(તારીખ ૮મી જાન્યુઆરી સને ૧૯૦૦ના રોજ કેલિફોર્નિયા પ્રાન્તના લોસ એન્જલ્સ શહેરમાં અપાયેલ વ્યાખ્યાન)

દુનિયા આખીમાં યુગે યુગમાં અલૌકિક તત્ત્વમાં શ્રદ્ધા રખાતી જ આવી છે. અસાધારણ ઘટનાઓ વિશે આપણે સૌએ સાંભળેલું છે અને આપણામાંના કેટલાકોને તો તેનો જાત અનુભવ પણ હશે. મેં જાતે અનુભવેલી કેટલીક ઘટનાઓ સંભળાવીને તમારી સમક્ષ આ વિષયની હું શરૂઆત કરીશ. એક માણસ વિશે મેં એક વખત એવું સાંભળ્યું કે, જો કોઈ પોતાના મનમાં સવાલ ધારીને તેની પાસે જાય તો તે તરત જ તેનો જવાબ આપી શકે છે અને મને એમ પણ કહેવામાં આવેલું કે ભવિષ્યમાં બનવાના બનાવોની આગાહી પણ તે કરી શકે છે. મને કુતૂહલ થયું એટલે થોડાક મિત્રોને લઈને હું તેને મળવા ગયો. અમારા દરેકના મનમાં તેને પૂછવાનો કંઈ ને કંઈ સવાલ હતો જ અને ભૂલ ન થાય એટલા ખાતર અમે અમારા પ્રશ્નો લખીને ખિસ્સામાં રાખ્યા. જેવો અમારામાંના એકને એણે જોયો કે તરત જ એ અમારા પ્રશ્નો બોલી ગયો અને તેમના જવાબ પણ આપ્યા. પછી તેણે એક કાગળ ઉપર કંઈક લખ્યું, એ કાગળની તેણે ગડી કરી અને તેની પાછળ સહી કરવાનું મને કહીને તે બોલ્યોઃ ‘તેના તરફ તમે જોશો નહીં પણ તમારા ખિસ્સામાં મૂકી દો અને જ્યાં સુધી હું તે પાછો માગું નહિ, ત્યાં સુધી તમારી પાસે જ રાખજો.’ અમને સહુને તેણે આ પ્રમાણે જ કહ્યું. પછી અમારા ભવિષ્યમાં થવાના કેટલાક બનાવો વિશે તેણે અમને કહ્યું અને જણાવ્યું કે, ‘ચાલો, તમને ગમતો કોઈ પણ એક શબ્દ અથવા વાક્ય ધારો.’ જે ભાષાથી તે તદ્દન અજ્ઞાત હતો તેવી સંસ્કૃત ભાષામાં મેં એક લાંબું વાક્ય ધાર્યું. તેણે કહ્યુંઃ ‘હવે તમારા ખિસ્સામાંથી કાગળ બહાર કાઢો.’ કાઢીને મેં જોયું તો આખુંય સંસ્કૃત વાક્ય એ કાગળમાં લખાયેલું હતું. નીચેના ઉલ્લેખ સાથે તેણે તે વાક્ય એક કલાક પહેલાં લખેલું હતું, ‘મેં જે લખ્યું છે તેના સમર્થનમાં આ માણસ આ વાક્ય જ ધારશે.’ તે ખરું હતું. અમારામાંના બીજા એક મિત્રને પણ તેણે એક કાગળ આપ્યો હતો. તેમાં તે મિત્રે સહી કરી હતી અને કાગળ પોતાના ખિસ્સામાં રાખ્યો હતો. તેને પણ એક વાક્ય ધારવાનું કહેવામાં આવ્યું હતું. મારા મિત્રે તે માણસને જરા પણ ન આવડે તેવી અરબી ભાષામાંથી એક વાક્ય ધાર્યું હતું; એક ફકરો કુરાનમાંથી હતો. મારા મિત્રે તે જ વાક્ય કાગળ ઉપર લખાયેલું જોયું. અમારા પૈકી બીજા એક ભાઈ દાકતર હતા. તેણે જર્મન ભાષામાં લખાયેલ તબીબી પુસ્તકમાંથી એક વાક્ય ધાર્યું હતું અને તે જ વાક્ય તેના કાગળ ઉપર લખાઈ ગયું હતું.

અગાઉ હું ગમે તેમ પણ તેનાથી છેતરાઈ ગયો હોઈશ તેમ માનીને થોડા દિવસ પછી હું તે માણસને ફરીથી મળવા ગયો. આ વખતે હું બીજા મિત્રોને સાથે લઈ ગયો હતો. આ વખતે પણ તે અદ્ભુત રીતે વિજયી નીવડ્યો.

વળી એક વાર હું હિંદુસ્તાનના હૈદરાબાદ શહેરમાં હતો. ત્યાં મને એક કોઈ બ્રાહ્મણ વિશે કહેવામાં આવ્યું. ખબર નહીં ક્યાંથી, પણ અનેક વસ્તુઓ તે પેદા કરી શકતો. એ માણસ ત્યાં વેપાર કરતો હતો અને એક માનનીય ગૃહસ્થ ગણાતો હતો. મેં તેને તેની કળા મને બતાવવા કહ્યું. એવું બન્યું કે એને તાવ આવ્યો હતો. હિંદુસ્તાનમાં એવી સામાન્ય માન્યતા છે કે જો કોઈ સાધુસંત માંદા માણસને માથે હાથ મૂકે તો તે સાજો થઈ જાય. પેલા બ્રાહ્મણની પાસે હું ગયો ત્યારે તે બોલ્યોઃ ‘સ્વામીજી! આપનો હાથ મારા માથા ઉપર મૂકો કે જેથી મારો તાવ ઊતરી જાય.’ મેં કહ્યુંઃ ‘ભલે; પણ તમારે મને તમારી કળા બતાવવાની.’ તેણે વચન આપ્યું. મેં તેની ઇચ્છા પ્રમાણે તેના માથા ઉપર હાથ મૂક્યો; પછી તેણે પોતાનું વચન પાળીને મને તેની કળા બતાવી. તેણે માત્ર એક ધોતિયું જ પહેર્યું હતું; તે ધોતિયા સિવાય બાકીની બધી ચીજો અમે તેની પાસેથી લઈ લીધી. ઠંડી હતી એટલે મેં મારો ધાબળો તેને ઓઢવા માટે આપ્યો અને તેને એક ખૂણામાં બેસાડ્યો. સામે પચીસ માણસો ખુલ્લી આંખે તેની તરફ જોઈ રહ્યા હતા. તેણે કહ્યુંઃ ‘ચાલો, હવે તમને જે જોઈએ તે વસ્તુઓનાં નામ લખી આપો.’ દ્રાક્ષ, નારંગી, પીચ વગેરે જે ફળો એ ભાગમાં કદી ઊગતાં નહોતાં તેવાંનાં નામ અમે તેને કાગળના ટુકડામાં લખી આપ્યાં. તેણે ધાબળાની અંદરથી દ્રાક્ષ તથા નારંગી વગેરે એટલાં બધાં કાઢી આપ્યાં કે જો તે દ્રાક્ષ અને નારંગીનું વજન કર્યું હોય તો પેલા માણસના વજન કરતાં ઓછામાં ઓછું બમણું થઈ જાય. એણે અમને એ ફળો ખાવાનું કહ્યું. ફળો જાદુઈ છે એમ માનીને અમારામાંના કેટલાકે તે ખાવાની ના પાડી, પણ પેલો માણસ પોતે તે ફળ ખાવા લાગ્યો એટલે અમે પણ ખાધાં. ખરેખર તે ફળો સાચાં જ હતાં.

છેવટે તેણે જથ્થાબંધ ગુલાબનાં ફૂલો અમારી સામે હાજર કર્યાં. દરેક ગુલાબ સર્વાંગ સુંદર હતું. તેની પાંખડીઓ ઉપર ઝાકળનાં બિંદુઓ હતાં અને એક પણ ફૂલ સડેલું કે ચોળાયેલું ન હતું. આહા! કેટલાં બધાં ગુલાબ! જ્યારે મેં તેને તેની કળાનું રહસ્ય સમજાવવાનું કહ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે ‘આ બધી હાથની કરામત છે.’ ગમે તેમ પણ એ માત્ર હાથની કરામત જ હતી, એમ માનવું મુશ્કેલ હતું. આટલી બધી જથ્થાબંધ વસ્તુઓ એ ક્યાંથી લાવ્યો હશે?

અરે, તેના જેવી ઘણી બાબતો મેં જોઈ. હિંદમાં ફરતાં ફરતાં તમને આવા સેંકડો બનાવો જુદે જુદે સ્થળે જોવા મળે. આવું દરેક દેશમાં જોવા મળે છે. આ દેશમાં પણ કેટલીક આવી આશ્ચર્યજનક ઘટનાઓ તમને જોવા મળી શકે. જો કે એ શક વગરની વાત છે કે તેમાં ચાલાકી પુષ્કળ હોવાની; પણ જ્યારે જ્યારે તમે ચાલાકી જુઓ ત્યારે ત્યારે તમારે કબૂલ કરવું જ પડશે કે ચાલાકી પણ અનુકરણ જ છે. જે વસ્તુનું અનુકરણ કરવામાં આવે છે, તેમાં ક્યાંક થોડુંક સત્ય તો હોવું જ જોઈએ. જો કંઈ વસ્તુ જ ન હોય તો તમે તેનું અનુકરણ કરી શકો નહિ. હકીકતે કંઈક પણ સાચી વસ્તુ હોય તેનું જ અનુકરણ થઈ શકે.

ખૂબ જ દૂરના ભૂતકાળમાં, હજારો વર્ષ પહેલાં આજે જોવા મળે છે તેનાથી ઘણા વધુ પ્રમાણમાં હિંદુસ્તાનમાં આવી ઘટનાઓ બનતી. મને એમ લાગે છે કે દેશની વસ્તી ખૂબ જ વધી જાય છે, ત્યારે માનસિક શક્તિઓ નબળી પડી જાય છે. દેશ વિશાળ હોય અને પ્રમાણમાં વસ્તી ઘણી ઓછી હોય તો કદાચ, તે દેશમાં માનસિક શક્તિ વધારે હોવાનો સંભવ છે. વિશ્લેષણ કરવાની વૃત્તિવાળા હોવાથી, હિંદુઓએ આ બાબતને હાથ પર લીધી અને તે બાબત અન્વેષણ કર્યું; તેમણે અમુક ચોક્કસ તારવણીઓ કરી અને તેને વિજ્ઞાનની કક્ષાએ મૂકી. તે લોકોએ જોયું કે આ બધી ઘટનાઓ અસાધારણ હોવા છતાં પ્રકૃતિની અંદરની છે; એમાં અલૌકિક જેવું કંઈ જ નથી. બીજી કોઈ પણ ભૌતિક ઘટનાઓને જે નિયમો લાગુ પડે છે તેવા જ નિયમો આ અસાધારણ બનાવોને પણ લાગુ પડે છે. માણસમાં આવી શક્તિઓ જન્મથી જ હોય છે; એ કોઈ કુદરતી અકસ્માત નથી. આવી શક્તિનો વ્યવસ્થિત અભ્યાસ થઈ શકે, પ્રયોગ થઈ શકે અને તે પ્રાપ્ત પણ કરી શકાય. આ વિજ્ઞાનને તેઓએ રાજયોગ એવું નામ આપ્યું. હજારો લોકો આ શાસ્ત્રનો અભ્યાસ કરે છે; આખી પ્રજાને માટે તે શાસ્ત્ર દરરોજના ધાર્મિક અનુષ્ઠાનનું એક અંગ બની ગયું છે.

તેઓ એવા નિર્ણય ઉપર આવ્યા કે આ બધી અસાધારણ શક્તિઓનું સ્થાન માણસનું મન જ છે. આ મન વિરાટ મનનો એક ભાગ છે; દરેક મન બીજા દરેક મનની સાથે જોડાયેલું છે; અને દરેક મન, પછી ભલે તે ગમે તે સ્થળે હોય, પણ તે આખી દુનિયાના વાસ્તવિક સંપર્કમાં હોય છે.

વિચાર-સંક્રમણના નામે ઓળખાતી ઘટનાઓ પ્રત્યે તમારું ધ્યાન કોઈ દિવસ ખેંચાયું છે? એક માણસ અહીં કંઈક વિચાર કરે છે અને તે જ વિચાર અન્ય જગ્યાએ બીજા માણસમાં પ્રગટ થાય છે. તૈયારીપૂર્વક જ અને નહીં કે અકસ્માતથી, માણસ પોતાના વિચાર દૂરના બીજા માણસને મોકલવા ઇચ્છે છે અને તે બીજો માણસ જેવો તે વિચાર મોકલાય છે, બરાબર તેવો જ તેને ઝીલે છે. અંતરનો તેમાં કોઈ અંતરાય આવતો નથી. વિચાર જાય છે, બીજા માણસને તે પહોંચે છે અને પેલો માણસ તેને સમજે છે. જો તમારું મન એક અલગ ઘટક હોય અને મારું મન અહીં એક અલગ ઘટક હોય અને જો બંને વચ્ચે કંઈ પણ જોડાણ ન હોય તો મારા વિચારો તમને કેવી રીતે પહોંચી શકે? સામાન્ય રીતે, મારો વિચાર સીધેસીધો તમને પહોંચતો નથી; પણ એમ થવા માટે મારો વિચાર સૂક્ષ્મ આકાશતત્ત્વનાં આંદોલનોમાં એકરૂપ થઈ જવો જોઈએ. આ સૂક્ષ્મ તત્ત્વનાં આંદોલનો તમારા મગજ સુધી પહોંચ્યા પછી તેમનું તમારા વિચારોમાં રૂપાંતર થવું જોઈએ. આ સ્થળે વિચારનું વિસર્જન થાય છે અને તે સ્થળે વિચારનો ઉદ્ભવ થાય છે. તે ચક્રાકાર પ્રક્રિયા છે. પણ વિચારસંક્રમણની ક્રિયામાં આવું કાંઈ બનતું નથી, તે સીધેસીધી હોય છે.

આથી એમ સાબિત થાય છે કે યોગીઓ કહે છે તેમ મનનું સાતત્ય છે. મન સર્વવ્યાપી છે. જેમ સમુદ્રમાં નાનાં નાનાં મોજાં હોય તેમ તમારું મન, મારું મન વગેરે બધાં નાનાં નાનાં મન વિશ્વ-મનના ટુકડાઓ છે; અને આ સાતત્યને કારણે જ આપણે એકબીજાને આપણા વિચારો સીધેસીધા પહોંચાડી શકીએ છીએ.

આપણી આજુબાજુમાં શું બને છે તે આપણે જોઈએ છીએ. આ દુનિયામાં એકબીજાની અસર એકબીજા ઉપર થયા જ કરે છે. આપણાં પોતાનાં શરીરોની જાળવણીમાં આપણી શક્તિનો અમુક ભાગ ખર્ચાઈ જાય છે. તે ઉપરાંતનું આપણી શક્તિનો દરેક અણુ રાત ને દિવસ બીજાઓ ઉપર અસર કરવામાં વપરાય છે. આપણાં શરીરો, આપણા સદ્ગુણો, આપણી બુદ્ધિ, આપણી આધ્યાત્મિકતા, આ બધાં સતતપણે બીજા ઉપર અસર કર્યા જ કરતાં હોય છે; તેથી ઊલટી રીતે બધાની અસરો આપણા ઉપર થયા કરતી હોય છે. આ પ્રમાણે આપણી આજુબાજુ ચાલતું જ હોય છે. હવે આપણે એક નક્કર દાખલો લઈએ. એક માણસ આવે છે. તમે જાણો છો કે તે વિદ્વાન છે, તેની ભાષા સુંદર છે; કલાકો સુધી તે તમારી સમક્ષ બોલે છે પણ તેની કંઈ અસર થતી નથી. ત્યાર પછી એક બીજો માણસ આવે છે, તે સારી રીતે ગોઠવ્યા વગરના થોડાક જ શબ્દો બોલે છે; કદાચ તેની ભાષામાં વ્યાકરણના નિયમો પણ જળવાયા હોતા નથી. છતાં પણ તે આપણા ઉપર ઊંડી અસર કરી જાય છે. તમારામાંના ઘણાંએ તે અનુભવ્યું હશે. તેથી એ વાત સ્પષ્ટ છે કે માત્ર શબ્દો જ હંમેશાં છાપ પાડી શકતા નથી. છાપ પાડવા માટે શબ્દો અથવા વિચારોનો માત્ર ત્રીજો હિસ્સો છે અને બે હિસ્સા માણસના પોતાના હોય છે. જેને તમે વ્યક્તિત્વનું આકર્ષણ કહો છો, તે જ બહાર નીકળીને તમારા ઉપર છાપ પાડે છે.

અમારાં કુટુંબોમાં વડીલો હોય છે; તેમાનાં કેટલાક સફળ નીવડે છે, કેટલાક નિષ્ફળ જાય છે. આમ કેમ બને છે? આપણી નિષ્ફળતા માટે આપણે બીજાને દોષ દઈએ છીએ. જે ઘડીએ હું નિષ્ફળ જાઉં છું તે વખતે હું કહું છું કે અમુક માણસ મારી નિષ્ફળતાનું કારણ છે. નિષ્ફળતાને વખતે માણસને પોતાના દોષ અને નબળાઈઓ કબૂલ કરવી ગમતી નથી. દરેક માણસ પોતાની જાતને નિર્દોષ માને છે અને દોષનો ટોપલો કોઈ અન્ય વ્યક્તિ ઉપર અથવા કોઈ વસ્તુ ઉપર અથવા છેવટે દુર્ભાગ્ય ઉપર ઢોળે છે. જ્યારે કુટુંબના વડીલો નિષ્ફળ જાય ત્યારે તેમણે પોતાની જાતને પૂછવું જોઈએ કે કેટલાક લોકો કુટુંબની વ્યવસ્થા વધુ સારી રીતે કેમ રાખી શકે છે અને બીજા કેમ નથી રાખી શકતા? તે વેળા તમે જોશો કે તે તફાવતનું કારણ માણસનું વ્યક્તિત્વ, તેની હાજરી છે.

માનવજાતના મહાન નેતાઓની વાત કરીશું તો આપણને દેખાશે કે માણસનું વ્યક્તિત્વ જ મહત્ત્વની વસ્તુ છે. હવે ભૂતકાળના મહાન લેખકો અથવા મહાન વિચારકોનો દાખલો લો. ખરું જોતાં તેમણે કેટલા વિચારોનો વિચાર કર્યો છે? ભૂતકાળના માનવજાતના નેતાઓનાં લખાણોનો વિચાર કરો; તેમનું દરેક પુસ્તક લો અને તેનું મૂલ્યાંકન કરો. દુનિયામાં અત્યાર સુધીમાં વિચારાયેલ નવા તેમ જ સાચા વિચારો તો માત્ર મુઠ્ઠીભર જ છે. આપણા માટે જે વિચારો તેઓ મૂકી ગયા છે તે જુઓ; તેમનાં પુસ્તકોમાં વાંચો. લેખકો આપણને જબરદસ્ત લાગતા નથી, છતાં તેમના સમયમાં તેઓ ખરેખર તેવા જ હતા. શા કારણે તેઓ તેવા બન્યા? માત્ર તેમના વિચારો કે લખાણો કે ભાષણોથી જ નહીં, પરંતુ તેમના વ્યક્તિત્વથી કે જે આજે વિદ્યમાન નથી. મેં હમણાં કહ્યું તેમ માણસનું વ્યક્તિત્વ બે તૃત્યાંશ જ છે અને તેનાં શબ્દો કે બુદ્ધિ છે તે માત્ર એક તૃત્યાંશ છે. આપણામાં વ્યાપી રહેલું વ્યક્તિત્વ જ આપણું સાચું સ્વરૂપ છે; આપણાં કાર્યો તો માત્ર તેનું પરિણામ છે. જો વ્યક્તિ હોય તો કાર્ય તો થવાનું જ છે; કાર્ય કારણને અનુસરે જ.

તમામ કેળવણી કે શિક્ષણનો આદર્શ આ પ્રમાણે મનુષ્ય બનાવવાનો હોવો જોઈએ. પણ તેમ કરવાને બદલે આપણે હંમેશાં બહારનો ચળકાટ વધારવાની કોશિશ કરીએ છીએ. જો અંદર કંઈ સત્ત્વ ન હોય તો બહારના ચળકાટનો શો અર્થ છે? દરેક શિક્ષણનું ધ્યેય માણસનો વિકાસ કરવાનું હોવું જોઈએ. જે માણસ બીજા માણસો ઉપર જાદુઈ અસર કરે છે તેનામાં શક્તિનો ખજાનો ભર્યો હોય છે; જ્યારે તે માણસ તૈયાર હોય ત્યારે તે ધારે તે બધું કરી શકે છે. તેના વ્યક્તિત્વની છાપ જેના જેના ઉપર પડે છે, તે સઘળું તેનાથી પ્રભાવિત થાય છે.

હવે આપણે જાણીએ છીએ કે આ હકીકત છે, છતાં પણ ભૌતિક વિજ્ઞાનનો કોઈ પરિચિત નિયમ આ વાતને સમજાવી શકશે નહીં. રસાયણશાસ્ત્ર કે ભૌતિકશાસ્ત્ર વડે આપણે આ બાબત કેવી રીતે સમજાવી શકીશું? કેટલો ઓકિસજન કે હાઈડ્રોજન કે કાર્બન વાયુ, અગર જુદી જુદી સ્થિતિના કેટલા અણુઓ કિંવા કેટલા જીવકોષો વગેરે આ રહસ્યમય વ્યક્તિત્વને સમજાવી શકશે? અને છતાં આપણે જોઈએ છીએ કે તે એક હકીકત છે, એટલું જ નહીં પણ તે જ સાચો માણસ છે; તે જ માણસ જીવન જીવે છે, ચાલે છે, કામ કરે છે; તે જ બીજાઓ ઉપર અસર પાડે છે, બીજાઓને ચલાવે છે અને લય પામે છે; તેની બુદ્ધિ, તેનાં પુસ્તકો અને કાર્યો, એ તેની પાછળ રહેલ અવશેષો થઈ જાય છે. આનો વિચાર કરો. મહાન ધર્મપ્રવર્તકોને મહાન ફિલસૂફો સાથે સરખાવો. ફિલસૂફોએ ભાગ્યે જ કોઈના આંતર્જીવન પર પ્રભાવ પાડ્યો હશે અને છતાં તેમણે પુસ્તકો અદ્ભુત લખ્યાં હશે. બીજી બાજુ ધર્મોપદેશકોએ પોતાના જીવન દરમિયાન જ અનેક દેશોમાં હલચલ જગાવી દીધી હશે. આ તફાવત વ્યક્તિત્વને કારણે જ થયો હતો. ફિલસૂફના કિસ્સામાં અસર કરનારું જે વ્યક્તિત્વ છે તે ખૂબ જ ઝાંખું છે, જ્યારે મહાન અવતારોના કિસ્સામાં વ્યક્તિત્વ પ્રચંડ છે. પહેલાના કિસ્સામાં આપણને માત્ર બુદ્ધિનો સ્પર્શ થાય છે, જ્યારે બીજા દાખલામાં આપણને જીવનનો સ્પર્શ થાય છે. પહેલા દાખલામાં માત્ર રાસાયણિક ક્રિયા થાય છે; તેમાં કેટલાંક રસાયણોને એક સાથે મૂકવામાં આવે છે કે જે ધીમે ધીમે ભેગાં થાય અને જો યોગ્ય સંજોગો મળે તો પ્રકાશ પેદા કરે અથવા તો બુઝાઈ જાય. બીજા કિસ્સામાં પેલો પ્રકાશ જબરી મશાલની માફક બીજાને અજવાળતો તથા આજુબાજુને પ્રકાશિત કરતો જાય છે.

યોગશાસ્ત્ર એવો દાવો કરે છે કે આ વ્યક્તિત્વને વિકસાવે તેવા નિયમો તેણે શોધી કાઢ્યા છે અને તે નિયમો તથા પ્રણાલીનું પાલન કરવાથી દરેક માણસ પોતાના વ્યક્તિત્વને વિકસાવી અને મજબૂત બનાવી શકે છે. આ એક મોટી વ્યવહારુ બાબત છે અને કેળવણી માત્રનું રહસ્ય આ છે; તેનો પ્રયોગ સર્વત્ર થઈ શકે છે. ગૃહસ્થના જીવનમાં—ગરીબ કે તવંગર, વેપારી કે આધ્યાત્મિક પુરુષ, દરેકના જીવનમાં આ વ્યક્તિત્વને શક્તિશાળી બનાવવું એ મોટી બાબત છે. આપણે જાણીએ છીએ કે ભૌતિક નિયમોની પાછળ અતિ સૂક્ષ્મ નિયમો પડેલા છે. એટલે કે ભૌતિક દુનિયા, માનસિક દુનિયા, આધ્યાત્મિક દુનિયા એવાં ભિન્ન ભિન્ન તત્ત્વો નથી; જે કાંઈ છે તે એક જ છે. આપણે એમ કહીએ કે અસ્તિત્વ એક અણીદાર શંકુ જેવું છે; સૌથી વધારે જાડો ભાગ આ છેડો છે, ને બીજો છેડે જતાં જતાં તે વધારે અણીદાર, વધારે સૂક્ષ્મ બનતો જાય છે. સૌથી સૂક્ષ્મ ભાગને આપણે આત્મા કહીએ છીએ, સૌથી સ્થૂળ ભાગને આપણે શરીર તરીકે ઓળખીએ છીએ. જે અણુમાં છે તે જ વિરાટમાં છે. આપણું આ વિશ્વ બરાબર તેના જેવું જ છે. બાહ્ય દૃષ્ટિએ તે અત્યંત સ્થૂળ છે; અને બીજા છેડા તરફ તે અણીદાર બનતાં બનતાં છેવટે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઈશ્વર બની જાય છે.

આપણે એ પણ જાણીએ છીએ કે મોટામાં મોટી શક્તિ સૂક્ષ્મમાં મુકાયેલી છે, સ્થૂળમાં નહીં. આપણે એક માણસને ભારે વજન ઉપાડતો જોઈએ છીએ, તેના સ્નાયુઓ મોટા થતા દેખીએ છીએ, તેના આખા શરીરમાં થાકનાં ચિહ્નો જોઈએ છીએ અને આપણે ધારીએ છીએ કે સ્નાયુઓ મજબૂત ચીજ છે. પણ આ સ્નાયુઓને શક્તિ આપનારી વસ્તુ તો ઝીણી દોરા જેવી નસો જ છે; જે ક્ષણે આમાંની એક પણ ઝીણી નસ સ્નાયુઓ સુધી પહોંચતી અટકી જાય કે તરત જ સ્નાયુઓ કામ કરી નહીં શકે. આ નાજુક નસો કંઈક વધુ સૂક્ષ્મ વસ્તુમાંથી શક્તિ લાવે છે અને તે સૂક્ષ્મ વસ્તુ હજુયે વધારે સૂક્ષ્મ તત્ત્વ—મનમાંથી શક્તિ લાવે છે. તેથી શક્તિનું સાચું સ્થાન સૂક્ષ્મ તત્ત્વ જ છે. એ ખરું છે કે માત્ર સ્થૂળ વસ્તુઓમાં જ આપણે ગતિ જોઈએ છીએ; જ્યારે સૂક્ષ્મ તત્ત્વમાં ગતિ થાય છે ત્યારે આપણે તે જોઈ શકતા નથી. જ્યારે કોઈ સ્થૂળ વસ્તુ ગતિમાન થાય છે ત્યારે આપણે તેને પકડીએ છીએ અને આમ આપણે સ્વાભાવિક રીતે જ ગતિને સ્થૂળ વસ્તુ સાથે સાંકળી દઈએ છીએ. પણ ખરું જોતાં તો બધી શક્તિ સૂક્ષ્મમાં જ રહેલી છે. આપણે સૂક્ષ્મમાં કંઈ પણ ગતિ જોતા નથી તેનું કારણ કદાચ એમ હોય કે એ ગતિ એટલી બધી તીવ્ર હોય છે કે આપણે તે જોઈ શકતા નથી. પણ કોઈ વિજ્ઞાન વડે કે કોઈ શોધને પરિણામે જો આપણે બાહ્ય ઘટનાના કારણરૂપ આ સૂક્ષ્મ બળોને પકડી શકીએ તો તે બાહ્ય અભિવ્યક્તિ પોતે જ આપણા કાબૂમાં આવી જશે. નાનકડો પરપોટો તળાવને તળિયેથી આવતો હોય છે; પણ તેને ઉપર આવતાં દરમિયાન આપણે જોઈ શકતા નથી; જ્યારે તે સપાટી ઉપર આવે છે ત્યારે જ માત્ર આપણે તેને જોઈ શકીએ છીએ. તે જ પ્રમાણે વિચારોને પણ જ્યારે તેઓ ખૂબ વિકસી જાય અથવા કાર્યમાં પરિણમે, માત્ર ત્યાર પછી જ આપણે જોઈ શકીએ છીએ. આપણે કાયમ ફરિયાદ કરતા હોઈએ છીએ કે આપણાં કાર્યો ઉપર અથવા આપણા વિચારો ઉપર આપણો કાબૂ નથી. પણ આપણો તેના ઉપર અંકુશ કેવી રીતે હોઈ શકે? જો આપણે સૂક્ષ્મ હિલચાલ ઉપર કાબૂ મેળવી શકીએ, જો વિચારને, તે વિચાર બને અથવા કાર્યમાં પરિણમે તે પહેલાં આપણે મૂળમાંથી પકડી શકીએ, તો જ આપણે તેના ઉપર કાબૂ મેળવી શકીએ. હવે જો કોઈ એવી રીત હોય કે જેનાથી આપણે પેલી સૂક્ષ્મ શક્તિઓનું કે સૂક્ષ્મ કારણોનું પૃથક્કરણ કે સંશોધન કરી શકીએ, તેને સમજી શકીએ અને છેવટે તેને પકડમાં લઈ શકીએ, તો જ માત્ર આપણે આપણી જાત ઉપર કાબૂ મેળવી શકીએ અને જે માણસે પોતાનું મન કાબૂમાં લીધું છે તે ચોક્કસ બીજા કોઈના પણ મનને તાબે કરી શકશે. તેથી જ પવિત્રતા અને નૈતિકતા હંમેશને માટે ધર્મના સાધ્ય તરીકે રહેલી છે. પવિત્ર અને નીતિવાળો પુરુષ હંમેશાં પોતની જાત ઉપર કાબૂ ધરાવતો હોય છે. બધાં મન એક જ છે; એક વિરાટ મનના તેઓ જુદા જુદા ભાગો છે. જે માણસ માટીના એક ઢેફાને ઓળખે છે તે દુનિયાભરની માટીને ઓળખે છે. જે માણસ પોતાના મનને જાણે છે અને તેને વશમાં રાખે છે, તે દરેકના મનનું રહસ્ય જાણે છે અને દરેકના મન ઉપર અધિકાર ધરાવે છે.

હવે, જો આપણે સૂક્ષ્મ ભાગો ઉપર કાબૂ ધરાવતા હોઈએ તો કેટલાંયે ભૌતિક અનિષ્ટોનો નાશ કરી શકીએ; જો સૂક્ષ્મ હિલચાલ ઉપર આપણો કાબૂ હોય તો કેટલીયે ચિંતાઓને ફગાવી દઈ શકીએ; જો આ સૂક્ષ્મ શક્તિઓ ઉપર આપણો કાબૂ હોય તો કેટલીયે નિષ્ફળતાઓને નિવારી શકીએ. અહીં સુધી ઉપયોગિતાની વાત થઈ; પણ તેનાથીયે વધારે ઉચ્ચ કાંઈક તત્ત્વ હોય છે.

હવે હું તમને એક સિદ્ધાંતની વાત કહીશ; તે બાબતમાં હવે હું દલીલ નહિ કરું, પણ તમારી સમક્ષ માત્ર પરિણામ જ રજૂ કરીશ. જે ભૂમિકાઓમાંથી પસાર થઈને માનવજાતિ ઊંચે આવી તે ભૂમિકાઓમાંથી દરેક માણસ તેના બાળપણમાં પસાર થાય છે; તફાવત ફક્ત એટલો જ છે કે માનવજાતને આ કામમાં જ્યારે હજારો વર્ષો લાગ્યાં, જ્યારે બાળકને ફક્ત થોડાંક વર્ષો લાગે છે. શરૂઆતમાં તો બાળક આદિ કાળનો જંગલી માનવ જ હોય છે—એ પોતાના પગ તળે પતંગિયાને કચડી નાખે છે. શરૂઆતમાં બાળક પોતાના આદિ પૂર્વજો જેવો જ હોય છે. જેમ જેમ તે મોટો થાય છે તેમ તેમ તે માનવજાતના વિકાસની જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થાય છે અને આખરે માનવજાતિએ કરેલા વિકાસના છેલ્લા પગથિયા સુધી પહોંચી જાય છે; માત્ર તેની ગતિ ઝડપી અને વેગીલી હોય છે. હવે સમગ્ર માનવજાતને એક જાતિ તરીકે ગણો અથવા પ્રાણીમાત્રની એટલે કે મનુષ્ય અને નીચલી કક્ષાનાં પ્રાણીઓની એકત્ર ગણના કરો; તે બધાં સમગ્ર રીતે એક અમુક ધ્યેય તરફ આગળ વધે છે. આપણે તેને ‘સંપૂર્ણતા’ એવું નામ આપીએ. કેટલાક પુરુષો અને સ્ત્રીઓ એવાં જન્મે છે કે જેમની મારફત માનવજાતની સામુદાયિક પ્રગતિ અગાઉથી સૂચિત થાય છે. આખીયે માનવજાત જ્યાં સુધી આ પૂર્ણતાને ન પામે ત્યાં સુધી રોકાવાને બદલે અથવા યુગોના યુગો સુધી પુનર્જન્મ લેવાને બદલે, તે લોકો જાણે કે પોતાની જિંદગીનાં જૂજ વરસોમાં જ તેમાંથી પસાર થઈ જાય છે અને પૂર્ણતાને પામે છે. આપણે જાણીએ છીએ કે જો આપણી જાતને આપણે વફાદાર હોઈએ તો આ પ્રગતિને આપણે વેગ આપી શકીએ છીએ. જો કોઈ પણ જાતની સંસ્કારિતા વિના થોડાએક માણસોને એક બેટ ઉપર રહેવા માટે છોડી દેવામાં આવે અને તેમને જરૂર પૂરતાં જ અન્ન, વસ્ત્ર અને આશ્રયસ્થાન આપવામાં આવે, તો તેઓ સુધારાનાં પગથિયાં ચઢતાં ચઢતાં ધીમે ધીમે ઉપર જશે જ. આપણે એ પણ જાણીએ છીએ કે આ પ્રક્રિયાને વધારાનાં સાધનો વડે ઝડપી બનાવી શકાય. આપણે ઝાડને ઝડપથી ઊગવામાં મદદ કરીએ છીએ, ખરું ને? જો આપણે તેમને કુદરતને આશરે છોડી દીધાં હોત તોપણ વૃક્ષ મોટાં તો થાત, પરંતુ તેમાં તેમને ખૂબ લાંબો સમય લાગત. કુદરતી રીતે ઊગતાં તેમને જે સમય લાગે, તેથી ઓછા સમયમાં ઊગવામાં આપણે તેમને મદદ કરીએ છીએ. સર્વ સ્થળે કાયમ આપણે એ જ કરીએ છીએ; કૃત્રિમ સાધનો વડે વસ્તુઓનો ઉછેર ઝડપી બનાવીએ છીએ. તો આપણે આવી રીતે માણસોની પ્રગતિને પણ ઝડપી કેમ ન બનાવી શકીએ? જાતિ તરીકે આપણે આમ કરી શકીએ. બીજા દેશોમાં ઉપદેશકોને શા માટે મોકલવામાં આવે છે? કારણ એ છે કે, આ સાધનો વડે આપણે જાતિઓનો ઉત્કર્ષ જલદી સાધી શકીએ છીએ. તો શું આપણે વ્યક્તિઓનો ઉત્કર્ષ ઝડપી ન બનાવી શકીએ? જરૂર. આ ઝડપમાં આપણે કોઈ મર્યાદા મૂકી શકીએ? માણસ એક જિંદગીમાં કેટલો ઉત્કર્ષ સાધશે તે આપણે કહી ન શકીએ. માણસ માત્ર આટલું જ કરી શકે, વધારે નહીં, તેમ કહેવાનું તમારે પાસે કોઈ જ કારણ નથી. સંજોગો તેમાં અદ્ભુત ઝડપ લાવી શકે. તો તમે પૂર્ણતાને ન પામો ત્યાં સુધી ઉત્કર્ષમાં કોઈ મર્યાદા આવી શકે ખરી? અર્થાત્ તેનું પરિણામ શું આવે? જે પૂર્ણ માનવી—આ માનવ જાતિનો આદર્શ—જે કદાચ કરોડો વર્ષો બાદ આવવાનો છે, તે આજે પણ થઈ શકે. યોગીઓ આમ જ કહે છે. તેઓ કહે છેઃ બધા મહાન અવતારો અને પયગંબરો આવા જ માણસો છે; તેઓ આ જિંદગીમાં જ સંપૂર્ણતાને પામી ગયા હોય છે. જગતના ઇતિહાસના દરેક તબક્કે અને દરેક સમયે આવા મહાન માણસો પાક્યા જ છે. હમણાં તાજેતરમાં જ એવો એક પુરુષ હતો કે, જે માનવજાતિની આખી જિંદગી જીવ્યો અને આ જીવનમાં જ ધ્યેયને પહોંચ્યો. વિકાસની આ ત્વરા પણ નિયમોને અધીન હોવી જોઈએ. જો આપણે આ નિયમોનું સંશોધન કરીએ અને તેનું રહસ્ય સમજી લઈને આપણી જરૂરિયાતોને લાગુ પાડીએ, તો પરિણામે આપણે પણ વિકાસ પામીએ. આપણે પણ આપણા ઉછેર તથા વિકાસને ઝડપી બનાવીએ અને આ જીવનમાં જ સંપૂર્ણ બનીએ. આપણા જીવનની આ ઉચ્ચ બાજુ છે; અને મનના તથા તેની શક્તિઓના વૈજ્ઞાનિક અભ્યાસનો ખરો હેતુ આ પૂર્ણતાને પામવાનો છે. માનવીને પૈસા વડે તેમજ બીજાં ભૌતિક સાધનો વડે મદદ કરવાનું તથા તેનું દૈનિક જીવન સરળતાથી કેમ પસાર કરવું તે શીખવવાનું તો ગૌણ બાબત છે.

આ શાસ્ત્રની ઉપયોગિતા યુગોના યુગો સુધી રાહ જોયા વિના સંપૂર્ણ માનવી પેદા કરવાની છે; માનવીને ભૌતિક દુનિયાના હાથમાં માત્ર રમકડું બની, સમુદ્રમાં આમતેમ ફેંકાતો—જેને મોજાં ફાવે તેમ અથડાવ્યે રાખે તેવો લાકડાનો ટુકડો બનાવવાનો નથી. આ શાસ્ત્ર ચાહે છે કે તમે બળવાન બનો; કાર્યને પ્રકૃતિને હવાલે સોંપવાને બદલે તમે જ તેને હાથ ધરો અને આ નાનકડી જિંદગીને પાર કરી જાઓ. એ જ મહાન વિચાર છે.

માણસ જ્ઞાનમાં, શક્તિમાં અને સુખમાં આગળ વધતો જાય છે. સતતપણે આપણે જાતિ તરીકે વિકાસ પામીએ છીએ. આપણે જાણીએ છીએ કે એ વસ્તુ સાચી છે, તદ્દન સાચી છે. શું આ વિધાન વ્યક્તિઓની બાબતમાં પણ સાચું છે? અમુક અંશે એ હકીકત ખરી છે. પણ છતાં ફરીને એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે હદ ક્યાં બાંધવી? હું માત્ર અમુક ફૂટના અંતર સુધી જ જોઈ શકું છું; પણ મેં એવા માણસને જોયેલો છે કે જે પોતાની આંખો બંધ કરીને બાજુના ઓરડામાં શું ચાલે છે તે કહી શકે છે. તમે એમ કહો છો કે તમે તે વાતમાં માનતા નથી; પણ એ માણસ તમને કદાચ ત્રણ અઠવાડિયામાં જ એ વિદ્યા શીખવી શકે. તે કળા કોઈને પણ શીખવી શકાય. કેટલાક માણસોને તો માત્ર પાંચ મિનિટમાં જ બીજા માણસોના મનમાં શા વિચારો ચાલે છે તે જાણતાં શીખવી શકાય. આ હકીકતો પ્રયોગ દ્વારા બતાવી શકાય.

હવે જો આ વસ્તુ ખરી હોય તો આપણે તેની હદ ક્યાં બાંધવી? જો એક માણસ આ ઓરડામાં બીજા માણસના મનમાં શા વિચાર ચાલે છે તે જાણી શકે, તો બાજુના ઓરડામાં શું થઈ રહ્યું છે તે કેમ ન જાણી શકે? ગમે ત્યાં શું બની રહ્યું છે તે તે કેમ ન જાણી શકે? તેનું કારણ આપણે કહી શકતા નથી; સાથે આપણે એમ પણ કહેવાની હિંમત કરી શકતા નથી કે તેમ બની શકે નહીં; આપણે માત્ર એટલું જ કહી શકીએ કે તે કેવી રીતે બને છે તે આપણે જાણતા નથી. ભૌતિકશાસ્ત્રીઓને એમ કહેવાનો હક નથી કે આવી વસ્તુઓ બની શકે નહીં. માત્ર તેઓ એટલું જ કહી શકે કે ‘અમે એ જાણતા નથી.’ વિજ્ઞાને હકીકતો એકઠી કરવાની છે, તેમને બરાબર ગોઠવીને તેમાંથી સિદ્ધાંતો તારવવાના છે અને સત્ય કહેવાનું છે. બસ એટલું જ. પણ જો આપણે શરૂઆત હકીકતોના નકારથી જ કરીએ તો વિજ્ઞાન કેવી રીતે સંભવી શકે?

માણસ કેટલી શક્તિ પ્રાપ્ત કરી શકે તેનો અંત નથી. હિંદી માનસની આ ખાસિયત છે કે જ્યારે તેને કોઈ વસ્તુમાં રસ પડે છે ત્યારે તે તેમાં ઓતપ્રોત થઈ જાય છે અને બીજી બધી વસ્તુ પ્રત્યે બેધ્યાન થઈ જાય છે. તમે જાણો છો કે હિંદુસ્તાનમાં કેટલાં બધાં શાસ્ત્રોની ઉત્પત્તિ થઈ છે? ગણિતશાસ્ત્રની શરૂઆત હિંદમાં થઈ. આજે પણ તમે ૧, ૨, ૩, ૦ વગેરે આંકડાઓ સંસ્કૃત આંકડાઓ ઉપરથી ગણો છો; અને તમે એ પણ જાણો છો કે બીજગણિતની શરૂઆત હિંદમાં થઈ હતી અને ન્યૂટનના જન્મ પહેલાં હજારો વર્ષ પૂર્વે હિંદુસ્તાનને ગુરુત્વાકર્ષણના નિયમની જાણ હતી.

તમે ખૂબી જુઓ, હિંદના ઇતિહાસના અમુક તબક્કે, માણસ અને તેનું મન—એ વિષયમાં જ તેઓનું સર્વ ધ્યાન રોકાઈ રહ્યું. તે વિષય ખૂબ જ લોભામણો હતો કેમ કે તેમનો હેતુ પાર પાડવાનો તે સહેલામાં સહેલો માર્ગ હતો. હિંદુ મનને એટલી ચોક્કસ ખાતરી થઈ ગઈ કે માણસનું મન અમુક ચોક્કસ નિયમ પ્રમાણે જે ધારે તે બધું જ કરી શકે; તેના અભ્યાસનો વિષય મનની શક્તિઓ બની. વશીકરણ, જાદુ અને તેને લગતી બીજી શક્તિઓ કંઈ અસાધારણ ન હતી; પણ જેમ અગાઉ બીજાં ભૌતિક શાસ્ત્રો તેમણે શીખવ્યાં હતાં, તેવી જ આ બધી શક્તિઓ હતી. આખી પ્રજાને આ બાબતોમાં એટલી બધી શ્રદ્ધા આવી ગઈ કે ભૌતિક શાસ્ત્રો લગભગ મૃતપ્રાય થઈ ગયાં. તે લોકોના મનમાં માત્ર આ જ વસ્તુઓ ઘૂમ્યા કરતી. જુદા જુદા સંપ્રદાયના યોગીઓ આ બાબતમાં જુદા જુદા પ્રકારના પ્રયોગો કરવા લાગ્યા. જુદા જુદા રંગોનો પ્રકાશ માણસના શરીરમાં કેવા ફેરફારો કરે છે તે જાણવાના વિચારથી કેટલાકે પ્રકાશ વિષે પ્રયોગો કર્યા; તે લોકો અમુક ચોક્કસ રંગનું જ કપડું પહેરતા, અમુક જ રંગ નીચે રહેતા અને અમુક પ્રકારના રંગનો ખોરાક ખાતા. આ પ્રમાણે બધી જાતના પ્રયોગો કરવામાં આવ્યા. બીજા લોકોએ પોતાના કાન ઉઘાડ-બંધ કરીને અવાજ વિષે પ્રયોગ કર્યા અને બીજા કેટલાક લોકોએ ઘ્રાણેન્દ્રિય બાબત પ્રયોગો કર્યા.

સઘળા પ્રયોગોનો હેતુ વસ્તુના સૂક્ષ્મ ભાગને પકડવાનો, મૂળ સુધી પહોંચવાનો હતો; અને તેમાંના કેટલાકે તો ખરેખર ખૂબ જ ચમત્કારિક શક્તિઓ બતાવી. તેમાંના ઘણા તો હવામાં તરવાનો અથવા હવામાંથી પસાર થવાનો પ્રયત્ન કરતા હતા. પશ્ચિમના એક મોટા વિદ્વાન પાસેથી મેં જે વાર્તા સાંભળેલી તે હું તમને કહીશ. તે પશ્ચિમના વિદ્વાને તે વાર્તા સિલોનના જે ગવર્નરે આખોય કિસ્સો (પ્રયોગ) નજરે જોયો હતો તેને મોઢેથી સાંભળેલી હતી. એક છોકરીને હાજર કરવામાં આવી હતી; તેને પલાંઠી વાળીને લાકડીઓ ગોઠવીને બનાવેલા ટેબલ પર બેસાડવામાં આવી. છોકરી થોડો વખત ત્યાં બેઠી. પછી પેલો જાદુગર ટેબલ નીચેથી એક પછી એક લાકડીનું ટેકણ ખેંચતો ગયો; અને જ્યારે બધું ખેસવી લેવામાં આવ્યું ત્યારે છોકરી હવામાં તરતી હતી. ગવર્નરને લાગ્યું કે આમાં કાંઈક હાથની કરામત છે તેથી તેણે પોતાની તલવાર ખેંચીને પેલી છોકરી બેઠી હતી તેની નીચેની જગ્યામાં જોરથી ઘોંચી. ત્યાં કંઈ હતું નહીં. તો આમ કેમ બન્યું હતું? આ કંઈ જાદુ કે અસામાન્ય વસ્તુ ન હતી. તે જ ખૂબી છે. હિંદમાં તમને કોઈ એમ નહીં કહે કે આવી વસ્તુઓ બને નહીં. હિંદુને મન તો આ બિલકુલ સામાન્ય બાબત છે. તમે જાણો છો કે હિંદુઓને જ્યારે દુશ્મનોનો સામનો કરવાનો હોય, ત્યારે તેઓ કહેશેઃ ‘અમારા એકાદ યોગી આવશે અને દુશ્મનોના આખા જથ્થાને કાઢી મૂકશે!’ પ્રજાની આ અતિદૃઢ માન્યતા છે. હાથ અથવા તલવારમાં શી તાકાત છે? સઘળી તાકાત આત્મામાં જ ભરી છે.

જો આ હકીકત સત્ય હોય તો મનને માટે બને તેટલો ખૂબ જ પ્રયત્ન કરવાને પૂરતું પ્રલોભન છે. પણ જે પ્રમાણે કોઈપણ શાસ્ત્રમાં પારંગત થવું મુશ્કેલ છે તેમ આમાં પણ કંઈક ગણનાપાત્ર સિદ્ધિ મેળવવી ખૂબ જ વધારે મુશ્કેલ છે. છતાં ઘણા લોકો માને છે કે આ શક્તિઓ સહેલાઈથી મેળવી શકાય છે. સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તમે કેટલાં વર્ષો ખરચો છો, તેનો વિચાર કરો. પહેલાં તો તમને વીજળીનું શાસ્ત્ર અથવા ઈજનેરી વિદ્યા શીખતાં કેટલાં વર્ષ લાગે છે? અને પછી તમારે તમારી જિંદગીભર કામ કરવું પડે છે.

વળી ઘણાંખરાં વિજ્ઞાનો તો અચળ વસ્તુઓ વિષે જ વિચાર કરે છે. તમે ખુરશીનું પૃથક્કરણ કરી શકો છો કારણ કે ખુરશી તમારી પાસેથી ક્યાંય ચાલી જતી નથી. પણ આ વિજ્ઞાન તો મનનો અભ્યાસ કરે છે. મન હંમેશાં ચંચળ છે; જે ઘડીએ તમે તેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો, બરાબર તે જ ઘડીએ તે સરકી જાય છે. આ ક્ષણે મનની વૃત્તિ એક હોય છે, બીજી ક્ષણે કદાચ તે કંઈક બીજી જ વૃત્તિ ધારણ કરે છે; આમ મન સતત બદલાયા જ કરતું હોય છે. આ બધા ફેરફારોની વચ્ચે આપણે મનનો અભ્યાસ કરવાનો છે, તેને સમજવાનું છે, પકડવાનું છે, કાબૂમાં લાવવાનું છે. તો પછી આ વિજ્ઞાન કેટલું અઘરું છે? તે સખત અભ્યાસ માગી લે છે. લોકો મને પૂછે છે કે હું તેમને પ્રાયોગિક પાઠો કેમ શીખવતો નથી? પણ એ કંઈ રમત વાત નથી. તમારી સાથે હું આ વ્યાસપીઠ પર ઊભો રહીને ભાષણ કરું, તમે ઘેર જાઓ અને તમને કંઈ ફાયદો દેખાય નહીં; તેમ મને પણ કંઈ લાભ મળે નહીં. ત્યારે તમે કહેશો કે આ બધી હવામાં ઊડવાની વાતો છે. તેનું કારણ એમ છે કે તમને આને વિષે વિશ્વાસ નથી. આ વિજ્ઞાન વિષે હું પણ ઘણું ઓછું જાણું છું. પણ આ શાસ્ત્રોનું થોડું જ્ઞાન મેં મેળવ્યું છે, તે માટે મેં ત્રીસ વર્ષ મહેનત કરી છે; અને છેલ્લાં છ વર્ષથી હું જે કંઈ થોડું-ઘણું જાણું છું તે લોકોને કહું છું. આ જ્ઞાન મેળવતાં મને ખૂબ જ મુશ્કેલીભર્યાં ત્રીસ વર્ષ લાગ્યાં. કેટલીક વાર મેં ચોવીસ કલાકમાંથી વીસ કલાક આ જ્ઞાન મેળવવામાં જ કાઢ્યા છે. કેટલીક વાર તો આખી રાત દરમિયાન હું માત્ર એક જ કલાક ઊંઘ્યો છું; ક્યારેક તો મેં રાતોની રાતો તેમાં પસાર કરી છે; ક્યારેક તો હું એવાં સ્થળોમાં રહ્યો છું કે જ્યાં હવા તથા અવાજ પણ ભાગ્યે જ હોય; ક્યારેક મારે ગુફાઓમાં રહેવું પડ્યું છે. આ બધાંનો વિચાર કરો અને છતાં હું આ શાસ્ત્ર થોડુંક અથવા નહિવત્ જ જાણું છું! આ શાસ્ત્રરૂપી વસ્ત્રના છેડાને હું માંડ સ્પર્શી શક્યો છું. પણ હું સમજી શકું છું કે તે શાસ્ત્ર સાચું, વિશાળ અને અદ્ભુત છે.

હવે જો તમારામાંના કોઈને ખરેખર આ શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો તેણે જીવનના કોઈ પણ વ્યવહારમાં પોતે જે મક્કમતા બતાવે છે તેનાથી પણ વધારે મક્કમતાપૂર્વક શરૂઆત કરવી જોઈએ.

કોઈ પણ ધંધો માણસનું કેટલું બધું ધ્યાન રોકી લે છે! ધંધો કેટલી સખતાઈપૂર્વક કામ લેનાર માલિક છે? મા, બાપ, પત્ની કે બાળક મૃત્યુ પામે તોપણ ધંધો અટકતો નથી. હૃદયનો ખૂબ જ દુખાવો હોય, કામનો દરેકેદરેક કલાક આપણને દુઃખકર્તા હોય, છતાં પણ ધંધાની જગ્યાએ તો આપણે જઈએ જ છીએ. આ તો ધંધો છે તેથી એમ જ હોય, એમ આપણે માનીએ છીએ.

આ શાસ્ત્રનો અભ્યાસ તો કોઈ પણ ધંધાના કરતાં વધુ ભોગ માગે છે. ધંધામાં ઘણા લોકો સફળ થઈ શકે છે, પણ આમાં તો બહુ જ થોડા સફળતા મેળવે છે, કારણ કે તેનો ઘણો આધાર અભ્યાસ કરનારાના વિશિષ્ટ શારીરિક બંધારણ ઉપર રહે છે. જેમ ધંધામાં બધા જ લોકો લાખોપતિ નથી થતા પણ સૌ પોતપોતાનો જીવનનિર્વાહ ચલાવે છે, તેમ જ આ શાસ્ત્રના અભ્યાસમાં પણ દરેક તે જ્ઞાનની ઝાંખી કરી શકે છે; તે ઝાંખી તેને એવી ખાતરી કરાવી આપે છે કે આ શાસ્ત્ર સત્ય છે અને કેટલાક એવા પુરુષો થયા કે જેમણે તે શાસ્ત્રને સંપૂર્ણપણે જાણ્યું છે.

તે વિજ્ઞાનની આ તો માત્ર રૂપરેખા છે. તે પોતાના પ્રકાશ વડે સ્વતંત્ર રીતે પોતાના પગ પર ઊભું રહી શકે છે અને બીજા કોઈ પણ વિજ્ઞાનની સરખામણીમાં ટકી શકે છે. આ ક્ષેત્રમાં બીજા કોઈ પણ ક્ષેત્ર કરતાં ઢોંગીઓ, જાદુગરો અને ઠગો વધારે પ્રમાણમાં થયા છે તેનું કારણ એટલું જ છે કે ધંધામાં જેમ વધારે ફાયદો હોય તેમ ઢોંગી અને ઠગોની સંખ્યા પણ વધારે હોય છે. પણ તેથી એમ સાબિત નથી થતું કે ધંધો સારો નથી. એક વાત વધારે. આ બધી દલીલો સાંભળવી તે બુદ્ધિની સારી કસરત હોય અને ચમત્કારિક બાબતો વિશે સાંભળવાથી ભલે બુદ્ધિને સંતોષ થતો હોય, પણ જો તમારામાંના કોઈને ખરેખર વધારે જાણવાની ઇચ્છા હોય તો માત્ર પ્રવચનો સાંભળવાથી જ નહીં ચાલે. તે જ્ઞાન પ્રવચન દ્વારા ન શીખવી શકાય, કારણ કે તે જીવન છે. જીવનનો સંચાર જીવન જ કરી શકે છે. જો અહીં તમારામાંથી કોઈ તે શાસ્ત્રનો અભ્યાસ કરવાનો ખરેખરો નિશ્ચય કરે, તો તેને મદદ કરવામાં મને બહુ આનંદ આવશે. (1.394)

Total Views: 821
૪. સીમાંકનની રેખા
૬. મનોવિજ્ઞાનની અગત્ય