(નવેમ્બર ૧૮, ૧૮૯૬)

એક વાર નારદ ઋષિ સનત્કુમાર પાસે સત્ય વિશે જાણવા માટે ગયા. સનત્કુમારે, ‘આજ સુધીમાં તમે શો અભ્યાસ કર્યો છે?’ એવો પ્રશ્ન પૂછ્યો. નારદે કહ્યું, ‘મેં વેદ, જ્યોતિષ અને બીજાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, છતાં મને સંતોષ નથી.’ પછી એ બંને ઋષિઓ વચ્ચે વાર્તાલાપ ચાલ્યો. તે દરમિયાન સનત્કુમારે એવાં વચનો કહ્યાં કે વેદ, જ્યોતિષશાસ્ત્ર અને દર્શન, એ સઘળાંનું જ્ઞાન માત્ર ગૌણ છે; વિજ્ઞાન બધાં ગૌણ છે. બ્રહ્મનો સાક્ષાત્કાર થાય તે જ સર્વોત્તમ જ્ઞાન છે. દરેક ધર્મમાં વિચાર જોવામાં આવે છે; તેથી ધર્મે એ પરમજ્ઞાન હોવાનો હંમેશાં દાવો કર્યો છે. વિજ્ઞાનોનું જ્ઞાન જાણે કે આપણા જીવનના અમુક ભાગોને જ સ્પર્શે છે; પણ ધર્મ જે જ્ઞાન આપણને આપે છે તે સનાતન છે અને જે સત્યનો તે ઉપદેશ આપે છે તેના જેવું જ તે અવિનાશી છે. આ જાતની શ્રેષ્ઠતાનો દાવો કરવાથી કમભાગ્યે ધર્મો ઘણી વાર તમામ લૌકિક જ્ઞાન તરફ તુચ્છતાની દૃષ્ટિએ જુએ છે; એટલું જ નહિ પણ લૌકિક જ્ઞાનની સહાય વડે એ સાબિત થઈ શકે એ વાતનો અસ્વીકાર કરે છે. એને પરિણામે સમગ્ર જગતમાં લૌકિક જ્ઞાન અને ધાર્મિક જ્ઞાન વચ્ચે સાઠમારીઓ ચાલી છે. જે બાબતમાં ધાર્મિક જ્ઞાન પોતાના પક્ષે અચૂક પ્રમાણનો દાવો કરે છે, તેમાં લૌકિક જ્ઞાન જે કાંઈ કહે તે સાંભળવાની તે ના પાડે છે; જ્યારે લૌકિક જ્ઞાન પોતાના પક્ષે બુદ્ધિના તેજસ્વી સાધન વડે ધર્મના સર્વ વિચારોનું ખંડન કરવા માગે છે. આ સંઘર્ષ દરેક દેશમાં ચાલતો હતો અને હજુ ચાલે છે. ધર્મો વારંવાર પરાજિત થયા છે અને લગભગ વિનાશ પામ્યા છે. ફ્રેન્ચ રાજક્રાંતિના કાળમાં થયેલ બુદ્ધિદેવતાની પૂજા એ માનવ-ઇતિહાસની પ્રથમ ઘટના ન હતી; એ તો પુરાતન કાળમાં બની ગયેલાની માત્ર પુનરાવૃત્તિ હતી. પણ આધુનિક કાળમાં એને ઘણું વધારે મહત્ત્વ મળ્યું છે. પહેલાંના કરતાં ભૌતિક વિજ્ઞાનો આજે વિશેષ સાધન-સંપન્ન થયાં છે, જ્યારે ધર્મનાં સાધનો ઓછાં અને ઓછાં સંપન્ન થતાં જાય છે, આજે ધર્મના પાયાઓ તળે સુરંગો ચંપાઈ ગયેલી છે; અને આધુનિક માનવ જાહેરમાં ગમે તે કહે, પણ એ પોતાના અંતરમાં જાણે છે કે પોતે ધર્મમાં વધારે વખત વિશ્વાસ રાખી શકે એમ નથી. ધર્મગુરુઓનું વ્યવસ્થિત મંડળ કહે છે માટે, અગર અમુક પુસ્તકોમાં લખ્યું છે માટે અથવા પોતાના લોકોને સારું લાગશે એટલા માટે જ અમુક બાબતોમાં માનવું તે આધુનિક માણસને માટે અશક્ય છે. અલબત્ત એવા ઘણા લોકો છે જેઓ કહેવાતા લોકપ્રિય ધર્મમાં દેખીતી રીતે માનતા હોય છે; પણ આપણે ચોક્કસપણે જાણીએ છીએ કે તેઓ એ વિશે વિચાર કરતા હોતા નથી. એમની માન્યતાને વધારે યોગ્ય શબ્દોમાં કહીએ તો ‘વિચાર વગરની બેદરકારી’ કહી શકાય. આ સાઠમારી લાંબો વખત ચાલે તો ધર્મની ઇમારત તૂટી પડ્યા વગર રહે નહિ.

પ્રશ્ન આ છેઃ આમાંથી કોઈ માર્ગ છે ખરો? વધારે મૂર્ત સ્વરૂપમાં આ પ્રશ્નને રજૂ કરીએઃ બીજાં વિજ્ઞાનો જેમ બુદ્ધિની શોધથી પોતાની વસ્તુ સાબિત કરે છે તેમ ધર્મે પણ શું તેવી રીતે કરવાનું રહે છે? વિજ્ઞાન કે બહારના જ્ઞાન માટે શોધની જે રીતો આપણે અજમાવીએ છીએ તે ધર્મના વિજ્ઞાનને પણ લાગુ કરવાની છે? મારા અભિપ્રાય પ્રમાણે આમ થવું જ જોઈએ અને એ જેમ વહેલું થાય તેમ વધારે સારું, એમ પણ હું માનું છું. આવી શોધથી જો ધર્મનો નાશ થતો હોય તો એ ધર્મ સદૈવ નકામો અને અયોગ્ય વહેમ જેવો જ હતો અને એવો ધર્મ જેમ વહેલો જાય તેમ સારું, એવી મારી દૃઢ માન્યતા છે. એવા ધર્મનો નાશ થાય તે જ સારામાં સારી બાબત ગણાય, એ વિષે મારી ખાતરી છે. એવી શોધથી ધર્મમાં જે કંઈ ભેળસેળ હશે તે અવશ્ય કાઢી નાખવામાં આવશે, પરંતુ તેનાં મુખ્ય તત્ત્વો જ્વલંત રૂપમાં બહાર આવશે. એથી જે અર્થમાં ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રના નિર્ણયો વૈજ્ઞાનિક બને છે તે અર્થમાં ધર્મ વૈજ્ઞાનિક બનશે, એટલું જ નહિ પણ વિજ્ઞાન કરતાં વધારે શક્તિશાળી બનશે. કેમ કે ધર્મના સત્યને અંતરના અવાજનો જે ટેકો છે તે ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રને નથી.

જે લોકો ધર્મમાં કોઈ બૌદ્ધિક સંશોધનની સાર્થકતામાં માનતા નથી, તેઓ મને લાગે છે કે અમુક અંશે પોતાની જાતનો જ વિરોધ કરી રહ્યા છે. દાખલા તરીકે ખ્રિસ્તીઓ એવો દાવો કરે છે કે તેમનો ધર્મ એ જ સાચો ધર્મ છે, કેમ કે એ ધર્મ અમુક વ્યક્તિના અંતરમાં પ્રગટ થયો હતો. મુસલમાન પોતાના ધર્મ માટે પણ એવો જ દાવો રજૂ કરે છે. તે કહે છે કે તેનો જ ધર્મ સાચો છે કેમ કે તે અમુક વ્યક્તિના અંતરમાં પ્રગટ થયો હતો. પણ ખ્રિસ્તી મુસલમાનને એમ કહે છેઃ‘ઓ મુસલમાન બિરાદર! તારા ધર્મનીતિના અમુક અંશો સાચા લાગતા નથી. દાખલા તરીકે, તારાં શાસ્ત્રો એમ કહે છે કે કાફરને ઇસ્લામ ધર્મમાં બળજબરીથી લાવી શકાય અને જો એ ઇસ્લામ ધર્મનો સ્વીકાર ન કરે તો એને મારી નાખી શકાય; અને જે કોઈ મુસલમાન આવા કાફરને મારી નાખે તે ગમે તેવો પાપી કે દુરાચારી હોય છતાં સ્વર્ગમાં અવશ્ય પ્રવેશ મેળવે.’ મુસલમાન આના જવાબમાં કહેવાનોઃ ‘મારા ધર્મશાસ્ત્રમાં એમ કહ્યું છે માટે તેમ કરવું તે મારે માટે યોગ્ય છે. એમ ન કરવું તે મારે માટે અધર્મ છે.’ ખ્રિસ્તી કહે છેઃ ‘પણ મારાં શાસ્ત્રો તેમ કહેતાં નથી.’ મુસલમાન આનો જવાબ આપવાનોઃ ‘એ હું ન જાણું. તારા ધર્મશાસ્ત્રના પ્રમાણને માનવા હું બંધાયેલો નથી. મારું ધર્મશાસ્ત્ર કહે છે કે ‘કાફરોને મારો.’ આમાં કયું સાચું અને કયું ખોટું એ તમે કેમ જાણી શકો? અવશ્ય, મારા ધર્મશાસ્ત્રમાં જે લખ્યું છે તે જ સાચું અને તમારું શાસ્ત્ર જે કહે છે કે ‘મારશો મા’ એ ખોટું. મારા ખ્રિસ્તી મિત્રો, તમે પણ એમ જ કહો છો. તમે કહો છો કે જેહોવાહે યહૂદીઓને જે કહ્યું તે સાચું છે અને એમને ન કરવાનું જે કહ્યું તે ખોટું છે. તેથી હું કહું છું કે ‘અલ્લાએ મારા ધર્મશાસ્ત્રમાં અમુક વસ્તુ કરવાનું અને અમુક વસ્તુ ન કરવાનું કહ્યું છે અને તે જ સાચા અને ખોટાનું પ્રમાણ છે.’ આમ કહ્યા છતાં ખ્રિસ્તીને સંતોષ થતો નથી. એ ગિરિપ્રવચનની નીતિ સાથે કુરાનની નીતિને સરખાવવાનો આગ્રહ રાખે છે. આનો નિર્ણય શી રીતે થાય? ધર્મશાસ્ત્રોથી તો અવશ્ય નહિ જ, કેમ કે અરસપરસ ઝઘડતાં ધર્મશાસ્ત્રો પ્રમાણ બની શકે નહિ. તેથી અનિવાર્યપણે આપણે એમ કબૂલ કરવું રહ્યું જ કે આ શાસ્ત્રો કરતાં બીજું કંઈક છે કે જે વિશેષ વ્યાપક છે, જગતના આચારોની સર્વ સંહિતાઓ કરતાં બીજું કંઈક વધારે શ્રેષ્ઠ છે, એવું કંઈક કે જે ભિન્ન ભિન્ન પ્રજાઓની અંતઃપ્રેરણાઓના બળાબળનો વિચાર કરી શકે છે. આપણે આ વાત હિંમતથી સ્પષ્ટપણે કહીએ કે ન કહીએ, પણ આપણે અહીં બુદ્ધિની અપેક્ષા રાખીએ છીએ એ સ્પષ્ટ છે.

હવે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છેઃ આ બુદ્ધિશક્તિ ભિન્ન ભિન્ન પ્રેરણાઓ વચ્ચે નિર્ણય કરી શકે કે કેમ? જ્યારે બે પેગંબરો વચ્ચે વિરોધ હોય ત્યારે એ વિચારકનું કર્તવ્ય બજાવી શકે કે કેમ? અને એનામાં ધર્મ અંગેની તમામ બાબતો સમજવાની શક્તિ છે કે કેમ? જો આ બુદ્ધિમાં એ શક્તિ ન હોય તો યુગો થયા જુદાં જુદાં શાસ્ત્રો અને ભિન્ન ભિન્ન પેગંબરો વચ્ચે ચાલ્યા કરતી આ નિરાશાજનક સાઠમારીનો કોઈ નિર્ણય લાવી શકે તેમ નથી કેમ કે એનો અર્થ એવો થાય છે કે સર્વ ધર્મો માત્ર મિથ્યાવાદ છે, તદ્દન પરસ્પર વિરોધી છે અને નીતિના કોઈ સ્થાયી વિચાર વગરના છે. ધર્મની સાબિતી મનુષ્યના બંધારણમાં રહેલા સત્ય પર અવલંબે છે, પુસ્તકો ઉપર નહિ. આ પુસ્તકો માણસના બંધારણનું પરિણામ માત્ર છે, તેની મૂડી છે. માણસે આ પુસ્તકો બનાવ્યાં છે. માણસને તેમણે બનાવ્યા હોય એવાં પુસ્તકો જોવાને હજુ વાર છે. એ રીતે બુદ્ધિ – જેને આપણે ‘અપીલ’ કરવાની છે – તે પણ પેલા સામાન્ય કારણનું – માનવના બંધારણનું જ એક પરિણામ છે અને છતાં, આ બુદ્ધિ આ બંધારણ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલી છે તેથી તે આ બંધારણને નિષ્ઠાપૂર્વક અનુસરે ત્યાં સુધી જ એનો આશ્રય લેવાનો છે. બુદ્ધિ શબ્દથી હું શું કહેવા માગું છું? હું કહેવા માગું છું કે આજે દરેક શિક્ષિત સ્ત્રીપુરુષ ભૌતિક જ્ઞાનના સિદ્ધાંતોનો ધર્મના ક્ષેત્રમાં જે પ્રયોગ કરવા માગે છે તે તર્કનો પહેલો સિદ્ધાંત એ છે કે સામાન્ય દ્વારા વિશેષનું સ્પષ્ટીકરણ થાય, સામાન્યનું સ્પષ્ટીકરણ વધારે વ્યાપક સામાન્યથી થાય અને છેવટે આપણે વિશ્વ સામાન્ય સ્થિતિએ પહોંચીએ. દાખલા તરીકે, કોઈ નિયમ કે સિદ્ધાંત વિશેનો વિચાર લઈએ. કોઈક બનાવ બને અને એ ફલાણા ફલાણા નિયમની અસર છે એમ આપણે માનીએ, તેથી આપણે સંતોષ પામીએ છીએ; આપણી સમક્ષ એ સ્પષ્ટીકરણ છે. એથી આપણે એમ કહેવા માગીએ છીએ કે જે એક અસરથી આપણને અસંતોષ થયો હતો એ સામાન્ય ઘટનાઓનો એક વિશિષ્ટ દાખલો માત્ર છે. આ સામાન્ય ઘટનાઓને આપણે નિયમ શબ્દથી ઓળખીએ છીએ. એક સફરજન પડ્યું ત્યારે ન્યૂટન વિચારમાં પડ્યો; પણ જ્યારે તેણે જોયું કે બધાં સફરજનો પડે છે તથા તે જ ગુરુત્વાકર્ષણનો નિયમ છે, ત્યારે તેને સંતોષ થયો. માનવજ્ઞાનનો આ એક સિદ્ધાંત છે. હું એક અમુક પ્રાણીને, એક માણસને, રસ્તામાં જોઉં છું. હું તેને માનવજાતિની વ્યાપક સંજ્ઞા સાથે જોડું છું અને તેથી મને સંતોષ થાય છે. વધારે વ્યાપક સામાન્ય રીતે જોડવાથી હું તેને માણસ તરીકે ઓળખું છું. આમ વિશિષ્ટોને સામાન્ય સાથે જોડવાના છે; સામાન્યને વધારે વ્યાપક સામાન્ય સાથે અને છેવટે દરેકને સર્વવ્યાપી સંજ્ઞા – અંતિમ સંજ્ઞા – અસ્તિત્વ સાથે જોડવાના છે. અસ્તિત્વ એ સૌથી વધારે વ્યાપક સંજ્ઞા છે.

આપણે સર્વ માનવ છીએ; એટલે કે આપણામાંનો દરેક જણ, માનવજાતની સામાન્ય સંજ્ઞાનો જાણે કે એક વિશિષ્ટ અંશ છે. માણસ, બિલાડી અને કૂતરો આ બધાં પ્રાણીઓ છે. માણસ, કૂતરો કે બિલાડી, આ વિશેષ દૃષ્ટાંતો પેલી વ્યાપક સામાન્ય સંજ્ઞા પ્રાણીના વિભાગો છે. માણસ, બિલાડી, કૂતરો, વનસ્પતિ અને વૃક્ષો, એ બધાં તેથી વધારે વ્યાપક સંજ્ઞા જીવનની અંદર આવે છે. વળી આ બધી ચેતન વસ્તુઓ અને બધી જડ વસ્તુઓ એક અસ્તિત્વની સંજ્ઞાના વિભાગો છે, કેમ કે, આપણે સર્વ અસ્તિત્વમાં છીએ. આ સ્પષ્ટીકરણનો અર્થ માત્ર એટલો છે કે વિશિષ્ટને એથી ઉચ્ચતર સંજ્ઞા સાથે જોડવું, એના સમપર્યાયની ઘટનાને જોવી. માનવમને જાણે કે આવા વિવિધ વર્ગોની અનેક સામાન્ય સંજ્ઞાઓનો સંગ્રહ કરી રાખ્યો છે. મન આવાં વિવિધ ખાનાંનું બનેલું છે કે જેમાં આ સર્વ વિચારોને વર્ગીકૃત કરી રાખવામાં આવે છે અને જ્યારે કોઈ નવીન વસ્તુ જોવામાં આવે કે તરત જ મન પોતાનાં ખાનાંમાંથી એના વર્ગને શોધવાનો પ્રયાસ કરે છે. જો આપણને એ જડે તો આ નવી વસ્તુને આપણે તેના ભેગી મૂકી દઈએ છીએ; આપણને એથી સંતોષ થાય છે અને એ વસ્તુને આપણે જાણીએ છીએ એમ કહેવાય છે. જ્ઞાનનો અર્થ આ છે, એથી વિશેષ નહિ. જો એ નવી વસ્તુ જેવું કશું આપણા મનનાં ખાનાંમાંથી ન જડે તો આપણને અસંતોષ થાય છે અને એને માટે મનમાં અસ્તિત્વ ધરાવતું ખાસ વર્ગીકરણ આપણને જડે ત્યાં સુધી રાહ જોવી પડે છે. તેથી મેં તમને કહ્યું છે તેમ, જ્ઞાન એટલે મોટે ભાગે વર્ગીકરણ છે. પણ હજુ એથી વિશેષ કંઈક છે. જ્ઞાનનું બીજું સ્પષ્ટીકરણ એ છે કે કોઈ વસ્તુનું સ્પષ્ટીકરણ બહારથી નહિ પણ અંદરથી આવવું જોઈએ. એવી એક માન્યતા હતી કે જો કોઈ માણસ પથ્થર ઊંચે ઉછાળે અને તે નીચે પડે તો કોઈ રાક્ષસ તેને નીચે ખેંચી જાય છે. અનેક બનાવો જે સામાન્ય રીતે કુદરતી ઘટના છે, તેમને માટે માણસે અલૌકિક તત્ત્વોની કલ્પના કરેલી છે. કોઈ રાક્ષસ પથ્થરને નીચે ખેંચી ગયો એ સ્પષ્ટીકરણ વસ્તુમાં રહેલું નથી; એ બહારથી અપાયેલું છે. પણ ગુરુત્વાકર્ષણનું આ બીજું સ્પષ્ટીકરણ એ પથ્થરની પ્રકૃતિમાં જ રહેલું કંઈક છે. એ અંદરથી આવેલું છે. સમગ્ર આધુનિક વિચારસરણીમાં આ વલણ જોવામાં આવશે. ટૂંકમાં, વિજ્ઞાનનો અર્થ એ છે કે વસ્તુઓનાં સ્પષ્ટીકરણો તેની પ્રકૃતિમાં જ રહેલાં છે; વિશ્વમાં શું ચાલી રહ્યું છે તેના સ્પષ્ટીકરણ માટે કોઈ બાહ્ય વ્યક્તિ કે સત્તાની જરૂર નથી. રસાયણશાસ્ત્રીને તેના ક્ષેત્રની ઘટનાઓના સ્પષ્ટીકરણ માટે કોઈ રાક્ષસ, ભૂત કે એવા બીજા કશાની જરૂર પડતી નથી; ભૌતિકશાસ્ત્રીને પણ એ કશાની જરૂર પડતી નથી, તેમ જ બીજા વિજ્ઞાનશાસ્ત્રીઓને પણ એવી જરૂર પડતી નથી અને વિજ્ઞાનનાં ઘણાં લક્ષણોમાંના આ એકને હું ધર્મને લાગુ કરવા માગું છું. આ દૃષ્ટિએ ધર્મમાં ખામી જણાય છે અને તેથી તેના ટુકડેટુકડા થઈ રહ્યા છે. દરેક વિજ્ઞાન વસ્તુની અંદરથી – તેની પ્રકૃતિમાંથી જ તેનું સ્પષ્ટીકરણ મેળવવા માગે છે; અને ધર્મો તે આપી શકતા નથી. બહુ પ્રાચીન કાળથી એક એવો સિદ્ધાંત પ્રચલિત છે કે જગતથી સંપૂર્ણ બહાર કોઈ એક વ્યક્તિરૂપ ઈશ્વર છે. આ મતની તરફેણમાં આવી ઘણી દલીલો વારંવાર કરવામાં આવી છે કેઃ વિશ્વથી સાવ અલગ એક ઈશ્વરમાં માનવાની જરૂર છે; પોતાની ઇચ્છાશક્તિમાંથી એણે આ વિશ્વનું સર્જન કર્યું છે; અને એ જગતનો શાસક છે એમ ધર્મ કહે છે. આ બધી દલીલો ઉપરાંત આપણા જોવામાં આવે છે કે આ સર્વશક્તિમાન ઈશ્વરને દયામય તરીકે આલેખાય છે અને છતાં સાથે સાથે જગતમાં અસમાનતા તો રહે જ છે. દાર્શનિકોને આ વસ્તુઓની કશી પડી નથી. એ તો કહે છે કે મૂળ તેનું હાર્દ જ ખોટું હતું, બહારથી આવેલું સ્પષ્ટીકરણ હતું, અંદરથી આવેલું નહિ. આ વિશ્વનું કારણ શું? વિશ્વથી બહારનું કંઈક જે આ વિશ્વને ચલાવી રહ્યું છે તે અને જે રીતે પડતા પથ્થરની ઘટનાનું સ્પષ્ટીકરણ અધૂરું માલૂમ પડ્યું, તે રીતે ધર્મનું આ સ્પષ્ટીકરણ પણ અધૂરું લાગ્યું. ધર્મો તેથી વધુ સારું સ્પષ્ટીકરણ આપી શકતા નથી તેથી તે છિન્નભિન્ન દશાને પામી રહ્યા છે.

આ સાથે સંબંધ ધરાવતો બીજો એક વિચાર – એ જ સિદ્ધાંતની અભિવ્યક્તિ કે વસ્તુનું સ્પષ્ટીકરણ એની અંદરથી જ આવે છે તે – આધુનિક ઉત્ક્રાંતિનો નિયમ છે. ઉત્ક્રાંતિનો સમગ્ર અર્થ માત્ર આટલો જ છે કે વસ્તુની પ્રકૃતિની પુનરાવૃત્તિ થાય છે, કાર્ય એ બીજા રૂપમાં કારણ સિવાય બીજું કશું નથી, કારણમાં કાર્યની સર્વ શક્યતાઓ રહેલી છે અને સમગ્ર સર્જન એ સર્જન નથી પણ ઉત્ક્રાંતિ છે. એટલે કે દરેક કાર્ય પુરોગામી કારણની કેવળ સંજોગોથી જ પરિવર્તન પામેલી પુનરાવૃત્તિ હોય છે. આમ સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યું છે; આ પરિવર્તનનાં કારણો શોધવા માટે આપણે જગતની બહાર જવાની જરૂર નથી, તે અંદર જ છે, કારણની શોધ બહાર કરવાનું બિનજરૂરી છે. આ પણ ધર્મને તોડી નાખે છે. ધર્મને તોડી નાખે છે એ શબ્દોથી હું એમ કહેવા માગું છું કે જે ધર્મો જગતથી પર ઈશ્વરની ભાવનાને વળગી રહે છે તે અને તે ઈશ્વર એક મહાન માનવ સિવાય બીજું કશું નથી, એમ કહે છે તેવા ધર્મો હવે ટકી નહિ શકે; તેઓને જાણે કે, તોડી પાડવામાં આવ્યા છે.

આ બે સિદ્ધાંતોને સંતોષ આપે એવો ધર્મ હોઈ શકે ખરો? મને લાગે છે કે હોઈ શકે. પ્રથમ આપણે જોયું કે સામાન્યીકરણનો સિદ્ધાંત સંતોષવો જોઈએ અને સામાન્યીકરણની સાથોસાથ ઉત્ક્રાંતિનો સિદ્ધાંત પણ સંતોષવો જોઈએ. આપણે આખરે એક અંતિમ સામાન્યીકરણમાં આવવાનું છે કે જે સર્વ સામાન્યીકરણમાં સૌથી વ્યાપક હશે; એટલું જ નહિ પણ જેમાંથી બીજાં બધાં સામાન્યીકરણો મળી આવશે. એની પ્રકૃતિ નીચામાં નીચા કાર્યની પ્રકૃતિના જેવી હશે. ઉચ્ચતમ, અંતિમ આદિકારણ તે નીચામાં નીચી ઉત્ક્રાંતિની પરંપરાનું દૂરમાં દૂર કાર્યસ્વરૂપ જ હશે. વેદાંતનું બ્રહ્મ આ શરતને ચરિતાર્થ કરે છે, કારણ કે બ્રહ્મ એ છેવટનું સામાન્યીકરણ છે કે જ્યાં આપણે પહોંચી શકીએ છીએ. એમાં કોઈ વિશેષ ગુણ નથી; એ માત્ર નિરપેક્ષ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આપણે જોયું કે સત્ – અસ્તિત્વ માનવમન પહોંચી શકે એવું અંતિમ સામાન્યીકરણ છે. ચિત્નો અર્થ આપણે જે સમજીએ છીએ તે જ્ઞાન નથી, પણ તેનું સારતત્ત્વ છે – જે મનુષ્ય કે બીજાં સર્વ પ્રાણીઓમાં ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે પોતાને જ્ઞાનરૂપમાં પ્રગટ કરે છે. આ જ્ઞાનનું સારતત્ત્વ એટલે ઇન્દ્રિયોથી પર, ચેતનાથી પણ પર, એવું પરમતત્ત્વ. જ્ઞાન અને જગતમાં સર્વ વસ્તુના મુખ્ય એકત્વનો અર્થ આ જ છે. મારા મતે આધુનિક વિજ્ઞાન જો વારંવાર કશું પુરવાર કરતું હોય તો તે એ છે કે આપણે શારીરિક, માનસિક, આધ્યાત્મિક રીતે એક છીએ. આપણે શરીરની દૃષ્ટિએ પણ જુદા છીએ એમ કહેવું તે ખોટું છે. દલીલની ખાતર માનો કે આપણે જડવાદી છીએ, તો આપણે એવા સિદ્ધાંત ઉપર આવવું પડશે કે સમગ્ર વિશ્વ જડ પદાર્થનો એક મહાસાગર છે અને તેમાં તમે અને હું નાનાં વમળ જેવાં છીએ. જડ પદાર્થોના સમૂહો દરેક વમળમાં પ્રવેશે છે, વમળનું સ્વરૂપ લે છે અને વળી પાછા જડ પદાર્થ સ્વરૂપે બહાર આવે છે. મારા શરીરમાં જે જડ પદાર્થ છે તે સતત પ્રવાહના સ્વરૂપમાં હોઈને થોડાં વરસ પહેલાં તમારા શરીરમાં, સૂર્યમાં કે વનસ્પતિમાં પણ કદાચ હોય. તમારું શરીર અને મારું શરીર એમ કહેવાથી શું સમજાય છે? શરીરની એકતા. મનની બાબતમાં પણ એવું જ છે. વિચારોનો એક મહાસાગર છે, એક અનંત સમુદાય છે, જેમાં તમારું મન અને મારું મન એક એક વમળ જેવાં છે. અત્યારે મારા વિચારો તમારામાં અને તમારા વિચારો મારામાં કેવી રીતે પ્રવેશ કરે છે, તે ક્રિયાઓ તમે જોઈ નથી શકતા શું? આપણાં સૌનાં જીવનની સમગ્રતા એક છે; આપણે વિચારમાં પણ એક છીએ. આથી વિશેષ સામાન્યીકરણમાં જઈએ તો જડ પદાર્થ અને વિચારનું સારતત્ત્વ આત્માની શક્યતામાં રહેલું છે. આનું નામ જ એકતા. એમાંથી જ બીજું બધું આવ્યું છે અને તેથી સ્વરૂપતઃ બધું એક જ હોવું જોઈએ. આપણે સંપૂર્ણપણે એક જ છીએ; આપણે શરીરની દૃષ્ટિએ એક છીએ, મનની દૃષ્ટિએ એક છીએ અને જો આત્મામાં માનીએ તો માની જ લેવાનું કે તે દૃષ્ટિએ પણ એક જ છીએ. આ એકતા એક એવી હકીકત છે કે આધુનિક વિજ્ઞાન દરરોજ એને સાબિત કરે છે, અભિમાની માણસને એમ કહેવામાં આવે છે કે તમે પેલા જંતુ જેવા જ છો; એમ માનતા નહિ કે તમે એનાથી કાંઈ ઘણા જુદા છો. તમે એના જેવા જ છો. પૂર્વ જન્મમાં તમે જ હતા. આજે જેને માટે તમે બહુ અભિમાન ધરાવો છો તે માનવની સ્થિતિમાં એક જંતુ પહોંચ્યું છે એટલું જ. તો તેને કેવું લાગશે? વસ્તુની એકતા વિશેનો આ ભવ્ય ઉપદેશ જે આપણને સર્વ અસ્તિત્વ સાથે એક બનાવે છે, તે એક મહાન બોધપાઠ શીખવે છે. કેમ કે આપણામાંના ઘણા ઉચ્ચતર અસ્તિત્વ સાથે એક ગણવામાં આનંદ અનુભવીએ છીએ, પણ નીચાં પ્રાણીઓ સાથે એક ગણાવાનું કોઈને ગમતું નથી. માણસનું અજ્ઞાન એવું છે કે કોઈના વડવાઓ નિષ્ઠુર ક્રૂર લૂંટારા હોય તો પણ જો સમાજમાં તેઓ માન પામતા હોય તો એવા માણસો આપણા પૂર્વજો હતા એમ કહીને તેનાથી આપણા વંશની ઉત્પત્તિ બતાવવા આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ આપણા વડવાઓમાંના કોઈ ગરીબ, પ્રામાણિક સદ્‌ગૃહસ્થ હોય, તો આપણામાંનો કોઈ ત્યાં સુધી પેઢીનું પગેરું નહિ પહોંચાડે. પણ આપણી આંખો આગળનાં પડળ દૂર થતાં જાય છે; સત્ય વધારે ને વધારે પ્રગટ થતું જાય છે; તેથી ધર્મને મોટો લાભ થયો છે. જે વિશે હું તમારી સમક્ષ આજે ભાષણ કરી રહ્યો છું તે એ જ અદ્વૈતનો સિદ્ધાંત છે. આત્મા એ આ વિશ્વનું, સર્વ જીવોનું, સારતત્ત્વ છે. એ તમારા પોતાના જીવનનું પણ સારતત્ત્વ છે. તેટલું જ નહિ પણ ‘તું તે છે.’ આ વિશ્વ સાથે તમે એક છો. એક વાર જે કોઈ પોતાને બીજાથી વાળ જેટલો પણ જુદો પાડે છે તે દુઃખી થાય છે. જે આ એકતાને જાણે છે, વિશ્વ સાથે પોતે એક છે એમ સમજે છે, તે સુખી છે.

આમ આપણે જોઈએ છીએ કે વેદાંતનો ધર્મ સર્વ ઘટનાઓને, ઉચ્ચતમ સામાન્યીકરણ અને ઉત્ક્રાંતિના નિયમ હેઠળ લાવીને વૈજ્ઞાનિક જગતની માગણીઓને સંતોષી શકે છે. વસ્તુનું સ્પષ્ટીકરણ તેની અંદરથી જ આવે છે. વેદાંત જ આ સિદ્ધાંતને સૌથી વધારે સંતોષી શકે છે. વેદાંતના ઈશ્વરને, બ્રહ્મને પોતાથી બહાર કશું નથી, બિલકુલ કશું જ નથી. આ સર્વ એ ખરેખર તે છે; તે જગતમાં છે; તે પોતે જ જગતરૂપ છે. ‘તું પુરુષ છે, તું સ્ત્રી છે, તું યૌવનના મદમાં મહાલતો યુવાન છે, ડગુમગુ ચાલતો વૃદ્ધ પણ તું જ છે.’ ઈશ્વર અહીં જ છે. તેને આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ; તેનામાં આપણે જીવીએ છીએ; તેનામાં જ આપણું અસ્તિત્વ છે. ‘નવા કરાર’માં એ જ વિચાર અપાયો છે, તે એ કે ઈશ્વર જગતમાં ઓતપ્રોત છે; સર્વ વસ્તુઓનું સારતત્ત્વ, હાર્દ, આત્મા તે છે. આ વિશ્વમાં જાણે કે તે પોતાને પ્રગટ કરે છે. આ અનંત સચ્ચિદાનંદ મહાસાગરમાં આપણે નાના ટુકડાઓ, બિન્દુઓ, નાનાં વહેણો અને નાની અભિવ્યક્તિઓ તરીકે છીએ. માનવ માનવ વચ્ચેનો, માનવ અને દેવ વચ્ચેનો, માનવ અને પ્રાણીઓ વચ્ચેનો, પ્રાણીઓ અને વનસ્પતિ વચ્ચેનો, વનસ્પતિ અને પથ્થરો વચ્ચેનો ભેદ એના પ્રકારમાં રહ્યો નથી, કેમ કે ઉચ્ચતમ દેવથી માંડીને ભૌતિક પદાર્થના હલકામાં હલકા અંશ સુધીના સર્વ એક અનંત મહાસાગરનાં જ સ્વરૂપો માત્ર છે; ભેદમાત્ર પ્રમાણનો છે. હું ઊતરતી અભિવ્યક્તિ હોઉં, તમે ઉચ્ચ અભિવ્યક્તિ હો, પણ બંનેમાં ઉપાદાન એક જ છે. ઈશ્વરરૂપ એક જ પ્રવાહનું તમે અને હું બંને વહેણ છીએ અને એ રીતે તમારી અને મારી પ્રકૃતિ ઈશ્વર જ છે. તમારા જન્મસિદ્ધ હકથી જ તમે ઈશ્વરી પ્રકૃતિના છો, મારું પણ તેમ જ છે; તમે પવિત્ર દેવ હો અને હું હીન રાક્ષસ હોઉં, તેમ છતાં સચ્ચિદાનંદના તે અનંત મહાસાગર પર મારો જન્મસિદ્ધ હક્ક છે તેમ તમારો પણ છે. આજે તમે પોતાને વધારે પ્રગટ કરી રહ્યા છો, પણ જરા થોભો. હું પણ મને હજુ વધારે પ્રકટ કરીશ, કેમ કે તે બધું મારી અંદર પણ રહેલું જ છે. કોઈ બહારના સ્પષ્ટીકરણની જરૂર નથી; કોઈ માગતું પણ નથી. આ સમગ્ર વિશ્વનો સરવાળો એટલે ઈશ્વર પોતે, ત્યારે શું ઈશ્વર જડ પદાર્થ છે? અવશ્ય નહિ, કેમ કે જડ પદાર્થ એટલે પાંચ ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવતો ઈશ્વર. એ જ ઈશ્વર બુદ્ધિ દ્વારા અનુભવમાં આવે એટલે મન કહેવાય અને જ્યારે આત્મા દ્વારા અનુભવાય ત્યારે એ જ ઈશ્વર આત્મસ્વરૂપે અનુભવમાં આવે. ઈશ્વર જડ નથી, પણ જડ વસ્તુમાં જે સાચાપણું છે તે ઈશ્વર છે. આ ખુરશીમાં જે કાંઈ સત્ય વસ્તુ છે તે ઈશ્વર છે, કારણ કે ખુરશીનો ખુરશીરૂપે અનુભવ થવામાં બે વસ્તુની જરૂર પડે છે. બહાર રહેલું કંઈક મારી પાસે મારી ઇન્દ્રિયોએ રજૂ કર્યું અને તેમાં મારા મન તરફથી કંઈક ઉમેરાયું અને એ બેનું સંમિશ્રણ એટલે ખુરશી. બુદ્ધિ તથા ઇન્દ્રિયોથી સ્વતંત્ર, અનંતકાળથી જેનું બાહ્ય અસ્તિત્વ છે તે છે પરમાત્મા પોતે. એના ઉપર ઇન્દ્રિયોનાં ચિતરામણ જેવાં આ ખુરશી અને ટેબલ અને ઘર, દુનિયા, સૂર્ય, તારાઓ અને બીજું બધું છે. તો પછી આ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા ઉપર ચિત્રકામ જેવી વસ્તુઓને આપણે બધા એકસરખી રીતે કેમ ચીતરીએ છીએ? આપણે બધા ખુરશીને એકસરખી રીતે ખુરશી કેમ જોઈએ છીએ? વાત એમ છે કે આપણે સૌ એકસરખાં ચિત્ર દોરીએ તેની જરૂર નથી. પણ જે કોઈ એ ચિત્રકામ કરે છે, તે બધા એક સમાન ભૂમિકાએ છે અને એ કારણથી તેઓ એકબીજાનાં ચિત્રકામ જુએ છે તેમ જ પરસ્પરને પણ જુએ છે. અહીંયાં, તમારી અને મારી વચ્ચે, પરમાત્મા પર સમાન રીતે ચિત્રકામ ન કરનારા લાખો ને કરોડો જીવો હોઈ શકે; આપણે તેમને તથા એમનાં ચિતરામણને જોઈ શકતા નથી.

બીજી બાજુ તમે જાણો છો તેમ, આધુનિક પદાર્થવિજ્ઞાનની શોધખોળનું વલણ વધુ અને વધુ એવું દર્શાવવા તરફ છે કે જે ખરેખર સાચું છે તે માત્ર સૂક્ષ્મ છે; સ્થૂળ તો કેવળ આભાસ છે. એ ગમે તેમ હોય, પરંતુ આપણે જોયું કે આધુનિક બુદ્ધિવાદની કસોટીએ ટકી શકે એવો આધ્યાત્મિક સિદ્ધાંત જો કોઈ હોય તો તે અદ્વૈતવાદ જ છે, કારણ કે એ બંને જરૂરિયાતો પૂરી પાડે છે. એ સર્વોચ્ચ અને વ્યક્તિત્વથી યે પર, સર્વ વસ્તુઓમાં સમાનતાથી રહેલું સામાન્યીકરણ છે. સગુણ સાકાર ઈશ્વરમાં પરિણમે એ સામાન્યીકરણ કદી વિશ્વવ્યાપી હોઈ શકે જ નહિ. ઈશ્વરની એક વ્યક્તિરૂપે કલ્પના કરવા માટે આપણે કહેવું પડે કે ઈશ્વર પરમ દયાળુ, પરમ મંગલમય છે. પણ આ જગત તો એક મિશ્રણ જેવું છે – કેટલુંક સારું અને કેટલુંક નરસું. આપણે તો આપણને જેટલું ગમે છે તેટલું લઈ લઈને તેના સામાન્યીકરણરૂપે એક વ્યક્તિ તરીકે ઈશ્વરને કલ્પીએ છીએ! જેમ તમે કહો છો કે વ્યક્તિરૂપ ઈશ્વર આ છે અને તે છે, તેમજ તમારે એ પણ કહેવું પડશે કે ઈશ્વર આ નથી અને તે નથી અને તો તમને હંમેશાં જણાશે કે વ્યક્તિરૂપ ઈશ્વરની કલ્પનાની સાથોસાથ વ્યક્તિરૂપ શેતાનની કલ્પના પણ હોવી જોઈએ. એ રીતે આપણને સ્પષ્ટ જણાય છે કે ઈશ્વર વિશેનો એક વ્યક્તિ તરીકેનો ખ્યાલ એ સાચું સામાન્યીકરણ નથી; આપણે એથી આગળ વ્યક્તિત્વથી પર, નિર્વિશેષ સુધી પહોંચવું જોઈએ. એની અંદર સર્વ સુખો અને દુઃખો સહિતનું જગત રહેલું છે. જે કાંઈ એમાં હયાતિ ધરાવે છે તે બધુંય એ નિર્વિશેષ તત્ત્વમાંથી આવેલ છે. એ તે કઈ જાતનો ઈશ્વર કે જેમાં આપણે સારું અને નરસું આરોપીએ? વાત એમ છે કે સારું અને નરસું બંને એક જ વસ્તુનાં જુદાં જુદાં પાસાં અગર અભિવ્યક્તિઓ છે. એ બે અલગ અલગ હતાં એ વિચાર મૂળમાં ખોટો છે અને આપણી આ દુનિયામાં મોટા ભાગનાં દુઃખોનું મૂળ એ જ વિચાર છે – કે સાચું કે ખોટું એ જુદી, એકબીજાથી સાવ સ્વતંત્ર, ફાડિયાં કરીને સૂકવી નાખેલી અલગ બાબતો છે કે સારું કે નરસું એ બે સદાયને માટે અલગ પાડી શકાય એવા ભિન્ન ભિન્ન પદાર્થો છે. કાયમને માટે જે શુભ કે અશુભ હોય એવું કાંઈક જો કોઈ મને બતાવે તો તેને મળતાં મને બહુ આનંદ થશે. આપણા જીવનની કેટલીક ઘટનાઓની કેવળ સારી જ અને કેટલીકની કેવળ નરસી જ એવી વ્યાખ્યા ઢોલ પીટીને ગંભીરતાથી આપી શકાય એમ કેટલાક માને છે તે બરાબર નથી. જે આજે શુભ છે તે આવતી કાલે અશુભ બને; જે આજે ખરાબ છે તે આવતી કાલે સારું બને. મારે માટે જે સારું છે તે તમારે માટે ખરાબ હોય. એટલે સિદ્ધાંત એવો છે કે બીજી બધી વસ્તુઓની પેઠે સારા અને નરસામાં પણ વિકાસ રહેલો છે. એવું કાંઈક છે કે જેને તેના વિકાસની અમુક ભૂમિકાએ આપણે સારું કહીએ છીએ અને બીજી ભૂમિકાએ નરસું કહીએ છીએ. જે તોફાનથી મારા મિત્રનું મૃત્યુ થાય તેને હું ખરાબ કહું; પણ એનાથી હવામાંનાં અસંખ્ય સૂક્ષ્મ જંતુઓનો નાશ થઈ જવાથી લાખો લોકોના પ્રાણ બચી જાય તેમ પણ બને. એ લોકો કહેશે કે એ સારું થયું, જ્યારે હું કહીશ કે એ બૂરું થયું. એટલે સારું અને નરસું એ બેઉ સાપેક્ષ જગતની લીલામાં સમાયેલાં છે. જે નિર્વિશેષ પરમાત્માને અમે રજૂ કરીએ છીએ તે સાપેક્ષ ઈશ્વર નથી; એ કારણસર તે કાં શુભ છે અને કાં અશુભ છે, એમ ન કહી શકાય. એ તો એ બંનેયથી પર છે, કારણ કે એ શુભ પણ નથી અને અશુભ પણ નથી. જો કે અશુભના કરતાં શુભ એ ઈશ્વરની વધારે નજીકની અભિવ્યક્તિ છે.

આવા પરમાત્માના નિર્વિશેષ સ્વરૂપને સ્વીકારવાનું ફળ શું? એમાં આપણને લાભ શું? માનવજીવનના અંગ તરીકે ધર્મ આપણને દિલાસો દેનાર, આપણા સહાયક તરીકે ટકી શકશે? સહાય માટે કોઈક વ્યક્તિવિશેષની પ્રાર્થના કરવાની માનવહૃદયની ઇચ્છાનું શું થશે? ગભરાવાની જરૂર નથી. એ બધું બરાબર રહેશે. જગન્નિયંતા ઈશ્વર રહેશે, પણ વધુ સારા પાયા ઉપર નિર્વિશેષ એ ઈશ્વરને પુષ્ટિ મળી છે. આપણે જોઈ ગયા કે નિર્વિશેષ સ્વરૂપ સિવાય ઈશ્વરનું વ્યક્તિત્વ ટકી શકે નહિ. જો એમ કહેવા માગતા હો કે એક એવો ઈશ્વર છે કે જે આ જગતથી સંપૂર્ણપણે અલગ છે અને જેણે આ જગતને શૂન્યમાંથી માત્ર પોતાની ઇચ્છાશક્તિના જોરે ઉત્પન્ન કર્યું છે, તો તે સાબિત થઈ શકે એમ નથી. એવી વસ્તુસ્થિતિ હોઈ શકે જ નહિ. પરંતુ જો આપણે નિર્વિશેષ ભાવના સમજીએ તો ઈશ્વરના વ્યક્તિત્વનો ખ્યાલ પણ ટકી શકે એમ છે. આ વિશ્વ, એનાં વિધવિધ સ્વરૂપો સાથે, એ નિર્વિશેષ પરમાત્માનું જ વિવિધરૂપે દર્શન છે. જ્યારે આપણે એને પાંચ ઇન્દ્રિયો દ્વારા જોઈએ છીએ, ત્યારે એને ભૌતિક જગત એવું નામ આપીએ છીએ. જો કોઈ પાંચથી વધુ ઇન્દ્રિયોવાળો જીવ એને જુએ તો એને એ કંઈક જુદા રૂપે દેખે. આપણામાંથી કોઈકને જો વિદ્યુત પારખવાની શક્તિ મળી હોય તો એને વિશ્વ કંઈક જુદે જ રૂપે દેખાશે. એક એકત્વનાં એ વિવિધ રૂપો છે, આ બધા લોકો વિશેના વિવિધ વિચારો એ એકનાં માત્ર જુદાં જુદાં દર્શનો છે અને સગુણ ઈશ્વર એ પેલા નિર્ગુણનું માનવબુદ્ધિ દ્વારા થઈ શકતું ઊંચામાં ઊંચું દર્શન છે. એટલે કે ઈશ્વરના વ્યક્તિત્વનું સાચાપણું આ ખુરશી જેટલું, આ જગત જેટલું જ છે; એથી વિશેષ નહિ. પણ એ નિરપેક્ષ સત્ય નથી. એટલે કે વ્યક્તિરૂપ ઈશ્વર એ નિર્વિશેષ પરમાત્મા જ છે; અને તેથી, જેમ હું મનુષ્ય તરીકે એક જ વખતે સાચો છું તેમ જ સાચો નથી, તેવી રીતે એ ઈશ્વર પણ ઈશ્વર દૃષ્ટિએ સત્ય છે અને નિર્વિશેષ દૃષ્ટિએ નથી. તમે મને જે રીતે જુઓ છો તે પ્રમાણે જ હું છું એ ખરું નથી; એ વિશે તમારે ખાતરી કરવી હોય તો કરી શકો છો. તમે મને જે રૂપે માનો છો તે રૂપે હું નથી; તમારી બુદ્ધિને તમે એ બાબતમાં ખાતરી કરાવી શકો છો, કારણ કે પ્રકાશ તથા વિવિધ પ્રકારનાં સ્પંદનો અથવા વાતાવરણના સંજોગો અને મારી અંદરની વિવિધ પ્રકારની ક્રિયાઓ, એ બધાંયનો તમને હું જે રૂપે દેખાઉં છું તે રૂપે બતાવવામાં ફાળો છે. આમાંથી એકાદ બાબત પણ બદલાય, તો હું વળી બદલાઉં. આ બાબતમાં ખાતરી કરવી હોય તો તમે એક માણસના ફોટા પ્રકાશની જુદી જુદી પરિસ્થિતિમાં લઈને કરી જુઓ. એટલે હું જેવો દેખાઉં છું તેવો તમારી ઇન્દ્રિયોની અપેક્ષાએ દેખાઉં છું અને આ બધી હકીકતો હોવા છતાં પરિવર્તનરહિત એવું એક કંઈક છે કે જેનાં, એ અપૌરુષેય હુંનાં, આ બધાં મારાં સ્વરૂપો અને અવસ્થાઓ હજારો રૂપે, દેખાય છે. હું બાળક હતો, હું જુવાન થયો, હું વૃદ્ધ થતો જાઉં છું. મારા જીવન દરમિયાન રોજ રોજ મારું શરીર અને મારા વિચારો પરિવર્તન પામતા જાય છે, પણ આ બધાં પરિવર્તનો થતાં રહેવા છતાં, એ બધાંયનો એકંદર સરવાળો એક એવો સમૂહ બને છે કે જે સદા એકસરખો જ હોય છે. એ છે પરિવર્તનરહિત એવો હું અને આ બધી અભિવ્યક્તિઓ જાણે કે તેના અંશો છે.

એ જ રીતે આ વિશ્વનો એકંદર સરવાળો સ્થિર છે, એ આપણે જાણીએ છીએ; છતાં આ વિશ્વની સાથે સંબંધ ધરાવતું સર્વ કાંઈ ગતિશીલ છે, સર્વ કાંઈ પરિવર્તન પામ્યે જતું અને હલનચલનવાળું અસ્થિર દશામાં છે. તે સાથે જ, આપણે જોઈએ છીએ કે વિશ્વ એક સમગ્રતા રૂપે ગતિરહિત છે, કારણ ગતિ એ સાપેક્ષ શબ્દ છે. હું ગતિમાન છું તે ગતિરહિત એવી ખુરશીની અપેક્ષાએ છું. ગતિનું ભાન થવા માટે ઓછામાં ઓછી બે બાબતો જોઈએ – એક ગતિહીન અને બીજું જેનામાં ગતિ છે તે. જો આ આખું વિશ્વ એક સમગ્ર એકમ તરીકે ગણવામાં આવે તો એમાં ગતિ નથી; એ શાની અપેક્ષાએ ગતિમાન બને? આમ કેવળ નિરપેક્ષ પરમાત્મા પરિવર્તનરહિત અને ગતિરહિત છે અને એ બધી ગતિઓ અને પરિવર્તનો માત્ર લીલામય મર્યાદિત જગતમાં છે. એ સમગ્રતા નિરપેક્ષ છે. ઝીણામાં ઝીણા પરમાણુથી માંડીને ઈશ્વર સુધી જગન્નિયામક, જગતકર્તા, સાર્વભૌમ સત્તા – જેની પાસે આપણે ઘૂંટણીએ પડીએ છીએ, જેની આપણે પ્રાર્થના કરીએ છીએ – એ સર્વ આ નિર્વિશેષ પરમાત્માની અંદર રહેલ છે. આવા એક વ્યક્તિવિશેષ રૂપ ઈશ્વરને ખૂબ તર્ક દ્વારા સાબિત કરી શકાય. આવા એક વ્યક્તિવિશેષ રૂપ ઈશ્વરને એ નિર્વિશેષની સર્વોચ્ચ અભિવ્યક્તિ તરીકે સમજાવી શકાય તેમ છે. હું અને તમે અતિશય ઝાંખી અભિવ્યક્તિઓ છીએ અને સગુણ ઈશ્વર એ એની ઊંચામાં ઊંચી કલ્પના છે. તેમ છતાં હું કે તમે ઈશ્વર બની શકીએ નહિ. વેદાંત જ્યારે કહે છે કે તમે અને હું ઈશ્વર છીએ, ત્યારે એનો ભાવાર્થ સગુણ ઈશ્વર નથી. દાખલા તરીકે માટીના મોટા પિંડામાંથી એક મોટો હાથી બનાવવામાં આવ્યો હોય અને એ જ માટીના પિંડામાંથી એક નાનો ઉંદરડો બનાવ્યો હોય. હવે એ માટીનો ઉંદરડો તે કદી માટીનો હાથી બની શકવાનો હતો કે? પણ એ બેઉને પાણીમાં નાખો એટલે એ બેઉ માટીરૂપ જ છે; માટીરૂપે એ બેઉ એક છે, પણ ઉંદર તથા હાથી રૂપે એમની વચ્ચે કાયમનો ભેદ રહેવાનો જ. અનંત આત્મા આ ઉદાહરણમાંની માટી સમાન છે. આપણે અને જગન્નિયામક ઈશ્વર ચૈતન્ય રૂપે એક જ છીએ, પણ પ્રગટ થયેલ જીવો રૂપ માનવી રૂપે આપણે તે ઈશ્વરના સદાના સેવક અને તેના ઉપાસકો છીએ. આમ આપણે જોઈએ છીએ કે એક વ્યક્તિ વિશેષ સ્વરૂપે ઈશ્વર છે જ. સાપેક્ષ જગતમાં બીજું બધું પણ રહે છે અને તેથી ધર્મનો પાયો વધુ મજબૂત બને છે. એથી સગુણ ઈશ્વરને ઓળખવા માટે આપણે પ્રથમ નિર્વિશેષ પરમાત્માને ઓળખીએ એ જરૂરનું છે.

આપણે જોયું તેમ, ન્યાયના સિદ્ધાંત પ્રમાણે વિશેષનું જ્ઞાન સામાન્યના જ્ઞાન દ્વારા જ થઈ શકે. તેથી માનવથી માંડીને ઈશ્વર સુધીના આ બધા વિશેષો, સર્વોચ્ચ સામાન્ય સ્વરૂપ નિર્વિશેષ પરમાત્મા દ્વારા જ જાણી શકાય છે. પ્રાર્થનાઓ રહેશે, માત્ર તેમના અર્થમાં વિશેષતા આવશે. પ્રાર્થનાના પેલા બધા અર્થહીન ખ્યાલો – પ્રાર્થનાની નીચી ભૂમિકાઓ, જેમાં આપણા મનની મૂર્ખાઈભરી વાસનાઓને જ શબ્દોનું સ્વરૂપ આપવામાં આવતું, એને કદાચ જવું પડે. બધા વિચારશીલ ધર્મોમાં પરમેશ્વરની પ્રાર્થના કરવાની રજા નથી હોતી, દેવતાઓની પ્રાર્થના કરવાની છૂટ હોય છે અને એ સ્વાભાવિક છે. રોમન કેથલિકો સંત પુરુષોની પ્રાર્થના કરે; એ તદ્દન સારું છે. પણ ઈશ્વરની પ્રાર્થના કરવી એ અર્થ વિનાનું છે. ઈશ્વરને કહેવું કે, ‘હે ઈશ્વર, અમને હવા આપ, વરસાદ વરસાવ, અમારી વાડીનાં ફળોને રસવાળાં બનાવ’ એવું બધું સાવ કૃત્રિમ છે. તો પણ, જેઓ આપણી પેઠે ઓછી શક્તિવાળા જીવો હતા તે સંતપુરુષો આપણને સહાય કરી શકે. પરંતુ, આપણી દરેક ક્ષુદ્ર માગણીઓ સારુ બડબડાટ કરીને વિશ્વના નિયામકને બચપણથી કહ્યા કરવું કે, ‘હે પ્રભો, મારું માથું ચડ્યું છે; તું એ મટાડી દે’ એ હાસ્યાસ્પદ છે. લાખો જીવો આ જગતમાં મૃત્યુ પામેલા છે અને એ બધા અહીં છે; તેઓ દેવો અને દેવદૂતો થયેલા છે; એ ભલે તમારી મદદે દોડે. પણ ઈશ્વર! ના, એને માટે એવું ન હોઈ શકે. એમની પાસે તો આપણે વધુ ઉચ્ચ વસ્તુઓ સારુ જવું જોઈએ. ગંગાને કાંઠે બેસીને પાણી સારુ જે કૂવો ખોદવા બેસે એ મૂર્ખ નહિ તો બીજું શું? હીરાની ખાણ પાસે વસવા છતાં જે ચકમકના કટકા સારુ ખાડો ખોદવા બેસે તે ખરેખર અક્કલ વિનાનો નહિ તો બીજું શું?

અને તે જ પ્રમાણે આપણે પણ જો એ દયામય, પ્રેમમય પિતા પાસે ક્ષુદ્ર ભૌતિક વસ્તુઓ માટે રોદણાં રોતા જઈશું તો મૂર્ખ ઠરીશું. માટે એમની પાસે તો આપણે પ્રકાશ સારુ, બળ સારુ, પ્રેમ સારુ જવું જોઈએ. પરંતુ, જ્યાં સુધી આપણામાં દુર્બળતા અને પરાધીન ગુલામીની લાલસા હશે ત્યાં સુધી આ ક્ષુદ્ર પ્રાર્થનાઓ અને સગુણ ઈશ્વરની ઉપાસનાના ખ્યાલો રહેવાના જ. પરંતુ જેઓ વિકાસમાં ઘણા આગળ વધી ગયા છે, તેઓ આવી નજીવી સહાયની પરવા કરતા નથી. તેઓ પોતાને માટે માગવાનું ભૂલી જ ગયા હોય છે; તેમનો મુખ્ય વિચાર એક જ હોય છે કે હું નહિ પણ તું, મારો ભાઈ પહેલો. નિર્ગુણ ઈશ્વરની ઉપાસના કરવાને યોગ્ય તો એ મહાપુરુષો છે. ‘હે ભગવાન! હું સાવ ક્ષુદ્ર છું, મારા પર દયા કરો’ અને એવી બધી ગુલામી ત્યાં નથી. પેલી જૂની ફારસી કવિતાનો અંગ્રેજી અનુવાદ તો તમે જાણો છોઃ ‘હું મારા પ્રિયતમને મળવા ગઈ. બારણાં બંધ હતાં. મેં ટકોરો માર્યો એટલે અંદરથી અવાજ આવ્યો કે, ‘તું કોણ છો?’ મેં કહ્યું, ‘હું ફલાણી.’ બારણાં ન ઊઘડ્યાં. બીજી વાર હું ગઈ અને બારણે ટકોરો માર્યો; એનો એ સવાલ અને મારો એનો એ જવાબ. બારણાં બંધ હતાં. મેં ટકોરો માર્યો એટલે અંદરથી અવાજ આવ્યો કે, ‘તું કોણ છો?’ મેં કહ્યું, ‘હું ફલાણી.’ બારણાં ન ઊઘડ્યાં. હું ત્રીજી વાર ગઈ અને સામેથી એ જ પ્રશ્ન પુછાયો. મેં ઉત્તર આપ્યો કે, ‘હું તારું જ સ્વરૂપ છું, મારા વહાલા’ અને એ સાથે જ બારણું ઊઘડ્યું.’ નિર્વિશેષ પરમાત્માની ઉપાસના સત્યની મારફત થાય છે અને સત્ય શું છે? ‘હું તે છું – सोऽहम्’. જ્યારે હું કહું કે હું પરમાત્મા નથી ત્યારે એ અસત્ય છે. જ્યારે કહું કે હું તમારાથી અલગ છું, ત્યારે એ જૂઠાણું છે, હડહડતું જૂઠાણું છે. આ વિશ્વ સાથે હું જન્મથી જ એકરૂપ છું. મારી ઇન્દ્રિયોનો એ અનુભવ છે કે હું વિશ્વની સાથે એક છું. મારી આસપાસની હવાની સાથે હું એકરૂપ છું. ગરમીની સાથે, તેજની સાથે, જે આ વિશ્વને નામે ઓળખાય છે, જે આ વિશ્વરૂપે ભૂલથી જણાય છે, તે સમગ્ર વિશ્વવ્યાપી સત્તાની સાથે એકરૂપ છું, કારણ કે હરેક હૃદયમાં રહેલો એ નિત્ય દ્રષ્ટા, મૃત્યુથી પર, સુષુપ્તિથી પર, અવિનાશી, નિત્ય મહિમાવાન, નિત્ય શક્તિમાન આત્મા બોલી રહ્યો છે કે, ‘હું છું.’ હું એની સાથે એકરૂપ છું.

આ બધું નિર્વિશેષ આત્માની ઉપાસના છે; અને એનું પરિણામ શું? પરિણામ છે માણસનું આખું જીવન પલટાઈ જવું તે. આ જીવનમાં આપણને શક્તિની સૌથી વધારે જરૂર છે. આપણે જેને પાપ અને શોક કહીએ છીએ એ બધાંયનું કારણ આપણી નિર્બળતા છે. નિર્બળતાની સાથે આવે છે અજ્ઞાન; અને અજ્ઞાનની સાથે દુઃખ રહેલું છે જ. આત્માની ઉપાસના આપણને તાકાત આપશે. ત્યારે દુઃખોને હસી કાઢવામાં આવશે, દુષ્ટના અત્યાચાર પ્રત્યે મોં મલકાવશે અને હિંસક વાઘના ક્રૂર સ્વભાવની પાછળ આપણો પોતાનો જ આત્મા પ્રકાશી ઊઠશે. આ પરિણામ આવશે. પરમાત્માની સાથે એક થયેલ આત્મા જ શક્તિમાન છે, બીજો કોઈ નહિ. તમારા પોતાના બાઇબલમાં જુઓ. જે અનંત શક્તિના જોરે નાઝરથનો ઈશુ પોતાના દ્રોહીઓને હસી કાઢી શક્યો, પોતાના ખૂનીઓને આશિષ આપી શક્યો, એ તાકાતનું મૂળ તમે શું ધારો છો? ‘હું અને મારા પિતા એક જ છીએ’ એવો અનુભવ અને ‘પિતા, જેમ હું તમારી સાથે એકરૂપ છું, તેમ તેમને બધાને મારી સાથે એકરૂપ કરો.’ એવી પ્રાર્થના. આ છે નિર્વિશેષ આત્માની ઉપાસના. વિશ્વની સાથે એક બનો, પરમાત્માની સાથે એક બનો. આ નિર્વિશેષ આત્માને કશી સાબિતી કે પ્રમાણની જરૂર નથી. એ આપણી ઇન્દ્રિયો કરતાંય વધુ નજીક છે; એનામાં અને એની દ્વારા, આપણે જોઈએ છીએ અને વિચાર કરીએ છીએ. કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રથમ આપણે એને જોવો પડે. આ દીવાલને જોવા માટે હું પ્રથમ એ આત્માને જોઉં છું અને પછી દીવાલને, કારણે કે એ જ સનાતન દ્રષ્ટા છે. કોણ કોને જુએ છે? એ અહીં આપણા અંતરનાય અંતરમાં છે. દેહ અને મન પરિવર્તન પામે છે; સુખ, દુઃખ, સારુંનરસું આવે છે અને જાય છે; દિવસો અને વરસો વહ્યે જાય છે; જીવન આવે છે અને જાય છે; પણ એ આત્મા મરતો નથી. એ જ અવાજ ‘હું છું, હું છું’, सोऽहम् સનાતન અને અપરિવર્તનશીલ છે. તેનામાં અને તેની દ્વારા આપણે સર્વ કાંઈ જાણીએ છીએ. તેનામાં અને તેની દ્વારા આપણને ઇન્દ્રિયોનું જ્ઞાન થાય છે, આપણે વિચાર કરીએ છીએ, આપણે જીવીએ છીએ અને આપણું અસ્તિત્વ છે અને એ ‘અહમ્’ કે જેને આપણે ભૂલથી અલ્પ હુંપણારૂપે માની બેસીએ છીએ, તે મારો એકલાનો ‘અહં’ છે એમ નહિ, પણ તમારો, પ્રાણીઓનો, દેવતાઓનો, નીચામાં નીચી કોટિનાઓનો, સર્વ કોઈનો છે. એ ‘હું છું’ની ભાવના ખૂનીમાં તેમજ મુનિમાં, ધનવાનમાં તેમજ ગરીબમાં, નરમાં તેમજ નારીમાં, માનવમાં તેમજ પશુપંખીઓમાં, સર્વમાં એક સમાન છે. નીચામાં નીચી કોટિના જીવાણુથી માંડીને ઉચ્ચમાં ઉચ્ચ શ્રેણીના દેવતા સુધી સર્વ જીવોમાં એ રહેલ છે અને સનાતન કાળથી ઘોષણા કરી રહેલ છે કે ‘सोऽहम्, सोऽहम्’. જ્યારે આપણે આ સદાય હાજર રહેલા એ શાશ્વત નાદને સમજ્યા હોઈશું, જ્યારે આપણે આ ઉપદેશને ગ્રહણ કર્યો હશે, ત્યારે સમસ્ત વિશ્વનો ભેદ ઉકેલાઈ ગયો હશે. પ્રકૃતિએ પોતાનું સર્વ રહસ્ય આપણી સમક્ષ ખુલ્લું કરી દીધું હશે. પછી જાણવાનું કશું જ બાકી રહેશે નહિ. આ રીતે જે સત્યની સર્વ ધર્મો શોધ કરી રહ્યા છે તે આપણને પ્રાપ્ત થશે. ત્યારે આપણને જણાશે કે આ બધી ભૌતિક વિદ્યાઓનું જ્ઞાન સાવ ગૌણ છે. સાચું જ્ઞાન એક એ જ છે કે જે આપણને વિશ્વના સર્વેશ્વર સાથે એક બનાવે છે.

Total Views: 172
૧૨. જીવન વ્યવહારમાં વેદાંતઃ પ્રવચન - ૪
૧૪. બ્રહ્મ અને જગત