(જાન્યુઆરી ૧૫, ૧૮૯૬)
જે સાંખ્યદર્શનનું આપણે અત્યાર સુધી નિરૂપણ કરતા આવ્યા છીએ તેનો સાર હું તમને આપીશ. આ વ્યાખ્યાનમાં આપણે તેની ઊણપો ક્યાં છે અને ક્યાં વેદાંત આવીને તેની પૂર્તિ કરે છે તે શોધવાનું છે. તમારે એ યાદ રાખવું જોઈએ કે સાંખ્યમત પ્રમાણે જેને આપણે વિચાર, બુદ્ધિ, તર્ક, પ્રેમ, ધિક્કાર, સ્પર્શ, રસ અને પદાર્થ કહીએ છીએ તે બધી અભિવ્યક્તિઓનું કારણ પ્રકૃતિ છે. બધું પ્રકૃતિમાંથી જ આવે છે. આ પ્રકૃતિ ત્રણ મૂળ તત્ત્વોની બનેલી છે; તેને સત્ત્વ, રજસ અને તમસ કહેવામાં આવે છે. આ ગુણો નથી પણ મૂળ તત્ત્વો છે, જેમાંથી આખું વિશ્વ ઉત્ક્રાંતિ પામ્યું છે. કલ્પના આરંભ પૂર્વે આ બધાં સમતુલામાં રહેલાં હોય છે અને જ્યારે સર્જન થાય છે ત્યારે તેઓ જુદી જુદી રીતે મિશ્રિત થાય છે અને જગત રૂપે અભિવ્યક્ત થાય છે. પહેલી અભિવ્યક્તિ જેને સાંખ્યો ‘મહત્’ કે બુદ્ધિ કહે છે તે થાય છે અને તેમાંથી ચેતન આવે છે. સાંખ્ય મત પ્રમાણે આ એક તત્ત્વ છે. આ ચેતનમાંથી મન, ઇન્દ્રિયો અને તન્માત્રાઓ (શબ્દ, સ્પર્શ વગેરે)ના પરમાણુઓ આવે છે. ચેતનમાંથી આ બધાં સૂક્ષ્મ તત્ત્વો ઉત્પન્ન થાય છે અને તેમાંથી જેને આપણે પદાર્થ કહીએ છીએ તે સ્થૂળ ભૂતો ઉત્પન્ન થાય છે. તન્માત્રાઓ નજરે જોઈ શકાતી નથી, પણ જ્યારે તે સ્થૂળ તત્ત્વો બને છે ત્યારે આપણે તેને અનુભવી અને જોઈ શકીએ છીએ.
બુદ્ધિ, ચેતના અને મન, એ ત્રણ પ્રકારે કાર્ય કરી રહેલ ચિત્ત ક્રિયાશીલ બનીને જે બળોને ઉત્પન્ન કરે છે તેમને ‘પ્રાણ’ કહેવામાં આવે છે. પ્રાણ એ શ્વાસ છે એવી માન્યતા તમારે સત્વર છોડવી જોઈએ. શ્વાસ એ પ્રાણની એક ક્રિયા છે. પ્રાણ એટલે સ્નાયુઓની શક્તિ કે જે આખા શરીરને કાબૂમાં રાખે છે, ચલાવે છે અને જે ચિંતન શક્તિ રૂપે પણ પ્રગટ થાય છે. પ્રાણનું મુખ્ય અને સ્પષ્ટ પ્રકટરૂપ તે શ્વાસોચ્છ્વાસની ક્રિયા છે. પ્રાણ હવા ઉપર અસર કરે છે. હવા પ્રાણ ઉપર અસર કરતી નથી. શ્વાસની ક્રિયાને કાબૂમાં રાખવી તેને પ્રાણાયામ કહેવાય છે. આ ક્રિયા પર કાબૂ મેળવવા માટે પ્રાણાયામનો અભ્યાસ કરવામાં આવે છે; માત્ર શ્વાસનું નિયમન કરવું કે ફેફસાં મજબૂત બનાવવાં તે હેતુ નથી. તે પ્રાણાયામ નથી, પણ ફેફસાંનો વ્યાયામ છે. આ પ્રાણો જીવનશક્તિઓ છે કે જે આખાય શરીરને ચલાવે છે, જ્યારે શરીરની બીજી ઇન્દ્રિયો કે જેને મન કે અંતઃકરણ કહેવામાં આવે છે તેઓ પ્રાણશક્તિઓનું નિયંત્રણ કરે છે. અહીં સુધી તો ઠીક છે. આ બાબતનું મનોવિજ્ઞાન સ્પષ્ટ અને ચોક્કસ છે, છતાંય જગતનો તે પ્રાચીનતમ તર્કશુદ્ધ વિચાર છે. કોઈ પણ તત્ત્વજ્ઞાન કે તત્ત્વવિચાર ક્યાંય પણ હોય તો તે એક અગર બીજી રીતે કપિલનો ઋણી છે. પાયથાગોરસ ભારતમાંથી આ વિદ્યા શીખ્યો અને તેને ગ્રીકોને શીખવી. પાછળથી પ્લેટોને તેનો આભાસ મળ્યો અને તે પછી જ્ઞાનમાર્ગીઓ તે વિચારને અલેકઝાંડ્રિયા લઈ ગયા અને ત્યાંથી તે યુરોપ આવ્યો. તેથી જ્યારે જ્યારે મનોવિજ્ઞાન કે તત્ત્વવિજ્ઞાન વિશે કોઈપણ પ્રયત્ન થયો છે ત્યારે તે બધાના મહાન જનક આ કપિલ ઋષિ છે. આપણે અત્યાર સુધી જોયું કે તેનું મનોવિજ્ઞાન અદ્ભુત છે. પણ જેમ જેમ આપણે આગળ ચાલીશું તેમ તેમ કેટલાક મુદ્દાઓ ઉપર આપણે તેનાથી જુદા પડવું પડશે. આપણે જોઈશું કે જે મૂળભૂત સિદ્ધાંત ઉપર કપિલ પોતાનું દર્શન રચે છે તે ઉત્ક્રાંતિવાદ છે. તે એક વસ્તુને બીજીમાંથી ઉત્ક્રાંતિ પામતી બતાવે છે કારણ કાર્યકારણભાવની તેની વ્યાખ્યા એવી છે કે ‘કારણનું બીજે સ્વરૂપે પુનરુત્થાન.’ અને આપણે જોયું છે ત્યાં સુધી આ આખુંય વિશ્વ ઉત્ક્રાંતિ પામે છે અને પ્રગતિ કરે છે. આપણે આ માટી જોઈએ છીએ; તેના બીજા રૂપમાં આપણે તેને ઘડો કહીએ છીએ. માટી કારણ છે, ઘડો કાર્ય છે. આ સિવાય કાર્યકારણભાવનો આપણને કોઈ ખ્યાલ ન હોય. આમ આ આખુંય વિશ્વ એક ઉપાદાનમાંથી – પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું છે. માટે વિશ્વ તેના કારણથી તત્ત્વતઃ જુદું હોઈ શકે નહીં. કપિલના મત પ્રમાણે અવ્યક્ત પ્રકૃતિમાંથી વિચાર કે બુદ્ધિ સુધી તેમાંનું કોઈ એક પણ તે જેને ‘ભોક્તા’ કે ‘પ્રકાશક’ કહે છે તે નથી. જેમ માટીનો પિંડ છે તેમ મનનો પણ પિંડ છે. મનને પોતાનો પ્રકાશ નથી. છતાં આપણે જોઈએ છીએ કે તે વિચાર કરે છે. તેથી તેની પાછળ કંઈક હોવું જ જોઈએ કે જેનો પ્રકાશ મહત્ અને ચેતના અને તેના પછીનાં રૂપાંતરોમાંથી બહાર આવતો દેખાય છે. કપિલ આને પુરુષ કહે છે અને વેદાંતીઓ આને આત્મા કહે છે. કપિલના મત પ્રમાણે પુરુષ અમિશ્રિત તત્ત્વ છે, મિશ્ર તત્ત્વ નથી. તે ભૌતિક નથી; તે એક જ એવું છે કે જે ભૌતિક નથી, જ્યારે આ બધી વિવિધ અભિવ્યક્તિઓ ભૌતિક છે. હું એક કાળું પાટિયું જોઉં છું. પ્રથમ બાહ્ય સાધનો જ્ઞાનતંતુઓનાં કેન્દ્રો પાસે તેનાં સંવેદનો પહોંચાડશે; કપિલના મત પ્રમાણે એ કેન્દ્રો ઇન્દ્રિયો છે; કેન્દ્રમાંથી તે મનમાં જશે અને મન તે બુદ્ધિને પહોંચાડશે. પણ બુદ્ધિ ક્રિયાશીલ બનતી નથી. ક્રિયા જાણે કે પાછળ રહેલા પુરુષમાંથી આવે છે. આ બધાં જાણે કે તેના દાસ છે, જે તેની પાસે બધાં સંવેદનો લાવે છે અને પુરુષ જાણે કે હુકમ આપે છે, પ્રતિક્રિયા કરે છે; એ જ ભોક્તા, દ્રષ્ટા, એક જ સત્ય, સિંહાસનસ્થ રાજા, માણસનો આત્મા છે અને તે ભૌતિક નથી. અભૌતિક હોવાથી સ્વાભાવિક રીતે જ ફલિત થાય છે કે તે અનંત હોવો જોઈએ, તેને કોઈ મર્યાદા હોઈ ન શકે. પ્રત્યેક પુરુષ સર્વવ્યાપક છે. આપણે પ્રત્યેક સર્વવ્યાપક છીએ. પણ આપણે માત્ર લિંગ-દેહ – સૂક્ષ્મ શરીર દ્વારા કામ કરી શકીએ. મન, ચેતના, ઇન્દ્રિયો અને પ્રાણ સૂક્ષ્મ શરીર કે ‘કોષ’નું નિર્માણ કરે છે, જેને ખ્રિસ્તી તત્ત્વજ્ઞાનમાં માણસનું ‘આધ્યાત્મિક’ શરીર કહેવામાં આવે છે. આ શરીરને જ મોક્ષ, સજા કે સ્વર્ગ મળે છે; તે જ પુનઃ પુનઃ જન્મ લે છે, કારણ પ્રથમથી જ આપણે જોતા આવ્યા છીએ કે પુરુષ કે આત્માનું આવવું અને જવું અસંભવિત છે. ગતિ એટલે આવવું જવું અને જે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે છે કે જાય છે તે સર્વવ્યાપી હોઈ શકે નહીં. આમ આટલે સુધી આપણે કપિલના મનોવિજ્ઞાન દ્વારા જોઈએ છીએ કે આત્મા અનંત છે અને તે એક જ તત્ત્વ છે કે જે ભૌતિક નથી. તે એક જ વસ્તુ છે કે જે પ્રકૃતિથી બહાર છે પણ પ્રકૃતિથી બદ્ધ હોય તેમ દેખાય છે. પ્રકૃતિ તેની આજુબાજુ પ્રસરેલી છે અને તેણે તેની સાથે તાદાત્મ્ય સાધ્યું છે. તે માને છેઃ ‘હું લિંગદેહ છું.’ ‘હું સ્થૂળ પદાર્થ છું, હું સ્થૂળ શરીર છું.’ અને તેથી તે સુખદુઃખ અનુભવે છે. પણ સુખદુઃખ ખરેખર તેનાં નથી; લિંગશરીર કે સૂક્ષ્મશરીરનાં છે.
ધ્યાનની એવી અવસ્થા કે જ્યારે મન નિષ્ક્રિય પણ નથી અને સક્રિય પણ નથી તે અવસ્થાને યોગીએ સર્વોચ્ચ અવસ્થા ગણી છે. એ અવસ્થામાં તમે પુરુષની નજીકમાં નજીક આવો છો. આત્માને નથી સુખ કે નથી દુઃખ; તે સર્વનો સાક્ષી છે, સર્વ પ્રવૃત્તિઓનો શાશ્વત દ્રષ્ટા છે, પરંતુ કોઈ પણ કર્મનું ફળ તે લેતો નથી. જેમ સૂર્ય દરેક આંખની દર્શનશક્તિનું કારણ છે પણ આંખના દોષોની તેને અસર થતી નથી. અથવા જ્યારે સ્ફટિકની આજુબાજુ રાતાં કે ભૂરાં પુષ્પો રાખવામાં આવે છે ત્યારે તે રાતો કે વાદળી દેખાય છે છતાં તે તેમાંનો એકેય નથી, તે જ પ્રમાણે આત્મા નિષ્ક્રિય કે સક્રિય નથી; તે બન્નેથી પર છે. આત્માની આ અવસ્થા પ્રગટ કરવાનો સારામાં સારો માર્ગ ધ્યાન છે. આ છે સાંખ્યદર્શન.
વળી, સાંખ્ય એમ કહે છે કે પ્રકૃતિની અભિવ્યક્તિ આત્મા માટે છે; તમામ સંઘાતો (મિશ્રિત વસ્તુઓ) કોઈ અન્યને માટે છે. જે સંમિશ્રણોને તમે પ્રકૃતિ કહો છો તે બધાં સતત થયા કરતાં પરિવર્તનો આત્માના ભોગ માટે, તેના મોક્ષ માટે છે કે જેથી કરીને તે નીચામાં નીચાથી માંડીને ઊંચામાં ઊંચા સુધીનો બધો અનુભવ મેળવી શકે. જ્યારે તેને એ અનુભવ થાય છે ત્યારે આત્માને ભાન થાય છે કે તે કદી પ્રકૃતિમાં ન હતો, તે સતત પ્રકૃતિથી ભિન્ન અને અવિનાશી છે, તેનું આવાગમન કે નિર્ગમન હોઈ શકે નહીં. સ્વર્ગે જવું અને પાછો જન્મ લેવો તે પ્રકૃતિમાં છે, આત્મામાં નહીં. આમ આત્મા મુક્ત છે. આખીય પ્રકૃતિ માત્ર આત્માના ઉપયોગ અને અનુભવ માટે જ પ્રવર્તે છે. લક્ષ્યે પહોંચવા માટે તે આ અનુભવ મેળવે છે અને તે લક્ષ્ય મુક્તિ છે. પણ સાંખ્યમત પ્રમાણે આત્માઓ અનેક છે; આત્માની સંખ્યા અનંત છે. કપિલનો બીજો નિર્ણય એ છે કે આ જગતનો સ્રષ્ટા કોઈ ઈશ્વર નથી; પ્રકૃતિ એક જ તે કાર્ય માટે પૂરતી છે. તેથી ઈશ્વરની જરૂર નથી, એમ સાંખ્યો કહે છે.
વેદાંત કહે છે કે સ્વરૂપતઃ જ આત્મા નિરપેક્ષ સત્, નિરપેક્ષ ચિત્ અને નિરપેક્ષ આનંદ છે. પણ આ આત્માના ગુણો નથી; તેઓ ત્રણ નથી પણ એક જ છે અને આત્માનું મૂળ તત્ત્વ છે. સાંખ્ય સાથે વેદાંત એ વિચારમાં એકમત છે કે બુદ્ધિ પ્રકૃતિની છે કારણ કે તે તેમાંથી જ આવે છે. વેદાંત એમ પણ બતાવે છે કે જેને બુદ્ધિ કહેવામાં આવે છે, તે એક મિશ્ર વસ્તુ છે. દાખલા તરીકે આપણાં સંવેદનોને તપાસીએ. હું એક કાળું પાટિયું જોઉં છું. તેનું જ્ઞાન કેવી રીતે થાય છે? જર્મન તત્ત્વવેત્તાઓ જેને ‘વસ્તુનું સ્વરૂપ’ કહે છે તે સ્વરૂપમાં કાળું પાટિયું અજ્ઞાત છે; હું તેને કદી જાણી શકું નહીં. આપણે તેને ‘ક્ષ’ કહીએ. કાળું પાટિયું ‘ક્ષ’ મારા મન ઉપર ક્રિયા કરે છે અને મન તેની પ્રતિક્રિયા કરે છે. મન સરોવર જેવું છે. સરોવરમાં એક પથરો નાખો એટલે એક પ્રતિક્રિયાત્મક પ્રત્યાઘાતી તરંગ પથ્થર તરફ આવે છે. આ તરંગ એ પથ્થર જેવો બિલકુલ નથી. તે તરંગ જ છે. કાળુ પાટિયું ક્ષ તે મન ઉપર પડતા પથ્થર જેવું છે અને મન તેના તરફ તરંગ ફેંકે છે અને આ તરંગને આપણે કાળું પાટિયું કહીએ છીએ. હું તમને જોઉં છું. એક સત્ તરીકે તમે અજ્ઞાત અને અજ્ઞેય છો. તમે ક્ષ અને મારા મન ઉપર અસર કરો છો અને મન જે દિશામાંથી આઘાત આવે છે તે તરફ તરંગ ફેંકે છે અને તે તરંગને હું ‘શ્રીયુત અમુક…’ એમ કહું છું. સંવેદનમાં બે તત્ત્વો છે; એક બહારથી આવે છે, બીજું અંદરથી આવે છે; બંનેનું મિશ્રણ ક્ષ + મન, એ આપણું બાહ્ય જગત છે. સર્વ જ્ઞાન પ્રતિક્રિયામાંથી આવે છે. વ્હેલ માછલીની બાબતમાં ગણતરી કરીને એમ નક્કી કરવામાં આવ્યું છે કે પૂંછડી ઉપર પ્રહાર કર્યા પછી તેનું મન કેટલે સમયે પ્રતિક્રિયા કરે છે અને તેના દર્દનું ભાન ક્યારે થાય છે. આંતરસંવેદન માટે પણ આમ જ છે. મારામાં રહેલો સાચો આત્મા પણ અજ્ઞાત અને અજ્ઞેય છે. તેને આપણે ‘ય’ કહીએ. જ્યારે હું મારી જાતને અમુક અમુક તરીકે જાણું છું ત્યારે તે ય + મન છે. પેલો ય મન ઉપર આઘાત કરે છે. આમ આપણું આખુંય જગત ક્ષ + મન (બાહ્ય) અને ય + મન (આંતર)નું બનેલું છે. ક્ષ અને ય બાહ્ય અને આંતર જગતની પાછળ રહેલી વસ્તુનું સ્વરૂપ પોતે જ છે.
વેદાંત મત પ્રમાણે ચેતનામાં ત્રણ મુખ્ય તત્ત્વો આ છેઃ હું છું, હું જાણું છું અને હું સુખી છું. મને કંઈ જરૂર નથી, હું શાંત છું, આરામમાં છું; કંઈ પણ મને વ્યગ્ર ન બનાવી શકે, એવો ખ્યાલ જે વખતોવખત આવે છે તે જ આપણા અસ્તિત્વની મુખ્ય હકીકત છે, તે આપણા જીવનનો મૂળભૂત સિદ્ધાંત છે અને જ્યારે તે મર્યાદિત અને મિશ્રિત બને છે ત્યારે તે સાપેક્ષ સત્તારૂપે, સાપેક્ષ જ્ઞાનરૂપે અને સાપેક્ષ આનંદરૂપે પ્રકટ થાય છે. પ્રત્યેક માણસને અસ્તિત્વ છે, પ્રત્યેક માણસને જ્ઞાન જોઈએ છે અને દરેક માણસ પ્રેમ પાછળ ઘેલો છે. તે પ્રેમ કર્યા સિવાય રહી જ ન શકે. નીચામાં નીચી કક્ષાથી ઊંચામાં ઊંચી કક્ષા સુધી, સર્વ અસ્તિત્વમાં સૌ કોઈએ પ્રેમ કરવો જોઈએ. ‘ય’ કે જે આંતર વસ્તુ સ્વરૂપ છે તે મન સાથે જોડાઈને સત્તા, જ્ઞાન અને પ્રેમ ઉત્પન્ન કરે છે, જેને વેદાંતીઓ નિરપેક્ષ સત્, નિરપેક્ષ ચિત્ અને નિરપેક્ષ આનંદ કહે છે. સાચો સત્ સીમારહિત, અમિશ્ર, અસંહત છે. તે પરિણામ જાણતો નથી; તે મુક્ત આત્મા છે. જ્યારે એ મન સાથે જોડાઈ જાય છે, જાણે કે ગૂંચવાઈ ગયો હોય છે, ત્યારે જેને આપણે વ્યક્તિરૂપ અસ્તિત્વ કહીએ છીએ તે બને છે. જેવી રીતે એક અખંડ આકાશ ગૃહાકાશ, ઘટાકાશ વગેરે રૂપે વિભક્ત થાય છે તેમ તે વનસ્પતિજીવન, પ્રાણીજીવન અને માનવજીવન બને છે. તે સત્ય જ્ઞાન આપણે જે જાણીએ છીએ તે નથી, નથી તે અંતઃપ્રેરણા કે બુદ્ધિ કે સહજજ્ઞાન. જ્યારે તેની અવનતિ થાય છે અને ગૂંચવાઈ જાય છે ત્યારે આપણે તેને અંતઃપ્રેરણા કહીએ છીએ; જ્યારે તે વધારે અવનતિ પામે છે ત્યારે આપણે તેને બુદ્ધિ કહીએ છીએ અને તેથીયે વધારે અવનતિ પામે છે ત્યારે આપણે તેને સહજજ્ઞાન એટલે પ્રેરણા કહીએ છીએ. જ્ઞાન પોતે જ વિજ્ઞાન છે, નથી તે અંતઃપ્રેરણા કે નથી સહજજ્ઞાન. તેને માટેનો નજીકનો શબ્દ માત્ર સર્વજ્ઞત્વ છે. તેને કોઈ મર્યાદા નથી, તેમાં કોઈ સંમિશ્રણ નથી. જ્યારે આ આનંદ ઉપર આવરણ આવે છે ત્યારે આપણે તેને પ્રેમ કહીએ છીએ – એટલે કે સ્થૂળ કે સૂક્ષ્મ શરીર કે વિચારો પ્રત્યેનું આકર્ષણ. તે આનંદનું આ માત્ર વિકૃત સ્વરૂપ છે. નિરપેક્ષ સત્, નિરપેક્ષ ચિત્, નિરપેક્ષ આનંદ એ આત્માના ગુણો નથી, પણ તેનું સારતત્ત્વ છે; તેમની અને આત્માની વચ્ચે કંઈ નથી. ત્રણે એક જ છે; આપણે એક જ વસ્તુને ત્રણ ભિન્ન સ્વરૂપે જોઈએ છીએ. તેઓ બધા સાપેક્ષ જ્ઞાનથી પર છે. આત્માનું આ સનાતન જ્ઞાન માણસના મગજમાં ધીરે ધીરે પ્રસરીને સંવેદન, બુદ્ધિ વગેરે બને છે. મનુષ્ય અને તુચ્છમાં તુચ્છ પ્રાણી વચ્ચે આત્મા તરીકે કોઈ તફાવત નથી; તફાવત માત્ર એટલો કે પ્રાણીનું મગજ ઓછું વિકસિત થયેલું છે અને તેના દ્વારા થતી અભિવ્યક્તિ જેને આપણે સહજજ્ઞાન કહીએ છીએ, તે ઘણી ઝાંખી, પ્રાકૃત હોય છે. મનુષ્યમાં મગજ ઘણું શક્તિશાળી હોય છે તેથી જ્ઞાનની અભિવ્યક્તિ વધુ સ્પષ્ટ થાય છે અને શ્રેષ્ઠ માનવમાં તે ખૂબ જ સ્પષ્ટ થાય છે. સત્ (અસ્તિત્વ) વિશે પણ એમ જ છે. જે સત્ને આપણે જાણીએ છીએ તે એટલે કે સત્નું મર્યાદિત ક્ષેત્ર, એ આત્માની પ્રકૃતિરૂપ સાચા સત્નું પ્રતિબિંબમાત્ર છે. તે જ પ્રમાણે આનંદ વિશે સમજવું. જેને આપણે પ્રેમ કે આકર્ષણ કહીએ છીએ તે આત્માના સનાતન આનંદનું પ્રતિબિંબમાત્ર છે, અભિવ્યક્તિથી મર્યાદા આવે છે, પણ અવ્યક્ત એટલે કે આત્માનું સાચું સ્વરૂપ અમર્યાદ છે. તે આનંદને કોઈ મર્યાદા નથી. પણ પ્રેમમાં મર્યાદા છે. આજે હું તમોને ચાહું, કાલે હું ધિક્કારું; મારો પ્રેમ એક દિવસે વધે છે. બીજે દિવસે ઘટે છે કારણ તે માત્ર એક અભિવ્યક્તિ જ છે.
જે પ્રથમ મુદ્દા પર આપણે કપિલનો વિરોધ કરીશું તે તેના ઈશ્વર વિશેના ખ્યાલનો મુદ્દો છે. જેવી રીતે વ્યષ્ટિબુદ્ધિથી માંડી વ્યષ્ટિશરીર સુધીનાં પ્રકૃતિનાં સર્વ પરિણામોની પરંપરાની પાછળ નિયંતા તરીકે, શાસક તરીકે, એક પુરુષની જરૂર છે તે જ પ્રમાણે સમષ્ટિ જગતમાં સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ અહંકાર, સમષ્ટિ મન, સમષ્ટિરૂપ સ્થૂળ અને સૂક્ષ્મ તત્ત્વોના પણ શાસક અને નિયંતાની જરૂર છે. આ બ્રહ્માંડની ઘટમાળ પાછળ એક રાજા કે શાસક તરીકે પુરુષ ન હોય તો તે પૂર્ણ કેમ બને? જો આ બ્રહ્માંડના ક્રમની પાછળ વિરાટ પુરુષને નકારો તો વ્યષ્ટિના ક્રમમાં તમારા પુરુષનો અસ્વીકાર આવે. જો એ સાચું હોય કે ક્રમ પ્રમાણે ઉત્ક્રાંતિ પામેલી આ બધી વ્યષ્ટિરૂપ અભિવ્યક્તિઓની પાછળ એવો એક પુરુષ હોય કે જે તે બધાંથી પર ભૌતિક પદાર્થનો બનેલો નથી, તો તે જ ન્યાય સમષ્ટિરૂપ અભિવ્યક્તિને પણ લાગુ પડશે. તે સમષ્ટિરૂપ આત્મા કે જે સર્વ પ્રકૃતિમાં સમષ્ટિરૂપ પરિણામોથી પર છે તે જ સર્વનિયંતા ઈશ્વર કહેવાય છે.
હવે વિરોધનો બીજો વધુ અગત્યનો મુદ્દો આવે છે. પુરુષ એકથી વધારે હોઈ શકે ખરા? આપણે જોયું છે કે પુરુષ સર્વવ્યાપક અને અનંત છે. સર્વવ્યાપક અને અનંત બે ન હોઈ શકે. જો અનંત ‘ક’ અને ‘ખ’ એમ બે હોય તો અનંત ‘ક’ અનંત ‘ખ’ ને સીમિત બનાવશે, કારણ અનંત ‘ખ’ તે અનંત ‘ક’ નથી અને અનંત ‘ખ’ તે અનંત ‘ક’ નથી. એકત્વમાં ભિન્નતા એટલે બહિષ્કાર અને બહિષ્કાર એટલે મર્યાદા. આમ ‘ક’ અને ‘ખ’ એકબીજાને મર્યાદિત બનાવતા હોવાથી બંને અનંત ન હોઈ શકે. તેથી અનંત એક જ હોઈ શકે અને તે એક પુરુષ છે.
હવે આપણે આપણા ‘ક્ષ’ અને ‘ય’ લઈશું અને તેઓ એક જ છે એમ બતાવીશું. આપણે બતાવ્યું કે જગત એટલે ‘ક્ષ’ + મન અને આંતરજગત એટલે ‘ય’ + મન. ‘ક્ષ’ અને ‘ય’ બંને અજ્ઞાન અને અજ્ઞેય બાબતો છે. બધી ભિન્નતા દેશ, કાલ અને નિમિત્તને લઈને છે. આ બધાં મનનાં મૂળભૂત તત્ત્વો છે; તેના વિના કોઈ પણ મનોવૃત્તિ હોઈ શકે નહીં. તમે કાળના ખ્યાલ સિવાય કોઈ વિચાર કરી શકો નહીં, દેશના ખ્યાલ સિવાય કોઈ વસ્તુની કલ્પના કરી શકો નહીં અને નિમિત્ત, કારણ સિવાય કોઈ વસ્તુ સિદ્ધ કરી શકો નહીં. આ બધાં મનનાં સ્વરૂપો છે; તેમને લઈ લો તો મનનું અસ્તિત્વ જ રહેશે નહીં. તેથી બધા ભેદભાવ મનને લીધે છે. વેદાંતના મત પ્રમાણે ‘ક્ષ’ અને ‘ય’ ને દેખીતી રીતે જ સીમિત બનાવનાર અને તેમને બાહ્ય અને આંતરજગતરૂપે પ્રતિભાસિત કરનાર મન અને તેનાં સ્વરૂપો છે, પણ ‘ક્ષ’ અને ‘ય’ બંને મનથી પર હોઈ તેમાં ભિન્નતા નથી અને તેથી તે બંને એક જ છે. આપણે તેમાં કોઈ ગુણનું આરોપણ કરી શકીએ નહીં. ગુણો મનથી ઉત્પન્ન થાય છે. જે નિર્ગુણ છે તે એક જ હોવું જોઈએ. ‘ક્ષ’ નિર્ગુણ છે, તે માત્ર મનના ગુણો લે છે. તે જ પ્રમાણે ‘ય’ નું છે. આથી ‘ક્ષ’ અને ‘ય’ એક જ છે. આખું વિશ્વ એક જ છે. આ સૃષ્ટિમાં એક જ આત્મા છે, એક જ સત્તા (અસ્તિત્વ) છે અને તે સત્તા જ્યારે દેશ, કાળ અને નિમિત્તના સ્વરૂપમાંથી પસાર થાય છે ત્યારે તેને જુદાં જુદાં નામો અપાય છે! જેવાં કે બુદ્ધિ, સૂક્ષ્મભૂત, સ્થૂળભૂત, તથા તમામ માનસિક અને ભૌતિક સ્વરૂપો. વિશ્વમાં તે એક જ તત્ત્વ જુદે જુદે રૂપે ભાસે છે. જ્યારે તેનો થોડો ભાગ દેશ, કાળ અને નિમિત્તની જાળમાં સપડાય છે ત્યારે તે આકાર ધારણ કરે છે. તે જાળને લઈ લો. એટલે બધું જ એક બનશે. માટે અદ્વૈત વેદાંતમાં આખું વિશ્વ એક જ આત્મા કે જેને બ્રહ્મ કહેવામાં આવે છે તેમાં એકરૂપ છે. આ આત્મા જ્યારે વિશ્વની પાછળ દેખાય ત્યારે તેને ઈશ્વર કહેવાય છે; તે જ આત્મા જ્યારે આ નાના વિશ્વમાં, શરીરમાં દેખાય ત્યારે તેને આત્મા કહેવાય છે. આ જ આત્મા મનુષ્યમાં જીવાત્મા છે. પુરુષ એક જ છે, વેદાંતનો તે બ્રહ્મ છે. ઈશ્વર અને માનવનું જ્યારે પૃથક્કરણ કરવામાં આવે છે ત્યારે તેઓ એક જ સમજાય છે. તમારા અખંડ સ્વરૂપમાં વિશ્વ તમે પોતે જ છો; તમે સમગ્ર વિશ્વમાં છો. ‘બધા હાથો દ્વારા તમે કામ કરો છો, બધાં મુખો દ્વારા તમે ખાઓ છો, બધી નાસિકાઓ દ્વારા તમે શ્વાસ લો છો, બધાં મન દ્વારા તમે વિચાર કરો છો.’ આખું વિશ્વ તમે છો; વિશ્વ તમારું શરીર છે; તમે વિશ્વનાં વ્યક્ત અને અવ્યક્ત બંને સ્વરૂપો છો. તમે વિશ્વના આત્મા તેમજ દેહ છો. તમે ઈશ્વર છો, તમે દેવતા છો, મનુષ્ય છો, પ્રાણીઓ છો, વનસ્પતિ છો, તમે ધાતુઓ છો, તમે બધુંય છો; બધાંનું પ્રકટ સ્વરૂપ તમે છો. જે કંઈ અસ્તિત્વમાં છે તે તમે છો. તમે અનંત છો. અનંતના વિભાગ કરી શકાય નહીં. તેના કોઈ ભાગ ન હોય, કારણ કે પ્રત્યેક ભાગ અનંત બને અને એક ભાગ આખા સાથે સંપૂર્ણ રીતે સમાન હોય તે અસંભવિત છે. આથી તમે શ્રીયુત અમુક છો તે વિચાર કદીય સાચો હોઈ શકે નહીં; તે દીવાસ્વપ્ન છે. આ જાણો અને મુક્ત બનો. અદ્વૈતનો આ નિર્ણય છે. ‘હું નથી દેહ કે નથી ઇન્દ્રિયો કે નથી હું મન; હું સચ્ચિદાનંદ છું. હું આત્મા છું.’ આ સાચું જ્ઞાન છે. તમામ તર્ક, બુદ્ધિ અને બીજું બધું અજ્ઞાન છે. હું પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી મારા માટે જાણવાનું ક્યાં હોય? હું જ જીવન હોવાથી મારા માટે જીવન ક્યાં હોય? હું જીવું છું તેવી મને ખાતરી છે કારણ કે હું જીવન સ્વરૂપ છું, એકમાત્ર સત્ તત્ત્વ છું; અને કોઈ પણ વસ્તુ મારા થકી, મારામાં અને મારા રૂપ સિવાય હોઈ શકે નહીં. હું તત્ત્વો દ્વારા અભિવ્યક્ત થાઉં છું પણ હું મુક્ત છું. મુક્તિ કોણ શોધે છે? કોઈ નહીં. જો તમે માનો કે તમે બદ્ધ છો તો તમે બંધનમાં રહેશો; તમારું બંધન તમે પોતે જ સર્જો છો. જો તમે જાણો કે તમે મુક્ત છો, તો તે જ ક્ષણે તમે મુક્ત છો. આ જ્ઞાન છે, આ મોક્ષનું જ્ઞાન છે. સમગ્ર પ્રકૃતિનું ધ્યેય તે મોક્ષ છે.
(‘વેદાંત અને વેસ્ટ’ મે – જૂન, ૧૯૫૮માંથી પુનર્મુદ્રિત. સામયિકના તંત્રીઓએ આ વ્યાખ્યાનની જે રીતે નોંધ લેવાઈ હતી તે રીતે જ તેને પ્રકટ કરેલ છે; માત્ર વિચારનું સાતત્ય જળવાય તે સારુ, તેમજ જે ભાગ રહી ગયા છે તેનું અંતર સમજાય તે સારુ, તૂટતા શબ્દો સંપાદકોએ ઉમેર્યા છે, જે કૌંસમાં મૂક્યા છે. – સંપાદક) (2.108)

