(અપીલ-એવલન્શ, જાન્યુઆરી ૧૬,૧૮૯૪)

હિંદુ સંન્યાસી સ્વામી વિવે કાનંદ આજે રાત્રે ઓડિટોરિયમમાં (મેમ્ફિસ) પ્રવચન કરવાના છે. તેઓ એક પ્રખર વક્તા છે. આ દેશના ધાર્મિક કે પ્રવચનના મંચ પર આવા વક્તા હજુ આવ્યા નથી. તેમની અનન્ય વાક્છટા, રહસ્યમય બાબતો ઉપર તેમનું ખૂબ ગહન ચિંતન, ગોષ્ઠિમાં તેમનું કૌશલ અને તેમની જબરી આકર્ષણ શક્તિએ ધર્મમહાસભાના બધા ચિંતકોનું ધ્યાન ખૂબ તીવ્રતાથી ખેંચ્યું હતું અને યુ.એસ.એ.નાં ઘણાં ઘણાં રાજ્યોમાં તેમણે કરેલી પ્રવચનયાત્રા દરમિયાન જેમણે તેમને સાંભળ્યા હતા ત્યારથી જ તેવા હજારો માણસોની પ્રશંસા તેઓ મેળવી શક્યા હતા.

વાતચીતમાં તેઓ ખૂબ જ આનંદી સજ્જન જણાતા હતા. અંગે્રજીમાં તેમની શબ્દોની પસંદગી મોતી સમાન હતી. તેમનું સામાન્ય વર્તન તેમને પશ્ચિમની રીતભાત અને રિવાજોની ખૂબ શિષ્ટ કક્ષામાં મૂકી આપે તેવાં છે. એક સાથી તરીકે તેઓ ખૂબ મનગમતા માનવ છે. અને આ વાત ડાહ્યા તરીકે તેમને કદાચ પશ્ચિમી જગતની કોઈપણ નગરીના બેઠકરૂમમાં પાછા પાડી શક્યું નહિ હોય! તેઓ ફક્ત વિશિષ્ટ રીતે જ અંગ્રેજી બોલતા નથી, પણ ધારાવાહિક અંગ્રેજી બોલે છે. તેમના હોઠમાંથી તેજતણખા જેવા ખરતા નવા વિચારો તો આલંકારિક ભાષાના ગૂંચવી નાખે એવા મોટા ધોધ સમાન છે.

સ્વામી વિવે કાનંદ તેમના પરંપરાગત ધર્મ અથવા તો જૂના ઉપદેશોથી એક બ્રાહ્મણ તરીકે ઉછેર પામ્યા પણ પછી હિંદુ ધર્મના એક ઉપદેશક તરીકે રૂપાંતરિત થઈને તેમણે પોતાની એ જૂની કક્ષાનો ત્યાગ કર્યો. અને પોતાના પૂર્વીય દેશમાં સંન્યાસી તરીકે જે આદર્શ ઓળખાય છે તે રીતે જાણીતા થયા. તેઓ હમેશાં ઈશ્વરની ઊંચામાં ઊંચી વિભાવનામાંથી સાંપડેલી પ્રકૃતિની આશ્ચર્યકારક અને રહસ્યમય રચનાઓના ઘનિષ્ઠ વિદ્યાર્થી રહ્યા છે. અને તે પૂર્વના દેશની ઊંચી કોલેજોનું જે જ્ઞાન તેમને આપવામાં આવ્યું, તે તેમણે પ્રાપ્ત કર્યું છે. આમ, તે કાળના સૌથી મોટા વિચારશીલ વિદ્વાનોની વિશ્વવ્યાપી ખ્યાતિ તેમને મળી હતી.

વિશ્વમેળાની મહાધર્મપરિષદના તેમના આશ્ચર્યકારક પ્રથમ વ્યાખ્યાને જ તેમને ધર્મચિંતકોની એ મહાન સંસ્થાના અગ્રણી તરીકે એકાએક જ સ્થાપિત કરી દીધા હતા. ધર્મમહાસભાના આ સત્ર દરમિયાન, પોતાના ધર્મના બચાવ અર્થે બોલતા તેમને શ્રોતાઓએ વારંવાર સાંભળ્યા હતા અને તેમના હોઠમાંથી શ્રેષ્ઠ અને તાત્ત્વિક મૌક્તિકો નીકળ્યાં હતાં, તેણે અંગ્રેજી ભાષાની શોભા વધારી દીધી હતી. તેમાં માણસનો માણસ પ્રત્યે અને તેના સર્જક પ્રત્યેનો ઉચ્ચતર કર્તવ્યધર્મ ચિત્રિત થતો હતો. તેઓ વિચારોના કલાકાર હતા, શ્રદ્ધામાં આદર્શવાદી હતા અને પ્રવચનમંચના અભિનેતા હતા!

મેમ્ફિસમાં તેમના આગમન દરમિયાન તેઓ શ્રી હ્યુ એલ.બ્રિંકલેના મહેમાન હતા. ત્યાં તેમને દિવસે અને સાંજના સમયે મેમ્ફિસના ઘણા લોકોનાં નિમંત્રણ મળતાં રહેતાં. તે બધા લોકો તેમની આગળ પોતાનું સન્માન વ્યક્ત કરવા ઇચ્છતા હતા. તેઓ ટેનેસી કલબના પણ અનૌપચારિક રીતે અતિથિ હતા. તેમજ શનિવારે સાંજે શ્રીમતી એસ.આર. શેફર્ડના મહેમાન બનીને સન્માનિત થયા હતા. અને રવિવારે કોલ આર. બી. સ્નોડેને પોતાને ઘરે એનેશડેલમાં આ વિશિષ્ટ અતિથિના સત્કારાર્થે એક ભોજન સમારંભ પણ ગોઠવ્યો હતો. ત્યાં તેમની આસિસ્ટન્ટ બિશપ થોમસ એફ ગેઈલર, રેવરન્ડ ડૉ. જ્યોર્જ પેટરસન અને બીજા અસંખ્ય પાદરીઓ સાથે મુલાકાત થઈ.

ગઈ કાલે બપોર પછી તેમણે ‘નાઈન્ટીન્થ સેન્ચ્યુરી ક્લબ’ના અભિનવ ઢબછબવાળા સભ્યોના બનેલા વિશાળ શ્રોતાસમુદાય સમક્ષ તે ક્લબના રેન્ડોલ્ફ બિલ્ડિંગના ઓરડાઓમાં પ્રવચન આપ્યું. આજે રાત્રે તેઓ ‘હિંદુ ધર્મ’ વિશે ‘ઓડિટોરિયમ’માં સાંભળવા મળશે. (1.515)

Total Views: 257
૧૦. શિકાગોમાં ધર્મોની પરિષદ
૧૨. હિંદુ ધર્મની પરિપૂર્ણતા એવા બૌદ્ધ ધર્મનો સાર