(નવેમ્બર ૩, ૧૮૯૬)

पराञ्चि खानि व्यतृणत्स्वयम्भूस्तस्मात्पराङ् पश्यति नान्तरात्मन्।

कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षदावृत्तचक्षुरमृतत्वमिच्छन्॥

(કઠોપનિષદ – ૨.૧.૧)

‘સ્વયંભૂ ઈશ્વરે ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી, તેથી માણસ બાહ્ય જગતને જુએ છે, પણ પોતાની અંદર જોતો નથી. કોઈ એક ધીર પુરુષે અમૃતત્વની ઇચ્છાથી ઇન્દ્રિયોને અંતર્મુખ કરીને પ્રત્યગાત્માને, અંતરાત્માને જોયો.’ હું તમને અગાઉ કહી ચૂક્યો છું તેમ, વેદોમાં જે પ્રથમ શોધ આપણને જોવા મળે છે, તે બાહ્ય વસ્તુઓને લગતી હતી. ત્યાર પછી એક નવો જ વિચાર આવ્યો કે વસ્તુઓનું સત્ય બાહ્ય જગતમાં મળવાનું નથી – બહારની બાજુએ જોવાથી નહિ, પણ જેમ અક્ષરશઃ કહેવામાં આવે છે તેમ, દૃષ્ટિને અંદરની બાજુએ વાળવાથી મળવાનું છે અને આત્માને માટે વાપરેલો શબ્દ ઘણો સૂચક છે. તે અંદર પ્રવેશેલ (प्रत्यक्) છે. આપણા અસ્તિત્વની અંદરમાં અંદર રહેલી સત્તા, હૃદય-કેન્દ્ર, સાર વસ્તુ છે; કે જેમાંથી, જાણે કે, દરેક વસ્તુ બહાર નીકળે છે; મધ્યસ્થ સૂર્ય કે જેનાં શરીર, મન, ઇન્દ્રિયો અને આપણું બધુંય, બહાર નીકળતાં કિરણો માત્ર છે.

पराचः कामाननुयन्ति बालास्ते मृत्योर्यन्ति विततस्य पाशम्।

अथ धीरा अमृतत्वं विदित्वा ध्रुवमध्रुवेष्विह न प्रार्थयन्ते॥

(કઠોપનિષદ – ૨.૧.૨)

‘બાળક બુદ્ધિવાળા, અજ્ઞાની મનુષ્યો, બાહ્ય વિષયોની પાછળ દોડે છે અને સર્વવ્યાપી મૃત્યુના પંજામાં સપડાય છે. પણ વિવેકી પુરુષો, અમૃતત્વને ઓળખી જઈને, આ સાન્ત વસ્તુઓવાળા જીવનમાં અનંતને કદી શોધતા નથી.’ એ જ વિચાર અહીં સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે સાન્ત વસ્તુઓથી ભરેલા આ બાહ્ય જગતમાં, અનંતને જોવો અને મેળવવો અશક્ય છે. અનંતની શોધ જે અનંત હોય, માત્ર તેમાં જ કરવી જોઈએ અને આપણી આજુબાજુ રહેલી એકમાત્ર અનંત વસ્તુ તે જ છે કે જે આપણી અંદર છે, આપણો પોતાનો આત્મા છે. ન તો આપણું શરીર અનંત છે કે નથી મન કે ન આપણા વિચારો પણ; આ આપણી આસપાસ જોઈએ છીએ તે જગત પણ અનંત નથી. દ્રષ્ટા, આ બધાનો માલિક, માનવનો આત્મા, માનવના અંતરાત્માની અંદર જે જાગ્રત છે, – કેવળ તે જ અનંત છે અને આ સમસ્ત વિશ્વના અનંત કારણને શોધવા આપણે ત્યાં જવું જોઈએ. અનંત આત્માની અંદર જ આપણને તે જડી શકે.

यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह।

मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति॥

(કઠોપનિષદ ૨.૧.૧૦)

‘જે અહીં આ લોકમાં છે, તે ત્યાં પરલોકમાં પણ છે; જે ત્યાં છે તે અહીં પણ છે. જે બહુત્વને જુએ છે તે વારંવાર મૃત્યુ પામે છે.’ આપણે જોયું છે કે કેવી રીતે પ્રથમ સ્વર્ગે જવાની ઇચ્છા હતી. જ્યારે આ પ્રાચીન આર્યો પોતાની આસપાસના જગતથી સંતોષ ન પામ્યા, ત્યારે તેમણે સાહજિક રીતે જ ધાર્યું કે મૃત્યુ પછી તેઓ એવા કોઈક સ્થળે જવાના કે જ્યાં કશાય દુઃખ વિનાનું સર્વ સુખ હોય; આ સ્થળોને તેમણે અનેક બનાવ્યાં અને સ્વર્ગો કહ્યાં (તેમને અંગ્રેજીમાં Heavens ‘હેવન્સ’ કહી શકાય), ત્યાં સદાને માટે આનંદ જ હોય, શરીર તેમજ મન પણ સંપૂર્ણ હોય અને ત્યાં તેઓ પોતાના પિતૃઓની સાથે રહે. પરંતુ તત્ત્વજ્ઞાનના વિકાસની સાથે એ લોકોને જણાયું કે આ તો અશક્ય અને મૂર્ખાઈભર્યું છે. અમુક એક સ્થાનની નિશ્ચિતતા સાથે અનંત એ વિચાર પોતે જ પરસ્પર વિરોધરૂપ છે, કારણ કે કોઈ એક વિશિષ્ટ સ્થળની ઉત્પત્તિ અને સ્થિતિ કાળની અંદર જ હોય. તેથી તેમને એ વિચાર છોડી દેવો પડ્યો. તેમને જણાયું કે આ સ્વર્ગોમાં વસનારા દેવો એક કાળે પૃથ્વી પરના મનુષ્યો હતા, જેઓ પોતાનાં સત્કર્મોથી દેવો થયા હતા; અને જેને તેઓ દેવો કહે છે તે જુદી જુદી પદવીઓ છે, જુદા જુદા હોદ્દાઓ છે; વેદમાં કહેલા દેવતાઓમાંનો એકેય શાશ્વત વ્યક્તિ નથી.

ઉદાહરણાર્થ ઇન્દ્ર અને વરુણ અમુક વ્યક્તિઓનાં નામ નથી, પરંતુ રાજ્યપાલ કે એવા હોદ્દાઓનાં નામ છે. પૂર્વે જે ઇન્દ્ર થઈ ગયો તે જ વ્યક્તિ અત્યારનો ઇન્દ્ર નથી; એ તો ચાલ્યો ગયો છે અને પૃથ્વી પરથી આવેલા બીજા મનુષ્યે તેનું સ્થાન લીધું છે. તે જ પ્રમાણે બીજા બધા દેવો વિષે છે. આ બધા અમુક હોદ્દાઓ છે અને જે મનુષ્યો દેવત્વની સ્થિતિએ પહોંચ્યા છે તેમનાથી તે ક્રમેક્રમે ભરાતા આવે છે અને તે (નવા) દેવો પણ મરે છે. પ્રાચીન ઋગ્વેદમાં ‘અમૃતત્વ’ શબ્દ આ દેવતાઓને વિષે વપરાયેલો આપણને મળી આવે છે ખરો, પરંતુ પાછળથી એને સર્વથા પડતો જ મૂકવામાં આવ્યો છે, કારણ કે તેમને જણાયું કે જે અમૃતત્વ દેશ અને કાળથી પર છે, તે કોઈપણ ભૌતિક આકાર વિશે કહી ન શકાય, પછી તે ગમે તેટલો સૂક્ષ્મ હોય. તે ગમે તેટલો સૂક્ષ્મ હોય, પરંતુ તેનો આદિ દેશ અને કાળની અંદર જ હોવો જોઈએ, કારણ કે આકારની રચના માટેનાં આવશ્યક તત્ત્વો દેશની અંદર જ હોય છે; દેશ વિના આકારનો વિચાર કરવાનો પ્રયાસ કરી જુઓ; એ અસંભવિત છે. દેશ જાણે કે, આકારને બનાવનાર ઉપાદાનો માંહેનું એક ઉપાદાન છે અને એ નિરંતર પરિવર્તન પામતું જ રહે છે. દેશ અને કાળ માયાની અંદર છે અને આ જ વિચાર જેમાં વ્યક્ત કરાયો છે તે પંક્તિ આ છેઃ तदमुत्र ‘જે અહીં છે, તે ત્યાં પણ છે.’ જો આ દેવો અસ્તિત્વમાં હોય, તો જે નિયમો અહીં લાગુ પડે છે તે જ નિયમોથી તેઓ પણ બંધાયેલા હોવા જોઈએ અને બધા નિયમોમાં વારંવાર વિનાશ અને પુનર્જીવન તો રહેલાં જ હોય છે. આ નિયમો જડદ્રવ્યને જુદા જુદા આકારોમાં ઘડે છે અને પાછા તેમનો વિનાશ કરી નાખે છે. જે જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તે દરેક નાશ પામશે જ; અને તેથી જો સ્વર્ગો હોય તો તેમને પણ તે જ નિયમો લાગુ પડવા જોઈએ.

આ સંસારમાં આપણે જોઈએ છીએ કે સર્વ સુખની પાછળ છાયાની પેઠે દુઃખ આવે જ છે; જીવનની પાછળ છાયા સમું મૃત્યુ છે જ. એ બન્ને એક સાથે જ થવાં જોઈએ, કારણ કે તેઓ પરસ્પર વિરોધી નથી, બે અલગ વસ્તુઓ નથી, પરંતુ જીવન અને મૃત્યુ, દુઃખ અને સુખ, સારું અને નરસું, એ એક જ એકત્વની બે જુદી અભિવ્યક્તિઓ છે. સારું અને ખરાબ એ બે અલગ તત્ત્વો છે અને એ બન્ને અનંત કાળથી ચાલ્યા કરે છે એ દ્વૈતનો વિચાર દેખીતો જ ખોટો છે. તે બંને એક જ વસ્તુની જુદી જુદી અભિવ્યક્તિઓ છે; એક સમયે તે ખરાબ તરીકે દેખાય છે, બીજે સમયે તે સારી તરીકે દેખાય છે. તફાવત તેમની જાતિમાં નથી, પણ તેમની માત્રામાં રહેલો છે. તેઓ તીવ્રતાની માત્રામાં એકબીજાથી જુદાં પડે છે. એક હકીકત તરીકે આપણે જોઈએ છીએ કે જ્ઞાનતંતુઓની એની એ જ રચના અનુકૂળ તેમજ પ્રતિકૂળ સંવેદનોને એકસરખી રીતે જ લઈ જાય છે; અને જ્યારે જ્ઞાનતંતુઓને ઈજા પહોંચેલી હોય છે, ત્યારે તેમાં થઈને અનુકૂળ કે પ્રતિકૂળ બેમાંથી એકેય પ્રકારનાં સંવેદનો આવતાં નથી. જો એક જ્ઞાનતંતુ બહેરું થઈ ગયું હોય તો તેની દ્વારા જે સુખદ સંવેદનો આવતાં તે જેમ ન આવે, તેમ તે જ વખતે દુઃખદ સંવેદનો પણ ન આવે. સંવેદનો બે નથી, પણ એક જ છે. વળી એક જ બાબત જિંદગીમાં જુદે જુદે સમયે સુખ કે દુઃખ આપે છે. એક જ ઘટના એક માણસમાં સુખ ઉત્પન્ન કરશે અને બીજામાં દુઃખ ઉત્પન્ન કરશે. માંસ ખાનાર માણસને માટે માંસભક્ષણ સુખ આપનારું છે, પરંતુ જે પ્રાણીને ખાઈ જવામાં આવે છે તેને માટે તે દુઃખ આપનારું છે. એવી કોઈપણ ચીજ કદીયે થઈ નથી કે જે સૌને એકસરખો આનંદ જ આપતી હોય; કેટલાક રાજી થાય અને કેટલાક નારાજ પણ થાય. એ પ્રમાણે ચાલ્યા જ કરશે. એથી, અસ્તિત્વના આ દ્વૈતનો અસ્વીકાર કરવામાં આવે છે. એનું પરિણામ શું? મારા ગયા વ્યાખ્યાનમાં મેં કહેલું કે આ પૃથ્વી ઉપર આખરે સર્વ કંઈ સારું ને સારું જ અને ખરાબ કંઈ જ નહિ, એવું કદી હોઈ શકે જ નહિ. તમારામાંથી કેટલાંકને તેથી નાસીપાસી થઈ હોય અને ગભરામણ થઈ હોય; પણ ત્યાં હું નિરુપાય છું. એથી ઊલટું મને બતાવી શકો તો હું માનવા માટે તૈયાર છું; પરંતુ જ્યાં સુધી મને તે સાબિત કરી ન બતાવાય અને એ સાચું છે એવી મારી ખાતરી ન થાય, ત્યાં સુધી એ છે એમ હું કહી ન શકું.

મારા ઉક્ત વિધાનની વિરુદ્ધ, સર્વસાધારણ અને ઉપલક દૃષ્ટિએ તરત ગળે ઊતરી જાય તેવી એક દલીલ આ છે કે ઉત્ક્રાંતિકાળ દરમિયાન આપણી આજુબાજુ જે બધું આપણે જોઈએ છીએ તેમાં જે કાંઈ ખરાબ છે તે ક્રમેક્રમે દૂર થતું જાય છે અને આ ખરાબને દૂર કરવાની પ્રક્રિયા જો કરોડો વર્ષો સુધી ચાલુ રહે, તો પરિણામે એક એવો સમય આવશે કે જ્યારે બધું ખરાબ સાવ દૂર થઈ ગયું હશે અને એકલું સારું જ બાકી રહ્યું હશે. ઉપલક દૃષ્ટિએ આ બહુ જ સબળ દલીલ દેખાય છે. ભગવાન કરે ને એ સાચું પડે! પણ એ દલીલમાં એક દોષ છે; એમાં એમ માની લેવાયું છે કે સારું અને નરસું એ બન્ને એવી વસ્તુઓ છે કે જે સદાને માટે નિશ્ચિત થઈ ચૂકેલી છે. તે એવું માનીને ચાલે છે કે અનિષ્ટનું તેમજ ઇષ્ટનું એક નિશ્ચિત પરિમાણ છે, (જેને આપણે સો કહીએ); અને આ અનિષ્ટનું પરિમાણ રોજ રોજ ઘટતું જાય છે અને પાછળ માત્ર ઇષ્ટ જ રહે છે, પરંતુ એમ છે ખરું? જગતનો ઇતિહાસ દર્શાવે છે કે અનિષ્ટ તેમજ ઇષ્ટ, એ બન્નેનું પરિમાણ સતત વધ્યા જ કરે છે. હલકામાં હલકી કોટિનો માનવી લો. તે જંગલમાં રહે છે. સુખ ભોગવવાની તેની માત્રા ઘણી થોડી હોય છે, પણ તે જ રીતે તેની દુઃખ ભોગવવાની માત્રા ઘણી થોડી હોય છે. તેનો દુઃખનો અનુભવ સર્વથા ઇન્દ્રિયની ભૂમિકા પર હોય છે. જો તેને ખૂબ ખાવાનું ન મળે તો તે દુઃખી થાય છે; પરંતુ તેને પુષ્કળ ખાવાનું અને ભટકવાની તથા શિકાર કરવાની છૂટ મળે, તો એ સંપૂર્ણ સુખી થાય, તેનું સુખ માત્ર ઇન્દ્રિયોમાં જ છે; તે જ પ્રમાણે તેનું દુઃખ પણ ઇન્દ્રિયોમાં જ છે. હવે જો તે મનુષ્યનાં જ્ઞાનની વૃદ્ધિ થાય તો તેનું સુખ પણ વધે, બુદ્ધિ પણ ખીલે અને તેના ઇન્દ્રિયસુખનો વિકાસ થઈને બૌદ્ધિક આનંદમાં પરિણમે. એકાદું સુંદર કાવ્ય વાંચવામાં તેને આનંદ આવે અથવા એકાદા ગણિતના કૂટપ્રશ્નમાં તે તલ્લીન બની જાય. પરંતુ એ સાથે જ તેના સૂક્ષ્મ જ્ઞાનતંતુઓ મનનાં દુઃખોની વેદના પ્રત્યે વધુને વધુ આળાં બને કે જેનો એક જંગલીને ખ્યાલ સરખોય નથી આવતો. એક સાવ સાદું દૃષ્ટાંત લઈએ. તિબેટમાં લગ્નપ્રથા જેવું કંઈ નથી, તેમ ત્યાં ઈર્ષ્યા જેવું ય કંઈ નથી; છતાંય આપણે જાણીએ છીએ કે લગ્નપ્રથા ઘણી વધારે ઉચ્ચ કક્ષા છે. સતિ અને સદ્ગુણી પત્નીના કે એક ચારિત્ર્યવાન અને સદ્ગુણી પતિ હોવાના સુખનો અદ્ભુત આનંદ, પવિત્રતાની મહત્તા, એની તિબેટવાસીઓને ખબર જ નથી. એ લોકોને તેનો અનુભવ જ થાય નહિ. તે જ રીતે સતી પત્ની કે ચારિત્ર્યવાન પતિની તીવ્ર ઈર્ષ્યાનો અથવા બેમાંથી એક પક્ષે આચરેલ બેવફાઈની વેદનાનો તથા તેની સાથેની બધી હૈયાહોળી અને દિલનાં દર્દનો પણ તેમને અનુભવ ન થાય. એક બાજુએ આ સંસ્કારી લોકોને સુખ મળે છે, તો બીજી બાજુએ તેમને દુઃખ પણ ભોગવવું પડે છે.

તમારા દેશનો દાખલો લઈએ. આ દેશ દુનિયામાં સહુથી વધુ શ્રીમંત અને બીજા કોઈપણ દેશ કરતાં વધુ વિલાસી છે. પરંતુ જુઓ; તૃષ્ણાઓ એટલી બધી તીવ્ર હોવાને જ કારણે તમારે ત્યાં દુઃખ કેટલું તીવ્ર છે? અને બીજી પ્રજાઓની સરખામણીમાં ગાંડાઓ પણ કેટલા બધા વધારે છે? તમારે ત્યાં માણસે પોતાનું જીવનધોરણ ઊંચું ટકાવી જ રાખવું જોઈએ; જેટલી રકમ અહીં એક વ્યક્તિ એક વરસમાં ખરચી નાખે છે, તેટલી રકમ ભારતમાં તો એક માણસને મન મોટી સંપત્તિ થઈ પડે. એવા માણસને તમે સાદા જીવનનો ઉપદેશ આપો એનો અર્થ કંઈ જ નથી, કારણ કે તમારો સમાજ તેની પાસેથી વધારેની અપેક્ષા રાખે છે. સમાજનું ચક્ર ગબડ્યે જ જાય છે; એ વિધવાનાં આંસુઓને માટે કે અનાથના વિલાપોને માટે અટકતું નથી. સર્વત્ર આ જ વસ્તુસ્થિતિ છે. તમારી ભોગ ભોગવવાની વૃત્તિ વિકસેલી છે; તમારો સમાજ બીજા કેટલાક કરતાં ઘણો જ વધારે સુંદર છે; તમારી પાસે ઉપભોગની ઘણી વધારે વસ્તુઓ છે. જેમની પાસે એ બધું ઓછું હોય છે તેમને ઉપાધિ ઓછી હોય છે.

તમે આ રીતે સર્વત્ર દલીલ કરી શકો કે તમારો આદર્શ જેમ વધુ ઊંચો તેમ તમારો આનંદ વધુ મોટો, દુઃખ પણ વધુ ઊંડું. પરસ્પર એકબીજાની છાયા જેવું છે. અનિષ્ટોને દૂર કરી નાખવામાં આવે છે એ જો સાચું હોય, તો ઇષ્ટ પણ દૂર થતું જતું હોવું જોઈએ. પણ હું શું એમ કહી ન શકું કે અનિષ્ટો ઝપાટાબંધ વધ્યે જાય છે અને ઇષ્ટ ઘટ્યે જાય છે? ઇષ્ટ જો ગણિતશ્રેણીના પ્રમાણમાં વધે છે, તો અનિષ્ટ ભૂમિતિશ્રેણીના પ્રમાણમાં વધે છે. આનું નામ માયા. આ નથી આશાવાદ કે નથી નિરાશાવાદ. વેદાંત એ દૃષ્ટિબિંદુ નથી લેતું કે આ સંસાર કેવળ દુઃખમય જ છે. એ તો અસત્ય થઈ જાય. સાથે સાથે આ સંસાર સુખમય અને આનંદમય જ છે એમ કહેવું એ પણ ભૂલ છે. તેથી છોકરાંને કહેવું કે આ દુનિયામાં બધે ઘીકેળાં છે એ સાવ નકામું છે. આપણે સહુએ એ જ સ્વપ્નાં સેવ્યાં છે. સાથે સાથે એક માણસને બીજા કરતાં વધુ ભોગવવું પડ્યું છે, તેથી બધું ખરાબ જ છે એમ ધારવું પણ ભૂલભરેલું છે. આ દ્વૈત, આ સારા નરસાનો ખેલ, આપણી અનુભવોની દુનિયા રચે છે.

સાથે સાથે જ વેદાંત કહે છે કે ‘એમ ન ધારશો કે સારું અને નરસું એ બે વસ્તુઓ છે, બે જુદાં જુદાં તત્ત્વો છે; એ બન્ને એક જ વસ્તુ છે, માત્ર જુદી જુદી માત્રામાં, જુદા જુદા સ્વાંગમાં દેખાય છે અને એક જ મનમાં અનુભવના ભેદ ઉત્પન્ન કરે છે. તેથી વેદાંતનો પ્રથમ વિચાર છે બાહ્ય જગતમાં એકતા શોધવાનો, પોતાને અભિવ્યક્ત કર્યે જતા એક જ અસ્તિત્વને શોધવાનો; પછી અભિવ્યક્તિમાં તે ભલે ને ગમે તેટલું વિવિધ દેખાય.

ઇરાનીઓની પેલી જૂની અણઘડ માન્યતા કેવી છે તે જુઓ. એ માન્યતા મુજબ બે દેવો આ જગતને ઉત્પન્ન કરે છે; સારા દેવતા બધું સારું જ પેદા કરે છે અને દુષ્ટ દેવતા બધું ખરાબ જ પેદા કરે છે. સાંભળતાં જ તમે એમાં રહેલી અશક્યતા જોઈ શકશો, કારણ કે જો એ પ્રમાણે અમલ થતો હોય, તો કુદરતનો દરેક નિયમ બે ભાગવાળો હોવો જોઈએ; એકની વ્યવસ્થા એક દેવ કરે અને પછી એ ચાલ્યો જાય, એટલે બીજા ભાગની વ્યવસ્થા બીજો દેવ આવીને કરે. આમાં મુશ્કેલી એ આવે છે કે એ બેઉ દેવો એક જ દુનિયામાં કામ કરી રહ્યા છે અને એક ભાગને નુકસાન પહોંચાડીને અને બીજાનું ભલું કરીને બન્ને સુખસંપથી રહે છે. અસ્તિત્વના દ્વૈતને સમજાવવાની આ પ્રાકૃત, અલબત્ત અતિ પ્રાકૃત રીત છે. હવે એથી આગળ વધેલ વધુ સૂક્ષ્મ સિદ્ધાંતનો વિચાર કરો. એ કહે છે કે આ દુનિયા અમુક અંશમાં સારી છે અને અમુક અંશમાં ખરાબ છે. આમ બનવું પણ અસંભવ જ છે, કારણ કે તે પણ એવા જ દૃષ્ટિબિંદુથી દલીલ કરે છે. એકત્વનો સિદ્ધાંત જ આપણને અન્ન આપીને પોષે છે; અને ઘણાને અકસ્માત કે ખોટાં સાહસો દ્વારા મારી નાખે છે, તે પણ તે જ છે.

ત્યારે, આપણે જોઈએ છીએ કે આ સંસાર નથી આશાજનક કે નથી નિરાશાજનક; એ બન્નેનું તે મિશ્રણ છે અને આપણે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ આપણને જણાશે કે સમગ્ર દોષ પ્રકૃતિને માથેથી ઉઠાવી લઈને આપણા પોતાના માથા પર મૂકવામાં આવે છે; તે સાથે જ વેદાંત તેમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવે છે. અનિષ્ટ નથી એમ તે કહેતું નથી, કારણ કે હકીકત જેમ છે તેમ જ તેનું હિંમતપૂર્વક તે પૃથક્કરણ કરે છે અને કંઈપણ છુપાવવા માગતું નથી. એ નથી નિરાશાવાદી, તેમ નથી એ અજ્ઞેયવાદી, એ ઉપાય શોધી કાઢે છે અને તે ઉપાયને વજ્ર જેવા પાકા પાયા પર મૂકવા માગે છે; અને તે પણ બાળકનું મોઢું બંધ કરીને અને જે વસ્તુની તેને થોડાક દિવસોમાં જ ખબર પડી જાય એવી કંઈક અસત્ય વસ્તુથી તેની આંખોને ઢાંકીને નહિ. હું નાનો હતો ત્યારનો એક બનાવ મને યાદ છે. એક જુવાન માણસનો પિતા એકાએક મરી ગયો; પાછળ કંઈ સંપત્તિ નહિ; મોટા કુટુંબનું ભરણપોષણ કરવાનું તેને માથે આવી પડ્યું હતું. પિતાના મિત્રો પણ તેને મદદ કરવાને તૈયાર નહોતા. એ વખતે એક પાદરી સાથે તેને વાતચીત થઈ. પેલા પાદરીએ દિલાસો આપતાં કહ્યુંઃ ‘ભાઈ, જે થાય તે બધું સારા સારું જ થાય છે.’ સડેલા ગંધાતા ગૂમડા પર સોનાનો વરખ ઢાંકવાની એ જૂની રીત છે; એ પોતાની નિર્બળતાની, પોતાની મૂર્ખતાની કબૂલાત જ છે. પેલો જુવાન માણસ તો ત્યારે ચાલ્યો ગયો. છ મહિના પછી પેલા પાદરીને ત્યાં પુત્ર અવતર્યો ત્યારે પોતાના મિત્રોને જે મિજબાની આપી તેમાં પેલા યુવકને પણ આમંત્રણ આપ્યું. પાદરીએ પ્રાર્થના કરવા માંડીઃ ‘પ્રભુની દયા માટે તેનો ઉપકાર માનો.’ તરત પેલો યુવક ઊભો થઈને બોલી ઊઠ્યોઃ ‘પાદરીસાહેબ! એ વાત બંધ કરો. આ બધું દુઃખ જ છે.’ પાદરીએ પૂછ્યુંઃ ‘કેમ ભલા?’ પેલો કહેઃ ‘જ્યારે મારા પિતા ગુજરી ગયા ત્યારે તમે કહેલું કે ‘એ સારું થયું. જો કે ઉપરથી તો અનિષ્ટ જેવું દેખાય છે.’ એટલે હવે તમારે ત્યાં આ પુત્ર આવ્યો એ ઉપર ઉપરથી ભલે સારું દેખાતું હોય પણ ખરી રીતે તે અનિષ્ટ છે.’ દુનિયાનાં દુઃખો દૂર કરવાનો રસ્તો શું આ છે? તમે ભલા થાઓ અને દુઃખીઓ ઉપર દયા રાખો; એને થીગડું મારી ઢાંકો નહિ. આ દુનિયાને કંઈ જ સુધારી શકાય એમ નથી; માટે તેનાથી પર થાઓ.

સારાનરસાની જ આ દુનિયા છે. જ્યાં જ્યાં સારું છે ત્યાં ત્યાં નરસું પાછળ આવવાનું જ. પરંતુ આ બધી અભિવ્યક્તિઓની, આ બધા વિરોધોની પાછળ અને તેમનાથી પર રહેલી એકતા વેદાંત શોધી કાઢે છે. તે કહે છે કે ‘જે નરસું છે તેનો ત્યાગ કરો અને જે સારું છે તેનોય ત્યાગ કરો.’ ત્યારે પછી બાકી શું રહે? સારા અને નરસાની પાછળ જે તમારું પોતાનું છે, જે ખરેખરા તમે છો, જે દરેક અનિષ્ટથી પર અને દરેક ઇષ્ટથી પણ પર છે, તે ખડું છે; અને સારા તથા નરસારૂપે તે જ પોતાને અભિવ્યક્ત કરી રહેલ છે. પ્રથમ એ જાણો; અને ત્યારે જ તમે સાચા આશાવાદી બનશો, તે પહેલાં નહિ, કારણ કે ત્યારે તમે સર્વ વસ્તુ ઉપર કાબૂ રાખી શકશો. આ અભિવ્યક્તિઓ પર કાબૂ મેળવો એટલે તમે ‘તમારા’ સત્ય સ્વરૂપને પ્રગટ કરવાને સ્વતંત્ર થશો. પ્રથમ તમારા પોતાના માલિક બનો, ટટાર બનો, મુક્ત થાઓ. આ નિયમોની વાડને પેલે પાર જાઓ, કારણ કે આ નિયમોનો તમારા ઉપર બિલકુલ અધિકાર નથી; એ તો તમારી સત્તાનો (અસ્તિત્વનો) એક અંશમાત્ર છે. પ્રથમ એ જાણી લો કે તમે પ્રકૃતિના ગુલામ નથી, કદી હતા પણ નહિ અને થશો પણ નહિ. આ પ્રકૃતિને તમે ભલે અનંત ધારતા હો, પરંતુ તે માત્ર સાન્ત છે, સિંધુમાં બિંદુ છે અને તમારો આત્મા તે સિંધુ છે. તમે પોતે સૂર્ય, ચંદ્ર, તારાઓ વગેરેથી બધાથી પર છો, તમારી અનંત સત્તાની તુલનામાં તે બધાં માત્ર નાના પરપોટા જેવાં છે એ તમે પિછાનો એટલે, તમે સારા અને નરસા બન્ને પર કાબૂ ધરાવી શકશો. માત્ર ત્યારે જ સમગ્ર દૃશ્ય બદલાઈ જશે અને તમે પોકારી ઊઠશોઃ ‘ઓહ! ઇષ્ટ કેવું સુંદર છે અને અનિષ્ટ પણ કેવું સુંદર છે!’

વેદાંત જે શીખવે છે તે એ છે. ઘાવ ઉપર સોનાનો વરખ ઢાંકીને, અગર ઘાવ જેમ વધુ વકરે તેમ વધુ વરખ ઢાંકવાનો કોઈ થાગડથીંગડ ઉપાય વેદાંત નથી સૂચવતું. આ જીવન એક નક્કર હકીકત છે; ભલે તે વજ્રકઠોર હોય પણ હિંમતપૂર્વક તમે તેમાંથી તમારો રસ્તો કાઢો. ફિકર ન કરો; આત્મા વધુ બળવાન છે. વેદાંત ક્ષુદ્ર દેવતાઓ ઉપર કશી જવાબદારી નથી નાખતું. તમારા ભાગ્યવિધાતા તમે જ છો. તમારી જાતને દુઃખી કરનાર તમે જ છો, શુભઅશુભના કરનાર તમે જ છો, તમે જ તમારી આંખો આડા હાથ દઈને બૂમો મારે છો કે અંધારું છે, અંધારું છે. આંખ આડેથી હાથ ખસેડી લો અને પ્રકાશને જુઓ; તમે પોતે જ્યોતિર્મય છો, પ્રથમથી જ તમે સંપૂર્ણ છો. આપણને એ શ્રુતિ-વચન હવે સમજાય છે કે

मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति॥

(કઠોપનિષદ – ૨.૧.૧૦)

‘જે અહીં અનેકતાને જુએ છે તે મૃત્યુમાંથી મૃત્યુમાં જાય છે (વારંવાર જન્મમરણ અનુભવે છે).’ એ એકને જુઓ અને મુક્ત બનો.

પણ એ એકને જોવો કેવી રીતે? આ મન કે જે એટલું બધું ભ્રમિત છે, નબળું છે અને જે ઘણી આસનીથી દોરવાઈ જાય છે, તે મન પણ દૃઢ થઈ શકે અને આપણને વારંવારના મૃત્યુમાંથી બચાવીને તે જ્ઞાનની – તે એકત્વની – ઝાંખી કરાવી શકે. જેવી રીતે કોઈ એક પહાડ ઉપર પડતું વર્ષાનું જળ પહાડની બાજુઓ પરથી વહી જતાં વિવિધ ઝરણાંરૂપે દેખાય, તેમ જે બધી શક્તિઓ તમને અહીં દેખાય છે તે બધી પેલા એકત્વમાંથી આવી છે. માયા ઉપર પડવાથી એ એક અનેક જેવું થઈ ગયું છે અનેકની પાછળ દોડો નહિ; તે એક તરફ જાઓ. ‘જે કંઈ હલનચલન કરે છે તે બધામાં તે જ છે; જે કંઈ પવિત્ર છે તેમાં તે જ છે; તે જ વિશ્વને વ્યાપે છે; યજ્ઞમાં તે જ છે; ઘેર આવતો અતિથિ તે જ છે; માનવોમાં, પ્રાણીઓ, સત્યમાં તે જ છે; મહાનમાં મહાન પણ તે જ છે.’

अग्निर्यथैको भुवनं प्रविष्टो रूपं रूपं प्रतिरूपो बभूव।

एकस्तथा सर्वभूतान्तरात्मा रूपं रूपं प्रतिरूपो बहिश्च॥

‘જેવી રીતે આ વિશ્વમાં પ્રવેશીને રહેલો અગ્નિ વિવિધરૂપે પ્રગટ થાય છે, તેવી રીતે સર્વ ભૂતોમાં રહેલો એક જ આત્મા આ બધાં વિવિધ રૂપોમાં પોતાને અભિવ્યક્ત કરે છે.’

वायुर्यथैको भुवनं प्रविष्टो रूपं रूपं प्रतिरूपो बभूव।

एकस्तथा सर्वभूतान्तरात्मा रूपं रूपं प्रतिरूपो बहिश्च॥

‘જેવી રીતે વાયુ આ વિશ્વમાં પ્રવેશીને વિવિધરૂપે પ્રગટ થાય છે, તેવી રીતે સર્વ ભૂતોમાં રહેલો એક જ આત્મા આ બધાં વિવિધ રૂપોમાં પોતાને અભિવ્યક્ત કરે છે.’ જ્યારે તમે આ એકતાને સમજો ત્યારે જ તમારે માટે એ સાચું બને, તે પહેલાં નહિ. ત્યારે પછી બધુંય આશાજનક બની જાય છે, કારણ કે સર્વત્ર એ એક જ દેખાય છે. હવે પ્રશ્ન એ ઊઠે છે કે જો આ બધું સાચું હોય કે એ શુદ્ધ આત્મા, એ અનંત આત્મા આ વિશ્વમાં પ્રવેશ્યો છે, તો પછી એમ કેમ છે કે આત્મા દુઃખી થાય છે, એ પીડાય છે, એ અશુદ્ધ બને છે? ઉપનિષદ કહે છે કે એ એમ થતો જ નથી.

सूर्यो यथा सर्वलोकस्य चक्षुर्न लिप्यते चाक्षुषैर्बाह्यदोषैः।

एकस्तथा सर्वभूतान्तरात्मा न लिप्यते लोकदुःखेन बाह्यः॥

‘જેવી રીતે સૂર્ય સર્વ પ્રાણીઓની દૃષ્ટિનું કારણ છે છતાં કોઈની આંખની ખામીથી તે ખામીવાળો થતો નથી, તેમ જ આત્મા શરીરનાં કે તમારી આસપાસનાં કોઈપણ દુઃખોથી લેપાતો નથી.’ મને કમળાનો રોગ થયો હોય અને બધું પીળું દેખાય, પણ તેથી સૂર્યને કશી અસર પહોંચતી નથી.

एको वशी सर्वभूतान्तरात्मा एकं रूपं बहुधा यः करोति।

तमात्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां सुखं शाश्वतं नेतरेषाम्॥

नित्यो नित्यानां चेतनश्चेतनानामेको बहूनां यो विदधाति कामान्।

तमात्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां शान्तिः शाश्वती नेतरेषाम्॥

‘જે એક, સર્વનો સ્રષ્ટા, સર્વનો નિયંતા, સર્વ પ્રાણીઓનો અંતરાત્મા છે, જે પોતાની એકતાને વિવિધતા રૂપે બનાવે છે, તે એક જ છે. આમ જે ઋષિઓ તે આત્માનો પોતાના આત્માના પણ આત્મા તરીકે સાક્ષાત્કાર કરે છે, તેમને જ શાશ્વત શાંતિ મળે છે, બીજા કોઈને નહિ. જે આ અનિત્ય જગતમાં તે નિત્ય આત્માને જુએ છે, જે આ મૃત્યુમય જગતમાં તે ચૈતન્ય સ્વરૂપ આત્માને જુએ છે, જે આ વિવિધતામાં તે એકતાને જુએ છે અને જે બધા ડાહ્યા લોકો તેનો પોતાના આત્માના પણ આત્મા તરીકે સાક્ષાત્કાર કરે છે, તેમને જ શાશ્વત શાંતિ મળે છે, બીજા કોઈને નહિ.’ બાહ્ય જગતમાં તેને ક્યાં શોધવો? સૂર્યોમાં, ચંદ્રોમાં કે નક્ષત્રોમાં તેને ક્યાં શોધવો?

न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः।

तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति॥

‘ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, તેમ નથી ચંદ્ર પ્રકાશતો; તારા કે વિદ્યુતનો ચમકાર ત્યાં પ્રકાશી શકતો નથી, તો પછી આ અગ્નિની તો વાત જ શી? તે આત્મા પ્રકાશે છે, એટલે બીજું બધું પ્રકાશે છે. તેમનામાં જે પ્રકાશ છે તે આત્મામાંથી આવેલો છે અને તેમના દ્વારા આત્મા જ પ્રકાશી રહ્યો છે.’ આ રહી બીજી એક સુંદર ઉપમા. તમારામાંથી જેઓ ભારત ગયા હશે અને જેમણે જોયું હશે કે વડનું ઝાડ એક જ મૂળમાંથી નીકળીને આજુબાજુ ખૂબ દૂર સુધી ફેલાય છે, તેઓ આ સમજી શકશે. આત્મા એ વટવૃક્ષ છે; તે સર્વનું મૂળ છે અને એટલો બધો ફેલાય છે કે તે આખું વિશ્વ બની ગયેલ છે; તે ગમે તેટલો દૂર વિસ્તાર પામે, પરંતુ એકેએક થડ અને એકેએક ડાળી તેની સાથે જોડાયેલી જ છે.

વેદોના ‘બ્રાહ્મણ’ વિભાગમાં વિવિધ પ્રકારનાં સ્વર્ગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે; પરંતુ ઉપનિષદોના તત્ત્વજ્ઞાનના ઉપદેશમાં સ્વર્ગગમનનો વિચાર છોડી દેવામાં આવ્યો છે. સુખ આ કે પેલા સ્વર્ગમાં નથી; સુખ છે આત્મામાં. સ્થાનોનું કશું જ મહત્ત્વ નથી. આ રહ્યો બીજો એક મંત્ર; જે સાક્ષાત્કારની વિવિધ ભૂમિકાઓ દર્શાવે છે. (यथादर्शे तथात्मनि यथा स्वप्ने तथा पितृलोके। यथाप्सु परीव ददृशे तथा गन्धर्वलोकेच्छायातपयोरिव ब्रह्मलोके॥ કઠોપનિષદ ૨.૩.૫) ‘જેવી રીતે મનુષ્ય સ્વપ્નમાં વસ્તુઓને દેખે છે, તેવી રીતે પિતૃલોકમાં સત્યનો સાક્ષાત્કાર થાય છે. જેવી રીતે સ્વપ્નમાં પદાર્થો ઝાંખા અને અસ્પષ્ટ દેખાય છે, પિતૃલોકમાં તેવી રીતે અસ્પષ્ટ અને ઝાંખું આત્મદર્શન થાય છે. ગાંધર્વલોક નામનું બીજું એક સ્વર્ગ છે. ત્યાં સત્યનું દર્શન પિતૃલોકથીયે વધુ અસ્પષ્ટ છે; જેવી રીતે મનુષ્યો જળમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે, તેવી રીતે ત્યાં સત્યનું દર્શન થાય છે. હિંદુઓની કલ્પનાનું ઊંચામાં ઊંચું સ્વર્ગ બ્રહ્મલોક કહેવાય છે. ત્યાં સત્યનું દર્શન ઘણું જ વધારે સ્પષ્ટ થાય છે, જાણે કે તડકા-છાંયા જેવું; પરંતુ સાવ સ્પષ્ટ તો નહિ જ. પરંતુ જેવી રીતે માણસ પોતાનો ચહેરો આરસીમાં સંપૂર્ણ, સ્પષ્ટ અને સાફ જુએ છે, તેવી રીતે સત્ય માનવના આત્મામાં પ્રકાશે છે.’ તેથી, સર્વોચ્ચ સ્વર્ગ આપણા પોતાના આત્મામાં જ રહેલું છે. મહાનમાં મહાન ઉપાસના-મંદિર માનવ આત્મા છે, એ સર્વ સ્વર્ગો કરતાં મહાન છે, એમ વેદાંત કહે છે, કારણ કે સત્યને જેટલું સ્પષ્ટપણે અને સ્વચ્છ રીતે આપણે આ જીવનમાં, આપણા પોતાના આત્મામાં સમજી શકીએ તેટલું બીજા કોઈપણ લોકમાં, ક્યાંય પણ સમજી ન શકીએ. સ્થાનફેર કરવાથી કંઈ વિશેષ મદદ નથી મળતી. હું ભારતમાં હતો ત્યારે મને લાગતું કે ગુફામાં આત્મદર્શન વધુ સ્પષ્ટ થશે. પરંતુ અનુભવે જણાયું કે તેમ નથી. ત્યાર પછી મને થયું કે જંગલમાં કદાચ થાય; ત્યાર પછી વારાણસીનો ખ્યાલ આવેલો. પરંતુ એની એ જ મુશ્કેલી સર્વત્ર રહેલી હતી, કારણ કે આપણી પોતાની સૃષ્ટિ આપણે જ રચીએ છીએ. જો હું ખરાબ હોઉં તો આખું જગત મારે માટે ખરાબ છે. એ જ બાબત ઉપનિષદ કહે છે અને એ જ વસ્તુ સર્વ લોકમાં લાગુ પડે છે. જો હું મરીને સ્વર્ગે જાઉં, તો પણ મને એનું એ જ દેખાવાનું, કારણ કે જ્યાં સુધી હું પવિત્ર નથી થયો, ત્યાં સુધી ગુફાઓમાં, જંગલમાં, કાશીમાં કે સ્વર્ગે જવાથી પણ કાંઈ વળવાનું નથી અને જો મેં મારા અંતરનો અરીસો ઘસીને સાફ, ચકચકિત કર્યો હશે તો હું ક્યાં રહું છું તેની કાંઈ વિસાત નથી. હું સત્યને તે જેમ છે તેમ જ પ્રાપ્ત કરું. તેથી જે શક્તિ માત્ર અંતરની આરસીને સ્વચ્છ કરવામાં વાપરવી જોઈએ, તેનો આમતેમ ભટકવામાં વ્યર્થ વ્યય કરવાનો કશો જ અર્થ નથી. એ જ વિચાર ઉપનિષદમાં ફરીવાર વ્યક્ત કરવામાં આવ્યો છે; ‘આત્માને, આત્માના સ્વરૂપને કોઈ પોતાની આંખો વડે જોઈ શકતું નથી. મનમાં, પવિત્ર મનની અંદર તે આત્માનું દર્શન થાય છે અને એ રીતે અમૃતત્વને પમાય છે.’

જેઓ ઉનાળામાં અપાયેલાં રાજયોગનાં પ્રવચનોમાં હાજર હતા તેમને જાણવામાં રસ પડશે કે એ વખતે જે યોગનો ઉપદેશ આપવામાં આવ્યો હતો તે જુદા પ્રકારનો હતો. અત્યારે જે યોગની આપણે સમીક્ષા કરી રહ્યા છીએ તેમાં ઇન્દ્રિયોનો નિગ્રહ મુખ્યત્વે છે. જ્યારે માનવ આત્મા દ્વારા ઇન્દ્રિયોને ગુલામની પેઠે પોતાને સ્વાધીન રાખવામાં આવે છે, જ્યારે તેઓ મનને ક્ષોભ પમાડી શકતી નથી, ત્યારે યોગી ધ્યેય સુધી પહોંચ્યો કહેવાય.

यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः।

अथ मर्त्योऽमृतो भवत्यत्र ब्रह्म समश्नुते॥ 14॥

यदा सर्वे प्रभिद्यन्ते हृदयस्येह ग्रन्थयः।

अथ मर्त्योऽमृतो भवत्येतावद्ध्यनुशासनम्॥ 15॥

‘જ્યારે હૃદય માંહેની સઘળી વ્યર્થ વાસનાઓનો ત્યાગ થઈ જાય, ત્યારે આ મર્ત્ય માનવી પોતે જ અમર થઈ જાય, ત્યારે તે અહીં જ ઈશ્વરની સાથે એક થાય છે. જ્યારે હૃદયની સર્વ ગ્રંથિઓ છેદાઈ જાય, ત્યારે મરણાધીન માનવ અમર થાય છે અને તે અહીં જ બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે.’ અહીં જ, આ પૃથ્વી ઉપર જ, બીજે ક્યાંય નહિ.

અહીં થોડાક શબ્દો કહેવા જોઈએ. તમે સામાન્ય રીતે સાંભળશો કે આ વેદાંત ફિલસૂફી અને બીજાં પૂર્વનાં દર્શનો માત્ર કંઈક પેલે પારની વસ્તુ તરફ જુએ છે, (અને) આ જીવનના આનંદો અને જીવવા માટેના ધમપછાડાની પરવા કરતાં નથી. આ વિચાર સદંતર ખોટો છે. જેઓને પ્રાચ્ય વિચારપદ્ધતિનું કંઈ ભાન જ નથી અને તેના સાચા ઉપદેશને સમજવાની બુદ્ધિ જ નથી, તેવા કેવળ અજ્ઞાની લોકો જ તમને આવું કહે છે. ઊલટું અમારા ધર્મગ્રંથોમાં તો એવું વાંચવા મળે છે કે અમારા દાર્શનિકો બીજા લોકોમાં જવા તો ઇચ્છતા નથી, પણ તેમની, જ્યાં જીવો માત્ર અલ્પ કાળને માટે હસી રડીને મરી જાય છે એવાં સ્થાનો કહીને નિંદા કરે છે. જ્યાં સુધી આપણે નબળા હોઈએ ત્યાં સુધી આપણે એ અનુભવોમાંથી પસાર થવું પડશે, પરંતુ જે કંઈ સત્ય છે તે તો અહીં છે અને તે તો માનવ આત્મા છે. વળી આ બાબત પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે આપઘાત કરવાથી આપણે જે અવશ્યંભાવિ છે તેમાંથી છટકી શકતા નથી; આપણે તેને ટાળી શકતા નથી. પરંતુ સાચો માર્ગ મળવો કઠિન છે. પાશ્ચાત્ય માનવીના જેટલા જ હિંદુઓ વ્યાવહારિક છે, માત્ર અમારી જીવનદૃષ્ટિમાં અમે તમારાથી જુદા પડીએ છીએ. પાશ્ચાત્યો કહે છે કે સારું મકાન બાંધો, સારાં વસ્ત્રો પહેરો, સારું ખાઓ-પીઓ, બૌદ્ધિક વિકાસ સાધો, વગેરે વગેરે; કારણ કે (એમને મન) જીવનનું સારસર્વસ્વ આટલું જ છે અને એ વિષયમાં તેઓ અનહદ વ્યવહારુ છે. પરંતુ હિંદુ કહે છે કે જગતનું સાચું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, તત્ત્વજ્ઞાન; અને તેની ઇચ્છા તે જ્ઞાનનો આનંદ માણવાની છે. અમેરિકામાં એક મહાન અજ્ઞેયવાદી હતો; માણસ બહુ જ ખાનદાન, ઘણો જ સારો અને ઘણો સરસ વક્તા. તેણે ધર્મ ઉપર ભાષણ આપ્યું. તેમાં તેણે કહ્યું કે ધર્મનો કશો ઉપયોગ નથી; પરલોકાદિ માટે મગજમારી શા માટે કરવી? વ્યાખ્યાનમાં તેણે એવી ઉપમા આપી કે આપણી પાસે જગતરૂપી નારંગી છે અને આપણે તેમાંનો બધો રસ નિચોવી લેવાનો છે. એકવાર હું તેમને મળ્યો ત્યારે મેં કહ્યુંઃ ‘હું તમારી સાથે સંપૂર્ણ સહમત છું. મારી પાસે એક રસાળ ફળ છે અને તેમાંથી બધો રસ નિચોવી લેવાની મારી પણ ઇચ્છા છે. આપણી વચ્ચે તફાવત માત્ર ફળની પસંદગીમાં છે. તમારે નારંગી જોઈએ છે, જ્યારે મને કેરી પસંદ છે. તમે ધારો છો કે અહીં જીવવું, ખાવું-પીવું અને થોડુંક જગતનું જ્ઞાન મેળવવું એટલું જ બસ છે; પણ સૌ કોઈની રુચિને એ જ અનુકૂળ આવશે એમ કહેવાનો તમને કશો જ અધિકાર નથી. એવા વિચારની મારે મન કશી જ કિંમત નથી. મારે જો એટલું જ જાણીને બેસી રહેવું હોય કે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે એક સફરજન કેવી રીતે ખેંચાઈને નીચે પડે છે અથવા વીજળીનો પ્રવાહ કેવી રીતે મારી નાડીઓને ઝણઝણાવી નાખે છે, તો હું તો આપઘાત જ કરું. હું તો વસ્તુઓનું હાર્દ, અંદરનો ખાસ સાર સમજવા માગું છું. તમે જીવનની અભિવ્યક્તિઓનો અભ્યાસ કરો છો, મારા અભ્યાસનો વિષય છે જીવન પોતે જ. મારી ફિલસૂફી કહે છે કે તમારે તેનું જ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને સ્વર્ગ તથા નરક અને બીજા અનેક વહેમોના વિચારોને તમારા મનમાંથી હાંકી કાઢવા જોઈએ, પછી ભલે તે આ દુનિયા જે અર્થમાં હયાતી ધરાવે છે તે જ અર્થમાં અસ્તિત્વ ધરાવતી હોય. આ જીવનનું હાર્દ મારે જાણવું જ જોઈએ, માત્ર તે કેમ ચાલે છે અને કઈ કઈ તેની અભિવ્યક્તિઓ છે તે નહિ, પણ તેનો ખાસ સાર, તે શું છે, તે જાણવું જોઈએ. હું તો દરેક વસ્તુનું ‘કારણ’ જાણવા માગું છું. તેની ‘કામ કરવાની રીતો’ હું બચ્ચાં માટે છોડી દઉં છું. જેમ તમારા જ એક દેશવાસીએ કહેલું કે ‘જ્યારે હું બીડી પીતો હોઉં, ત્યારે જો હું ચોપડી લખું તો તે બીડીનું વિજ્ઞાન થાય,’ તેમ વૈજ્ઞાનિક થવું એ સારું અને મહાન છે; ભગવાન તેમની શોધમાં તેમને મદદ કરે. પરંતુ જ્યારે માણસ એમ કહે કે એટલું જ સર્વ કંઈ છે, ત્યારે તે મૂર્ખની રીતે વાત કરે છે, તેને જીવનના મૂળ કારણને જાણવાની પડી નથી, ખુદ અસ્તિત્વનો અભ્યાસ તે કરતો નથી. હું એમ દલીલ કરી શકું કે તમારું બધું જ જ્ઞાન નિરર્થક છે, એનો પાયો જ નથી. તમે તો માત્ર જીવનની અભિવ્યક્તિઓનો જ અભ્યાસ કરો છો. જ્યારે હું તમને પૂછું કે જીવન શું છે, ત્યારે તમે કહો છો કે મને ખબર નથી. તમારો અભ્યાસ તમને મુબારક; મને મારો કરવા દો.’

હું વ્યવહારુ છું, ઘણો જ વ્યવહારુ છું, પણ તે મારી પોતાની રીતે. તેથી તમારો જે ખ્યાલ છે કે માત્ર પશ્ચિમના લોકો જ વ્યવહારુ છે તેનો કાંઈ અર્થ નથી. તમે એક રીતે વ્યવહારુ છો તો હું બીજી રીતે વ્યવહારુ છું. મનુષ્યોના અને મનના જુદા જુદા પ્રકારો છે. પૂર્વના દેશોમાં જો તમે કહો કે જિંદગી આખી એક પગે ઊભા રહેવાથી ભગવાન મળશે તો માણસ એ પદ્ધતિ અપનાવશે; પશ્ચિમમાં જો માણસ સાંભળે કે કોઈક અજાણ્યા દેશમાં ક્યાંય સોનાની ખાણ છે, તો સોનું કાઢી લેવાની આશાથી હજારો લોકો ત્યાંનું જોખમ ખેડવા તૈયાર થઈ જશે; પછી ભલે કદાચ તેઓમાંથી એકાદો જ ફાવે. એ માણસોએ પણ સાંભળેલું તો છે કે તેમને આત્મા છે, પણ એની સંભાળ તેઓ ચર્ચ (ધર્મગુરુ)ને સોંપીને પોતે નચિંત રહે છે. પેલો (પૂર્વનો) માણસ અજાણ્યા મુલકમાં નહિ જવાનો; તે કહેશે કે એમાં જોખમ છે. પરંતુ જો તેને કહેવામાં આવે કે એક ઊંચા પહાડની ટોચે એક ચમત્કારી મહાત્મા રહે છે અને તે આત્મસાક્ષાત્કાર કરાવી આપે એમ છે, તો તે પહાડ ઉપર ચડવાનો પ્રયાસ કરશે જ; પછી ભલે એ પ્રયત્નમાં તે મરી જાય. બન્ને પ્રકારના મનુષ્યો વ્યવહારુ છે; માત્ર ભૂલ થાય છે આ દુનિયાને જ જીવનનું સર્વસ્વ માની લેવામાં. તમારી દૃષ્ટિ ઇન્દ્રિયોના નાશવંત ભોગો તરફ મંડાયેલી છે; તેમાં શાશ્વત કંઈ જ નથી; તે માત્ર વધારે ને વધારે માત્રામાં દુઃખ લાવે છે જ્યારે મારી દૃષ્ટિ શાશ્વત સુખ લાવે છે.

હું નથી કહેતો કે તમારી દૃષ્ટિ ખોટી છે. તમારી દૃષ્ટિ તમને મુબારક હો. એમાંથી ઘણું જ સારું અને કલ્યાણકારી નીપજે. પણ એ કારણસર મારી દૃષ્ટિનો તમે તિરસ્કાર કરો નહિ. મારી દૃષ્ટિ પણ એની પોતાની રીતે વ્યવહારુ છે. આપણે સહુ પોતપોતાની યોજના પ્રમાણે કામ કરીએ. હું તો ભગવાન પાસે માગું કે આપણે બધા બન્ને બાજુએ સરખા વ્યવહારુ હોઈએ! મેં કેટલાક વૈજ્ઞાનિકો જોયા છે કે જેઓ વૈજ્ઞાનિક તરીકે તેમજ આધ્યાત્મિક વ્યક્તિઓ તરીકે સરખા જ વ્યવહારુ હતા; અને મને જબરી આશા છે કે સમયના વહેવા સાથે સમસ્ત માનવજાત એ જ રીતે કુશળ થાય. જ્યારે કીટલીમાંનું પાણી ઊકળવાની શરૂઆત કરે છે ત્યારે જો તમે એ ઘટનાને નિહાળતા રહેશો તો જણાશે કે પહેલાં એક પરપોટો ઉપર ચડે છે, પછી બીજો પછી ત્રીજો; અને એ પ્રમાણે આખરે બધા પરપોટા એકઠા થઈ જાય છે અને જબરો ખળભળાટ થવા લાગે છે. આ વિશ્વ એને ઘણું મળતું આવે છે. દરેક વ્યક્તિ એક પરપોટા જેવી છે અને પ્રજાઓ અનેક પરપોટાઓના સમૂહ જેવી છે. ક્રમેક્રમે આ પ્રજાઓ જોડાતી આવે છે અને મને ખાતરી છે કે એવો દિવસ આવશે કે જ્યારે અલગતા અદૃશ્ય થઈ જશે અને જે એકતા તરફ આપણે સર્વે પ્રયાણ કરી રહ્યા છીએ તે પ્રગટ થશે. એવો સમય આવવો જ જોઈએ કે જ્યારે પ્રત્યેક માણસ જેટલો વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ખૂબ વ્યવહારુ હશે તેટલો જ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ હશે અને ત્યારે તે એકતા – એકત્વનો સમન્વય – સમસ્ત વિશ્વમાં વ્યાપી રહેશે. ત્યારે સમગ્ર માનવજાત જીવનમુક્ત બનશે. આપણી ઈર્ષ્યાઓ અને દ્વેષો, આપણા પ્રેમ અને સહકાર એ સર્વે દ્વારા આપણે બધા તે એક જ લક્ષ્ય તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણને પોતાની સાથે ખેંચી જતો એક જબરજસ્ત પ્રવાહ એ એકતાના મહાસાગર તરફ વહી રહ્યો છે; અને તણખલાં અને કાગળના ટુકડાઓની પેઠે જો કે આપણે ક્યારેક ક્યારેક ઉદ્દેશહીન આમતેમ તર્યા કરતા હોઈએ છીએ, પરંતુ લાંબે સમયે આપણે એ શાશ્વત જીવન અને શાશ્વત આનંદના મહાસાગરમાં મળીશું જ, મળીશું. (2.406)

Total Views: 211
૬. સાક્ષાત્કાર
૮. આત્માનું સ્વાતંત્ર્ય