(ડિસેમ્બર ૧૮, ૧૮૯૫)

બે જગત છે – અણુ અને મહત્, આંતર અને બાહ્ય. અનુભવ દ્વારા આપણને આ બંનેમાંથી જ્ઞાન મળે છે. આંતર અનુભવથી મેળવેલું જ્ઞાન તે માનસશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર અને ધર્મ કહેવાય છે, જ્યારે બાહ્ય અનુભવથી મેળવેલું જ્ઞાન તે ભૌતિક વિજ્ઞાન કહેવાય છે. પૂર્ણ સત્ય આ બંને જગતના અનુભવો સાથે સુસંગત હોવું જોઈએ. અણુએ મહત્ની સાબિતી પૂરી પાડવી જોઈએ અને મહતે અણુની પૂરી પાડવી જોઈએ. ભૌતિક સત્યનો અનુરૂપ વિભાગ આંતરજગતમાં હોવો જોઈએ અને આંતર જગતને બાહ્ય જગતમાં પુરાવો મળવો જોઈએ. છતાં સામાન્યતઃ આ સત્યો પૈકીનાં ઘણાં પરસ્પર વિરોધી છે તે આપણે જાણીએ છીએ. જગતના ઇતિહાસના એક કાળે આંતર સત્યો પ્રધાન બને છે અને બાહ્ય સત્યો સાથે અથડામણમાં ઊતરે છે. આજકાલ બાહ્ય સત્યો એટલે કે ભૌતિકવાદીઓ પ્રાધાન્ય ધરાવે છે અને તેમણે માનસશાસ્ત્રીઓ તથા અધ્યાત્મવાદીઓના ઘણા દાવાઓ દબાવી દીધા છે. મારો ખ્યાલ છે તે પ્રમાણે મનોવિજ્ઞાનના સાચા અને આવશ્યક વિભાગો આધુનિક ભૌતિક વિજ્ઞાનના આવશ્યક વિભાગો સાથે સંપૂર્ણ રીતે મેળમાં છે. એક વ્યક્તિને બધી રીતે મહાન બનવાનું ભાગ્ય હોતું નથી; એક પ્રજા કે જાતિમાં જ્ઞાનનાં બધાં ક્ષેત્રોમાં શોધખોળ કરવા જેટલી એક સરખી તાકાત હોતી નથી. બાહ્ય ભૌતિક જ્ઞાનના સંશોધનમાં આધુનિક યુરોપીય જગત ઘણું પ્રગતિશીલ છે, પણ માનવીની આંતરપ્રકૃતિના અભ્યાસમાં તેની એટલી પ્રગતિ નથી; બીજી બાજુએ પૂર્વના લોકો બાહ્ય ભૌતિક જગત વિશેના સંશોધનમાં એટલા સમર્થ નથી પણ આંતર જગતના અન્વેષણમાં ઘણા સમર્થ છે. તેથી આપણે જોઈએ છીએ કે પૂર્વના લોકોનાં ભૌતિક અને બાહ્ય જગતનાં બીજાં વિજ્ઞાનો પાશ્ચાત્ય વિજ્ઞાનોની સાથે મેળ ખાતાં નથી, તેમજ પાશ્ચાત્ય માનસશાસ્ત્ર પૂર્વના માનસશાસ્ત્ર સાથે સુસંગત નથી. પૂર્વના ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રીઓને પાશ્ચાત્ય વિજ્ઞાનીઓએ હરાવ્યા છે; સાથોસાથ દરેક એવો દાવો કરે છે કે પોતે સત્ય ઉપર આધારિત છે અને આપણે આગળ કહ્યા પ્રમાણે જ્ઞાનના કોઈ પણ ક્ષેત્રનું ખરું સત્ય પોતાનું વિરોધી બને નહીં; આંતર સત્યો બાહ્ય સત્યો સાથે સુસંગત છે.

આધુનિક ખગોળશાસ્ત્રીઓ તથા ભૌતિકશાસ્ત્રીઓના વિશ્વ વિશેના સિદ્ધાંતો આપણે જાણીએ છીએ; સાથોસાથ તેઓ યુરોપના ધાર્મિક સિદ્ધાંતોને કેવી ભયંકર રીતે તોડી પાડે છે, આ વૈજ્ઞાનિક સંશોધનો તેમના સિદ્ધાંતોના કિલ્લા સામે ફેંકાયેલ બોમ્બની પેઠે કેવું કાર્ય કરે છે, તે આપણે બધા જાણીએ છીએ; અને આપણે એ પણ જાણીએ છીએ કે જૂના ધાર્મિક વિચારના પંડિતોએ વૈજ્ઞાનિક સંશોધનોને દબાવી દેવા હંમેશાં કેવા પ્રયાસો કર્યા છે.

અહીં તો હું પૂર્વના લોકોના વિશ્વ વિજ્ઞાન વિશેના મનોવૈજ્ઞાનિક વિચારો અને તેને લગતી બીજી બધી બાબતો વિશે કહેવા માગું છું. તમે જોઈ શકશો કે એ વિચારો આધુનિક વિજ્ઞાનની અદ્યતન શોધખોળો સાથે કેવા અદ્ભુત રીતે સુસંગત છે; વળી જ્યાં અસંગતતા જણાશે ત્યાં તેમાં નહીં પણ આધુનિક વિજ્ઞાનમાં એટલી ખામી છે એ જોઈ શકાશે. આપણે બધા ‘પ્રકૃતિ’ શબ્દ વાપરીએ છીએ. પ્રાચીન સાંખ્યવાદીઓ તેને બે જુદાં જુદાં નામથી સંબોધે છે. એક છે ‘પ્રકૃતિ’ જે ‘સ્વભાવ’ શબ્દ જેવા જ અર્થવાળી છે, તેનું જ વધારે વૈજ્ઞાનિક નામ ‘અવ્યક્ત’ એટલે કે અલગ અલગ રૂપે વ્યક્ત થયા વગરનું છે. આ બીજામાંથી અણુ, પરમાણુઓ, શક્તિઓ, મન, વિચાર, બુદ્ધિ વગેરે સર્વ તારવી શકાય છે. યુગો પહેલાં ભારતના તત્ત્વજ્ઞાનીઓ અને અધ્યાત્મશાસ્ત્રીઓએ જાહેર કરેલું કે મન ભૌતિક છે, એ જાણીને ખૂબ નવાઈ લાગે એવું છે. શરીરની માફક મન પણ પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયેલ છે, એમ બતાવવા સિવાય આપણા આધુનિક ભૌતિકવાદીઓ પણ બીજો શો પ્રયાસ કરી રહ્યા છે? અને ક્રમે ક્રમે આપણને જણાશે કે વિચાર તેમજ બુદ્ધિ પણ તેવી જ રીતે પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયેલ છે; સર્વ કાંઈ જેને અવ્યક્ત કહેવામાં આવે છે તે પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થાય છે. સાંખ્યવાદીઓ સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોની સમતુલા એવી તેની વ્યાખ્યા કરે છે. આકર્ષણ એ હલકામાં હલકા તત્ત્વ તમસનું કાર્ય છે; તેનાથી ઊંચો રજોગુણ છે, તેનું કાર્ય વિકર્ષણ છે, સૌથી ઊંચું તત્ત્વ સત્ત્વગુણ છે જે એ બન્નેનું સમતોલપણું છે. તેથી જ્યારે આ બન્ને તત્ત્વો, આકર્ષણ અને વિકર્ષણ સંપૂર્ણપણે સત્ત્વ દ્વારા નિયંત્રિત થાય ત્યારે સૃષ્ટિ ન હોય, જગતમાં પ્રવૃત્તિ ન હોય. જેવો આ સમતોલપણાનો ભંગ થાય અને આ બેમાંથી એક તત્ત્વ બીજાથી વધારે પ્રબળ થાય કે તરત ગતિ ઉત્પન્ન થાય અને સૃષ્ટિનો આરંભ થાય. આ પરિસ્થિતિ કલ્પ પ્રમાણે વખતોવખત ઊભી થયા કરે એટલે કે સમતુલા – આ સમતા – ના ભંગનો પણ કાળ હોય છે; તે વખતે આ બધાં તત્ત્વો જુદી જુદી રીતે પરસ્પર એકઠાં થાય છે અને તેમાંથી વસ્તુઓ બહાર આવે છે. સાથોસાથ દરેક વસ્તુને સમતાની મૂળ સ્થિતિમાં જવાની વૃત્તિ હોય છે અને એવો કાળ પણ આવે છે જ્યારે આ બધી અભિવ્યક્તિઓના પૂર્ણ વિનાશનો સમય આવે છે. વળી પાછું અમુક સમય પછી એ આખુંય ક્ષુબ્ધ થાય છે, તરંગોની પેઠે બહાર પ્રક્ષિપ્ત થાય છે અને ધીરે ધીરે પાછું શમી જાય છે. સઘળી ગતિને, વિશ્વમાં જે કંઈ છે તે સર્વને ક્રમાનુસાર ઊંચાંનીચાં થતાં મોજાંઓની સાથે સરખાવી શકાય. કેટલાક તત્ત્વવેત્તાઓ માને છે કે આખું વિશ્વ અમુક કાળ માટે શાંત બની જાય છે; બીજાઓ એમ માને છે કે આ શાંત થવાની સ્થિતિ અમુક ક્ષેત્રોને જ લાગુ પડે છે, એટલે કે જ્યારે આપણું સૂર્યમંડળ શાંત પડી જશે અને અવ્યક્ત સ્થિતિમાં પાછું જશે, ત્યારે બીજાં લાખો સૂર્યમંડળો તેનાથી વિપરીત ક્રમે અભિવ્યક્ત થશે. હું બીજા અભિપ્રાયની તરફેણમાં છું કે આ શાંત ભાવ આખાય વિશ્વમાં એક સાથે આવતો નથી; જુદા જુદા ભાગોમાં વસ્તુસ્થિતિ જુદી જુદી હોય છે. પણ સિદ્ધાંત તો એક જ છે કે આપણે જે બધું જોઈએ છીએ તે પ્રકૃતિ પોતે ઉત્થાન અને પતનના ક્રમ તરફ પ્રવર્તે છે. એક તબક્કો છે પતનનો, સમતા તરફ જવાનો, પૂર્ણ સમતુલાનો, જેને પ્રલય એટલે કલ્પનો અંત કહેવામાં આવે છે. વિશ્વના સર્જન અને પ્રલયને ભારતમાંના આસ્તિક લેખકોએ ઈશ્વરના શ્વાસ અને ઉચ્છ્વાસ સાથે સરખાવેલ છે, ઈશ્વર જાણે વિશ્વને ઉચ્છ્વાસ દ્વારા બહાર ફેંકે છે અને વળી પાછું તે તેનામાં સમાઈ જાય છે. જ્યારે વિશ્વ સમાઈ જાય ત્યારે તેનું શું થાય છે? તે રહે છે ખરું પણ તે સૂક્ષ્મ રૂપે, જેને સાંખ્યદર્શન કારણદર્શન રૂપે કહે છે. તેથી તે દેશ, કાળ, નિમિત્તની બહાર જતું નથી; તેઓ ત્યાં રહેલાં જ હોય છે, માત્ર અતિ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે. ધારો કે આ આખું વિશ્વ સંકોચ પામતું પામતું એક પરમાણુ જેટલું થઈ જાય છે તો આપણને કોઈ પરિવર્તનનો અનુભવ થશે નહીં, કારણ કે આપણી આસપાસનું બધુંય તે જ સમયે સંકોચ પામતું હોય છે. આ આખુંય વિશ્વ કારણાવસ્થામાં સમાઈ જાય છે અને વળી પાછું બહાર આવે છે; કારણ કાર્યને ઉત્પન્ન કરે છે. આમ ઘટમાળ ચાલ્યા કરે છે.

જેને આધુનિક કાળમાં આપણે પદાર્થ કહીએ છીએ તેને પ્રાચીન માનસશાસ્ત્રીઓ ભૂતો, બાહ્ય તત્ત્વો કહેતા. તેઓના મત પ્રમાણે એક તત્ત્વ સનાતન છે, બીજાં બધાં તત્ત્વો આ એક તત્ત્વમાંથી ઉત્પન્ન થાય છે. આ તત્ત્વને આકાશ કહેવામાં આવે છે. અત્યારના સમયમાં જેને ઈથર કહેવામાં આવે છે તેની સાથે આ આકાશનો ખ્યાલ અમુક અંશે મળતો આવે છે, જો કે તે સંપૂર્ણપણે મળતો આવતો નથી. આ તત્ત્વની સાથે એક મૂળભૂત શક્તિ છે જેને પ્રાણ કહેવામાં આવે છે. પ્રાણ અને આકાશ એકબીજા સાથે જુદી જુદી રીતે સંયુક્ત થઈને ભૂતોની સૃષ્ટિ રચે છે; કલ્પને અંતે બધું પાછું શમી જાય છે તથા આકાશ અને પ્રાણમાં પાછું ચાલ્યું જાય છે. માનવીના લખાયેલા પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદમાં સૃષ્ટિના વર્ણનની એક સુંદર અને કાવ્યમય ઋચા છે. ‘જ્યારે ન હતું અસ્તિત્વ, ન હતું નાસ્તિત્વ, જ્યારે અંધકાર અંધકારથી ઢંકાયેલો હતો, ત્યારે શું હતું?’ અને ઉત્તર આમ અપાયો છેઃ ‘ત્યારે તે (સૃષ્ટિ) સ્પંદન રહિત સ્થિતિમાં હતી.’ તે વેળા પ્રાણનું અસ્તિત્વ હતું પરંતુ તેમાં કોઈ ગતિ કે સ્પંદન નહોતું. आनिदवातम् નો અર્થ સ્પંદન રહિતનું અસ્તિત્વ થાય છે. ત્યારે સ્પંદન શમી ગયું હતું. બાદમાં જ્યારે લાંબા કાળ પછી કલ્પનો આરંભ થાય છે ત્યારે आनिदवातम् (સ્પંદન રહિત પરમાણુ)માં સ્પંદન શરૂ થાય છે અને આકાશ ઉપર પ્રાણ એક પછી એક આઘાત કરે છે. અણુઓ ઘનીભૂત થાય છે અને તેમ થતાં થતાં તેમાંથી જુદાં જુદાં ભૌતિક તત્ત્વો બનતાં જાય છે. સામાન્યતઃ આ બધી વસ્તુઓનો વિચિત્ર રીતે અર્થ કરાયેલો આપણે જોઈએ છીએ. લોકો તત્ત્વજ્ઞાનીઓ કે ભાષ્યકારો પાસે તેમના અર્થ માટે જતા નથી અને તે સમજવા જેટલી તેમના પોતાનામાં બુદ્ધિ પણ હોતી નથી. કોઈ મૂર્ખ માનવી સંસ્કૃતના ત્રણ શબ્દો જાણતો હોય તો પણ તે આખાય પુસ્તકનું ભાષાંતર કરે છે. તેઓ તત્ત્વોનો વાયુ, અગ્નિ, વગેરે તરીકે અનુવાદ કરે છે, જો તેઓ ભાષ્યકારો પાસે જાય તો તેમને જણાય છે કે તે ભાષ્યકારો તે શબ્દનો વાયુ કે એવો કોઈ અર્થ કરતા નથી.

આકાશ ઉપર પ્રાણના વારંવાર આઘાત થવાથી તેમાં વાયુ એટલે કે સ્પંદનો ઉત્પન્ન થાય છે. આ વાયુ સ્પંદિત થાય છે અને જ્યારે સ્પંદન વેગ પકડે ત્યારે તેમાં ઘર્ષણ થાય છે અને ઘર્ષણમાંથી ગરમી એટલે તેજ ઉત્પન્ન થાય છે. પછી આ તેજ પ્રવાહી એટલે જળરૂપ થાય છે અને પછી આ પ્રવાહી ઘન બને છે. પહેલાં આકાશ હતું, પછી ગતિ ઉત્પન્ન થઈ, પછી તેજ આવ્યું, પછી તે પ્રવાહી બન્યું અને પછી તે ઘન થઈને જડ તત્ત્વ બન્યું છે; અને એનાથી બરાબર ઊલટા ક્રમમાં તે પાછું લય પામે છે. ઘન પદાર્થ પ્રવાહી બનશે, પછી તે એક તેજઃપુંજમાં પરિણમશે, ધીરે ધીરે તે સ્પંદનરૂપ બનશે, તે સ્પંદનરહિત થશે એટલે આ કલ્પનો નાશ થશે. વળી પાછી સૃષ્ટિ ઉત્પન્ન થશે અને પાછી આકાશમાં લય પામી જશે. આકાશની મદદ સિવાય પ્રાણ એકલો કામ કરી શકતો નથી. જેને આપણે ગતિ, આંદોલન કે વિચારના રૂપમાં જાણીએ છીએ તે પ્રાણનું પરિણામ છે અને જે કંઈ આપણને પદાર્થરૂપ જણાય છે —પછી તે આકૃતિરૂપે હોય કે અવરોધરૂપે હોય— પણ તે આકાશનું પરિણામ છે. આ પ્રાણ એકલો રહી શકે નહીં; કોઈ માધ્યમ —વચગાળાના તત્ત્વ— વિના ક્રિયા કરી શકે નહીં. જ્યારે પ્રાણ તેના મૂળ સ્વરૂપમાં હોય છે ત્યારે તે આકાશમાં રહે છે અને જ્યારે તે પ્રકૃતિનાં બળોમાં પરિણામ પામે છે —જેવાં કે ગુરુત્વાકર્ષણ કે વિકેન્દ્રીકરણ— ત્યારે તેને પદાર્થની આવશ્યકતા રહે છે. તમે કદીય પદાર્થ વિનાનું બળ કે બળ વિનાનો પદાર્થ જોઈ શકશો નહીં. જેને આપણે બળ અને પદાર્થ કહીએ છીએ તે એક જ વસ્તુની માત્ર સ્થૂળ અભિવ્યક્તિઓ છે; જ્યારે તે સૂક્ષ્મ બને છે ત્યારે પ્રાણ અને આકાશ કહેવાય છે. પ્રાણને તમે અંગ્રેજીમાં Life – લાઈફ (જીવન-શક્તિ) કહી શકો પણ તમારે તેનો માત્ર ‘માણસનું જીવન’ એવો સંકુચિત અર્થ કરવો ન જોઈએ. સાથોસાથ તમારે તેને આત્મા સાથે પણ અભિન્ન લેખવો જોઈએ નહીં. આમ ક્રમ ચાલે છે. સૃષ્ટિને આદિ કે અંત હોઈ શકે નહીં; તે એક સનાતન પ્રક્રિયા છે.

આ પ્રાચીન માનસશાસ્ત્રીઓની બીજી વાતનો આપણે વિચાર કરીએ. તે એ છે કે બધી સ્થૂળ વસ્તુઓ સૂક્ષ્મના પરિણામરૂપે છે. જે કાંઈ સ્થૂળ છે તે સૂક્ષ્મ તત્ત્વોનું બનેલું છે; તેને તેઓ તન્માત્રાઓ કે સૂક્ષ્મ પરમાણુ કહે છે. હું એક ફૂલ સૂંઘું છું. સૂંઘવા માટે મારા નાક સાથે કોઈએ સંબંધમાં આવવું જોઈએ. પુષ્પ ત્યાં છે પણ તેને હું મારી તરફ આવતું જોતો નથી. પુષ્પમાંથી જે નીકળે છે અને મારી ઘ્રાણેન્દ્રિયના સંપર્કમાં આવે છે, તેને તન્માત્રા કહેવામાં આવે છે, તે પુષ્પના સૂક્ષ્મ પરમાણુઓ છે. આ જ નિયમ ઉષ્ણતા, પ્રકાશ અને બીજી બધી બાબતોને લાગુ પડે છે. આ તન્માત્રાઓને પરમાણુઓમાં વિભાજિત કરી શકાય. જુદા જુદા તત્ત્વજ્ઞાનીઓના જુદા જુદા સિદ્ધાંતો હોય છે અને આપણે જાણીએ છીએ કે આ બધા સિદ્ધાંતો માત્ર અનુમાન છે. આપણા જ્ઞાન માટે આટલું જાણવું પૂરતું છે કે જે કંઈ સ્થૂળ છે તે સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ તત્ત્વોનું બનેલું છે. પ્રથમ આપણને સ્થૂળ ભૌતિક તત્ત્વો મળે છે, જેને આપણે બાહ્ય રીતે અનુભવીએ છીએ; પછી સૂક્ષ્મ, ભૌતિક તત્ત્વો આવે છે જેની સાથે નાક, આંખ અને કાન સંબંધમાં આવે છે. ઈથરના તરંગો મારી આંખને સ્પર્શે છે; હું તેમને જોઈ શકતો નથી છતાંય હું જાણું છું કે હું પ્રકાશ દેખું તે પહેલાં તેઓ મારી આંખ સાથે સંબંધમાં આવવા જોઈએ.

આપણે આંખો છે, પણ આંખો જોતી નથી. મગજનું કેન્દ્ર લઈ લો તો આંખો હશે, તેમજ તેના પડદા ઉપર બાહ્ય દુનિયાનું સંપૂર્ણ ચિત્ર પણ હશે, છતાં આંખ તેને જોઈ શકશે નહીં. એટલે કે આંખો માત્ર સાધન છે, તે દર્શનની ઇન્દ્રિય નથી; દર્શનની ઇન્દ્રિય મગજમાં જ્ઞાનતંતુનું એક કેન્દ્ર છે. તે જ પ્રમાણે નાક પણ સાધન છે ને તેની પાછળ ઇન્દ્રિય છે. આ જ્ઞાનનાં અંગો માત્ર બાહ્ય સાધનો છે. એમ કહી શકાય કે આ જુદાં જુદાં જ્ઞાનકેન્દ્રો કે જેને સંસ્કૃતમાં ઇન્દ્રિય કહેવાય છે તે જ ખરેખરાં સંવેદનનાં સ્થાન છે.

સંવેદન અનુભવવા માટે મનને ઇન્દ્રિય સાથે જોડાવાની આવશ્યકતા રહે છે. જ્યારે આપણે અભ્યાસમાં મશગૂલ હોઈએ, ત્યારે ઘડિયાળના ટકોરા સંભળાતા નથી, તે સામાન્ય અનુભવની વાત છે. શા માટે? કાન તો હતા; તેની મારફત અવાજને મગજ સુધી લઈ જવામાં આવેલ હતો; છતાં તે સંભળાયો નહીં, કારણ મન પોતે શ્રવણેન્દ્રિય સાથે જોડાયેલું ન હતું.

પ્રત્યેક જુદાં જુદાં સાધન માટે જુદી જુદી ઇન્દ્રિય હોય છે; કારણ કે જો એક જ ઇન્દ્રિય બધાની ગરજ સારતી હોય તો જ્યારે મન તેની સાથે જોડાય ત્યારે બધી ઇન્દ્રિયો એકસરખી રીતે પ્રવૃત્તિશીલ બને. પણ ઘડિયાળના દૃષ્ટાંતમાં જોયું તેમ તે મુજબ બનતું નથી. જો બધાં સાધનો માટે એક જ ઇન્દ્રિય હોય તો મન એક જ વખતે જુએ, સાંભળે અને સૂંઘે અને એને માટે એકી સાથે આ બધું નહીં કરવાનું અસંભવિત બને. તેથી દરેક અનુભવ માટે જુદી જુદી ઇન્દ્રિય હોવી જરૂરી છે. આધુનિક શરીરવિજ્ઞાને આની સાબિતી આપી છે. આપણે એક જ સાથે જરૂર જોઈ શકીએ અને સાંભળી પણ શકીએ, પણ તેનું કારણ એ છે કે મન બે કેન્દ્ર સાથે અંશતઃ જોડાયેલું હોય છે.

ઇન્દ્રિયો શાની બનેલી છે? આપણે જોઈએ છીએ કે આ સાધનો – આંખ, કાન, નાક બધાં – સ્થૂળ પદાર્થનાં બનેલાં છે. ઇન્દ્રિયો પણ જડ પદાર્થની બનેલી છે. જેમ શરીર પોતે સ્થૂળ પદાર્થનું બનેલું છે અને પ્રાણને જુદાં જુદાં સ્થૂળ બળરૂપે ઉત્પન્ન કરે છે, તે જ પ્રમાણે ઇન્દ્રિયો પણ પાંચ સૂક્ષ્મ તત્ત્વો આકાશ, વાયુ, તેજ વગેરેની બનેલી છે અને સંવેદનનાં સૂક્ષ્મ બળોરૂપે પ્રાણને ઉત્પન્ન કરે છે. ઇન્દ્રિયો, પ્રાણની ક્રિયા, મન અને બુદ્ધિ બધાં મળી માનવીના લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીરને રચે છે. લિંગ શરીરને એક વાસ્તવિક આકાર હોય છે, કારણ પ્રત્યેક ભૌતિક પદાર્થને આકાર હોવો જ જોઈએ.

મન એટલે ચિત્તની તરંગવાળી અવ્યવસ્થિત અવસ્થા. જો તમે સરોવરમાં પથરો નાખો તો પ્રથમ તરંગ ઊઠશે, પછી તેનો પ્રતિરોધ થશે. એક ક્ષણભર પાણીમાં તરંગો ઊઠશે અને પછી પથ્થર ઉપર તેનો પ્રત્યાઘાત થશે. આમ ચિત્ત ઉપર જ્યારે કોઈ અસર પડે છે ત્યારે તેમાં આંદોલન થાય છે. તે અવસ્થાને મન કહેવામાં આવે છે. મન આ અસરને આગળ લઈ જાય છે અને બુદ્ધિ એટલે કે નિશ્ચયાત્મક શક્તિ પાસે રજૂ કરે છે. ત્યાં બુદ્ધિની તેના પર પ્રતિક્રિયા થાય છે. બુદ્ધિની પાછળ અહંકાર કે ‘હું’ પણાની ભાવના હોય છે; તે અહંકારની પાછળ ‘મહત્’ હોય છે. ‘મહત્’ એટલે સમષ્ટિ ચેતના કે જે પ્રકૃતિના અસ્તિત્વનું સર્વોચ્ચ સ્વરૂપ છે એમાંના આગળનું દરેક પાછળ આવતા દરેકના કાર્યરૂપ છે. સરોવરના દૃષ્ટાંતમાં તેના ઉપર જે આઘાત આવે છે તે બાહ્ય જગતમાંથી આવે છે, જ્યારે મનની બાબતમાં આઘાત બાહ્ય કે આંતરજગત ગમે તેમાંથી આવે છે. બુદ્ધિની પાછળ આત્મા એટલે પુરુષ છે; તે શુદ્ધ અને પૂર્ણ છે, તે જ દ્રષ્ટા છે અને તેને માટે જ આ બધાં પરિવર્તનો થાય છે.

મનુષ્ય આ બધાં પરિવર્તનોનો દ્રષ્ટા છે. તે પોતે કદી અશુદ્ધ હોતો નથી. પણ જેને વેદાંતીઓ અધ્યાસ કહે છે તે પ્રતિબિંબ કે ઉપાધિને કારણે તે અશુદ્ધ જેવો લાગે છે. જેમ એક સ્ફટિક પાસે રાતું કે આસમાની પુષ્પ લાવવામાં આવે તો સ્ફટિક તે રંગનો ભાસે છે. બેશક, તેમાં રંગનું પ્રતિબિંબ પડે છે પણ સ્ફટિક પોતે શુદ્ધ છે. આપણે એમ માની લઈએ કે અનેક આત્માઓ છે અને તે દરેક શુદ્ધ અને પૂર્ણ છે. અનેક પ્રકારના સ્થૂળ અને સૂક્ષ્મ પદાર્થો આત્મા ઉપર આવરણરૂપે આવે છે અને તેને બહુરંગી બનાવે છે. પ્રકૃતિ આ બધું શા માટે કરે છે? આત્માના વિકાસ માટે પ્રકૃતિ આ સર્વરૂપે પરિણામો પામ્યા કરે છે; અને આ આખીય સૃષ્ટિ આત્માના લાભ માટે છે, જેથી તે મુક્ત બની શકે. આ સૃષ્ટિરૂપી વિશાળ ગ્રંથ મનુષ્ય તેનો અભ્યાસ કરે તે માટે તેની સમક્ષ ખુલ્લો થયેલો છે અને અંતે તેને ભાન થાય છે કે પોતે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે. મારે અહીં તમને જણાવવું જોઈએ કે અમારા કેટલાક શ્રેષ્ઠ માનસશાસ્ત્રીઓ તમે જે અર્થમાં ઈશ્વરને માનો છો તે અર્થમાં ઈશ્વરને માનતા નથી. અમારા માનસશાસ્ત્રના જનક કપિલમુનિ ઈશ્વરના અસ્તિત્વમાં માનતા નથી. તેમનો મત એવો છે કે વ્યક્તિરૂપ ઈશ્વર તદ્દન અનાવશ્યક છે; પ્રકૃતિ એકલી જ આખી સૃષ્ટિના સર્જન માટે પૂરતી છે. યોજનાના સિદ્ધાંતને તેમણે તોડી પાડ્યો છે; તે એમ કહે છે કે આના જેવો બીજો બાલિશ સિદ્ધાંત કદીય ન હતો. છતાં તે અમુક પ્રકારના ઈશ્વરનો તો સ્વીકાર કરે છે. તે કહે છે કે આપણે બધા મુક્ત થવા પ્રયત્ન કરીએ છીએ અને જ્યારે આપણે મુક્ત થઈએ ત્યારે જાણે કે પ્રકૃતિમાં ભળી જઈએ છીએ, પણ તે માત્ર બીજા કલ્પની શરૂઆતમાં તેના શાસકરૂપે બહાર આવવા માટે. સર્વજ્ઞ અને સર્વશક્તિમાનરૂપે આપણે બહાર આવીએ છીએ, તે અર્થમાં આપણે ઈશ્વર કહેવાઈએ; તમે અને હું અને ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણી જુદા જુદા કલ્પમાં ઈશ્વર બની શકીએ. તે એમ કહે છે કે આવો ઈશ્વર અનિત્ય હશે. પણ એક નિત્ય ઈશ્વર, વિશ્વનો નિત્ય સર્વશક્તિમાન શાસક ઈશ્વર સંભવે નહીં. તેવો ઈશ્વર હોય તો આ મુશ્કેલી નડે. તે કાં તો બદ્ધ અને કાં તો મુક્ત હોવો જોઈએ. જે ઈશ્વર પૂર્ણપણે મુક્ત હોય તે સર્જન કરે નહીં, કારણ કે તેની જરૂર નથી; જો તે બદ્ધ હોય તો પણ તે સર્જન કરે નહીં, કારણ કે તે તેમ કરી શકે નહીં, તેનામાં એ કાર્ય કરવાની શક્તિ નથી. બંને દૃષ્ટિથી એક સર્વજ્ઞ કે સર્વશક્તિમાન, શાશ્વત શાસક હોઈ શકે નહીં. અમારાં શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ઈશ્વર શબ્દ વાપરવામાં આવ્યો છે ત્યાં ત્યાં તેનો અર્થ મુક્ત થયેલા માનવીઓ એવો જ છે એમ તે કહે છે.

કપિલ સર્વ આત્માઓની એકતામાં માનતા નથી. અહીં સુધીનું પૃથક્કરણ અતિ અદ્ભુત છે. તે ભારતીય તત્ત્વચિંતકોનો આદિ પુરુષ છે; બૌદ્ધધર્મ અને બીજા વાદો તેના વિચારનાં પરિણામો છે.

તેમના માનસશાસ્ત્ર પ્રમાણે બધા આત્માઓ પોતાની મુક્તિ અને પોતાના જન્મસિદ્ધ અધિકાર જેવા કે સર્વશક્તિમાનપણું અને સર્વજ્ઞત્વ ફરી પ્રાપ્ત કરી શકે. પણ પ્રશ્ન એ છે કે આ બંધન છે ક્યાં? કપિલ એમ કહે છે કે તે અનાદિ છે. હવે જો તેને આદિ ન હોય તો અંત પણ ન હોય અને આપણે કદીય મુક્ત ન બની શકીએ. તે એમ કહે છે કે બંધન ભલે અનાદિ હોય પણ તે આત્માની જેમ શાશ્વત સ્વભાવવાળું નથી. બીજી રીતે કહીએ તો પ્રકૃતિ (બંધનનું કારણ) આદિ અને અંત વિનાની છે, પણ તે આત્માની રીતે નહીં, કારણ કે પ્રકૃતિને વ્યક્તિત્વ નથી. તે એક નદી જેવી છે, જેને નવું નવું પાણી દરેક પળે મળ્યા કરે છે. આ બધાં પાણીનો મૂળ સરવાળો તો નદી જ છે, પણ નદીનું એ નિત્ય પરિમાણ નથી. પ્રકૃતિમાં બધું સતત બદલાયા કરે છે, પણ આત્મા બદલાતો નથી. તેથી પ્રકૃતિ નિત્ય બદલાયા કરતી હોવાથી આત્માને તેના બંધનમાંથી છૂટવું શક્ય બને છે.

આખુંય વિશ્વ એક જ યોજનાના એક ભાગ તરીકે રચાયેલું છે. આથી જેમ મારે એક મન છે તેમ એક સમષ્ટિ મન પણ છે. જેવું વ્યષ્ટિમાં છે તેવું સમષ્ટિમાં છે. એક સમષ્ટિ સ્થૂળ શરીર છે તેની પાછળ સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે; તેની પાછળ સમષ્ટિ મન છે, તેની પાછળ સમષ્ટિ અહંકાર છે. તેની પાછળ સમષ્ટિ ચૈતન્ય છે અને આ બધું પ્રકૃતિમાં છે; પ્રકૃતિની અભિવ્યક્તિ છે, તેની બહાર નથી.

આપણને આપણાં માતાપિતામાંથી સ્થૂળ શરીર તેમજ ચેતના પ્રાપ્ત થાય છે. કડક વારસાવાદ એમ કહે છે કે મારું શરીર મારાં માતપિતાનાં શરીરનો અંશ છે; મારી ચેતના અને અહંકારનાં તત્ત્વો પણ મારાં માતાપિતાની ચેતના અને અહંકારનો અંશ છે. આપણે વિશ્વચેતનામાંથી કંઈક લઈને આપણાં માતપિતાના વારસામાંથી મળેલા થોડાક ભાગમાં ઉમેરો કરી શકીએ. ચેતનાનો એક અનંત ભંડાર છે; તેમાંથી આપણે જોઈએ તેટલું લઈ શકીએ છીએ. વિશ્વમાં માનસિક શક્તિનો અનંત ભંડાર છે, તેમાંથી આપણે સદાય લીધા કરીએ છીએ પણ તેનું બીજ તો માતાપિતામાંથી આવવું જોઈએ. આપણો સિદ્ધાંત વારસા સાથે પુનર્જન્મનો છે. વારસાના નિયમ અનુસાર પુનર્જન્મ પામતો આત્મા માતપિતા પાસેથી કંઈક ઉપાદાન લઈને આવે છે અને તે ઉપાદાનમાંથી મનુષ્ય સર્જાય છે.

કેટલાક પાશ્ચાત્ય તત્ત્વચિંતકો એવો આગ્રહ દાખવે છે કે હું છું તેથી આ વિશ્વ છે, જો હું ન રહું તો આ વિશ્વ પણ ન રહે. કેટલીક વેળા તેને આ રીતે રજૂ કરવામાં આવે છેઃ જો વિશ્વનાં બધા માનવીઓ મરી જાય અને જો કોઈ પણ માનવપ્રાણી ન રહે અને સંવેદન કે બુદ્ધિવાળાં પશુઓ પણ ન હોય તો આ આખી સૃષ્ટિ અદૃશ્ય થઈ જાય. પણ યુરોપીય તત્ત્વવેત્તાઓ આ સિદ્ધાંત જાણે છે છતાં તેની પાછળ રહેલું મનોવિજ્ઞાન જાણતા નથી; આધુનિક તત્ત્વજ્ઞાનને તો તેની ઝાંખી માત્ર થઈ છે. સાંખ્યદર્શનની દૃષ્ટિએ જોઈએ તો આ સરળતાથી સમજાય તેવું છે. સાંખ્ય મત પ્રમાણે જે કોઈ વસ્તુમાં મારા મનનો કંઈક પણ અંશ આવે નહીં તે વસ્તુને અસ્તિત્વ જ હોઈ શકે નહીં. આ મેજ જેમ છે તેમ તેને હું જાણતો નથી. તેની એક છબી —એક ઝાંખી— મારી આંખ આગળ આવે છે, પછી ઇન્દ્રિયો પાસે અને પછી મન પાસે પહોંચે છે. મન ત્યાર પછી પ્રતિક્રિયા કરે છે. તે પ્રતિક્રિયાને હું ટેબલ કહું છું. તે એક સરોવરમાં પથ્થર ફેંકવા જેવું છે. સરોવર પથ્થર તરફ તરંગ ઉછાળે છે; આપણે તરંગને જાણીએ છીએ. બહાર શું છે તે કોઈ જાણતું નથી; જ્યારે હું તેને જાણવાની કોશિશ કરું છું ત્યારે હું જે ઉપાદાન આપું છું તે સ્વરૂપે તેણે આપવું પડે છે. મેં મારા મન દ્વારા મારી આંખોથી જોવા માટે તે ઉપાદાન પૂરું પાડ્યું છે. એવું કંઈક છે જે બાહ્ય રૂપે છે, જે માત્ર નિમિત્ત યાને સૂચનરૂપે છે અને તે સૂચન ઉપર હું મારા મનનો પ્રક્ષેપ પાડું છું. હું જે વસ્તુ જોઉં છું તેનું રૂપ તે ધારણ કરે છે. આપણે સહુ એક જ વસ્તુઓ કેમ જોઈએ છીએ? કારણ કે આપણા બધામાં વિરાટ મનના સમાન અંશો છે. જેમનાં મન એક સરખાં છે તેઓ વસ્તુઓને એકસરખી જ જોશે અને જેમનાં મન તેવાં નથી તેઓ તેને એકસરખી જોઈ શકશે નહીં. (2.88)

Total Views: 290
૧. જ્ઞાનયોગનો પરિચય
૩. સાંખ્યદર્શનનું વિવેચન