાનું બહુ બનતું નહીં. એક વખત ‘માનસિક ઘટનાઓને વૈજ્ઞાનિક ભૂમિકાથી સિદ્ધ કરી શકાય કે નહીં.’ એ વિષય ઉપર થયેલા વ્યાખ્યાનની ચર્ચામાં લંડનમાં તેમણે ભાગ લીધેલો. જે ટીકા તેમણે ચર્ચાના સમયમાં સાંભળેલી (પશ્ચિમમાં આવી ટીકા પ્રથમ વાર જ નહોતી) તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યુંઃ
એક મુદ્દા ઉપર મારે કહેવાનું છે. સ્ત્રીઓને આત્મા હોય છે એમ મુસલમાનો નથી માનતા એવું જે વિધાન આપણી સમક્ષ કરવામાં આવ્યું છે તે ખોટું છે. મને કહેતાં દિલગીરી થાય છે કે ખ્રિસ્તી લોકોની એ એક જૂની ભૂલ છે; અને એ ભૂલ તેમને ગમતી હોય એમ લાગે છે. પોતાને જેઓ ગમતા ન હોય તેમના વિશે કંઈક ખરાબ કહેવું એ મનુષ્ય સ્વભાવની ખાસિયત છે. તમે જાણો છો કે હું મુસલમાન નથી, છતાં મને એ ધર્મનો અભ્યાસ કરવાની તક મળેલી, તે પરથી હું કહું છું કે કુરાનમાં એક પણ શબ્દ એવો નથી કે જે કહેતો હોય કે સ્ત્રીઓને આત્મા નથી. વસ્તુતઃ તે કહે છે કે તેમને આત્મા છે.
જે મનને લગતી બાબતો આ ચર્ચાનો વિષય છે તે વિશે અહીંયાં મારે બહુ થોડું કહેવાનું છે, કારણ કે પ્રથમ તો પ્રશ્ન એ છે કે માનસિક વિષયો, વૈજ્ઞાનિક રીતે દર્શાવી શકાય તેવા છે કે નહીં? આવા પ્રયોગદર્શનથી તમે શું કહેવા માગો છો? પ્રથમ અંતર્લક્ષી અને બહિર્લક્ષી બાજુઓનો વિચાર આવશ્યક છે. જે રસાયણશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનથી આપણે એટલા બધા વાકેફ છીએ અને જેને વિશે આપણે ખૂબ વાંચેલું પણ છે; તેનો વિચાર કરીએ તો તેમના સાવ સામાન્ય વિષયોના જે પ્રયોગો બતાવાય છે તેને સમજવા માટે આ દુનિયામાં પ્રત્યેક માણસ લાયક છે? કોઈ પણ અણઘડને તમારો પ્રયોગ બતાવો. તે તેમાં શું સમજશે? કંઈ જ નહીં. કોઈ પણ પ્રયોગને સમજવા સુધીની કક્ષાએ પહોંચવા સારુ તેને ઘણી સારી કેળવણી આપવાની જરૂર છે; તે પહેલાં તે તેને જરાય સમજી શકશે નહીં. એ એક મહાન મુશ્કેલી છે. જો વૈજ્ઞાનિક પ્રયોગોનો અર્થ એવો થતો હોય કે કેટલીક હકીકતોને બધા માણસો સમજે તેવી સર્વસામાન્ય ભૂમિકા ઉપર લાવવી, તો જગતના કોઈ પણ વિષયના તેવા કોઈ પણ વૈજ્ઞાનિક પ્રયોગો થઈ શકે, એ વાતનો હું ઇન્કાર કરું છું. જો તે શક્ય હોય તો આપણી બધી વિદ્યાપીઠો અને કેળવણીનો કશો અર્થ રહે નહીં. જન્મથી જ જો આપણે બધી વૈજ્ઞાનિક બાબતો સમજી શકીએ તો આપણી કેળવણીનો હેતુ શો? આટલો બધો અભ્યાસ શા માટે? તેની કંઈ જ જરૂર નથી. તેથી દેખીતી રીતે જ જે ભૂમિકા ઉપર આપણે હાલ છીએ તે ભૂમિકાની સપાટીએ જટિલ હકીકતોને ઉતારી લાવવી એવો જો વૈજ્ઞાનિક પ્રયોગોનો અર્થ હોય તો તે ઘણો કઢંગો છે. ત્યાર પછીનો બીજો અર્થ કદાચ સાચો હોય કે અમુક વધુ જટિલ હકીકતો પુરવાર કરવા માટે અમુક હકીકતોને આગળ ધરવી. કેટલીક વિશેષ ગૂંચવણભરી ઘટનાઓને આપણે ઓછી ગૂંચવણભરી હકીકતોથી સમજાવી શકીએ; અને આમ કદાચ તેમની ખૂબ નજીક જઈ શકીએ. આ પ્રમાણે ધીરે ધીરે તેમને આપણી અત્યારની સામાન્ય સમજણની ભૂમિકા ઉપર લાવી શકાય. પરંતુ આ પણ બહુ ગૂંચવણ ભરેલું અને મુશ્કેલ છે અને એ માટે તાલીમ તેમજ અત્યંત ગાઢ અભ્યાસ માગી લે છે. તેથી મારે તો આટલું જ કહેવાનું છે કે માનસિક ઘટનાઓના વૈજ્ઞાનિક ખુલાસાઓ પ્રાપ્ત કરવા માટે આપણે તે ઘટનાઓની બાજુએ જ પૂર્ણ પુરાવાની જરૂર છે એટલું જ નહીં, પણ જેમને તે જોવા છે તેમને માટે પણ ઘણી વધારે તાલીમની આવશ્યકતા છે. આ વાતનો સ્વીકાર કર્યા પછી જ આપણી પાસે રજૂ થતી કોઈ પણ ઘટનાની સાબિતી કે ના-સાબિતી વિશે હા કે ના કહેવાની સ્થિતિએ આપણે આવી શકીશું. પણ તે અગાઉ, સૌથી અદ્ભુત ઘટના કે માનવસમાજમાં બનેલી વારંવાર નોંધાયેલી ઘટનાને સાવ ઉપલક રીતે સિદ્ધ કરવી તે પણ મારી માન્યતા મુજબ ઘણું મુશ્કેલ થઈ પડે.
બીજું, ધર્મોની ઉત્પત્તિ સ્વપ્નમાંથી છે—તેવા ઉતાવળિયા ખુલાસાઓની બાબતમાં તો એમ કહી શકાય કે જેમણે ધર્મોનો ખાસ અભ્યાસ કર્યો છે તેઓ તો તે ખુલાસાઓને કેવળ અટકળો તરીકે જ લેખશે. આપણે પણ, જેવી રીતે સહેલાઈથી સમજાવાઈ ગયું છે, ધર્મો સ્વપ્નનાં પરિણામો છે કે તેમ ધારી લેવાને આપણને કંઈ જ કારણ નથી. તો પછી અજ્ઞેયવાદીની સ્થિતિ સ્વીકારવી પણ સાવ સરળ બને. કમનસીબે આ વસ્તુ એટલી સરળતાથી સમજાવી નહીં શકાય. અત્યારના સમયમાં પણ, એવી બીજી ઘણીયે અદ્ભુત ઘટનાઓ બને છે, તે બધીની તપાસણી કરવી પડે એમ છે; અરે કરવી પડે એમ છે એટલું જ નહીં, પણ એ બધીની તપાસણી અત્યાર સુધીમાં થઈ ગઈ છે. અંધ મનુષ્ય કહે છે કે સૂર્ય નથી; આથી એમ નથી સાબિત થતું કે સૂર્ય નથી. આ ઘટનાઓમાં વર્ષો પહેલાં શોધખોળ થઈ ગઈ છે. જ્ઞાનતંતુઓની સૂક્ષ્મ ક્રિયાઓ શોધવાનું યોગ્ય સાધન બનવા માટે લાયક થવા સારુ માનવજાતની આખી ને આખી પ્રજાઓએ સૈકાઓ સુધી અભ્યાસ કર્યો છે. યુગો પહેલાં તેમની નોંધો પ્રસિદ્ધ થઈ છે. આ અભ્યાસ કરવા માટે કોલેજની સ્થાપના કરવામાં આવી છે અને આ ઘટનાના જીવંત પ્રયોગદર્શન જેવાં સ્ત્રીઓ અને પુરુષો હજી છે. જરૂર હું કબૂલ કરું છું કે આ આખી ઘટનામાં ઘણુંય ખોટું ધતિંગ પણ છે. પણ કઈ બાબતમાં આવું નથી? કોઈ પણ સામાન્ય વૈજ્ઞાનિક ઘટના લો. બે કે ત્રણ હકીકતો જ એવી છે કે જેને વૈજ્ઞાનિકો કે સામાન્ય માણસો નર્યા સત્ય તરીકે સ્વીકારે અને બાકીનીને પોકળ માન્યતાઓ તરીકે ગણે. હવે અજ્ઞેયવાદી પોતે માનવા નથી માગતો તે વિજ્ઞાન માટે જે કસોટીઓ લાગુ કરે છે, તે જ કસોટીઓ તે પોતાના સ્વીકારેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતોને લાગુ કરી જુએ. તો જણાશે કે તેના સિદ્ધાંતોના અરધોઅરધ પાયા તરત જ હચમચી જશે. અનુમાનો ઉપર આધાર રાખ્યા વિના આપણો છૂટકો નથી. આપણે જે સ્થિતિમાં છીએ તે સ્થિતિમાં સંતોષ માનીને રહી ન શકીએ; માનવ આત્માનો એ સ્વાભાવિક વિકાસ છે. આપણે આ બાજુએ અજ્ઞેયવાદી થઈએ અને તેની સાથે જ કોઈ વસ્તુની અહીંયાં અન્વેષણા કરતા ફરીએ એમ ન બને; આપણે એક જ બાબત પસંદ કરવી જોઈએ. આ કારણે આપણે આપણી મર્યાદાઓની બહાર જવું જ પડે છે, જે અજ્ઞેય જણાય છે તેને જાણવાનો પ્રયાસ કરવો જ પડે છે અને આ પ્રયાસ ચાલુ રહેવો જ જોઈએ.
તેથી મારા અભિપ્રાય મુજબ, અગાઉના વક્તા કરતાં ખરું જોતાં હું એક પગલું આગળ જાઉં છું અને એવો અભિપ્રાય વ્યક્ત કરું છું કે માનસિક ઘટનાઓનો મોટો ભાગ, જેવી કે મૃતાત્માઓને બોલાવવા, ટેબલ પર ટકોરા પાડવા કે જે બચ્ચાંના ખેલ છે, કિંવા બીજાના વિચાર જાણવા જેવી નાની નાની બાબતો કે જે ખેલ મેં છોકરાંઓને પણ કરતાં જોયેલ છે તે બધી; તેમજ અગાઉના વક્તા જેને ઉચ્ચ દૂરદર્શન કહે છે, પરંતુ જેને હું મનની અતિચેતન અવસ્થાના અનુભવો કહેવાની રજા લઉં છું તે બધી, સાચા મનોવૈજ્ઞાનિક શોધનાં પગથિયાં જેવી છે. પહેલાં તો એ જોવાનું છે કે મન એ સ્થિતિએ પહોંચે છે કે નહીં. મારો ખુલાસો તેમના કરતાં કંઈક અંશે, અલબત્ત જુદો પડશે, પણ અમે જ્યારે શબ્દોનો અર્થ સમજાવીશું ત્યારે કદાચ એકમત થઈશું. આ જગત અત્યારે જે પ્રકારે છે તે પ્રકારે ચેતનની આ અવસ્થા સાથે સંકળાયેલું નથી તે જોતાં અત્યારની આ ચેતના મૃત્યુ પછી ચાલુ રહે છે કે નહીં તે પ્રશ્ન ઉપર બહુ આધાર નથી. ચેતના અને અસ્તિત્વ એ બંને એક સાથે રહેતાં નથી. આપણે બધાંએ કબૂલ કરવું જોઈએ કે મારા પોતાના શરીરમાં અને આપણા બધાંનાં શરીરમાં, શરીર વિશેનું આપણું ભાન ઘણું જ ઓછું છે અને તેમાંના મોટા ભાગનું તો આપણને ભાન જ હોતું નથી, છતાં તે છે તો ખરું. દાખલા તરીકે, કોઈ પોતાના મગજ વિશે જાણતું નથી. મેં મારું મગજ જોયું નથી અને તેનું મને કદી ભાન નથી; છતાં હું જાણું છું કે એ છે. માટે આપણે કહી શકીએ કે આપણે જોઈએ છીએ તે ચેતના નથી પણ જડ પદાર્થ નથી તેવી કોઈક વસ્તુ છે અને તે વસ્તુનું જ્ઞાન આ જીવનમાં મળી શકે છે અને જે પ્રકારે કોઈ પણ વૈજ્ઞાનિક સત્ય સાબિત થઈ ચૂક્યું છે તે પ્રકારે આવું જ્ઞાન મેળવાયું છે અને પ્રયોગ કરીને સાબિત કરાયું છે, તે એક હકીકત છે. આપણે આ બાબતોને પણ લક્ષમાં લેવી જોઈએ અને અહીં હાજર રહેલા સહુને હું એક બીજી વાત પણ યાદ રાખવાનો આગ્રહ કરું છું. આપણે યાદ રાખવું ઘટે કે ઘણીયે વેળા આપણે આ બાબતમાં ભૂલ ખાઈએ છીએ. કેટલાક લોકો આપણી પાસે આધ્યાત્મિક દૃષ્ટિએ અસ્વાભાવિક લાગતી કોઈક હકીકત રજૂ કરે છે અને તે સાચી નથી તેમ આપણને લાગવાથી આપણે તેનો અસ્વીકાર કરીએ છીએ. ઘણા કિસ્સાઓમાં આ હકીકત સાચી ન હોય. પણ ઘણી વેળા તો આપણે એ વિચારવું ભૂલી જઈએ છીએ કે એ પ્રયોગને સમજવા માટે આપણે તૈયાર છીએ કે નહીં અથવા એ શોધને માટે આપણે આપણાં શરીર કે મનને યોગ્ય રીતે તૈયાર કર્યાં છે કે નહીં. (1.375)

